એક સીટ Krunal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક સીટ

આજે અમદાવાદ બસ સ્ટેન્ડ પર પગ મૂકવાની જગ્યા નહોતી. ચોમાસાની સાંજે અચાનક તૂટી પડેલા વરસાદે આખા શહેરની ગતિ રોકી દીધી હતી. દરેક માણસ બસમાં ચડીને વહેલી તકે પોતાના ઘરે પહોંચવા માંગતો હતો. વિનુભાઈ પણ એ ભીડનો એક ભાગ હતા. સરકારી ઓફિસમાંથી નિવૃત્ત થયેલા વિનુભાઈ ની ઉંમર સાઠને વટાવી ગઈ હતી. ગોઠણના દુખાવાથી પીડાતા વિનુભાઈ માટે આ અસ્તવ્યસ્ત ભીડમાં ઊભા રહેવું પણ એક સજા સમાન હતું.

અમદાવાદ થી વડોદરા જતી બસ જેવી પ્લેટફોર્મ પર આવી, કે લોકટોળું ધસમસતું બસના દરવાજા તરફ દોડ્યું. ધક્કામુક્કી અને ઘોંઘાટ વચ્ચે વિનુભાઈ જેમતેમ કરીને બસમાં ચડ્યા. બસ આખી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. દરેક સીટ પર લોકો ગોઠવાઈ ગયા હતા અને ગલિયારામાં પણ ઊભા રહેવાની જગ્યા નહોતી. અને કંડક્ટર પણ બધાને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા હતા.

વિનુભાઈએ આશાભરી નજરે આસપાસ જોયું. બસની વચ્ચેની એક સીટ પર એક વીસ-બાવીસ વર્ષનો યુવાન બેઠો હતો. કાાનમાં ઈયરફોન લગાવીને, મોબાઈલમાં મશગૂલ એ યુવાન બહાર વરસી રહેલા વરસાદને જોઈ રહ્યો હતો. વિનુભાઈ હળવેથી તેની સીટ પાસે જઈને ઊભા રહ્યા. એમનો હાથ સીટના હેન્ડલ પર ટેકવાયેલો હતો અને ચહેરા પર થાક અને પીડા સ્પષ્ટ દેખાતા હતા.

"બેટા..." વિનુભાઈ એ ધીમેથી હાંક મારી.
યુવાને ઈયરફોન કાઢીને ઊંચું જોયું. "હા, કાકા?"
"બેટા, મારાથી બહુ સમય ઊભા રહેવાય તેમ નથી. જો તું થોડી વાર જગ્યા આપે તો..." વિનુભાઈ અટકી ગયા.
યુવાનના ચહેરા પર ક્ષણભર માટે કંટાળો તરી આવ્યો. તેણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને શુષ્ક અવાજે બોલ્યો, "કાકા, હું પણ લાઈનમાં ઊભો રહીને, ધક્કા ખાઈને સીટ મેળવીને બેઠો છું. મારી પાસે પણ ઓફિસનો આખા દિવસનો થાક છે."

યુવાનનો જવાબ સાંભળીને વિનુભાઈ નું દિલ દુભાયું. તેમણે કશું જ કહ્યું નહીં, ફક્ત એક ઊંડો નિસાસો નાખીને પોતે જે પકડ પકડી હતી તેને મજબૂત કરી લીધી. બસ ઉપડી ગઈ. રસ્તાના ખાડા અને બસના ઝાટકા વિનુભાઈના ગોઠણનો દુખાવો વધારી રહ્યા હતા.

અડધો કલાક વીતી ગયો. વરસાદનું જોર વધતું જતું હતું. બસના કાચ પર પાણીની ધારાઓ વહી રહી હતી. યુવાન વારંવાર વિનુભાઈ તરફ જોઈ રહ્યો હતો. વિનુભાઈ નો ધ્રૂજતો હાથ, કપાળ પર બાઝેલા પરસેવાના બુંદો અને બંધ થતી આંખો યુવાનના મનમાં કંઈક અજંપો પેદા કરી રહી હતી. તેને પોતાના વર્તન પર થોડો અફસોસ થવા લાગ્યો.
આખરે, યુવાનથી રહેવાયું નહીં. તે ઊભો થયો અને વિનુભાઈનો હાથ પકડીને બોલ્યો, "કાકા, આવી જાઓ. તમે બેસી જાઓ."

વિનુભાઈ એ સામે જોયું, યુવાનના અવાજમાં હવે કંટાળો નહીં પણ આદર અને ગ્લાનિ હતી. વિનુભાઈ એ સ્મિત કર્યું અને કહ્યું, "ના બેટા, હવે રહેવા દે. મારે આગામી સ્ટોપ પર જ ઊતરી જવું છે."
"ના કાકા, મને શરમાવશો નહીં. મારે ભૂલ થઈ ગઈ. પ્લીઝ, તમે બેસો," યુવાને વિનંતી કરી.

વિનુભાઇ તેની આજીજી જોઈને ના પાડી શક્યા નહીં. તેઓ સીટ પર બેઠા. સીટ પર બેસતાની સાથે જ તેમના ચહેરા પર જે રાહત દેખાઈ, તે જોઈને યુવાનના મનનો ભાર હળવો થઈ ગયો.

"તારું નામ શું છે, બેટા?" વિનુભાઈ એ પૂછ્યું.
"રોહિત, કાકા," યુવાને નમ્રતાથી કહ્યું.
"રોહિત, આજે તેં મને ફક્ત એક સીટ નથી આપી, પણ તારા અહમને બાજુ પર મૂકીને માણસાઈ બતાવી છે. બસ આ જ સાચી કેળવણી છે," વિનુભાઈ તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

બસ પોતાના ગંતવ્ય તરફ આગળ વધી રહી હતી. બહાર અંધારું અને વરસાદ હતો, પણ બસની અંદર 'એક સીટ'ના કારણે બે પેઢીઓ વચ્ચે એક સુંદર અને હૂંફાળો સેતુ બંધાઈ ચૂક્યો હતો. રોહિત આજે ઊભો હતો, છતાં તેનું મન હળવું અને ખુશ હતું.