અનુરાધાને જે ભય હતો એવું જ થયું. આસ્થાના મુખેથી અનિમેષ નામ સાંભળી એ શું કહે એજ ચિંતામાં એ પડી! મનોમન ગનુદાદાને યાદ કરી એ જે મનમાં આવ્યા એ શબ્દો ગોઠવતા બોલી, "અનિમેષ!! એ તારા જીવનનો એક ખાસ વ્યક્તિ છે જેમ નામ યાદ આવ્યું એમ એ પણ તને યાદ આવી જ જશે! તું એ બાબતે બિલકુલ ચિંતા ન કર! પણ આ નામ તને અચાનક કેમ યાદ આવ્યું?"
" હું ટીવી જોઈ રહી હતી ત્યારે એમાં આ નામ આવ્યું. મમ્મી મેં આ નામ મારા જીવનમાં ખૂબ બોલ્યું હોય એવું મને યાદ આવી રહ્યું છે. આ નામ તરફ મારું કંઈક અલગ જ ખેચાણ છે."
"જો બેટા! જે વ્યક્તિ આપણા જીવનનો ખાસ ભાગ હોય તો એ પ્રત્યે ખેંચાણ હોય એ સ્વાભાવિક છે."
"હા, મમ્મી પણ એ મારા જીવનની ખાસ વ્યક્તિ છે તો મારે એને મળવું છે. શું સંબંધ છે? શું કરે છે? ક્યાં છે એ જાણવું છે."
આસ્થાની આતુરતા જોઈ અનુરાધા સહેજ ગભરાઈ ગયા. એમણે મહામહેનતે એને જણાવ્યું, "એ અત્યારે તને મળી શકશે નહી. અને આનાથી વિશેષ તું મને કોઈ જ પ્રશ્ન ના પૂછીશ. આ એ જ વ્યક્તિ છે જે તને આપોઆપ યાદ આવશે એટલે તને બધું જ યાદ આવી જશે! મારા પર વિશ્વાસ છે ને બેટા? હું તારે માટે ક્યારેય કઈ જ ખોટું નહી કરું." એકદમ ભાવુક થઈ ને અનુરાધાએ આસ્થાને સમજાવાના સૂરથી કહ્યું.
"અરે મમ્મી તમે મારે માટે શું કામ કઈ ખોટું કરો?? હું આપની સ્થિતિ સમજી શકું છું. તમે ચિંતા ન કરો.
હવે બંને જમવાનું તૈયાર હોય જમવા માટે ટેબલ પર બેઠા. થાળીમાં પીરસાયેલ જમવાનું જોઈ આસ્થાથી એકદમ બોલાઈ ગયું, "અરે વાહ! ભીંડાનું શાક એ તો મારું ખૂબ જ પ્રિય શાક છે."
અનુરાધા એના ચહેરાને હસતા મુખે જોઈ રહી. એ સમજી રહી હતી કે આસ્થાને ધીરે ધીરે બધું યાદ આવી રહ્યું છે. એ પ્રેમથી બોલી, "મેં એટલે જ એ શાક બનાવ્યું છે."
આસ્થા જમ્યા બાદ આરામ કરી રહી હતી. અનુરાધાએ આ સમયનો લાભ લઈને ડૉ. સુમનને ફોન કરી આજે જે આસ્થાનું વર્તન હતું એ આબેહૂબ જણાવ્યું.
"અનુરાધા!! આ તો ખૂબ સરસ સમાચાર છે, અઠવાડિયું પણ માંડ થયું હશે ત્યાં જ આસ્થાનું મગજ ફરી પહેલાંનું બધું તાજું કરવા કાર્યરત થઈ રહ્યું છે. આ ખરેખર ખૂબ મોટો ચમત્કાર જ છે. અનુરાધા...આ તારી ધીરજ અને ભગવાન પરની આસ્થા જ છે જે આસ્થાને ધીરે ધીરે મક્કમ ડગલે આગળ વધારી રહી છે. અમે ફક્ત પરિસ્થિતિ પ્રમાણે દવા આપીએ, પણ એ દવા દર્દીને ક્યારે અસર કરે એ દરેક દર્દીએ જુદુ હોય છે. છતાં આટલું ઝડપથી કોઈ દર્દી વાસ્તવિકતામાં પાછું ફળતું મેં નથી જોયું. મારી કારકિર્દીના ૨૫ વર્ષમાં આ પહેલો બનાવ છે જે ખરેખર કોઈક ચમત્કાર જ છે!"
"ખબર નહી પણ મને હવે ભય લાગી રહ્યો છે કે, આસ્થા ખરી હકીકત જાણી મને ખોટી સમજશે તો?"
"તમે આવું ન વિચારો.. જે થશે એ સારું જ થશે. હિંમત રાખો. અને જીવનને નવા અભિગમ સાથે આનંદથી માણો."
અનુરાધા ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે આસ્થાના કાન સુધી અનુરાધાના શબ્દો પહોંચી જ ગયા. એ મમ્મીનાં શબ્દો સાંભળી ખૂબ નાસીપાસ થઈ. એ મનમાં જ વિચારી રહી મમ્મી કોની સાથે વાત કરે છે? અને મારી માટે એમ કેમ વિચારે છે કે, "હું એમને ખોટી સમજીશ??" શું વાત છે જે એ લોકો મારાથી છુપાવે છે? આસ્થાની આંખમાં દર્દના આંસુ છવાઈ ગયા. એને દરેક વ્યક્તિ પર શંકા થવા લાગી. દુઃખના હિસાબે એનું મગજ ખૂબ તાણ અનુભવવા લાગ્યું. એણે પોતાના મનમાં ઊઠતા ક્રોધને કંટ્રોલમાં લીધો અને મનમાં જ નક્કી કર્યું હું હવે દરેકના મનને સમજવાની કોશિશ કરીશ. કોણ છું એ હું જાણતી નથી અને આ લોકો મારો પરિવાર છે તો કેમ હંમેશા મારા મનમાં એ લોકો માટે સંદેહ જાગે છે?? ક્યાંક એવું તો નથી ને કે જે ભૂતકાળમાં બનાવ થયો હોય એ જાણી હું વધુ તકલીફમાં આવું એટલે આ લોકો મારાથી એ વાત છુપાવતા હોય!! હા. એવું જ હશે!! હું કારણ વગર મમ્મી પર શંકા કરું છું. જે આખી રાત હું શાંતિથી ઊંઘી શકું એ માટે બેસી રહે એ ક્યારેય મારું ખરાબ ન ઈચ્છે. હે ગનુદાદા! મને સારી બુદ્ધિ આપો, વિધ્ન મારા દૂર કરો. આસ્થા પોતાના મગજને શાંત કરવા બધા વિચારો દૂર હડસેલી ઊંઘી જ ગય.
અનુરાધા આ વાતથી બિલકુલ અજાણ જ હતી કે આસ્થા અનુરાધાના શબ્દો સાંભળી ચૂકી છે. સમય ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. આસ્થાને કોઈ એવો પુરાવો કે કોઈ એવી હકીકત સામે હજુ નહોતી મળી કે જેનાથી એમ છતું થાય કે અનુરાધા કંઈક ખોટું કરે છે! આસ્થાના મનમાં એ કોણ છે એ જાણવાના કુતૂહલ કરતાં એ કઈ વાત છે જે એનાથી છુપાવી રાખી છે એ વધુ રહસ્યમય એને લાગી રહ્યું હતું.
અનુરાધા પોતાને મળેલ આ સમય પૂરી નિષ્ઠાથી નિભાવી રહી હતી. અત્યંત ખુશી અને સુંદર અહેસાસ એના મનને ખૂબ પ્રફુલિત રાખી રહ્યા હતા. આજે રવિવાર હોવાથી એ લોકો બધા કોફીશોપ મળવાના હતા. ડૉ. સુમન પણ ફ્રી હોવાથી એ પણ આવવાના હતા.
આસ્થા એના મનમાં રહેલ સંદેહ સાથે આ બધા લોકો સાથે ત્યાં રવિવારની સાંજ પસાર કરવા નીકળી. કોફીશોપની અંદરનું વાતાવરણ એકદમ આહલાદક હતું. બધા ખૂબ નતનવીન વાતો કરી રહ્યા હતા. જુદા જુદા અનુભવ અને જુદી જુદી યાદો વચ્ચે આસ્થા પોતાના અસ્તિત્વને શોધી રહી હતી. આ લોકોની વાતો સાંભળી એ પણ મનમાં એને કોઈ એક અનુભવ યાદ આવે એમ થોડો મગજ પર જોર કરી રહી હતી. ડૉ. સુમનને આસ્થાના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી છે એ ખબર પડી જ ગય હતી.
કોફીશોપની દીવાલ કાચની હતી. આથી કોફીશોપમાં બેઠા હોઈએ તો પણ બહારનું જોઈ શકીએ. આસ્થા એના વિચારોમાં જ રોડ પર દ્રષ્ટિ રાખી બેઠી હતી. એક બ્લેક મર્સિડિઝ કોફીશોપની બહાર ઊભી. કારના ગ્લાસ બધા ખુલ્લા હતા, જોરદાર મ્યુઝિક એમાં વાગી રહ્યું હતું, જેનો અત્યંત ધીમો દેકારો અંદર પ્રવેશી આહલાદક માહોલને પણ બગાડી રહ્યો હતો.
આસ્થા આ મર્સિડિઝ જોઈને એકદમ ગભરાઈ. એણે બાજુમાં બેઠેલ મમ્મીનો હાથ એકદમ ટાઈટ પકડી લીધો. એના હાથની અચાનક આમ પકડ જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. ડૉ. સુમને આંખના ઈશારાથી બધાને ચૂપ રહેવા કહ્યું. આસ્થાની નજર જે તરફ હતી ત્યાં બધાએ નજર ફેરવી. હજુ એ લોકો સરખું જોવે કે કોણ છે ત્યાં એ મર્સિડિઝ સડસડાટ જતી રહી.
આસ્થાના ચહેરા પર પરસેવાની બુંદો છવાઈ ગઈ. એના મનમાં કોઈક વાત ખૂંપી રહી હતી એ સાફ સમજાય રહ્યું હતું. આસ્થા કંઈક બોલવાનો પ્રયત્ન કરતી હતી પણ શબ્દો એના મનમાં જ ગુંગળાઈ રહ્યા હતા. આસ્થાની આસપાસ અત્યારે કોણ છે એ વાત એના ધ્યાનમાં જ નહોતી. એ ફ્કત રોડ પર જોઈએ દ્રશ્યમાં જ બંધાઈને અટકી ગઈ હતી. એણે પોતાના બંને હાથને મોઢા પર મૂક્યા અને અનિમેષ નામની જોરદાર બૂમ પાડી. આ બૂમ સાથે જ એના મનનો ઉભરો ઠેલવાયો અને એ ત્યાં ટેબલ પર માથું ઢાળી સુઈ ગય.
કોફીશોપમાં આમ અચાનક એની બૂમ સાંભળી શોપમાં બધા હાજર લોકો એમને જોઈ રહ્યા. અનુરાધાએ ફ્કત બે હાથ જોડી સોરી કહ્યું. સોરી શબ્દથી ફ્કત હોઠ જ ફફડ્યા અવાજ એના ભીતર જ રહ્યો!
મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻