એક નાનું ગામ હતું, પણ ગામમાં દલપતભાઈનું નામ મોટું હતું.
ગામમાં જ નહીં, આજુબાજુના ઇલાકામાં પણ તેમનો એવો દબદબો હતો કે લોકો તેમને દૂરથી જોઈને જ રસ્તો બદલી દેતા.
દલપતભાઈ ગાડી લઈને ગામમાં નીકળે એટલે જાણે રસ્તો તેમનો જ હોય. સામેથી કોઈ વાહન આવી જાય તો સામેવાળાએ સાઈડમાં થવાનું. કોઈ ભૂલથી તેમની ગાડીની સામે આવી જાય તો પછી તેની ખેર નહીં.
“દેખાતું નથી? ગાડી કોણની છે?”
આ એક વાક્ય જ પૂરતું હતું.
સામેવાળો તરત જ,
“માફ કરજો દલપતભાઈ.” કહી નિકળી જાય.
ભૂલ દલપતભાઈની હોય તો પણ માફી સામેવાળાએ જ માંગવાની.લોકોને તેનું માન નહોતું પણ એક બીક હતી.
પણ દલપતભાઈને આ તફાવત ક્યાં સમજાતો હતો?
તેમને લાગતું,
“મારું નામ જ મારી તાકાત છે.”
પૈસા હતા, ઓળખાણ હતી, ગામમાં વગ હતો અને પોતાની તાકાતનો અહંકાર તો હતો જ.
નાનો માણસ તેમની સામે પોતાની વાત રાખે તો દલપતભાઈ તેને વચ્ચે જ અટકાવી દેતા.
“તારે હું જેટલું કહું એટલું સાંભળવાનું...!”
કોઈ મજૂરીના પૈસા માગે તો,
“કાલે આવજે...!”
ધીમે ધીમે દલપતભાઈને એવું લાગવા માંડ્યું હતું કે મોટો માણસ એટલે જેના સામે કોઈ બોલી ન શકે.
એક દિવસ દલપતભાઈને કોઈ કામ સબબ ગામથી થોડે દૂર બહારગામ જવાનું થયું.
પોતાની ગાડી લઈને નીકળી પડ્યા.રસ્તો અજાણ્યો હતો.
અડધે સુધી પહોચતા જ અચાનક ગાડીએ દગો દીધો. રસ્તા વચ્ચે જ બંધ પડી. બોનેટ ખોલી ઘણી મથામણ કરી છતાં ગાડી ચાલુ ન થઈ.
મોબાઇલ કાઢ્યો પણ નેટવર્ક નબળું.
આસપાસ કોઈ દુકાન નહીં, કોઈ ગેરેજ નહીં, કોઈ ઓળખીતું માણસ નહીં.
તેનું ગામ ઘણું પાછળ રહી ગયું હતું ને ઓળખીતાં ચહેરાઓ પણ ઘણા દૂર રહી ગ્યાતા.
રસ્તે એક વાહન આવતું જોયું.
રોકવા હાથ ઊંચો કર્યો.
વાહન થોડું ધીમું થયું પણ આગળ નીકળી ગયું. બીજું આવ્યું. ફરી હાથ લાંબો કર્યો પણ એય નીકળી ગયું.
ત્રીજું...
ચોથું...
પાંચમું...
કોઈ ઊભું રહ્યું નહીં.
દલપતભાઈનો ગુસ્સો હવે ધીમે ધીમે બેચેનીમાં બદલાઈ રહ્યો હતો. શરીર પણ પરસેવે રેબઝેબ.
ગામમાં જે માણસની ગાડી સામે લોકો રસ્તો બદલી નાખતા હતા, એ જ માણસ આજે રસ્તાની સાઈડમાં ઊભો રહીને અજાણ્યા લોકો પાસે મદદ માટે હાથ લંબાવતો થઈ ગયો.
અહીં તેને કોઈ ઓળખતું નહોતું કે કોઈને તેના પૈસાનો ડર નહોતો.નહોતો એના રોફ નો પ્રભાવ. બસ હતો તે માત્ર મુશ્કેલીમાં ફસાયેલો એક સામાન્ય માણસ જ.
સાંજ થવા આવી એવામાં દૂરથી એક છકડો આવતો દેખાયો.
દલપતભાઈએ ફરી આશા સાથે હાથ ઊંચો કર્યો છકડો ઊભો રહ્યો છકડામાંથી મેલાઘેલા કપડાંવાળા માણસે ઊતરીને પૂછ્યું,
“શું થયું સાહેબ?”
દલપતભાઈએ કહ્યું,
“ગાડી બંધ પડી છે. નજીકના ગેરેજ સુધી લઈ જવી છે.”
છકડા ચાલકે બીજા સવાલ પૂછ્યા વિના કોઈ ઓળખાણ કાઢ્યા વગર તરત જ દલપતની ગાડીને દોરડાથી છકડાની પાછળ બાંધી દીધી.
“ચાલો, બેસો.”
દલપતે બેસતા પહેલા પૂછ્યું,
“કેટલા રૂપિયા લેશો?”
છકડાચાલકે હુંફ સાથે કીધું,
“ એ બધી ચિંતા ના કરો પહેલા ગેરેજ પહોંચી જઈએ સાહેબ.”
ગાડી ગેરેજ પહોંચાડી દિધી. દલપતભાઈએ પૂછ્યું,
“ભાઈ, ભાડું કેટલું?”
છકડાવાળા ભાઈ હસ્યા.
“ કાંઈ નહીં સાહેબ !”
“કેમ?”
તેણે ખૂબ સહજતાથી કહ્યું,
“ કોઈને મુશ્કેલી અને મજબૂરીના સમયે કરેલી મદદના હિસાબ ન હોય...સાહેબ ! ”
દલપતભાઈ થોડીવાર ચૂપ રહી વિચાર્યા પછી ખિસ્સામાંથી પૈસા કાઢ્યા.
“આટલા તો લઈ લ્યો.. "
છકડા ચાલકે હાથ જોડીને ના પાડી.
“કહ્યું ને સાહેબ, રહેવા દો.”
દલપતભાઈ ગંભીર ચહેરા સાથે
“પણ તમારો ઘણો સમય બગાડ્યો અને ઇંધણ પણ બાળ્યું..”
છકડાચાલક સહજતાથી
“ મારા સમય અને ઇંધણ ભલે બળ્યા સાહેબ, પણ હજી માણસાઈ નથી મરી ગઈ તે આવા પૈસા લવ..! "
દલપતભાઈ ચુપ રહી થોડી વાર મનોમંથન પછી,
" તમારું નામ ? "
છકડાચાલક
" રૈયો..! રૈયા રિક્ષાવાળો.!"
" હાલો ત્યારે સીતારામ...સાહેબ ! "
આટલું કહી રૈયાભાઈએ છકડાને નેતરું મારી છકડો જવા દીધો.
દલપતભાઈ તો રસ્તા પર ઊભા ઊભા છકડાને દૂર સુધી જતો જોતા રહ્યાને મનમાં વિચારતા રહ્યા
" આજે એક અજાણ્યા માણસ કંઈ લીધા વિના ઘણું આપી ગયો. "
થોડાક દીવા પછી ગામના એક વૃદ્ધે પૂછ્યું,
“દલપત, તું કેમ બદલાઈ ગયો છે?”
દલપતભાઈ થોડું હસ્યા.
“ના કાકા...”
“તો?”
તેમણે થોડું મૌન રાખ્યું અને કહ્યું,
“પહેલા હું સમજતો હતો કે લોકો મને માન આપે છે.
પછી સમજાયું કે લોકો તો મારાથી ડરે છે.”
વૃદ્ધ ચૂપ રહ્યા.
દલપતભાઈએ આગળ કહ્યું,
" હવે મને બરાબર સમજાણું કે
ખરેખર મોટો માણસ કોને કહેવાય ? માણસની ઊંચાઈ એમાં નથી કે કેટલા લોકો તેની સામે રસ્તો ખાલી કરે છે;
ઊંચાઈ એમાં છે કે પોતે કેટલાને રસ્તો આપી શકે છે..! "
• ગોપાલ ✍️