80’s Trend Nensi Vithalani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

80’s Trend


આજકાલ 80's અને 90's નો એક અલગ જ trend ચાલી રહ્યો છે. કોઈ જૂની ફિલ્મોના ગીતો પર Reel બનાવે છે, કોઈ એ સમયના કપડાં પહેરીને ફોટો recreate કરે છે, તો કોઈ vintage filter લગાવીને પોતાની તસ્વીરમાં એ સમયનો રંગ ભરી દે છે. જૂની fashion, hairstyle અને ફોટોગ્રાફીની simplicity આજે ફરીથી સુંદર લાગવા લાગી છે. કદાચ દરેક generation ને કોઈક એવી દુનિયા ગમે છે, જે તેણે જોઈ તો નથી, પરંતુ કલ્પનામાં ખૂબ સુંદર લાગે છે.

જૂના ગીતોની ધૂન સાથે, સાડીમાં કે જૂના style ના કપડાંમાં લીધેલો એક ફોટો... અને બસ, આપણે થોડા સમય માટે 80's માં પહોંચી જઈએ છીએ. પરંતુ ક્યારેક એક વિચાર મનમાં આવે છે—અપણે એ સમયનો ફોટો તો recreate કરી લીધો, પણ શું એ સમયનું જીવન પણ એટલું જ સુંદર લાગત?

કારણ કે એ સમયમાં માત્ર fashion અલગ નહોતી, જીવન જીવવાની રીત પણ અલગ હતી. આજે જે વસ્તુઓ આપણા માટે સામાન્ય છે, એમાંથી ઘણી વસ્તુઓ ત્યારે સપના જેવી હતી. એક ફોન આખા ઘરમાં બધાનો હતો, એક TV સામે આખો પરિવાર ભેગો થતો હતો અને કોઈ ખાસ સમાચાર કે મનપસંદ કાર્યક્રમ માટે રાહ જોવી પડતી હતી. આજે બધું હાથમાં છે, પરંતુ કદાચ એ સમયમાં એકબીજાની સાથે હોવું વધારે નજીક હતું.

આજે કોઈ message નો જવાબ મોડો આવે તો મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ જાય છે. પરંતુ ત્યારે તો એક પત્રની રાહમાં દિવસો પસાર થઈ જતા. કોઈને મળવા માટે પહેલાથી નક્કી કરવું પડતું, કોઈનો અવાજ સાંભળવો હોય તો પણ સરળતા નહોતી. છતાં સંબંધોમાં કદાચ એક અલગ ધીરજ હતી. રાહ જોવી એ પણ સંબંધનો એક ભાગ હતો.

80's અને 90's ની તસવીરોમાં આપણને જે simplicity દેખાય છે, એની પાછળ ઘણાં adjustments પણ હતા. એક ઘરમાં ઓછી સુવિધાઓ, પરંતુ જરૂરિયાતો સાથે જીવતા લોકો. દરેક પાસે બધું નહોતું, છતાં જે હતું એમાં આખું ઘર જોડાયેલું હતું. આજે આપણે એ સમયની simplicity ને aesthetic કહીએ છીએ, પરંતુ ત્યારે simplicity કોઈ પસંદગી નહોતી—ઘણી વખત એ જીવનની પરિસ્થિતિ હતી.

અને પછી આવે છે sacrifice... કદાચ એ સમયની સૌથી મોટી અને શાંત વાર્તા. કેટલાય લોકોએ પોતાના સપનાઓને પરિવારની જરૂરિયાતો પાછળ મૂકી દીધાં. કોઈએ ભણવાનું છોડીને ઘર સંભાળ્યું, કોઈએ પોતાની પસંદને પરિવારની ખુશી માટે ભૂલી દીધી, તો કોઈએ આખું જીવન માત્ર એટલા માટે મહેનત કરી કે આવતી generation ને એ તકલીફો ન જોવી પડે. આજે જે comfort આપણને સામાન્ય લાગે છે, એની પાછળ કદાચ કોઈની અધૂરી ઇચ્છાઓ છુપાયેલી છે.

ક્યારેક વિચાર આવે છે કે આજે આપણે જે 80's ના ફોટા recreate કરીએ છીએ, એ ફોટામાં દેખાતી સાડી, જૂનું ઘર, black-and-white filter અને ગીત તો સરળતાથી મળી જાય છે... પરંતુ એ સમયની ધીરજ ક્યાંથી લાવવી? એ સમયના adjustments કેવી રીતે પહેરવા? અને એ sacrifices કયા filter થી દેખાડવા?

કદાચ દરેક યુગને દૂરથી જોવો ખૂબ સુંદર લાગે છે. આપણને જૂના સમયમાં રહેલી simplicity ગમે છે, અને કદાચ એ સમયના લોકોને આજની freedom અને technology એક સપના જેવી લાગતી હોત. સમય હંમેશા બીજે ક્યાંક વધુ સુંદર લાગે છે, કારણ કે આપણે એની તસવીર જોઈએ છીએ—એની આખી વાર્તા નહીં.

80's માત્ર એક fashion નહોતું, માત્ર એક hairstyle કે જૂનું ગીત નહોતું. એ એક એવો સમય હતો જ્યાં જીવન કદાચ ધીમું હતું, પરંતુ જવાબદારીઓ ભારે હતી. વસ્તુઓ ઓછી હતી, પરંતુ એની કિંમત વધારે હતી. ઇચ્છાઓ ઓછી નહોતી, પરંતુ એને પૂરી કરવાની શક્યતાઓ કદાચ ઓછી હતી. હસતા ચહેરાઓ પાછળ પણ એવી ઘણી વાર્તાઓ હતી, જે કોઈ ફોટામાં કેદ થઈ નહોતી.

એટલે જ્યારે કોઈ 80's કે 90's નો ફોટો recreate કરે, ત્યારે એ ખરેખર સુંદર લાગે છે. કારણ કે એ માત્ર એક તસ્વીર નથી, એ એક સમયને ફરીથી સ્પર્શવાનો પ્રયાસ છે. પરંતુ એ ફોટો જોતા બસ એટલું જ યાદ આવે છે કે—આપણે એ સમયનો દેખાવ તો recreate કરી શકીએ છીએ, પણ એ સમયને બનાવનાર લોકોની ધીરજ, સમજૂતી અને બલિદાનને કદાચ ક્યારેય recreate નહીં કરી શકીએ.

કેટલાક યુગો તસવીરોમાં ખૂબ સુંદર લાગે છે...
કારણ કે તસવીરો ફક્ત પળોને સાચવે છે,
એ પળો પાછળ જીવાયેલા જીવનને નહીં.

— Nensi Vithalani