અર્ધનારેશ્વર Pravin Bhalagama દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધનારેશ્વર

|| અર્ધનારેશ્વર ||


હુ મારા ઘરના સોફા પર બેઠો છુ, મારી સામેના ટેબલ પર પડેલા સફેદ ફૂલોના વાસ માં રંગીન ફૂલોની પાંખડીઓ દોરાયેલી છે. જેનો રંગ પીળી, વાદળી અને લીલો છે. હુ બસ એ રંગીન ફૂલોને નિહાળી જ રહ્યો હતો કે મારા પપ્પાનો અવાજ મારા કાને પડ્યો ; એ તૈયાર ? ભાગ્યશ્રી ? આ ભાગ્યશ્રીબેન એટલે મારા જીવનમાં વર્ષોથી રાજ કરતી એક માત્ર સ્ત્રી એટલે મારી મમ્મી. આજે એ દિવસ છે. મારા હીરો મારા પપ્પા મસ્ત એકદમ તૈયાર થઈને બેઠા હતા. મમ્મી અંદર તૈયાર થયી રહી હતી. ડોરબેલ વાગ્યો એટલે પપ્પા ઊભા થવા જાય એની પહેલાં, હુ ઊભો થયો અને પપ્પા તરફ નઝર કરતા કહ્યું; હુ ખોલું છુ. પપ્પાએ બસ— હા માં માથું હલાવ્યું અને પાછા બેસી ગયા. મે જઈને દરવાજો ખોલ્યો તો કેટલાક મહેમાન હતા. મારા મામા, મામી અને એમની દીકરી વૈશાલી. દરવાજો ખુલતા જેવી જ એની નઝર મારા તરફ ગયી એટલે મને વળગી પડી અને બોલી ઊઠી; આજે તો ભાભી જોવા જવાનું છે ... હુ ... હુ ... કરતી મારી સાથે મસ્તી કરતા મારો હાથ પકડી મને એક તરફ ખેંચી લાવી. પપ્પા પણ ઊભા થઈને મહેમાનોને આવકાર આપવા લાગ્યા. પપ્પાએ ફરી મમ્મીને અવાજ લગાવતા કહ્યું; અરે તૈયાર થયી કે નહીં? મહેમાન આવી ગયા હવે તો ! અમારી બેન હજુ તૈયાર નહીં થયી ? મામા એ મારા પપ્પાને પૂછ્યું; વળતો જવાબ આપતા પપ્પાએ કહ્યું; ના ન ક્યાંથી ! અડધા પોણા કલાકથી તૈયાર થયી રહી છે. ઓહ ... મામા જવાબ આપતા કહ્યું; આટલી તૈયાર તો ત્યારે પણ નો'તી થયી જ્યારે તમે એને જોવા આવેલા. કહીને બન્ને ખડખડાટ હસી પડ્યા. વૈશાલી પણ એમની વાતો સાંભળી હસી પડી, પણ હુ થોડો મારા વિચારોમાં ખોવાયેલો ઊભો હતો. હોઉ જ ને ! આજે ઘરવાળા મારા માટે છોકરી જોવા જવાના છીએ. ખબર નહીં કેવી હશે ? કોણ હશે ? હુ બસ— વિચારોમાં ખોવાયેલો જ હતો કે વૈશાલી તરત બોલી ઊઠી; એણે ૧૬ સોમવારના વ્રત કર્યા હશે, અને મળીશ એને તુ ! ફૂટ્યા એના નસીબ તો ... કહીને મસ્તી કરતી દૂર ભાગી ગયી, હુ પણ કદાચ હા માં હા મિલાવતો થોડો હસી પડ્યો.
અચાનક રૂમનો દરવાજો ખૂલ્યો. મમ્મી તૈયાર થઈને બહાર આવી. બધા મહેમાનો સાથે એક એક કરીને મળ્યા. ઘરેથી નીકળવાનું મુહર્ત આવવામાં હજુ પચીસેક મિનિટ બાકી હતી, એટલે મમ્મી, મામી અને વૈશાલી અમને બેસવાનું કહી, તેઓ ત્રણેય રસોડામાં "ચા" બનાવવા નીકળી પડ્યા. પપ્પા અને મામા પરસ્પર વાતો કરી રહ્યા હતા, અને હુ મારા જ હાથમાં હાથ પરોવી વિચારોના વમળોમાં ખોવાઈ ગયો. થોડીક ક્ષણો થઇને વૈશાલી ચા લઈને આવી. પપ્પા અને મામા ને આપ્યા બાદ— એક ચા નો કપ મારી આગળ ધરતા ધીમા અવાજે કહ્યું; આ છેલ્લો કપ મારા હાથનો પી લે પછી ભાભીના હાથની ચા રોજ મળશે. મે મોઢા પર ફીકું હાસ્ય લાવીને ચા નો કપ એના હાથમાંથી મારા હાથમાં લઈ લીધો. ચા માંથી નીકળતી વરાળ મને સ્પષ્ટ દેખાઈ રહી હતી. મે ઘણું વિચારવાનું બંધ કરી ચા ની એક ચુસ્કી લીધી. શરીરમાં જાણે કરંટ લાગે એમ એનર્જી આવી ગયી. હુ થોડો ટટ્ટાર થઈને બેઠો, આત્મવિશ્વાસ વધ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો; મારા માટે જ તો છોકરી જોવા જઈએ છીએ નહીં ગમે તો ના પાડી દઈશું, આટલી વાતમાં ડરવાનું વળી તે શું હોય ! હુ પગ પર પગ ચડાવીને ચા ની ચુસ્કીઓ લેવા લાગ્યો, પપ્પાને મામાની નજર તરત મારા બદલાતા વ્યવહાર તરફ ગયી, મે કઈ ધ્યાન ન આપ્યું તો તેઓ પોતાની વાતોમાં ફરી ખોવાઈ ગયા, હુ આત્મવિશ્વાસ સાથે ચા ની ચુસ્કી લઈ જ રહ્યો હતો કે બીજી જ પળે મનમાં વિચાર આવ્યો કે મને એ પસંદ આવી પણ એને હુ ના ગમ્યો તો ? તો તો એ મને ના પાડી દેશે પછી મારા ઘરમાં મારું તો નાક કપાઈ જશે. વૈશાલી તો મને પછી ખીજવ્યા કરશે. આટલો વિચાર આવતા પગ પર પગ ચડાવેલો તેને નીચે મૂક્યો, ટટ્ટાર માંથી ફરી ઢીલો થયી ગયો. જાણે હવા ભરતા જ કોઈ કાણા માંથી હવા નીકળી ના જાય ? એવી રીતે હવા નીકળી ગયી. મમ્મી અને મામી બધા બહાર આવ્યા, ચાલો ત્યારે નીકળીએ. સમય થયી ગયો છે; મમ્મીએ કહ્યું. અમે બધા ચા નો એંઠો કપ ટેબલ પર મૂકીને, બધા ઘરના મંદિરમાં નમસ્કાર કરી, ઘરની બહાર આવવા નીકળી પડ્યા. વૈશાલીએ ઝડપથી એ કપને રસોડામાં મૂકી અમારી પાછળ પાછળ આવી ગયી. 

 બધા ગાડીમાં બેઠા. હુ આગળ બેઠો, મારી બાજુમાં ડ્રાઈવર અને પાછળ મમ્મી અને પપ્પા. મામા-મામી અને વૈશાલીને બધા બીજી ગાડીમાં બેઠા.
મમ્મી બોલી! બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આટલું બોલી અમે નીકળી પડ્યા.

મારુ હૃદય અસામાન્ય રીતે ધબકી રહ્યું હતું. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો, એક અજીબ લાગણી અનુભવાતી હતી. મમ્મી પપ્પા રસ્તાની આજુબાજુના ના દૃશ્યોને નિહાળી રહ્યા હતા. ગાડીમાં હિન્દી ગીતોની કેસેટ ચાલુ હતી. પપ્પા ધીમા સ્વરે ચપટી વગાડતા એ ગાઈ રહ્યા હતા. એકાદ કલાક બેઠા બેઠા ડ્રાયવરને ડાબે વળવાનું કહે, ફરી પાછું જમણા વળવાનું કહે એમ અમે ક્યાં જઈ રહ્યા છીએ એ બસ— પપ્પા જાણતા હતા. હવે, બસ દસેક કિલોમીટર જ બાકી હતું. એટલે ફ્રેશ થવા માટે અમે થોડી દૂર બંને ગાડીઓ એક દુકાને ઊભી રાખી. પપ્પા પાણીની બોટલ લઈને મામા સાથે થોડા દૂર ચાલ્યા ગયા, ફ્રેશ થયા અને મમ્મી અને મામી પણ મોઢું ધોઈ, પાણી બીજુ પી ને ફ્રેશ થઈ ગયા. અમે બધા ફરી પાછા ગાડીમાં બેસી નીકળી પડ્યા. મારા હૃદયની ધડકનો ઝડપથી ધબકવા લાગી હતી. અમે એક વળાંક પર વળ્યા અને સામે એક મોટું ઘર હતું. પપ્પાએ મમ્મીને કહ્યું કે સામેના ઘરે જવાનું છે. અમે ગાડી પાર્ક કરી બધા સાથે નીચે ઉતરી અંદર જવા તરફ નીકળ્યા. અચાનક અમારી સામે એક તાળીઓ પાડતા અર્ધનારેશ્વર આવી પહોંચ્યા. મે કદાચ એમને ક્યાંક જોયા હતા, એ ચહેરો એ એમની અલગ અદા. ક્યાંક તો જોયા છે એમને પણ ક્યાં ? મને યાદ આવી રહ્યું ન હતું. મમ્મીએ પપ્પાને કહ્યું કે શુભ કામ માટે જઈ રહ્યા છીએ, એમને પણ ... પપ્પા સમજી ગયા, પોતાની પાકીટમાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢીને આપી દીધી. એમને અમને બધાને અમારા કામમાં સફળ થવાના આશીર્વાદ આપ્યા, મારી નઝર એમની તરફ જ હતી, એક પળ એ સતત મારી આંખોમાં પલકારો કર્યા વગર જોતા રહ્યા. હળવેથી એમને મારા માથાપર હાથ મૂક્યો. મે એમને ક્યાં જોયા છે હુ બસ— એ યાદ કરી રહ્યો હતો. પણ કંઈક યાદ આવી રહ્યું ન હતું. બધા ઘરની અંદર તરફ નીકળી પડ્યા. હુ પણ વિચારતો એમની સાથે પાછળ પાછળ જવા લાગ્યો. અમે અંદર ગયા, દરવાજા પર અમારું સ્વાગત કરવા માટે એ પરિવારના સભ્યો ત્યાં જ ઊભા હતા. આગતા સ્વાગતા કરી અમે અંદર હોલમાં સોફા પર જઈને બેઠા. એક પળ માટે આંખો બંધ કરી કે તરત જ યાદ આવ્યું કે એમને આજથી સાડા ચાર વર્ષ પહેલા કૉલેજથી ગયેલા પ્રવાસમાં એક મંદિરની બહાર ગયેલા. એ જ પળે મને યાદ આવી "સંધ્યા" ની.



 સંધ્યા એટલે એક સમયનું મારું સર્વસ્વ. મને એ ખૂબ જ ગમતી હતી. ખાલી ગમતી જ ન હતી, હુ પાગલ એના માટે. સંધ્યા અને હુ આજથી પાંચેક વર્ષ પહેલા અમે એક જ કોલેજમાં સાથે ભણતા હતા. બંનેનો વિષય પણ English એટલે એ જ ક્લાસમાં પણ. દરરોજ વાતચીત થતી, દરરોજ મળતા, નાની મોટી સુખ દુઃખની વાતો કરતા. ક્યારેક ક્યારેક ક્લાસિસ માંથી બંક મારી બહાર બેસતા. અને પરીક્ષા વખતે લાંબી લાંબી ચર્ચાઓ ચાલતી, હાથ તાળીઓ આપતી, સાથે ઊભા રહીને પ્રશ્નોના જવાબો શોધતા. મને વધારે કઈ યાદ નથી. પણ પ્રવાસમાં સંધ્યા સાથેનો એક એ કિસ્સો હજુ પણ યાદ છે. કોલેજમાંથી એકવાર અમે બધા પ્રવાસ ગયેલા એ પણ કૃષ્ણના દ્વારે દ્વારકા. હુ મારા મિત્ર સાથે હતો, અને એ એની બહેનપણી સાથે ફર્યા કરતી. અમારા પ્રવાસનું છેલ્લું સ્થળ હતું તે દ્વારકા. એટલે મસ્ત મજાથી અમે બધા દ્વારકામાં કૃષ્ણના મંદિરમાં મન ભરીને દર્શન કર્યા. દ્વારીકાનાથની કહાનીઓ ને યાદ કરી, સુખદ અંત લેતા અમે પાછો આવવા માટે લકઝરી તરફ નીકળી પડ્યા હતા. મારી આગળ જ સંધ્યા અને એની બહેનપણી હતી. હુ એકલો એની પાછળ પાગલ દિવાના ની જેમ પાછળ પાછળ જઈ રહ્યો હતો. અમે લકઝરી તરફ જઈ જ રહ્યા હતા કે સંધ્યાની આગળ તાળીઓ વગાડતા અર્ધનારેશ્વર આવી ગયા. એમણે રસ્તો રોકી દીધો. પૈસા માંગવા લાગ્યા. એની બહેનપણી એને એકલા મૂકીને આગળ ભાગી ગયી. સંધ્યા એકલી ઊભી હતી. એણે એના પર્સમાં જોયું તો ૫૦૦ રૂપિયાની નોટ હતી, બીજા online હતા. એની પાસે છૂટ્ટા ન હતા. બેબાકળી ઊભી એ એની નજર મારી તરફ ગયી. હુ એમની તરફ આગળ વધ્યો. સંધ્યા સાથે બાજુમાં ઊભો રહ્યો. એ કઈ બોલે એની પહેલાં મે મારા પાકીટમાંથી બે ૫૦ - ૫૦ રૂપિયાની નોટ કાઢી અને એમને ( અર્ધનારેશ્વર ) ને આપી. એમને ખબર નહીં શુ સૂઝ્યું કે એમણે અમને બન્ને તરફ જોઈને આશીર્વાદ આપતા કહ્યું; બંને હંમેશા સાથે રહો, સાથે ખુશ રહો અને એક રહો. મારા હૃદયની ધડકનો થોડા સમય માટે જાણે બંધ થયી ગયી. સંધ્યાએ મારી તરફ જોયું; હુ અંદરથી તો ખુશ થઇ ગયેલો, મને જેવા આશીર્વાદ જોઈતા હતા એ મળી ગયા. મારામાં થોડી હિંમત આવેલી. મને લાગ્યું કે આમ પણ સાથે રહેવાના આશીર્વાદ મળી જ ગયા છે, મસ્તી મઝાક કરતા એ બહાને પ્રોપોઝ કરી લઉ. મે ખૂબ હિંમત કરીને એની તરફ ગયો પણ ખરો, પરંતુ કઈ જ બોલી ન શક્યો. અમે બંને એક હોત, કદાચ હિંમત કરીને મે એને પ્રોપોઝ કરી લીધી હોત. પણ, જ્યારે સંધ્યાને ખોઈ ત્યારે એક વાત સમજાઈ. "ઘણીવાર લાગણીઓ કહી દેવી જોઈએ, મોડુ થાય એની પહેલાં". પણ હવે કોઈ ફાયદો નથી, એ બધી વાતો યાદ કરવાનો. હા, કદાચ હિંમત કરીને પ્રોપોઝ કરી લીધો હોત તો ઘરવાળાને પણ મનાવી લેતો અને આજે એના ઘરે સગાઈની પ્રસ્તાવ લઈને આવ્યા હોત, બંને એક હોત. આજે સાડા ચાર થી પાંચ વર્ષ થયી ગયા છે કોલેજ પૂરી થયાના. એના કદાચ લગ્ન થયી ગયા હશે. ન જાણે કોણ હશે એ નસીબદાર અને એ એને કઈ રીતે સાચવતો હશે, એની દેખભાળ કરતો હશે ? સામેના વડીલે ( થનારા સસરા ) ચા— નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહ્યું; અને ઘડિયાળ તરફ જોઈ ઉમેરતા બોલ્યા કે એને પણ બોલાવી લેજો. શુભ મુહર્ત ખૂબ નજીક છે. 

મારા હૃદયની ધડકનો ધક ધક — ધક ધક કરી રહી હતી. એક છોકરી પાણીના ગ્લાસ લઈને આવી. મને એમ હતું કે ફિલ્મોની જેમ અહીંયા સંધ્યા પાણીના ગ્લાસ લઈને એન્ટ્રી કરશે, પણ આ તો રિયાલિટી છે. અહીંયા આવું બધું થોડું કઈ થાય. Reel અને Real life એકદમ અલગ હોય છે મને બેઠા બેઠા એ સમજાયું. પણ, એ આશીર્વાદ અને સંધ્યાની ઝલકની પળો જીવનભર માટે દિલના એક ખૂણામાં સોનેરી યાદની જેમ સાચવેલી રહેશે. મે હાથ લંબાવી પાણીનો ગ્લાસ લીધો. અમે સૌએ પાણી પીધું. મારી નઝર એ છોકરી તરફ ગયી. ત્રાંસી નઝરે એને જોવા લાગ્યો. મનમાં એકાએક વિચાર આવવા લાગ્યો કે હુ લગ્ન પછી સંધ્યાને ભૂલી શકીશ ? તો પણ શું હુ ખરેખર સંધ્યાને ભૂલવી પડશે ? હજારો સવાલો મારા મનમાં આમતેમ ભમી રહ્યા હતા. જેનો મારી પાસે કોઈ જ જવાબ ન હતો. બધા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. મમ્મીએ થનારી સાસુ સાથે વાતો કરવા લાગ્યા, પપ્પા એ એમના વેવાઇ સાથે વાતો કરવા લાગ્યા, અને હુ. હુ ચુપચાપ બેઠો રહ્યો. પેલી છોકરી મારી સામે જ બેઠી મારી તરફ નઝર કરી મને ટગર ટગર જોઈ રહી હતી.

અચાનક થનારા સસરાએ મારી તરફ જોયું, અને બોલી ઉઠ્યા. આ જમાઈ રાજા કેમ ચુપચાપ બેઠા છે ? પપ્પાએ તરત મજાકિયા સ્વભાવમાં જવાબ આપતા કહ્યું; એને કદાચ મળવાની ઉતાવળ છે. મે જોઈ તો લીધેલી એને, હવે શુ ? હુ ત્યાંથી ઊઠીને થોડી વાર માટે ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લેવા બહાર નીકળી ગયો. બહાર નાનકડો બગીચો હતો, કેટલાક રંગીન ફૂલો શણગારેલા હતા. મને કોઈકે અવાજ લગાવ્યો, હુ અંદરની તરફ જઉં એની પહેલાં વૈશાલી મને લેવા આવી. એ મારો હાથ પકડી અંદર લઈ જઈ રહી હતી. મે કહ્યું એમને કે તમને જે ઠીક લાગે એમ કરો, મે જોઈ લીધી એને. Okay Okay છે. વૈશાલી મારી તરફ જોઈને બોલી ઊઠેલી કે પાગલ, ૧૬ સોમવારના વ્રત તે પણ કર્યા હોત ને તો પણ તને આવી તો ન જ મળતી. હુ અસમંજસમાં એની વાતોને એક કાનેથી સાંભળી બીજા કાને કાઢતો અંદરની તરફ ગયો. જ્યા હુ બેઠો હતો, ત્યાં પેલી છોકરી બેઠેલી, હવે મને સાથે બેસાડીને ૩/૪ ફોટા પાડશે. એકબીજાને નાળિયેર આપશે આ બધું થશે. વૈશાલીએ મારા આંખ આડા હાથ કર્યા અને એના શબ્દોને એની સાથે કદમ મિલાવતો મિલાવતો હુ એક જગ્યાએ ગયો. વૈશાલીએ કહ્યું ખુરશી છે બેસી જા અહીંયા. મને નથી ખબર મારી આંખોની સામે આવનાર વ્યક્તિ કેવી છે મને તો ખબર છે, પણ વૈશાલીની ખુશી માટે હુ એના કહેવા અનુસાર બધું કરતો રહ્યો. બંધ આંખો સામે સંધ્યાનો મલકાતો ચહેરો દેખાઈ રહ્યો હતો. હજુ પણ મારા આંખ આડા એના હાથ હતા. એણે ધીમેથી મારા કાનમાં "જો અમારી Beautiful ભાભી" કહીને ધીરેથી હાથ લઈ લીધા. અચાનક અજવાળું થવાને લીધે મે આંખ આડા હાથ કર્યા, અને માથું નીચે ઝુકાવી દીધું. મારી નજર એના પગ તરફ હતી. પગમાં ઝાંઝરો પહેરેલી હતી. આછા પીળા રંગની સાડી પહેરેલી, મે હાથમાં રંગીન ૮-૮ બંગડીઓ પહેરેલી. ગળામાં એક નાનકડો સાડી સાથે ભળતો હાર અને કાનમાં ઝુમખા. મારી નઝર એના હોઠો તરફ ગયી અને પછી એની આંખો તરફ. એ આંખો ક્યાંક જોયેલી લાગી. અચાનક, બીજી જ પળે મારી નજર એના ચહેરા પર અટકી ગઈ, હુ રાજી રાજી થયી ગયો, મારી ખુશીનો કોઈ જ પાર રહ્યો ન હતો. 

     "જીવનમાં પહેલી વાર ત્યારે એ પળે મને મળેલા અર્ધનારેશ્વર ના 
આશીર્વાદની કિંમત સમજાઈ, 
"જ્યારે પાંચ વર્ષ પછી 
મને ફરી પાછી મારી "સંધ્યા" દેખાઈ".





સમાપ્ત