જિંદગી જીવી પડશે બકા! Maya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી જીવી પડશે બકા!



મુખ્ય પાત્રો

રિચા – સંઘર્ષભર્યું જીવન જીવી રહેલી એક યુવતી.
રોહન – રિચાનો મોટો ભાઈ, જે ભણવામાં ખૂબ જ હોશિયાર છે.
અવિનાશ – રિચાનો બેસ્ટ ફ્રેન્ડ અને તેનો પાડોશી.
જયેશભાઈ – ગામડાની શાળામાં શિક્ષક તરીકે કાર્યરત અને રિચાના પિતા.
ધારાબહેન – સુરત શહેરમાં કલેક્ટર તરીકે કાર્યરત અને રિચાની માતા.



આ વાત છે સુરત શહેરમાં રહેતી રિચા નામની એક છોકરીની.

રિચાની માતા ધારાબહેન સુરત શહેરમાં કલેક્ટર તરીકે કાર્યરત હતાં. પોતાના બંને સંતાનો, પુત્ર રોહન અને પુત્રી રિચાને સારું શિક્ષણ મળી રહે તે માટે તેમણે સુરતમાં ટ્રાન્સફર કરાવ્યું હતું.

પરંતુ આ નિર્ણય જયેશભાઈને ખાસ પસંદ આવ્યો નહોતો. તેમનું માનવું હતું કે ગામડામાં પણ સારું શિક્ષણ મળી શકે છે. છતાં ધારાબહેન પોતાના નિર્ણય પર અડગ રહ્યાં અને બંને બાળકોને લઈને સુરત રહેવા આવ્યાં. જયેશભાઈ ગામડામાં જ રહીને ત્યાંની શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા રહ્યાં.

રિચાને ગામડાનું જીવન ખૂબ ગમતું હતું. તેને ત્યાં ખૂબ મજા આવતી હતી. પરંતુ માતાના નિર્ણયને કારણે તેને પોતાના પિતાથી પણ અલગ રહેવું પડતું હતું. એક તરફ જયેશભાઈ ગામડામાં રહેતા હતા અને બીજી તરફ ધારાબહેન રોહન અને રિચા સાથે સુરતમાં રહેતાં હતાં.

ધારાબહેનનું માનવું હતું કે કોમર્સ અને સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં વધુ સારી કારકિર્દીની તકો હોય છે. તેમના મતે કોમર્સના વિદ્યાર્થીઓ સી.એ., એકાઉન્ટન્ટ અથવા બેંક મેનેજર બની શકે છે. તેથી તેઓ માનતાં હતાં કે બાળકોને કોમર્સ અથવા સાયન્સ જ પસંદ કરવું જોઈએ.

ધારાબહેનના આવા વિચારોને કારણે રિચાને પણ કોમર્સ લેવું પડ્યું હતું. હકીકતમાં રિચાને આર્ટ્સમાં ખૂબ રસ હતો અને તે આર્ટ્સ લઈને આગળ ભણવા માગતી હતી. તેણે ઘણી વખત પોતાની માતાને કહ્યું હતું કે તેને કોમર્સ નથી કરવું, પરંતુ ધારાબહેન અને તેનો મોટો ભાઈ રોહન તેની વાત માનવા તૈયાર નહોતાં. અંતે રિચાએ પોતાની ઇચ્છા વિરુદ્ધ કોમર્સ પસંદ કર્યું.

રિચાનો મોટો ભાઈ રોહન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. રિચા અને તેનો બેસ્ટ ફ્રેન્ડ અવિનાશ બંને એક જ શાળામાં સાથે ભણતાં હતાં. અવિનાશ રિચાનો પાડોશી પણ હતો. બંને પરિવારો વચ્ચે ખૂબ સારા અને નજીકના સંબંધો હતાં.

ધારાબહેન અવિનાશને પણ કોમર્સ લેવા માટે ખૂબ આગ્રહ કરતાં હતાં. તેમણે અવિનાશના માતા-પિતાને પણ સલાહ આપી હતી કે અવિનાશે કોમર્સ જ લેવું જોઈએ. પરંતુ અવિનાશ પોતાની પસંદગી અંગે સ્પષ્ટ હતો. તે ધારાબહેનની વાત માનવા તૈયાર નહોતો.

અવિનાશ ઘણીવાર રિચાને સમજાવતો હતો,

“રિચા, તારે જે ગમે અને જેમાં તને ખુશી મળે, એ જ કરવું જોઈએ. આખરે જિંદગી તારી છે.”

આ શબ્દો સાંભળીને રિચાને હિંમત મળતી, પરંતુ તે પોતાની માતાને સમજાવી શકતી નહોતી. તેણે ઘણી વખત ધારાબહેનને કહ્યું હતું,

“મમ્મી, મારે કોમર્સ નથી કરવું.”

પરંતુ ધારાબહેન અને રોહન બંને માનવા તૈયાર નહોતાં. પરિણામે રિચાએ કોમર્સ લઈ લીધું, જ્યારે અવિનાશે પોતાની પસંદગી મુજબ આર્ટ્સ પસંદ કર્યું. ત્યારબાદ અવિનાશ અલગ શાળામાં ભણવા ચાલ્યો ગયો.

---

સમયને પસાર થતાં વાર લાગતી નથી. જોતજોતામાં વર્ષો પસાર થઈ ગયાં અને રિચા તથા અવિનાશ બંનેના ધોરણ ૧૨ના પરિણામ આવી ગયાં.

અવિનાશ ખૂબ સારા ગુણ સાથે પાસ થયો હતો, જ્યારે રિચાની ટકાવારી ઘણી ઓછી આવી હતી. આ પરિણામ જોઈને ધારાબહેન રિચાથી ખૂબ નારાજ થયાં.

અવિનાશ રિચા માટે ધારાબહેનને મળવા આવ્યો. તેણે ધારાબહેનને વિનંતી કરતાં કહ્યું,

“હવે રિચાને બી.કોમ. કરવા માટે દબાણ કરવાને બદલે તેને મારી સાથે બી.એ. કરવા દો. તેને આર્ટ્સમાં રસ છે.”

પરંતુ ધારાબહેન તેની વાત માનવા તૈયાર નહોતાં. તેમનું માનવું હતું કે રિચાએ આગળ ભણીને સારી સરકારી નોકરી મેળવવી જોઈએ. તેથી તેઓ રિચા પર સરકારી નોકરીની તૈયારી કરવા માટે પણ સતત દબાણ કરતાં હતાં.

રિચાએ એક દિવસ પોતાના ભાઈ રોહનને પણ કહ્યું,

“ભાઈ, મારે સરકારી નોકરી નથી કરવી. હું મારી પસંદગીનું કંઈક કરવા માગું છું.”

પરંતુ રોહન તેને સમજાવતાં કહેતો,

“મમ્મી જે કરે છે, તે આપણા ભલા માટે જ કરે છે.”

રોહન પોતે સી.એ. બની ગયો હતો. તેણે ધારાબહેનનું સપનું પૂરું કર્યું હતું. પરંતુ રિચાનું સપનું શું હતું, તેની ઇચ્છા શું હતી, તે જાણવાનો કે સમજવાનો પ્રયત્ન જાણે કોઈએ કર્યો જ નહોતો.

સમય ખૂબ ઝડપથી પસાર થતો રહ્યો.

જોતજોતામાં છ વર્ષ વીતી ગયાં. રિચાએ અનેક સરકારી નોકરીઓની પરીક્ષાઓ આપી, પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા મળી. કોલેજના પાંચ વર્ષ પણ જાણે સંઘર્ષમાં જ પસાર થઈ ગયાં. ન તો તેને સરકારી નોકરી મળી અને ન તો પોતાની પસંદગીની કોઈ સારી નોકરી.

આ બધાને કારણે ધારાબહેન દરરોજ રિચાને ઠપકો આપતાં. એક દિવસ તેઓ ગુસ્સામાં બોલ્યાં,

“તું રોજ-રોજ આ ડાયરીમાં શું લખતી રહે છે? તારે આખી જિંદગી બેરોજગાર બનીને જ જીવવું છે?”

રિચાને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો. એ ડાયરી તેના માટે માત્ર કાગળનાં પાનાં નહોતાં; તેમાં તેના સપનાઓ, લાગણીઓ, દુઃખ અને અધૂરી ઇચ્છાઓ જીવંત હતાં.

એક દિવસ રિચા ઘરમાં નહોતી ત્યારે ધારાબહેને તેની ડાયરી કચરામાં ફેંકી દીધી.

જ્યારે રિચા ઘરે આવી, ત્યારે ધારાબહેને કહ્યું,

“તારી આ ડાયરીને લીધે જ આજે તું કંઈ કરી શકી નથી. એટલે મેં તેને કચરામાં ફેંકી દીધી છે.”

આ શબ્દો સાંભળીને રિચાનું હૃદય તૂટી ગયું. તે પહેલેથી જ પોતાની નિષ્ફળતાઓથી દુઃખી હતી અને હવે તેની સૌથી પ્રિય વસ્તુ પણ તેનાથી છીનવાઈ ગઈ હતી. તે વધુને વધુ હતાશ થતી ગઈ.

બીજી તરફ, અવિનાશે પાંચ વર્ષનું કોલેજનું શિક્ષણ પૂર્ણ કરીને પોતાના સપના તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. તે હવે ગામડાની એક કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.

રિચાને પણ આખરે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. પરંતુ ધારાબહેનને રિચાનું પ્રાઇવેટ કંપનીમાં કામ કરવું બિલકુલ પસંદ નહોતું. તેઓ ઇચ્છતાં હતાં કે રિચા સરકારી નોકરી જ કરે.

ધારાબહેનના રોજબરોજના આવા વર્તનથી રિચા ખૂબ કંટાળી ગઈ હતી.

એક દિવસ તેણે ફોન પર પોતાના પિતાને રડતાં-રડતાં કહ્યું,

“પપ્પા, મને એવું લાગે છે કે હું સાવ એકલી પડી ગઈ છું. મને તમારી પાસે ગામડે લઈ જાવ.”

પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને જયેશભાઈનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ ખૂબ દુઃખી થઈ ગયાં. તેમને લાગ્યું કે તેમની દીકરીને હવે માત્ર સફળતાની નહીં, પરંતુ કોઈ પોતાના માણસના સાથ અને પ્રેમની જરૂર છે.

ધારાબહેનના સ્વભાવ અને સતત દબાણને કારણે રિચા અંદરથી તૂટી રહી હતી. તે ખૂબ હતાશ રહેવા લાગી અને ધીમે-ધીમે ડિપ્રેશન તરફ ધકેલાતી ગઈ.

એક દિવસ રિચા રસ્તા પર ચાલતી જઈ રહી હતી. તેના મનમાં અસંખ્ય વિચારો ચાલી રહ્યાં હતાં. અચાનક તે રસ્તા પર પડી ગઈ. તેની સામે એક મોટું વાહન ઝડપથી નજીક આવી રહ્યું હતું.

પરંતુ તે ક્ષણે રિચાને જીવવાની પણ કોઈ ઇચ્છા નહોતી રહી.

તે ત્યાંથી ઊભી થવાનો પ્રયત્ન પણ ન કરી શકી અને થોડી જ વારમાં બેભાન થઈ ગઈ.

આસપાસ ઊભેલા લોકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડી.

થોડા સમય પછી જ્યારે રિચાને ભાન આવ્યું, ત્યારે તેણે ડોક્ટરને ધીમા અવાજે પૂછ્યું,

“ડોક્ટર, મને શું થયું છે?”

ડોક્ટરે ગંભીરતાથી કહ્યું,

“તમે લાંબા સમયથી માનસિક તણાવમાં છો. તમારી હાલત જોઈને લાગે છે કે તમે ડિપ્રેશનનો શિકાર બન્યાં છો. તમારે યોગ્ય સારવાર અને સૌથી વધુ તમારા પોતાના લોકોના સાથની જરૂર છે.”

ડોક્ટરની વાત સાંભળીને રિચા ફરીથી હતાશ થઈ ગઈ.

તે સમયે હોસ્પિટલના દરવાજા પાસે ઊભેલા જયેશભાઈએ ડોક્ટરની વાત સાંભળી લીધી હતી. તેઓ તરત જ ડોક્ટર પાસે ગયાં અને ચિંતાભર્યા અવાજે પૂછ્યું,

“ડોક્ટર સાહેબ, મારી દીકરી આ ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવશે?”

ડોક્ટરે તેમને શાંતિથી સમજાવવાનું શરૂ કર્યું.

એ જ સમયે રિચાની નજર પોતાના પિતા પર પડી.

જયેશભાઈને જોઈને જાણે રિચાના અંદર વર્ષોથી અટવાયેલું બધું દુઃખ એકસાથે બહાર આવી ગયું. તે પોતાના પિતાને વળગી પડી અને બાળકની જેમ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી.

જયેશભાઈએ પ્રેમથી તેની પીઠ પર હાથ ફેરવ્યો.

તેમની આંખોમાં પણ આંસુ હતાં.

પોતાની દીકરીને છાતી સાથે લગાવીને તેમણે ધીમેથી કહ્યું,

“રડ નહીં બકા… જિંદગી ગમે તેટલી મુશ્કેલ હોય, પણ જિંદગી જીવી પડશે બકા! તું એકલી નથી. તારો પપ્પા તારી સાથે છે.”

રિચાએ આંસુભરી આંખોથી પોતાના પિતાને જોયા.

એ ક્ષણે કદાચ પહેલી વાર તેને લાગ્યું કે તેની જિંદગી હજી પૂરી થઈ નથી.

તેની પાસે હજી એક તક હતી…

પોતાની મરજીથી જીવવાની.

હોસ્પિટલમાં રિચાની હાલત વિશે જાણ્યા પછી જયેશભાઈ ખૂબ જ દુઃખી અને ગુસ્સે થયા. તેઓ સીધા ધારાબહેન પાસે ગયા અને ગુસ્સામાં તેમને ખૂબ સંભળાવ્યું.

તેમણે કડક અવાજમાં કહ્યું,

“રિચા મારી પુત્રી છે. હું આજે અહીં તેને મારી સાથે ગામડે લઈ જવા આવ્યો છું. તારા કારણે આજે મારી દીકરીની આ હાલત થઈ છે. તારા સતત દબાણ અને તારી અપેક્ષાઓએ મારી દીકરીને અંદરથી તોડી નાખી છે.”

આટલું કહીને જયેશભાઈ રિચાને પોતાની સાથે ગામડે લઈ ગયા.

થોડા સમય પછી રિચાએ ધીમા અવાજે પોતાના પિતાને પૂછ્યું,

“પપ્પા, તમે પણ મારાથી નારાજ છો ને?”

જયેશભાઈએ પ્રેમથી તેની સામે જોઈને કહ્યું,

“ના બકા… હું તારાથી બિલકુલ નારાજ નથી. આ તો જિંદગીની રમત છે. ક્યારેક હાર મળે છે અને ક્યારેક જીત. પરંતુ હારવાથી માણસની જિંદગીનો અંત નથી થતો. હાર તો નવી શરૂઆતનો આરંભ હોય છે.”

પછી જયેશભાઈએ રિચાના હાથમાં એક નવી ડાયરી મૂકી અને કહ્યું,

“તને જે ગમે, હવે એ જ કરવું જોઈએ. આ જિંદગી તારી છે, બકા. હવે તારે તારા સપનાં પ્રમાણે જીવવાનું છે.”

પિતાના આ શબ્દો સાંભળીને રિચાની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. ઘણા સમય પછી તેના ચહેરા પર સાચું સ્મિત જોવા મળ્યું.

એ દિવસથી રિચાની નવી જિંદગીની શરૂઆત થઈ.

---

રિચા હવે રોજ સવારે ઊઠીને ગામડાનું સુંદર વાતાવરણ જોતાં જ પ્રફુલ્લિત થઈ જતી. શહેરના ઘોંઘાટ અને દોડધામથી દૂર ગામડાની શાંતિ તેના મનને ધીમે-ધીમે શાંત કરી રહી હતી.

જયેશભાઈ રોજ સવારે રિચાને પોતાની સાથે ફરવા લઈ જતા. બંને ખેતરોની વચ્ચે ચાલતાં અને કુદરતના સુંદર વાતાવરણને નિહાળતાં. લીલાંછમ ખેતરો, પક્ષીઓનો કલરવ અને સવારની ઠંડી હવા રિચાના મનમાં એક નવી ઊર્જા ભરી દેતાં.

સાંજના સમયે પણ બંને પિતા-પુત્રી ઘરના હીંચકા પર બેસતાં. પક્ષીઓનો કલરવ, આકાશમાં છવાતી સાંજની લાલી અને શાંત વાતાવરણને બંને સાથે માણતાં.

આ સુંદર વાતાવરણમાં રિચા ફરીથી પોતાની ડાયરી લખવા લાગી. હવે તેની ડાયરીમાં માત્ર દુઃખ જ નહોતું, પરંતુ નવી આશાઓ, સપનાઓ અને પોતાની નવી જિંદગીની શરૂઆત પણ હતી.

એક દિવસ રિચા પોતાની ડાયરીમાં કંઈક લખી રહી હતી, ત્યારે અચાનક તેના ઘરે અવિનાશ આવ્યો.

અવિનાશને રિચાને ગામડે જોઈને ખૂબ ખુશી થઈ. ઘણા સમય પછી બંને મિત્રો ફરી મળ્યાં હતાં. બંને જૂના દિવસોની વાતો કરતાં-કરતાં હસવા અને મજાક કરવા લાગ્યાં.

થોડા સમય પછી અવિનાશની નજર રિચાની ડાયરી પર પડી.

“શું લખે છે, મેડમ લેખિકા?” અવિનાશે મજાક કરતાં પૂછ્યું.

રિચા હસીને બોલી,

“કંઈ નહીં… બસ, મનમાં આવે એ લખું છું.”

અવિનાશે ડાયરીમાંથી રિચાની લખેલી એક વાર્તા વાંચી. વાર્તા વાંચ્યા પછી તે ખૂબ પ્રભાવિત થયો. તેણે ઉત્સાહથી કહ્યું,

“રિચા! તું બહુ સરસ લખે છે. તારે આ વાર્તા લેખન સ્પર્ધામાં મોકલવી જોઈએ.”

શરૂઆતમાં રિચા થોડું સંકોચાઈ, પરંતુ અવિનાશ અને જયેશભાઈએ તેને હિંમત આપી. અંતે રિચા સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર થઈ ગઈ.

રિચાએ પોતાની ‘દોષ’ નામની વાર્તા લેખન સ્પર્ધા માટે મોકલી. અવિનાશે તેની વાર્તા સ્પર્ધામાં સબમિટ કરવામાં તેની મદદ કરી.

રિચાના જીવનમાં હવે ધીમે-ધીમે બધું બદલાઈ રહ્યું હતું.

---

એક દિવસ ધારાબહેને રિચાને ફોન કર્યો.

તેમણે કહ્યું,

“રિચા, હવે તું પાછી સુરત આવી જા.”

પરંતુ આ વખતે રિચા પહેલાં જેવી ડરેલી અને નબળી નહોતી. તેણે હિંમત કરીને શાંતિથી જવાબ આપ્યો,

“મમ્મી, અત્યારે હું અહીં જ ખુશ છું. મને મારી જિંદગી મારા મન મુજબ જીવવા દો.”

ધારાબહેન થોડા સમય માટે ચૂપ થઈ ગયાં.

પહેલી વાર રિચાએ પોતાની પસંદગી માટે આટલી હિંમતથી અવાજ ઉઠાવ્યો હતો.

પોતાની દીકરીની આ હિંમત જોઈને જયેશભાઈ ખૂબ ખુશ થયા. રિચાના જીવનમાં ફરી આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો હતો.

તેથી જયેશભાઈએ નક્કી કર્યું કે રિચા અને અવિનાશને લઈને ગિરનારની યાત્રાએ જવું.

---

ગિરનાર ચઢવાની શરૂઆતમાં તો રિચા અને અવિનાશ બંને ખૂબ ઉત્સાહમાં હતાં. પરંતુ થોડું ચડ્યા પછી બંને થાકી ગયાં.

જયેશભાઈ તો તેમની ઉંમરને જાણે પડકાર આપતાં હોય તેમ ફટાફટ આગળ ચઢી રહ્યાં હતાં.

તેમને આટલી ઝડપથી ચઢતાં જોઈને અવિનાશ હાંફતાં-હાંફતાં બોલ્યો,

“બસ! હવે મારાથી નથી ચઢાતું.”

જયેશભાઈ પાછળ ફરીને હસ્યાં અને બોલ્યાં,

“હવે થોડુંક જ બાકી છે, હિંમત રાખો.”

આ સાંભળીને અવિનાશે ફરી હિંમત ભેગી કરી અને આગળ ચાલવા લાગ્યો.

થોડા સમય પછી તેણે જયેશભાઈને પૂછ્યું,

“પણ આપણે આટલી મહેનત કરીને ચઢીએ જ શા માટે છીએ? આપણે રોપવેની મદદથી પણ ઉપર જઈ શકતાં હતાં ને?”

અવિનાશનો પ્રશ્ન સાંભળીને જયેશભાઈ હસ્યા અને કહ્યું,

“ઉપર પહોંચીએ, પછી તને આનો જવાબ આપીશ.”

ઘણા સંઘર્ષ અને મહેનત પછી આખરે તેઓ ગિરનારની ઊંચાઈએ પહોંચ્યાં.

ઉપર પહોંચીને સામે દેખાતું અદ્ભુત કુદરતી સૌંદર્ય જોઈને રિચા અને અવિનાશ બંને મંત્રમુગ્ધ થઈ ગયાં.

થોડા સમય સુધી ત્રણેય ચૂપચાપ એ સુંદર દૃશ્યને નિહાળતાં રહ્યાં.

પછી જયેશભાઈએ રિચા તરફ જોઈને કહ્યું,

“બકા, હું તને અહીં આ સૌંદર્ય બતાવવા અને જિંદગીનું મહત્વ સમજાવવા માટે લાવ્યો છું.”

રિચા પોતાના પિતાને ધ્યાનથી સાંભળવા લાગી.

જયેશભાઈએ પ્રેમથી કહ્યું,

“જિંદગી જીવી જ પડશે, બકા! ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલું દુઃખ મળે… પણ હાર માનીને બેસી નહીં જવાનું. તું મારી દીકરી છે, તું મજબૂત છે. પડજે તો ફરી ઊભી થજે… કારણ કે તારી જિંદગી હજુ ઘણી સુંદર થવાની બાકી છે. હું હંમેશાં તારી સાથે છું, બકા.”

પછી તેમણે ગિરનારના રસ્તા તરફ ઈશારો કરતાં કહ્યું,

“અવિનાશે પૂછ્યું હતું ને કે આપણે રોપવેથી કેમ ન ગયા? કારણ કે બકા, જિંદગીમાં પણ ઘણી વખત સરળ રસ્તો હોય છે, પરંતુ પોતાના પગે સંઘર્ષ કરીને મેળવેલી મંઝિલનું સુખ કંઈક અલગ જ હોય છે. આપણે રસ્તામાં થાક્યાં, રોકાયા, પરંતુ પાછા ફર્યાં નહીં. બસ, જિંદગી પણ આવી જ છે.”

આ શબ્દો સાંભળીને રિચાને જાણે જિંદગીનો સાચો અર્થ સમજાઈ ગયો.

તેને સમજાયું કે મુશ્કેલીઓથી ભાગી જવાથી જિંદગી સરળ નથી બનતી. મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધતા રહેવું પડે છે.

---

હસતાં-હસતાં અને નવી જિંદગીનો આનંદ માણતાં છ મહિના વીતી ગયાં.

બે દિવસ પછી રિચાને પોતાની ડિપ્રેશનની સારવાર અંગે તપાસ માટે હોસ્પિટલ જવાનું હતું.

એ દિવસે ગામમાં સુંદર વરસાદ વરસી રહ્યો હતો. ઠંડી હવા ચાલી રહી હતી અને ચારેબાજુ ખુશનુમા વાતાવરણ હતું.

જયેશભાઈ ઘરના હીંચકા પર બેસીને વરસાદની મજા માણી રહ્યાં હતાં.

પોતાના પિતાને વરસાદ માણતાં જોઈને રિચા પણ તેમની પાસે આવી. તે હીંચકા પર પોતાના પિતાની બાજુમાં બેસી ગઈ અને બંને પિતા-પુત્રી વરસાદને નિહાળવા લાગ્યાં.

એ ક્ષણે રિચાને સમજાઈ ગયું કે જીવનની ખુશીઓ હંમેશાં મોટી વસ્તુઓમાં જ નથી હોતી. ક્યારેક પિતા સાથે હીંચકા પર બેસીને વરસાદ માણવામાં પણ આખી દુનિયાની ખુશી મળી શકે છે.

રિચાએ મનમાં વિચાર્યું,

“આપણી જિંદગી ખૂબ મૂલ્યવાન છે.”

જિંદગીમાં સુખ અને દુઃખ બંને આવે છે. આપણું જીવન અનેક રંગોથી બનેલું છે. ખુશી, દુઃખ, ઈર્ષ્યા, ક્રોધ, પ્રેમ અને લાગણી જેવી અસંખ્ય ભાવનાઓ આપણે આપણા જીવનમાં અનુભવીએ છીએ.

દરેક દિવસ સરખો નથી હોતો.

ક્યારેક આપણે હસીએ છીએ, તો ક્યારેક રડીએ છીએ.

પરંતુ આ બધા રંગો મળીને જ જીવનને સંપૂર્ણ બનાવે છે.

---

બે દિવસ પછી રિચા અને જયેશભાઈ હોસ્પિટલમાં તેની તપાસ માટે ગયાં.

તપાસ અને ડોક્ટર સાથેની વાતચીત પછી ડોક્ટરે ખુશીથી કહ્યું,

“રિચા, તારી હાલતમાં ઘણો સુધારો થયો છે. તું હવે ડિપ્રેશનમાંથી બહાર આવી ગઈ છે. તારે આગળ પણ પોતાની ખુશી, માનસિક શાંતિ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે.”

આ વાત સાંભળીને રિચા અને જયેશભાઈ બંનેની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં.

તેઓ હોસ્પિટલની બહાર નીકળ્યાં.

ત્યાં બહાર એક આશ્ચર્ય તેમની રાહ જોઈ રહ્યું હતું.

અવિનાશ, ધારાબહેન અને રોહન રિચાને મળવા માટે ઊભાં હતાં.

પોતાની માતા અને ભાઈને ત્યાં જોઈને રિચા થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ.

ધારાબહેનની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રોહન પણ પોતાની બહેન સામે શરમિંદગી અનુભવતો હતો.

બંને રિચા પાસે માફી માંગવા આવ્યાં હતાં.

રિચા ધીમે-ધીમે તેમની પાસે ગઈ અને બંનેને ભેટી પડી.

આંખોમાં આંસુ સાથે તેણે કહ્યું,

“મારે તમારી માફીની જરૂર નથી, મમ્મી… મારે તો બસ તમારો સાથ જોઈએ છે.”

આ શબ્દો સાંભળીને ધારાબહેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

તેમને હવે સમજાઈ ગયું હતું કે દરેક બાળકની પોતાની અલગ રુચિ, આવડત અને સપનાં હોય છે. બાળકો પર પોતાની ઇચ્છાઓ લાદવાને બદલે તેમને પોતાની જિંદગી પોતાની પસંદગી પ્રમાણે જીવવાનો અધિકાર આપવો જોઈએ.

સરકારી નોકરી જ સફળતાનું એકમાત્ર માપદંડ નથી અને પ્રાઇવેટ નોકરી કરવી કોઈ નિષ્ફળતા નથી.

સાચી સફળતા તો એમાં છે કે વ્યક્તિને જે વિષયમાં રસ હોય, જેમાં તેની આવડત હોય અને જેમાં તેને ખુશી મળે, તેને એ માર્ગ પર આગળ વધવાની તક મળે.

ધારાબહેને હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

---

સમય પસાર થતો ગયો.

રિચાએ પોતાની લેખનયાત્રા ચાલુ રાખી. તેની વાર્તા **‘દોષ’**ને ખૂબ પ્રશંસા મળી અને ત્યારબાદ રિચાએ સતત નવી-નવી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું.

ધીમે-ધીમે તેની ઓળખ એક પ્રતિભાશાળી લેખિકા તરીકે બનવા લાગી.

આગળ જતાં રિચા ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ લેખિકાઓમાંની એક બની ગઈ.

હવે તે પોતાનાં પુસ્તકો લખવા માટે અલગ-અલગ શહેરોની મુલાકાત લેતી. નવી જગ્યાઓ, નવા લોકો અને કુદરતના વિવિધ રંગો તેના લેખનને નવી પ્રેરણા આપતાં.

તે ભારતના અલગ-અલગ શહેરોમાં અને દેશ-વિદેશમાં યાત્રાઓ કરવા લાગી. કુદરતી સૌંદર્યને માણવું હવે તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો હતો.

જે રિચા ક્યારેક પોતાની જિંદગીથી હારી ગઈ હતી, એ જ રિચા આજે પોતાની જિંદગી પોતાની શરતો પર જીવી રહી હતી.

તેને હવે સમજાઈ ગયું હતું કે—

હાર અંત નથી.
દુઃખ કાયમનું નથી.
અને દરેક અંધારી રાત પછી એક નવી સવાર જરૂર આવે છે.

જયેશભાઈની એક વાત હવે રિચાના જીવનનો સૌથી મોટો આધાર બની ગઈ હતી—

“જિંદગી જીવી જ પડશે, બકા!”

---

સારાંશ

બાળકો પર હંમેશાં સારા માર્ક્સ લાવવાનું દબાણ ન કરવું જોઈએ. દરેક બાળકની પોતાની અલગ આવડત, રુચિ અને સપનાં હોય છે. તેમને જે વિષયમાં રસ હોય, તે ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

બાળકોને માત્ર તેમના માર્ક્સના આધારે માપવા ન જોઈએ, પરંતુ તેમની આવડત અને ક્ષમતાને પણ સમજવી જોઈએ.

સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી કે કોઈ ચોક્કસ કારકિર્દી જ સફળતાનો એકમાત્ર રસ્તો નથી. સાચી સફળતા એ છે કે વ્યક્તિ પોતાની આવડતને ઓળખે, પોતાના સપનાઓને અનુસરે અને ખુશીથી જીવન જીવે.

કારણ કે…

“જિંદગીમાં સુખ હોય કે દુઃખ, જીત હોય કે હાર…

જીવન ગમે તેટલું મુશ્કેલ બને, પણ—
જિંદગી જીવી જ પડશે, બકા!”**