સાત સમંદર પાર - ભાગ 13 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાત સમંદર પાર - ભાગ 13

મિલાપના યુ.એસ. જવામાં માત્ર પંદર દિવસ બાકી હતા.માટે નક્કી થયું કે નેક્સ્ટ સન્ડે પ્રિયાંશી અને મિલાપની સાદાઈથી સગાઈ કરી દેવામાં આવે.આ નિર્ણય સાંભળીને મિલાપનું મન જાણે ઉછળી પડ્યું.માયાબેન મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા અને તેમને એ વાત સમજાતી નહોતી કે આટલું સરસ ઘર-બાર મૂકીને મિલાપને તેના પપ્પા અમેરીકા શું કામ મોકલવા માંગે છે ?? પરંતુ તે આ બાબતે કંઈ પણ બોલવા ઈચ્છતા નહોતા...માયાબેનને ખુલાસીને બધી વાત આજે જ કરી લેવી હતી તેથી તેમણે છોકરાઓને અંદર બેડરૂમમાં જઈને બેસવા માટે કહ્યું.બધા છોકરાઓ અંદર મિલાપના બેડરૂમમાં બેસવા માટે ગયા ત્યારબાદ માયાબેને વાતની શરૂઆત કરતાં કહ્યું કે, "મારી પ્રિયાંશી ખૂબ ડાહી છે, હોંશિયાર છે પણ તે ભણવામાં હોંશિયાર હતી એટલે તેને ભણાવી છે, તેને રસોઈ બનાવતા કંઈ ખાસ આવડતી નથી." એટલે અંજુબેન તરત જ બોલ્યા કે, "ભણતી દીકરીઓ કંઈ ઓછી રસોડામાં ગઈ હોય. નથી આવડતી તો કંઈ વાંધો નહીં, એતો ધીરે ધીરે ધીરે બધું શીખી જશે." આવા સાસુ મળે તો પછી પ્રિયાંશીને શું વાંધો હોય તેવું માયાબેનને લાગ્યું. પછી માયાબેન આગળ બોલ્યા કે, "બીજી એક વાત મારે તમને જણાવવી છે જે કોઈ નથી જાણતું ખુદ પ્રિયાંશીને પણ આ વાતની ખબર નથી. પ્રિયાંશી મિલાપ માટે પાણી લેવા રસોડા તરફ જઈ રહી હતી તે કૂતુહલવશ દિવાલને આડી ઉભી રહી હતી કે આ લોકો શું વાતો કરે છે. તેના કાને આ શબ્દો પડ્યા તો તે વિચારમાં પડી ગઈ કે એવી કઈ વાત છે જે મને પણ ખબર નથી. "પ્રિયાંશી મારી દીકરી નથી." માયાબેને અંજુબેનને પોતાના દિલની વાત જણાવતાં કહ્યું..મિલાપ માટે પાણી લેવા ગયેલી અને દિવાલની પડખે ઉભી રહેલી પ્રિયાંશી આ વાત સાંભળીને અવાક્ થઈ ગઈ. માયાબેનના મોઢેથી નીકળેલા આ શબ્દો જાણે પ્રિયાંશીના કાનમાં નહીં, પરંતુ સીધા તેના હૃદયમાં ઘૂસી ગયા હતા...તે જ્યાં ઊભી હતી ત્યાં જ પથ્થરની મૂર્તિ બની ગઈ.હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ ધ્રૂજી રહ્યો હતો. આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું હતું.‘હું... મમ્મીની દીકરી નથી?’તેના મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગ્યા.‘તો પછી હું કોની દીકરી છું?’‘મારા સાચા મમ્મી-પપ્પા કોણ છે?’‘મને મારા વિશે આટલું મોટું સત્ય કેમ છુપાવવામાં આવ્યું?’અને સૌથી મોટો પ્રશ્ન...‘શું આટલાં વર્ષોથી જે લોકોને હું મારા મમ્મી-પપ્પા માનતી આવી છું, તેઓ મારા સાચા માતા-પિતા નથી?’પ્રિયાંશીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.પરંતુ તેણે પોતાના મોઢા ઉપર હાથ મૂકી દીધો હતો, જેથી એક પણ અવાજ બહાર ન આવે.અંદર માયાબેન પોતાની વાત પૂરી કરી રહ્યા હતા, “અંજુબેન, પ્રિયાંશી અમારે માટે સગી દીકરી કરતાં પણ વધારે છે. અમે તેને ક્યારેય એ વાતનો અહેસાસ થવા દીધો નથી કે તે અમારી પોતાની દીકરી નથી. તેને ભણાવી, ઉછેરી, પ્રેમ આપ્યો... જે કંઈ અમારા પોતાના સંતાન માટે કરતાં એ બધું જ અમે તેના માટે કર્યું છે.”અંજુબેનની આંખોમાં પણ પાણી આવી ગયું.“માયાબેન, તમે ચિંતા ન કરો. આ વાત અમારા સુધી જ રહેશે. પ્રિયાંશીને ખબર પણ નહીં પડે.”પરંતુ એ વાત સાંભળીને માયાબેનના ચહેરા પર એક ક્ષણ માટે અજાણ્યો ભય છવાઈ ગયો.“મને બસ એટલો જ ડર છે અંજુબેન... ક્યારેક ને ક્યારેક તો આ સત્ય સામે આવશે જ. ત્યારે મારી દીકરીને એવું ન લાગવું જોઈએ કે અમે તેની સાથે છેતરપિંડી કરી છે.”“તમે તો તેની જિંદગી બનાવી છે માયાબેન. એને જન્મ કોઈ બીજાએ આપ્યો હશે, પરંતુ માતા તો તમે જ છો.”આ શબ્દો સાંભળીને માયાબેનની આંખોમાંથી આંસુ વહી પડ્યાં.અને બહાર ઊભેલી પ્રિયાંશીનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું.‘માતા તો તમે જ છો...’આ શબ્દો તેના કાનમાં ગુંજી રહ્યા હતા.તેણે ધીમેથી પોતાના પગ પાછળ ખેંચ્યા.હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ લઈને કોઈને પણ જાણ ન થાય તેમ તે રૂમમાં આવી ગઈ.તેને શું કરવું તેની કંઈ જ ખબર ન પડી, આ વાત સાંભળતાં જ ધરતી માર્ગ આપે તો હું સમાઈ જવું તેવા  વિચારો તેને આવી રહ્યા હતા.. બીજી જ ક્ષણે પ્રિયાંશીના મનમાં પ્રશ્ન થયો કે તો પછી હું કોની દીકરી છું ??અંજુબેને માયાબેનને પૂછ્યું, "તો પછી પ્રિયાંશી કોની દીકરી છે ?" માયાબેને જવાબ આપ્યો કે અમે હજી સુધી કોઈને આ વાત જણાવી નથી પણ જીવનમાં ક્યારેય પણ કોઈ પણ રીતે તમને આ વાતની ખબર પડે તો તમને એમ ન થવું જોઈએ કે અમે તમને અંધારામાં રાખ્યા છે માટે આ વાત હું તમને જણાવું છું."માયાબેને ઉમેર્યું કે, "મારા લગ્ન થયે છ વર્ષ પૂરા થઈ ગયા હતા પણ મારી કૂખ ખાલી જ હતી. આ બાજુ મારા ભાઈને ત્યાં એક પછી એક એમ ત્રીજી દીકરી અવતરી હતી. મારા ભાઈની પરિસ્થિતિ સાવ સામાન્ય છે. અત્યારના મોંઘવારીના સમયમાં ત્રણ દીકરીઓનું કેવી રીતે પૂરું કરવું તે એક પ્રશ્ન હતો..? દિકરાની આશામાં તેને ત્યાં ત્રીજી દીકરી અવતરી હતી.  મારે ત્યાં સંતાન નહોતું તો મને થયું કે આ ત્રીજી દીકરીને હું ગોદે લઈ લઉં તો મારો મા બનવાનો અભરખો પૂરો થશે. અને મારા ભાઈની જવાબદારી થોડી ઓછી થશે. આ વાત મેં પ્રિયાંશીના પપ્પાને કરી. તેઓએ તરત જ હા પાડી અને પછી મારા ભાઈ- ભાભીને અમે આ વાત જણાવી તો તેઓ ખૂબજ ખુશ થઈ ગયા. અને આનાથી રૂડું આ દીકરીના નસીબમાં શું હોઈ શકે, તેમ કહેવા લાગ્યા...પ્રિયાંશી ત્રણ મહિનાની થઈ પછી અમે તેને અમારા ઘરે લઈ આવ્યા.તેનું નામ "પ્રિયાંશી" પણ મેં જ પાડ્યું હતું.. કારણ કે તે અમને ખૂબ પ્રિય છે. અમે આ વાત પ્રિયાંશીને જણાવી નથી માટે તમે પણ જણાવશો નહિ."આ બધી જ વાત મિહિરભાઈ અને અંજુબેને શાંતિથી સાંભળી...હવે પ્રિયાંશીના મનમાં એકસાથે હજારો પ્રશ્નોની વણઝાર ચાલી રહી હતી, મમ્મી-પપ્પાને કઈ રીતે પૂછવું કે તેમણે પોતાની સાથે આવું શા માટે કર્યું..?એમ તે વિચારવા લાગી, તેના માન્યામાં આ કોઈ વાત આવતી જ નહોતી, તેનું નાજુક હ્રદય આ વાતને સ્વીકારવા તૈયાર જ નહોતું, હજી પણ તેને થતું કે મમ્મી એકવાર કહી દે કે આ બધી જ વાત ખોટી છે, હું તો મારા પપ્પા હસમુખભાઈ અને મમ્મી માયાબેનની જ લાડકી દીકરી છું. એમ તે સતત વિચારી રહી હતી...તે ખૂબજ હતાશ થઈ ગઈ હતી અને મનમાં ને મનમાં રડી રહી હતી..માયાબેનની વાત સાંભળીને મિહિરભાઈ અને અંજુબેને કહ્યું કે, "આ વાતનો અમને કોઈ જ વાંધો નથી અમને તમારી પ્રિયાંશી ગમે જ છે અને અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ." અંજુબેને બધાને મીઠાઈ ખવડાવી અને બધાનું મોં મીઠું કરાવ્યું..બધી વાત પાક્કી થઈ ગઈ એટલે હસમુખભાઈએ મિહિરભાઈ પાસે ઘરે જવા માટે રજા માંગી...મિહિરભાઈ તેમજ અંજુબેને પણ હસમુખભાઈ અને તેમના પરિવારને ખુશી ખુશી વિદાય આપી..બધા ખૂબજ ખુશ હતા પણ પ્રિયાંશી બિલકુલ ચૂપ હતી. એકદમ ગંભીર અને વિચારોમાં ખોવાયેલી દેખાતી હતી. તેને જોઈને હસમુખભાઈ અને માયાબેન વિચારમાં પડી ગયા. માયાબેને ઘરે આવીને તેને પૂછી જ લીધું કે, "પ્રિયાંશી, તું આમ શું વિચારમાં ડૂબી ગઈ છે, તારી ઈચ્છા મિલાપ સાથે લગ્ન કરવાની નથી કે શું ?"ત્યારે પ્રિયાંશીએ કહ્યું, "ના ના, એવું કંઈ નથી મમ્મી." તો શું થયું બેટા ? તું આટલી ઉદાસ ઉદાસ કેમ દેખાય છે ?" પ્રિયાંશીને કઈ રીતે વાતની શરૂઆત કરવી કંઈ સમજાતું નહોતું...તે એકીટશે પોતાની મોમ સામે જોઈ રહી હતી અને મનમાં કંઈક વિચારી રહી હતી...છેવટે તેણે ખૂબજ દુઃખ સાથે પોતાની મોમને પૂછી જ લીધું કે, "મમ્મી, હું તમારી દીકરી નથી ને ?" માયાબેન એક સેકન્ડ વિચારમાં પડી ગયા કે, "શું અમારી વાત પ્રિયાંશી સાંભળી ગઈ હશે ?"વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    24/8/26