પ્રિયાંશી પણ હવે મિલાપના પ્રેમમાં તરબોળ થઈ ચૂકી હતી...થોડી ક્ષણો બંને એકબીજાનામાં ખોવાયેલા રહ્યા અને એટલામાં મિલાપના ફીઆએ મિલાપને બૂમ પાડીને બહાર બોલાવ્યો...બંને જણાં જરા સ્વસ્થ થઈને રૂમની બહાર આવ્યા અને મિલાપના ફીઆએ ઘરમાં બધાનું મોં મીઠું કરાવ્યું...મિલાપ પ્રિયાંશીના મમ્મી પપ્પાને મળવા માટે તેમનાં ઘરે પહોંચી ગયો અને પ્રિયાંશી સાથેના પોતાના લગ્નની ઈચ્છા તેણે વ્યક્ત કરી...પ્રિયાંશીના મમ્મી માયાબેને આ નિર્ણય પ્રિયાંશી ઉપર છોડ્યો...પરંતુ તેમનાં મનમાં એક વાત સતત ઘૂમરાયા કરતી હતી તે એ હતી કે, મિલાપ ખૂબ જ પૈસાવાળા ઘરનો દિકરો હતો... તેમણે પોતાની દીકરી પ્રિયાંશીને સહજપણે પૂછી જ લીધું કે, "મિલાપ તો તને ગમે છે બેટા પણ તેની સાથે તું એડજસ્ટ થઈ શકીશ, અને તેના પરિવાર સાથે તને ફાવશે ? એ લોકો ખૂબ પૈસાવાળા છે બેટા તો આપણે થોડું વિચારવું પડે ને ?" પ્રિયાંશીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે બોલી, "મમ્મી, હું મિલાપને ખૂબ સારી રીતે ઓળખું છું. તેને તેના પૈસાનો લેશમાત્ર ઘમંડ નથી અને તેના મમ્મી-પપ્પા બંનેનો સ્વભાવ પણ ખૂબજ સરળ છે. હું ત્યાં આરામથી એડજસ્ટ થઈ જઈશ અને એ મને ગમે પણ છે. એ પણ મને સાચા દિલથી ચાહે છે એમાં મને જરાય શંકા નથી. પણ એક વાત હું તને સ્પષ્ટ કહી દઉં, જ્યાં સુધી હું મારી રીતે બરાબર સેટલ ન થઈ જઉં, ત્યાં સુધી હું લગ્ન કરવા નથી ઈચ્છતી.. અને તું આટલું બધું નહિ વિચાર્યા કર મોમ હું મારી રીતે બધું જ સંભાળી લઈશ હું હવે નાની નથી.."અને પ્રિયાંશીએ પોતાના મનની બધી જ વાત માયાબેનને કહી દીધી. જાણે માયાબેન તેની બહેનપણી હોય તેમ તે કાયમ બધી જ વાતો માયાબેન સાથે શેર કરતી. માયાબેન પણ તેની સાથે બહેનપણી જેવો જ વ્યવહાર રાખતા. માયાબેન થોડા દુઃખી થતાં બોલ્યા, "બેટા,તું અમારી એકની એક દીકરી છે, નજર સામેથી તને કોઈ દિવસ દૂર નથી કરી. ચિંતા તો થાય ને બેટા ? ભલે અમારી પાસે પૈસા નથી પણ અમે તને અને રાજનને ખૂબજ પ્રેમથી લાડ કોડથી ઉછેરીને મોટા કર્યા છે, કદી કોઈ તકલીફ નથી પડવા દીધી." અને માયાબેનની આંખમાં આંસુ આવી ગયા.. પોતાની મોમને આમ રડતાં જોઈને પ્રિયાંશીની આંખમાં પણ આંસુ આવી ગયા અને તે પણ પોતાની મોમને ભેટીને રડવા લાગી. હસમુખભાઈએ બંનેને પાણી પીવડાવી શાંત કર્યા અને પછી બધા સાથે જમવા બેઠાં. હસમુખભાઈ પોતાની લાડકી દીકરી પિયુને કહેવા લાગ્યા, "પિયુ.." તેમનો અવાજ ધીમો અને પ્રેમાળ હતો, "બેટા, અમે તને કોઈ પણ જાતનો ફોર્સ કરવા નથી ઈચ્છતા. તારી ખુશી જ અમારી ખુશી છે. પણ જો છોકરો સારો હોય, ફેમિલી પણ સારું હોય અને બંને એકબીજાને સમજીને આગળ વધવા માંગતા હોય તો સગાઈ કરી દેવામાં કોઈ વાંધો નથી. લગ્ન જ્યારે તને યોગ્ય લાગે ત્યારે કરીશું બેટા.."પ્રિયાંશીએ તેના પપ્પાની સામે જોયું અને ફરીથી તેની આંખમાં પાણી આવી ગયું.."પપ્પા, તમે અને મમ્મીએ મારા માટે જે કર્યું છે એ હું ક્યારેય ભૂલી નહીં શકું. તમે મને દીકરી નહીં પણ દિકરો જ ગણી છે અને મારી ઉપર ખૂબ વિશ્વાસ રાખ્યો છે. બસ હવે એક જ વિનંતી છે... હમણાં મને થોડો સમય આપો."હસમુખભાઈ હસ્યા.તને જેટલો સમય જોઈએ એટલો સમય મળશે બેટા."બીજે દિવસે સાંજે મિલાપનો ફોન આવ્યો."પિયુ... શું થયું? આન્ટીએ તને કંઈ વાત કરી?"પ્રિયાંશીએ તેને શાંતિથી જવાબ આપ્યો, "મમ્મી-પપ્પા સાથે મારે બધી જ વાત થઈ ગઈ છે. તેમને કોઈ વાંધો નથી, પરંતુ મેં કહ્યું છે કે હું હમણાં લગ્ન નહીં કરું.."મિલાપ જરા મૌન રહ્યો.અને પછી બોલ્યો... અને સગાઈ..?"બસ, હું એ બાબતે જ કંઈક વિચારી રહી છું પણ કંઈ પ્રમ્પ્ટ ડિસીશન નથી લઈ શકતી.."મિલાપે ઊંડો શ્વાસ લીધો અને તે બોલ્યો, "પિયુ, મારે યુ.એસ. જવાના દિવસો હવે બહુ નજીક છે. હું બસ એટલું જ ઈચ્છું છું કે હું નિશ્ચિંત થઈને જઈ શકું..""હું સમજી શકું છું તને.." "તો પછી...?""મને જરા શાંતિથી વિચારવા તો દે..""પણ એમાં શું વિચારવાનું છે માય ડિયર..?""બસ એ જ કે, તું યુ એસ એ થી પાછો તો આવીશ ને..?""અફ કોર્સ યાર, તારી સાથે લગ્ન કરવા.. ઘોડે ચડીને તારા ઘરે આવીશ અને તને મારી લાઈફ પાર્ટનર બનાવીશ.. બસ હવે તો એ એક જ સ્વપ્ન બાકી છે.." મિલાપના અનાજમાંથી તેનો અનહદ પ્રેમ નીતરી રહ્યો હતો..."ઓકે, આઈ એમ રેડી નાઉ.."પ્રિયાંશીના આ શબ્દોએ મિલાપને થોડી શાંતિ આપી.બધું જ નક્કી થઈ ગયું..બીજે દિવસે મિલાપ સવારના પહોરમાં ફરી માયાબેનને અને હસમુખભાઈને મળવા આવ્યો બંનેને પગે લાગ્યો અને પૂછવા લાગ્યો કે, "પપ્પા હું મારા મમ્મી-પપ્પાને લઈને આજે આપના ઘરે મળવા આવી શકું છું..?"માયાબેન હસતાં હસતાં બોલી પડયા કે, "બહુ ઉતાવળ આઈ છે તમને, મિલાપ ? રાજન અને હસમુખભાઈ બધાં હસી પડ્યા. મિલાપે પણ હસતાં હસતાં જવાબ આપ્યો, "ના ના એવું નથી મમ્મી, આતો એકવાર નક્કી થઈ જાય પછી શાંતિ ને એટલે." માયાબેન બોલ્યા, "સારું સારું આજે લઈ આવજો તમારા મમ્મી પપ્પાને બસ..?"હવે મિલાપના દિલને ટાઢક વળી...આજે તો મોંઘેરા મહેમાન ઘરે આવવાના છે તેથી ઘરની રોનક જ કંઈક જુદી હતી. માયાબેને તો આખું ઘર ચોખ્ખું ચટ્ટ કરી દીધું હતું તેમનું ઘર નાનું પણ સ્વચ્છ, સુંદર અને સંસ્કારોથી ભરેલું હતું..."હવે નાસ્તામાં શું બનાવવું..?" તેમ માયાબેન વિચારી રહ્યા હતા. એટલામાં પ્રિયાંશીનો ફોન આવ્યો કે, "મમ્મી મિલાપના મમ્મી-પપ્પા આપણે ત્યાં નથી આવવાના આપણે રાત્રે તેમના ત્યાં જવાનું છે. એટલે આપણે તેમનું ઘર પણ જોવાઈ જાય." માયાબેન બોલ્યા, "સારું સારું બેટા, વાંધો નહિ, આપણે જઈ આવીશું."રાત્રે 8:30નો ટાઈમ નક્કી થયો. હસમુખભાઈ અને આખો પરિવાર મિલાપના ઘરે સમયસર પહોંચી ગયા. મિલાપ અને તેના મમ્મી-પપ્પા પણ જાણે મહેમાનોની વાટ જોઈને જ બેઠાં હોય તેમ બેઠાં હતા. અંજુબેને તેમને આંગણામાંથી જ મીઠો આવકાર દીધો..બધા એક બીજાને મળીને ખુશ થઈ ગયા. ઘરમાં એકદમ ખુશીનો માહોલ છવાઈ ગયો. મિલાપના ઘરમાં તો ઘરઘાટી મોહન રાખેલો હતો. ઘરના નાના મોટા તમામ કામ તે જ કરતો અને ઘરના મેમ્બરની જેમ ઘરમાં રહેતો. ગાડી ચલાવતા પણ તેને આવડતી એટલે કોઈકવાર ડ્રાઇવરનું કામ પણ કરી લેતો. તે બધાને માટે પાણી લાવ્યો અને અંજુબેને તેને ચા-નાસ્તો લાવવાનું કહ્યું. ચા-નાસ્તો આવે ત્યાં સુધી બધા વાતે વળગ્યા. હસમુખભાઈએ વાતની શરૂઆત કરતાં કહ્યું કે, "અમે આજે એક શુભ કામ માટે આવ્યા છીએ.."મિહિરભાઈએ પણ હસતાં હસતાં તેમની વાતમાં હાજીયો પૂરાવ્યો કે, "હા તમારા માટે પણ શુભ છે અને અમારા માટે પણ શુભ છે.."અને મિહિરભાઈ સ્મિત કરતાં કરતાં આગળ બોલ્યાં કે, અમારા મિલાપને તમારી પ્રિયાંશી ગમે છે. બંને એકબીજાને પસંદ કરે છે. જો તમારી સંમતિ હોય તો અમે આ સંબંધને સત્તાવાર સ્વરૂપ આપવા ઈચ્છીએ છીએ.."ઘરમાં થોડા ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ.હસમુખભાઈએ માયાબેન તરફ જોયું.પછી ધીમેથી બોલ્યા, "અમને આ સંબંધ સામે કોઈ વાંધો નથી. પરંતુ એક વાત પહેલાંથી જ કહી દઉં.."મિહિરભાઈ ધ્યાનથી સાંભળવા લાગ્યા."અમે સામાન્ય માણસો છીએ. અમારી પાસે વૈભવ નથી. અમે તમારી બરાબરીના ખર્ચા કે કરિયાવર કરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી.."મિહિરભાઈ થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા.પછી તેમણે હસમુખભાઈનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા,"હસમુખભાઈ, પહેલાં કદાચ હું પૈસાને વધારે મહત્વ આપતો હતો. પરંતુ હવે મને સમજાયું છે કે સાચી સંપત્તિ માણસના સંસ્કાર છે. અમને તમારી દીકરી જોઈએ છે, કરિયાવર નહીં..."આ શબ્દો સાંભળતાં જ માયાબેનની આંખો ભીની થઈ ગઈ.પલ્લવીબેન હસીને બોલ્યાં, "હવે તો વાત પાકી સમજીએ ને?"બધાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.એટલામાં રસોડામાંથી પ્રિયાંશી ટ્રેમાં ચા લઈને બહાર આવી.આજે તેણે આછા વાદળી રંગનો ડ્રેસ પહેર્યો હતો. ચહેરા પર સાદગી હતી અને આંખોમાં સંકોચ.અંજુબેને પ્રેમથી તેને પોતાની બાજુમાં બેસાડી."બેટા, એક વાત પૂછું?""જી આન્ટી.""તું આ સંબંધથી ખુશ છે ને?"પ્રિયાંશીએ શરમાતાં શરમાતાં માથું હલાવ્યું.મિલાપની આંખોમાં તો જાણે ચમક આવી ગઈ હતી...રાજને ધીમેથી બહેનના કાનમાં કહ્યું,"ડૉક્ટર મેડમ, હવે તો સ્માઈલ પણ કરી જ દો.."પ્રિયાંશીએ તેને હળવો ધક્કો માર્યો અને બંને હસી પડ્યા.ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું.પછી સગાઈની તારીખ વિશે ચર્ચા શરૂ થઈ.મિલાપના યુ.એસ. જવામાં માત્ર પંદર દિવસ બાકી હતા.માટે નક્કી થયું કે આવતા રવિવારે બંનેની સાદાઈથી સગાઈ કરી દેવામાં આવે.આ નિર્ણય સાંભળીને મિલાપનું મન જાણે ઉછળી પડ્યું.તે મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યો."હવે હું નિશ્ચિંત છું." તેણે મનમાં વિચાર્યું, "મારી પિયુ હવે સત્તાવાર રીતે મારી જીવનસાથી બનવાની છે.."પરંતુ જીવન હંમેશા માણસે ધાર્યું હોય એ પ્રમાણે ચાલતું નથી...નસીબના પાનાં પર હજુ એક એવી ઘટના લખાયેલી હતી, જે માત્ર મિલાપ અને પ્રિયાંશીના જીવનને જ નહીં, પરંતુ બંને પરિવારોના જીવનને પણ એક નવા વળાંક પર લઈ જવાની હતી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 12/8/26