બાળપણની એ રફનોટ - 10 I AM ER U.D.SUTHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ADVACED AI

    આનંદ પોતાના રૂમમાં બેસીને લેપટોપની સ્ક્રીન તરફ એકીટશે જોઈ રહ...

  • મીનુ માસ્ટર

                                      " પપ્પા! હું કિશોર ફોન કરી...

  • બોસ

    ​(સ્ટેજ પર ઝાંખો લીલો પ્રકાશ છે, પાછળ જંગલના પક્ષીઓ અને પવનન...

  • ભાડે આપેલું સુખ - 3

    અધ્યાય ૩હવેલીની બહાર એમ્બ્યુલન્સ ઊભી હતી. પોલીસની બે ગાડીઓ પ...

  • ઓપરેશન સાગર મંથન - પ્રકરણ 3

    પ્રકરણ ૩: સાગરગઢનો સમુદ્ર સંગ્રામસલાયા કોસ્ટ (સાગરગઢ) - જામન...

શ્રેણી
શેયર કરો

બાળપણની એ રફનોટ - 10

પ્રકરણ ૧૦: સાયકલનું બેલેન્સ અને જાદુઈ બોક્સ

વેકેશનના બીજા દિવસની સવાર સોસાયટીમાં એક નવો રોમાંચ લઈને આવી હતી. ગઈકાલે સાંજે તળાવ સુધીની સાયકલ ટૂરનો પ્લાન રદ થવાનું મુખ્ય કારણ એ હતું કે નિખિલ સિવાય કોઈ પાસે સાયકલ નહોતી અને આર્યનને તો સાયકલ ચલાવતા પણ આવડતું નહોતું. પણ આ વાનરસેના માટે કોઈ સમસ્યા લાંબો સમય ટકી શકે તેમ ક્યાં હતી ....

સવારના આઠ વાગ્યે ચારેય મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થયા. નિખિલ તેની ચમકતી 'હીરો' સાયકલ લઈને હાજર હતો.

"જો આર્યન," નિખિલે સાયકલ સ્ટેન્ડ પર મૂકતાં કીધું, "આજે તળાવ પર જવાનો પ્લાન કેન્સલ છે. આજે આખો દિવસ આપણે તને સાયકલ ચલાવતા શીખવાડવાના છીએ! એકવાર તું સાયકલ ચલાવતા શીખી જાય, પછી આપણે રોજ સાંજે લાંબી ટૂર પર જઈશું અને વારાફરથી ચલાવીશું. જો ભાઈ, હું એકલો તને પાછળ બેસાડીને સાયકલ ખેંચવાનો નથી, મારી શક્તિ ઓછી થઈ જાય!" એમ કહીને તેણે સાયકલ થોડી હલાવીને મજાક કરી.

આર્યનની આંખોમાં એક ચમક આવી ગઈ. તે ધીમેથી સાયકલ નજીક ગયો અને તેના ચમકતા હેન્ડલને સ્પર્શ કર્યો. તેના માટે સાયકલ એ કોઈ સામાન્ય વાહન નહોતું, પણ એક સ્વપ્ન હતું. જુગલ અને બિશન પણ ઉત્સાહમાં આવી ગયા. તેમના મનમાં પણ સાયકલ શીખવાની તીવ્ર ઈચ્છા જાગી હતી, જે આ તક દ્વારા પૂરી થઈ જાય તેમ હતી.

"ચાલ આર્યન, બેસી જા સીટ પર! આજે તો તને ડ્રાઈવર બનાવીને જ જંપીશું!" બિશને પાછળથી સાયકલનું કેરિયર મજબૂતીથી પકડી લેતાં કીધું.

આર્યન સાયકલની સીટ પર ગોઠવાયો. તેના પગ માંડ નીચે જમીનને સ્પર્શતા હતા. હેન્ડલ પર તેની પકડ મજબૂત થઈ પણ ગભરાટના કારણે તેના હાથ ધ્રૂજી રહ્યા હતા.

"જો આર્યન, નજર સામે રાખવાની, નીચે ટાયર તરફ નહીં જોવાનું," નિખિલે બાજુમાં ચાલતા સૂચના આપી. "અને પેડલ પર બરાબર વજન આપીને ગોળ ફેરવ."

જુગલે સાયકલના હેન્ડલને સહેજ ટેકો આપ્યો. આર્યને પહેલું પેડલ માર્યું. સાયકલ થોડી આગળ વધી પણ એક તરફ નમી ગઈ. આર્યન ગભરાઈ ગયો, "અરે લ્યા! પકડી રાખજો હોં, પડી જઈશ તો છોલાઈ જઈશ!"

"અરે તું ચિંતા ના કર, અમે પાછળ જ છીએ!" બિશને કેરિયર પકડી રાખીને સાયકલ સાથે દોડવાનું શરૂ કર્યું.

આખી સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ શીખવાનો આ જંગ જામ્યો. બિશન અને જુગલ પાછળ દોડી દોડીને થાકી રહ્યા હતા, પણ આર્યનનો ઉત્સાહ ઓછો થતો નહોતો. ત્રણ-ચાર વાર સાયકલ નમી પડી, આર્યનના ઘૂંટણમાં થોડું છોલાયું પણ ખરું, પણ તેનું ધ્યાન તો બસ સાયકલનું બેલેન્સ જાળવવામાં હતું.

બરાબર કલાકની કઠોર મહેનત પછી, એક એવો મોકો આવ્યો જ્યારે બિશને છાનામાના પાછળથી કેરિયર પરથી હાથ હટાવી લીધો! આર્યનને ખબર પણ ન પડી કે તે હવે એકલો જ સાયકલ ચલાવી રહ્યો છે. સાયકલ સોસાયટીના ગેટ તરફ સડસડાટ દોડી રહી હતી.

"અરે વાહ આર્યન! જો તો ખરો, તું એકલો જ સાયકલ ચલાવે છે!" નિખિલે પાછળથી જોરથી રાડ પાડી.

આર્યને પાછળ ફરીને જોયું તો ત્રણેય મિત્રો દૂર ઊભા રહીને તાળીઓ પાડી રહ્યા હતા. આ જોતાં જ આર્યનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો. તેણે હેન્ડલ પરની પકડ થોડી હળવી કરી અને પવનની લહેરખીઓ તેના ચહેરાને સ્પર્શી ગઈ. તેને લાગ્યું કે જાણે તે હવામાં ઊડી રહ્યો છે! પણ એ જ આનંદમાં તે આગળ ઊભેલા કચરાના ડબ્બાને જોવાનું ભૂલી ગયો અને સાયકલ સીધી ડબ્બા સાથે અથડાઈ—ધબાક!

આર્યન જમીન પર પડ્યો, સાયકલ પણ ઉપર પડી. પણ તેના ચહેરા પર દુઃખના બદલે એક મોટું, અદભુત સ્મિત હતું. તે ઊભો થયો અને કપડાં પરથી ધૂળ ઝાટકતાં બોલ્યો, "અરે ભાઈઓ! મને સાયકલ આવડી ગઈ!" બધા મિત્રો દોડતા આવ્યા અને તેને હસતા હસતા ભેટી પડ્યા.

દિવસો ઝડપથી વિતવા લાગ્યા. મે મહિનાની કાળઝાળ ગરમી હવે તેના શિખર પર હતી. સવારના નવ વાગ્યા પછી સોસાયટીના કમ્પાઉન્ડમાં ઊભા રહેવું પણ અશક્ય બની જતું. લૂના આકરા ઝાપટાં ચાલતા હતા અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હતા. રમવાના તમામ દેશી રસ્તાઓ—ગીલી-દંડો, લખોટી, સત્તોળિયું—હવે ગરમીના કારણે બંધ થઈ ગયા હતા.

ચાલાક ચોકડી હવે તમામ પ્રકારની રમતો રમી રમીને થાકી ગઈ હતી. વેકેશનની હજું તો શરૂઆત જ થઈ હતી અને આખી ટોળકી "હવે શું રમવું? ક્યાં જવું? આ બપોર કેવી રીતે કાઢવી?" એવા વિચારોમાં મુંઝાયેલી હતી. સમય જાણે ત્યાં જ રેડ સિગ્નલ આપીને થોભી ગયો હતો.

એવામાં બપોરના બાર વાગ્યે દૂરદર્શન પર બાળકોની અતિ લોકપ્રિય સિરિયલ 'શક્તિમાન' પણ આવતી ન હતી. આજે રવિવાર હતો અને તમામ બાળકો આશા રાખીને બેઠા હતા, પણ ટીવી પર તો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું. મેચના કારણે દુરદર્શન પર તમામ રાબેતા મુજબના  કાર્યક્રમોનું પ્રસારણ રદ કરવામાં આવ્યું હતું.

આ કારણે આ ટોળકીમાં નીખીલ અને આર્યન દૂરદર્શન વાળા પર વધારે ગુસ્સે હતા. એમાં પણ બિશન અને જુગલને ક્રિકેટ મેચ જોવાનો બહુ જ શોખ હતો, પણ તેમને ક્રિકેટની કાઈ બહુ ઝાઝી સમજ નહોતી પડતી. તેઓને તો બસ મેચમાં વાગતા ચોક્કા અને છક્કાનું અમૂલ્ય જ્ઞાન હતું! ચોગ્ગો કે છગ્ગો વાગે એટલે તેઓ તાલીઓ પાડીને કૂદવા લાગતા. એટલે એ લોકો આજે આ બળબળતા તડકામાં મેદાન પર રમવાને બદલે પોતાના ઘરે ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા.

બીજી તરફ, નિખિલ અને આર્યન બંનેને ટીવી પર મેચ જોવામાં સમય બગાડવા કરતાં બહાર રમવામાં આનંદ વધારે આવતો હતો. પણ આજે બહાર આકરી ગરમી અને લૂ હોવાથી રમી શકાય તેમ નહોતું. બંને જણ આર્યનની સોસાયટીના ઓટલા પર બેઠા બેઠા બસ મચ્છર મારી રહ્યા હતા, આવું કહી શકાય!

"યાર આર્યન, આ વેકેશન તો સાવ બોરિંગ થઈ ગયું," નિખિલે ઝાડ પરથી પકડાયેલી કીડીને જમીન પર મુકતા કંટાળીને કહ્યું. "મેચમાં પણ કોઈ મજા નથી આવતી અને બહાર ગરમી એટલી છે કે ચામડી બળી જાય."

આર્યન પણ ગાલ પર હાથ મૂકીને ઉદાસ બેઠો હતો. એવામાં અચાનક નીખીલના ઘરની બીજા માળની રૂમની બારીમાંથી તેની મમ્મીની મોટો અવાજ આવ્યો, "નીખીલ! બેટા! જલ્દી ઉપર ઘરે આવ તો!"

નિખિલે ઊંચે જોઈને જવાબ આપ્યો, "શું થયું મમ્મી? કેમ બોલાવે છે?"

"તારા પપ્પા વહેલા આવ્યા છે અને તને બોલાવે છે, જલ્દી ઉપર આવ!" મમ્મીએ કહીને બારી બંધ કરી દીધી.

આર્યને નિખિલ સામે જોયું ત્યારે નિખીલે કીધું , "ચાલ મારા ઘરે જઈને આવીએ. પપ્પા આજે વહેલા આવ્યા છે એટલે જ મમ્મી બોલાવે છે. જોઈએ શું કામ છે."

બંને જણા દોડતા નિખીલના ઘરે પહોંચ્યા. ઘરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. બંનેએ ઘરમાં પ્રવેશ કર્યો. બેઠક રૂમમાં સામે જ સોફા પર નિખિલના  પપ્પા બેઠા હતા. તેમના ચહેરા પર એક ગૂઢ, રહસ્યમય અને મરક-મરક હાસ્ય હતું. પપ્પાને આમ વગર કારણે મરક મરક હસતા જોઈને નિખીલને કાઈ સમજણ પડી નહીં. તેને લાગ્યું કે આજે પપ્પા કેમ આટલા ખુશ છે?

તેને આશ્ચર્યથી પૂછ્યું, "શું થયું પપ્પા? આજે વહેલા આવી ગયા? અને કેમ આમ હસો છો?"

પપ્પાએ ટેબલ તરફ ઈશારો કર્યો. ટેબલ પર એક મોટું, ચોરસ પૂંઠાનું બોક્સ પડ્યું હતું. પપ્પાએ સ્મિત સાથે કીધું, "જો તો બેટા, પેલા બોક્સમાં શું છે?"

નિખિલ અધીરાઈથી ટેબલ પાસે ગયો. તેણે આશ્ચર્ય અને કુતૂહલ સાથે મોટું બોક્સ ખોલ્યું. એ મોટા બોક્સની અંદરથી બીજું એક ચમકતું, રંગબેરંગી ચિત્રોવાળું નાનું બોક્સ નીકળ્યું! એ બોક્સ પર મોટા અક્ષરે લખ્યું હતું—'VIDEO GAME' (8-BIT TV GAME CONSOLE).

નિખિલ એ બોક્સ જોઈને ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો! તેની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. એ બોક્સમાંથી એક વિડીયો ગેમનું કન્સોલ, બે વાયરવાળા જોઈસ્ટિક (જોય-પેડ), એક પ્લાસ્ટિકની પિસ્તોલ (લેઝર ગન), એડેપ્ટર, AV વાયર અને એક પીળા રંગની કેસરી કેસેટ નીકળી, જેના પર લખ્યું હતું—'9999 in 1'.

આ જોઈને નિખિલની ખુશીનો કોઈ પાર ન રહ્યો! આજે તે અદભુત આનંદથી ઝૂમી ઉઠ્યો. વાસ્તવમાં, બીજા દિવસે એટલે કે સોમવારે તેનો જન્મદિવસ હતો! તે છેલ્લા છ મહિનાથી પપ્પા પાસે આ વિડીયો ગેમ લાવવાની જીદ કરી રહ્યો હતો, પણ કામમાં વ્યસ્ત રહેવાને લીધે અને શાળામાં અભ્યાસમાં ખલેલ ન પહોંચે એ  કારણે તેના પપ્પા ના પાડતા હતા. પણ આજે પપ્પાએ પોતાના બજેટમાંથી કાપ મૂકીને દીકરાના જન્મદિવસ માટે આ સરપ્રાઈઝ ગિફ્ટ ખરીદી લીધી હતી.

પપ્પાએ નિખિલના માથે હાથ ફેરવતા પ્રેમથી કીધું, "બેટા, તું ક્યારનોય આ મારી પાસે માંગતો હતો ને? કાલે તારો જન્મ દિવસ છે એટલે આ તારી એડવાન્સ ગિફ્ટ! હવે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તારા મિત્રો સાથે બહાર ધૂળમાં રખડ્યા વિના, ઘરમાં બેસીને શાંતિથી આ ટીવીમાં ગેમ રમ્યા કરજે." એવું કહીને તે પોતાના રૂમ માં ચાલ્યા ગયા.

નિખિલનો ચહેરો ગર્વ અને આનંદથી ખીલી ઉઠ્યો. પણ બાજુમાં ઊભેલો આર્યન તો આ બધું સાવ અવાક થઈને જોઈ રહ્યો હતો. આર્યન માટે તો આ બધું કાઈ સમજણ ના પડે તેવું હતું! તેણે પોતાના જીવનમાં આવી કોઈ વસ્તુ પહેલીવાર જોઈ હતી. તેણે કમ્પ્યુટર કે ટીવીમાં રમાતી આવી ગેમ વિશે બસ સાંભળ્યું હતું, પણ ક્યારેય જોઈ નહોતી. તેના ચહેરા પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવ હતા.

નિખિલ આર્યનની આ મૂંઝવણ જોઈને તરત જ સમજી ગયો. તેણે વિડીયો ગેમના બોક્સમાંથી સામાન બહાર કાઢતાં આર્યનને વિગતવાર સમજાવવાનું શરૂ કર્યું:

"જો આર્યન," નિખિલે ઉત્સાહથી કીધું, "આ કોઈ સામાન્ય રમકડું નથી. આને 'વિડીયો ગેમ' કહેવાય! આ જે કાળું બોક્સ છે ને, એને કન્સોલ કહેવાય. આ બે વાયર વાળા રીમોટ છે, જેને 'જોયસ્ટીક' અથવા કંટ્રોલર કહેવાય. આમાં જે આ ગોળ બટનો છે ને—A અને B—એનાથી ગેમમાં આપણું પાત્ર કૂદકા મારે, ગોળીઓ મારે અને દોડે! આ જે લાલ કલરની પ્લાસ્ટિકની પટ્ટી જેવી છે, એને 'કેસેટ' કહેવાય. આ કેસેટને આપણે આ બોક્સના મોઢામાં ભરાવવાની. અને આ વાયરને આપણા ટીવીના પાછળના પેલા લાલ અને પીળા કાણાં (AV ports) માં લગાવી દેવાના. બસ, પછી આ કલર  ટીવીના પડદા પર આખી ગેમ દેખાશે અને આપણે આ રીમોટથી ઘરમાં બેઠા બેઠા રમી શકીશું!"

આર્યનની આંખો પહોળી થઈ ગઈ, "અરે બાપ રે! એટલે આપણે ટીવીની અંદરના માણસને આ બટનથી ચલાવી શકીશું? આ તો સાચે જ જાદુ કહેવાય!"

"હા ભાઈ, સાચે જ!" નિખિલે ઉત્સાહથી કીધું . "ચાલ, જલ્દી જોડાણ કરીએ!"

બંને જણાએ ઉત્સાહમાં આવીને જોડાણ કરવાનું શરૂ કર્યું. નિખીલે આર્યનની  મદદથી ટીવીના પાછળના ભાગમાં એન્ટેનાનો વાયર કાઢીને વિડીયો ગેમના પીળા અને લાલ વાયર ભરાવ્યા. કન્સોલને પાવર પ્લગમાં ભરાવ્યું. નિખીલે  કેસેટને સોકેટમાં બરાબર દબાવીને ગોઠવી.

આર્યને ધ્રૂજતા હાથે કન્સોલ પરનું લાલ બટન 'POWER' દબાવ્યું.

ટીવી સ્ક્રીન પર એક ક્ષણ માટે ઝબકારો થયો. જે પડદા પર રોજ અલગ અલગ ચેનલ્સ અને એમાં પ્રોગ્રામ્સ આવતા હતા, ત્યાં અચાનક એક મોટો ચમકારો થયો! ટીવીના સ્પીકરમાંથી એક અદ્ભુત, ડિજિટલ સંગીત ગુંજી ઉઠ્યું—'ટ્યુન... ટ્યુન... ટ્યુન... ટિણિંગ!'

સ્ક્રીન પર ઘેરા વાદળી બેકગ્રાઉન્ડમાં મોટા અક્ષરે લખાઈને આવ્યું—'SUPER 8-BIT GAME'. તેની નીચે ૯૯૯૯ ગેમોનું મોટું લિસ્ટ દેખાવા લાગ્યું! જોકે, એ બધી ગેમો તો બસ આંકડાઓનો માયાનગરી જેવો ખેલ હતો, વાસ્તવમાં એમાં દસ-પંદર અસલી રમતો જ અલગ અલગ નામથી આવતી હતી.

ટીવી પરનું એ રંગીન અને ડિજિટલ દ્રશ્ય જોઈને નિખિલ અને આર્યન મંત્રમુગ્ધ થઈ ગયા! ટીવીના નાના સ્પીકરમાંથી આવતો એ 'બીપ-બીપ' અવાજ જાણે કોઈ બીજી જ દુનિયાનું સંગીત હતો.

નિખીલે જોયસ્ટીક હાથમાં લીધી. તેણે નેવિગેશન બટન દબાવ્યું. સ્ક્રીન પરનો એરો નીચે સરકવા લાગ્યો. લિસ્ટમાં અનેક નામ હતા—'CONTRA', 'RACING', 'DUCK HUNT', 'TETRIS', અને સૌથી ઉપર ચમકી રહ્યું હતું આખા વિશ્વનું સૌથી લોકપ્રિય નામ—'SUPER MARIO BROS.'

"જો આર્યન, આ રહી આપણી સૌથી પહેલી ગેમ—મારીઓ!" નિખીલે બટન દબાવતા કીધું.

સ્ક્રીન પર એક નાનો, મુછાળો, લાલ ટોપી અને વાદળી ઓવરઓલ પેન્ટ પહેરેલો માણસ પ્રગટ થયો—એ જ આપણો 'મારીઓ'! તેની પૃષ્ઠભૂમિમાં નીલું આકાશ, લીલા ઘાસના મેદાનો, ઈંટોના બનેલા બ્લોક્સ અને વિસલ વગાડતું મજેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક શરૂ થઈ ગયું: 'તા-રા-રા-તા-રા... તા!'

નિખીલે જોયસ્ટીકનું જમણું બટન દબાવ્યું, સ્ક્રીન પરનો મારીઓ જમણી તરફ દોડવા લાગ્યો! તેણે 'A' બટન દબાવ્યું અને મારીઓએ હવામાં કૂદકો માર્યો—'ટ્રાંઈંગ!' કૂદકો મારીને તેણે હવામાં તરતા પીળા રંગના ક્વેશ્ચન માર્ક (?) વાળા બ્લોકને માથું માર્યું. બ્લોકમાંથી એક સોનાનો સિક્કો બહાર નીકળ્યો અને ટીવીમાંથી અવાજ આવ્યો—'ટિંગ!'

આર્યન આ દ્રશ્ય જોઈને સોફા પરથી અડધો ઊભો થઈ ગયો, "અરે વાહ આર્યન! આ તો જોરદાર છે! પેલા બોક્સમાંથી સિક્કો નીકળ્યો! લે, લે પેલો કાળો રાક્ષસ આવે છે, કૂદ તેની ઉપર!"

સ્ક્રીન પર સામેથી એક બ્રાઉન કલરની મશરૂમ જેવી નાની જંતુ (જિસને 'ગોમ્બા' કહેવાતી) ચાલી આવતી હતી.

રમતો દરમિયાન બંને વચ્ચેનો વાર્તાલાપ રસાકસી ભર્યો બની ગયો:

નિખિલ: "અરે ઊભો રહે આર્યન, જો હું એની ઉપર કૂદકો મારીને એને ચગદી નાખું છું! આ જો... 'ટ્રાંઈંગ... ધબ!'"

આર્યન: "વાહ! એ તો ચપટો થઈ ગયો! પણ નિખિલ, પેલું ઉપર બીજું બોક્સ છે, એમાં માથું માર ને, કદાચ બીજું કંઈક નીકળે!"

નિખીલે મારીઓને દોડાવીને ઉપરના બોક્સમાં માથું માર્યું. એમાંથી એક લાલ અને સફેદ રંગનું ચમકતું મોટું મશરૂમ બહાર નીકળ્યું અને જમીન પર સરકવા લાગ્યું.

આર્યન: "અરે અરે! આ લાલ બોલ જેવું બહાર આવ્યું, એનાથી બચજે! એ કરડી જશે તો તારો મારીઓ મરી જશે!"

નિખિલ: "ના ના ડોબા! એ રાક્ષસ નથી, એ તો જાદુઈ મશરૂમ છે! જો હું એને અડું છું..."

જેવો મારીઓ એ મશરૂમને અડ્યો, તે સ્ક્રીન પર ઝબકારા મારવા લાગ્યો અને અચાનક નાનો મારીઓ મોટો થઈ ગયો!—'ટ્યુન... ટ્યુન... ટ્યુન!'

આર્યન: (આંખો પહોળી કરીને) "અરે બાપ રે! આ તો મોટો થઈ ગયો! સંજુની જાદુઈ પેન્સિલ જેવો ખેલ છે આ તો!"

નિખિલ: "હા! હવે જો મારીઓને કોઈ રાક્ષસ અડશે તો પણ એ મરશે નહીં, બસ પાછો નાનો થઈ જશે. ચલ, હવે આગળ વધીએ. પેલા લીલા રંગના મોટા પાઈપ આવે છે."

નિખીલે મારીઓને દોડાવ્યો. રસ્તામાં આવતા ઈંટોના બ્લોક્સ તોડ્યા, સિક્કાઓ ભેગા કર્યા. પણ આગળ જતા એક મોટી ખાઈ  આવી.

આર્યન: " નિખિલ, સાચવીને! આગળ ઊંડો ખાડો છે, જો નીચે પડીશ તો સીધો પતી જઈશ!"

નિખિલ: "હા, એના માટે મારે જોયસ્ટીકનું દોડવાનું બટન દબાવી રાખવું પડશે અને છેલ્લી ઘડીએ કૂદકો મારવો પડશે. આ જો... વન... ટુ... થ્રી... જા!"

નિખીલે જોયસ્ટીકના બટનો પર આંગળીઓ વાળી દીધી. તેનો ચહેરો એકાગ્રતાથી લાલ થઈ ગયો હતો. પણ અફસોસ! કૂદકો થોડો વહેલો વાગી ગયો અને મારીઓ સીધો ખાઈની અંદર ખાબક્યો! ટીવીમાંથી એક દુઃખદાયક સંગીત વાગ્યું—'ત-ત-ત-ત-ત-ત... તૂંૂૂં!' અને મારીઓનું ચિત્ર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું.

આર્યન: "અરેરેરે! મરી ગયો ને? લે, આ તો સ્ક્રીન પર લખાઈને આવ્યું 'GAME OVER'!"

નિખીલે હસતાં હસતાં જોયસ્ટીક આર્યન તરફ લંબાવી, "કંઈ વાંધો નહીં, મારી પાસે ત્રણ લાઈફ હતી એ પતી ગઈ. હવે તારો વારો! લે આ બીજું જોયસ્ટીક પકડ અને હવે તું રમી જો."

આર્યને ધ્રૂજતા હાથે જોયસ્ટીક પકડી. તેના માટે આ અનુભવ એકદમ નવો હતો. તેણે બટનો દબાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેનો મારીઓ દીવાલો સાથે અથડાતો રહ્યો, પણ દસ મિનિટની પ્રેક્ટિસ પછી આર્યનનો હાથ પણ બેસી ગયો. તે પણ બટનો દબાવતો ગયો અને હસતો ગયો.

ગરમીની એ બપોરે બહાર લૂ ફૂંકાતી હતી, સૂરજ તપતો હતો, પણ નિખિલના એ  મકાનમાં બે મિત્રો પોતાની નવી, રંગીન ડિજિટલ દુનિયામાં ખોવાયેલા હતા. હવે તેમને બહાર રખડવાની કે ટીવી પર મેચ જોવાની કોઈ જરૂર નહોતી. બાળપણની એ રફનોટમાં હવે વિડીયો ગેમના અદભુત રંગો ઉમેરાઈ ચૂક્યા હતા.

​​


પ્રકરણ ૧૦  નો અંત. (ક્રમશ: )