સહિયારા શ્વાસ - અધ્યાય 4 Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સહિયારા શ્વાસ - અધ્યાય 4

સહિયારા શ્વાસ
અધ્યાય – ૪
મૌન પાછળનું દુઃખ

"દરેક હસતો ચહેરો સુખી હોય એવું જરૂરી નથી...
કેટલાક લોકો પોતાની આંખોના આંસુને સ્મિત પહેરાવીને જીવે છે."
       શિયાળાની સવાર ધીમે ધીમે શહેરને પોતાની શીતળ ચાદરમાં લપેટી રહી હતી.
ઝાકળના નાનકડા ટીપાં ઘાસના પાન પર જાણે પ્રકૃતિએ મોતી વેર્યા હોય એમ ચમકી રહ્યા હતા. પૂર્વ દિશામાંથી ઉગતો સૂર્ય ધીમે ધીમે પોતાની સોનેરી આંગળીઓ ધરતી પર ફેરવી રહ્યો હતો. દૂર કોઈ મંદિરના ઘંટનો મધુર નાદ પવન સાથે વહેતો હતો, અને વાતાવરણમાં એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી.
નિત્યાની સવાર હંમેશની જેમ મહાદેવના ચરણોમાંથી જ શરૂ થતી.
તેણે ઘરના નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવ્યો. ધૂપની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. આંખો મીંચીને તેણે બંને હાથ જોડ્યા.
ધીમા સ્વરે તેના હોઠ હલ્યા...
"હે મહાદેવ... આજે પણ મારા પોતાના બધા સુખી રહે."
એ પ્રાર્થનામાં એક અનોખી વાત હતી.
તે ક્યારેય પોતાના માટે કંઈ માંગતી નહોતી.
તે માનતી હતી...
"જેને શ્વાસ આપ્યા છે, તેની ચિંતા ભગવાનને મારી કરતાં વધુ હશે."
પણ... બીજાના દુઃખ સામે તેનું હૃદય હંમેશા ઝૂકી જતું.
સવારે સાત વાગ્યે ફોનની સ્ક્રીન ઝબૂકી.
કર્તવ્ય : "good morning."
નિત્યાએ મેસેજ વાંચ્યો.
શબ્દો તો એ જ હતા...
પણ આજે તેમાં ઉષ્મા નહોતી.
આજે "good morning"માં સવાર નહોતી...
માત્ર ફરજ હતી.
તે તરત જ લખે છે...
" Good morning... બધું બરાબર છે ને?"
જવાબ આવવામાં અડધો કલાક વીતી ગયો.
ફોન ફરી ઝબૂક્યો.
"હા."
બસ...
એક જ શબ્દ.
નિત્યાએ લાંબો શ્વાસ લીધો.
કેટલાક લોકો જ્યારે બહુ બોલે છે ત્યારે ઓછું કહે છે...
અને કેટલાક લોકો જ્યારે માત્ર એક શબ્દ બોલે છે ત્યારે આખું દુઃખ કહી જાય છે.
તે હવે કર્તવ્યને થોડો ઓળખવા લાગી હતી.
જ્યારે એ ઓછું બોલતો...
ત્યારે સમજવું કે એની અંદર વિચારોનું તોફાન ચાલી રહ્યું છે.
સાંજ ધીમે ધીમે ઉતરી રહી હતી.
આકાશમાં સૂર્યના છેલ્લાં કિરણો ઓગળી રહ્યા હતા.
એ જ સમયે ફોન વાગ્યો.
સ્ક્રીન પર નામ ઝળહળ્યું.
"કર્તવ્ય Calling..."
નિત્યાએ તરત ફોન ઉપાડ્યો.
"હેલો..."
સામેથી થોડો સમય કોઈ અવાજ આવ્યો નહીં.
માત્ર શ્વાસ સંભળાતો હતો.
પછી ધીમો અવાજ આવ્યો...
"વ્યસ્ત હતી?"
"ના... બોલ."
ફરી થોડું મૌન.
એવું મૌન...
જેમાં શબ્દો જન્મ લેવા માટે હિંમત ભેગી કરતા હોય.
થોડી ક્ષણ પછી કર્તવ્ય બોલ્યો...
"નિત્યા... એક પ્રશ્ન પૂછું?"
"હા."
"તને ક્યારેય એવું લાગ્યું છે...
કે જીવનમાં બધું હોવા છતાં...કંઈક ઘણુંબધું ખૂટે છે?"
નિત્યા ચૂપ રહી.
કારણ કે આ પ્રશ્નનો જવાબ શબ્દોમાં નહોતો...
અનુભવમાં હતો.
થોડા સમય પછી તેણે ધીમેથી કહ્યું...
"હા... અને સૌથી મુશ્કેલ વાત એ હોય છે કે માણસ એ ખાલીપાને નામ પણ આપી શકતો નથી."
ફોનની બીજી બાજુ ફરી મૌન છવાઈ ગયું પરંતુ આ વખતે એ મૌન ભારેખમ હતું.
જાણે વર્ષોથી બંધ દરવાજો ધીમે ધીમે ખુલવાનો હતો.
કર્તવ્યનો અવાજ કંપ્યો.
"મારી પાસે બધું છે...
સારો પરિવાર...
સારી પત્ની...
સફળ વ્યવસાય...
માન-સન્માન...
ભગવાને આપવામાં કંઈ જ કમી રાખી નથી...
પણ..."
તેના શબ્દો ગળામાં જ અટકી ગયા.નિત્યાએ પણ કંઈ  જ પૂછ્યું નહીં.
કારણ કે કેટલાક ઘાવ પ્રશ્નોથી નહીં...વિશ્વાસથી ખુલતા હોય છે.
થોડીવાર પછી કર્તવ્ય બોલ્યો...
"અમારા લગ્નને...
સાત વર્ષ થઈ ગયા."
નિત્યાના હાથમાં રહેલો ચાનો કપ  ટેબલ પર મૂકાઈ ગયો અને તે નિઃશબ્દ સાંભળતી રહી.
"અમે કેટલાય ડૉક્ટરોને  બતાવ્યું...
અસંખ્ય ટેસ્ટ કરાવ્યા...
દેશના મોટા શહેરોમાં સારવાર લીધી...
દરેક વખતે આશા લઈને ગયા...
અને દરેક વખતે હાથમાં એક જ રિપોર્ટ લઈને પાછા આવ્યા."
એણે કડવું સ્મિત કર્યું.
"રિપોર્ટમાં લખેલું હોય...
'Everything is Normal.'
પણ...
અમારા ઘરમાં આજે પણ બાળકના પગલાં પડ્યાં નથી."
છેલ્લા શબ્દ સાથે તેનો અવાજ તૂટી ગયો.
જાણે વર્ષોથી રોકાયેલું દુઃખ આજે પ્રથમ વખત બહાર આવ્યું હતું.
નિત્યાની આંખો પણ ભીની થઈ ગઈ.
આજે તેને પોતાની સામે કોઈ સફળ ઉદ્યોગપતિ દેખાતો નહોતો.
કે ના કોઈ આત્મવિશ્વાસી માણસ હતો.
આજે તેની સામે માત્ર એક પતિ હતો...
જે પોતાની પત્નીના આંસુ સામે સંપૂર્ણ લાચાર બની ગયો હતો.
થોડા સમય પછી તેણે ધીમેથી પૂછ્યું...
"આરતી કેમ છે?"
કર્તવ્યનું ગળું ફરી ભરાઈ ગયું.
" તે બહારથી ખૂબ મજબૂત બને છે...બધાની સામે હસે છે...
પણ...
રાત્રે ઘણીવાર હું એને તકિયા ની આડશે રડતા જોઉં છું.
જ્યારે કોઈ સગું પૂછે...
'હજી સુધી ખુશખબર નથી?'
ત્યારે એ હસીને વાત તો બદલી દે છે.
પણ...
ઘરે આવીને રૂમમાં એકલી બેસીને રડી લે છે તે તૂટી રહી છે.
સૌથી વધારે દુઃખ મને ત્યારે થાય છે...જ્યારે હું એની આંખોમાં આંસુ જોઉં...
અને પતિ હોવા છતાં...
એના એક પણ આંસુ રોકી શકતો નથી."
નિત્યાની આંખમાંથી પણ એક ગરમ આંસુ સરકી પડ્યું.
એણે આંખો બંધ કરી.
અને આ ક્ષણે...
એને માત્ર કર્તવ્યનું દુઃખ નહોતું અનુભવાયું.
એને આરતીનું મૌન પણ સંભળાયું.
એક  સ્ત્રી...
જે દર મહિને નવી આશા સાથે જીવતી હશે...
અને દર મહિને ફરી એકવાર અંદરથી તૂટી જતી હશે.
ઘણી ક્ષણો પછી...
નિત્યાએ ધીમેથી કહ્યું...
"કર્તવ્ય..."
"હં..."
"આજથી તારું દુઃખ મારું."
સામે સંપૂર્ણ મૌન છવાઈ ગયું.કર્તવ્ય કદાચ રડી રહ્યો હતો કે પછી કદાચ શબ્દો શોધી રહ્યો હતો.
અથવા કદાચ...
વર્ષો પછી પહેલી વાર કોઈએ તેના દુઃખને પોતાનું કહ્યું હતું.
નિત્યા આગળ બોલી...
"મને ખબર નથી...
મહાદેવ મારી પ્રાર્થના સાંભળશે કે નહીં.
પણ આજથી...
દર શુક્રવારે હું તારા અને આરતી માટે પ્રાર્થના કરીશ.
એટલી શ્રદ્ધાથી કરીશ...કે એક દિવસ તમારા ઘરમાં પણ બાળકની કિલકારી જરૂર ગુંજશે."
કર્તવ્યનો અવાજ ભીનો થઈ ગયો.
"તું આમ કેમ કરે છે નિત્યા?
મારો તારી સાથે શું સંબંધ છે?"
નિત્યાના હોઠ પર હળવું સ્મિત આવ્યું.
"દરેક સંબંધનું નામ નથી હોતું કર્તવ્ય...
કેટલાક સંબંધો ભગવાન સીધા હૃદયમાં લખે છે.
એને દુનિયા કોઈ નામ આપી શકતી નથી."
એ રાત્રે...
નિત્યાએ પોતાની ડાયરી ખોલી.
આજે પહેલી વાર...
શાહી પહેલાં આંસુઓ પાનાં પર પડ્યાં.
તેણે ધીમે ધીમે લખ્યું...
"આજે મેં માત્ર એક માણસનું દુઃખ નથી સાંભળ્યું... મેં એક સ્ત્રીનું નિઃશબ્દ માતૃત્વ પણ રડતું જોયું છે. હે મહાદેવ... જો મારી પ્રાર્થનામાં જરાય શક્તિ હોય, તો એ ઘરમાં બાળકનું હાસ્ય મોકલી દેજો. તેમના જીવનના ખાલી આંગણામાં એક નાનકડાં પગલાંની ધૂન ગુંજાવી દેજો. આજથી તેમની ખુશી માટે હું દર શુક્રવારે તારા દ્વારે નિઃસ્વાર્થ પ્રાર્થના લઈને આવીશ."
ડાયરી બંધ થઈ.
દીવો હજુ શાંતિથી બળી રહ્યો હતો.
મહાદેવની મૂર્તિ સામે ઊભી રહીને નિત્યાએ મનમાં એક નિઃશબ્દ સંકલ્પ લીધો.
આ સંકલ્પ વિશે...
હજુ સુધી કર્તવ્યને પણ ખબર નહોતી.
પણ...
એક દિવસ...
આ જ સંકલ્પ...
કર્તવ્ય અને આરતીના જીવનમાં નવી સવાર લઈને આવવાનો હતો.
ક્રમશઃ… 🌿