"સહિયારા શ્વાસ "
અધ્યાય – ૩
"આત્મીયતા "
"સંબંધો મોટા પ્રસંગોથી નથી બંધાતા...
રોજ પૂછાયેલા એક નાના 'કેમ છો?'થી પણ આખી જિંદગી જોડાઈ જાય છે."
સમયનું સૌથી સુંદર રૂપ એ છે કે તે ક્યારેય ઉતાવળ કરતો નથી.
એક દિવસ... પછી બીજો... પછી ત્રીજો...
અને ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા.
નિત્યા અને કર્તવ્ય વચ્ચે પણ કંઈક આવું જ બનતું હતું.
શરૂઆતમાં દિવસમાં એકાદ-બે મેસેજ થતા. પછી વાતો થોડી લાંબી થવા લાગી. અને પછી એક દિવસ એવો આવ્યો કે સવારે "Good Morning" કહ્યા વગર બંનેમાંથી કોઈનો દિવસ શરૂ થતો જ નહોતો.
કર્તવ્ય રોજ સવારે લગભગ છ વાગ્યે લખતો...
"Good Morning... Have a nice day."
અને નિત્યાનો જવાબ પણ લગભગ નક્કી જ હોય
"Good Morning... આજે પણ સ્મિત ભૂલતો નહીં. Have a great day."
આ શુભેચ્છાઓમાં માત્ર શબ્દો નહોતા. એ બંનેના દિવસની શરૂઆત બની ગઈ હતી.
ધીમે ધીમે "ખાધું?"... "સમયસર પાણી પીધું?"... "આજે બહુ કામ તો નથી ને?" જેવા સવાલો રોજિંદા બની ગયા.
એક દિવસ બપોરે કર્તવ્યનો મેસેજ આવ્યો.
"આજે લંચ કરવાનો સમય જ મળ્યો નહીં."
નિત્યાએ તરત જ લખ્યું
"કામ તો ક્યારેય પૂરું થવાનું જ નથી... પણ શરીર થાકી જાય છે. પહેલા કંઈક ખાઈ લે. તું સ્વસ્થ રહેશે તો જ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકીશ."
થોડી વાર પછી ફોટો આવ્યો... ઓફિસની કેન્ટીનમાં રાખેલી સાદી થાળીનો.
સાથે એક જ વાક્ય હતું
"ઓર્ડર આપી દીધો... મેડમ."
નિત્યા હસી પડી.
"Good boy."
સામેથી તરત જ જવાબ આવ્યો.
"આટલી જલ્દી સર્ટિફિકેટ આપી દીધું?"
"સર્ટિફિકેટ નહીં... ફક્ત એટલી ખુશી કે કોઈએ મારી વાત માની."
કર્તવ્ય લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોતો રહ્યો.
કદાચ... ઘણા સમય પછી કોઈએ તેની ચિંતા આટલી નિઃસ્વાર્થ રીતે કરી હતી.
એક સાંજે નિત્યા થોડી ઉદાસ હતી.ત્યારે કર્તવ્યએ મેસેજ કર્યો
"આજે બહુ શાંત છે... બધું બરાબર છે ને?"
"હા... બસ થોડો થાક છે."
કર્તવ્ય તરત સમજી ગયો.
"ક્યારેક 'હું ઠીક છું' સૌથી મોટું જૂઠું હોય છે."
થોડી ક્ષણ પછી નિત્યાએ લખ્યું
"દરેકને બધું કહી શકાતું નથી."
"સાચું છે... પણ બધું એકલાએ સહન પણ ન કરવું જોઈએ."
આ વાક્ય વાંચીને નિત્યાની આંખો થોડા સમય માટે સ્થિર રહી ગઈ.
તેને લાગ્યું...
કર્તવ્ય માત્ર તેને સાંભળતો જ નથી... તેને સમજવાનો પ્રયત્ન પણ કરે છે.
એક દિવસ કર્તવ્ય ખૂબ થાકેલો લાગતો હતો.
તેણે લખ્યું
"ક્યારેક લાગે છે કે બધાની અપેક્ષાઓ પૂરી કરતાં કરતાં પોતાને ક્યાંક પાછળ મૂકી દીધો છે."
નિત્યાએ જવાબ આપ્યો.
"દીવો બધાને પ્રકાશ આપે છે... પણ જો તેલ જ ન ભરે તો એક દિવસ પોતે જ બુઝાઈ જાય. પહેલા પોતાનું ધ્યાન રાખવું સ્વાર્થ નથી... જરૂરિયાત છે."
થોડી વાર પછી કર્તવ્યનો જવાબ આવ્યો
"તું સલાહ નથી આપતી... મનનો અરીસો બતાવે છે."
નિત્યા હળવું સ્મિત કરી બેઠી.
"અરીસો માત્ર દેખાડે છે... બદલવાનું કામ તો માણસે પોતે જ કરવાનું હોય."
ધીમે ધીમે વાતો દરમિયાન બંને એકબીજાના વિચારોને પણ ઓળખવા લાગ્યા.
એક દિવસ કર્તવ્યએ વાત વાતમાં પૂછ્યું
"તારા મતે સફળ માણસ કોને કહેવાય?"
નિત્યાએ થોડો સમય લઈને જવાબ લખ્યો.
"જે રાત્રે શાંતિથી ઊંઘી શકે... અને સવારે અફસોસ વગર ઊઠી શકે."
"પૈસા નહીં?"
"પૈસા જરૂરી છે... પણ મનની શાંતિ ખરીદી શકતા નથી."
કર્તવ્યએ લખ્યું
"મારા માટે સફળતા એટલે... જે લોકોના જીવનમાં આપણે હોઈએ, તેઓને આપણું હોવું ભાર નહીં પણ હૂંફ લાગે."
નિત્યાએ જવાબ આપ્યો.
"એટલે જ કદાચ તું અલગ લાગે છે."
ધીમે ધીમે બંનેએ એકબીજાની નાની-નાની પસંદ જાણવાનું શરૂ કર્યું.
કર્તવ્યને વરસાદ બહુ જ ગમતો.
વરસાદ પડે એટલે ઓફિસની બારી પાસે ઊભો રહી ગરમ ચા પીવાનું ક્યારેય ચૂકતો નહીં.
જ્યારે નિત્યાને પુસ્તકો ખુબ જ ગમતા.
દરેક પુસ્તક પૂરું થયા પછી થોડા સમય માટે તે મૌનમાં ડૂબી જતી.
એક દિવસ કર્તવ્યએ પૂછ્યું પણ ખરું
"તું પુસ્તકો કેમ વાંચે છે?"
નિત્યાએ જવાબ આપ્યો
"કારણ કે માણસો ઘણીવાર વચ્ચે જ છોડી જાય છે... પુસ્તકો છેલ્લે સુધી સાથ આપે છે."
લગભગ દસ મિનિટ સુધી કોઈ જવાબ આવ્યો નહીં.
પછી કર્તવ્યએ લખ્યું.
"આજે તારા એક વાક્યે મને ઘણું વિચારાવી દીધું. કદાચ સારા માણસો પણ પુસ્તકો જેવા જ હોય... ઓછા મળે... પણ આખી જિંદગી યાદ રહે."
નિત્યાના હોઠ પર અજાણતું સ્મિત આવી ગયું.
એક રવિવારની સવાર હતી.
નિત્યા ઘરની સાફસફાઈ કરતી હતી.
અચાનક ફોન વાગ્યો.
સ્ક્રીન પર નામ ઝબૂક્યું...
કર્તવ્ય Calling...
હૃદયના ધબકારા થોડા વધી ગયા.
તેણે ધીમેથી કોલ રિસીવ કર્યો.
"હેલો..."
"હેલો નિત્યા... હું કર્તવ્ય."
આ અવાજમાં ના કોઈ દેખાડો હતો કે ના
કોઈ ઔપચારિકતા.
થોડી ક્ષણ બંને ચૂપ રહ્યા.પછી કર્તવ્ય હસ્યો.
"લાગે છે... આપણે મેસેજમાં જ વધારે બોલીએ છીએ."
નિત્યા પણ હસી પડી.
"હા... મૌનનો અવાજ ફોનમાં થોડો મોટો સંભળાય છે."
બંને ખડખડાટ હસી પડ્યા.
એ દિવસે પહેલી વાર બંનેએ એકબીજાના અવાજમાં પણ એ જ હૂંફ અનુભવી, જે અત્યાર સુધી શબ્દો થકી અનુભવતા હતા.
ત્યારબાદ ક્યારેક ક્યારેક ફોન પર પણ વાત થવા લાગી.
વાતો બહુ લાંબી નહોતી...
પણ એટલી તો પૂરતી જ હતી કે દિવસનો થાક ઉતરી જાય.
ક્યારેક કર્તવ્ય કામની મૂંઝવણ કહેતો ત્યારે નિત્યા ધીરજથી બધું જ સાંભળીને કહેતી
"દરેક સમસ્યાનો જવાબ તરત મળતો નથી... પણ ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર નવી સમસ્યા બનાવી દે છે."
અને જ્યારે નિત્યા કોઈ બાબતે મૂંઝાતી ત્યારે
કર્તવ્ય કહેતો.
"બધાને ખુશ રાખવાનો પ્રયત્ન ન કર. જે સાચે પોતાના હશે... એ તને સમજી જશે."
બન્ને વચ્ચે ઘણી વખત અમુક વાતોને લઈને મતભેદ પણ થતા. દલીલો અને ચચૉઓ પણ થતી.
પણ બંનેનો એક જ નિયમ હતો
"જીતવું નહીં... સમજવું."
એક રાત્રે...
ડાયરી ફરી ખુલી.નિત્યાએ લખ્યુ.
"આજે સમજાયું કે કેટલાક લોકો માત્ર વાત નથી કરતા... એ આપણી ચિંતા પણ કરે છે. કેટલાક સંબંધોમાં કોઈ નામ નથી હોતું, પણ હૂંફ એટલી હોય છે કે આખો દિવસ હળવો થઈ જાય."
ડાયરી બંધ કરતાં પહેલાં તેણે બારીમાંથી ચાંદ તરફ જોયું.
આજે ચાંદ થોડો વધુ જ ઉજ્જવળ લાગતો હતો.
કદાચ...
આકાશ પણ જાણતું હતું કે બે અજાણ્યા લોકો હવે માત્ર ઓળખીતાં નહોતાં રહ્યા.
તેઓ ધીમે ધીમે એકબીજાના દિવસનો સૌથી વિશ્વાસપાત્ર હિસ્સો બનવા લાગ્યા હતા.
ક્રમશઃ 🌿