સરકારી પ્રેમ - ભાગ 56 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 56

નવનીત સમજી જાય છે કે મહેચ્છા તેની પર ખુબ ગુસ્સે હતી. પણ નવનીત હવે પાછળ જઈ શકે એવી પરિસ્થિતિમાં ન હતો. એ રાત્રે મહેચ્છા એકલી જ તકિયો પકડી રડવા લાગી:
"શું ફેર છે મારી અંદર કે બીજી કોઈ સામાન્ય સ્ત્રીની અંદર? શું હું એક આઈ.એ.એસ ઓફીસર છું તો એક નારી તરીકે મને મારા પતિના પ્રેમ કે હુંફ ની જરૂર નથી? શું મારા પતિ થી એ વાતની અપેક્ષા રાખવી ખોટી છે? 

કેમ નવનીત અચાનક જ મારા થી આટલો દૂર જતો રહ્યો છે? મમ્મી ની મૃત્યુ પછી નવનીત અચાનક જ બદલાઈ જશે એવો વિચાર પણ ન હતો. પણ હા નવનીત ને આ દરેક આંસુ નો જવાબ તો આપવો જ પડશે. "

આ તરફ એ રાત્રે નવનીત ઉદયપુર ના કલેકટર પાસેથી વહેલાં માં વહેલી તકે રિપોર્ટ માંગી પોતાની વ્યક્તિગત જીત સાબિત કરવા માંગતો હતો. નવનીત જાણતો હતો કે મોડું થવાથી એ કાગળોમાં ફેરફાર થઈ શકે તેમ હતો. પોતાની સાથે લીધેલા જમીન ના નમુનાઓ પણ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.

નવનીત ને કેન્દ્રિય સચિવ ના દબાણ પછી રાત્રે જ મેઈલ પર બધા પેપર મળી જાય છે. નવનીત આખી રાત પેપર વાંચી પછી સમજી જાય છે કે આખી રમત કેવી પ્રકારની હતી?

રાજ્ય સરકારે ખેતીલાયક જમીન ને ખેતીલાયક નથી‌ એમ‌ સાબિત કરી પછી ચાર થી પાંચ ખેડુતો પાસેથી સામ દામ દંડ ભેદ એમ ચારેય પ્રમાણે સહી કરાવી ફક્ત વીસ‌ લાખ રૂપિયા અવેજીમાં આપ્યા.

આ પ્રમાણે આ ફળદ્રુપ જમીન ને સરકારી જમીન પહેલા બનાવવામાં આવી. એ પછી ધીમે થી એક મોટા બિઝનેસમેન ને આ જ જમીન કોઈ જાતના ધારા ધોરણ કે નિયમ ના આધારે નહીં પણ જમીન વિકાસ કરવા ના નામે ફક્ત પચાસ લાખ રૂપિયા ના પાણી ના ભાવે વેચી દેવામાં આવી. જ્યારે અંહી બનનારો એક એક ફ્લેટ જ પચાસ લાખ નો હશે.

હવે તો નવનીત પાસે પુરાવા પણ હતા. ઉદયપુર ના કલેકટરે રાજ્ય ના નાણામંત્રી ને કેન્દ્રિય સચિવ તરફથી મળેલ આદેશ પછી જ બધી માહિતી આપવા માટે તૈયારી કરી હતી. નાણામંત્રી પોતે જોઈ લેશે એમ સમજાવી કલેકટર ને માહિતી આપવા માટે સમજાવે છે.

નવનીત બીજા દિવસે સવારે સુઈ જાય છે. મહેચ્છા સવારે નવનીત નો કોઈ મેસેજ કે ફોન ન હોવાથી એ સામે થી જ ફોન કરશે એમ વિચારી રહી.  

બીજા દિવસે રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ ઓફીસ માં જ હતા કે અચાનક જ મહેચ્છા પ્રવેશ કરે છે. મહેચ્છા ના આગમનથી બન્ને હતપ્રભ બની જાય છે.

" અરે મેડમ હજી એક બે દિવસ આરામ કરી લેતા..." અમિત પારેખ કહે છે.

" મેડમ ને નવનીત સર વગર ઘરે ન જ ગમે. પણ‌ એ તો તમારી કરતા પણ વધારે કામ કરે છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર એક બે દિવસ હું ઓફીસ માં જ રહીશ. પછી જ્ઞાન કોષ યોજનાના લાભાર્થીઓ માટે જઈશ." મહેચ્છા કહે છે.

"ઠીક છે. અમિત જી જે ફરિયાદીઓ આવે છે તેમને મહેચ્છા સાથે મેળવી આપો." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર એમ.એલ.એ તમને તાકીદે મળવા માંગે છે. " એક સ્ટાફ અંદર આવી રોનક શ્રીવાસ્તવ ને સમજાવે છે.

"ઠીક છે. " રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ એમ.એલ.એ ને મળવા માટે પહોંચી જાય છે.

એમ.એલ.એ પોતાની ઓફીસમાં ખુબ જ ગંભીર મુદ્રામાં બેઠો‌ હતો. રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ સિવાય બીજા બધાને બહાર મોકલી આપવામાં આવે છે.

"અરે સર શું થયું?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.
" આપણા સાપોલિયા ને દેશપ્રેમી બનવા નો મોહ ચઢી ગયો છે. એ આપણને જ ડંખ મારવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. " એમ.એલ.એ કહે છે.

" આપ નવનીત ની વાત કરી રહ્યા છો ને ?" રોનક શ્રીવાસ્તવ કહે છે.

"હા તો તમે શું સમજી બેઠા?" એમ.એલ.એ પુછે છે.

" અરે એ જ પણ એ કાલનો છોકરો તમને હેરાનગતિ આપવા લાગ્યો?" રોનક શ્રીવાસ્તવ કહે છે.

"હા એણે ઉદયપુર માં જે‌ પ્રોપર્ટી પર રેડ કરી એનો રિપોર્ટ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા નો છે. ગઈકાલે રાત્રે કેન્દ્રિય નાણાંમંત્રી ના દબાણવશ જ ઉદયપુર ના કલેકટરે બધી માહિતી નવનીત ને આપી જેથી એ રિપોર્ટ બનાવી શકે. મને પણ હાઇકમાન્ડ નો ફોન આવ્યો અને કહ્યું કે આ સાપોલિયા ને દુધ પીવડાવતા નહીં. બાકી ગમે ત્યારે એ ડંખ મારશે." એમ.એલ.એ કહે છે.

"તમે કહો તો.." અમિત પારેખ કહે છે.

" ના. એવું કંઈક કરો કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તુટે. " એમ.એલ.એ સમજાવે છે.

"સર એક ચાન્સ આપી દો. મેં નવનીત અને મહેચ્છા વચ્ચે આગ ચાંપી દીધી છે. શક્ય છે થોડા સમયમાં બન્ને જુદા થઈ જાય અથવા પછી નવનીત બધું ભુલી જાય." રોનક શ્રીવાસ્તવ કહે છે.

" હા હવે નવનીત આવશે તો ફરીથી પાર્ટી રાખીએ." એમ.એલ.એ હસી પડ્યા.

આ તરફ મહેચ્છા પાસે એક ગામડા ની સ્ત્રી આવીને રડવા લાગી.એ કહે છે:
" આપ નું ખુબ સારું નામ સાંભળ્યું છે.મને એક વખત મદદ કરી આપો. "

"શું થયું?" મહેચ્છા પુછે છે.

" આપ તો જાણો છો એમ હું એક આંગણવાડી કાર્યકર છું.અમે દર ગામમાં સરકારી શાળામાં ફરજ બજાવીએ છીએ. મહિના ના અંતમાં અમારી હાજરી પ્રમાણે પૈસા મળે છે.

પણ હું શું કરું? ઘણી વખત અમારો કોન્ટ્રાકટર જાણી જોઈને અમારી ઓછી હાજરી ભરી દે છે. પછી અમારું શોષણ કરે છે."

"તમારી આ ફરિયાદ તો ખરેખર જ ઘણી તકલીફ આપનારી છે. એક વખત મને આખી પ્રક્રિયા સમજી લેવા દો. પછી હું તમારી કોઈ મદદ કરી શકીશ." મહેચ્છા કહે છે.

" આપ સમજી શકો છો ને? સરકારી પૈસા કોન્ટ્રાકટર ને મળે છે અને પછી એ જ પૈસા ઓછા વધારે આપી અમારું શોષણ કરે છે. " મહિલા કહે છે.

"હા તમે થોડો સમય આપો. " મહેચ્છા કહે છે.

મહેચ્છા ની છબિ હવે એક સમાજવાદી કલેકટર તરીકે બની ગઈ હતી. મહેચ્છા આંગણવાડી ની પ્રક્રિયા વિશે વાંચવા માટે રોનક શ્રીવાસ્તવ ની ઓફીસ ની ફાઈલો ચેક કરી રહી હતી ત્યારે જ તેની નજર એક લોક કબાટ પર પડી.

અચાનક જ રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ આવી જાય છે. મહેચ્છા ને ફાઈલ શોધતા જોઈ બન્ને ગભરાઈ જાય છે.

"શું કરો છો મહેચ્છા?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.

"સર આંગણ વાડી બહેનો ની ફાઈલ ચકાસણી કરવા માટે લેવી હતી. તેમાં ખુબ ફરિયાદ આવે છે." મહેચ્છા કહે છે.

"ઠીક છે. પણ આ કબાટ લોક જ હોય છે. " અમિત પારેખ કહે છે.

"હજી મારે એની જરૂર નથી." મહેચ્છા કહે છે.

આ તરફ નવનીત ત્યારે જ મહેચ્છા ને ફોન કરે છે. પણ મહેચ્છા ફોન ઉપાડતી નથી. નવનીત આંખો રિપોર્ટ બનાવી તૈયાર કરે છે. પોતાની આ જીત માટે તે મહેચ્છા ને માહિતી આપવા માંગતો હતો. પણ હવે મહેચ્છા વ્યસ્ત હતી.

સતત ચાર દિવસ થી નવનીત અને મહેચ્છા મળી શક્યા ન હતા.