પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સમયની સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂપ જ હતું.
આ ગામમાં એક અજીબ નિયમ હતો.દર વર્ષે અમાસની રાત્રે સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નહોતી. બધા જ ઘરના દરવાજા-બારીઓ બંધ થઈ જતા. બાળકોને પણ કારણ પૂછવાની મનાઈ હતી.
ગામની વચ્ચોવચ માં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. લોકો એવી વાતો કરતા કે તેની નીચે સદીઓ જૂનું રહસ્ય દફનાયેલું છે. પરંતુ કોઈ તેની નજીક જતું નહોતું.
એક દિવસ શહેરમાંથી એક યુવાન પત્રકાર પવન ગામમાં આવ્યો. તેણે જોયું કે ગામના દરેક માણસની આંખોમાં એક અદૃશ્ય ડર હતો. જ્યારે તેણે અમાસની રાત વિશે પૂછ્યું, ત્યારે બધા ચૂપ થઈ ગયા.
રાત્રે પવન છુપાઈને વટવૃક્ષ પાસે ગયો.
ત્યાં અચાનક જમીન ધ્રૂજવા લાગી...
વટવૃક્ષના મૂળ વચ્ચે એક પથ્થરનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો.
અંદરથી એક વૃદ્ધ માણસનો અવાજ સંભળાયો...
"તું અહીં કેમ આવ્યો છે? આ રહસ્ય બહાર ગયું તો આખું ગામ હંમેશાના માટે નાશ પામશે."
પવને ટોર્ચનો પ્રકાશ અંદર ફેરવ્યો અને જે તેણે જોયું તે જોઈને તેના હાથમાંથી ટોર્ચ નીચે પડી ગઈ.
તે ભોંયરામાં ગામના દરેક માણસની પથ્થરની મૂર્તિ ઊભી હતી. પરંતુ એ જ લોકો તો આ ક્ષણે પોતાના ઘરમાં જીવતા હતા!
ત્યાં જ પાછળથી કોઈએ ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો."હવે તું પણ આ રહસ્યનો ભાગ બની ગયો છે."
અને એ જ ક્ષણે સમગ્ર ગામમાં એકસાથે ઘંટનો ભયાનક અવાજ ગૂંજી ઊઠ્યો..
પવન ડરી ગયો. પાછળ ઊભેલો માણસ ગામનો સરપંચ હતો.
સરપંચે ધીમા અવાજે કહ્યું, "જે અહીં આવે છે, તે પાછો પહેલા જેવો રહેતો નથી."
પવને પૂછ્યું, "આ મૂર્તિઓ કોની છે?"
સરપંચે જવાબ આપ્યો, "આ અમારા જ લોકો છે. દરેક માણસના અહીં બે અસ્તિત્વ છે.એક જે દુનિયા જુએ છે એ અને એક જે આ ભોંયરામાં કેદ છે."
પવનને વિશ્વાસ ન આવ્યો.
ત્યારે ભોંયરાની દીવાલો પર કોતરાયેલા ચિહ્નો તેજસ્વી બનવા લાગ્યા. એક પછી એક મૂર્તિઓની આંખો ખુલવા લાગી. આખું ભોંયરું ભયાનક હાસ્યથી ગુંજી ઊઠ્યું.
સરપંચે કહ્યું, "ત્રણસો વર્ષ પહેલાં અમારા પૂર્વજોએ એક ભયંકર શક્તિ સાથે કરાર કર્યો હતો. તેના બદલામાં ગામને દુષ્કાળ, યુદ્ધ અને રોગોથી બચાવી લેવામાં આવ્યું. પરંતુ તેની કિંમત હતી દરેક જીવતા માણસનો પડછાયો આ ભોંયરામાં કેદ રહેશે. જો આ રહસ્ય બહાર જશે, તો બધાના પડછાયા મુક્ત થઈ જશે અને ગામના બધા લોકો એક જ રાત્રે મૃત્યુ પામશે."
એ જ સમયે એક મૂર્તિમાં તિરાડ પડી.
સરપંચનો ચહેરો પીળો અને ફિક્કો પડી ગયો.
"ના...! આ ક્યારેય નથી થયું."
તિરાડ મોટી થવા લાગી. મૂર્તિમાંથી કાળો ધુમાડો બહાર નીકળ્યો અને પળવારમાં આખા ભોંયરામાં ફેલાઈ ગયો.
ધુમાડામાંથી લાલ આંખોવાળી એક ભયાનક આકૃતિ દેખાઈ.
તે હસીને બોલી...
"ત્રણસો વર્ષ પછી... આખરે કોઈએ દરવાજો ખોલી જ દીધો."
પવન અને સરપંચે એકબીજાની સામે જોયું
તેઓ કંઈ સમજી શકે એ પહેલાં ભોંયરામાં ભયંકર ગર્જના સંભળાઈ. છાયારાજનો કાળો ધુમાડો આખા ગામમાં ફેલાવા લાગ્યો. લોકોના ઘરોના દરવાજા પોતાની મેળે ખૂલવા લાગ્યા.
વૃદ્ધ યોદ્ધાએ પોતાની તલવાર બહાર ખેંચી.
તલવારમાંથી સોનેરી પ્રકાશ નીકળ્યો અને થોડા સમય માટે છાયારાજ પાછળ ખસી ગયો.
"પવન," વૃદ્ધ બોલ્યા, "મારું નામ વીરપ્રતાપ છે. હું અંધેરપુરનો છેલ્લો રક્ષક છું. ત્રણસો વર્ષ પહેલાં અમે છાયારાજને માત્ર હરાવ્યો જ નહોતો તેને કેદ પણ કર્યો હતો."
"જો તે સંપૂર્ણ મુક્ત થઈ જશે, તો માત્ર આ ગામ નહીં, આખો પ્રદેશ તેના અંધકારમાં ડૂબી જશે."
પવને પૂછ્યું, "તો તેને રોકવાનો રસ્તો શું છે?"
વીરપ્રતાપે જવાબ આપ્યો, "ત્રણ પ્રાચીન શક્તિઓને એક કરવી પડશે."
તેમણે ભોંયરાની દીવાલ પર ત્રણ ચિહ્ન બતાવ્યાં
અગ્નિમણિ – અગ્નિ પર્વતની અંદર છુપાયેલી.
ચંદ્રદર્પણ – ભૂલાયેલા મંદિરના ગર્ભગૃહમાં રહેલું.
નાગમુદ્રા – કાળા જંગલની નીચે આવેલા ગુપ્ત નગરમાં સુરક્ષિત.
"આ ત્રણેય મળ્યા પછી જ છાયારાજને હંમેશ માટે હરાવી શકાશે."
એટલામાં ભોંયરામાંથી એક કાળી છાયા વીજળીની ઝડપે આવી અને સરપંચને ખેંચી ગઈ.
સરપંચની ચીસ આખા ભોંયરામાં ગુંજી ઊઠી.
"પવન... ગામને બચાવજે..."
પછી બધું શાંત થઈ ગયું.
સરપંચ ગાયબ થઈ ચૂક્યા હતા.
વીરપ્રતાપના ચહેરા પર ગંભીરતા આવી ગઈ.
"સમય હવે આપણા હાથમાંથી સરકી રહ્યો છે."
એટલામાં પવનના હાથનું લોકેટ ફરી ઝગમગયુ.
આ વખતે તેમાં એક નકશો દેખાયો.
પરંતુ એ કોઈ સામાન્ય નકશો નહોતો...
તેમાં એવી જગ્યાઓ દેખાતી હતી, જે દુનિયાના કોઈ પણ નકશામાં અસ્તિત્વ જ ધરાવતી નહોતી.
અને નકશાના સૌથી ઉપર લોહી જેવા લાલ અક્ષરોમાં લખેલું હતું...
"પ્રથમ પરીક્ષા શરૂ થઈ ગઈ છે..."
સૂર્યોદય થતાં જ પવન અને વીરપ્રતાપ ગામની સીમા પાર કરીને નકશામાં દર્શાવેલા માર્ગે આગળ વધ્યા.
થોડા કલાકોની મુસાફરી પછી તેઓ એક વિશાળ પર્વત સામે પહોંચ્યા. તેની ટોચમાંથી સતત આગની જ્વાળાઓ નીકળતી હતી. જમીન એટલી ગરમ હતી કે દરેક પગલું ભરવું મુશ્કેલ બનતું હતું.
વીરપ્રતાપે કહ્યું,
"આ છે અગ્નિ પર્વત. અહીં અગ્નિમણિ છુપાયેલી છે. પરંતુ અહીં સુધી પહોંચનાર દરેક માણસને એક પરીક્ષા આપવી પડે છે."
જેમ જ બંને પર્વતની અંદર પ્રવેશ્યા, તેમની સામે ત્રણ વિશાળ પથ્થરના દરવાજા દેખાયા.
પહેલા દરવાજા પર લખેલું હતું...
'જે પોતાના ડરથી ભાગે છે, તે અહીં જ ખોવાઈ જાય છે.'
બીજા પર લખેલું હતું...
'જે પોતાના ભૂતકાળથી ડરે છે, તે ક્યારેય સત્ય સુધી પહોંચી શકતો નથી.'
ત્રીજા દરવાજા પર માત્ર એક જ શબ્દ હતો...
'સત્ય.'
પવને ત્રીજો દરવાજો ખોલ્યો.
અંદર પ્રવેશતા જ તેની આંખો સામે એક દૃશ્ય ઊભું થયું.
તેના માતા-પિતા તેની સામે ઊભા હતા.
"બેટા..." તેની માતાનો અવાજ સંભળાયો.
પવન દોડી ગયો...
પણ વીરપ્રતાપે જોરથી તેનો હાથ પકડી લીધો.
"રોકાઈ જા!"
"આ તારા માતા-પિતા નથી. આ પર્વતનો ભ્રમ છે. જો તું તેમને સ્પર્શ કરીશ, તો તું ક્યારેય બહાર નહીં નીકળી શકે."
પવનની આંખોમાં આંસુ આવી ગયા.
એટલામાં તે બંને આકૃતિઓ ભયાનક રાક્ષસોમાં બદલાઈ ગઈ.
તેમણે ગર્જના કરી અને આખી ગુફા ધ્રૂજવા લાગી.
વીરપ્રતાપે પોતાની તલવાર ઊંચી કરી.
"હવે લડવાનો સમય આવી ગયો છે!"
તે જ ક્ષણે ગુફાના સૌથી અંદરના ભાગમાંથી તેજસ્વી લાલ પ્રકાશ ફૂટ્યો.
અગ્નિમણિ જાગી ગઈ હતી...
પણ તેની સાથે જ કોઈ બીજું પણ જાગ્યું હતું.
એક વિશાળ અગ્નિ-અજગરે ધીમે ધીમે પોતાની આંખો ખોલી...
અને તેની નજર સીધી પવન પર પડી
અગ્નિ-અજગરે ધીમે ધીમે પોતાનું વિશાળ માથું ઊંચું કર્યું. તેની આંખોમાં આગ સળગતી હતી.
એક ભયંકર ગર્જના સાથે આખી ગુફા ધ્રૂજી ઊઠી.
પવને તલવાર મજબૂત રીતે પકડી.
પણ વીરપ્રતાપે તેને અટકાવ્યો.
"ના! તલવાર નીચે મૂકી દે."
"પણ કેમ? એ તો આપણને મારી નાખશે!"
વીરપ્રતાપ શાંત અવાજે બોલ્યા,
"આ રાક્ષસ નથી... આ અગ્નિમણિનો રક્ષક છે. તે હુમલો કરતો નથી. તે હૃદયની પરીક્ષા લે છે."
અજગરે પોતાની આંખો બંધ કરી.
થોડી ક્ષણોમાં જ પવનના મનમાં વિચિત્ર અવાજ ગુંજ્યો.
"જો તારે શક્તિ જોઈએ છે, તો પહેલા એક પ્રશ્નનો જવાબ આપ."
"તું આ ગામને બચાવવા માંગે છે... કે પોતાની સચ્ચાઈ જાણવા?"
પવન મૂંઝાઈ ગયો.
જો તે પોતાની સચ્ચાઈ પસંદ કરે, તો કદાચ તેને પોતાના માતા-પિતાનું રહસ્ય ખબર પડે.
જો ગામ પસંદ કરે, તો કદાચ તે સત્ય ક્યારેય જાણી ન શકે.
થોડા સમય પછી તેણે માથું ઊંચું કર્યું.
"હું... ગામને બચાવીશ."
અજગરની આંખોમાં પહેલી વાર શાંતિ દેખાઈ.
તે ધીમે ધીમે એકબાજુએ ખસી ગયો.
પાછળ એક પથ્થરનું આસન હતું, જેના ઉપર લાલ પ્રકાશથી ઝગમગતી અગ્નિમણિ રાખેલી હતી.
જેવી પવને અગ્નિમણિને હાથમાં લીધી...
તેના શરીરમાં અજાણી શક્તિનો પ્રવાહ દોડ્યો.
પણ એ જ ક્ષણે આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો.
અજગરે ગંભીર અવાજમાં કહ્યું,
"અગ્નિમણિ તારી થઈ...
પણ અંધકાર હવે જાણે છે કે તું કોણ છે."
પર્વતની ટોચ ફાટી નીકળી.
આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા.
તે વાદળોમાંથી છાયારાજનો અવાજ ગુંજ્યો
"એક શક્તિ તને મળી ગઈ, પવન... પરંતુ હવે હું તારી સૌથી પ્રિય વ્યક્તિને મારી પાસે લઈ જઈશ."
પવન ચોંકીને વીરપ્રતાપ તરફ વળ્યો...
પણ તેઓ ત્યાં નહોતા.
તેમની તલવાર જમીન પર પડી હતી...
અને તેની બાજુમાં લોહીનું એક ટીપું ચમકી રહ્યું હતું.
પવનજમીન પર પડેલી તલવાર પાસે દોડી ગયો.
તલવાર હજુ પણ ગરમ હતી, જાણે થોડા જ ક્ષણ પહેલાં તેનો ઉપયોગ થયો હોય. તેની બાજુમાં પડેલો લોહીનું ટીપું ધીમે ધીમે ચમકવા લાગ્યું.
અચાનક એ ટીપામાંથી એક અવાજ સંભળાયો...
"પવન.. મને શોધવાનો પ્રયત્ન ન કર. પહેલા બીજું રહસ્ય શોધ."
આ અવાજ વીરપ્રતાપનો હતો.
"દાદા! તમે ક્યાં છો?" પવને બૂમ પાડી.
પણ કોઈ જવાબ ન મળ્યો.
ત્યારે અગ્નિ-અજગર આગળ આવ્યો.
"છાયારાજે તેમને મારી નાખ્યા નથી," તેણે કહ્યું. "તે તેમને છાયાઓના લોકમાં લઈ ગયો છે. એ એવી જગ્યા છે જ્યાં સમય પણ કેદ થઈ જાય છે."
પવને ઊંડો શ્વાસ લીધો.
"તો હું તેમને પાછા લાવીશ."
અજગરે માથું હલાવ્યું.
"તે પહેલાં તારે બીજી શક્તિ મેળવવી પડશે
ચંદ્રદર્પણ. પરંતુ ત્યાં પહોંચવું સહેલું નથી."
અગ્નિમણિ અચાનક પવનના હાથમાં ઝગમગવા લાગી.તેના પ્રકાશથી ગુફાની દીવાલ પર એક નવો માર્ગ દેખાયો.
આ માર્ગ સીધો એક ભૂલાયેલા મંદિર તરફ જતો હતો.
પવન આગળ વધવા જતો હતો કે અચાનક ગુફાના પ્રવેશદ્વારેથી ધીમા પગલાંનો અવાજ આવ્યો.
કોઈ અજાણી વ્યક્તિ કાળા વસ્ત્રોમાં અંદર આવી રહી હતી.
તેનો ચહેરો ઢંકાયેલો હતો.
તે હસીને બોલી,
"અંતે હું તને મળી જ ગયો... પવન."
"તું કોણ છે?" પવને પૂછ્યું.
તે વ્યક્તિએ ધીમે ધીમે પોતાનો ચહેરો ખુલ્લો કર્યો.
પવનની આંખો પહોળી થઈ ગઈ.
કારણ કે તેની સામે ઊભેલો માણસ...
પવન જેવો જ દેખાતો હતો.
એ જ ચહેરો.
એ જ આંખો.
એ જ અવાજ.
તે સ્મિત કરીને બોલ્યો,
"હું તારો પડછાયો છું... અને જ્યાં સુધી હું જીવતો છું, તું ક્યારેય છાયારાજને હરાવી શકીશ નહીં."
એટલું કહી તેણે પોતાની તલવાર બહાર ખેંચી.
ગુફામાં બે પવન સામસામે ઊભા હતા.
એક સાચો...
અને એક રહસ્યમય પડછાયો.
પણ સાચો કોણ હતો?
અને ખોટો કોણ?
આ સવાલનો જવાબ કોઈ પાસે નહોતો...