અવાવરુ વાવનો અતીત - 5 Ashoksinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવાવરુ વાવનો અતીત - 5

પ્રકરણ ૫: મુક્તિ અને મહાઆરતી

તલવાર અને હાર ગઢના રાજવી સંગ્રહાલયમાં અને તેમના સાચા વારસદારોને સુપ્રત કર્યા પછી, આખા પંથકમાં આર્યનનું નામ વિજયના નાદની જેમ ગુંજવા લાગ્યું હતું. જે વાવ તરફ લોકો દિવસના સમયે પણ જતાં ડરતા હતા, તે વાવનું રહસ્ય ખોલનાર આર્યનને જોવા માટે આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા. ગઢના વયોવૃદ્ધ અને યુવાન વારસદારોએ ભીની આંખે આર્યનનો આભાર માન્યો અને તેને રાજવી સન્માન આપવાની જાહેરાત કરી.
પરંતુ, આ બધા વૈભવ અને પ્રશંસાની વચ્ચે પણ આર્યનનું મન શાંત ન હતું. જ્યારે બધે ઉત્સવનો માહોલ હતો, ત્યારે આર્યનના મનમાં હજી પણ પેલી વાવમાંથી આવતી કરુણ, હૃદયદ્રાવક ચીસ ગુંજતી હતી. એ ચીસમાં કોઈ ભય નહોતો, પણ સદીઓ જૂની અસહ્ય પીડા અને અધૂરા રહી ગયેલા વિરહની આર્તતા હતી.

બીજા દિવસની વહેલી સવારે, આર્યન ગામના આશ્રમે પહોંચ્યો. ત્યાં ગુરુજી ધ્યાનમાં બેઠા હતા. આર્યને તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને હાથ જોડીને અત્યંત નમ્રતાપૂર્વક વિનંતી કરી કે, ગુરુજી, વસ્તુઓ તો એના સાચા સ્થાને પહોંચી ગઈ, પણ પેલી અવાવરુ વાવમાં હજી પણ કોઈની પીડા કેદ છે. શું આપણે એ આત્માની મુક્તિ માટે કંઈ ન કરી શકીએ?
ગુરુજીએ ધીમેથી પોતાની આંખો ખોલી. તેમના ચહેરો ગંભીર પણ દયાળુ હતો. તેમણે આર્યનની પીઠ પર હાથ મૂકતા હકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું કે, બેટા આર્યન, તારો પ્રશ્ન અને તારી સંવેદના યોગ્ય છે.
એ રાજા અને રાણીનું મૃત્યુ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું. તેમનું મૃત્યુ અકાળે, ધોખાથી અને ભયંકર વિરહની અગ્નિમાં થયું હતું. જે દિવસે તારા હાથે આ તલવાર વાવમાંથી બહાર નીકળી, એ દિવસે એમના શૌર્યની કથા તો જીવતી થઈ, પણ એમની આત્માને પરમ શાંતિ માટે gંગાજળ અને મહાપૂજાની જરૂર છે.
ગુરુજીની આજ્ઞા મળતા જ જાણે આખા પંથકનું ભાગ્ય બદલાવા બેઠું હોય તેમ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવાયો. ભાદરવા મહિનાની એ પરમ પવિત્ર અને નક્ષત્રોના શુભ સંયોગવાળી શ્રાદ્ધ પક્ષની તિથિ નક્કી કરવામાં આવી. આ દિવસ પિતૃઓ અને ભટકેલા આત્માઓની મુક્તિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જોતજોતામાં આખા ગામમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ. જે વાવ પાસે જતાં લોકો થરથર કાંપતા હતા, તે વાવને શણગારવાનું કામ શરૂ થયું. ગામના યુવાનોએ આગળ આવીને વાવની આસપાસ વર્ષોથી ઉગી નીકળેલા કાંટાળા થોર, ઝાંખરાં અને જંગલી વનસ્પતિને સાફ કરી નાખી. ગઢના રજવાડાઓ પણ આ પવિત્ર કાર્યમાં સહભાગી બન્યા. તેઓ પોતાના પરંપરાગત રાજવી પોશાક, માથે કેસરીયા સાફા અને હાથમાં પૂજાની સામગ્રી લઈને ત્યાં પધાર્યા. સાંજ પડતાં જ આખું ગામ વાવના પગથિયાં પર ગોઠવાઈ ગયું. વાવના એક-એક પગથિયે, દરેક ખૂણે શુદ્ધ ઘીના હજારો દીવા પ્રગટાવવામાં આવ્યા. જોતજોતામાં આખી વાવ સોનેરી પ્રકાશના પુંજથી ઝગમગી ઉઠી! એવું લાગતું હતું જાણે સદીઓનો કાળો અંધકાર માત્ર એક જ પળમાં ક્યાંક ગાયબ થઈ ગયો હોય અને વાવનું હૃદય પવિત્રતાથી ધબકવા લાગ્યું હોય.
જ્યારે સૂર્ય આથમ્યો અને આકાશમાં તારા રેલાયા, ત્યારે ગુરુજીએ વૈદિક મંત્રોચ્ચાર શરૂ કર્યા. પવિત્ર વેદમંત્રોના ધ્વનિની સાથે જ ચારેય દિશાઓમાં શંખનાદ ગુંજી ઉઠ્યો. શંખના એ પવિત્ર અવાજથી આખું વાતાવરણ દિવ્ય અને અલૌકિક બની ગયું. લોકોના રોમેરોમ ઊભા થઈ ગયા. આર્યન અને ગઢના મુખ્ય વારસદારોએ હાથમાં કપૂર અને ઘીની મોટી આરતીઓ લીધી. જેવી મહાઆરતી શરૂ થઈ અને ઝાંઝ-પખાવાજના નાદ ગુંજ્યા, કે તરત જ પવનની લહેરોમાં એક અદભૂત અને રહસ્યમય ગુંજન થવા લાગ્યું. જાણે હવામાં સ્વયં સરસ્વતી પ્રગટ થયા હોય તેમ આ પંક્તિઓ આખા વાતાવરણમાં ગુંજવા લાગી:
( સ્તુતિ: અમર જ્યોત )
હે જી રે... વાવના પેટાળે વર્ષોથી સૂતા,
આજે જાગ્યા અમર એ તેજ;
 શૌર્ય અને શ્રદ્ધાના સંગમે,
મળ્યા લોહીના હૈયાને હેજ...
આર્યન! આજે મુક્તિના દ્વાર ખોલજો રે.

પીઠ પાછળ દુશ્મને ઘા કર્યો,
તોય કેસરીયો રંગ ના છૂટ્યો;
ગાયો કાજે જેણે પ્રાણ રે અર્પ્યા,
એવો મહાવીરનો ટેક ના તૂટ્યો...
ધડ ધીંગાણે જેના લડતા રહ્યા,
એવા ક્ષત્રિયને વંદન કરજો રે...

 રવિબા જેવું રૂપ રે સોહામણું, 
ને સતીત્વનું અદભૂત તેજ;
સ્વામીના વિરહમાં જેણે પ્રાણ ત્યાગ્યા,
 રાખ્યું અમર પ્રીતનું હેજ...
 હસતા મુખે જેણે જળમાં ઝંપલાવ્યું,
એવા પ્રેમને અમર ગણજો રે...

આજે ગંગાની ધારે પાપ રે ધોવાયા,
 ને દીવડે ઝળહળ્યા અંધાર;
અશોક કહે પ્રભુ એવી તે મતિ દેજે,
કે પામે આત્મા મુક્તિનો દ્વાર...
શંખનાદ સાથે તેજ રે રેલાયા,
હવે રક્ષક બનીને તમે રહેજો રે...

આરતીના અંતિમ શબ્દો જેવા પૂરા થયા અને ગુરુજીએ પવિત્ર ગંગાજળની ધારા વાવના પેટાળમાં હોમી, કે તરત જ એક ચમત્કાર થયો. વાવના ઊંડા જળમાંથી એક અત્યંત તેજસ્વી, સોનેરી પ્રકાશનો પૂંજ ઉપર તરફ ધસી આવ્યો. આ પ્રકાશ એટલો તીવ્ર હતો કે આખું ગામ આશ્ચર્ય અને આદરથી આંખો ફાડીને જોઈ રહ્યું. તે પ્રકાશના પુંજની મધ્યમાં ક્ષણભર માટે બે દિવ્ય આકૃતિઓ સ્પષ્ટપણે દેખાઈ. એક બાજુ પ્રતાપી, ઉંચા પૂરા અને શૌર્યવાન રાજા ઉભા હતા, જેમની છાતી પર દેશભક્તિનું ગૌરવ હતું. તેમની બરાબર પડખે લાવણ્યમય, તેજસ્વી અને સતીત્વના પ્રતીક સમાન રાણી રવિબા ઉભા હતા. તેમના ચહેરા પર હવે સદીઓ જૂની કોઈ પીડા, કોઈ કષ્ટી કે વિરહની રેખાઓ નહોતી. તેના બદલે, તેમના મુખ પર એક અદભૂત, અલૌકિક શાંતિ અને આર્યન પ્રત્યે કૃતજ્ઞતાનું હૃદયસ્પર્શી સ્મિત હતું. બંને આકૃતિઓએ આર્યન તરફ જોયું, જાણે તેઓ કહી રહ્યા હતા કે, બેટા, આજે તારા કારણે અમે મુક્ત થયા છીએ. તેમણે ગામલોકોને આશીર્વાદ આપવા માટે હાથ ઊંચા કર્યા અને ધીમે ધીમે એ દિવ્ય પ્રકાશ આકાશ તરફ ગતિ કરીને બ્રહ્માંડમાં, પરમ તત્ત્વમાં વિલીન થઈ ગયો. આખું ગામ હર હર મહાદેવ અને જય રાજપુતાના ના નારાઓથી ગુંજી ઉઠ્યું.
એ પવિત્ર અને ઐતિહાસિક રાત પછી, તે અવાવરુ વાવમાંથી ક્યારેય પણ કોઈ ચીસ, રડવાનો અવાજ કે ડરામણા સુસવાટા સાંભળવા ન મળ્યા. સદીઓથી ચાલ્યો આવતો એ ભયનો ગઢ સદા માટે શાંત થઈ ગયો હતો. હવે લોકો તેને અવાવરુ વાવ કે ભૂતિયા વાવ તરીકે નહીં, પરંતુ આદરપૂર્વક રક્ષક વાવ તરીકે ઓળખવા લાગ્યા. ગામના લોકો હવે ત્યાં પૂજા અર્ચના કરવા આવતા અને વાવનું પાણી પવિત્ર માનવામાં આવતું. આર્યન મોટો થઈ ગયો, પણ જ્યારે પણ તે એ વાવ પાસેથી કે પંથકમાંથી પસાર થતો, ત્યારે તેને પવનના સુસવાટામાં કોઈ ડર કે ધ્રુજારીનો અનુભવ થતો નહીં. તેના બદલે, તેના હૃદયને અડીને જતો શીતળ પવન તેને એવો અહેસાસ કરાવતો કે જાણે અદ્રશ્ય આકાશમાંથી રાજા અને રાણીના આશીર્વાદ તેના પર સતત વરસી રહ્યા છે. આખા ગામના લોકો સુખેથી રહેવા લાગ્યા અને આર્યનની આ શૌર્ય અને મુક્તિની ગાથા પેઢી દર પેઢી અમર થઈ ગઈ.
        ---------------------સમાપ્ત-----------------------