ઈસ્લામિક સ્ટોરી 11
બકરા ઈદ
વાચક મિત્રો.
૨૮-૫-૨૬ ના બકરી ઈદનો તહેવાર છે.તમારા માંથી ઘણા લોકો આ જાણતા હશે કે બકરી ઈદની શરુઆત કેવી રીતે થઈ.
હું અહીં ટુંકમાં બકરી ઈદની જે કથા છે એનુ વર્ણન કરુ છુ.
મિત્રો.
એ પહેલા આપણે શેઠ સગાળશાની વાર્તાને ટૂંકમા જાણીશુ.
બકરી ઈદની કથા અને શેઠ સગાળશાની કથામા પંચોતેર ટકા સામ્ય છે.
શેઠ સગાળશા અને તેમના પત્નિ ચંગાવતીને રોજ એક અતિથિને જમાડ્યા પછી જ જમવાની ટેક હતી.
ભગવાને એમની કૃષ્ટરોગીનું રુપ ધારણ કરીને પરીક્ષા લીધી હતી.બે દિવસ સુધી કોઈ અતિથિ શેઠને મળ્યુ નહિ તો ત્રીજે દિવસે વરસતા વરસાદમા શેઠ અતિથિ ગોતવા નીકળ્યા. ગામથી દુર વગડામાં ભગવાન કૃષ્ઠરોગી બનીને બેઠા હતા. એમને શેઠાણી માથે ટોપલામા બેસાડીને ઘરે લઈ આવે છે.
ભગવાને પરમાટી એટલે કે માંસ ખાવાની જીદ કરી.શેઠે બજારમાંથી માંસ લાવીને આપ્યુ ત્યારે ભગવાને ક્રોધ કરતા કહ્યુ.મારે જાનવરનું નહિ પણ મનુષ્યનુ કુમળુ માંસ ખાવુ છે. શેઠ અને શેઠાણી આપસમા ચર્ચા કરવા લાગ્યા.
શેઠ કહે મારુ માંસ આપણે અતિથિને જમાડીએ શેઠાણી કહે તમારુ તો હજુ ઘણુ કાર્ય સંસારમા બાકી છે.આપણે મારુ માંસ અતિથિને જમાડીએ બન્નેની વાત ભગવાન સાંભળી જાય છે અને ફરી ક્રોધ પૂર્વક કહે છે.
"મેં શુ કહ્યુ એ તમે સાંભળ્યું નહિ?મારે કુમળુ માંસ ખાવુ છે તમારા ઘરમાં કોઈ બાળક નથી?જો હોય અને તમે મને એનુ માંસ ન આપી શકતા હો તો મને જ્યાંથી લાવ્યા હતા ત્યા પાછો મુકી દો."
શેઠ અને શેઠાણીએ શાંતિથી હાથ જોડીને કહ્યુ.
"ધીરજ રાખો.અમે તમારી ઈચ્છા જરુર પૂરી કરીશુ."
પ્રભુને શેઠ શેઠાણીની કદાચ આકરી પરીક્ષા લેવી હતી.
એટલે એમણે કહ્યુ.
"મારી વાત બરાબર સાંભળી લ્યો.મારે તમારા દીકરાના મસ્તકનું માંસ ખાવુ છે.એટલે માથુ ઉતારીને પહેલા ખાંડણીયામાં બરાબર ખાંડજો અને પછી રાંધજો."
શેઠનો સાત વરસનો દિકરો ચેલૈયો હતો જે નિશાળે ગયો હતો.એનો ઘરે પાછા આવવાનો સમય થઈ ગયો હતો.
શેઠ એને લેવા નિશાળે જવા નીકળે છે.ભગવાન શેઠની પહેલા બ્રાહ્મણના સ્વરૂપે ચેલૈયા પાસે જઈને કહે છે કે.
"ચેલૈયા આજે ઘરે ના જતો."
"કેમ?"
ચેલૈયો પુછે છે.
"તારા પિતાજી તારુ માંસ તમારા ઘરે આવેલા અતિથિને ખવરાવવાના છે."
ચેલૈયાએ ચહેરા ઉપર સ્મિત ફરકાવતા કહ્યુ હતુ.
"આતો મારા અહોભાગ્ય કહેવાય કે જેમણે મને જન્મ આપ્યો હું એમણે લીધેલી ટેકના કામમા આવીશ."
શેઠ સગાળશા ચેલૈયાને ઘરે લઈ જાય છે.તલવારથી જ્યારે ચેલૈયાનું માથુ ઉતારવા જાય છે ત્યારે એમનો હાથ ધ્રુજે છે. ત્યારે ચેલૈયો કહે છે કે.
"પિતાજી.તમે તમારી ટેકનુ જતન કરો.એક અતિથિના પેટની ભુખ ભાંગવાની છે.તમે જરાય ખચકાવ નહિ."
ચેલૈયાએ આપેલી હિંમતથી શેઠે એક જ ઝટકે પોતાના પુત્રનુ મસ્તક ધડથી અલગ કરી નાખ્યુ.અને પછી શેઠાણી ચંગાવતી એ માથાને ખાંડણીયામા નાખીને એને ખાંડતા જાય છે અને હાલરડું ગાતા જાય છે.
મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા....
ચેલૈયા રે કુંવર..ખમ્મા ખમ્મા તને
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા. ..
ચેલૈયા રે કુંવર...ખમ્મા ખમ્મા તને.
ચેલૈયાનુ માથુ ખાંડીને પછી રાંધીને જ્યારે અતિથિ બનીને આવેલા દ્વારકા ધીશની સામે પીરસવામાં આવ્યુ ત્યારે શેઠ સગાળશાની હવેલી એક અજબ સુગંધથી મહેકવા લાગી હતી.અને પછી પ્રભુએ શેઠ શેઠાણીને સાક્ષાત દર્શન આપ્યા. ચેલૈયાને ફરી જીવીત કર્યો.
હવે આપણે વાત કરીએ બકરી ઈદની.
ઈસવીસન પુર્વે લગભગ બે હજારના સમયની આ વાત છે. સાઉદી અરબમા હઝરત ઈબ્રાહિમ(as)રહેતા હતા.તેઓ અલ્લાહના રસુલ હતા.એમની પાસે સેંકડો ઉંટ અને સેંકડો ઘેંટા બકરા હતા.
એક વાર એમને સપનુ આવ્યુ કે.
"એ ઈબ્રાહિમ.તુ મારા માટે તારી વહાલી વસ્તુની કુરબાની આપ."
હઝરત ઈબ્રાહિમે આ સ્વપ્નને અલ્લાહની ઈચ્છા તરીકે સ્વીકારી.
એમને પોતાના ઊંટો પ્રત્યે ઘણો લગાવ હતો.એટલે બીજે દિવસે સવારે પોતાના બસો ઊંટોને એમણે ગરીબોને દાનમા આપી દીધા.
પણ ફરી બીજી રાતે એજ સપનુ એમને ફરીથી આવ્યુ.
"એ ઈબ્રાહિમ.તુ મારા માટે તારી વહાલી વસ્તુની કુરબાની આપ."
હઝરત ઈબ્રાહિમને લાગ્યુ કે કદાચ અલ્લાહ એમની પાસે બીજા ઊંટોની કુરબાની માંગી રહ્યા છે.
એમણે સવાર થતા બીજા એમની પાસેના ત્રણસો ઊંટો ગરીબોને દાન કરી દીધા.
હવે ત્રીજી રાતે પણ તેમને ફરી એકવાર એજ સ્વપ્ન આવ્યુ.
"એ ઈબ્રાહિમ.તુ મારા માટે તારી વહાલી વસ્તુની કુરબાની આપ."
હવે હઝરત ઈબ્રાહિમ વિચારમા પડી ગયા.કે ઊંટ કરતા પણ વધારે વહાલી વસ્તુ મને શુ છે?અને એક ઝબકારો થયો એમના હૃદયમા.
મારો પુત્ર ઈસ્માઈલ.
જે મને જાનથી પણ અઝીઝ છે.
શુ અલ્લાહ એની કુરબાની માંગે છે?
હઝરત ઈબ્રાહિમે સવારે વહેલા ઉઠીને હઝરત ઈસ્માઈલને જગાડ્યા.એ વખતે ઈસ્માઈલની વય લગભગ તેર વર્ષની હતી.હઝરત ઈબ્રાહિમે ઈસ્માઈલને પોતાના સ્વપ્નની વાત કહી.તો હઝરત ઈસ્માઈલે બહુ જ શાંતિ પૂર્વક કહ્યુ.
"અબ્બા જાન.તમને અગર મારી કુરબાની આપવાનો હુકમ થયો છે તો તમે તે પ્રમાણે કરો હું એક આહ પણ નહિ કરુ."
ઈસ્માઈલની વાત સાંભળીને હઝરત ઈબ્રાહિમે તેમને નવરાવીને તૈયાર કર્યા સારા કપડા પહેરાવ્યા.અને તેમની કુરબાની આપવા હઝરત ઈબ્રાહિમ મક્કા પાસે મીના નામની ઘાટી તરફ લઈ જતા હતા ત્યારે શૈતાને તેમને ગુમરાહ કરવાની કોશીષ કરી.
"આ તુ શુ કરે છે ઈબ્રાહિમ?પોતાના પુત્રની કુરબાની તુ કઈ રીતે આપી શકે?"
ત્યારે ઈબ્રાહિમે એક કંકર લઈને શૈતાનને માર્યો.પછી શૈતાન બીજી બે વાર હઝરત ઈબ્રાહિમને ભટકાવવા આવ્યો.
એ બંને વાર હઝરત ઈબ્રાહિમે એને એજ રીતે કંકર મારીને ભગાવ્યો હતો.એના પ્રતિક રુપે આજે પણ હજયાત્રીઓ મીનાની એ ઘાટીમાં સાત કંકર મારે છે.
જ્યારે શૈતાનને લાગ્યુ કે હઝરત ઈબ્રાહિમ પાસે પોતાની દાળ નથી ગળવાની એટલે એણે ઈસ્માઈલને ગુમરાહ કરવાની કોશીષ શરુ કરી.
"તુ જાણે છે કે તારા પિતા તારી કુરબાની આપવા તને અહી લાવ્યા છે."
ત્યારે ઈસ્માઈલે જવાબ આપ્યો હતો.
"હા હું જાણુ છુ.અને મારી જાન ઉપર મારા અલ્લાહનો અને મારા પિતાનો જ અધિકાર છે અલ્લાહ માટે કુરબાન થવુ એનાથી વધુ શુ હોય."
શૈતાન નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો
હઝરત ઈબ્રાહિમે પોતાના પુત્રની કુરબાની આપવાની તૈયારી શરૂ કરી.
તો ઇસ્માઇલે કહ્યુ.
"અબ્બા.મારી કુરબાની આપતા પહેલા મારા હાથ પગ બાંધી દો.અને તમે પણ તમારી આંખ પર એક પટ્ટી બાંધી લો જેથી મારી ગરદન પર છુરી ચલાવતી વખતે તમારા હાથ ધ્રુજે નહી."
એક મોટા પથ્થર ઉપર હઝરત ઈસ્માઈલને હાથ પગ બાંધીને હઝરત ઈબ્રાહિમે સુવડાવ્યા અને પોતે પણ આંખ પર પટ્ટી બાંધી લીધી.અને સહુથી પહેલા એમણે અને ઈસ્માઈલે દુઆ કરી.
""રબ્બાના તકબ્બલ મિન્ના ઇન્કા અંતસ-સમીઉલ-અલીમ" (અનુવાદ: અમારા રબ! અમારા તરફથી આ (કુરબાની/પૂજા) સ્વીકારો,નિઃશંક તમે સર્વશ્રેષ્ઠ અને સર્વજ્ઞ છો.)
અને પછી હઝરત ઈબ્રાહિમે હાથમા છુરી લીધી.અને..
"બિસ્મિલાહ અલ્લાહૂ અકબર"
કહીને એમણે છુરી ચલાવી.
બરાબર એજ વખતે અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલે આવીને હઝરત ઈસ્માઈલને હટાવીને ત્યા એક ઘેટું મૂકી દીધુ.અને એ ઘેટાંની કુરબાની અપાઈ.
અને ત્યારથી એટલે કે ચાર હજાર વર્ષોથી બકરી ઈદની ઉજવણી થાય છે.