મસાલા મિસ્ટ્રી
લેખક : રૂપેન પટેલ
અમદાવાદની એક શાંત સોસાયટીમાં સવિતાબેન રહે. સવિતાબેનની એક જ આદત—બારીમાંથી આખી સોસાયટી પર નજર રાખવી. ઉનાળાની ગરમીમાં રાત્રે ૧૧ વાગ્યે સવિતાબેન રસોડામાં ગુંદા અને અથાણાં માટેની કેરી સુધારીને ઊભા થયા. રસોડાની બારી પાસે ઊભા રહી તેઓ પોતાના ખાસ 'સીક્રેટ ગરમ મસાલા'ની તૈયારી કરતા હતા, ત્યાં જ અચાનક તેમની નજર બારીની બહાર ગઈ.
સવિતાબેને બારીએથી ઝીણી આંખે જોયું. દૂરથી હેડલાઈટનો કોઈ ઝબકારો નહીં, પણ એક કાળો પડછાયો સરકતો દેખાયો. એક કાળી SUV ગાડી આવી. ના કોઈ હોર્ન, ના કોઈ બ્રેકનો અવાજ. ડ્રાઈવરે ગાડીની મેઈન હેડલાઈટ બંધ રાખીને માત્ર પાર્કિંગ લાઈટના સહારે પડોશના બંગલાના ગેટ પાસે ગાડી ઊભી રાખી. એન્જિન બંધ થયું. એક સેકન્ડ... બે સેકન્ડ... આખી સોસાયટીમાં સન્નાટો છવાઈ ગયો.
ગાડીનો દરવાજો ખૂલ્યો. અવાજ ન આવે એટલે સંજયે હેન્ડલ ખૂબ જ ધીમેથી પકડી રાખ્યું હતું. તે બહાર નીકળ્યો અને થંભી ગયો. આજુબાજુ નજર દોડાવી—કોઈ નહોતું. તેણે પાછળની સીટનો દરવાજો ખોલ્યો અને અંદરથી એક મોટી કાળી ટ્રોલી બેગ ખેંચી. બેગ એટલી ભારે હતી કે ઉપાડતાં જ એના હાથની નસો તંગ થઈ ગઈ, અને કપાળેથી પરસેવાનું એક ટીપું સરકીને કોલરમાં સમાઈ ગયું. એ જ વખતે પેસેન્જર સીટનો દરવાજો ખૂલ્યો અને માયા બહાર ઉતરી. તેનો ચહેરો સફેદ પૂણી જેવો ફિક્કો પડી ગયો હતો અને હાથ ધ્રૂજતા હતા.
માયા: (ધીમા અને ગભરાયેલા અવાજે) "ઝડપ કર સંજય, કોઈ જોઈ જશે તો..."
સંજય: (દાંત ભીંસીને) "શટ અપ! બેગનો બીજો છેડો પકડ."
બંને જણે મળીને બેગ ઘસડવાનું શરૂ કર્યું. બંગલાના પાંચ પગથિયાં ચડતાં ચડતાં તો એમનો જીવ નીકળી ગયો. દરેક પગથિયે ભારે બેગ અથડાય અને ‘ધબ’ અવાજ થાય. ત્રીજા પગથિયે માયાના હાથમાંથી હેન્ડલ છૂટી ગયું અને બેગ ધડામ દઈને નીચે પડી.
એ જ સેકન્ડે... સામેના ઘરમાં રસોડાની બારીમાં એક બલ્બ ચાલુ થયો. પીળો, ઝાંખો પ્રકાશ બહાર ફેલાયો.
સંજય અને માયા બંને ત્યાં જ બરફ થઈ ગયા. એમના શ્વાસ અદ્ધર થઈ ગયા. માયાએ ડરના માર્યા સંજયનો હાથ જોરથી દબાવ્યો. સંજયની નજર સામેની બારી પર ચોંટી ગઈ. બારી પાછળ એક આકાર હલ્યો. કોઈ ત્યાં ઊભું હતું અને બરાબર જોઈ રહ્યું હતું. થોડી સેકન્ડ સુધી કોઈ હલ્યું નહીં, કોઈ બોલ્યું નહીં. ફક્ત દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો.
પછી સંજયે હિંમત કરી. ફરીથી બેગ ઉપાડી, ચાવીથી દરવાજો ખોલ્યો અને બંને ફટાફટ અંદર ઘૂસી ગયા. દરવાજો ધીમેથી બંધ થયો—‘ક્લિક’. અંધારું પાછું સોસાયટી પર રાજ કરવા લાગ્યું, પણ સામેના ઘરની બારીમાં સવિતાબેનનો પડછાયો હજુ પણ સ્થિર ઊભો હતો.
સંજયને દરવાજો બંધ કરતો જોઈ સવિતાબેન ધીમેથી બોલી ઊઠ્યા, "અમૃતલાલ... ઓ અમૃતલાલ! જરા બારીએ આવીને જુઓ તો ખરા. આ સંજય અને એની ઓલી 'માયા' જુઓ તો ખરા, અડધી રાત્રે શું ખેંચીને જાય છે? આ કઈ માયાજાળ છે?"
અમૃતલાલ: (ઊંઘમાં પડખું ફરતા) "અરે સવિતા, પારકાના ઘરમાં ડોકિયું કરવાની આ તારી આદત તને કોઈ દિવસ જેલમાં નખાવશે. સૂઈ જા ને હવે શાંતિથી!"
સવાર પડી. સવિતાબેન સવારે 'કચરો' નાખવાના બહાને સંજયના ગેટ પાસે પહોંચી ગયા. ગેટ પાસે ઝાકળમાં કંઈક ચમક્યું – એક ચાંદીનું લોકેટ. અડધું કાદવમાં ખૂંપેલું હતું અને અડધું તડકામાં ચમકતું હતું. જેવું સવિતાબેને એ લોકેટ હાથમાં ઉપાડ્યું, પહેલા માળની બારીનો પડદો સહેજ હલ્યો. માયાએ બારીમાંથી આ જોઈ લીધું હતું. માયાને ફાળ પડી કે સવિતાબેન બધું જાણી ગયા છે.
હકીકતમાં, એ બેગમાં સામાન્ય રૂપિયા નહોતા, પણ શહેરના એક જાણીતા જ્વેલરના ત્યાંથી ચોરાયેલા કિંમતી હીરા હતા, અને એ લોકેટની અંદર હીરાની મુખ્ય તિજોરીનો ડિજિટલ કોડ છુપાયેલો હતો!
બપોરે જ્યારે અમૃતલાલ મંદિરે ગયા હતા, ત્યારે મોકો જોઈને સંજય અને માયા સીધા સવિતાબેનના ઘરે ધસી આવ્યા.
માયા: "સવિતાબેન, આજે સવારે તમે અમારા ઘર પાસે કેમ આંટાફેરા કરતા હતાં? ત્યાં નીચે શું શોધતા હતા?"
સવિતાબેન: (લોકેટને મુઠ્ઠીમાં છુપાવતા અને પરસેવો લૂછતા, થોડા થોથવાતા સ્વરે) "એ તો.. મારી સ્ટીલની ચમચી કચરાપેટીમાં પડી ગઈ હતી તે શોધતી હતી. કેમ, તારે શું કામ છે? અને તમે બંને કેમ આટલા ગભરાયેલા છો? રાત્રે પેલી કાળી બેગમાં શું હતું?"
સંજય: (ગુસ્સામાં દાંત કચકચાવીને) "સવિતાબેન, તમે જેટલું ઓછું જોશો ને, એટલું લાંબુ જીવશો! જે વસ્તુ સવારે તમને મળી છે ને, એ ચૂપચાપ અમને આપી દો, નહીંતર યાદ રાખજો કે આજ રાતની રસોઈ તમારી જિંદગીની છેલ્લી રસોઈ હશે!"
સવિતાબેન અંદરથી ગભરાઈ ગયા પણ તે ડરપોક નહોતા. તેઓ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી છે. સંજય અને માયાના ગયા પછી, સવિતાબેને હાથમાં છુપાવેલું લોકેટ પોતાના 'સીક્રેટ ગરમ મસાલા'ના સ્ટીલના ડબ્બામાં ઊંડે સુધી નાખી દીધું. ઉપરથી રાઈ, મેથી અને લાલ મરચાનો મોટો થર ચડાવી દીધો. દટાઈ ગયો કોડ, અને દટાઈ ગયું રહસ્ય!
તે જ રાત્રે પોલીસ સોસાયટીમાં તપાસ કરવા આવી. સોસાયટીના લોકોએ ઇન્સ્પેક્ટર રાઠોડને સોસાયટીની તમામ હિલચાલની જાણકારી મેળવવા માટે સવિતાબેનના ઘરે મોકલ્યા, કારણ કે સવિતાબેન એટલે સોસાયટીનું અસલી 'જીવતું CCTV'.
ઇન્સ્પેક્ટર રાઠોડ: "સવિતાબેન, શહેરમાં મોટા જ્વેલર્સના ત્યાં કરોડોની ચોરી થઈ છે... અમારી બાતમી છે કે ચોરીનો માલ આ જ વિસ્તારમાં આવ્યો છે. તમને કોઈ શંકાસ્પદ માણસ કે ગાડી દેખાયા?"
સવિતાબેન: (અંદરથી ધ્રૂજતા પણ બહારથી શાંતિનો દેખાવ કરતા) "સાહેબ, મને તો કંઈ ખબર નથી... મેં એવું કાંઈ ખાસ જોયું નથી."
ઇન્સ્પેક્ટર રાઠોડ: (કડક અને શંકાસ્પદ સ્વરે) "સવિતાબેન, થોડું મગજ પર જોર આપીને યાદ કરો. આખી સોસાયટીમાં કંઈ થાય ને તમને ના ખબર હોય... એવું તો કેવી રીતે બને?"
રાઠોડની વાત પૂરી થાય એ પહેલાં જ સવિતાબેનથી બોલાઈ ગયું: "સાહેબ! મોડી રાતે હું મારા અથાણાંના સીક્રેટ મસાલાની તૈયારી કરતી હતી, ત્યારે મારી નજર બારી બહાર ગઈ હતી. સંજયના ઘરે ગઈકાલે મોડી રાત્રે એક કાળી કારમાં બહુ મોટી બેગ આવી હતી... એનાથી વધારે તો... પણ સાહેબ, તપાસ તો પછી થશે, પેલા ગરમાગરમ એક કપ ચા પીતા જાવ!"
સવિતાબેને ઉતાવળમાં રસોડામાં જઈને ચા બનાવી. ગભરાટના માર્યા પરસેવો લૂછતાં લૂછતાં તેઓ બહાર આવ્યા: "લો સાહેબ, ચા પીવો."
પણ ગભરાટમાં ચામાં ખાંડને બદલે મીઠું નખાઈ ગયું હતું! એક જ ઘૂંટડે ઇન્સ્પેક્ટર રાઠોડ સમજી ગયા કે આ માજી ચોક્કસ કંઈક છુપાવી રહ્યા છે અને ગભરાયેલા છે. પણ કોઈ પક્કા પુરાવા વિના સીધી કાર્યવાહી ન થઈ શકે, એટલે તેઓ સોસાયટીની બહાર સિક્રેટ વોચ ગોઠવીને ત્યાંથી નીકળી ગયા.
રાત્રે બે વાગ્યાનો સમય હતો. આખી સોસાયટી ઘાઢ નિંદ્રામાં હતી, પણ સવિતાબેનના રસોડામાં રહસ્ય અને રોમાંચનો એક નવો જ સીન ભજવાઈ રહ્યો હતો.
સંજયે બહુ ચાલાકીથી વિન્ડો કટર વડે રસોડાની લોખંડની જાળી કાપી નાખી હતી. તે અત્યંત સાવધાનીથી, બિલાડીની જેમ પગલાં માંડતો રસોડાના પ્લેટફોર્મ પરથી નીચે ઉતર્યો. માયા ઘરની બહાર ઊભી રહીને ચોકી કરી રહી હતી. સંજયના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં કાળા રંગની સેમી-ઓટોમેટિક પિસ્તોલ ચમકી રહી હતી. તેને ખબર હતી કે જો સવિતાબેને પોલીસને એ લોકેટ આપી દીધું, તો તેમનું આખું અંડરવર્લ્ડ નેટવર્ક બરબાદ થઈ જશે.
બરાબર એ જ સમયે, સવિતાબેનને તરસ લાગવાને કારણે તેઓ રૂમમાંથી બહાર આવ્યા હતા. જેવો તેમણે રસોડા તરફ પગ લંબાવ્યો, તેમને અંધારામાં કોઈનો પડછાયો દેખાયો અને વાસણોનો સહેજ અવાજ આવ્યો. સવિતાબેન કઈ સામાન્ય ગૃહિણી નહોતા, તેમનું મગજ તરત જ એલર્ટ થઈ ગયું. તેમણે લાઈટ ચાલુ કરવાને બદલે રસોડાના દરવાજાની પાછળ લપાઈ જવાનું યોગ્ય સમજ્યું.
સંજય ધીમેથી ગણગણ્યો, "આ ડોશીએ લોકેટ ક્યાં છુપાવ્યું હશે? કબાટમાં? ના, એ બહુ શાણી છે." તે રસોડાના ડબ્બા ફાંદવા લાગ્યો.
સવિતાબેને અંધારામાં જ દીવાલ પર હાથ ફેરવીને રસોડાની મુખ્ય સ્વિચ ચાલુ કરી દીધી. આખું રસોડું દૂધ જેવા સફેદ પ્રકાશથી ઝળહળી ઊઠ્યું! સંજય એકદમ ચોંકી ગયો. તેણે તરત જ પાછળ ફરીને પિસ્તોલ સવિતાબેનની છાતી સામે તાકી દીધી.
સંજય: (દાંત કચકચાવીને, ખૂબ જ ધીમા પણ ઘાતકી અવાજમાં) "એકદમ ચૂપ! જો એક પણ બૂમ પાડી છે ને ડોશી, તો આ પિસ્તોલની ગોળી તારી આરપાર થઈ જશે. ચાલ, જલ્દી કાઢ... ઘરની બહાર સવારે મળેલું લોકેટ ક્યાં છે?"
સવિતાબેન: (અંદરથી હૃદયના ધબકારા વધી ગયા હતા, પણ ચહેરા પર હિંમત લાવીને) "સંજય... તું? મેં તો તને બહુ સારો પાડોશી સમજ્યો હતો. તારી મમ્મીએ તને આ જ સંસ્કાર આપ્યા છે કે અડધી રાત્રે કોઈના રસોડામાં પિસ્તોલ લઈને ઘૂસી જવું?"
સંજય: "મને સંસ્કાર ન ભણાવ ડોશી! મને એ લોકેટ જોઈએ છે જેમાં સિક્રેટ કોડ છે. નહીંતર સવારે તારો ધણી અમૃતલાલ ચાની ચૂસકી સાથે છાપામાં તારો ફોટો જોશે!"
સવિતાબેન સમજી ગયા કે માત્ર વાતો કરવાથી કામ નહીં બને, સમય બહુ ઓછો છે અને સંજય કંઈપણ કરી શકે તેમ છે. તેમની નજર પ્લેટફોર્મ પર પડેલી વસ્તુઓ પર ગઈ. એક તરફ વેલણ હતું, પણ પિસ્તોલ સામે વેલણ કામ ન આવે. બીજી તરફ તેમનો 'સીક્રેટ ગરમ મસાલો' અને લાલ મરચાંનો ડબ્બો પડ્યો હતો.
સવિતાબેન: "સારું, તું ગભરાઈશ નહીં, હું તને આપું છું. એ લોકેટ મેં પેલા લોટના ડબ્બાની પાછળ છુપાવ્યું છે. હું ત્યાંથી શોધીને લાવું?"
સંજય: "હા, પણ કોઈ હોશિયારી કરી છે તો જગ્યા પર જ પતાવી દઈશ. ચાલ આગળ થા."
સવિતાબેન ધીમે ધીમે પ્લેટફોર્મ તરફ આગળ વધ્યા. સંજય તેમની બિલકુલ પાછળ હતો, પિસ્તોલ તેમની પીઠ પર ટેકવાયેલી હતી. જેવો સવિતાબેનનો હાથ મસાલાના ડબ્બા નજીક પહોંચ્યો, તેમણે ખૂબ જ સ્ફૂર્તિથી ડબ્બાનું ઢાંકણું ખોલ્યું.
તેમણે સંજય તરફ ફરીને પૂછ્યું, "તારે ખરેખર જોઈએ છે ને?" અને સંજય કંઈ સમજે તે પહેલાં જ, સવિતાબેને પોતાના મોં પર સાડીનો છેડો આડો કરી, આખી મુઠ્ઠી ભરીને તીખું લાલ મરચું અને પોતાનો તેજ ગરમ મસાલો સીધો સંજયની આંખો અને નાક પર ફેંક્યો!
સંજય: "આહહહ!... ઓ માડી! મારી આંખો... તું તો ગઈ ડોશી!"
સવિતાબેન: "ગઈ હું નહીં, ગયો તું!"
મરચાંની તીખાશ અને ગરમ મસાલાના ધુમાડાથી સંજયની આંખો બંધ થઈ ગઈ અને તે ભયંકર રીતે ખાંસવા લાગ્યો. આ અંધાધૂંધીમાં તેના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ. સવિતાબેને મોકો જોઈને પ્લેટફોર્મ પરથી લોખંડનો ભારે ખાંડણીનો દસ્તો ઉપાડ્યો અને પૂરી તાકાતથી સંજયના ઘૂંટણ પર ફટકાર્યો!
ઝપાઝપીમાં મસાલાનો ડબ્બો ઊંધો પડ્યો ને છુપાવેલું લોકેટ પણ બહાર આવી ગયું, પણ સંજય તે જોઈ શકવાની સ્થિતિમાં નહોતો.
"કડાક..." અવાજ સાથે સંજય મોટી ચીસ પાડીને રસોડાના ફ્લોર પર ફસડાઈ પડ્યો. બરાબર એ જ સમયે, રસોડામાં થયેલી ધમાલ અને ચીસો સાંભળીને બાજુના રૂમમાંથી અમૃતલાલ દોડતા આવ્યા. રસોડાનું દ્રશ્ય જોઈને તેમણે પ્લેટફોર્મ પરથી વેલણ લીધું અને સંજયને ફટકારવા માંડ્યા. બારીમાંથી આ બધી ધમાલ જોઈને બહાર ઊભેલી માયા ત્યાંથી જ ભાગી ગઈ.
સંજય આંખો ચોળતો અને દર્દથી કણસતો ફ્લોર પર પડ્યો હતો. સવિતાબેને નીચે પડેલી પિસ્તોલ પોતાના હાથમાં લીધી. ભલે તેમને ચલાવતા નહોતી આવડતી, પણ તેમણે સંજય સામે તાકીને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું, "જો સહેજ પણ હલ્યો છે ને, તો આ પિસ્તોલ ચાલશે ને તું સીધો ઉપર!"
અમૃતલાલે તરત જ ઘરમાં પડેલી મજબૂત દોરી શોધીને સંજયને રસોડાના પિલર સાથે જકડી દીધો. સવિતાબેને હિંમતભેર ફોન ઉપાડ્યો અને સીધો ઇન્સ્પેક્ટર રાઠોડને લગાવ્યો, "સાહેબ, જલ્દી આવો, આજે રસોડામાં અસલી શિકાર પકડાયો છે!"
થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. સંજય પકડાઈ ગયો અને તેની બાતમીના આધારે ભાગેલી માયા પણ પકડાઈ ગઈ. ચોરાયેલી બેગ અને હીરા બંને મળી આવ્યા. સવિતાબેને પેલું લોકેટ પણ ઇન્સ્પેક્ટર રાઠોડને સોંપી દીધું.
ઇન્સ્પેક્ટર રાઠોડ: સવિતાબેનના વખાણ કરતા કરતા બોલ્યા, "વાહ સવિતાબેન! તમારી બહાદુરીને સલામ છે. પણ આ મરચાંનો પાવડર આટલો તેજ ક્યાંથી લાવ્યા?"
સવિતાબેન: (હસતા હસતા) "સાહેબ, એ જ તો મારો 'સીક્રેટ મસાલો' છે!"
બીજે દિવસે છાપામાં મોટા અક્ષરે હેડલાઈન હતી: "મસાલા કિંગ સવિતાબેને ચોરોને ચખાડ્યો સ્વાદ!"
સવિતાબેન હવે આખી સોસાયટીના 'સુપરવુમન' બની ગયા હતા. જે બારીમાંથી તેઓ કાયમ પંચાત કરતા હતા, આજે એ જ બારી પાસે આવીને આખી સોસાયટી તેમની બહાદુરીના વખાણ કરતી થાકતી નહોતી. પણ સવિતાબેનની એ બારીમાંથી દુનિયા જોવાની અસલી આદત હજુ ગઈ નહોતી. હવે તેમની નજર પેલા સંજય કે માયા પર નહીં, પણ સોસાયટીની આસપાસ આંટા મારતી ઇન્સ્પેક્ટર રાઠોડની ગાડી પર હતી!