સરકારી પ્રેમ - ભાગ 29 Maulik Vasavada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરકારી પ્રેમ - ભાગ 29

"અરે શું વાત કરે છે?" નવનીત હેરાન થઈ જાય છે.

"કેમ?" રિતેશ પુછે છે.

"એક પ્રેમી પોતાની પ્રેયસી ને પોતાના મિત્ર સાથે જતા જોઈ કંઈ પણ કરે નહીં એ વાત મને તો ગળે પણ નથી ઉતરતી. જરા પોતાની જાતને જો.." નવનીત કહે છે.

"મિત્ર જો તું નહીં સમજી શકે. હું સાવ બદલાઈ ગયો છું. રાજીવ નગરનો રિતેશ ક્યાંય ખોવાઈ ચુક્યો છે. ચલો હવે મારે જવાનો‌ સમય છે. હું તો મારિયા ને મારી માટે પ્રેરણારૂપ માનું છું.

એણે જ મારી અંદર આગ જગાડી અને આજે હું અંહી છું. " રિતેશ કહે છે.

"ઠીક છે. મારી તો અંદર એવા કોઈ બદલાવ નથી. હું મહેચ્છા સાથે સારી એવી મિત્રતા કરી આગળ વધવા માટે તૈયાર છું." નવનીત કહે છે.

"જે પણ‌ કરે આઈ.એ.એસ બનજે. તારી છેલ્લી તક છે. તારા જીવનના છ વર્ષ તે લગાડી દીધા છે. " રિતેશ સમજાવે છે.

"હા પણ મહેચ્છા વગર તો અભ્યાસ થતો જ નથી. આ જ મિત્રતા છે. " નવનીત કહે છે.

"એ મિત્રતા નથી. એ પ્રેમ છે. જો થોડા દિવસો ની વાત છે. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બન્ને સાથે જ રહો. પણ મિત્ર મારી વાત યાદ રાખજે કે આઈ.એ.એસ બન્યા પછી તારા વિચારો અને વ્યક્તિગત જીવનમાં ઘણા ફેરફારો આવશે." રિતેશ કહે છે.

"ઠીક છે. ચલો આઈ.એ.એસ સર. " નવનીત બહાર કાર ની તરફ ઈશારો કરે છે.

"હા યાર. " રિતેશ કહે છે.

બન્ને મિત્રો હાથ મિલાવી પછી પોતાના રસ્તે નીકળી જાય છે.

એક મહિના પછી 
મહેચ્છા તો બિહારમાં પોતાની માતા સાથે ગામમાં હતી. એ ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે જ દિનકર દાસગુપ્તા મહેચ્છા ને ફોન કરે છે.

"હેલ્લો સર. કેમ છો?" મહેચ્છા કહે છે.

"અરે મારી મહેચ્છા તને શું કહું? " દિનકર દાસગુપ્તા કહે છે.

" કેમ‌?" મહેચ્છા પુછે છે.

" પ્રિલિમનરી પરિક્ષા નું પરિણામ આવી ગયું છે. તું ટોપ- ૫ ની અંદર આવી છે. " દિનકર દાસગુપ્તા કહે છે.

"ખરેખર અને નવનીત?" મહેચ્છા પુછે છે.

"નવનીત પણ મેરિટ લિસ્ટ માં આવી ગયો છે. એ પણ ટોપ ૧૦૦ માં છે. એ બીજી વખત પસંદગી પામ્યો છે. પણ તારી તો શું વાત થાય? મીડિયા તારો નંબર મેળવી તને ઈન્ટરવ્યુ માટે કહેશે." દિનકર દાસગુપ્તા ના અવાજ માં જોશ હતો.

"ઠીક છે સર. હું નવનીત ને ફોન કરું." મહેચ્છા ખુબ જોશમાં આવીને કહે છે.

મહેચ્છા તરત જ નવનીત ને ફોન લગાડે છે. નવનીત ફોન પણ ઉપાડે છે. પણ એના અવાજમાં કોઈ ઉત્સાહ ન હતો.

"શું વાત છે તમારી? મારા થી જ બધું શિક્ષણ લીધું અને ટોપ-૫ માં પહોંચી ગઈ.‌" નવનીત કહે છે.

" અરે એ તો ઠીક. પણ તું ય પસંદગી તો પામી જ ગયો છે." મહેચ્છા કહે છે.

"હા મારી તો છેલ્લી જ તક છે. પણ તું તો મીડિયામાં છવાઈ ગઈ છે. તું એક સેલિબ્રિટી બની ગઈ છે. " નવનીત કહે છે.

"એ બધું ઠીક. હવે મુખ્ય પરિક્ષા માટે તૈયારી ક્યારથી કરવાની છે?" મહેચ્છા પુછે છે.

" બસ બે દિવસ પછી જ દિલ્હી આવું છું." નવનીત કહે છે.

"હું પણ પપ્પા સાથે વાતચીત કરી પહોંચી જઈશ." મહેચ્છા કહે છે.

મહેચ્છા ને એમ લાગ્યું કે નવનીત મહેચ્છા ની સફળતા થી એટલો બધો ખુશ ન હતો. મહેચ્છા તો નવનીત ની સફળતા થી ખુબ ખુશ હતી. મહેચ્છા મધુકર તેમજ સરિતા ના આશીર્વાદ મેળવે છે.આખા ગામમાં મહેચ્છા ની આ સફળતા થી બધા ખુબ ખુશ થાય છે.

મીડિયા પણ મહેચ્છા નો ઈન્ટરવ્યુ લઈને ‌પ્રથમ‌ પ્રયત્ન થી જ પ્રિલિમનરી પરિક્ષામાં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા માટે તેને ખુબ અભિનંદન આપે છે. મહેચ્છા તેની સફળતા નો શ્રેય મધુકર, દિનકર દાસગુપ્તા‌ તેમજ નવનીત ને પણ આપે છે.

નવનીત ના નામ લેવાથી સરિતા ખુબ ગુસ્સે થાય છે. એ મધુકર તેમજ મહેચ્છા ને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી ભણતર ની વાત છે ત્યાં સુધી જ આ સંબંધ સીમિત રહેવો જોઈએ. 

બે દિવસ પછી 
દિનકર દાસગુપ્તા પોતાની કોચિંગ ક્લાસમાં મધુકર તેમજ મહેચ્છા સાથે નવનીત ના આગમન ની રાહ જોઈ રહ્યા હતા. જેમ જ દરવાજો ખોલ્યો તો જોરથી બધા અવાજ કરીને ત્રણેય નું સ્વાગત કરે છે. 

મધુકર, મહેચ્છા અને નવનીત તો આ સરપ્રાઈઝ પાર્ટી થી હતપ્રભ જ રહી જાય છે. દિનકર દાસગુપ્તા આમ તો ખુબ જ ઓછું આ પાર્ટી કલ્ચર માં માનતા હતા.પણ મહેચ્છા અને નવનીત ની સફળતા જ કંઈક એવી હતી.ઘણા સમય પછી કોઈ બે વિધાર્થીઓ એક જ બેચમાં પ્રિલિમનરી પરિક્ષામાં આટલી સફળતા મેળવી ચુક્યા હતા.

પાર્ટી પુરી થઈ ગયા પછી દિનકર દાસગુપ્તા‌ ત્રણેય ને રોકાવા માટે સમજાવે છે. પછી અચાનક જ નવનીત અને મહેચ્છા ને ઈતિહાસ વિષય નું એક પ્રશ્નપત્ર આપી દે છે. નવનીત અને મહેચ્છા આ માટે તૈયાર ન હતા.

એક કલાક નો‌ સમય આપવામાં આવે છે. મહેચ્છા તો ત્રણ વર્ષથી સતત કોલેજ ની સાથે જ ઈતિહાસ ના મુખ્ય વિષય તરીકે ચોપડીઓ વાંચી તૈયારી કરી રહી હતી. તેને ઈતિહાસમાં રસ પણ હતો.

નવનીત ઈતિહાસ ને મુખ્ય પરિક્ષામાં વિષય રાખી એક વખત મુખ્ય પરિક્ષા આપી ચુક્યો હતો. પણ એ સફળ થયો ન હતો.

એક કલાક પછી દિનકર દાસગુપ્તા બન્ને પાસે થી પ્રશ્નપત્ર લઈને પછી બન્ને ને થોડી વાર રાહ જોવડાવ્યા પછી પેપર ની ચકાસણી કરી પછી બન્નેને બોલાવે છે.

"જો તમને બન્નેને હવે મુખ્ય પરિક્ષા માટે વિષય નક્કી કરવો પડશે. આ સરપ્રાઈઝ ટેસ્ટ એ વિષય માટે તમે કેટલા તૈયાર છો એ વિષે જાણવા માટે જ રાખવામાં આવી હતી.

સૌ પ્રથમ તો હું મહેચ્છા નું પેપર ચેક કરું તો એમાં સો ની અંદરથી ૭૫ માર્ક જ આવશે. મહેચ્છા ની વિષય ની પકડ ખુબ સરસ છે. પણ હજી જવાબો લખવામાં તેની તજજ્ઞતા નથી.

હવે તારો વારો છે નવનીત. તું ખોટું ન લગાડતો. પણ આ પેપરમાં તને પચાસ થી વધુ માર્ક ન મળે. તને ઈતિહાસ વિષય પર એટલી સારી પકડ નથી. વળી તને જવાબ લેતા પણ નથી આવડતા. "

મધુકર તો દિનકર દાસગુપ્તાની આ વાત સાંભળીને ખુબ ખુશ થાય છે. પણ નવનીત નો ચહેરો પડી જાય છે.મહેચ્છા પણ નવનીત ની ઉદાસી સમજી જાય છે.

"અરે સર તમે શું કામ છો ? અમારી ભુલો સુધારવા માટે જ. કાલથી તૈયારીઓ ચાલુ." મહેચ્છા કહે છે.

"હા મારે એ જ સાંભળવું હતું. "દિનકર દાસગુપ્તા કહે છે.

નવનીત કંઈ પણ કીધા વગર જ મહેચ્છા સાથે નીકળી જાય છે. મધુકર સાથે રસ્તામાં થોડીવાર ઔપચારિક વાતચીત કરી લીધા પછી બધા વિખૂટા પડે છે.મહેચ્છા ને ગુડ નાઈટ પણ કહેવામાં નવનીત ને રસ ન હતો.

નવનીત આગળ ફરી થી એ જ ચિત્ર હતું. પ્રિલિમનરી પરિક્ષા ની સફળતા સામે મુખ્ય પરિક્ષામાં નિષ્ફળતા.નવનીત રૂમ પર પહોંચી દિનકર દાસગુપ્તા પર નારાજ હતો.આમ થોડી કોઈ સરપ્રાઈઝ ટેસ્ટ લેવાતી હશે? મહેચ્છા બધા માં આગળ જ હોય.