એકાંત - 110 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • કોપીપેસ્ટ

    ડૉ.નભ M.s પછી સુપર સ્પેશીયલાઈઝેશન માટે U.S.A ગયા.ત્યાં ડૉ જલ...

  • સંગત થી રંગત

    મારી સંગત માં ,મારી પાસે આવનાર લોકો ને સ્વસ્તિ,શાંતિ, પ્રસન્...

  • કાયામત: અંતિમ આશ્રય - 9

    પ્રકરણ ૯: ગુપ્ત સંદેશ અને શંકાની સોયસમય: ટકરાવના ૧૫ દિવસ પછી...

  • ભ્રમજાળ - 4

    #ભ્રમજાળ​ભાગ ૪: કઠપૂતળીનો ખેલ​હોસ્પિટલના એ અંધારા ઓરડામાં દૂ...

  • ગોળધાણા ઉજવણી

    લગ્ન માટે ઘણાખરા કેસમાં વડીલો દ્વારા શોધવામાં આવેલ સામેનું પ...

શ્રેણી
શેયર કરો

એકાંત - 110

હેતલની નોટીસ સાંભળીને દલપત દાદાને માયનોર હાર્ટ એટેક આવી ગયો; પ્રવિણ એ ન્યુઝથી ચિંતામાં આવી ગયો. જોકે એટેકને કારણે દલપત દાદાને બીજી કોઈ તકલીફ થઈ ન હતી. એ વાતથી પ્રવિણને રાહત થઈ.

ડૉકટરે પ્રિસ્ક્રીપ્શનમાં લખેલી દવાઓ મેડીકલમાં લઈને દલપત દાદા સાથે રીક્ષમાં બેસીને ઘરે પહોંચી ગયા. ઘરે પારુલ સોમનાથ દાદાને સતત પ્રાર્થના કરી રહતી હતી. દલપત દાદાના ચેકઅપમાં કોઈ ચિંતા જેવો વિષય ના હોય. પ્રવિણે આવીને એટેક વાળી પારુલને વાત કહી તો તેણીની ચિંતા એનાં હાવભાવમાં દેખાઈ આવી. 

"એમ કાંઈ હું આવા નાના મોટા એટેક્યામાં મરી નથી જાવાનો. મેં પ્રવિણને પહેલાં કહ્યું હતું કે ડૉકટર પાસે જશું એટલે એ નવી ઉપાધિમાં મૂકી દેશે. આ સામાન્ય દુખાવાને એ લોકોએ એટેકનું નામ આપીને થેલો ભરીને દવાઓ આપી દીધી. એક બીપીની દવા લેવી ગમતી ન હતી. એમાં આ બધી દવાઓનો વધારો થયો." એમના પલંગ પર પીઠને ટકિયાનો ટેકો આપતા દલપત દાદાએ આરામ કરવા બેઠા. 

"પિતાજી ! ડૉકટરે તમને બોલવાનું સાવ ઓછું કહ્યું છે. જરૂર પૂરતું જ તમને બોલવાનું કહ્યું છે. તેઓને રિપોર્ટમાં આવ્યું એ જ કહ્યું છે. એમને પણ સોમનાથ દાદાનો એટલો ડર છે. કોઈ ભણ્યાં વિનાના કાંઈ ડૉકટર થોડીને થઈ ગયા હશે !"

પ્રવિણે એમને બોલતા ચૂપ કરાવ્યા. ડૉકટરે દલપતદાદાને પૂરેપૂરો આરામ કરવાનું ફરમાન આપી દીધું હતું. જેને કારણે પારુલ પણ આગળ કશું બોલી નહિ અને બેઠક રૂમમાંથી બહાર નીકળી ગઈ. 

બે ચાર દિવસ પારુલે દલપત દાદાને સરખી સેવા ચાકરી કરી. એમને સમયસર રોજ જમાડતી તો લેતી પણ હવે સમયસર એમને દવાઓ કાઢીને પીવડાવી પણ લેતી હતી. એક દીકરી એના પિતાની દેખભાળ કરે એમ પારુલ દલપત દાદાની દેખભાળ કરતી હતી. એ સાથે ઘરનાં પણ બધાં કામો થાક્યાં વિના કરી લેતી. પ્રવિણ વાસણ માટે કામવાળી રાખવાનું સુચન કરેલું પણ તેણીને બીજાં કોઈના હાથે ધોયેલાં વાસણ વાપરવાથી સુગ ચડતી. એ રીતે હળવે હળવે બધા કામો કરી લેશે એવું પ્રવિણને કહી દીધું.

દલપત દાદા પહેલાં જેમ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા. સૌને ચિંતાનું એક વાદળું વરસ્યાં વગર જતું રહ્યું; જેને કારણે રાહત થઈ. હવે આગળ કોઈ વિજળી ત્રાટકે નહિ એનાં પહેલાં પારુલે હેતલનાં પપ્પાની ઘરે જઈને તેણીને મળવાં ગઈ.

પારુલને આંગણે જોઈને હેતલનાં મમ્મીએ એમનું પ્રેમથી સ્વાગત કરીને ઘરની અંદર હોલમાં રાખેલ સોફા પર બેસાડ્યાં. તેણીનાં માટે તેઓ પાણી ભર્યો ગ્લાસ પીવડાવ્યો અને એમની પાસે બેસી ગયાં. પારુલે આસપાસ નજર કરી તો હેતલ કે તેણીનાં પપ્પા એમને ક્યાંય દેખાઈ રહ્યાં ન હતાં.

"હેતલ ઘરમાં મને દેખાઈ રહી નથી ?" પારુલે પૂછ્યું.

"તેણે એના રુમમાં હશે. હમણાં તેણીને બોલાવું છું."

હેતલની મમ્મીએ હેતલને સાદ આપ્યો તો હેતલ એના રૂમમાંથી બહાર નીકળીને હોલમાં આવી. સામે પારુલને જોઈને હેતલ અવાચક બની ગઈ. તેણીને અંદાજો તો આવી ગયો હતો કે નોટીસ જોઈને તેઓ અહીં સુધી આવ્યા હશે. હેતલે પારુલનાં ચરણ સ્પર્શ કરીને સોફાની સામે રહેલ ખુરશી પર બેસી ગઈ.

"મમ્મી ! વત્સલને કેમ છે ? એ તમારી સાથે આવ્યો નથી ?"

"હું તને તારા દરેક સવાલના જવાબ આપીશ, પણ એ પહેલાં હું તને પૂછું એનાં સવાલનાં જવાબ આપ." આંખોમાં ક્રોધ રાખીને પારુલે હેતલને કહ્યું. 

"વેવાણ બધું ઠીક તો છે ? તમે ક્યાં સવાલનાં જવાબ લેવાં આવેલાં છો ?"

પારુલે હેતલની મમ્મી સામે જોઈને કહ્યું, "એની સાથે તો હું પછી વાત કરીશ પણ એ પહેલાં મારે તમારી અને વેવાઈ સાથે વાત કરવી છે."

"તેઓ ઓફીસે ગયા છે. તમને સાંજે મળી શકશે."

"સાંજ સુધી રોકાવાનો મારી પાસે સમય નથી."

"કોઈ પણ વાત હોય એ મને કહો. હું એમને જણાવી દઈશ. જો જરૂરી કામ હોય તો એમને કોલ કરીને બોલાવી લઉં."

હેતલનાં મમ્મીના કહેવાથી પારુલે ઊંચો હાથ કરીને વેવાઈને તત્કાલ બોલાવાની ના પાડી.

"વેવાણ, તમે રવિ અને હેતલનાં સમપણની શું જોઈને હા કરી હતી ?"

"આ તો તમને પણ ખબર છે. દલપત દાદા જેવું ખોરડું દીવો લઈને ગોતવાં જઈએ તો મળે નહિ. અમારી હેતલને સાચવી શકે એવો પરિવાર તમારા સિવાય અમને બીજે મળી શકવાનો ન હતો."

બે હાથ જોડીને હેતલનાં મમ્મીએ કહ્યું. હેતલ એની મમ્મીની દરેક વાત સાંભળી રહી હતી.

"તો તમારી દીકરી આટલો સમય પિયર આવીને બેઠી છે તો તમને લોકોને એક વાર પણ પ્રયત્ન ના કર્યો કે તમે તેણીને સમજાવીને એનાં સાસરે મૂકી શકો ?" પારુલે સવાલનું બીજું તીર ચલાવ્યું.

"તમને એવું લાગે છે કે અમે પ્રયત્ન નહિ કર્યો હોય ? હેતલ અહીં રિસામણે આવેલી છે. આ વાત અહી અમારા સ્નેહીજનો સુધી પહોંચી ગઈ છે. દીકરી જ્યારે રિસામણે આવે તો સૌથી વધુ મૈણાંટોણાં પણ તેણીનાં માવતરને સાંભળવાં પડે છે. અમારે સમાજમાં જવાનું બંધ થઈ ગયું છે. ઘરની બહાર નીકળી ત્યાં જ લોકો સવાલો કરવાં લાગે. તમારી દીકરીને સુખી સમ્પન્ન ઘરે તો મૂકી તો શું દુખ્યું કે પાછી આવી ? દીકરીની જાતને પૂરી જીંદગી ક્યાં સુધી છાતીએ વળગાડી રાખવી ? હવે, તમારી દીકરીને ક્યારે એનાં સાસરે ભેગી કરવી છે ?" આવા તો અનેક સવાલો સાંભળીને અમે કંટાળી ગયા. એ લોકોના એક પણ સવાલનો અમારી પાસે કોઈ જવાબ હતો નહિ."

હેતલની મમ્મી બોલતાંની સાથે રડવાં લાગ્યાં. પારુલને એમને જોઈને દયા આવવાં લાગી. તેણીને હેતલની મમ્મીની પીઠ પર હાથ મૂકીને આશ્વાસન આપીને છાનાં રાખ્યાં. જોકે હેતલ જાણે કોઈ મુવીનો સીન ચાલતો હોય એમ જોઈ રહી હતી. તેણીને એની મમ્મી રડતાં હતાં કે એને કારણે સમાજમાં એમને કેટલું સાભળવાં મળે છે; એનાથી એને કોઈ ફરક પડતો ન હતો. થોડીક વાર માટે હોલમાં સાવ શાંતિ સ્થપાઈ ગઈ.

"તમે આવ્યાં છો. હેતલને તમારી સાથે લેતાં જાવ. વત્સલ વિના તેણીને ગમતું નથી. એ બોલી રહી નથી, પણ એની આંખો ઘણું કહે છે. એ એનાં અહંકારને લીધે એની અંદરની માતૃત્વની વેદના જાહેર કરવાં માંગતી નથી. સ્ત્રી ગમે એટલી ક્રુર હોય પણ આખરે એની મમતા તરફ એ નમતું મૂકી દે છે."

"વેવાણ, તમારી હેતલનાં માતૃત્વને ઓળખવામાં ભૂલ થઈ રહી છે. હેતલને એનાં સંતાનના પ્રેમથી વધુ એને એની જિદ્દ વ્હાલી છે. એની જિદ્દ માટે એણે એના દીકરાનો પણ સારી રીતે ઉપયોગ કર્યો છે."

પારુલ ત્રાસી આંખે હેતલને જોતાં બોલી. પારુલ શું બોલી રહી હતી એ હેતલની મમ્મી સમજી શક્યાં નહિ.

"વેવાણ, તમે સ્પષ્ટ વાત કરો તો ખબર પડે.!"

"હેતલે અમારાં ઘરે નોટીસ મોકલી એનાં વિશે કશું જાણતાં જ ના હો એવી વાત કરો છો !" પારુલે હેતલની મમ્મી સામે જોઈને બોલી.

"મારી એકની એક દીકરીના સમ ખાઈને કહું છું. તમે કઈ નોટીસની વાત કરો છો ?"

"હેતલે નોટીસ મોકલાવી છે કે વત્સલને અમે લોકોએ એનાથી દૂર રાખ્યો છે. એ વધુ તમારાથી આશ્રિત રહેવા માંગતી નથી. એણે અમારી પાસે દર મહિને ત્રીસ હજારનાં ભરણ પોષણની માંગ કરી છે."

પારુલની વાત સાંભળીને હેતલની મમ્મીને આચકો લાગ્યો. એમણે મોં પર હાથ રાખીને ઘડીક હેતલ સામે તો ઘડીક પારુલ સામે જોવાં લાગ્યાં.

"હેતલ, આ બધું શું છે ? આવી નોટીસ તે અમારી જાણ બહાર ક્યારે મોકલાવી દીધી છે ? તારી સાસરીનો વિચાર ના કર્યો પણ તારાં પપ્પાની આબરુનો તો ખ્યાલ રાખવો જોઈએ. તારે ત્રીસ હજારનાં ચાલીસ હજાર જોઈતાં હોય તો તારાં પપ્પા તને કાઢીને આપવાં તૈયાર છે. અમારી પરવરિશમાં શું ખામી રહી ગઈ કે તું કાનુનનો સહારો લેવાં ગઈ ?"

તેણીની મમ્મીએ કરેલાં એક પણ સવાલનો જવાબ હેતલ પાસે હતો નહિ. તેણીએ માથું નીચું કરીને સાંભળી લીધું. ત્યારબાદ પારુલે બોલવાનું ચાલું કર્યું. 

"હેતલ, સોમનાથ દાદાનું નામ લઈને કહું છું કે તને ખુશ રાખવામાં મેં વહુ જેવો કોઈ ભેદભાવ રાખ્યો નથી. મર્યાદામાં રહીને તારી જેટલી ઈચ્છાઓ પૂરી થતી હતી એટલી મેં કરી. તને ક્યારેય પણ મેં એવું વર્તવાં દીધું છે કે તું એ ઘરની વહુ છે ?"

પારુલની વાત સાંભળીને હેતલ ઉશ્કેરાઈ ગઈ.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"