એકાંત - 109 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 109

હેતલ તેણીની ગેરવ્યાજબી જિદ્દને લીધે ઘરે આવવાં માંગતી ન હતી. રવિ અને પારુલ તેણીની જિદ્દ સામે નમતું મુકવાની દલપતદાદા અને પ્રવિણને મનાઈ કરી દીધી હતી. પૂરો દિવસ ચિંતાને કારણે કોઈને જમવાનું ભાવ્યું નહિ. રાતના સમયે બપોરનું શાક પારુલે ફ્રિઝમાંથી બહાર કાઢીને ગેસ પર ગરમ કરી લીધું. એ પછી બાજરાના રોટલા અને થોડીક રોટલી રવિ અને વત્સલ માટે બનાવી લીધી.

પારુલે જમવાનું બનાવીને દલપતદાદાની થાળી તૈયાર કરીને એમના રૂમમાં દેવા ગઈ.

"પિતાજી ! આ તમારી જમવાની થાળી તૈયાર કરી દીધી. બપોરે પણ તમે જમ્યું નથી. અત્યારે તમારે દવા લેવાની છે, તો સરખું જમી લેજો. રાત્રે, હું તમને દૂધનો ગ્લાસ આપી જઈશ."

સ્ટુલ પર થાળી મૂકીને પારુલ રૂમમાંથી બહાર નીકળવાં જઈ રહી હતી, ત્યાં દલપત દાદાએ તેણીને જતાં રોકી.

"પારુલ વહુ મારે થોડીક જરૂરી વાત કરવી છે."

પારુલ જતાં જતાં પાછી વળી, "હા બોલોને, તમારે શું વાત કરવી છે ?"

"હેતલ વહુ હજું અણસમજું છે. એમને દુનિયાદારીની પરવાહ નથી. એ કારણે એ આવી હઠ પકડીને બેઠાં છે. તમે તો સમજદાર છો. હવે એ થોડાંક પૈસા માટે માની જતાં હોય તો ઘી ઢોળાશે તો ખીચડીમાં જશે. એ પૈસા આપણાં ઘરમાં સલામત રહેશે. એ એમની પાસે રહે કે આપણી પાસે. કોઈ ફરક પડવાનો નથી. પ્રવિણને હેતલ વહુને લઈ આવવાની અનુમતિ આપી દો."

"મને માફ કરી દેજો પિતાજી." પારુલે દલપત દાદા સામે બે હાથ જોડ્યા, "આટલાં વર્ષો, મેં અને તમારાં દીકરાએ તમારો પડ્યો બોલ ઝીલતાં આવ્યાં છીએ. આગળ પણ તમારી અમે દરેક વાત માનશું, પણ આ બાબતે હું કોઈની વાત માનવાં તૈયાર નથી. એ જો જિદ્દ કરવાં પર ઊતરી આવી છે તો હું પણ એની સાસુ છું. હું મારી જિદ્દ છોડવાની નથી."

"દીકરા વહુ, હું હવે પાકીને પીળું થઈ ગયેલું ખર્યું પાન છું. મારે જીવી જીવીને કેટલું જીવવાનું છે ? મારે બે વર્ષ વધુ જીવવાનું હશે તો આ દુઃખ જોઈને હું વહેલો અનંતની વાટે જતો રહીશ. મારે મારી આંખ બંધ થાય એ પહેલાં પરિવારના દરેક સભ્યને એક સાથે જોવા છે."

દલપત દાદા અને પારુલની વાતો દરવાજાના ઉંમરે ઊભેલો પ્રવિણ સાંભળી રહ્યો હતો. એના પિતાજીના મુખેથી મરવાની વાત સાંભળીને એ અંદર આવતો હતો ત્યાં પારુલનો અવાજ એનાં કર્ણપટલ પર પડ્યો.

"મને એવું લાગે છે કે તમને મારા ફેસલા પર વિશ્વાસ નથી. એ કારણે તમે અમારાથી દૂર..." વાક્યને અધુરું મૂકીને પારુલ રડવાં લાગી. દલપતદાદા એ એમની ભીની આંખોએ પારુલને છાની રાખી. પારુલ આગળ બોલવાં લાગી, 

"હું આ ઘરમાં પરણીને આવી ત્યારે રવિની પાછળ તમારાં દીકરાનું નામ લાગ્યું. એક અનાથ છોકરા સાથે એમનો કોઈ લોહીનો સંબંધ હતો નહિ તો પણ પોતાના સંતાનથી વિશેષ તમે અને એમણે પ્રેમ આપ્યો. હેતલ વહુને પણ તમે એક દીકરીની જેમ લાડ લડાવ્યા હતા. એ પરિણામે તેણી ઉદ્ધત બની ગઈ. ક્યારેક એ ઊંચા અવાજે તમારાથી વાત કરતી તો મને એમ થતું કે એને એક ઊંધા હાથની ગાલ પર અડાડી દઉં. કોઈની દીકરી પર હાથ ઊપાડું તો મારાં પિયરની આબરું લાજે મરે; એ કારણે એની દરેક ભૂલને માફ કરતી આવી."

"પિતાજી ! તમે તમારી આ વહુ પર વિશ્વાસ રાખો. એક વહુએ તમારો વિશ્વાસ તોડ્યો, પણ હું તમારો વિશ્વાસ નહિ તોડું. તેણીને સમય આપો. એની રીતે શાન ઠેકાણે આવી જશે તો એ ઘરે પાછી આવી જશે. આપણે એને ઘરમાંથી કાઢી નથી એ એની રીતે ઘર છોડીને ગઈ છે."

પારુલના કહ્યાં પછી દલપત દાદા આગળ કશું ના બોલ્યાં. તેઓ જમવાની ભરી થાળીને બે હાથ જોડીને જમવાનુ ચાલુ કરી દીધું. બહાર ઊભેલો પ્રવિણ એની જગ્યાએ જઈને જમવા માટે  બેસી ગયો. રવિ અને વત્સલે એના રૂમમાંથી જમવા આવી પહોચ્યા હતા. પારુલ બેઠક રૂમમાંથી બહાર આવીને સૌ માટે જમવાનું પીરસી લીધું. સૌની સાથે પારુલે પણ જે ભાવ્યું એ જમી લીધું. 

રાતના સમયે પારુલ દરેક કામ કરીને પોતાના રૂમમાં આવી. પ્રવિણ ક્યારનો તેણીની રાહ જોઈ રહ્યો એમ તેણીને જોઈને બોલ્યો, 

"મારે તારી સાથે થોડીક વાત કરવી છે. તું અહી બેડ પર મારી પાસે બેસી જા."

બેડ પર બેઠાં પ્રવિણે પારુલને એની પાસે બેસવાં ઈશારો કર્યો. પારુલ પ્રવિણના કહેવાથી એની પાસે બેસી ગઈ. પ્રવિણે પારુલના બન્ને હાથને પકડી લીધા. એના ચહેરાના ભાવો બદલી ગયા.

"તમારો ચહેરો આવો કેમ દેખાય રહ્યો છે ? મેં તમને હંમેશા ખુશ અને હસતા જોયા છે. આવા દુઃખી ચહેરે મારી સામે ના જુઓ."

"પારુલ ! હું તને થોડાંક સવાલ પૂછું એનો સાચો જવાબ આપજે."

"હ." એકાક્ષરીમાં ખાલી પારુલ એટલું બોલી.

"તું મને પ્રેમ કરે છે ?"

"આ કેવો સવાલ છે એ પણ આ ઉંમરે ? હવે કાંઈ આપણે જુવાન નથી કે મારે તમને એવું કહેવું પડે. પ્રેમ વિના આપણે એક છત નીચે અને એક રૂમમાં વર્ષો કાઢવા અશક્ય છે. હવે તમને તમારો જવાબ મળી ગયો ?"

"તો એનો મતલબ એમ કે હું માની લઉં કે તું મને પ્રેમ કરે છે. તને વિશ્વાસ હશે કે હું પણ તને પ્રેમ કરું છું. એક પ્રેયસીની નજરથી નહિ પણ એક પત્ની તરીકે મેં તને દરેક અધિકાર આપેલાં છે. જેનાથી મારો તારા પ્રત્યેનો અનન્ય પ્રેમ વર્તાય આવે છે."

"ઘરમાં આટલાં ટેન્શન છે અને તમે શું આમ તત્વચિંતક કરવા બેસી ગયા છો ? મને નિંદર આવે છે. મારે સૂઈ જાઉં છે." પારુલે પ્રવિણના હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં બોલી.

"મેં તને અને રવિને પ્રેમથી સાચવેલાં છે. એ મેં તમારાં બન્ને પર કોઈ ઉપકાર કરેલો હોય એવું તું કોઈ હૃદયની જગ્યાએ મહેસુસ કરે છે. મને આજે એવું કેમ લાગ્યું છે ?"

પ્રવિણની વાત સાંભળીને પારુલ સૂવા જઈ રહી હતી ત્યાં જ મુરત બનીને ઊભી રહી ગઈ. પ્રવિણની વાતથી તેણીનાં હૃદયને એક ધ્રાસકો પડ્યો. તેણીએ તો સપને પણ એવી કલ્પના કરી ન હતી કે પ્રવિણે એનાં અને રવિ પર કોઈ ઉપકાર કર્યો હોય. તેણી પાછી ફરીને પ્રવિણ સામે જોઈને રડવાં લાગી.

"મેં તને કોઈ ખોટું કહ્યું તો મને માફ કરજે. સાંજે તારી અને પિતાજીની વાતો બધી સાંભળી. એના પરથી હું તારણ કાઢું છું. હેતલ વહુને રૂપિયા આપીને ઘરે પાછી લઈ આવી શકું છું. ક્યાંક તને એવું લાગે કે મેં તારાં પર ઉપકાર કરેલો છે. હવે તારે મારો ઉપકાર લેવો નથી. એને લીધે જ તું હેતલ વહુને રૂપિયા આપવાની ના કરે છે. જો મારી જગ્યાએ રવિ રૂપિયા આપવાં તૈયાર થઈ જાય તો તને કોઈ આપતિ નથી ?"

પ્રવિણની વાતો પારુલનાં હૃદયમાં ખટકવાં લાગી. એના એક એક શબ્દ તીરની માફક ખૂંચી રહ્યાં હતાં. પારુલ રડતાં ત્યાં જ જમીન પર ઢળી પડી. પ્રવિણ ઊભો થઇને તેણીને સહારો આપવાં લાગ્યો. પ્રવિણે પારુલને અડકી એ સાથે તેણીએ પ્રવિણનો હાથ ધકેલી લીધો.

"ખબરદાર જો મને અડક્યા છો. એક છત નીચે તમે મને આટલી જ સમજી શક્યા ? મને હજું વિશ્વાસ આવતો નથી. જે ઉપકારની વાત કરે છે એ તમે છો. આપણે તો પતિ પત્નીમાંથી સારાં મિત્રો બની ચુક્યાં હતાં. મિત્રની દરેક વેદનાને કહ્યાં વિના બીજો મિત્ર સમજી શકે છે. તમે મારી આંખોમાં આંખ પરોવીને કહો કે શું સાચે જ હું તમારાં માટે આવું વિચારતી હઈશ ?"

પારુલના કહેવાથી પ્રવિણે તેણીની આંખમાં જોયું. તેણીની આંખો નિદોર્ષ અને નિષ્પાપી લાગી રહી હતી. તેણીએ કોઈ દિવસ એવો વિચાર કરેલો ના હોવો જોઈએ કે એ પ્રવિણના પ્રેમને ઉપકાર માનતી હોય. પ્રવિણને પરાવાર પસ્તાવો થવા લાગ્યો. પારુલની આંખો પર એણે વિશ્વાસ ના કરયો અને પારુલના કહેલાં શબ્દો પર એણે વિશ્વાસ કરી લીધો. પ્રવિણ પાસે માફી માંગવાં સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

એણે એના બે હાથ પારુલ સામે જોડ્યા અને એણે કહેલા શબ્દો પાછા લેવા માટે માફી માંગી. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"