કાંટાળી ટેકરીથી સાદ - 6 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંટાળી ટેકરીથી સાદ - 6

6.

દર્શકને શું કરવું એ સમજાયું નહીં. એણે  વારાફરતી સ્થિર બેઠેલી મૂર્તિ જેવી સ્ત્રી સામે, સાવ નજીક ઊભેલા વિચિત્ર માનવ આકારો સામે અને તરત સામે સાવ એકાંત અંધારા હાઈવેના ચડાણ અને દૂર પેલી ટેકરી સામે જોયું. એનો હાથ દરવાજાના હેન્ડલ પર જઈ અટકી ગયો.

“મારે એકેય બાજુ નથી જવું. કોઈ અજાણી મુશ્કેલીમાં નથી પડવું.” એણે કહ્યું અને પોતાને ઓઢાડેલું વસ્ત્ર દૂર કરતો ઊભો થયો અને પોતાને ઓઢાડેલી સાડી  એ સ્ત્રીને ફરીથી ઓઢાડી. 

સ્ત્રીનું સૌંદર્ય તેની આંખો સામે આવ્યું. સર્વાંગ સુંદર, અત્યંત લોભામણું. ભાગ્યે જ જોવા મળે એવું.

એ સ્ત્રી તેની સામે એ જ અપાર્થિવ દૃષ્ટિથી જોઈ રહી હતી. એની દૃષ્ટિ ડર લાગે એવી હતી. જો કે એનું ફાટફાટ જોબન પણ સ્વર્ગનું હોય એવું હતું. 

“મારે પણ નહોતું જવું. પરાણે ખેંચાઈ આવી. પછી હવે આ પાર કે ઓ પાર જ રહ્યું છે આપણા બન્ને માટે.”

એણે વસ્ત્ર વીંટતાં કહ્યું.

બહાર ઘોર અવાજે વિચિત્ર મંત્રો ગાજી રહ્યા. કશુંક આતશની જ્યોતવાળી થાળીમાંથી લઈ “ફટ્ટ.. ક્લીમ.. ઠહ ઠહ..” જેવા અવાજો સાથે જમીન પર ફેંકાવાનો  અવાજ આવ્યો.

હવે મંત્રોચ્ચાર કોઈ નિર્ણાયક ક્રિયા કરતા હોય તેમ આદેશાત્મક સ્વરોમાં,  શબ્દો પર ચોક્કસ ભાર મૂકતા મોટેથી થવા લાગ્યા.

દર્શકને આંખના પલકારામાં કોઈ અંત:સ્ફુરણા થઈ. એ એક ક્ષણ પણ રોકાયો નહીં. 

એણે કારનાં ખુલ્લાં બારણા પર ઝૂકી ડેકી ખોલવાનું બટન પ્રેસ કર્યું અને તેમાંથી જેક ચડાવવાનો લોખંડી સળિયો લઈ રસ્તા પરથી નીચે ઉતરવા લાગ્યો. 

“હં.. હં.. ક્યાં જાય છે?” જાણે રોકતી હોય એમ સ્ત્રી બોલી.

“તેં જ કહેલું કે મારી પાસે હજી એક વિકલ્પ છે, લડી લેવાનો. હું એ પસંદ કરું છું.

હું આજે રાત્રે મરવાનો નથી.”

તેણીએ દર્શકની આંખમાં આંખો પરોવી. એના ભાવો કોઈ વિચિત્ર હતા. “શાબાશ. તું એક જવાંમર્દ છે ને? તો ચાલ, હું પણ તારી સાથે.” કહેતાં એણે પોતાનું મુખ સાવ થોડે દૂર ઊભેલા એ લોકો તરફ ફેરવ્યું.

“તેં આખરી મંત્ર અને વસ્તુ ફેંકાવાનો અવાજ સાંભળ્યો ને?” હવે એ સ્ત્રીનો અવાજ સત્તાવાહી બન્યો. “જે હવે તને નથી જ મળવાનું એ માટે પ્રયત્ન છોડી દે.”

એ લોકોએ  એક સાથે હ્રા.. કરતી મોટી ગર્જના  કરી. જાણે આક્રમણ કરતા હોય એવી.

સહુથી આગળના સાધુએ  થાળીમાંની વાટ સંકોરી ઊંચી કરી. એ જ્યોત ત્રણ ભાગમાં વહેંચાઈ ગઈ. એનો રંગ એકદમ તેજસ્વી સફેદ થયો. એ સાથે એ ત્રણ જ્યોત સાથે કશું ડામરના રસ્તા પર અફળાયું. એ કદાચ તુંબડા જેવું હતું. શ્રીફળ તો નહીં જ.  એ ફાટ્યું એ સાથે એમાંથી ત્રણ સાપોલિયાં સળવળતાં ઊભાં થયાં. જોતજોતામાં દર્શકના પગને ભરડો લઈ જીભ લપલપાવવા લાગ્યાં.

દર્શકે એ લોકો તરફ ઉગામવા લીધેલ જેક નો સળિયો એના પગને વીંટળાતાં એક સાપોલિયાં  પર ફટકાર્યો. કાળું અને ચીકણું લોહી એનાં જિન્સ પર રેલો કરી રહ્યું.  બીજાં સાપોલિયાં  લબકારા કરતાં એના પગને ભરડો લઈ રહ્યાં.

દર્શક પગ પછાડતો થોડો પાછળ હટ્યો. એનો શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યો.

એકાએક સ્ત્રી આગળ આવી. તેણે પોતાની પીઠ પાસેથી, નીચેનાં વસ્ત્રમાંથી ખેંચીને કાઢેલી કોઈ  વિચિત્ર અક્ષર ધરાવતી છરી હવામાં વીંઝી. એ છરી નહીં, કોઈ પટ્ટી હતી.  એ ઝૂમ.. ઝૂમ.. કરતી છરી  કે તલવાર જેવી પટ્ટી આમથી તેમ વીંઝી રહી. પટ્ટીમાંથી જ  ખૂબ તેજસ્વી પ્રકાશ રેલાયો! 

સ્ત્રી ઝડપથી પટ્ટી વીંઝતી દોડી એમાં સહુથી આગળના સાધુને પટ્ટી વાગતાં રહી ગઈ. જો એમ થયું હોત તો તેનું ડોકું ધડથી જુદું પડી ગયું હોત. 

સાધુએ ઘા ચૂકવ્યો ત્યાં એની પાછળનો લાંબાં વસ્ત્ર વાળો માણસ  આગળ ઘસતો  આવ્યો અને એકદમ નીચે સૂઈને રસ્તા પર  ઘસડાતો આવ્યો. એ સીધો જ દર્શક તરફ ધસ્યો. દર્શક પોતાના પગ પરથી સાપોલિયા ખેંચતો પાછળ હટ્યો.

ક્રમશ: