શીર્ષક : પહેલો સગો...
©લેખક : કમલેશ જોષી
સૌથી પહેલા તમે એ કહો કે “તમારું, તમારા ઘરમાં ન રહેતું હોય એવું, સૌથી નજીકનું, પહેલું સગું કોણ?”. કાકા-બાપાના ભાયું? કે મામા-માસીના ભાંડેડા? દીકરી-જમાઈ કે ભાણા-ભત્રીજા? અમારા એક અનુભવી વડીલે જવાબ આપ્યો “પહેલો સગો પડોશી”.
પડોશી? પડોશી એટલે તમારી દીવાલને અડીને જે ઘરની દીવાલ હોય એ ઘરમાં કે તમારી સામેના મકાનમાં કે તમારા ઘરની આસપાસના આઠ-દસ ઘરોમાં રહેતા ફેમિલી. અમારા ટીખળી મિત્રનું માનવું તો એમ હતું કે “પહેલો દુશ્મન પડોશી”. ઇન્ડિયામાં લગભગ કોઈ ફેમિલી એવું નહિ હોય જેને પોતાના પડોશી સાથે ચકમક ન ઝરી હોય. ક્યારેક કચરા બાબતે, તો ક્યારેક ગટરના મુદ્દે, ક્યારેક બાળકો માટે તો ક્યારેક પાર્કિંગના પ્રશ્ને પડોશી સાથે નાની-મોટી બોલાચાલીથી શરુ કરી ટૂંકા-લાંબા ગાળાના અબોલા સુધીનો એક પણ અનુભવ જો તમે ન કર્યો હોય તો યુ આર લકી.
વેઇટ વેઇટ વેઇટ. પડોશીને પહેલો દુશ્મન સાબિત કરતો ઉપલો પેરેગ્રાફ વાંચીને કોઈ નિર્ણય પર આવતા પહેલા અમારા સમજુ મિત્રે ટીખળીની વિરુદ્ધમાં કરેલી દલીલ પણ સાંભળી લો. “પહેલો સગો એટલે જે તમારી ખુશી કે ગમના પ્રસંગે સૌથી પહેલો તમારી પાસે પહોંચી શકે, પહોંચે એવો વ્યક્તિ. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી કલાકો સુધી એની સ્મશાન યાત્રા ન કાઢવામાં આવી હોય. કેમ? કેમ કે કોઈ સાવ નજીકનું અંગત સગું ચાર કલાક કે બાર કલાક પહેલા પહોંચી શકે એમ ન હોય. વધુ તપાસ કરો તો જાણવા મળે કે મૃત્યુની એ પળોના પ્રથમ સાક્ષી પડોશી હતા. હા, પડોશી. તમારી સહેજ અમથી બૂમ સાંભળીને જે સૌથી પહેલું દોડી આવ્યું હોય એ હોય તમારા પડોશી. ભલે તમારી સાથે નાનકડો ઝઘડો થયો હોય તો પણ જયારે તમારી અંતિમ લડાઈ યમરાજ સાથે ચાલતી હોય ત્યારે તમારા પક્ષે, તમારા ઘરમાં ના રહેતું હોય એવું, જો કોઈ સૌથી પહેલું દોડી આવ્યું હોય તો એ હોય પાડોશી.
ઓહ, સમજુએ તો ગંભીર દલીલ ઝીંકી દીધી. કાયમ દુશ્મન જેવા લાગતા પડોશીઓએ આપણી કેટલીયે મુસીબતો ચપટી વગાડતા સોલ્વ કરી દીધી હોય એવા અનેક પ્રસંગો અમારા સૌના દિમાગમાં રમવા લાગ્યા. મહેમાનો આવ્યા હોય ત્યારે જ ગેસનો બાટલો ખાલી થાય ત્યારે હોંશે હોંશે પોતાનો બાટલો આપીને કે દીકરીને જોવા મહેમાનો આવવાના હોય ત્યારે ખુરશીથી શરુ કરી કાચની ડીશ સુધીની ફ્રી સર્વિસ આપીને કે આપણે બહારગામ જઈએ ત્યારે આપણા ઘરનું ધ્યાન રાખીને, ચાવી સાચવીને, ટપાલ કે બિલ કે બીજું કોઈ પાર્સલ કે દૂધ વગેરે આપણા વતી લઈને કે ક્યારેક પોતાના ઘરે બનાવેલી વિશિષ્ટ વાનગી ડીશ ભરીને આપણા ઘેર ચાખવા આપી જઈને પડોશી ધર્મ નિભાવી આપણા સગાઓની રેસમાં ‘પહેલા’ નંબરે આવવા મથતા સાવ અજાણ્યા પરિવારને આપણે ‘પહેલો દુશ્મન’ કહેવાની હિંમત કેવી રીતે કરી શકીએ?
એવું સાંભળ્યું છે કે મુંબઈ જેવા શહેરોમાં ફ્લેટમાં રહેતા લોકોને બાજુના ફ્લેટમાં કોણ રહે છે એ પણ ખબર હોતી નથી અને અહીં સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવો તો અડોશી-પડોશીઓ એવા હળીભળી ગયા હોય કે મે'માન પણ થાપ ખાય જાય કે આમાં ઘરધણી કોણ છે અને પડોશી કોણ છે? ઘરમાં બેઠા હોં અને કોઈ નાનકડું ટેણિયું આવી સેવ-મમરાના ડબ્બામાંથી વાટકો ભરીને બેસે અને તમે પૂછો કે આ કોનો બાબો? તો જવાબ મળે કે આતો અમારા પડોશમાં રહે છે. કોઈ ઘરમાં અવસાન થયું હોય તે સાંજે વીસ-પચ્ચીસ માણસોના ખીચડી-રોટલા હજુયે અડોશી-પડોશીઓ ગરમાગરમ તૈયાર કરીને આપી જાય એવો રિવાજ કે વણલખ્યો પડોશી ધર્મ ઘણી જગ્યાએ આજેય પાળવામાં આવે છે. પ્રસંગમાં આવેલા બે-ચાર પરિવારોને ઉતારો જ નહિ, સવારે નહાવા માટે ગરમાગરમ પાણીથી શરુ કરી ચા-નાસ્તા સુધીની તમામ સુવિધા પૂરી પાડવામાં આજેય ફરજપરસ્તી કે ગૌરવ અનુભવતા પડોશીઓ નાના શહેરો કે ગામડાઓમાં મળી આવે છે. ના, પાડોશી સાથે આપણે લોહીનો સંબંધ નથી હોતો, એ જાનમાં નથી આવતો, એની ગેરહાજરીની નોંધ કોઈ પ્રસંગમાં લેવાતી નથી તેમ છતાં આજેય ‘પહેલા સગા’ તરીકેની પોતાની ફરજ બજાવવા મથી રહેલા પડોશીને (તમે પણ કોઇના પડોશી છો, તમને પણ) સાચા મનથી સેલ્યુટ તો કરવી જ પડે હોં.
આપણા ‘બીજા કે ત્રીજા નંબર’ ના સગાંઓ સાથે માણેલી અનુભૂતિઓ કરતા ઘણાં વધુ અનુભવો આપણે આપણા ‘પહેલા નંબરના સગાં’ એટલે કે પડોશીઓ સાથે માણ્યાં હોય છે. વરસાદ, વાવાઝોડા કે ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓથી શરુ કરી લાઈટ જવી, રોડ રસ્તા બનવા કે ગેસની પાઈપલાઈન આવવી વગેરે જેવી કેટલીય ઘટનાઓ ‘તમારા અને તમારા પડોશી’ના ભાગ્યમાં એક સાથે લખીને અને તમારા ‘અંગત સગાંઓ’ને એમાંથી ‘બાકાત’ રાખીને શું કુદરત પણ ‘પહેલો સગો પડોશી’ હોવાની આપણી માન્યતાને મહોર મારી રહી હોય એવું તમને નથી લાગતું?
મિત્રો, શિયાળો પૂરબહાર ખીલ્યો છે. કડકડતી ઠંડીને કે ‘બાય બાય ૨૦૨૪’ને કે ‘વેલકમ ૨૦૨૫’ ને ‘શુભ પ્રસંગ’ ગણીને ‘માત્ર અને માત્ર પહેલા સગાંઓ’ એટલે કે અડોશી-પડોશીઓ માટે જ ‘ઓળો-રોટલા’ કે ‘ઘુટ્ટો’ કે ‘ચાપડી-ઊંધિયું’ કે ‘મિક્સ ભજીયા’ કે ‘પાઉંભાજી’ નો ભોજન સમારંભ કરી શિયાળાને અને પડોશી ધર્મને સેલીબ્રેટ તેમજ સેલ્યુટ કરીએ તો કેવું?
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)