તલાશ 3 - ભાગ 21 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ 3 - ભાગ 21

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

 આજે ફરીથી આઠ મહિને મહિપાલ રાવની હવેલીમાં સન્નાટો વ્યાપેલ છે. જાણે શોકની ચાદર આખી હવેલી પર પથરાયેલ છે. આમ તો આજે કઈ ખાસ બન્યું નથી પણ આજે જનાર્દન રાવના પૌત્ર જનાર્દન રાવ બીજાની વરસી વાળવાની છે, કુટુંબમાં 2-3 લગ્ન માથે ઉભા છે. વરસીનું કારજ કરવા આવેલ પંડિત ના ધીમા અવાજના સૂચનો સિવાય લગભગ આખી હવેલીમાં સ્મ્શાવત શાંતિ છે. પણ બહારથી દેખાતી આ શાંતિની ભીતરમાં રહેલો કકળાટનો ધૂંધવાટ ગમે ત્યારે ફાટી નીકળે એવો માહોલ છે. શાપિત ખજાનાને હસ્તગત કરવાના વિચાર માત્રથી ઘરના પોતાના નાનાભાઈના અને કુટુંબના સૌથી નાના પૌત્રને ગુમાવી ચુકેલા મહિપાલ રાવ એ બાળકના મોત પછી અસ્વસ્થ થયા છે. જીવનમાંથી જાણે એનો રસ ઉડી ગયો છે રાજકાજમાં જવાનું પણ એમને બંધ કરી દીધું છે. એની જગ્યાએ એનો મોટો પુત્ર કે કોઈ નાના ભાઈઓ જરૂર પડે ઇન્દોર રાજ કચેરીએ જઈ આવે છે. ગમગીન માહોલમાં વરસીની વિધિ પૂરી થાય છે. મહેમાનો વિખરાય છે. નોકર ચાકર દાસ દાસી આઘાપાછા થયા છે. અને ઘરના બધા સભ્યો પોતપોતાના ઓરડે જવા માટે વડીલ ચારે ભાઈઓની આજ્ઞાની રાહમાં છે એમની પત્નીઓ પણ થાકેલા છે. બધાને આરામ કરવો છે આવનારા સારા પ્રસંગો ની તૈયારીમાં લાગવું છે એવામાં જનાર્દન રાવે મોટેથી સત્તાવાહી અવાજે એનાઉન્સ કર્યું. "કોઈએ પોતપોતાના ઓરડે જવાનું નથી ઘરના બધા સભ્યો દીવાનખંડનાં  હોલમાં ભેગા થાવ અને દાસ દાસીઓ ને કહો પોતપોતાની જગ્યાએ જાય. ખાલી ઘરના સભ્યો જ હાજર રહે. મારે કેટલીક વાત જાહેર કરવી છે. ચાલો મોટા ભાઈ આપણે ભાઈઓ પહોંચીયે ત્યાં બધા બચર - બૈરાં આવી પહોંચશે.
"પણ જનાર્દન તારે શું જાહેર કરવું છે એ તો કહે?" મહિપાલ રાવે ઉઠતા ઉઠતા કહ્યું.

"એ જ વાત જે આપણે ચારેય ભાઈઓ દિલમાં ધરબીને બેઠા છીએ.  

"મૂર્ખ ન બન જનાર્દન આ આખી વાત માં છોકરાઓને અને બાયું ને વચ્ચે ન લાવ. જેટલા ઓછા લોકો આ શાપિત ખજાના વિશે જાણે એટલું સારું છે." 

"મને હવે તાલાવેલી લાગી છે મારે એ લાખોનો ખજાનો જલ્દીથી મારા કબજામાં લેવો છે."

"એટલે તું અત્યારે આ આપણા છ્ય્યાછોકરાંવની સામે એ ખજાનાની વાત માંડવા માંગે છે?" મહિપાલ રાવનો અવાજ ફાટ્યો હતો.

"હા જીવનો ભરોસો નથી રહ્યો. ચારે તરફ અંધાધૂંધી નો માહોલ છે. કોણ ક્યારે મરી જાય એ ભરોસો નથી. મારે મારા વારસદારોને જણાવી દેવું છે કે, એ બધા લાખોપતિ છે. અને મેં તમારા મારા કે ભાઈઓના છોકરાવમાં કદી ભેદ નથી કર્યો. હું તો તમને પણ સલાહ આપીશ કે તમે તમારો ભાગ પૂરો લેજો ને છોકરાવમાં વહેંચી દેજો. શાપિત જેવું કઈ નથી હોતું. ખજાનો ખજાનો જ હોય છે.

"જનાર્દન સમજ મારી વાત આપણે ખજાનો ખોદશું એવું વિચાર્યું એના બીજા જ દિવસે આપણે એનું પરિણામ ભોગવયું.. તારો પૌત્ર જર્નાદન અમને બધાને વહાલો હતો."

"ડરપોક ભગતડા જેવી વાતો ન કરો મોટા ભાઈ, એ એક અકસ્માત હતો અને અકસ્માતો થયા જ કરતા હોય છે."

"ના તો હું ડરપોક છું ના કોઈ વહેમમાં માંનુ છું."

"તો પછી આવડી ઉંમરે આવી ઢીલી વાતો કેમ કરો છો?"

"મને જે દિવસે આપણે ખજાનો ઓળવી જવાની પ્રતિજ્ઞા લીધી તે દિવસથી જ રોજ કંઈક અમંગળના એંધાણ વર્તાય છે. 2 દિવસ પહેલા બાપુ મારા સપનામાં આવ્યા હતો અને એનો મંજુસ તપાસવા કહ્યું હતું કાલે રાત્રે જયારે બધા સુઈ ગયા પછી મેં બાપુની ઓયડીમાં જઈ અને એમનો મંજુસ ચેક કર્યો તો મને કેટલાક દસ્તાવેજો મળ્યા. સાથે એક નાનકડી ડાયરી પણ છે."

"શું છે એ દસ્તાવેજોમાં?'

"એ ખજાનાનો ઇતિહાસ. માત્ર બાપુના ભાગમાં આવેલો ખજાનો નહિ. મંદિરમાંથી લૂંટેલો બધોજ ખજાનો, બાપુ એ આપણને કહ્યું હતું એ જગ્યાએ છે. જેટલો ખજાનો કહ્યો હતો એનાથી 20 ગણો ખજાનો છે. એ ખજાનો મંદિરમાંથી લુંટાયો પછી કોના હાથમાં ગયો અને એના કેવા હાલ થયા એ બધી વિગતો." મહિપાલ રાવનું આ વાક્ય સાંભળીને જનાર્દન સહિત એના બન્ને ભાઈઓ થથરી ગયા.

\xxx 

"જીતુભા, મારે તમારું એક કામ પડ્યું છે. તમારે મારા વતી તમારે એક માણસને શોધવાનો છે." કારમાં બેઠેલા સજ્જને કહ્યું.

"પણ તમે કોણ છો? અને હું કઈ રીતે કોઈને શોધી શકું. જો એ ગુમ થયેલ હોય તો તમે પોલીસ કમ્પ્લેન કરો." જીતુભાનું આ વાક્ય પૂરું થતાં જ એ વૃદ્ધ સજ્જન ખડખડાટ હસી પડ્યા. અને કહ્યું. "જીતુભા છોકરમત બહુ થઈ. શાંતિથી મારી વાત સાંભળો. તને મેં હમણાં તો જણાવ્યું કે હું તારા વિશે બધું જ જાણું છું. તું ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ હતો. હવે હાલમાં અનોપચંદની કંપનીમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે કામ કરે છે. અને તારી બહેન કૈક મુસીબતમાં હતી. જયારે ઉદયપુરમાં તારા મામાનુ કિડનેપિંગ થયું છે. અને અનોપચંદે તને અલમોસ્ટ કાઢી જ મુક્યો છે. મારી વાત માન, એક વડીલ તરીકે કહું છું. જીવનમાં જો તારી પાસે રૂપિયા હશે, તો બધી મુસીબત ટળી જશે. હું તને માતબર રૂપિયા આપીશ. રહી વાત પોલીસની, તો તને હું જાણવું કે હું ઉદયપુરનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છું.  એટલે પોલીસ પર કેટલું દબાણ લાવી શકું છું, એ તને સમજાતું હશે. છતાં હું તને આ કેસ સોંપવા માંગુ છું. એટલેએ કેટલો અગત્યનો કેસ હશે એ સમજજે. આ ડાયરી રાખો એમાં બધી જ વિગત છે. અને.." કહીને એણે ડ્રાઇવરની સામે જોયું. ડ્રાઇવરે એક જાડું કેનવાસનું એન્વેલપ એમને આપ્યું. એ એન્વેલપ જીતુભાને આપતા એણે કહ્યું "મારુ નામ શંકર રાવ છે. આ એન્વેલપ માં પાંચ લાખ રૂપિયા છે. જો તું હું ઈચ્છું એ વ્યક્તિને શોધી કાઢીશ તો તને કુલ એક કરોડ રૂપિયા આપીશ. જો તારે એડવાન્સમાં વધુ રૂપિયા જોતા હોય કે મારો કોન્ટેક્ટ કરવો હોય તો એન્વેલપની કિનારી પર એક નંબર લખ્યો છે એનો કોન્ટેક્ટ કરજે. એ લખન સિંહ મારો માણસ છે મને મેસેજ પહોંચાડી દેશે. રૂપિયા લઈને ભાગી જવાનો વિચાર પણ ન કરતો. હું તને પાતાળ માંથી પણ શોધી લાવીશ સમજ્યો" છેલ્લું વાક્ય સજ્જને ભારપૂર્વક કહ્યું.

"જો તમે એટલી જ પહોંચ ધરાવો છો તો તમે ડાયરેક્ટ કેમ એ માણસને શોધી નથી લેતા શું કામ એક કરોડ રૂપિયા ખર્ચ કરવા છે તમારે? સહેજ હસતા જીતુભા એ કહ્યું એણે હજી એન્વેલપ હાથમાં પણ લીધું ન હતું.

"માણસ પર ભરોસો કરાય અને એને ચેતવણી પણ આપવી જોઈએ. બીજી વાત મારી કેટલીક એવી મજબૂરી છે કે હું એ કામ નથી કરી શકતો એટલે જ આટલા રૂપિયા ખર્ચવા પડે છે."

"પણ મારે આ કામ હાથમાં નથી લેવું અને અત્યારે હું અનોપચંદ ને ત્યાં કામ કરું છું એક જગ્યાએ નોકરી કરતા કરતા હું કેવી રીતે આ કામ હાથમાં લઇ શકું ખબર નહિ આ માણસને ગોતવા ક્યાં ક્યાં જવું પડે. અત્યારે તો મને મારા મામાની ચિંતા છે."
"તારો મામો સલામત છે. મારા માણસોએ ખબર આપ્યા છે કે એનું કિડનેપ કરનારા એના કોઈ ઓળખીતા હતા. વળી એના કિડનેપનું જેમણે કહ્યું હતું એણે 24 કલાકમાં છોડી દેવાનું પણ જણાવ્યું હતું. આ બધી મોટી રાજરમત છે. તારે આ બધામાં ઊંડાણમાં જવાની જરૂરત નથી તારા નસીબમાં જે રોલ આવ્યો છે એ બરાબર ભજવ."  

xxx 

"મંગલસિંહ, તને શું લાગે છે?' લીલા નાળિયેર લેવા નીકળેલ શેરા પોતાના મોબાઈલ થી ટકલુને પૂછી રહ્યો હતો.

"કાંઈ નક્કી કહેવાય નહિ, જીતુભા આમ તો મજબૂત માણસ છે પણ.."

"એની સાથે ડીલ કોણ ફાઇનલ કરવાનું છે.?"

"અત્યારે શંકર રાવ છે. અને તું જાણે છે કે એ કેટલો હલકટ માણસ છે.  એ પોતાનું કામ કઢાવવા જીતુભાનાં ઘરનાને પણ નહિ છોડે."  હલ્દીઘાટી થી ઉદયપુર સાઈડ જતા રસ્તા પર એક હાથે બાઈક ચલાવતા ટકલુ આ બધી ઇન્ફોર્મેશન દુબઈમાં લીલા નાળિયેર શોધવા નીકળેલ શેરાને આપી રહ્યો હતો. 

"હું રાત્રે તારો સંપર્ક કરીશ" કહેતા શેર એ ફોન કટ કર્યો કેમકે કે બહાર ટહેલવા નીકળેલા રાજીવે એને બુમ પાડીને બોલાવ્યો હતો. 

xxx 

સાંજે 6 વાગ્યા પહેલા તારા માટેની જરૂરી સામગ્રી તારી કારની ડેકીમાં ગોઠવાઈ જશે. પણ તું એ કામ પૂરું કરી શકીશને?"

"બોસ, મારા કામ માં કદી કોઈ ફરિયાદ આવી છે?"

"ના પણ આ નવી ટેકનોલોજી." બોસે વાક્ય અધૂરું મૂક્યું.

"તમે નચિંત થઈને શૂઈ જાવ બોસ. રાત્રે 11 વાળા વાર્તાલાપમાં હું તમને ખુશખબર આપી દઈશ. પણ .."

"પણ શું? બોલ “

"મારુ ઇનામ?"

"મેં તને વચન આપ્યું છે. વિક્રમ એન્ટરપ્રાઇઝ ના 3 % શેરનું."

"એ તો તમે હું માંગીશ એથી વધુ જ તમે આપશો એની મને ખાતરી છે. પણ મારે બીજું કંઈક જોઈએ છે."

"બોલ શું જોઈએ છે તને, દુનિયાની કોઈ પણ વસ્તુ હું હાજર કરી દઈશ." 

"મારે તમને મળવું છે. ઇવન હું તમારું નામ પણ નથી જાણતી. જેના માટે હું મારી આબરૂ પ્રતિષ્ઠ અને નોકરી કે જીવ પણ દાવ પર લગાવી દેતી હોઉં એની જાણવાનો તો હક છેને કે એ પોતાનો જીવ કોના માટે દેવા તૈયાર થાય છે."

"તારો જીવ બહુ કિંમતી છે કામિની, અને રહી વાત મળવાની તો હાલમાં એ શક્ય નથી. હા જો મારુ કામ સમુસુતરું પાર ઉતરશે તો ચારેક મહિના પછી હું સામેથી તને મળવા બોલાવીશ. ત્યાં સુધી એ બધું ભૂલીને કામ માં ધ્યાન દે." 

xxx

 "હું રાત્રે તારો સંપર્ક કરીશ" કહેતા શેર એ ફોન કટ કર્યો પણ જો એને માત્ર 30 સેકન્ડ વધુ ફોન ચાલુ રાખ્યો હોત તો એને ટકેલુંની મરણ ચીસ સંભળાઈ હોત, કેમકે એક હાથે બાઈક ચલાવી અને બીજા હાથે ફોન એણે કાન પર રાખ્યો હતો અને ફોનમાં શેરના અવાજને સાંભળવામાં એનું ધ્યાન રસ્તા પરથી હટ્યું હતું એ એક ચોકમાં પહોંચ્યો હતો જમણી બાજુ લગભગ 30ફૂટ દૂર ઊભેલી એક ટ્રક અચાનક ચાલુ થઈ હતી અને ટકલું ના બાઇકને ઘસડતી ડાબી બાજુ ખેંચી ગઈ હતી. 50 ફૂટ ઘસડીને ડ્રાઈવરે ટ્રક ઉભો રાખ્યો હતો. આખા ચોકમાં ટકલુની એક મરણ ચીસ 20-25 સેકન્ડ માટે ગુંજી ઉઠી, અને પછી સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. એ જ વખતે ટકલુ નો પીછો કરતો ગિરધારી ત્યાં પહોંચ્યો હતો. 

 

ક્રમશ:   

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.