ધૂમકેતુ
૧
પાટણપતિ
આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો ભલે, બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો.
સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ઘારણ વળી ગયું હતું.
જાદુઈ સ્વપ્નછાયામાં આવી ગઈ હોય તેમ નગરી આખી ઘોર નિંદ્રામાં ઢળી પડી હતી!
કોઈ મહાભયાનક વાવંટોળ ઊપડતાં પહેલાં, જેમ આકાશ, ક્ષિતિજ, પૃથ્વી, પવન, પાણી, ધૂળ ને હવા, સઘળાં થીજીને ગોરંભાઈ જાય તેમ સજીવ-નિર્જીવ તમામ સૃષ્ટિ અત્યારે જાણે કે થીજીને ઠરી ગઈ હતી!
એક પાંદડું ક્યાંય ચાલતું ન હતું. એક તમરું ક્યાંય બોલતું ન હતું. એક નાનકડો અવાજ ક્યાંયથી આવતો ન હતો. એક કોડિયું ક્યાંય સળગતું ન હતું. અંધકાર સર્વત્ર જામી પડ્યો હતો. અંધકારનું એકચક્રી શાસન બધે ચાલતું હતું.
એ વખતે કેવળ એક જ માણસ આખી નગરીમાં જાગતો હતો, પણ તે જાગ્રત અવસ્થામાં જાગતો ન હતો. ગાઢ નિંદ્રામાં, એને એક સ્વપ્ન આવી રહ્યું હતું, અને એ સ્વપ્નમાં એ જાગતો હતો! સ્વપ્નમાં પોતે સક્રિય થઈને ભાગ પણ લઇ રહ્યો હતો. અને એ રીતે જાગતો હતો!
એ હતો ગુર્જર રાજલક્ષ્મીનો સ્વામી, ચાલુક્યવંશાવતંસ, એકરંગી વીર, પાટણપતિ રાજા રાય કરણ વાઘેલો પોતે.
પાટણની ગાદી ઉપર આવ્યાને એને ભાગ્યે જ દોઢ બે વર્ષ થયા હશે.
પણ એ એક-બે વર્ષના ગાળામાં એણે દિવસે તારા દીઠા હતા.
એટલા અવનવા પ્રશ્નો દિવસ ઊગ્યે એની સામે ખડાં થતાં હતા કે એણે શાંતિ શું કહેવાય તે આટલાં દિવસોમાં જાણ્યું ન હતું.
સીમાડાના પ્રશ્નો, નગરના પ્રશ્નો, ઘરઆંગણાના પ્રશ્નો, સેનાની પુનર્રચનાના પ્રશ્નો, દિલ્હીની હવાના પ્રશ્નો, પ્રશ્નો જ પ્રશ્નો.
આજે કાંઈક શાંતિ અનુભવતો, થોડી વાર એ નિંદ્રાને ખોળે જઈ પડ્યો હતો. પણ એણે માટે શાંતિ ક્યાં લખાયેલી હતી? રાત વધતાં એની માણસ સૃષ્ટિમાં અપ્તરંગી હવા ઊભી થઇ ગઈ. નિંદ્રામાં પડેલા રાજાના મનમાં એક સ્વપ્નું ચાલી રહ્યું હતું. અને સ્વપ્નામાં એ પોતે જાગી ગયો હતો. એટલે કહી શકાય કે નગરી આખી જ્યારે નિંદ્રામાં હતી, ત્યારે રાજા એકલો, સ્વપ્નામાં જાગી ગયો હતો અને કાંઈક વિચિત્ર ગણાય એવો અનુભવ કરી રહ્યો હતો! ગાઢ નિંદ્રામાં પડેલો રાજા, પોતાના આ સ્વપ્નામાં પણ, ગાઢ નિંદ્રામાં જ હતો. સ્વપ્નામાં રાજા ગાઢ નિંદ્રામાં હતો.
અને રાજાનું સ્વપ્ન પછી આગળ ચાલ્યું:
‘બધે નિ:શબ્દતા હતી. ક્યાંયથી એક નાનકડો અવાજ પણ આવતો ન હતો. એ વખતે કોણ જાણે ક્યાંથી રાજાના કાન ઉપર કોઈના રુદનનો દૂર દૂરથી આવતો અવાજ સંભળાયો. અને રાજા, પોતાને આવી રહેલા સ્વપ્નામાં, એ અવાજ સાંભળીને પોતે જાગી ગયો.’
‘રાજા જાગીને જુએ છે. તો કોઈ જાગતું જણાતું ન હતું. નિત્યના જાગનારા દ્વારપાળો પણ હાથ ઉપર માથું ટેકવીને નિંદ્રાધીન જેવા પડ્યા હતા. દીપક ઓલવાઈ ગયા હતા. રાજભવનમાં કોઈ ઠેકાણે ક્યાંયથી અવાજ આવતો ન હતો. સઘળે નિર્જીવતા સૂની પડી હતી!’
રાજા પોતાના સ્વપ્નામાં પથારીમાંથી બેઠો થયો. હજી પેલું રુદન એના કાન ઉપર આવી રહ્યું હતું. તેણે બેઠા થઈને કાન માંડ્યા. કઈ દિશામાંથી રુદન આવે છે એ જાણવા માટે ઘડીભર તે ત્યાં ઊભો રહ્યો.
‘દક્ષિણ દિશામાંથી કોઈનું હ્રદયફાટ રુદન, ગાઢ અંધકાર વીંધીને, રાજાના કાન ઉપર આવી રહ્યું હતું. રુદન કરનારાં એક કરતાં વધુ જણાતાં હતાં. સ્વર ઉપરથી રુદન કરનાર સ્ત્રીઓ હોય તેમ લાગતું હતું.’
‘રાજાએ તરત બખ્તર સજ્યું. શિરસ્ત્રાણ લગાવ્યું. શસ્ત્રો સજ્યાં. વારસામાં માંહેલી મહારાજ સિદ્ધરાજની ‘અજિતા’ સમશેર લીધી. અંધાર પછેડો ઓઢ્યો ને કોઈને ખબર ન પડે તેમ રાજા પોતે એકલો, સ્વપ્નમાં ને સ્વપ્નમાં, આ રુદનસ્વરની શોધમાં જવા માટે રાજમહેલની બહાર નીકળી ગયો.’
‘જે દિશામાંથી રુદન આવી રહેલું જણાતું હતું, તે દિશા તરફ રાજા એકલો અંધકારમાં આગળ વધ્યો.’
‘સ્વપ્નમાં ને સ્વપ્નમાં, તે પાટણ નગરીના કોટ કિલ્લાને ક્યાંય પાછળ મૂકીને, આગળ ચાલતો રહ્યો.’
‘એમ આગળ ચાલતો ચાલતો, જ્યાંથી રુદન આવી રહ્યું હતું, ત્યાં જઈને રાજા ઊભો રહ્યો.’
પણ ત્યાં એણે જે જોયું, તે જોઇને એ દિગ્મૂઢ બની ગયો!
‘ત્યાં કોઈ માણસનું શબ પડ્યું હતું. એની ચારે તરફ વીંટળાઈને બેઠેલું નારીવૃંદ હ્રદયફાટ રુદન કરી રહ્યું હતું!’
‘આ દ્રશ્ય જોતાં જ, રાજાના મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા: ‘આંહીં આ કોણ રડતાં હશે? કોઈ મરણ પામ્યું હશે કે શું? કોણ મરણ પામ્યું હશે? આ રોનારાં એનાં કોણ હશે?’
‘પોતાની જાત કળાઈ ન જાય તેમ રાજા ધીમે પગલે આગળ વધ્યો.’
‘વિખ્યાત અજિતા તલવાર ઉપર હાથ ટેકવીને તે પળ બે પળ ત્યાં સ્થિર ઊભો રહ્યો. પછી તેણે શાંત સ્થિર અવાજે પૂછ્યું: ‘તમે કોણ છો બહેનો? અત્યારે આંહીં કેમ રડો છો? આ કોણ પુરુષ આંહીં સૂતો પડ્યો છે?’
રાજાનો અવાજ સાંભળતાં જ રુદન કરતું નારીવૃંદ એકદમ શાંત થઇ ગયું. કોઈ અજાણ્યા માણસને આવેલો જોઇને તે બધી સ્ત્રીઓ ઊભી થઇ ગઈ. પેલા ત્યાં પડેલાં માણસને ફરતું કૂંડાળું કરીને, તે સૌ ઊભી રહી ગઈ. તેમનામાંથી એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી, જે મોવડી જેવી જણાતી હતી, તેણે બધાંની વતી રાજાને જવાબ આપ્યો: ‘ભાઈ! અમે અમારા નસીબને રડીએ છીએ. અમારું સૌભાગ્ય લૂંટાઈ ગયું છે, તેને રડીએ છીએ. અમારું હવે કોઈ રહ્યું નથી, અમે એટલા માટે રડીએ છીએ! તમે જાણી લીધું હોય તો હવે જાઓ. અમે રડવા દો!’
રાજાએ ઉતાવળે કહ્યું: ‘પણ થયું છે શું? તમને કોણે આ અન્યાય કર્યો છે? હું પાટણમાં બેઠો છું. ને આંહીં આ શું થઇ રહ્યું છે? કોણે આ કર્યું છે? આ પુરુષ કોણ છે?’
‘એટલું બોલીને એ પુરુષને જોવા માટે રાજા બે-ચાર ડગલાં આગળ વધ્યો. મૃતપાય અવસ્થામાં કોઈકનો પ્રચંડ દેહ ત્યાં લાંબો થઈને પડ્યો હતો. પણ તેના મોં ઉપર રાજાની જરાક દ્રષ્ટિ ગઈ અને તે છળી ગયો હોય તેમ સ્તબ્ધ જ બની ગયો! એને થઇ ગયું: ‘અરે! આ હું શું જોઉં છું? જોઉં છું તે સાચું કે ખોટું? આ તે સ્વપ્ન છે? માયા છે? કે મને મતિભ્રમ થયો છે?’
‘ત્યાં મૃતપ્રાય અવસ્થામાં લાંબો થઈને પડેલો દેહ – જે રાજાએ જોયો તે બીજા કોઈનો નહિ, રાજાનો પોતાનો જ હતો!’
‘સ્વપ્નામાં રાજા પોતાના મૃતદેહને પોતે જ નિહાળી રહ્યો હતો! રાજા રાય કરણ નવી નવાઈનો અનુભવ કરી રહ્યો હતો. પોતે પોતાના મૃતદેહને જોઈ રહ્યો હતો! એ જોઇને એક ઘડીભર એ દિગ્મૂઢ બની ગયો!’
‘અને એનો એ મૃતદેહ પણ કેવો હતો? સામાન્ય મૃતદેહ જેવો નહિ.’
‘જંગલે જંગલ વીંધીને જાણે રખડતો, ભમતો, રઝળતો, રસળતો, કોઈ આંહીં આવ્યો હોય, હજારો સંકટ, તાપ, વેદના, યાતના સહી સહીને ચીંથરેહાલ બની ગયેલો, રાન રાન ને પાન પણ થઇ ગયેલો, અત્યંત દુઃખી એવો એ માણસ, લાંબો થઈને મૃતપ્રાય અવસ્થામાં આંહીં ઢળી પડ્યો હતો! એવો એ મૃતદેહ હતો! એના મરણ પછી પણ એનું દુઃખ જાણે મરણ પામ્યું ન હોય તેમ એના વિશીર્ણ સુક્કા, શૂન્ય, લુખ્ખા, પાતળા, કૃશ, લોહી ઊડી ગયેલા ચહેરા પર હજી પણ દુઃખ, દુઃખ ને દુઃખ ખરડાઈ ગયું હતું!’
‘રાજાએ એક ક્ષણ, એ ચહેરાને જરાક વધુ જોઈ લેવા માટે ફરીને એક દ્રષ્ટિ કરી, અને એના અંગેઅંગમાંથી કંપારી છૂટી ગઈ. એવી કરુણ ઘેરી વેદના એ ચહેરા ઉપર દેખાતી હતી.’
‘રાજાએ સ્વપ્નામાં ને સ્વપ્નામાં ત્યાં ઊભેલ નારીવૃંદને ધ્રૂજતા અવાજે પૂછ્યું: ‘આ કોણ છે? મૃત્યુ પામેલો આ માણસ કોણ છે? ક્યાંનો છે?’
‘નારીવૃંદમાંથી એક શોકઘેરો અવાજ આવ્યો: ‘એ તો છે પાટણપતિ રાજા રાય કરણ પોતે! એનું મૃત્યુ થયું છે!’
‘રાજાનું જે સ્વપ્ન નિંદ્રામાં ચાલી રહ્યું હતું તેમાં, આ શબ્દો સાંભળતાં જ રાજાએ ઝડપથી પોતાની અજિતા તલવાર કાઢીને બોલનારા ઉપર એક જનોઈવઢ ઘા કર્યો. પણ આકાશમાં જેમ વીજળીનો ઝબકારો થઇ જાય, મેઘમંડળમાં જેમ ભયંકર પ્રકાશ પથરાઈ જાય, તેમ રાજાની તલવાર પડી ન પડી, ને ત્યાં તરત ઝબકારો થઇ ગયો!
‘પેલી સ્વરૂપવાન મોવડી સ્ત્રી કે નારીવૃંદ, પેલો મૃતદેહ કે એમનું રુદન કે બીજું કાંઈ કહેતા કંઈ ચિહ્ન ત્યાં ન હતું. રાજા એકલો ત્યાં ઊભો હતો. રાજાએ આકાશમાં અદ્રશ્ય થઇ જતી સ્ત્રીઓને ઉદ્દેશીને સ્વપ્નમાં મોટેથી એક જબરજસ્ત પડકાર ફેંક્યો: ‘ઊભાં રહો! ઊભાં રહો, તમે જે હો તે ઊભાં રહો, તમે કોણ છો એ મને કહેતાં જાઓ. મારે જાણવું છે કે આ કોણ બોલી રહ્યું છે.’
‘પણ રાજાને કોઈ પ્રત્યુત્તર આપ્યો હોય એમ લાગ્યું નહિ.’
‘રાજા સ્વપ્નમાં બોલી રહ્યો હતો.’:
‘મને વાત કહેતાં જાઓ, ઊભાં રહો. મને મરણનો ભય નથી, દુઃખનો ડર નથી, યાતનાનો શોક નથી. પણ તમે ભલાં થઈને કહો તો ખરાં. બોલો ખરાં, કે જે મરણ પામ્યો, ને અણનમ રહીને નામ મૂકીને ગયો, કે પરપોટાની જેમ ફૂટી ગયો? બસ આટલું કહેતાં જાઓ, એટલે એમાં બધું અવી ગયું!’
‘આકાશમાંથી જાણે અવાજના પડઘા ઊઠતા લાગ્યા: ‘એ જનારો તો વજ્જર પુરુષ હતો. હે રાજા! એ અણનમ હતો. અડગ હતો. અટંકી હતો. ટેકીલો નર હતો. ગુર્જરવીર હતો. એ રાય કરણ ‘ઘેલો હતો. અમે એની ભાગ્યરેખાદેવીઓ અને ગુર્જરલક્ષ્મી એના મરણ માટે નહિ, એના વજ્જર માટે શોકમાં પડ્યાં હતાં! એવો લોહપુરુષ હવે આવી રહ્યો. એ છેલ્લો હતો. અમને શોક એ વાતનો હતો. એને સત્કારવા માટે માટે તો દિક્પાળો ફૂલમાળા ધારી રહ્યા હતા, એ મર્યો – પણ અણનમ, અડગ, ખડક સમ ઊભો રહીને, એ છેલ્લો હતો!’
‘રાજાને આ પડઘા સ્વપ્નમાં સાંભળ્યા અને વધારે મોટે અવાજે એ બોલી ઊઠ્યો, ‘ગુર્જરલક્ષ્મી! ત્યારે તો હવે પૂરું કહેતા જાઓ, ઊભાં રહો, મા! ઊભાં રહો, હું રાય કરણ!...’
પણ સ્વપ્નમાં મોટેથી બોલાયેલા એ શબ્દોના અવાજથી, રાજા પોતે તે જ વખતે, પોતાની નિંદ્રામાંથી સફાળો જાગી ગયો! તેનું સ્વપ્નું ઊડી ગયું. તેની નિંદ્રા ઉડી ગઈ! એ એકદમ બેઠો થઇ ગયો. પણ એટલામાં અવાજ સાંભળતાં જ, ચારે તરફથી દ્વારપાલો દોડતા આવી રહ્યા હતા!
‘મહારાજ ગુર્જરપતિનો વિજય હો!’ એમ કહેતો મુખ્ય દ્વારપાલ જ ત્યાં આવી ગયો હતો.
ચારે તરફની દીપીકાઓમાંથી પ્રકાશ રેલાઈ રહ્યો હતો.
‘મહારાજ! કોને બોલાવો છો?’
હાથ જોડીને નમન કરતો મુખ્ય દ્વારપાલ સોઢલજી ત્યાં સામે જ ઊભો હતો.