સંઘર્ષ - પ્રકરણ 18 Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

  • નવજીવન

    નવજીવન                            (લઘુકથા)ગૌતમનાં હાથ કામ કર...

  • મનુષ્ય ગૌરવ

    મનુષ્ય ગૌરવએક નાના ગામમાં હરિરામ નામનો એક સમજદાર બાવો રહેતો...

શ્રેણી
શેયર કરો

સંઘર્ષ - પ્રકરણ 18

સિંહાસન સિરીઝ

સિદ્ધાર્થ છાયા

Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. 

 

સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય

સંઘર્ષ

પ્રકરણ – ૧૮ –  ગંડુરાવને મળ્યા બે પરચા

 

ગંડુરાવ અને નાયક ઝડપી પગલે ગામના મુખ્ય ચોકમાં આવ્યા જ્યાં સેનાપતિના હુકમ અનુસાર બધા ગામવાળાઓને અગાઉથી જ હાજર કરી દેવામાં આવ્યા હતા. ગંડુરાવ વડના મોટા ઝાડની આસપાસ બનાવેલા ઓટલા ઉપર ચડ્યો તેની પાછળ નાયક પણ આવીને ઉભો રહી ગયો. ઓટલા પર ચડતાની સાથે જ ગંડુરાવે એક નજર સમગ્ર દર્શકદીર્ઘા ઉપર ફેરવી લીધી, એને અહીંની એક એક આંખમાં વિદ્રોહની ઝાંખી દેખાઈ રહી હતી. 

પરંતુ, પોતાના રાજાની જેમ જ સેનાપતિને પણ તેના રાજ્યની સેનાની શક્તિ ઉપર એટલો બધો ગર્વ હતો કે તેને પલ્લડી ગામના વતનીઓ પોતાની સમક્ષ અત્યારે મગતરાં જેવા દેખાઈ રહ્યા હતા. તેણે વિચાર્યું કે જો આ લોકો રાજકરણને બળવામાં સાથ આપશે તો એનું પચીસ-વીસ જણાનું સૈન્ય જ મસળી નાખશે. પરંતુ એ પહેલા તેને લાગ્યું કે એક માનસિક રમત રમવી જરૂરી છે, એટલે એણે બોલવાનું શરુ કર્યું:

‘તમારા ગામમાં રાજ વિરુદ્ધ, દેશ વિરુદ્ધ કાવતરું રચાઈ ગયું અને તમારામાંથી એક પણ વ્યક્તિએ આ બાબતે નાયકજીને જાણ ન કરી એ જણાવે છે કે તમે બધા દેશ વિરુદ્ધના આ કાવતરામાં સામેલ છો. દેશ વિરુદ્ધના કોઇ પણ કાવતરામાં સામેલ થવું એ દેશદ્રોહ છે અને દેશદ્રોહની સજા મૃત્યુદંડ સિવાય બીજી કોઈ ન હોઇ શકે. નાયકજીને સત્ય ન જણાવવા બદલ તમને બધાને મૃત્યુદંડ થઇ શકે છે, તેનો તમને બધાને ખ્યાલ તો હશે જ.’ 

મૃત્યુદંડનું નામ સાંભળીને ગામવાસીઓના ચહેરા ઉપર સહેજ ઉચાટ ફેલાઈ ગયેલો ગંડુરાવે દેખ્યો. એને લાગ્યું કે એ રાજકરણને પકડવા માટે યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. તેણે આગળ બોલવાનું શરુ કર્યું.

‘પરંતુ, હજી પણ તમારી પાસે એક તક છે. અમને હજી આજે સવારે જ આ કાવતરા વિષે ખબર પડી છે. દેશ વિરુદ્ધ કાવતરું ચલાવનારની ધરપકડ કરવાનું નક્કી કરતા અને બીજું બધું ભેગું કરતા અને અહીં આવતા અમને સાંજ પડી ગઈ છે. પરંતુ આ દસ-બાર કલાકમાં એ રાજકરણને ભાગી જવાની તક મળી ગઈ છે. આનો એક જ મતલબ છે કે હજી પણ આ ગામમાં રાજકરણને મદદ કરનારાઓ છે અને એ લોકોએ જ તેને ભાગી જવામાં મદદ કરી છે.’

ગંડુરાવે શ્વાસ લીધો, પરંતુ એ હજી શ્વાસ લઇ રહ્યો હતો ત્યારે જ ગામવાસીઓનાં ટોળાંમાંથી એક અવાજ આવ્યો.

‘પ્રભુ, આપે નિર્ણય લીધો દૂર છેક આશાવનમાં અને રાજ ભાગ્યો અહીંથી, તો એવું ન બને કે કોઈ ફૂટલ તમારે ત્યાં જ છે? અમને અહીં બેઠાં રાજમહેલના સમાચાર ક્યાંથી મળે?’ 

આ અવાજમાં રહેલી સત્યતાએ ગંડુરાવને છક્કડ ખવડાવી દીધી.

‘કોણ બોલ્યું એ? સામે આવે!’ ગંડુરાવે આઘાતમાં જ આદેશ કરી દીધો.

આખું ટોળું ચીરીને એક વ્યક્તિ સામે આવ્યો, એ પેલો ભિક્ષુક હતો જેને સંતોષે રાજની મહામૂલી સોનામહોર ભિક્ષામાં આપી હતી. ગંડુરાવની સામે આવીને એણે પોતાના હાથ જોડીને નમન કર્યા.

ગંડુરાવને એમ હતું કે પોતાને આઘાત પહોંચાડનાર કોઈ પામતો પહોંચતો વ્યક્તિ હશે, પરંતુ આના ભિક્ષુકના દેદાર જોઇને એને નિરાશા થઇ. 

‘પહેરવા કપડાં નથી, ખાવાને અન્ન નથી, રહેવાને આવાસ નથી અને રાજકાજની વાતમાં માથું મારે છે? મૂરખ... જતો રહે અહીંથી!’ ગંડુરાવે તુચ્છકારથી પેલા ભિક્ષુકને જતા રહેવા જણાવ્યું. 

ભિક્ષુક મૂછમાં હસ્યો. એના હાસ્યમાં કટાક્ષ હતો જે ગંડુરાવ તેના ગુસ્સાને લીધે કળી શક્યો નહીં. ભિક્ષુકે પોતાના હાથ જોડી, નમન કરી અને ત્યાંથી ચાલી જવાનું શરુ કર્યું.

‘તો, તમારી પાસે હવે એક જ રસ્તો છે. બે દી’માં રાજને નાયક સમક્ષ અહીં કે મારી સમક્ષ આશાવનમાં મારી કચેરીએ હાજર કરો. નહીં તો આ ગામનું અસ્તિત્વ નહીં રહે. હું આ વાત પૂરેપૂરી ગંભીરતાથી કરી રહ્યો છું એટલે આને રમૂજ ગણવી નહીં.’ 

આટલું કહીને ગંડુરાવે ફરીથી ગામવાસીઓ તરફ ડાબેથી જમણે નજર ફેરવી લીધી. એને હજી પણ એમનામાં ધાર્યો એવો ભય ઉભો થયો હોય એવું લાગ્યું નહીં. એને જબરો ગુસ્સો ચડ્યો. એ પગ પછાડતો ઓટલા પરથી નીચે ઉતરી ગયો. 

ઓટલા પરથી ઉતરીને ગંડુરાવે નાયકને તેના નિવાસે ચાલવાનો સંકેત કર્યો. બંને જણા ઝડપથી ચાલીને નાયકના નિવાસે પહોંચી ગયા. બંને એક-એક આસન ઉપર બેઠા.

‘પ્રભુ, વાંધો ન હોય તો એક વાત કરવી છે.’ નાયકે ગંડુરાવ સામે જોઇને કહ્યું.

‘આમ તો તમે બોલવા જેવું કશું રાખ્યું નથી, પણ બોલી નાખો હવે.’ ગંડુરાવે એના જાણીતા તુચ્છકારથી નાયક સામે જોયું.

‘પ્રભુ, આપણો પ્રથમ વિકલ્પ રાજકરણને પકડવાનો હોવો જોઈએ નહીં કે ગામવાસીઓને ધમકી આપવાનો. આનાથી તો વાત આપણા હાથમાંથી વધુ નીકળી જશે. રાજકરણનું તો જે થવું હોય તે થાય પણ અમે પણ ઘરબાર વિહોણા થઇ જશું એમ વિચારીને ક્યાંક ગામવાસીઓ રાજકરણને મદદ નહીં કરતા હોય તો પણ કરવા દોડશે.’

‘નાયકજી, તમે એમની આંખો જોઈ? મેં જોઈ છે. દગો સ્પષ્ટ દેખાતો હતો એમાં.’

‘પ્રભુ, એ આંખમાં રહેલો દગો ધાકધમકીથી ક્યાંક મન સુધી ન પહોંચી જાય અને એમનું મન ન માનતું હોય તોય રાજ વિરુદ્ધ કોઈ નિર્ણય લઇ લે, એવું ન બને?’

‘આ પોચકાઓથી કાંઈ થવાનું નથી. પહેલેથી તમે એમને ડરાવી રાખ્યા હોત તો આ રાજકરણ નામનો વિદ્રોહી જન્મ લેતો જ નહીં, અને જો જન્મ લેત તો આ ડરેલા લોકો કાં તો એને બેસાડી દેત, કાં તો એને ગામવટો આપત કે કાં તો તમારે હવાલે કરી દેત.’

‘પ્રભુ, પોચકાઓ વિદ્રોહ કરી શકતા નથી અને વિદ્રોહ કરી શકનારાઓ પોચકા નથી હોતા.’ 

પોતાની બેવડી વાતોને નાયકે ઉઘાડી પાડતા ગંડુરાવ વધુ ગુસ્સે થયો. પરંતુ અત્યારે નાયકને કશું કહેવાનો કોઈ અર્થ નથી તેમ માનીને તેણે કહ્યું.

‘ઠીક છે, તો હવે તમે જ અહીંની સ્થિતિ સંભાળો. મેં મારો નિર્ણય ફેરવી દીધો છે એમ આ પલ્લડીવાસીઓને કહી દો, પણ તમે હવે કોઈ રીતે એમની પાસેથી વાત કઢાવો. બે દિવસમાં મને પરિણામ મળવું જોઈએ, નહીં તો ગામવાસીઓ તો ઘરબાર વિહોણા નહીં થાય, તમે જરૂર થઇ જશો નાયકજી!’

આટલું કહીને ગંડુરાવ પગ પછાડીને પોતાના આસન પરથી ઊભો થઇ ગયો અને બહાર નીકળી ગયો. રથ ઉપર ચડીને તેણે સારથિને આશાવન પોતાના મહેલ લઇ લેવાનો આદેશ કર્યો. 

ગંડુરાવનો રથ ધૂળ ઉડાડતો દૂર જવા લાગ્યો જેને નાયક જોઈ રહ્યો. 

***

રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવરાય સહીત તેમની મુખ્ય ટુકડી સંતોષનો સંદેશ મળ્યાની તુરંત બાદ પોતપોતાના ઘોડા પલાણીને આશાવનની દૂર મરુભૂમિ તરફ નીકળી ગયા હતા. 

કૃષ્ણદેવ રાયના રાજ સમયે અહીં અજીત સિંધણનું રાજ હતું અને હવે તેનો પૌત્ર દોલત સિંધણ મરુભૂમિનો રાજા હતો. બધાજ વિસ્તારવાદી રાજાઓ મરુભૂમિ એટલેકે સિંધણ સામ્રાજ્યથી દૂર રહેતા, કારણકે જો મરુભૂમિને જીતવી હોય તો એના પાટનગર ભુજડા ઉપર કબજો લેવો પડે પરંતુ ભુજડા ઉપર કબજો લેવા જતાં પહેલા સમુદ્રની વિશાળ ખાડી અને ગરમ ભઠ્ઠી જેવો રણપ્રદેશ પસાર કરવો પડે, જે એ સમયમાં અશક્ય હતું. 

હજારો ઊંટડીઓ પર સવાર થઈને આ બંને વિઘ્નો પસાર કરીને ભુજડા પહોંચવું હોય તો પણ મહિનો દિવસ સહેજે લાગી જાય અને ગરમીમાં અતિશય તાપ અને શિયાળામાં અતિશય ઠંડીને લીધે મોટાભાગનું સૈન્ય રણમાં જ સમાપ્ત થઇ જાય. આથી કુદરતે આપેલી આ દીવાલને લાંઘીને કોઈ પણ રાજા મરુભૂમિ રાજ્યની દક્ષિણે, પૂર્વે અને ઉત્તરેથી તો હુમલો કરવાનું વિચારી જ શકતા નહીં. હા તેની પશ્ચિમે આવેલી પરસની ખાડી અને પરસ રાજ્ય જ્યારે પણ પોતાનો રાજ્યવિસ્તાર ઈચ્છે ત્યારે મરુભૂમિ પર હુમલો કરી શકે એવી સરળ કુદરતી પરિસ્થિતિમાં જરૂર હતું. 

પરંતુ અહીંની પરસી પ્રજા અને રાજાને ધંધાધાપામાં, ખાનપાનમાં અને મનોરંજનમાં જ રસ હતો નહીં કે સામ્રાજ્યને વિસ્તારવામાં. આથી મરુભૂમિની પશ્ચિમ સરહદે મરુભૂમિ અને પરસ સામ્રાજ્ય નામમાત્રની જ સેના રાખી હતી. આ સરહદેથી આ બંને દેશો વચ્ચે ધૂમ વ્યાપાર ચાલતો. ખેતી માટે લગભગ નકામી જમીન ધરાવતું મરુભૂમિનું મોટાભાગનું અન્ન અને પીવાનું પાણી પરસથી જ આવતું. તો મરુભૂમિ એની કળા, સંસ્કૃતિ અને ખાનપાનના વૈવિધ્યથી પરસની પ્રજાને પેટ અને આત્માનો સંતોષ આપતી. ટૂંકમાં આ બંને મિત્ર રાષ્ટ્રો એકબીજા થકી સુખી હતા. 

રાજકરણ પલ્લડીથી ભાગીને ત્રણ દિવસની સફર ખેડીને આ મરુભૂમિને અડીને આવેલા ગુજર રાજ્યના અંતિમ પ્રદેશ ઝાલરરાજની હદે પહોંચી ગયો હતો. અહીંથી બસ થોડે જ અંતરે મરુભૂમિની હદ શરુ થતી હતી. રણપ્રદેશ અને સમુદ્રી ખાડી હોવાને કારણે અહીં એક પણ સૈન્ય ચોકી ન હતી. 

એક ઝાડ નીચે બેસીને રાજકરણ, ધૂળીચંદ અને મહાદેવરાવ આગળ શું કરવું તેની ચર્ચા કરી રહ્યા હતા. 

‘મને લાગે છે કે આપણે થોડા દિવસ મરુભૂમિ જતાં રહેવું જોઈએ!’ 

રાજકરણની વાત સાંભળીને નજર સમક્ષ દેખાતી સામે જ સમુદ્રની ખાડી અને ત્યારબાદ વાત જાણ્યા અનુસાર રહેલા વિશાળ રણપ્રદેશની કલ્પના કરી રહેલા ધૂળીચંદ અને મહાદેવના પેટમાં ફાળ પડી. 

‘શું?’ બંને જણ ચોંકીને એકસાથે બોલી પડ્યા.