મમ્મી - પપ્પા
નીતાબેન રસોડામાં દસ લોકોનાં ટિફિન બનાવી રહ્યાં છે. કેમ કે અગિયારમું ટિફિનવાળો હવે તો ત્રણ-ચાર દિવસ તેમને ઘરે જ રોકવાનો હતો. માનવી પણ આજે વહેલી ઉઠીને તેની મમ્મીને મદદ કરવા લાગે છે.
"કેવિન ઉઠ્યો છે?" નીતાબેન તપેલીમાં બટાકા-ડુંગરીનાં શાકનો વઘાર કરતા માનવીને પૂછે છે.
"ના હજી સૂતો છે."
"દવાની અસરનાં કારણે સુઈ રહ્યો છે. એક કામ કર હું રસોડું સંભાળું છું તું જઈને જલ્દીથી ઘરમાં કચરા પોતું કરી બધું વ્યવસ્થિત કરી દે."
"પણ કેમ? કચરા પોતું હું બપોરે કરી દઈશ." માનવી આળસ ખાતા તેની મમ્મીને કહે છે.
"એ આળસુની પીર. કહ્યુંને એટલું કર. કેવિનનાં મમ્મી પપ્પા થોડીવારમાં આવતા જ હશે.ઘરમાં આવું જેમતેમ જોશે તો શું વિચારશે કે તેમની દીકરાની થનારી વહુ આટલી આળસુ છે?"
"મમ્મી ખરેખર કેવિનનાં મમ્મી પપ્પા આવી રહ્યા છે, પણ એમને જાણ કોને કરી." માનવી હરખપદુડી બનીને ઉછળી રહી છે.
"કાલે રાત્રે મેં જ ફોન કરીને જાણ કરી હતી. એ બધા સવાલ પૂછવાના બંધ કર અને જે કહ્યું તે કર."
"ઓકે મમ્મી.." માનવી ઝડપથી પોતાના કામે લાગી જાય છે.
નીતાબેન મક્કમપણે પોતાના નિર્ણંય પર પહોંચ્યા છે છતાં મનમાં ક્યાંક તેમને પોતાની જાત સાથે ખોટું થતું હોય તેનો ભાસ થતો રહે છે.
થોડીકવાર પછી...
કેવિન ઉઠે છે. માનવી તેને પોતાના ખભાનો સહારો આપીને ફ્રેશ થવા વોશરૂમ આગળ લઈ જાય છે. કેવિન ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને બેસે છે. માનવી ઘરમાં બધું કામ કમ્લેટ કરીને તેની મમ્મી પાસે જાય છે.
"મમ્મી બધું કમ્લેટ થઈ ગયું. બોલો બીજું કંઈ કા..." માનવી લાઈન આગળ પુરી કરે ત્યાં ઘરનો ડોરબેલ વાગે છે.
"લે આવી ગયું તારું કામ." નીતાબેન માનવી સામે જોઈને હસે છે.
માનવી ઘરનો દરવાજો ખોલે તો સામે કોઈ આદમી અને બહેન છે.
"આ નીતાબેનનું ઘર છે?" તે સ્ત્રી માનવીને પૂછે છે.
"હા તમે કોણ?"
"અમે કેવિનનાં પેરેન્ટ્સ છીએ."
"આવો આવો.. સોરી હા હું તમને ઓળખી ના શકી. આવો." કેવિન નામ સાંભળતા જ માનવીનાં ચહેરા પર એક આનંદ છવાઈ જાય છે.
કેવિનનાં મમ્મી - પપ્પા સોફા પર બેસે છે. નીતાબેન પોતાના હાથ સાડીનાં છેડેથી લૂછતાં લૂછતાં રસોડામાંથી કોણ આવ્યું છે તે જોવા બહાર આવે છે.
"કોણ આવ્યું છે માનવી?"
"કેવિનનાં મમ્મી -પપ્પા" માનવી હળવેકથી બોલે છે.
"નમસ્તે "
"નમસ્તે." કેવિનનાં મમ્મી પપ્પા અભિવાદન કરે છે.
માનવી પાણી લઈને આવે છે. સુરતથી આવવાનો થાક કેવિનનાં મમ્મી પપ્પાનાં મોંઢા પર દેખાઈ રહ્યો છે.
"માનવી જા આદુ ઈલાયચી નાખીને બે સરસ મજાની ચા બનાવી લેતી આવ." માનવી રસોડામાં ચા બનાવવા જાય છે.
"કેવિન ક્યાં છે? એને વધારે તો નથી વાગ્યું ને? એ ઠીક છે ને?" કેવિનની મમ્મી ઘરમાં નજર ફેરવી નીતાબેન સામે સવાલોનો મારો ચલાવે છે.
"હા હા તમે ચિંતાનાં કરશો તેની તબિયત એકદમ ઠીક છે. આવો તમને મળાવી દઉં." નીતાબેન તેમને કેવિન પાસે લઈ જાય છે.
કેવિન તેનાં મમ્મી પપ્પાને જોતા જ તેનાં ચહેરા પર એક ખુશીઓનું મોજું ફરી વળે છે.
"મમ્મી... પપ્પા... તમે!" આમ અચાનક મમ્મી પપ્પાને પોતાના આગળ જોઈ તેની આંખો ઈમોશનલ થઈ જાય છે.
"બેટા તને કંઈ વધારે વાગ્યું તો નથીને?" કેવિનની મમ્મી કેવિનનાં માથા પર વ્હાલથી હાથ ફેરવીને માની મમતા વરસાવી રહ્યા છે. પાંચેક મહિના પછી પોતાના દીકરા સાથે ભેટો થતો જોઈ ઈમોશનલ થઈ જાય છે.
"પગ બગ ભાંગ્યો નથી લાગતો ભાંગ્યો હોત તો વધુ મજા આવત. આમ પણ બાઈક જોયું નથીને..." કેવિનનાં પપ્પા પોતાનાં કડક સ્વભાવ મુજબ કેવિનને ધમકાવી રહ્યાં છે. જે જોઈને કેવિનની મમ્મી તરત તેમને બોલતા અટકાવે છે.
"શું તમે અહીંયા પણ ચાલુ થઈ ગયાં."
કેવિનનાં પપ્પા ચૂપ થઈ જાય છે. માનવી ત્યાં જ ટ્રે માં ચા અને નાસ્તો લઈને આવે છે.
"લો આ ચા નાસ્તો કરી લો. પછી શાંતિથી વાતો કરજો." નીતાબેન કેવિનને મમ્મીને કહે છે.
કેવીન બેડ પર બેસીને રાજી પણ થઈ જાય છે અને થોડીવાર માટે ચિંતામાં પણ મુકાઈ જાય છે કે મમ્મી પપ્પા આટલા જલ્દી મારા ખબર કાઢવા આવ્યા છે કે પછી મારી અને માનવીની સગાઈની વાત નક્કી કરવા? કેવિનનાં ચહેરા પર ચિંતાનાં વાદળ છવાઈ જાય છે.
ક્રમશ :