પ્રેમ થાય કે કરાય? ભાગ - 37 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 37

વિચાર

ઘડિયાળમાં એકનો ટકોરો વાગતા જ કેવિન લંચબ્રેકમાં બાઈક લઈને પોતાની પ્રેમિકા નીતાને ઘરે જવા પુરા ગુસ્સામાં નીકળે છે.

                            ***

નીતાબેન માનવીનાં હાથનું લીંબુ પાણી પી ને પલંગ પર લાંબા થયા છે. તેમના મગજમાં માનવીની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે પોતાનો સાચો પ્રેમ કેવિન પણ દેખાઈ રહ્યો છે, પણ તે પોતાના નિર્ણંય પર મક્કમ છે.

માનવી રસોડામાં બધું કામ આટોપવા લાગી છે. ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. માનવી ઘરનો દરવાજો ખોલે તો સામે કેવિનને જોઈને તે ખુશ થઈ જાય છે. તે સીધી કેવિનને ભેટી પડે છે. કેવિન માનવીને જોઈને થોડીવાર તે પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે માનવીથી છુટકારો કેવી રીતે મેળવવો. એટલે તે નાછૂટકે માનવીને ભેટી ફેક સ્માઈલ આપે છે.

"કેમ આમ અચાનક?" માનવી સીધો સવાલ પૂછે છે.

"કેમ ના આવું?" કેવિન ઘરમાં પ્રવેશીને બોલે છે.

"અરે મેં આવવવાની ક્યાં ના પાડી આ તો તું આમ ચાલુ નોકરીએ આવ્યો એટલે સહજ પૂછ્યું."

"અરે એ તો ઓફિસનાં કામથી અહીંથી નીકળતો હતો તો થયું કે લાવ ભેગો થતો જવું. કેમ તારી મમ્મી ક્યાંય દેખાતી નથી? બહાર ગઈ છે કે શું?" કેવિન એક નજર ઘરમાં ફેરવતા પૂછે છે.

"ના એની તબિયત ઠીક નથી એટલે અંદર રૂમમાં આરામ કરી રહી છે." નીતાબેનની તબિયત વિશે સાંભળતા જ કેવિન દોડીને રૂમમાં જાય છે.

"શું થયું તને?" કેવિન નીતાનો હાથ પોતાના હાથમાં લેતા બોલે છે. પાછળ આવી રહેલી માનવી કેવિનની હરકત જોઈને વિચારમાં પડી જાય છે. "શું થયું તને?" માનવી મનોમન બબડે છે.

નીતાબેન કેવિનની પાછળ માનવીને આવતી જોઈને કેવિનનનાં હાથમાંથી પોતાનો હાથ ખેંચી લે છે. કેવિન માનવીને જોઈને પોતાની જાતને કાબુ કરે છે.

"આમ અચાનક શું થયું તમને?"

"બસ જરાક શરીરમાં અશક્તિ જેવું લાગતું હતું. બીજું કંઈ ખાસ નહીં." નીતાબેન કેવિન સામે જોઈને પોતાનો પ્રેમ પ્રગટ ના થઈ જાય તેમ બોલે છે.

"એવું હોય તો ચાલો હોસ્પિટલમાં એકવાર રિપોર્ટ કરાવી દઈએ." કેવિન નીતાનાં કપાળ પર હાથ મૂકીને તાવ છે કે નહિ તે જોઈ રહ્યો છે. માનવી આ બધું જોઈ રહી છે.

"ના ના એની કંઈ જરૂર નથી. આ તો ગરમીનાં કારણે આવું થતું રહે. તેમાં કંઈ ચિંતા ના કરવાની હોય." કેવિન જે વાત કરવા નીતા પાસે આવ્યો હતો તે વાત કહી શકતો નથી કેમ તે એવું માની લે છે કે મારી નીતા બીમાર હોય પછી બિચારી કેવી રીતે મારો ફોન ઉપાડે.

"તારા માટે કંઈ લાવું લીંબુ પાણી કે શરબત?" માનવી કેવિનને પૂછે છે.

"ના ખાલી એક ગ્લાસ ઠંડુ પાણી લેતી આવ." માનવી રસોડામાં પાણી લેવા આવે છે.

કેવિન નીતાનાં કપાળ પર હળવી કિસ કરે છે.

"તારી તબિયત સાચવજે. જો તને કંઈ થઈ ગયું ને તો હું જીવી નહિ શકું." કેવિન નીતાની એકદમ નજીક જઈને હળવેકથી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

નીતાબેન કેવિન તરફથી મળતો પ્રેમ, વ્હાલ જોઈને તેમની અંદર પણ એક લાગણીઓનું કુંપળ ફૂટી નીકળે છે. તેમની આંખો ઈમોશનલ થઈ જાય છે. ત્યાં માનવી આવી જાય છે.

"લે આ પાણી."

કેવિન એક ઘૂંટ પી ને ઘડિયાળમાં નજર કરે છે.

"લંચબ્રેક પૂરો થવા આવ્યો છે. મારે જવું પડશે. કંઈ પણ કામ હોય તો મને કોલ કરજે." કેવિન નીતાબેન સામે જોઈને બોલે છે, પણ તેને માનવી અહીંયા હાજર છે તેનું ભાન થતાં જ તે તેનાં શબ્દો બદલી નાંખે છે.

"આઇ મીન કે મને કોલ કરજો. શું કહ્યું મનુડી." કેવિન માનવીનાં માથા પર એક ટપલી મારતા કહે છે.

"ઓકે." કેવિન અને નીતાબેન વચ્ચે જતા જતા આંખોથી એક  વાત થઈ જાય છે. જે માનવી ત્યાં હાજર હોવા છતાં પણ સમજી શકતી નથી.

"ઓકે " માનવી કેવિનને ઘરની બહાર સુધી મૂકી આવીને રસોડામાં રહેલું અધૂરું કામ પૂરું કરવા લાગી જાય છે.

નીતાબેન કેવિનનાં ગયાં પછી રડવા લાગે છે. પોતાની જાતને મનોમન ગાળો દઈ રહ્યાં છે. પોતાની જાત પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે. એકબાજુ માનવીનો વિચાર આવે છે ને બીજી બાજુ કેવિનને જોતા જ મારું મન મને કેવિનની થઈ જવા દબાણ કરે છે. તેમને કંઈ સમજાઈ રહ્યું નથી કે તેમની સાથે શું થઈ રહ્યું છે. તે જેમ કેવિનથી દૂર જવાની કોશિશ કરે છે તેમ કેવિન તેમની પાસે આવતો જાય છે. તે કેવિન અને માનવીનાં વિચારોમાં ખોવાઈ છે.

ત્યાં જ માનવી પર કોઈનો ફોન આવે છે. માનવી ફોન ઉપાડી સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાંભળી તેનાં હાથમાંથી ફોન નીચે પડી જાય છે સાથે એક ચીસ નીકળી જાય છે...


                                                         ક્રમશ :