પ્રેમ થાય કે કરાય? ભાગ - 29 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 29

પ્રેમ કે વ્હેમ

નીતાબેન બોક્સ પરનું કવર ખોલે છે. તેમાં એક ચાંદીની વીંટી છે. વીંટી હાથમાં લઈને તેનાં પર પોતાની બારીક નજર ફેરવી રહ્યા છે.

"ચાંદીની વીંટી!" નીતાબેન આશ્ચર્ય સાથે પૂછે છે.

"હા કેવી લાગી?"

"સારી છે, પણ મોંઘી લાગે છે!" નીતાબેન વીંટીને ચારે તરફથી નજર ફેરવી તેની કિંમત કેટલી હશે તેનો અંદાજો લગાવવાની કોશિશ કરી રહ્યા છે.

કેવિન પોતાની જગ્યા પરથી ઉભો થઈને નીતાબેનનાં હાથમાંથી વીંટી લઈ લે છે.

"વીંટી પહેરવા માટે હોય છે. હાથમાં રમાડવા માટે નહીં."

કેવિન તે વીંટી નીતાબેનનાં જમણા હાથની વચલી આંગળીએ પહેરાવી દે છે. કેવિન નીતાબેનની વચલી આંગળીને પોતાના હોઠ વડે ચૂમે છે. નીતાબેન પોતાની જાત પરનો કાબુ ગુમાવી રહ્યા છે. 

"તમેં આ શું કરો છો?" નીતાબેન હોંશમાં આવતા જ કેવિનનાં હાથમાંથી પોતાનો હાથ ખેંચી લે છે.

કેવિન નીતાબેનની હરકત જોઈને ડઘાઈ જાય છે.

"શું થયું? "

"માનવી તમને પ્રેમ કરે છે. આ બધું તેની સાથે સારુ લાગે. મારી સાથે નહીં. હું તો તમારી માની ઉંમરની છું." નીતાબેન આંગળીમાંથી વીંટી કાઢીને કેવિનનાં હાથમાં આપી દે છે.

કેવિનને થોડીકવાર કંઈ સમજાતું નથી. કે આ બધું શું થઈ રહ્યું છું. સામે નીતાબેનની પણ આ હાલત છે. તેમને પણ કંઈ સમજાતું નથી. કે આ શું થઈ રહ્યું છે. બન્ને વચ્ચે ઘડીક માટે મૌન સર્જાય છે.

"એક મિનિટ માનવી મને પ્રેમ કરે છે. એ વાત સાચી, પણ હું ક્યાં માનવીને પ્રેમ કરું છું." કેવિન ખુલાશો કરે છે.

કેવિનનો જવાબ સાંભળીને નીતાબેનની આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે.

"એટલે.. તમે મારી દીકરી સાથે રમત રમી રહ્યા છો. તમેં આટલા નાલાયક હશો તે મેં સપનામાં પણ નહતું વિચાર્યું. મારી દીકરીને ખબર પડશે તો એની પર શું વીતશે તેની ખબર છે તમને?" નીતાબેન જ્વાળામુખીની જેમ ફાટી રહ્યા છે.

"અરે યાર... માનવીએ આ વાત આટલી સિરિયસ લઈ લીધી કે તેને  હું પ્રેમ કરું છું. તે વાત તેને સાચી પણ માની લીધી. જે દિવસે માનવીએ મને પ્રપોઝ કર્યું તે દિવસે ફર્સ્ટ એપ્રિલ હતી. એટલે મને એમ કે તે મારી સાથે મજાક કરી રહ્યી છે. એટલે મને થયું કે હું પણ થોડોક સમય મજાક કરી લઉં. બસ એમ સમજીને મેં મજાકમાં જ પ્રપોઝ કર્યું હતું. અને હા આજે તે વાતની ચોખવટ કરવા જ હું આવ્યો હતો." કેવિન માનવીએ કરેલા પ્રપોઝનો ફોડ પાડી રહ્યો છે. જે સાંભળીને નીતાબેનનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. તેમને કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે.

"તમે મજાકમાં કરેલા પ્રપોઝને મારી દીકરી સાચું માની તમારી અંદર પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. તે આખો દિવસ તમારા વિચારો અને વાતોમાં જ ખોવાયેલી હોય છે. જો એને આ વાતની ખબર પડશે તો... તમને આવો મજાક કરતા જરાં પણ વિચાર ના આવ્યો કે તમે તેની સાથે તેની લાગણીઓ, તેનાં માન -સન્માન સાથે મજાક કરી રહ્યાં છો." નીતાબેન પાણીનાં પરપોટાંની જેમ ફટફટ ફૂટી રહ્યાં છે.

"હું.." કેવિન કંઈ બોલે તે પહેલા જ નીતાબેન તેને વચ્ચેથી અટકાવીને તેનાં પર પોતાનો ગુસ્સો ઉતારી રહ્યાં છે.

"શું હું....કંઈ ના બોલો તો જ સારુ છે. તમારા જેવા આજકાલનાં છોકરાઓને કોઈ છોકરીઓની લાગણીઓ સાથે રમત રમતા બહુ સારી રીતે આવડે છે. જાણે કોઈ રમકડું ના હોય કે ઈચ્છા થાય ત્યારે તેની સાથે રમવાનું અને ઈચ્છા ના થાય એટલે ફેંકી દેવાનું."

"અરે મારી વાત તો સાંભળો. મારી કોઈ ઈચ્છા નહતી માનવી સાથે મજાક કરવાની તે દિવસે સંજોગ એવો થયો કે... મને એમ કે તે ફર્સ્ટ એપ્રિલ છે એટલે તે મારી સાથે મજાક કરી રહી છે..."

"છોકરી કોઈ દિવસ કોઈની લાગણીઓ સાથે મજાક ના કરે. સમજ્યા."

"Ok તમને એવું લાગે છે કે મેં ભૂલ કરી છે. તો હું તમારી અને માનવીની બંનેની માફી માંગવા તૈયાર છું. "

"વાહ.. પહેલા કોઈની ભાવનાઓ, લાગણીઓ સાથે રમત રમવાની અને પછી આરામથી સોરી કહી દેવાનું. વાહ.. આવું તમારા જેવા નિર્દય માણસો જ કરી શકે." નીતાબેન તલવારનાં ઘા ની જેમ વળતો જવાબ આપી રહ્યાં છે.

કેવિનને પોતાની ભૂલ સમજાઈ રહી છે.તે ચૂપ થઈને બેઠો છે. નીતાબેનને કેવિન પર ગુસ્સો સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યો છે.

                                                               ક્રમશ :