પ્રેમ થાય કે કરાય? ભાગ - 28 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 28

વાતચીત

"માનવી કેવિનને અમદાવાદ આવે લગભગ ચારેક મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે. બાકીનાં બે મહિના પછી તે ટ્રેનિંગ પુરી કરીને પાછો સુરત પણ જતો રહેશે. એટલે શક્ય હોય તો આ રવિવારે કેવિનને ઘરે બોલાવ મારે તેની સાથે વાત કરવી છે." નીતાબેન ખુરશી પર પગ લાંબા કરીને આરામની મુદ્રામાં બોલે છે.

"આ રવિવારે!"

"હા કેમ. કંઈ પ્રોબ્લેમ છે?"

"ના ના આ તો બસ એમ જ, પણ મને એ તો કહે કે તારે પૂછવું છે શું? તું પણ તો એને સારી રીતે ઓળખે છે."

"છતાંય એકવાર કન્ફોર્મ કરવું જરૂરી છે." નીતાબેન પોતાના શબ્દો પર જોર આપી બોલે છે.

"ઠીક છે. હું પૂછી લઈશ." માનવી ફોન લઈને પોતાના રૂમમાં જાય છે.

નીતાબેનની નજર સામે દીવાલ પર ટીંગાડેલી મનુનાં પપ્પાનાં ફોટા પર જાય છે.

"શું જોઈ રહ્યા છો? તમારી દીકરી મનુ આજકાલ કરતા કરતા આજે પરણાવે તેટલી ઉંમરની થઈ ગઈ. તમે તો ખાલી ત્યાં ફોટામાંથી બધું જોયા કરો છો, પણ મારા પર શું વીતે છે. એ તો મને જ ખબર છે." નીતાબેન મનોમન મનુનાં પપ્પાનાં ફોટા સામે ફરિયાદ કરતા કરતા રડી પડે છે.

માનવીને ખબર ના પડે તેમ ભીના થઈ ગયેલા આંખોનાં ખૂણા લૂછીને તે સ્વસ્થ થાય છે.

" મમ્મી કેવિન સાથે વાત થઈ ગઈ છે. તે રવિવારે આવી જશે, પણ એક શરતે? " માનવી તેનાં રૂમમાંથી ડોકિયુ બહાર કરીને તેની મમ્મીને કહી રહી છે.

"શું શરત?"

"બપોરે જમવામાં ભીંડીની સબ્જી બનાવવી પડશે." માનવી સહેજ હસી જાય છે.

"હા ચોક્કસ ભીંડીની સબ્જી બનશે. સાથે કેરીનો રસ પણ. કહી દે જે." નીતાબેનનાં મોઢા પર સહેજ સ્માઈલ આવી જાય છે.

                              ***

હાથમાં રહેલી સબ્જીની થેલી ડાઇનિંગ ટેબલ પર મૂકી પરસેવે રેબઝેબ થઈ ગયેલા નીતાબેનનાં શરીર પર એક વધતી ઉંમરનો થાક દેખાઈ રહ્યો છે. તે સાડીનાં છેડેથી ચહેરા પરનો પરસેવો લૂછીને સોફા પર બેસી ઉંડો શ્વાસ લઈને બાજુમાં પડેલા ન્યુઝપેપરનાં પન્ના ફેરવવા લાગે છે.

માનવી તેના એક ફ્રેન્ડનાં ઘરે ગઈ છે.
ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. નીતાબેન એક નિશાશો નાખીને દરવાજો ખોલે છે.

"પાયલબેન તમે, આવો.. આવો.." નીતાબેન તેમના પાડોશીને આવકારો આપે છે.

"ના ના નીતાબેન આવું નથી, આ તો શું આજે શનિવાર છે તો અમારા ઘરે સુંદરકાંડ રાખેલો છે. તો તેનું તમને કહેવા આવી છું કે તમે અને માનવી બન્ને રાત્રે સુંદરકાંડમાં જરૂરથી આવજો." પાયલબેનને બીજા લોકોને પણ આમંત્રણ પાઠવવાનું હોવાથી તે ઘરનાં દરવાજેથી જ પાછા વળી જાય છે.

"હા ચોક્કસ આવીશું." નીતાબેન ઘરનો દરવાજો બંધ કરીને સોફા પર જઈને બેસે છે. ટિપોઈ પર પડેલું છાપું હાથમાં લઈ તેમાં નજર ફેરવવા લાગે છે. ત્યાં ફરીથી ઘરનો ડોરબેલ વાગે છે.

"શરીરને બિલકુલ આરામ નથી. નક્કી આ મનુ હશે. શું કરવા ખરા બપોરે દોડધામ કરતી હશે?" નીતાબેન બબડતા બબડતા ઉભા થઈને દરવાજો ખોલે છે.

"કેવી લાગી મારી સરપ્રાઈઝ?" સામે માનવી નહિ પણ કેવિન ઉભો હતો.

કેવિનને જોઈને નીતાબેન થોડીકવાર વિચારમાં પડી જાય છે કે આજે તો શનિવાર છે મનુએ તો રવિવારે બોલાવ્યો હતો. તો પછી આમ અચાનક આજે...

"શું વિચારો છો કે માનવીએ તો રવિવારે કેવિનને બોલાવ્યો હતો. તો પછી આજે આ કેમ ટપકી પડ્યો? તો આજે ત્રીજા શનિવારની રજા હતી. એટલે થયું કે ચાલો એક સરપ્રાઈઝ આપી આવું. એમ પણ હમણાંથી આવ્યો નહતો." કેવિનનાં ચહેરા પરની સ્માઈલ નીતાબેનને ઘાયલ કરી રહી છે.

"સારુ કર્યું. તમે આવ્યા. આવો.. બેસો.."

"માનવી નથી દેખાતી?" કેવિન એક નજર ઘરમાં ફેરવતા પૂછે છે.

"હા એ તેનાં એક ફ્રેન્ડનાં ઘરે ગઈ છે." નીતાબેન પાણીનો ગ્લાસ કેવિનને આપતાં બોલે છે.

કેવિનને જોઈને નીતાબેનનાં  મનમાં એક લાગણીનો ભાવ પેદા થઈ રહ્યો છે. નીતાબેનને હજુ ખબર નથી પડતી કે તે કેમ કેવિનને જોતા તેની તરફ ખેંચાઈ જાય છે.

"આ લો તમારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું." કેવીન ખીસામાંથી એક નાનું પેકીંગ કરેલું બોક્સ નીતાબેન આગળ ધરતા બોલે છે.

" શું છે આમાં? "

"એકવાર ખોલીને જોવો તો ખરા."

નીતાબેન બોક્સ હાથમાં લઈને તેને ચારેતરફથી જોઈ રહ્યાં છે.

"આ મારા માટે છે કે મનુ માટે?" 

"સ્પેશ્યિલ તમારા માટે. માનવી માટે બીજી સરપ્રાઈઝ છે?"

નીતાબેન બોક્સને હાથમાં લઈને વિચારોમાં ખોવાઈ જાય છે. કે આમા શું હશે? કેવિન કેમ મારા માટે ગિફ્ટ લાવ્યો? ઘણાં બધા વિચારો નીતાબેનનાં મગજમાં ફરી વળે છે.

નીતાબેન બોક્સ ખોલે છે. જેની અંદર....


                                                               ક્રમશ :