પ્રેમ થાય કે કરાય? ભાગ - 26 Tejas Vishavkrma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ થાય કે કરાય? ભાગ - 26

પસંદ 

નીતાબેન સોફા પર બેસી શાક સમારી રહ્યા છે. માનવી સામે ખુરશી પર બેસી તેનાં ફોનમાં કોઈની સાથે ચેટિંગ કરી રહી છે. ચેટિંગ કરતા કરતા તેનાં ચહેરા પર એક હસી આંટો મારીને જતી રહે છે. માનવી જ્યારથી ઘરે આવી છે ત્યારથી તેનાં ચહેરા પર એક આનંદઉમળકો ઉભરાઈ રહ્યો છે. જેની નોંધ નીતાબેન પોતાની બારીક આંખોથી લઈ રહ્યાં છે.

"શું કોઈ જોક્સ વાંચે છે?" નીતાબેન શાક સમારતા સમારતા માનવીને કટાક્ષમાં પૂછે છે.

"ના તને કોને કહ્યું કે હું જોક્સ વાંચું છું." માનવી મોબાઈલના કીપેડ પર પોતાની આંગળીઓ ઝડપથી દબાવતા જવાબ આપે છે.

"આ તો ક્યારની એ જોવું છું કે તું મોબાઈલમાં જોઈને મંદ મંદ હસી રહી છે. એટલે મને એમ કે તું જોક્સ વાંચતી હોઈશ."

માનવી ચેટિંગ કરવામાં વ્યસ્ત છે.

"કોઈ બોયફ્રેન્ડ છે?" નીતાબેન ચપ્પાની ધાર જેવો સવાલ પૂછી નાંખે છે. જે સાંભળીને માનવી એકદમ બેઠી થઈ જાય છે.

"ન...ન...ના.. તને આવું ખોટું ખોટું વળી કોણ ચડાવે છે?" આટલુ બોલતા બોલતા માનવીની જીભ અટકાવા લાગે છે.

"બોયફ્રેન્ડ નથી તો પછી આટલી બધી ગભરાય છે કેમ?"
માનવીને ખબર નથી પડતી કે શું બોલવું અને શું ના બોલવું.

"બેટા જે ઉંમરમાં તું છે ને તે ઉંમરમાંથી હું પસાર થઈ ચુકી છું. એટલે કદાચ તારી જીભ ખોટું બોલી શકે પણ એક યુવાન છોકરીની આંખો કોઈ દિવસ ખોટું ના બોલી શકે." નીતાબેનની વાતો સાંભળીને માનવીને અંદાજો આવી જાય છે કે મમ્મીને મારા વિશે બધી ખબર પડી ગઈ છે.

"હવે મારી સામે જોવાનું બંધ કર અને એ કહે કે કોણ છે એ છોકરો? શું કરે છે? કેવો છે? શું નામ છે?" આવા સવાલોનો વરસાદ વરસાવી નીતાબેન પોતાની શરત પણ માનવી સામે મૂકી દે છે.

"જો મનુ છોકરો અને છોકરાનું ઘર, પરિવાર અને ખાસ તેનું કેરિયર સારુ હશે. તો જ હું આગળ વધવાની પરવાનગી આપીશ. નહીંતર નહી. સમજી..." નીતાબેન સરળ ભાષામાં છૂટછાટ સાથે ચેતવણી પણ આપી દે છે. તે રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરવા જાય છે. માનવી તેની મમ્મીની વાતો સાંભળીને સ્તબધ થઈ ગઈ છે.

"આ મારી મમ્મી છે? હું સપનું તો નથી જોતી ને." માનવી પોતાના હાથ પર ચૂંટની ખણીને હળવી ચીસ પાડી ઉઠી છે.

"ના ના આ સપનું નથી. એટલે કે મારી મમ્મી..." માનવી આનંદમાં આવીને ઉછળી પડે છે.

માનવી ઉભી થઈને રસોડામાં તેની મમ્મી પાસે જાય છે.

"મમ્મી એનું નામ..." માનવી નામ લેતા શરમાઈ જાય છે.

"અટકી કેમ ગઈ? આગળ બોલ તેનું નામ." નીતાબેન લાઈટર વડે ગેસની સગડીને આગ લગાવતા બોલે છે.

"તું એને ઓળખે છે? ગૅશ કર."

"હું ઓળખતી હોત તો સીધો એને ઘરે ના બોલાવ્યો હોત."

"મમ્મી તું એને બહુ સારી રીતે ઓળખે છે."

"ઉખાણાં કહેવાનું બંધ કર અને સીધી રીતે કહે."

"મમ્મી એનું નામ કેવિન છે."

કેવિન નામ સાંભળતા જ નીતાબેનનાં શરીરમાં એક ચમકારો પ્રસરી જાય છે. તેમનો શ્વાસ થંભી જાય છે. આંખની પાંપણો સ્થિર થઈ જાય છે. "કેવિન" નીતાબેન હળવેકથી બોલે છે.

"કેવિન. જે આપણા ઘરે ટિફિન લેવા આવતો હતો તે."
નીતાબેન ધીરેથી બોલે છે.

"હા મમ્મી તે જ કેવિન. અગિયારમું ટિફિનવાળો."

નીતાબેનને કપાળ પર કરેલું કેવીને ચુંબન યાદ આવી જાય છે. એકબીજાને ભરેલા કોળિયા યાદ આવી જાય છે. તે કેવિનનાં વિચારોમાં ખોવાઈ જાય છે.

"મમ્મી.. મમ્મી ક્યાં ખોવાઈ ગઈ." માનવી નીતાબેનનાં ખભા પર હાથ મૂકી જંજોરે છે.

"હં... ક્યાં નહિ એમ જ."

"બોલ કેવો છે? સારો છે ને? મેં પસંદ કરવામાં કોઈ ભૂલ તો નથી કરીને?"

"તારું મન જ્યાં રાજી હોય ત્યાં હું રાજી. બસ તું ખુશ રહેવી જોઈએ." નીતાબેનની વાત સાંભળીને માનવી તેની મમ્મીને ભેટી પડે છે.

"બેટા તે કેવિનને પસંદ કરીને ભૂલ કરી છે કે નથી કરી એની તો મને ખબર નથી, પણ કદાચ લાગણીઓનાં આવેશમાં આવીને તેને થોડીવાર માટે મારો હમસફર માનીને કદાચ મેં ભૂલ કરી છે, પણ હું એ વાતથી રાજી છું. કે તે મને નહિ પણ તને પ્રેમ કરે છે. આમ પણ ક્યાં હું 46 વર્ષની અને તે 23 વર્ષનો???"
નીતાબેન મનોમન કેવિન વિશેનાં વિચારોમાં ખોવાઈ જાય છે.

                                                                   ક્રમશ :