જીવન એ કોઈ પરીકથા નથી - 4 Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન એ કોઈ પરીકથા નથી - 4

"જીવન એ કોઈ પરીકથા નથી"

( ભાગ -૪)


બીજા દિવસથી મમ્મીએ કસરત શરૂ કરી દીધી.
કસરત એટલે મારા માટે યોગ્ય છોકરી જોવાનું. એક બે જણાએ કહ્યું કે હજુ સુધી તમારો છોકરો કુંવારો છે? મારો છોકરો એવડો જ છે પણ એનો ટેણિયો દોડતો રમતો થયો છે.આવતા વર્ષે ઈંગ્લીશ સ્કુલમાં બેસાડવાનો છે.
લોકો સલાહો આપવામાં હોશિયાર.
એમની છોકરીની વાત આવે તો કહે કે હજુ ઉંમર જ શું છે? બહુ નાની ઉંમર છે.

ચાલો હવે મામાની વાતો કરીએ.
મામાએ ત્રણ બાયોડેટા સાથે ફોટાઓ મોકલ્યા.

મમ્મી બગડી...
ભાઈને કહ્યું હતું કે ક્યારેય ત્રણનો આંકડો ના પકડી રાખ. કાંતો બે મોકલ કાંતો ચાર મોકલ.
પછી શું.. ત્રણેય છોકરીઓ મેં અને મમ્મીએ નાપસંદ કરી.

છોકરીઓ વધુ પડતી હેલ્ધી હતી.

વધુ પડતી હેલ્ધી એટલે ખબર છે ને?
ઘણા માબાપ પોતાના વધુ જાડા સંતાન માટે વધુ હેલ્ધી કહેતા હોય છે.

મમ્મી ઘણી વખત કહેતા કે તારૂં શરીર બનાવ. આ જેકીનો છોકરો કેવો બોડી બિલ્ડર છે.

મને નવાઈ લાગી..આ જેકી કોણ છે? એ ખબર પડે તો એનો છોકરો જોઈ આવું.

પછી ખબર પડી કે એ આપણા જગ્ગુ દાદા..જેકી શ્રોફ..
મમ્મી પણ ખરી છે.. બીજા સાથે સરખામણી કરાતી હોય?
આપણે ક્યાં એક્ટર છીએ? જીમમાં જવા માંગતો નથી.

આમ હું હેલ્ધી..૬૫-૬૬ કીલો વજન..પણ છોકરીઓ ૭૫ કીલો થી વધુની આવતી..

મમ્મી કહેતી કે લગ્ન પછી તો એ કેટલી બધી જાડી થઈ જાય.

બસ આમને આમ.. હું પસંદ નાપસંદ કરવામાં કુંવારો રહી ગયો. બોલો આવી તકલીફો બીજાને છે?

આવું થાય ત્યારે ખબર પડે કે જીવન એ કોઈ પરીકથા નથી.
પરીકથાઓમાં ક્યાંય જાડી પરી જોઈ છે? ફિલ્મ કે સિરીયલમાં બતાવતા હશે.
દરેક માબાપ માટે પોતાની છોકરી પરી જ હોય છે.
ને છોકરો ફિલ્મી એક્ટરથી ઓછો નહીં જ.

એક જમાનામાં મર્ફી રેડિયો આવતો હતો.
પપ્પા મમ્મીના જમાનામાં. એમાં એક નાનો બાબુ (સ્માર્ટ બાળક) એડમાં દેખાતો હતો.

હું નાનો હતો ત્યારે મમ્મી કહેતી કે છોટુ મર્ફી રેડિયોના બાબા જેવો દેખાય છે.
એ મોટો થશે તો એને સુંદર પરી જેવી છોકરી મળશે.
માંગાઓની લાઈન લાગી જશે.
એ યાદ આવે ત્યારે મમ્મી સામે જોઈ લેતો.

મમ્મી ભોળી.. પોતાના સંતાન માટે આવું ઈચ્છે જ‌.

એટલામાં મારી પરીકથાની પરી દેખાવા માંડી..
બોલી..
બધી જ્ઞાતિમાં આ જ પ્રોબ્લેમ થવા લાગ્યો છે.
પસંદ કે નાપસંદ એમાં ને એમાં છોકરીઓ અને છોકરાઓ ૪૦ સુધી ગોતતા રહી જાય છે. જે મળે એ પસંદ કરી લે.
મને થયું કે હે પરી તું જ પૃથ્વી પર આવી જા એટલે પસંદ..
બસ પછી પરીકથાઓ જ પરીકથાઓ..

હસતી હસતી પરી જતી રહી..પાછી કહેતી ગઈ કે..આવીશ..પણ રાહ જોવી પડશે..

એટલામાં મમ્મીનો અવાજ સંભળાયો..
એ સમીર સ્વપ્નમાં જતો રહ્યો કે શું?
તને ખબર છે તું નાનો હતો ત્યારે આપણી પડોશમાં રમણલાલ રહેતા હતા?
મને કશું યાદ નહોતું..
મોં વકાસીને જોઈ રહ્યો.

તને યાદ નહીં આવે. જો હું યાદ કરાવું..એની એક છોકરી હતી..નામ હેમા... હવે યાદ આવશે..

ઓહ.. મને યાદ આવી ગયું. ખરું કહેવાય... મને બાળપણ યાદ આવી ગયું.. હેમા અને બીજા સાથે રમતા હતા.પણ હેમા પહેલી દોડતી મારી પાસે જ આવીને ઉભી રહેતી.

યાદ છે મમ્મી..

હાં તો..યાદ આવે જ ને.. બહુ રમતો રમતી હતી. એ તારાથી બે વર્ષ નાની છે.

મેં કહ્યું કે એનું લગ્ન થઈ ગયું હશે.

ના.. મમ્મી બોલી..
એ પણ તારી જેમ હા ના માં રહી છે..
એ આપણા શહેરમાં રહેવા આવી છે.

ઓહ... હેમા એના કુટુંબ સાથે સૂરત જતા રહ્યા હતા.
પણ હેમાને કેમ યાદ કરી હશે?

મમ્મી બોલી.. તને ગમતી હતી.. મારી પાસે એની મમ્મીનો નંબર છે. વાત કરું?

ઓહ..નો...એ હેમા.. શરદીથી ભરેલી.. ઘણી વખત નાકમાંથી... સોરી..રૂમાલ લાવતી નહોતી. મારી સાથે રમતી હતી એટલે ગમતી હતી એવું મમ્મી માનતી.

મમ્મી એને બહુ શરદી હતી..એક વખત રમતી વખતે એણે છીંક ખાધી હતી ને બધું મારા પર પડ્યું હતું.મને એવી ચીતરી ચઢી હતી કે હવે એ આવે તો પણ મને એ પ્રસંગ યાદ આવે.

મમ્મીએ કહ્યું.. હવે એ મોટી થઈ ગઈ..ને એણે MBA કર્યું છે. આજકાલમાં આપણા ઘરે આવવાના છે.

બોલો બાળપણની મિત્ર.. ભૂલી ગયો હતો ને એની યાદ મમ્મી એ અપાવી.
હશે આવે તો આવવા દેવાની..એ કેવી દેખાતી હશે?

એક દિવસ પછી એક અજાણ્યો કૉલ આવ્યો..
ઉપાડવાનું મન થતું નહોતું પણ પછી થયું કે જો કોઈ છોકરીના માબાપનો હશે તો!
ઉપાડે જ છુટકો હતો..
આશા અમર છે.. શહિદ થવા માટે તૈયાર રહેવું પડે.

મમ્મી બોલી.. ક્યારની રીંગ વાગે છે. ફોન ઉપાડતો ખરો.
( અજાણ્યો કોલ કોનો હતો? ક્રમશઃ)
- કૌશિક દવે