ચેતવણી
મમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ્રિજમાંથી ભીંડા કાઢીને તેમાંથી ઘરડા ભીંડા અલગ કરી. તેને ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી શમારવા લાગે છે. તે આજે મનોમન કંઈક ગણગણી રહી છે. જે જોઈને મને થોડું બાલિશ લાગી રહ્યું છે. કેમ કે આનાં પહેલા મેં ક્યારેય એને આમ આરામથી કામ કરતા નથી જોઈ.
"કેમ આજે મોબાઈલ સાથે ઝગડો થયો કે શું?" આજે હું મમ્મીના બોલાવ્યા વગર રસોડામાં તેની હેલ્પ કરવા ગઈ એટલે મમ્મીએ મને હસીને મારી સાથે મીઠો કટાક્ષ કર્યો.
"ના રે ના. શું આજે ભીંડીની સબ્જીનો વિચાર છે?" મેં કિચન પર પડેલા ભીંડા તરફ નજર કરીને પૂછ્યું.
મમ્મી તો આજે પોતાની અલગ જ ધુનમાં હતી. કેવિનનાં આવ્યા પછી તેનામાં આવેલા બદલાવ મને દેખાઈ આવતા હતાં.
કેવિનનાં આવ્યા પછી તો ભીંડા પણ જાણે આ ઘરનાં રોજના મહેમાન બન્યા હતાં.કેમ નહિ ભાઈ? કેવિનનાં ફેવરેટ હતાં.
"મનુ ઉભી રહેજે એમાં રોટલી હાલ ના ભરતી." અગિયારમાં ટિફિનમાં હું રોટલી ભરવા ગયી ત્યારે મમ્મીએ મને રોકી. મને કંઈ સમજાયું નહિ પણ પછી સમજાયું. મમ્મી અગિયારમાં ટિફિનની રોટલીમાં બીજી રોટલીઓ કરતા ઘી વધુ લગાવતી હતી. રોટલી સાથે શાક પણ બીજા ટીફીન કરતા વધુ મૂકતી હતી. હું અગિયારમાં ટિફિન મારા હાથે ભરી દઉં. તો પણ મમ્મી એકવાર ટીફીન ખોલી તેમાં એક નજર મારી લે કે કંઈ મુકવાનું બાકી તો નથી ને. મમ્મીને દસ ટીફીન કરતા અગિયારમાં ટિફિનની ચિંતા સહેજ વધુ કરતી. હું પણ સેમ જ... કેવિનનું ટીફીન હતું. મને પણ તેનું ટિફિન ભરવામાં આનંદ આવતો.
સોમાકાકાને ટીફીન આપવા મમ્મી પોતે ઝાંપા બહાર આપવા જતી અથવા મને મોકલતી પણ...
ઘરનો ડોરબેલ વાગતા જ હું દોડીને દરવાજો ખોલ્યો તો સામે એક દિલફેક સ્માઈલ સાથે કેવિન ઉભો હતો.
"આવો ને..."
"બધા ભૂખ્યા થયાં છે. હું પાંચ મિનિટ પણ લેટ કરીશને તો તે લોકો મારા પર તૂટી પડશે." કેવિન પોતાની મજબૂરી જણાવી દરવાજામાં જ ઉભો રહે છે.
મમ્મી ટિફિન લઈને આવે છે. ટિફિન કેવિનનાં હાથમાં આપે છે.
" એક વાત કહું?" કેવિન ટીફીનની થેલી પોતાના હાથની આંગળીઓમાં ભરાવી પૂછે છે.
"હા "
હું તો એનો અવાજ સાંભળવા જ તૈયાર હતીને તે સામેથી બોલી રહ્યો હતો.
"સાચું કહેજો આ જમવાનું તમે નથી બનાવતા! કેમ કે આવો સ્વાદ તો ખાલી કોઈ અન્નપૂર્ણાનાં હાથમાં જ હોય છે. નસીબદાર છે આ તમારી દીકરી જેને રોજ ત્રણ ટાઈમ તમારા હાથનો સ્વાદ ચાખવા મળે છે." કેવિન મમ્મીનાં સ્વાદનાં વખાણ કરતા મમ્મીનાં ચહેરા પર એક ઠંડુ ખુશીઓનું મોજું ફરી વળે છે.
"Thank you" મમ્મી ચહેરા પર સ્માઈલ સાથે આભાર વ્યક્ત કરે છે. કેવિન બાઈક સ્ટાર્ટ કરીને પોતાના માર્ગ પર હંકારી મારે છે.
"શું મમ્મી આજકાલ તો તું સ્માઈલ આપતી ગઈ છે હં.. હં..."
"કેટલા વર્ષોથી જમવાનું બનાવું છું. તને ખબર છે? જ્યારથી તારા જેવડી થઈને ત્યારથી રસોડું સંભાળ્યું છે. નહિ તારા પપ્પાએ કોઈ દિવસ મારા હાથના વખાણ કરેલા કે ના તેમની દીકરીએ!" મમ્મીનાં શબ્દોમાં એકલતા છલકી રહી હતી.
હું તો મૌન જ થઈ ગઈ. શું બોલું? મમ્મીની વાત સાચી હતી મેં તો કોઈ દિવસ તેનાં સ્વાદનાં વખાણ કરવાને બદલે હંમેશા તેને ટોક્યા કરતી હતી. એટલે શું હું પપ્પા જેવી હતી? પપ્પા પણ મમ્મીનાં વખાણ નહતા કરતા? એટલે જ કદાચ મમ્મી હંમેશા એકલતા, નિરાશા, થકાન થી ઘેરાયેલી હતી. તેની સાથે મન મૂકીને વાત પણ મેં આજ સુધી નહતી કરી?
"એ બધું છોડ અને મને એમ કે તું એને જોવે છે ત્યારે તારા ચહેરા પરના રંગ કેમ બદલાવા લાગે છે? તારી આંખો શર્મીલી થઈ જાય છે." મમ્મી કિચન પર ભીનું પોતું ફેરવતા મને અણધાર્યો સવાલ પૂછે છે. જે સાંભળીને મારી હાલત તો કાપો તો લોહીના નીકળે તેવી થઈ જાય છે.
"ના ના એવું કંઈ નથી. તને વળી કોને કહ્યું?" મારી જીભ પણ આટલુ બોલતા બોલતા પકડાવા લાગે છે.
"મા છું તારી. તું જે ઉંમરમાં છે ને તે ઉંમરમાંથી હું પસાર થઈ ચુકી છું.બધી ખબર પડે છે મને." મમ્મી પહેલીવાર એક ફ્રેન્ડની જેમ વાતો કરી રહી છે. જેનું કારણ પેલો કેવિન જ હશે ને.
હું કંઈ જવાબ આપ્યા વગર મૌન ધારણ કરી લઉં છું.
"અજાણ્યા પાણીને જાણ્યા વગર તેમાં નાહવા ના પડાય." મમ્મી મને વણમાંગી સલાહ આપે છે. મમ્મીનું આ એક વાક્ય ઘણું બધું શીખવાડી પણ જાય છે.
તમને શું લાગે છે હું શીખીશ???
ક્રમશ :