Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પુનર્જન્મના કેટલાક અદ્‌ભૂત કિસ્સા

હિન્દુ ધર્મમાં જ નહી મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓમાં એ માનવામાં આવે છે કે વ્યક્તિનો દેહ એક વાર નાશ પામ્યા બાદ તેની આત્મા ફરી જન્મ લે છે.હિન્દુ ધર્મમાં મોક્ષ અને ભવોભવના ફેરાઓની વાત કરવામાં આવી છે જો કે ભારત સહિત અનેક દેશોમાં પુનર્જન્મના કિસ્સાઓ સમયાંતરે પ્રસિદ્ધિ પામતા રહ્યાં છે જો કે આ વાતોને ક્યારેય સાબિત કરી શકાઇ નથી.પણ આ કિસ્સાઓમાં કેટલાક તથ્યો એટલા અદ્‌ભૂત હોય છે કે લોકોને તેનું આશ્ચર્ય થયા વિના રહેતું નથી.તેમાંય એક બાળક જેને આ દુનિયા વિશે કશું વધારે જાણતો ન હોય તેના મુખેથી કેટલીક વાતો સાંભળવા મળે ત્યારે તે આશ્ચર્યજનક બની રહે છે.

પેટ્રીશિયા ઓસ્ટ્રીનનો ચાર વર્ષનો પુત્ર એડવર્ડને હંમેશા ધુમ્મસભર્યા દિવસોમાં બેચેની જેવું લાગતું હતું.આ પ્રકારના વાતાવરણમાં તે હંમેશા ભારે વેદના થતી હોવા અને તેના ગળામાં મુશ્કેલીની ફરિયાદ કરતો હતો.તે તેની માતાને તેના અગાઉના જીવન અંગે વિગતવાર માહિતી આપતો હતો.તે કહેતો કે તે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક હતો અને તેના ગળામાં ગોળી મારવામાં આવી હતી જેના કારણે તેનું મોત થયું હતું.તેના ગળાની મુશ્કેલી ડોકટરો માટે પણ એક સમસ્યા બની રહી હતી અને તેની સારવાર કેવી રીતે કરવામાં આવે તે તેમને સમજાતું ન હતું.તેના ગળામાં  જે ગાંઠ નિકળી હતી તે ગાંઠ ત્યારે અદૃશ્ય થઇ ગઇ હતી જ્યારે તેણે પોતાના અગાઉના જીવન અંગે તેના માતાપિતાને માહિતી આપી હતી અને તબીબોને પણ ત્યારે નવાઇ લાગી હતી કે આ ગાંઠ કેવી રીતે અદૃશ્ય થઇ ગઇ.

બ્રુસ વ્હીટરને હંમેશા એક સપનુ આવતું જેમાં તે પોતાની જાતને એક યહુદી તરીકે જોતો હતો અને જેમાં તે પોતાના પરિવાર સાથે એક ઘરમાં છુપાઇ ગયો હોવાનું તેને જણાતું હતું.તે કહેતો કે તેનું નામ સ્ટીફન હોરોવિત્ઝ હતું.તે એક ડચ યહુદી હતો જે એક ઓરડામાં મળી આવ્યો હતો અને તેેને તેના પરિવાર સાથે ઓસ્વીત્ઝ લઇ જવાયો હતો.અહી તેનું મોત થયું હતું.આ સપનું તેને જ્યારે પણ આવતું ત્યારે તે બેચેન થઇ જતો હતો.તેણે પોતાના સપના રેકોર્ડ કરવાનું શરૂ કર્યુ હતું એક રાતે તેને એક ઘડિયાળનું સપનું આવ્યું હતું અને જ્યારે તે જાગ્યો ત્યારે તેનું ચિત્ર દોર્યુ હતું.તેને આ ઘડિયાળ એક એન્ટિક શોપમાં હોવાનું જણાયું હતું તેને આ દુકાનનું નામ પણ યાદ હતું અને જ્યારે તે એ દુકાને ગયો ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે એ ઘડિયાળ ત્યા એ રીતે જોવા મળી હતી જે તેના સપનામાં આવતી હતી.જ્યારે તેણે આ ઘડિયાળ અંગે દુકાનદારને પુછ્યુ ત્યારે તેણે જણાવ્યું હતું કે આ ઘડિયાળ તેણે નેધરલેન્ડમાં રહેતા એક જર્મન મેજરની પાસેથી ખરીદી હતી આથી વ્હીટનરને ખાતરી થઇ ગઇ કે તેનો આ અગાઉ પણ જન્મ થયો હતો.

ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં જન્મેલા પીટર હ્યુમને તેનો અગાઉનો જન્મ પુરેપુરો યાદ હતો તેને એ યાદ હતું કે તે ૧૬૪૬માં સ્કોટલેન્ડની સરહદ પર ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો.તે ક્રોમવેલના પાયદળનો સિપાહી હતો અને તેનું નામ જહોન રાફાયેલ હતું.જ્યારે તેના પર હિપ્નોસિસના પ્રયોગ કરવામાં આવ્યા ત્યારે તેને અગાઉના જીવનની વધારે વિગતો યાદ આવી હતી.તેણે પોતાના ભાઇ સાથે એ સ્થળો પર જવાનું ચાલુ કર્યુ ત્યારે તેને એ યુગની કેટલીક વસ્તુઓ જોવા મળી હતી.દક્ષિણ ઇંગ્લેન્ડના એક ઇતિહાસના નિષ્ણાંતની મદદ વડે તેણે એ ચર્ચની પણ ઓળખ કરી હતી જેને તે જાણતો હતો.તેણે જણાવ્યું હતું કે આ ચર્ચનો ઉપયોગ એક ટાવર તરીકે થતો હતો જેની આસપાસ એક વૃક્ષ હતું.તેણે એ પણ જણાવ્યું હતું કે આ ટાવરને ૧૬૭૬માં તોડી પડાયું હતું.એક લોકલ રજિસ્ટરમાં તેને એ વિગતો મળી હતી કે આ ચર્ચમાં તેના લગ્ન કરવામાં આવ્યા હતા.આ કેસની તપાસ રોનાલ્ડ હટન નામના ઇતિહાસવિદે કરી હતી અને હિપ્નોસિસ દરમિયાન  એ યુગને લગતા કેટલાક સવાલ તેને કર્યા હતા.જો કે તેમને આ પ્રશ્નોત્તરીમાં સંતોષકારક જવાબ મળ્યા ન હતા.

ગસ ટેલર જ્યારે માત્ર અઢાર મહિનાનો હતો ત્યારે જ તેણે એ કહેવાનું શરૂ કર્યુ હતું કે તે પોતાનો જ ગ્રાન્ડફાધર છે.આમ તો આ વયના છોકરાઓને તેના વિશે અને તેના પરિવારના સભ્યો અંગે પુરતી જાણકારી હોતી નથી ત્યારે આ કેસમાં તો ગસ પોતાના આગલા જન્મ અંગે પુરી માહિતી ધરાવતો હતો.તેના દાદા તેના જન્મના એક વર્ષ પહેલા મોતને ભેટયા હતા.જ્યારે તેને તેના પરિવારના સભ્યોની તસ્વીરો બતાવી ત્યારે તેણે તેના દાદાના ફોટા પર આંગળી મુકીને જણાવ્યું હતું કે તે આ હતો.પરિવારના સભ્યોને પણ આ વાતની નવાઇ લાગી હતી કારણકે તેમણે ક્યારેય તેમના અંગે ગસ સામે કોઇ વાત કરી ન હતી.તેણે ઓગિની એ બહેનની હત્યા વિશે જ્યારે વાત કરી ત્યારે તો ઘરના સભ્યો હેરાનીમાં ડુબી ગયા હતા.ગસના જણાવ્યા અનુસાર ભગવાને તેને તેના મોત બાદ ટિકીટ આપી હતી અને આ ટિકીટ લઇને તે એક છિદ્ર વડે દુનિયામાં ગસ તરીકે જન્મ્યો હતો.

લેબેનોનમાં જન્મેલા પાંચ વર્ષના ઇમાદ ઇલાવરે તેના પરિવારને તેની પાસેના એક ગામડામાં તે આ પહેલાના જન્મમાં રહેતો હોવાની વાત કરવી શરૂ કરી ત્યારે તેઓ મુંઝાઇ ગયા હતા.તે જ્યારે નાનો હતો ત્યારે તેના મ્હોમાંથી પહેલા જે બે શબ્દ નિકળ્યા તે જમિલા અને મહમુદ હતાં.જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેણે એક અજાણ્યાને રોકીને જણાવ્યુ હતું કે તેઓ પાડોશીઓ હતા.ડો.ઇયાન સ્ટીવન્સને તેના કેસની તપાસ કરી હતી અને તેમની સામે ઇમાદે લગભગ પંચાવન જેટલા જુદાજુદા દાવા કર્યા હતા.તેના પરિવારે એ ગામની મુલાકાત લીધી જે અંગે તેણે સ્ટીવન્સન સાથે વાત કરી હતી અને તેમને એ ઘર જડ્યુ હતું જ્યાં રહેવાનો ઇમાદે દાવો કર્યો હતો.તેના પરિવારે જ્યારે આા અંગે તપાસ કરીત્યારે તેમાની મોટાભાગની વાત સત્ય સાબિત થઇ હતી.તેણે તેના કાકાને ઓળખી બતાવ્યા હતા જેનું નામ મહેમુદ હતું તેણે તેની અગાઉની પત્ની જમીલાની પણ ઓળખ કરી હતી.તેણે જે સત્તાવન જેટલા સ્થળ અને અનુભવની વાત કરી હતી તેમાંથી એકાવન યોગ્ય હોવાનું જણાયું હતું.

જેમ્સ લિનિંગર જ્યારે નાનો હતો ત્યારે તેણે પોતાના અગાઉના જીવનની વાત કરવા માંડી હતી જે અનુસાર તે નેવીમાં ફાયટર પાઇલોટ તરીકે કામ કરતો હતો.તેને પોતાના અગાઉના જીવનની યાદો દુઃસ્વપ્ન સમાન લાગવા માંડી હતી.તેને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો હતો અને તે માત્ર ફાયટર પ્લેન અંગે જ વાતો કરતો હતો.તેને પોતાના પ્લેનના અકસ્માતની તમામ વિગતો યાદ હતી.તે જ્યારે માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે તે ફાયટર પ્લેન અંગે અને તેના શસ્ત્રોની વિગતવાર માહિતી આપતો હતો.તેણે તેના પિતાને જણાવ્યુ હતું કે તે નેટોમા નામના જહાજ પરથી પ્લેન ઉડાવતો હતો અને તેના સહ પાયલટનું નામ જેક લાર્સન હતું.નેટોમાં પેસિફિકમાં સફર કરતી હતી અને લાર્સન પણ આજે જીવિત છે.તેણે જણાવ્યું હતું કે તે ઇવો જિમા ખાતે મોતને ભેટ્યો હતો અને તેના પિતાએ જ્યારે તપાસ કરી ત્યારે તેમને જણાયું હતું કે જેમ્સ હુસ્ટન જુનિયર નામનો પાયલોટ ત્યાં મોતને ભેટ્યોહતો.તે જેમ્સ થ્રી તરીકે જ હસ્તાક્ષર કરતો હતો. જ્યારે તેના પરિવારે હુસ્ટનના પરિવારનો સંપર્ક સાધ્યો ત્યારે તેની બહેને એ ફાયટર પ્લેનનું મોડેલ તેને મોકલી આપ્યું હતું જે તેના ભાઇના મોત બાદ નેવીએ તેમને આપ્યું હતું.

૧૯૫૨માં પુનર્જન્મના એક કિસ્સાએ ભારે ચર્ચાઓ જગાવી હતી અને  તેના કારણે રૂથ સિમેન્સ પ્રસિદ્ધ થઇ ગઇ હતી.મોરે બર્નસ્ટેઇન નામના તેના થેરાપિસ્ટે હિપ્નોસિસના સેશન આદર્યા હતા જેમાં તેણે પોતાના પુનર્જન્મ અંગે કેટલીક વિગત જણાવી હતી.આ સેશન દરમિયાન તે આઇરિશ ભાષા બોલતી હતી અને તેણે આ દરમિયાન બ્રાઇડી મર્ફી અંગે વાત કરવી શરૂ કરી હતી જે આયરલેન્ડનાં બેલફાસ્ટમા ઓગણીસમી સદી દરમિયાન રહેતી હતી.જો કે તે ઘણી બાબતોની સત્યતા પુરવાર કરી શકી ન હતી.તે જહોન કેરિંગ્ન અને ફાર નામની વ્યક્તિઓ અંગે વાત કરતી હતી.૧૮૬૫-૬૬ની ડિરેક્ટરીની તપાસ કરાઇ ત્યારે આ બંને વ્યક્તિઓ ગ્રોસર તરીકે કામ કરતા હોવાનું જણાયું હતું.૧૯૫૬માં આવેલી ફિલ્મ ધ સર્ચ ફોર બ્રાઇડી મર્ફીમાં આ વાતને રજુ કરાઇ હતી.

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કેમેરૂન મેકોલેનો જન્મ થયો હતો અને તે જ્યારે બે વર્ષનો હતો ત્યારે તેણે પોતાની માતા સાથે તેણે બારા નામના ટાપુની વાત કરવા માંડી હતી.તે તેની માતાને એ ટાપુના બીચ, સફેદ મકાન અને ત્યાં લેન્ડ થતા પ્લેન અંગે વાત કરતો હતો.તે કહેતો કે તેની પાસે સફેદ અને કાળા રંગના કુતરા હતા.તેણે તેના પિતાનું નામ શેન રોબર્ટસન હોવાનું જણાવ્યું હતું.તે આ તમામ બાબતોને કાગળ પર ચિત્ર તરીકે દોરી શકતો હતો.તેના પરિવારે જ્યારે તપાસ કરી ત્યારે રોબર્ટસને ખરીદેલ ઘર મળી આવ્યું હતું અને તેમના ફેમિલી ફોટોગ્રાફમાં એ કુતરાઓ પણ જોવા મળ્યા હતા.આ ઉપરાંત એ કાર પણ જણાઇ હતી જે તેને યાદ રહી ગઇ હતી.તે એ ઘરની આસપાસ ફર્યો હતો અને તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓને ઓળખી બતાવી હતી. જો કે જેમ જેમ કેમેરૂન મોટો થતો ગયો તેની આ યાદો ભૂંસાતી ગઇ હતી.તે પણ કહેતો હતો કે તેના મોત બાદ તે એ છિદ્રમાંથી તેની માતાના પેટમાં આવ્યો હતો.બ્રિટીશ ટેલિવિઝને આ સ્ટોરી પર એક ટેલિવિઝન શ્રેણી તૈયાર કરી હતી જેને પુનર્જન્મના કિસ્સાઓમાં ઉત્તમ ડોક્યુમેન્ટરી માનવામાં આવે છે.

પ્રમોદ શર્માનો જન્મ ૧૯૪૪માં કોલકાતામાં થયો હતો જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેની માતાને જણાવ્યું હતું કે તેની પત્ની મુરાદાબાદમાં રહે છે અને રાંધવાનું કામ કરે છે.ખરી વાત તો એ હતી કે તે જ્યાં જન્મ્યો ત્યાંથી મુરાદાબાદ ૧૪૫ કિ.મી.દુર હતું.તે જ્યારે ચારથી પાંચ વર્ષનો થયો ત્યારે તેણે પોતાના મોહન બ્રધર્સના નામે ચાલતા બિઝનેશ અંગે વાત કરવી શરૂ કરી હતી.તેનો પરિવાર કુકી બનાવવાનો અને વેચવાનો ધંધો કરતા હતા.તેણે તેની દુકાનની નાની પ્રતિકૃતિ બનાવીને પોતાના પરિવારને બતાવી હતી.તે ક્યારેય દહી ખાતો ન હતો અને તેના ઘરવાળાને પણ તે અડવા દેતો ન હતો.તે કહેતો જ્યારે તેણે અગાઉના તેના જન્મ દરમિયાન દહી ખાધુ ત્યારે તે બિમાર પડી ગયો હતો.તેને બાથટબમાં ન્હાવાની ચીડ હતી અને તે કહેતો કે તે બાથટબમાં ડુબી જવાને કારણે જ મોતને ભેટ્યો હતો.તેના માતાપિતાએ તેને પ્રોમિસ આપ્યું કે તે જ્યારે વાંચતો લખતો થશે ત્યારે તે તેને મુરાદાબાદ લઇ જશે.તેમણે જ્યારે તપાસ કરી ત્યારે મહેરા નામનો એક વ્યક્તિ મળ્યો હતો જે મુરાદાબાદમાં મોહન બ્રધર્સનો મેનેજર હતો અને તેણે જણાવ્યું હતું કે પરમાનંદ મહેરાનું મોત ૧૯૪૩માં  દહી ખાવાને કારણે થયેલ સમસ્યાને કારણે થયું હતું અને તેના મોત પહેલા જ તેના પરિવારે તેને બાથટબમાં સ્નાન કરાવ્યું હતું.

એપ્પલમાં કામ કરતા સોફટવેર એન્જિનિયર ટોની સેઉન્ગે સ્ટીવ જોબ્સના મોત બાદ થાઇલેન્ડમાં આવેલા એક બૌદ્ધ સમુહને ઇમેલ મોકલીને પુછ્યુ હતુંકે એપ્પલના સ્થાપક સ્ટીવ જોબ્સનો પુનર્જન્મ થયો છે કે નહી ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે તેમનો જન્મ કેલિફોર્નિયાના ક્યુપરટિનો ખાતે થઇ ચુક્યો છે અને તે કલા અને વિજ્ઞાનમાં મોટું નામ કરશે. જ્યારે જોબ્સની અંતિમક્રિયા કરાઇ ત્યારે મલેશિયામાં એક સમુદાયે તેમના પુનર્જન્મ અંગે એક વિધિ કરી હતી જેમાં તેમણે એક સફરજનને સમુદ્રમાં વિસર્જિત કર્યુ હતું અને તેને વિસર્જિત કરતા પહેલા તેમણે તેમાંથી કેટલોક ભાગ આરોગ્યો હતો.ધમ્મકાયા મંદિરના એક સાધુ ફ્રા ચૈબુલ ધમ્માયો માને છે કે જોબ્સનો જન્મ થઇ ચુક્યો છે અને તેના અંગે વધુ વિગતો ત્યારે જ જાહેર કરાશે જ્યારે તે જાતે તે અંગે ઇચ્છા વ્યક્ત કરશે.જોબ્સને ચાહનારાઓ માટે આ ઇમેલ મોકલવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી ઓફ વર્જીનીયાના ચાઇલ્ડ સાઇકોલોજીસ્ટ ડૉ. જીમ ટકર  પૂર્વજન્મને લગતા કિસ્સાઓનું વૈજ્ઞાનિક અઘ્યયન કરનારા સંશોધકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે એશિયા, પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ભારત, શ્રીલંકા વ. અનેક દેશોમાં ફરીને તેમણે ૨,૭૦૦ કિસ્સાઓ એકઠા કર્યા છે જે આપણને પુનર્જન્મ વિશે માનતા કરી દે. મોટા ભાગે તો જ્યારે પુર્વ જન્મ કે પુનર્જન્મની વાત કરવામાં આવે ત્યારે લોકો વાત કરનારને જુનવાણી અને જુની વિચારસરણી વાળો ગણાવતા હોય છે પણ ટકરે જે ઘટનાઓનું આલેખન કર્યુ છે તે કોઇપણ બુદ્ધિશાળી વ્યક્તિને પણ વિચારતો કરી દે તેવી છે જેને અપવાદ ગણાવી શકાય તેમ નથી.

તેમણે  કોલેરાડોમાં રહેતા ગસ ઓર્તેગા નામના એક બાળકનો કિસ્સો લખ્યો છે તેના પિતા રોન ઓર્તેગા અને માતા કેથી ઓર્તેગા તેમના દીકરાની પૂર્વજન્મની સ્મૃતિથી હેરાન અને વિસ્મિત રહેતા હતા.ડૉ. જીમ ટકરે ગસ અને તેના માતાપિતાની મુલાકાત લઈ તેની પૂર્વજન્મની સ્મૃતિનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે. એકવાર ગસે તેના પિતા રોનને કહ્યું - ‘પૂર્વજન્મમાં હું તમારો પિતા હતો અને તમે મારા પુત્ર હતા. હું દુકાનદાર હતો. મારું નામ ઓવિકા હતું.’ એક જૂની તસવીર જોઈ ત્યારે તે બોલી ઉઠ્યો હતો - ‘અરે ! આ તો હું છું.’ તેના દાદાના બાળપણના એ ગુ્રપ ફોટોગ્રાફમાંથી એણે દાદાને એ રીતે ઓળખી કાઢ્‌યા હતા કે જાણે પોતે જ ન હોય ? તે દાદાના જીવનની એવી ઘટનાઓ દર્શાવતો જેની રોનને પણ ખબર ન હોય ! પાછળથી તપાસ કરતાં તે બધી સાચી નીકળતી. આશ્ચર્યની વાત એ છે કે ગસનો જન્મ તેના દાદાના મરણ પછી બે વર્ષે થયો હતો. ખુદ રોનને થતું હતું કે ગસને તેના દાદા વિશે જરૂરથી વધારે જાણકારી હતી. ગસે એકવાર પૂર્વજન્મની સ્મૃતિમાં સરી ગયો ત્યારે કહ્યું - ‘મારે એક બહેન હતી. એને એક ખરાબ માણસે મારી નાંખી હતી અને દરિયામાં માછલીઓ સાથે ફેંકી દીધી હતી.’ આ વાત પર રોન ઓર્તેગાએ બહુ લક્ષ આપ્યું ન હતું. તેણે પોતે ક્યારેય આવું સાંભળ્યું ન હતું. તેને ખુદને આ વાતની ખબર ન હતી ! પણ પાછળથી જ્યારે આ વાતની તેમને ખબર પડી ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગસની વાત બિલકુલ સાચી નીકળી. ઓવિકાની બહેનને એક માણસે મારીને સાન ફ્રાન્સિસ્કોના અખાતમાં ફેંકી દીધી હતી. કુટુંબુનું આ રહસ્ય રોન ઓર્તેગા કે ઘરની કોઈ વ્યક્તિ જાણતી ન હતી તો ગસ તો ક્યાંથી જાણી શકે ? પોતાનું મરણ ક્યાં કેવી રીતે થયું તે અને પોતાની પત્ની એટલે કે રોનની માતા અને ગસની દાદીના જીવનની વાતો પણ તેણે જણાવી. ટકરે આ બધી બાબતોનું વૈજ્ઞાનિક અઘ્યયન કર્યું, ઊંડુ સંશોધન કર્યું અને તે વાતોને સાચી જાહેર કરી. ગસે પૂર્વજન્મની વાત કરતાં કહ્યું હતું ‘‘મરણ બાદ જ્યારે હું સ્વર્ગમાં ગયો ત્યારે ઈશ્વરે મને એક પત્ર આપ્યો. જેની પાસે આવો પત્ર હોય તે આ દુનિયામાં પાછો આવી શકે છે એટલે હું આ દુનિયામાં પાછો આવ્યો અને અત્યારે નવા નામઠામ પ્રાપ્ત કરી ગસરૂપે બીજો જન્મ ધારણ કરી જીવી રહ્યો છું’’ આત્મા એક શરીર છોડી બીજા શરીરમાં આવે છે તેનો જીવતો જાગતો પુરાવો છે ગસ ઓર્તેગા.

ગસ ઓર્તેગાથી પણ ચડી જાય તેવો કિસ્સો છે પાંચ વર્ષના ઇઆન હેજેડોર્નનો. જીમ ટકરના સંશોધનોમાં એક વાત ખાસ ઘ્યાનમાં આવી. પૂર્વજન્મનો દાવો કરનાર બાળકોના શરીરના ચિહ્નો અને જન્મજાત ખામીઓમાં સમાનતાના જેટલા વધારે કિસ્સા જાણમાં આવતા હતા તે બધામાં બાળકોના જન્મચિન્હો અને પૂર્વના જખ્મો વચ્ચે ચોંકાવી દેનારો સહસંબંધ જોવા મળતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે સરખાવતા બંને વચ્ચે બિલ્કુલ મેળ ખાતો હતો. ડૉ. ટકર ઇઆનને મળવા ફ્‌લોરિડા ગયા જેને યાદ હતું કે પૂર્વજન્મમાં તે ન્યુયોર્કમાં પોલીસ કર્મચારી હતો અને ગોળીઓની રમઝટમાં મરણ પામ્યો હતો. ઇઆન કહેતો - ‘જ્યારે હું મોટો હતો ત્યારે પોલીસવાળો હતો. એક રાતે હું એક દુકાનમાં પહોંચ્યો. ત્યાં ખરાબ લોકો પણ હતા તે લૂંટ ચલાવી રહ્યા હતા. મેં એમને મારી રિવોલ્વરથી અટકાવવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈકે વધારે ઝડપથી બંદૂક કાઢી મારા પર ગોળીઓ છોડી મને મારી નાંખ્યો.’

ડૉ. જીમ ટકર પેન્સેકોલા ખાતે મરિયા હેજેડોર્નને મળવા ગયા. તે બે બાળકોની માતા છે. એક બે વર્ષની મેયા અને બીજો પાંચ વર્ષનો ઈઆન. ઈઆન બીમાર છે તેને હૃદયની તકલીફ છે. વઘુ મહેનત કરે તો તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ચાર વર્ષમાં તેના હૃદય પર ચાર ઓપરેશન થયા. તેનો જન્મ થયો તે દિવસે કાર્ડિયોલોજીસ્ટ ડૉ. ડોન નેધરલેન્ડે તેના હૃદયની સ્થિતિ જોઈ જાહેર કર્યું કે તે એક દિવસ પણ જીવી નહિ શકે. જન્મના છ કલાક બાદ જ એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું જે ૯ કલાક ચાલ્યું. ઈઆનના હૃદયની પલ્મોનરી દીવાલ સારી રીતે વિકસીત થઈ શકી ન હતી. હૃદયના જમણા ભાગની એક ધમની ક્ષતિગ્રસ્ત હતી. એનાથી એના હૃદયમાં ઓછો પ્રાણવાયુ પહોંચતો હતો અને તેનો શ્વાસ ધૂંટાતો હતો. તેના મસ્તિષ્ક અને હૃદયમાં પ્રાણવાયુ ઓછો મળવાથી તે અવારનવાર બેભાન પણ બની જતો.

ઈઆન ત્રણ વર્ષનો હતો ત્યારે એકવાર તેની માતા મરિયા તેને ધમકાવવા લાગી. ઈઆને કહ્યું : ‘હું તારો પિતા હતો અને તું મારી દીકરી હતી ત્યારે તો હું તને લડતો ન હતો !’ પછી તો તેણે તેના નાનાના જીવનની બધી વિગતો એવી સિલસિલાબંધ રીતે રજૂ કરવા માંડી જે સાંભળી મરિયા આશ્ચર્યચક્તિ બની ગઈ. તેની બધી જ વાતો સાચી હતી. તેના પિતા પોલીસ કર્મચારી હતા અને તેમનું મૃત્યુ તે જ રીતે થયું હતું જે ઈઆન કહેતો હતો. મરિયા કહે છે : ‘મારા બાળપણના વખતે અમે બે બીલાડીઓ પાળી હતી. એક કાળી અને એક સફેદ બીલાડી. કાળી બીલાડીનું નામ મિનિએક હતું અને સફેદ બિલાડીનું નામ બોસ્ટન હતું. મારિયાએ જણાવ્યું કે ઈઆનને આ બન્ને બિલાડીઓની અને તેમના નામની પણ ખબર હતી ! પરાકાષ્ઠા તો ત્યાં આવી જ્યારે ઈઆને તેના નાનાના ટોનમાં કહ્યું પણ સફેદને તો હું બોસ્ટન નહિ બોસ કહેતો હતો ને ! તને યાદ છે કે નહિ ?’ મારિયાની દશા તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી ! એના પિતાના જીવનની અત્યંત સામાન્ય, નાનામાં નાની વિગત જે પોતાને પણ યાદ રહી ન હોય તે ઈઆનને ખબર પડી જ ન શકે. એને એ ખબર હોય તેનો અર્થ એ જ થાય કે એ જરૂર પૂર્વજન્મમાં એના પિતા હશે !

મરિયા અને ડૉ. ટકરે મરિયાના પિતાના રિપોર્ટની સમીક્ષા કરી. મૃત્યુનું કારણ અત્યંત ખોફનાક રીતે પ્રકાશિત થયું. મરિયાના પિતાનું મૃત્યુ ગોળીના આઘાતથી પલ્મોનરી ધમની ફાટી જવાથી થયું હતું ! આ એ જ ધમની હતી જે ઈઆનને તકલીફ આપી રહી હતી ! એ જ ધમનીની જન્મજાત ખોડ લઈને ઈઆનનો જન્મ થયો હતો. ડૉ. ટકર કહે છે કે આ એક એવો પુરાવો છે જે કોઈ પણ વ્યક્તિને ઈઆનની પૂર્વજન્મની વાતને સાચી માનવા લાચાર બનાવી શકે એમ છે. બાળકના શરીરની બીમારી, શારીરિક ખોડ, ફોબિયા (વિકૃત ભય) વ. એના પૂર્વજન્મ સાથે સંબંધિત હોય છે. યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડના મનોવિજ્ઞાની ડૉ. એરલેન્ડર હેરલ્ડસન (ઈનિીહગેિ લ્લીચિનગજર્જહ) પૂર્વ જન્મને લગતા કિસ્સાઓ પર એક દશકાથી પણ વઘુ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. એમને બીજા બધા કરતા શ્રીલંકાએ સૌથી વઘુ આકર્ષિત કર્યા છે. તેમણે રજૂ કરેલો દિલુક્ષી નિસાન્કાનો કિસ્સો નોંધપાત્ર છે. તે બાળપણમાં તેના માતાપિતા શ્રીવર્ધન અને માતા કે. કાશુરિઆપચી આગળ એક જ રટ લગાવીને બેઠી હતી કે તે બન્ને તેના સાચા માતાપિતા નથી. એ ઘર એનું સાચું ઘર નથી. તે ડેમ્બુલા પાસે રહેતી હતી. ત્યાં એક નદી હતી. તેમાં ડૂબીને તે મરી ગઈ હતી. કોઈએ તેને ધક્કો માર્યો તેથી તે પાણીમાં પડી ગઈ હતી. ડૉ. હેરલ્ડસન દુભાષિયા સ્ટીવ સાથે દિલુક્ષી અને તેના કુટુંબની મુલાકાતે ગયા. તેમને દિલુક્ષીની વાતમાં તથ્ય જણાયું. તેમણે દિલુક્ષીને મદદ કરવા આશ્વાસન આપ્યું.

ડૉ. હેરલ્ડસન સ્ટીવ સાથે ડેમ્બુલાના ‘રોક ટેમ્પલ’માં ગયા. ત્યાંના બૌદ્ધ પૂજારી આઇ. સુમંગલાને મળ્યા પણ તેમના સ્મરણમાં આવી કોઈ ઘટના આવી નહિ. એમણે એમના પત્રકારમિત્ર એચ. ડબલ્યુ અબેયપાલાને મળવાનું જણાવ્યું. હેરલ્ડસને દિલુક્ષીની દર્દનાક કહાની કહી. તેણે દિલુક્ષી વિશે સનસનાટીભર્યો લેખ લખ્યો. થોડા દિવસ બાદ ટપાલી શ્રીવર્ધન નિસાન્કાને ઘેર એક ટપાલ લઈને આવ્યો તેના પર ડેમ્બુલાની મહોર હતી. તેમણે પત્ર ખોલ્યો. રણતુંગા પરિવાર તરફથી એ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે પેલા લેખમાં લખ્યું હતું તે પ્રમાણે તેમની દીકરી શિરોમીનું મૃત્યુ તે જ જગ્યાએ નદીમાં પડી જવાથી ડૂબીને થયું હતું. આ પત્ર લઈને આવનાર ટપાલી દિલુક્ષીને ભગવાનનું બીજું રૂપ લાગ્યો. તે તેના સાચા માતાપિતાને મળી શકશે તે વિચારથી આનંદમાં આવી કૂદવા લાગી. શ્રીવર્ધન અને તેની પત્નીએ આ પત્ર વિશે ખાસ કોઈ દિલચશ્પી ધરાવી નહિ. દિલુક્ષીએ કહી દીઘું કે જો મને ડેમ્બુલા રણતુંગા પાસે નહિ લઈ જાઓ તો હું ઘર છોડીને નાસી જઈશ અને એકલી પણ ત્યાં જઈશ ખરી. શ્રીવર્ધને હેરલ્ડસનને વાત કરી. હેરલ્ડસન આખો કાફલો લઈ ડેમ્બુલા રણતુંગાને ત્યાં પહોંચ્યા. છ કલાકની મુસાફરી દિલુક્ષીને છ મિનિટ જેવી લાગી.હેરલ્ડસન એ જોઈને દંગ રહી ગયા કે ડેમ્બુલા પહોંચતાં જ દિલુક્ષી એ રીતે વર્તવા લાગી કે જાણે તે જગ્યાથી તે ચિરપરિચિત ન હોય ? તેણે ગામના રસ્તાઓ અને પોતાનું ઘર સહજતાથી બતાવ્યું. એલ. અમરાકુન રણતુંગા, પોતાની પૂર્વજન્મની માતાને જોતાવેંત તે તેની પાસે દોડી ગઈ અને તેને ભેટી પડી. તે ચોધાર આંસુએ રડી પડી. જન્માંતરે થયેલા મા-દીકરીના પુનર્મિલનની ઘટનાએ હેરલ્ડસનને પણ રોમાંચિત અને ભાવવિભોર બનાવી દીધા. પોતે શિરોમી હતી ત્યારે કઈ વસ્તુ ક્યાં મૂકતી હતી તે જગ્યાઓ અને પોતાનો સામાન પણ ઓળખી બતાવ્યો. અડોસીપડોસી, બહેનપણીઓ અને સગા-સંબંધીઓને પણ ઓળખી બતાવ્યા. તેમની સાથે જે કાંઈ બોલતી કે કરતી તેની વિગતો પણ જણાવી પછી તે હેરલ્ડસન અને નવા જૂના કુટુંબીઓને લઈને તે નદી પાસે આવી. ત્યાં અનેક શિલાઓ હતી તેમાંથી એક શિલા પાસે આવી. તેણે કહ્યું કે આ જ શિલા છે જેના પર તે ઊભી રહી હતી અને પાછળથી કોઈએ તેને ધક્કો માર્યો હતો. અમરાકુન રણતુંગાએ તથા તેના કુટુંબીજનોએ કબૂલ કર્યું કે તેમની શિરોમી એ જ શિલા પરથી નદીમાં પડીને મરી ગઈ હતી. દિલુક્ષી એ શિરોમીનો જ બીજો જન્મ છે એમ સૌએ કબૂલ્યું.

ડૉ. એરલેન્ડર હેરલ્ડસનનું સંશોધન કહે છે કે પૂર્વજન્મ- પુનર્જન્મના આવા કિસ્સાઓમાં ‘પોસ્ટ ટ્રોમેટિક સ્ટેટ ડીસઓર્ડર’ જોવા મળે છે. આવા બાળકોએ આ જિંદગીમાં જીવનનો ખતરો અનુભવ્યો હોય તેવી ઘટનાઓ જોઈ જ નથી તો પછી આવો ભય કેમ અનુભવે છે ? હેરલ્ડસન કહે છે કે તેમના અવચેતન ચિત્તમાં સ્થિર થઈ ગયેલા એ ચિત્રો તેમનામાં ભય પેદા કરે છે. પૂર્વજન્મમાં મરણ પામવાની રીત પર પણ આ પોસ્ટ ટ્રોમેટિક ડીસઓર્ડર આધાર રાખે છે. એટલું નક્કી છે કે તે બધા અપ્રત્યાશિત, હિંસક અને અચાનક મોત પામ્યા હોય છે!આમ, અનેક વર્ષોના વૈજ્ઞાનિક સંશોધનોનો નિષ્કર્ષ એ છે કે આત્મા એક શરીર છોડીને પરલોક સિધાવે છે કે પછી ફરીથી બીજા શરીરમાં આવે છે. ઘણુંખરું ફરીને તે પોતાના પૂર્વજન્મના કુટુંબીજનોની આસપાસ રહે છે. કોઈક અગમ્ય કારણથી અમુક વ્યક્તિઓમાં પૂર્વજન્મની સ્મૃતિ એકાએક પ્રકટ થઈ જાય છે. ‘હિપ્નોટીક રીગ્રેસન’ પ્રક્રિયાથી પણ વ્યક્તિના પૂર્વજન્મની સ્મૃતિ જાગૃત કરી શકાય છે.