પ્રસ્તાવના
સ્પીતી વેલી ની અમારી રોમાંચક સફર વિષેનું મારૂ લેખન મારી પત્ની ધવલ, પુત્ર આરવ તથા મારા જિગરજાન મિત્રો ને અર્પણ કરું છું કે જેઓએ મને આ અદ્ભુત પ્રવાસ વિશે લખવા માટે સતત પ્રેર્યો. લેખન કાર્ય એક શોખ નો વિષય છે પણ શોખ હોવા છતાં બધા આ કરી નથી શકતા કેમ કે મોટા ભાગના લોકો આની માટે સમય નથી કાઢતા પણ મે આની માટે સમય નું પ્લાનિંગ કરી અને પોતાની માટે ટાઇમ કાઢી લીધો. જોકે મારા મિત્રો નું સતત ફોલો અપ એટલું હતું કે મારે લખ્યા વિના છૂટકોજ નોતો કેમ કે હું પાછો ટુર માં બોલી ગયેલો કે હું આ સાહસિક પ્રવાસ વિશે લખીશ. મારા વખાણ નથી કરતો પરંતુ મારા ગ્રૂપ ના મિત્રો ને મારૂ લખાણ ગમે છે અટલે એ લોકો સ્વાભાવિક રીતે મને કહ્યે રાખતા કે તું લખવાનો હતો ને? ક્યાં પોચ્યુ? અને અહિયાં હજી ખરેખર કાઈ માંડ્યુ ન હોય. પણ આખરે મે લખવાનું ચાલુ કર્યું અને હું લખતા લખતા ફરી એક વાર સ્પીતી વેલી ની સફર અને પ્રસંગો માણી આવ્યો.
અમારી આ સફર ને કોઈ પણ વધારા ના મીઠા મરચાં નાખ્યા વગર પોતાની શૈલી માં લખવાનો અહી પ્રયાસ કર્યો છે. જોકે અમુક એવા પ્રસંગો પણ બન્યા જે ખરેખર યાદ આવે તો પણ હસી હસી ને બેવડ વળી જઈએ. આશા છે કે આપને ગમશે અને જે કોઈ પણ આ લેખન વાંચશે તે પોતાની લાઇફ માં વધુ ને વધુ ટુર કરવાનો પ્રયત્ન કરશે. લખાણ ની ભાષા માં થોડી છૂટ છાટ લીધી છે કેમ કે વાત ને એના લેહકા માં કેવા માં આવે તો વાંચનારને પણ સોસરવિ મન માં ઉતરે અને પોતે પણ તે સમય એ ત્યાં હાજર હોવાની અનુભૂતિ કરાવે અને મારો ધ્યેય એજ છે કે તમે બધા પણ આ લેખન થકી સ્પીતી વેલીની અમારી મોજ ને વાંચી ને અનુભૂતિ કરો અને તમે વિચારેલ અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું શરુ કરો. પોતાની માટે સમયાંતરે આવો સમય કાઢતા રહો અને યાદ રાખો કે
“ NEVER POSTPONE JOY”
સાહસ ની શરૂઆત
ફરવા જવું એ આમતો આનંદ ની વાત કેહવાય પરંતુ 40 ની વય વટાવ્યા પછી પત્ની અને બાળકો ને મૂકી ભાઈબંધો સાથે 10 દિવસ ફરવા જવુ એ સાહસ ની વાત કેહવાય. આવડું મોટુ સાહસ કરતા પહેલા અમે મિત્રો એ એકાદ વર્ષ અગાઉ એક કા બે દિવસ નો પ્રવાસ કરી લિધલો અલબત્ત વાઇફ ની પરવાનગી સાથે. અમે બધાએ આ એકાદ બે દી’ના પ્રવાસ માટે પત્ની સમક્ષ એકલા દોસ્તારો સાથે ફરવા જવાની જે આજીજી, મનામણાં-રિસામના અને અમૂકે દંડવત થઈને પરવાનગી લીધેલી એ અનુભવ અમને અમારી આ મોટા પ્રવાસ માટેની પરવાનગી લેવામાં બખૂબી કામ લાગ્યો. આવું કરવામાં ફીણ આવી જાય હો મિત્રો પણ “ડર કે આગે જીત હે”. જોકે મારી વાઇફ ધવલ, મારી હૂંડી બોવ આનાકાની વગર સ્વીકારી લેતી ઍટલે “પપ્પુ” મિત્રો સામે વેલો પાસ થઈ જતો. હા, અમારો 9 વર્ષ નો આરવ આ બાબતે અદકપાહળી ખરો અને તરત એકલા ફરવા જવા દેવા તરત રાજી નો થાય ઍટલે એની માટે અલગ વ્યુહ રચના બનાવવી પડે. જેમકે, “તું મને જવા દઇશ તો હું તને ત્યાં લઈ જઈશ ને ફલાણું આપવીશ” વિગેરે વિગેરે. ઍટલે ઇ મને શરતો ને આધીન પરવાનગી આપે.
બધા મિત્રો કે જે આ પ્રવાસ માં આવેલા ઇ કઈ આમ ને આમ સાહસિક નોતા બન્યા. પેલા એક ને આવો ખુરફાતિ વિચાર આવ્યો, ઇ બીજા મિત્ર ને કન્વીન્સ કરે, બીજો ત્રીજા ને, ત્રીજો ચોથા ને અને આવી રીતે “LOG MILTE GAYE AUR KARVAAN BANTA GAYA” જેવુ થાય. અચ્છા, આ બધા હા પાડવા વાળા ની સંખ્યા થોડા દિવસો વિતતા અડધી થઈ જાઈ કેમકે એમને જવાબદારીઓ આડે આવવા લાગે. પરંતુ સાવ સાચું કારણ તો મોટાભાગના ને બૈરી છોકરાવ ની પરવાનગી નું હોય ઍટલે બિચારા મોળા પડી જાય, બાકી તો ઇ બધા બહાર તો ભલ ભલાને ભૂ પાઇ દે એવા છે.
અમારામાંથી એકલા ફરવા જવાનો આવો ખુરાફાતી આઈડિયા પેહલા કુલ્લા(કુલદીપ) ને આવ્યો. કુલ્લા એ આ આઈડિયા whatsapp ગ્રુપમાં વહેતો મૂક્યો અને આરંભે શૂરા એવા કેટલાક મિત્રોએ હાથ ઊંચા કર્યા અને પોતે આવવા હામી ભરી. મને થયું વાહ ઘણા બધા લોકો તૈયાર થયા પણ હકીકત તો એ હતી કે જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ આવવાળા ની સંખ્યાઓ પણ ઘટતી ગઈ અને છેલ્લે સ્પીતી વેલી ટ્રીપમાં આવવા માટે આઠ જણા રેડી થયા. જે મિત્રોએ શરૂઆતમાં આવવાની હા પાડેલી અને ફસકી ગ્યાં એ લોકોને અમે “સફરજન” નું બિરુદ આપીને નવાજ્યા. સફરજન એટલે મિત્રો એવી વ્યક્તિ કે કે જે પોતાની વાઈફથી પરમિશન લેતા બીવે અને ક્યાંય પણ આવતા પહેલા પરમિશન તો લેવી જ પડે એવી વ્યક્તિ. આ આઠ મિત્રો સિવાય હજી એક મિત્ર અવલો(અવિરત) હતો કે જે આવવા માટે આનાકાની કરતો હતો પણ અમને ખબર હતી કે જેને ફરવાનો આટલો કીડો હોય અને એના આઠ લંગોટિયા મિત્રો જતાં હોય તો એ આ મોકો ગુમાવે એમાંનો નહોતો એટલે જવાના એકાદ મહિના પહેલા એ પણ રાજી થઈ ગયો અને આવી રીતે અમે સ્પીતીવેલી માટે નવ જણા તૈયાર થયા.
આ નવ જણા ઍટલે
ચિગલો : ચિરાગ મજીઠિયા
કુલ્લો : કુલદીપ ભટ્ટ
રાજ્યો/રાજભા : મેહુલ રાજાણી
ડોક્ટર : ડો. કૃણાલ ચંદારાણા (ગ્રૂપ લીડર)
અવલો : અવિરત શાહ
નિકોબાર ના રાજા : પ્રણવ રાજ્યગુરુ
ભૂરો : વિશાલ રાવલ
બાપુ : પ્રદીપસિંહ સરવૈયા
બીજલો : બ્રિજેશ જોશી
પ્લાનિંગ
આ વિચાર જ્યારે આવ્યો ત્યારે હજી સ્પીતી વેલી જવાને છ મહિનાની વાર હતી એટલે હજી પણ કોકના ખડવાની શક્યતા હતી પણ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયેલો અમારો એક મિત્ર નામે ચિગલો ઉર્ફે ચીગ્સ ધ ફાયરે આવવા માટેની એવી તત્પરતા દેખાડી કે અમને હજી કંઈ બીજો વિચાર આવે એ પહેલાં તો એણે ઓસ્ટ્રેલિયાથી સીધી ટિકિટ આવા જવાની બુક કરી દીધી. હવે ચિગલો ઓસ્ટ્રેલીયા થી ટિકિટ બુક કરે એટલે અમારે તો કોઈ છટકવાનો રસ્તો જ નહોતો અને અમારી ઉંધ ઉડાડી દીધી. ચિગલા ના ટિકિટ બુક કરવાથી એક વાત તો નક્કી હતી કે ટ્રીપ તો થશે જ તે પછી ભલે આવવાવાળા ચાર રે પાંચ રે કે છ રે કેમકે આ નવ જણામાંથી બે-ચાર તો એવા હતા જ કે દુનિયામાં ઉથલપાથલ થઈ જાય તો એ તો જાવાના જ હતા. હવે જવાનું જ્યારે નક્કી થઈ ગયું હતું ત્યારે હવે કઈ તારીખે જવું એની માટે જેમ લગ્નનું મુરત કાઢવાનું હોય એમ તારીખો કાઢવા માટે બધાના સજેશન આવા મંડ્યા કેમકે બધા પોતપોતાના કામ ધંધા માં ઓછો વિક્ષેપ પડે એવું ઇચ્છતા હતા. છેલ્લે 5 એપ્રિલના રોજ અમે જવાનું નક્કી કર્યું પણ કેટલા દિવસ જાવું એમાં હજી અવઢવ હતી. આમ તો ડોક્ટર(ડો. કૃણાલ ચંદરાના) એ નક્કી કર્યા મુજબ નવ દિવસમાં આખી ટ્રીપ કમ્પ્લીટ થઈ જાય એમ હતી પણ ઘરેથી જ્યારે સ્પીતી વેલી ની પરવાનગી લીધી ત્યારે દસ દિ નું કીધેલું એટલે અમે એક દિવસ હજી વધારી દીધો કેમકે આ પરમિશન અમેરિકાના વિઝા મળ્યા બરાબર હતા. આટલું નક્કી કર્યા પછી હવે કેવી રીતના જવું એની ચર્ચા શરૂ થઈ. નક્કી કરવામાં watsapp group માં રોજના 200 મેસેજ હોય. જવાની તારીખથી ત્રણ મહિના પહેલા અમારા મિત્ર ભૂરા એ કીધું કે 9,400 માં અમદાવાદ થી ચંડીગઢ રિટર્ન ટિકિટ મળે છે એટલે અમે આઠ જણાએ તરત જ પ્લેન ની ટિકિટ બુક કરી દીધી. ટિકિટ રિફંડેબલ કરાવી હતી કેમકે હજી 3 મહિના ની વાર હતી ને આટલા ટાઇમ માં ગમે એનું બૈરું વીફરે, તબિયત ખરાબ થાય ને બીજી અડચણ પણ આવી શકે. પ્લેન ની ટિકિટ બુક કરી ત્યારે અવલા(અવિરત શાહ) નું તો આવવાનું હજી નક્કી નહોતું. સ્પીતી વેલી ની ટ્રીપ ચંડીગઢ થી બાઇકસ અને કાર માં કરવી એવું નક્કી કર્યું અમારા નવ જણ માંથી અવિરત અને બાપુને બાઇકનો એટલો ચસ્કો હતો એમણે આખી ટ્રીપ બાઈક ઉપર કરવાનું નક્કી કરી લીધેલું. જોકે આ બંને એ બાઇક પર અગાઉ ટ્રીપ કરેલી ઍટલે અનુભવી હતા. બાપુ અને અવલા એ એવું નક્કી કરેલું કે બાઈક છે એ એકલા જ ચલાવશું એટલે કે ડબલ સીટ ડ્રાઇવિંગ નહીં એટલે બે બાઈક ઇ બેયના અને બાકી અમે એક બાઈક એવું લીધેલું કે બાકીના સાત લોકોએ વારાફરતી ચલાવે અને બાકીના કારમાં. બાઈક ચલાવવાની અમને પણ એટલી જ ઈચ્છા હતી પણ આખી ટ્રીપ બાઈક પર કરી શકાઈ કે કેમ ઇ ડાઉટ હતો કેમકે અમારી માટે આ નવું હતું એટલે આખરે એવું નક્કી કર્યું કે ત્રણ બાઈક લેવા અને એક ઇનોવા ક્રિસ્ટા(8 seater) કાર લેવી. આટલું પરફેક્ટ નક્કી થઈ ગયું હતું પણ અમારે કુલ્લા (કુલદીપ ભટ્ટ) ને સ્પીતીવેલીના વિડીયો જોઈ જોઈને છેલ્લે એને હજી ચોથું બાઈક લેવાની એવી ખજવાળ ઉપડી કે ન પૂછે વાત અને આખરે અમારે એની વિનંતીને માન આપીને ચોથું બાઈક લેવાની ફરજ પડી. આ બધું નક્કી કરવામાં ભાવનગર માં હું, કુલ્લો, ડોક્ટર અને અવિરત ની મીટીંગ ગોઠવી. અમે જ્યારે મિટિંગ ગોઠવી ત્યારે એવું નક્કી હતું કે જવાનો રૂટ અને કેવી રીતના જાવું એ બધું એક જ મિટિંગમાં નક્કી કરી લઈએ પણ એમ કાંઈ એક મિટિંગમાં થોડું નક્કી થાય એક ને ઉત્તરમાં જાવું હોય તો બીજાને દક્ષિણમાં જવું હોય એટલે પહેલી મિટિંગમાં અમે કેવી રીતના જવું અને કેટલા બાઇક ને કેટલી કાર લેવી એ જ નક્કી કર્યું.
કાર અને બાઈક ક્યાંથી લેવાય એટલે કે સીમલાથી લેવા કે ચંડીગઢથી લેવાય એની ચર્ચાઓ ચાલી અને છેવટે એવું નક્કી કર્યું કે ચંડીગઢ થી બાઇક સારા મળે છે તો ચંડીગઢ થી બાઇક લઈએ. ડોક્ટર અને કુલ્લા એ ઓલરેડી વેન્ડર ના નામ અને સરનામા મોબાઈલ નંબર સાથે ગોતી કાઢેલા. એમને ફોન કરવામાં આવ્યા અને ભાવ લીધા. કસવામાં ખૂબ માહેર એવા અમારા ડોક્ટરે ખુબ કસરત કરી ભાવ ઘટાડવાની. અમને થયું હાશ ચલો હવે તો નક્કી થઈ જશે પણ ડોક્ટર ને એમ હતું કે હજી ભાવ ઘટાડશે એટલે એણે કીધું હજી આપણે બે દિવસ રાહ જોઈએ. હું પણ કસવામાં માનું એટ્લે મને પણ વાંધો નોતો રાહ જોવામાં પણ કુલ્લો અને અવલો તેજ દિવસે બુક કરાવવા તત્પર હતા.
અવલા એ તો કહ્યું પણ ખરું ડોક્ટરને કે સાવ કોઈને લૂછી ન લેવાય આનાથી વધારે હવે ઘટાડો શક્ય નથી પરંતુ આખરે અમે બે દિવસ રાહ જોવાનું નક્કી કર્યું. બે દિવસ વીતી જતા અમે આખરે ચાર બાઈક અને એક ઇનોવા ક્રિસ્ટા કાર નું બુકિંગ અલગ અલગ વેન્ડર પાસે કરાવ્યૂ. મિત્રો આ ફરવા જવાની મિટિંગો કરવામાં પણ એટલી જ મજા આવે હો. કેવી રીતે જવું એની મીટીંગ અને પ્લાનિંગ થઈ ગયા પછી હવે રૂટ નક્કી કરવા માટેની મીટીંગ ડોક્ટરના ઘરે મળી જેમાં હું અવિરત અને ડોક્ટર હતા. ફાઇનલ રુટ નક્કી કરવા અવિરત અને ડોક્ટર વચ્ચે ખૂબ ચર્ચાઓ થઈ અને હું Google માં એમને કઈ જગ્યાએ કઈ વસ્તુઓ જોવા જેવી છે એ બતાવતો હતો જોકે ડોક્ટરનું પ્લાનિંગ બહુ સરસ હતું અને એણે બધું જ અગાઉથી વિચારેલું હતું કે ત્યાં શું જોવું, કેવી રીતના જવું, કેટલો સમય ત્યાં ગાળવો વગેરે.
અવિરતે પણ એના ઉપયોગી અભિપ્રાય આપ્યા. અમે એવું નક્કી કરેલું કે ઓફ સીજન હોવાથી હોટેલ્સ ક્યાય બૂક નો કરવી કેમ કે ત્યાં રસ્તા માં ઘણા બધા હોમ સ્ટે અને હોટેલ મળી રે છે. હા, અમે જ્યાં જ્યાં રોકાવાનું નક્કી કરેલું ત્યાં ની 2 થી 3 હોટેલ શોર્ટ લિસ્ટ કરી, એમના નામ અને નંબર સાથે રાખેલા. લોકેશન પર પોચ્યા પછી થોડી પૂછ પરછ કરવી પડે પણ અમને આનો વાંધો નોતો.
અમારો ફાઇનલ રુટ નક્કી થયો જે નીચે મુજબ છે.
અમદાવાદ-ચંદીગઢ-સીમલા- સરાહન- ચિત્કુલ- નાકો- તાબો-કાજા
રિટર્ન કાજા– તાબો – ધંકર - સીમલા –ચંડીગઢ-અમદાવાદ.
આરંભ
આખરે સ્પીતી વેલી જવાનો એ દિવસ પણ આવી પોચ્યો, 5 એપ્રિલ ૨૦૨૪. જેમ તબેલા માથી ઘોડા છૂટવા ના હોય એમ બધા ઉત્સુક હતા અને સ્વાભાવિક છે કે 40 ની વય વટાવ્યા પછી તમારા ખાસ મિત્રો હારે ફરવા જવાનો રોમાંચ કઈક અલગ લેવલ નો હોય! 5, એપ્રિલ ના રોજ અમારે સવારે 7 વાગ્યે એરપોટ પોચી જવાનું હતું ઍટલે મારે અને ડોકટરે ભાવનગર થી અમદાવાદ 4, એપ્રિલ રાતે પોચી જવું પડે અને અમે બેય 4 એપ્રિલ ના રોજ નક્કી કરેલા સમય થી 2 કલાક મોડા ઍટલે કે રાતે 8 વાગે ડોક્ટર ની કાર માં હેકડેઠઠ સમાન ભરી નીકળ્યા. અવિરત એ ટ્રીપ માં જોડાવાનું મોડુ નક્કી કર્યું ઍટલે પ્લેન ના ભાવ વધી જતાં ભાઈ એ ટ્રેન માં આવવાનું ગોઠવ્યું અને એ 4, એપ્રિલ એ બપોરે ભાવનગર થી નીકળી ગયેલો. ચિરાગ કે જે ઓસ્ટ્રલિયા થી સ્પેશિયલ આ ટ્રીપ માટે આવાનો હતો એ 31 માર્ચ ના રોજ દિલ્લી પોચી ગયેલો. ટ્રીપ શરૂ થવાના 5 દિ વેલા કેમ આવ્યો એ રહસ્ય હજુ અકબંધ છે. નવ માથી 4 મિત્રો અમદાવાદ માજ રે છે ઍટલે બાકીના મિત્રો એ અમદાવાદ પોચવાનું હતું. રસ્તા માં મે ને ડોક્ટરે ખૂબ વાતો કરી ને મસ્ત ગીતો પણ સાંભળ્યા. હા, અમદાવાદ જતાં હોયએ ઍટલે gallops મા ખાવા પીવા માટે ઊભા તો રેવુજ પડેને! ડોક્ટરે જોકે ઘરે થી શાંતિ થી નીકળી શકાય એ માટે થોડી ખિચડી ખાઈ લેધેલી પણ મે નક્કી કરેલું કે gallops માં મોજ કરવી. અમે બેય એ દમ બિરયાની નો સ્વાદ ત્યાં માણ્યો.
રાતે લગભગ 11 વાગે અમે કોંક્રીટ ના જંગલ એવા અમદાવાદ માં કુલ્લા ના ઘરે પોચ્યા. કુલ્લા નાજ ફ્લેટ માં અમારા બીજા મિત્રો રે છે અને એમાથી સદગૃહસ્થ ની વ્યાખ્યા માં આવતા એવા મિત્ર નીલેશ સિંધી અમને મળવા આવ્યો અને લગભગ 1 વાગ્યા સુધી અમે વાતો કરી. કુલ્લા એ અમને એમનો સુંદર મજાનો નવો ફ્લેટ બતાવ્યો. એ ફ્લેટ માં એને એક સેફટી લોક બોવ મોંઘા ભાવ નો નખવ્યો છે જેને ખોલવામાં મારે સવારે ફીણ આવી ગ્યાં ને પંદર મિનિટ મથ્યા પછી માંડ ખૂલ્યો. સવારે હું 5 વાગે જાગી ગયેલો અને લોક ખોલવાની મથામણ માં બીજા ને પણ મે અવાજ થી જગાડી દીધેલાં.
સવારે 7.30 ના ટકોરે અમે બાબલા જેવા બની એરપોર્ટ જવા રેડી થઈ ગયેલા. અમને મૂકવા અમારો અમદાવાદ ખાતે નો વનેચંદ જેવો ભાઈ-બંધ હર્ષદ આવવાનો હતો. મિત્ર નજીક નો હોય કે દૂર નો હર્ષદ હમેશા કોઈ પણ સમયે હજાર હોય અને ભાવનગર ના મિત્રો હોય કે અમદાવાદ ના બધા એને ઓળખે ઍટલે એને વનેચંદ કહું છું. બીજી ઘણી પ્રતિભા છે હર્ષદ માં પણ એ રેવા દઈએ. અમે નિકોબાર ના રાજા પિંટુડા ની ગાડીમાં ખચાખચ સમાન સમેત ગોઠવાના. પ્રણવ ઍટલે કે પિંટુડા ને નિકોબાર નો રાજા કેમ કહીયે છીયે એ આગળ આવશે.
હર્ષદ ને બાજુમાં બેસાડી અને નિકોબાર ના રાજા એ ગાડી ફાસમ ફાસ હકારી અને એકાદ બે ને અડફેટે લેતા બચાવી અમને સમયસર એરપોર્ટ પોચાડયા. એરપોર્ટ ની બાર વનેચન્દે અમને ઉતારી અને વિદાય લીધી. અમે અમારો પેલો ગ્રૂપ ફોટો એરપોર્ટ ની બાર પડાવ્યો અને એરપોર્ટ માં એન્ટ્રી લીધી.
અમારું પ્લેન સમયસર હતું અને 9.35 am એ અમારું વિમાન ચંડીગઢ તરફ ઉડયું. ટેક ઓફ-લેન્ડિંગ અને હવાઈ નજારા નો આનંદ લઈ અમે લગભગ 11.30 am ચંડીગઢ પોચી ગ્યાં. સમાન બેલ્ટ માથી લઈ અને હવે અમારે ચંડીગઢ એરપોર્ટ પર કાર ના ડ્રાઇવર ની રાહ જોવાની હતી. ડ્રાઇવર એ અમને બોવ રાહ જોવડાવી અને એ 1 વાગે ઠેઠ અમને લેવા આવ્યો. એ આવ્યો ત્યાં સુધી અમે એરપોર્ટ માં અમુક ફોટા પાડ્યા ને હારે લીધેલો નાસ્તો કર્યો.
અમારી પેલા અવિરત કે જે ટ્રેન માં આવાનો હતો એ અને ચિરાગ બેય બાઇક વેન્ડર ને ત્યાં 11 વાગ્યા ના પોચી ગયેલા. એ બેય એ 4 ટનાટન રોયલ એન્ફિલ્ડ હિમાલિયન બાઇક વેન્ડર પાસેથી અલગ તારવી ચેક કરાવી લીધેલા. અમારે ત્યાં પોચી સીધા બાઇક અને કાર લઈને નિકળીજ જવાનું હતું પણ એમ કઈ સમયસર બધુ થોડું હાલે અમારામાં. નવે નવ અઘરા ભેગા થ્યાતા. ભાઈબન્ધી ભલે ગમે એટલી જૂની પણ ડખો થતાં વાર નો લાગે.
અમે એરપોર્ટ થી કાર ની ઉપર કૅરિયર માં સમાન બાંધી બાઇક વેંડર ને ત્યાં જવા નીકળ્યા. ચંડીગઢ ઍટલે તમને આપડા ગાંધીનગર ની યાદ અપાવે એવું ટાઉન પ્લાનિંગ. ગાંધીનગર નું જીઓગ્રાફિકલ પ્લાન ચંડીગઢ પર થી બનેલું છે એવું જાણવા મળ્યું. ચંડીગઢ થી સિમલા 160 કિમી. થાય ઍટલે ત્યાં પોચતા 3.30 કલાક લાગે. ચંડીગઢ માં પણ આપડા ગુજરાત જેવીજ ગરમી હતી અને એમાં અમે એક ગાડી માં 7 જણા ઠસોઠસ બેસી ગયેલા. જેવા અમે બાઇક વેન્ડર ને ત્યાં પોચ્યા, ત્યાં એજ બિલ્ડિંગ માં અમારા માથી અમુક મિત્રો લીકર શોપ જોઈ ગયેલા અને ઉતરતા વેંત બાઇક વાળા ને ત્યાં જવાને બદલે લીકર શોપ ભણી દોટ મૂકી. કોઈને બોવ કેવાઈ એમ નોતુ કેમ કે માને એમ નોતા.
લીકર શોપ ખુલ્લી છે કે બંધ એ જોયું નોતુ અને પાચમી મિનિટે દુકાન બંધ હોવાથી વીલા મો એ બાઇક વાળા ને ત્યાં પાછા આવ્યા ને ત્યાં પછી ચા પીધી.
બાઇક વાળા પાસે થી અમે આર્મ ગાર્ડ, લેગ ગાર્ડ અને હેલ્મેટ લીધા. એક બે જોડી ગાર્ડ ની વધુ લીધી જેથી કરીને બીજા ને પણ કામ લાગે. નવ માથી સાત જણાં એ હિમાલિયન બાઇક કોઈ દિ ચલાવ્યું નોતું ઍટલે અમે થોડીવાર બાઇક પર બેસી એની ટ્રાયલ લેવા નજીક માં એક રાઉન્ડ માર્યો કેમ કે લાંબી મજલ કાપવાની હતી. હિમાલિયન બાઇક નું વજન હશે 200 kg ઍટલે તમારે આ બાઇક ને ખૂબ ડિસિપ્લિન માં ચલાવું પડે નહિતર પડતાં જરાય વાર નો લાગે. મે તો હજી બાઇક પર બેસી ઘોડી ચડાવી અને કીક મારવા પ્રયાસ કર્યો ત્યાં તો એ.. એ..એ.. કરતાં બાઇક નું બેલેન્સ જવા લાગ્યું ને એક જણાં એ આવી બાજી સંભાળી લીધી. પછી મને કોકે કીધું કે ભાઈ આ સેલ્ફ સ્ટાર્ટ છે આમાં ક્યાં તું કિકું માર્યા માર થ્યો છો.
મે એને કીધું “ પેલા કેવાઈ ને”.. આ પત્યુ ત્યાં મારા બુટ ની બેય સામ સામેના લેસ બાંધવાના હૂક એક બીજા માં લોક થઈ ગ્યાં અને મને આની ખબર નોતી ને હું ચાલવા ગ્યો ત્યાં વળી પાછું એ...એ...એ કરતાં 3 ડગલાં દૂર ચિગલો ઊભો હતો એની માથે આવ્યો. ચિગલા એ જો મને જાલી ન લીધો હોત તો હું એવો પડત કે ન પૂછો વાત.. ચિગલો પણ મને પકડવા પેલા વિચારતો હતો કે આને પકડું કે હું આઘો જાવ કેમ કે એની ઉપર 85kg આવવાનું હતું. આખરે હું બચી ગ્યો ને એ પછી હું અને જેણે આ દ્રશ્ય જોયું એ બધા પેટ દુખે એટલું હસ્યાં. હજી આજે પણ યાદ આવે ત્યારે હસી પડીએ. ઓલા બાઇક ના માલિકે પણ આ દ્રશ્ય જોઈ ને વિચારી લીધું કે આ કોને બાઇક અપાઈ ગ્યાં. આને તો હાલતાય નથી આવડતું.
બાઇક ના રાઉન્ડ પત્યા પછી બધા યુદ્ધ પર જતાં હોય એમ 4 જણાં ગાર્ડ ને બધુ પેરીને તય્યાર થ્યા ને બાકીના પાંચ કાર માં જવાના હતા. તય્યાર થ્યા બાદ સૌ થી પેલા સરસ મજાનો ગ્રૂપ ફોટો બાઇક સાથે લેવામાં આવ્યો અને પછી એક સ્થળ જમવાનું નક્કી કર્યું અને ત્યાં બધાને ઊભા રેવા જણાવ્યુ. બપોર ના ઓલરેડી 3 વાગી ગ્યાં હતા અને જમવાનું બાકી હતું છતાં અમારા શોખીન મિત્રો માથી અમૂકે લીકર શોપ માથી છાંટો પાણી લઈ લીધા અને રેસ્ટોરન્ટ સુધી માં મોજ કરી લીધી. રેસ્ટોરન્ટ માં બુફે લંચ લઈ અમે હવે અમારી સિમલા ની સફરે નીકળી પડ્યા.
અવલો, ડોક્ટર, પદુભા અને કુલ્લો બાઇક પર હતા અને હું, બીજલો, ચિગલો, ભૂરો અને નિકોબાર ના રાજા(પિન્ટુડો) કાર માં હતા. બાઇક વાળા તો ધૂમ સ્ટાઇલ માં મોજ લેતા લેતા અમારી આગળ ચલાવતા હતા અને મસ્ત રસ્તા નો આનંદ લેતા હતા. ચંડીગઢ માં ગરમી હતી પરંતુ માત્ર 40km દૂર ગ્યાં હશું ત્યાં તો મસ્ત ઠંડક થવા લાગી અને કાર ના AC ની પણ જરૂર ન રહી. રસ્તા માં વાંદરા મળ્યા ને એની હારે ટીખળ કરી. વાંદરા ને પણ થયું હશે કે લે આપડા ભાયુ કાર ને બાઇક પર ક્યાથી.
પહેલો હોલ્ટ અમે એક સુંદર મજાની જગ્યા એ લીધો અને ત્યાં ચા અને ઘરે થી લીધેલો નાસ્તો કર્યા. અમૂકે હોમ મિનિસ્ટર ને વિડિયો કોલ કરી વાતો કરી અને રેપોર્ટિંગ કર્યું. આખરે અમે શિમલા રાતે લગભગ 8 વાગે પોચ્યા અને શોર્ટ લિસ્ટ કરેલી એક બજેટ હોટેલ માં રોકાયા. જેને નાવું હતું એ નાહયા અને થોડીવાર માં નવે નવ જણાં એક રૂમ માં ભેગા થ્યા. લીકરપ્રેમીઑ એ ઓલરેડી ચિગલા એ ડ્યૂટિ ફ્રી શોપ માથી ઉત્તમ ક્વોલિટી લાવેલ વ્હીસ્કી નો આનંદ લેવાનું ચાલુ કરી દીધેલું. ઠંડી પણ બોવ મસ્ત હતી અને સહનેબલ હતી. ખાવા વાળા, પીવા વાળા નું બાયટિંગ તો ખાતાજ હતા પણ સાથે જમવાનો ઓર્ડર પણ આપી દીધેલો કેમકે રાત ના દસ વાગી ગયેલા ઍટલે અમે બાર જવાનું માંડી વાળેલું. આમેય રૂમ ને “બાર” બનાવી દીધેલાં બહાર ક્યાંય જવા તય્યાર થાય એમ નોતા. હા, પણ તે દિવસે ભૂરા (વિશાલ) નો જન્મદિવસ હતો ઍટલે કેક મગાવી હતી અને જમ્યા પછી ભૂરા એ કેક કટ કરી અને બધાએ ખૂબ મસ્તી કરી. ભૂરા નો સિમલા વાળો જન્મ દિવસ એને ખૂબ યાદ રેશે.
સરાહન
અમારી ફર્સ્ટ નાઈટ સીમલામાં પૂર્ણ કરી બીજા દિવસે સવારે આઠ વાગે બધા મિત્રો તાજા માજા થઈ અને અમારો પહેલો પડાવ સીમલા થી સરાહન વાયા નારકંડા જવા માટે તૈયાર થઈ ચૂક્યા હતા. બધા બાઈકર્સ એકદમ રેડી હતા. હજી તો અમુક મિત્રો કારમા અને ત્રણ જણા બાઇક પર ગોઠવાયા ત્યાં અવલો કે મને મારા બાઇક ની ચાવી નથી મળતી. વળી પાછા બધા નીચે ઉતર્યા અને ચાવી ગોતવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યા. અવલા એ ઘણી ગાળો ખાધી આ દરમિયાન અને અડધી કલાક મહેનત કર્યા પછી ચાવી એનાજ જેકેટમાથી મળી.
હિમાચલની ખરી મજા હવે શરૂ થવાની હતી. ચાર બાઈકમાંથી એક બાઈકમાં તો અવિરત અને બાપુ હતા, ત્રીજા બાઈક પર કુલ્લો અને ચોથા બાઇક પર હું અને મારો પાર્ટનર ડોક્ટર ડબલ સવારીમાં તૈયાર થઈ ગયા. મે અને ડોક્ટરે તો પહેલેથી જ નક્કી કરેલું હતું કે એક બાઈકમાં અમે ડબલ સવારી જશું અને આખી ટ્રીપ મોટા ભાગે અમે આમ જ કર્યું . કારમાં અમારા બાકીના મિત્રો બીજલો , ચિગલો, પીન્ટુડો અને ભૂરો ગોઠવાણા. કારનો ડ્રાઇવર પણ સારો હતો એનું નામ અજય હતું અને ક્યાય એણે અમને હેરાન થવા ન દીધા બાકી ડ્રાઇવર હારે નાની મોટી ચકમક તો ચાલ્યા કરે. સવારના પોરમાં અમે સીમલા થી નીકળ્યા ત્યારે સીમલા ના રસ્તાઓ અને સીટી જોવાની બાઈક પર ખુબ મજા આવી. ચાલુ દિવસ હોવાથી સીમલાના સ્કૂલે જતા ટમેટા જેવા છોકરાઓ, ટુરીસ્ટો અને ત્યાંના સ્થાનિક લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. સવારનું વાતાવરણ એટલું સરસ હતું કે અમે શીમલાની બહાર ક્યારે નીકળી ગયા એની ખબર જ ના રહી. છેલ્લા દિવસે અમારે સીમલામાં એક દિવસનું રોકાણ હતું એટલે અમને ધરપત હતી કે સીમલા જોવાનું રહી નહિ જાય.
સીમલા થી અમે નીકળ્યા એના એક કલાક પછી નાસ્તા માટે નો હોલ્ટ લીધો. નાસ્તાની જે વાન હતી એના કૂક ને હજી સવારની તૈયારી કરવાની બાકી હતી પણ અમે રાહ જોઈ તો બહુ સરસ મજાનો નાસ્તો કરવા મળ્યો. સરસ મજાની ચા અને કોફી સાથે અમે બ્રેડ બટર ખાધા અને જેમને આમલેટ ખાવી હતી એમને આમલેટ ખાધી. ગમે ત્યાં અમે ઉભા રહીએ ફોટા ખેંચવાની લાલચ ને રોકી શકાય નહીં અને ત્યાં પણ અમે ચા પીતા પીતા સરસ ફોટા પાડ્યા. નાસ્તો પતાવી તરત જ અમે કાર અને બાઈક પર ગોઠવાણા. મારી સાથે ડોક્ટર ડ્રાઇવ કરતો હતો અને હું પાછળ બેઠો હતો. હું પાછળ બેઠો બેઠો સરસ મજાના ફોટા ખેંચતો હતો અને સીનરીની મજા લેતો હતો. મિત્રો, ડબલ માં બાઈક લેવાની પણ બહુ મજા આવે હો. ડ્રાઇવર ને બાઇક ચલાવવાની અને જે પાછળ બેઠો હોય એને પણ ખૂબ મજા આવે કેમકે બેઠા બેઠા આજુબાજુનું 360 ડિગ્રી વ્યુ જોઈ શકે. જો કોઈને ડબલ સવારી જવું હોય તો પણ હિમાલયન બાઈક પર જઈ શકાય અને મજા પણ એટલી જ આવે. બધાજ મિત્રો નો અનુભવ એવો રહ્યો કે કારમાં જવું એની કરતા બાઈક માં જવું બહુ વધારે મજા આવે. કારમાં ટર્નિંગ અને હિલ્સ ચડવાનું આવે ત્યારે નોઝિયા નો પ્રોબ્લેમ રે જ્યારે બાઈકમાં માત્ર મજા મજા ને મજા. ખરેખર મિત્રો જ્યારે પણ તમે આવી કોઈ ટ્રીપ નું પ્લાનિંગ કરો ત્યારે બાઈક લેવાનું ચૂકશો નહીં.
સ્પીતી વેલી ની ટુર પર ક્યાંય પણ પહોંચ્યા કરતા પણ વધારે આનંદ જર્ની નો છે. દર અડધી કલાકે લેન્ડસ્કેપ બદલાઈ જાય અને તમારો કેમેરા છે એ ક્લિક કર્યા વગર રહે નહીં. લગભગ ત્રણ કલાક ના ડ્રાઇવિંગ પછી અમે પહોચ્યા નારકંડા. નારકંડા માં અમારે જોવાનું હતું “હતુ પિક”, હતુ ટેમ્પલ, નારકંડા લેક, સત્લુજ વ્યૂ પોઈન્ટ અને સ્ટોક્સ ફાર્મ. સૌ પ્રથમ અમે હતુ પિક જવા માટે ચડાઇ વાળો રસ્તો લીધો. આ રસ્તો ઍટલે બાયકર્સ માટેની પરીક્ષા સમાન હતી. આ વખતે હું બાઇક પર એકલો સવાર હતો અને ડોક્ટર કાર માં હતો. મારી સાથે પિંટૂડો પણ એકલવીર થઈ ને બાઇક ચલાવતો હતો. સ્પીતી વેલી ની આ ટુર માં પિંટુડા અને મે પેલીજ વાર હિમાલયન બાઇક હાથ માં લીધું હતું. પિંટુડા નો પનો ટુકો છે ઍટલે એના પગ માંડ માંડ જમીન પર પોચે બાઇક ડ્રાઇવિંગ માં.
બાકી મિત્રો કે જે ઉપર પોચી ગયેલા એને એવી ચિંતા કે અમે બેય પેલી વાર આ બાઇક ચલાવીએ છીયે તો આવા રસ્તા પર હેમખેમ પોચે તો સારું. એકદમ ટુકો સિંગલ પટ્ટી ચઢાઈ વાળો રસ્તો અને જેમ જેમ ઉપર જાય બાઇક એમ એમ જમણી બાજુ ની ખાઈ વધુ ડરામણી લાગે અને ઠંડી પણ વધતી હતી. વીસ મિનિટ આમ ને આમ એકદમ ફોકસ થી ડ્રાઇવિંગ કરતાં હતા એમાં વળી પાછો બરફ માંડ્યો રસ્તા પર દેખાવા. થોડીવાર માં તો રસ્તા ની બેય બાજુ બરફ અને કોઈ કોઈ વાર રસ્તા ની વચે પણ સ્લીપ થઈ જાય એવો બરફ આવતો જતો હતો. પહેલા બીજા ગિયર માં ચલાવતા ચલાવતા અમે અંતે હતું પિક ઍટલે કે હતું ટેમ્પલ પોચ્યા. અમે બેય પોચ્યા ત્યાં તો બીજા પોચી ગયેલા મિત્રો તો મંદિર ની મુલાકાત લઈ હતુ પિક ની ટોચ પર ફોટોગ્રાફી કરવા લાગેલા.
અમને જોઈ ને મિત્રો એ આવા રસ્તા પર બાઇક ચલાવી હેમ ખેમ પહોચવા બદલ તેર તાલી નું માન આપ્યું કેમ કે પેલીજ વાર બાઇક હાથ માં લીધું ને આવો રસ્તો આવી ગ્યો. ખરેખર ખૂબ મજા આવી. હતુ મંદિર ખાસ જોવા જેવી જગ્યા છે. મંદિર તો સરસ છેજ પણ સાથો સાથ એની આજુ બાજુ ની જગ્યા અને કુદરતી નજરા મંદિર ની શોભા વધારે છે. આજુ બાજુ બરફ ની ચાદર, ડુંગરા અને વચે આ સુંદર મંદિર. અમે મંદિર માં દર્શન કરી સીધા પહોચ્યા અમારા મિત્રો પાસે. અમે અવઢવ માં હતા કે બરફ માં જવું કે ડુંગરા ની ટોચ પર જ્યાં અમારા મિત્રો હતા. અમે પેલા મિત્રો પાસે પહોચી હતુ પિક ની ટોચે અમારા પડાય એટલા ફોટા પાડ્યા. અવિરત પણ ડ્રોન થી વિડિયો લેવા લાગ્યો જે ખરેખર જોવા જેવા છે. ફોટોગ્રાફી પછી બરફ તરફ ગયા અને ત્યાં થોડીવાર રમ્યા અને બરફ ના ગોળા બનાવી એકા બીજા પર ઘા કર્યા. રીલ્સ અને વિડિયોગ્રાફી ના શોખીન મિત્રો એ મસ્ત સ્લો મોશન વિડિયો બરફ ઉડાડતા હોય એ રીતે લીધા. હતુ પિક પર ખાસ્સો એવો સમય ગાળી અમે ત્યાથી નીચે ઉતરી અને બીજી જગ્યા જે વચ્ચે આવતી હોય તે લઈ અને સરાહન માટે નીકળ્યા. હતુ પિક નો રસ્તો અઘરો અને સાહસિક હોવાથી મારૂ બાઇક ડોક્ટર એ અને પિંટુડા નું બાઇક બીજા મિત્ર એ લઈ લીધું કેમ કે હવે એ મિત્રો આ રોડ ની મજા લેવા માગતા હતા. અમે નીચે સુધી કાર માં ગોઠવાના કેમ કે આ રસ્તા પર ડબલ સવારી જોખમી હતી. હતુ પિક પર થી નીચે ઉતરી વળી પાછા અમે જે ડબલ સવારી હતા એ એક બીજા પાછળ ગોઠવાના. આ રસ્તા પરથી અમારા મિત્રો જે કાર માં હતા એમને પણ હવે બાઇક ચલાવાની ઈછા થવા લાગી અને આગળ જતાં ટ્રીપ માં નવ માથી કોઈ એવું નો રહ્યું જેણે બાયકિંગ નો કર્યું હોય. બપોરે 3 વાગ્યા આસપાસ અમે એક જગ્યા એ લંચ માટે રોકાયા અને મે એક જગ્યા એ નવ જણ માટે જમવાનું મળશે કે કેમ એવી તપાસ આદરી. હું ને ડોક્ટર વેલા પોચી ગ્યાં હતા અને બાકીના હજુ આવતા હતા. એક નાના ધાબા પર અમે જોયું કે રોટી, સબ્જી ને દાળ ભાત છે અને સારું દેખાતું હતુ તો ત્યાં જમવાનું નક્કી કર્યું. અવિરત એ ધાબો જોઈને કીધું કે અહયા ક્યાં નક્કી કર્યું હજી બીજે જોવાય ને પણ પછી જમ્યા પછી બધાએ સ્વીકાર્યું કે ધાબો ભલે નાનો હતો પણ જમવાનું સ્વાદિષ્ટ હતુ.
સવારે 8:00 વાગે નીકળેલા અમે બધા સાંજે પાંચ વાગ્યે આસપાસ સરાહન પહોંચ્યા. સરહાન પહોંચ્યા એટલે અમે ત્યાં રોકાવા માટેની જગ્યા માટે અલગ અલગ હોટલ્સમાં સર્ચ કરવાનું ચાલુ કર્યું. અમે ત્રણના ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ હોટલમાં તપાસ કરતા પછી જ્યાં સારી ફેસિલિટીઝ અને સારી જગ્યા લાગે ત્યાં આગળ અમે ભાવ કમ્પેર કરી અને પછી બુક કરતા. હોટલ કે હોમ સ્ટે સિલેક્ટ કરવામાં બધી જગ્યાએ હોટલ નું લોકેશન, જમવાનું, બ્રેકફાસ્ટ, ચોખાઈ એવું બધું ચેક કરતા પણ જેમ જેમ અમે ઉપરની સાઈડ સ્પીતીવેલી તરફ જવા લાગ્યા તેમ તેમ અમે હીટર આપશે કે નહીં, હીટર ન મળે તો પછી ઈલેક્ટ્રીક બ્લેંકેટ છે કે નહીં એને પ્રાયોરિટી આપતા એવી ગજબની માઇનસમાં ઠંડી હતી.
સરાહન મા સૌથી પહેલા હિમાચલ ટુરીઝમ ની શ્રીખંડ હોટલમાં ગયા. શ્રીખંડ હોટલ નું લોકેશન બેસ્ટ હતું પણ અમને ત્યાં રૂમની સાઈઝ અને પ્રાઈઝ માં મેચ નોતું થતું ઍટલે શીખંડ હોટલથી નીકળી અમે એક બહુ સરસ જગ્યા, ખુબ સરસ લોકેશન પર એક હોટલ સર્ચ કરી જે એક રીટાયર્ડ આર્મી ઓફિસરની હતી. આર્મી ઓફિસર અને તેની વાઈફ આ હોટલ ચલાવતા હતા. એ બંને કપલ એ નાની નાની ડેકોરેટિવ વસ્તુઓ એવી સરસ રીતે ગોઠવેલી હતી કે તમારું મન ત્યાં રોકાવા માટે લલચાય. હોટલની પાછળ સરસ મજાનો બગીચો બનાવેલો હતો અને હોટલની બાજુમાં એક સરસ મજાનું ઝરણું જતું હતું. રૂમની બાલ્ક્ની ની બહાર એક ખૂબ લાંબી ચાલી હતી જેમાંથી સુંદર બર્ફીલા પહાડો બહુ મસ્ત દેખાતા હતા. અમે ત્યાં ખૂબ જ રિઝનેબલ પ્રાઈઝ માં બુક કરાવ્યું. આ બધી એવી જગ્યા છે કે જ્યાં તમે પહોંચો એટલે તરત જ રૂમમાં જતા પહેલા તમને બાલ્કની માં જવાની ઈચ્છા થાય. થોડીવાર પછી, જે ચા ના રસિયા હતા એમણે ચા નો ઓર્ડર કર્યો અને એટલી સરસ ચા પીવડાવી કે આખા દિવસનો જે કાંઈ પણ થાક લાગ્યો હતો એ બધો દૂર થઈ ગયો. નિકોબારના રાજા (પિન્ટુ) ને ફોટા અને રિલ્સ બનાવવાનો એટલો શોખ કે જ્યારે પહોંચે અને નવરા પડે એ ભેગા એ મોબાઇલમાં હાથમાં લઇ અને કામે લાગી જાય. રાજાજી (પિન્ટુડો) જેટલી પ્રકારના પોઝ આપી શકે એટલી પ્રકારના પોઝ કોઈને આપતા નથી જોયા. આનાથી ઊંધો કૂલ્લો(કુલદીપ) હતો જેને ફોટા પડાવવામાં બિલકુલ રસ નહીં અને એ એમ કહેતો કે બસ કુદરતનો આનંદ લ્યો ફોટા શું પાડપાડ કરવા. કુલ્લો અને નિકોબારના રાજા બેય ની જોડી એટલે Tom and Jerry ની જોડી. જ્યારે જુઓ ત્યારે બાધતા જ હોય ગમે એવી વાતને મોટું સ્વરૂપ થતા વાર નો લાગે એટલી ચર્ચામાં ઉતરી જાય કે બંનેને અપશબ્દો કેવા પડે અને પછી શાંત થાય. સરાહન હોટેલમાં રાજાજી જ્યારે કપડાં બદલીને બહાર આવ્યા ત્યારે જે એનો નાઈટ ડ્રેસ હતો ઓહોહો હું તો જોય રયો. રાજાજી ટેડી બિયર જેવા લાગતા હતા. મેં કીધું પીન્ટુડા કે આ તું ક્યાંથી લાવ્યો ટોપ લાગે છે.
જમવાનો સમય થયો એટલે બધા ડાઇનિંગ હોલમાં ભેગા થયા અને સરસ મજાનું જમ્યા પછી પત્તા રમવાનું નક્કી કર્યું. સરસ મજાની ઠંડીમાં એક રૂમમાં હીટર મૂકી અને બધા નવે નવ જણા ગોઠવાઈ ગયા થોડીવારમાં પત્તા રમ્યા અને પછી નેક્સ્ટ ડે નો પ્લાન નક્કી કરી અને સુઈ ગયા.
બીજા દિવસે વહેલા ઉઠી બાલ્કની ની બહાર દેખતા બરફ ના પહાડો પર સૂર્ય ના કિરણ થી જે પહાડ ની ટોચ ચમકતી હતી એ જોવાની ખૂબ મજા આવી. અવલો (અવિરત શાહ, કિંગ્સ સ્ટુડિયો, ક્રેસંટ, ભાવનગર) કે જે ભાવનગર માં અવ્વલ દરજ્જા નો ફોટોગ્રાફર છે એણે ખૂબ મસ્ત ફોટા તો લીધાજ પરંતુ ડ્રોન ઉડાડયું અને આલા દરજ્જા નું ડ્રોન શૂટ કર્યું. કુદરત નો સવારનો નજારો માણી, તય્યાર થઈ અમારે સરાહાનમાં ભીમા કાલી ટેમ્પલ, હવા ઘર, નતાલી સ્ટેડિયમ( ફૂટબોલ), જીજૂરાણ બર્ડ સેન્ચ્યુરી જોવા જવાનું હતું. સ્પીતી વેલી ટુરમાં ક્યાં ક્યાં જવાનું છે અને શું શું જોવા જેવું છે એનું બહુ ડિટેલમાં અભ્યાસ ડોક્ટરે કરી રાખેલો અને અમે એને વળગી રહ્યા. સૌપ્રથમ અમે નીકળ્યા ભીમા-કાલી ટેમ્પલ જોવા અને આ ટેમ્પલ એટલું સરસ છે દોસ્તો કે તમે ત્યાં જાઓ તો ચોક્કસ વિઝીટ કરજો. ભીમા કાલી મંદિર એ 56 શક્તિપીઠ માની એક શક્તિપીઠ છે. આ ટેમ્પલ સદીઓ પુરાનું છે અને એની કહાની એવી છે પાર્વતીજી ભસ્મ થ્યા અને એમના શરીરના ટુકડા પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ પડ્યા એમાથી એમનો કાન આ જગ્યાએ પડ્યો હતો. સરાહન ને શોનીક-પૂર પણ કેવાતું. એક લોક વાયકા એ પણ સાંભળી કે આ શોનીકપૂર ની રાજકુમારી ને કૃષ્ણ ભગવાનનો પુત્ર પ્રદ્યુમન ખૂબ ગમતો. રાજકુમારી ની સખી પાસે એવી વિધ્યા હતી કે તે પ્રધ્યુમન ને સૂતા સૂતાજ સરાહન માં અપહરણ કરી લાવી શકે. જો આમ થાય તો શ્રી ક્રષ્ણ અને રાજકુમારી ના પિતા વચ્ચે યુદ્ધ થાય અને રાજકુમારી અને પ્રધ્યુમન ના લગ્ન થાય. એવું પણ સાંભળ્યુ કે પાછળ થી શ્રીકૃષ્ણના દીકરાનું આજ મથક રહ્યું અને તેમણે રાજ પણ કર્યું. મંદિરની કોતરણી અને વૂડ કરવિંગ એટલા સરસ છે કે તમને ત્યાંથી હલવાનું મન ન થાય. મુખ્ય મંદિરની અંદર કેમેરા, પાકીટ કે મોબાઈલ લઈ જવાની મનાઈ છે. મુખ્ય મંદિરમાં તમે અંદર દાખલ થાવ એટલે તમને ઉપરની બાજુ રસ્તાઓ હોય અને કયા રસ્તા પર જવું એ શોધતા તમને વાર લાગે. લગભગ ત્રણ માળ જેટલું તમે ચડો ત્યારે તમને માતાજીના દર્શન થાય. મુખ્ય મંદિર ના પરાગણમાં તમને ફોટોગ્રાફી કરવાની છૂટ છે મંદિરની આજુબાજુમાં જુઓ તો બરફના પહાડ અને બીજા સરસ મજાના લેન્ડસ્કેપ જોવા મળે. અહીં અમે પણ અમારી ફોટોગ્રાફી કરવાની લાલચને રોકી શક્યા નહીં. વિડીયો કોલ કરીને અમારા ઘરે પણ આ જગ્યા બતાવી અને એ લોકો પણ અભિભૂત થઈ ગયા. વિડીયો કોલ દરમિયાન બધાને ઘરનાએ એક વેધક સવાલ અચૂક પૂછ્યો કે હવે અમને ક્યારે લઈ જશો? બધાએ આ સવાલના જવાબ પ્રેમપૂર્વક આપ્યો અને અમુક એ તો નેટવર્ક નથી એમ કરીને કોલ કાપી પણ નાખ્યો.
ભીમા-કાલી મંદિર થી નીકળી અમે નતાલી ફૂટબોલ ગ્રાઉન્ડ જોવા નીકળ્યા. સરસ મજાના પહાડો વચ્ચે ચડાઈ કરતા કરતા અમે નતાલી ગ્રાઉન્ડ પહોંચ્યા. આવા હિલ સ્ટેશન પર આવા સપાટ મેદાન હોવું શક્ય ન હોય એટલે આ ગ્રાઉન્ડ સ્પેશિયલ હતું. ગ્રાઉન્ડ જોઈ અને અમે તરત જ હવા ઘર જોવા માટે નીકળ્યા. હવા ઘર હાઈટ ઉપર આવેલી એક સુંદર એકદમ ખુલ્લી જગ્યા છે જ્યાંથી તમને આખું સરાહન દેખાય અને ત્યાં ખૂબ જ સારી હવા ચાલે છે. આ જગ્યા પણ ઊંચાઈ પર હોવાને કારણે એને હવા ઘર નામ આપેલું છે. હવા ઘર થી નીકળી અમે તરત જ જીંજુરાના બર્ડ સેન્ચ્યુરી જોવા ગયા.
મારી અને કુલ્લા સિવાયના બધા લોકોએ બર્ડ સેન્ચ્યુરીનો આનંદ લીધો. અમારા બધામાંથી ડોક્ટર (ડો. કૃણાલ ચંદારાણા) એ પક્ષી વિંદ ગણાય અને એમને પક્ષીઓ જોવાનો ખૂબ શોખ. એટલો બધો શોખ છે કે ઉડતા પક્ષી ને જોઈને કહી દે કે નર છે કે માદા! મને અને કુલ્લાને બર્ડ સેન્ચ્યુરી માં કોઈ રસ ન હોવાને કારણે અમે એવું નક્કી કર્યું કે અમે અમારા આગળ ના પડાવ ચિતકુલ માટે રવાના થઈ જઈએ. હું અને કુલ્લો એક હિમાલયન બાઈક લઇ અને ડબલ સવારી ઉપડ્યા ચિત્કુલ જવા.
ચિત્કુલ એક અવિસ્મરણીય અનુભવ
હું અને કુલ્લો પેલી વાર ડબલ સવારી માં હતા. બેયનું ઓલમોસ્ટ 170KG વજન હિમાલિયન બાઇક ઊચકતું હતું પણ બાઇક ને કઈ ફેર પડતો નહોતો. સ્પીતી વેલી ટ્રીપ ની એક ખાસિયત એ છે કે કોઈપણ એક લોકેશન પૂરું કરી બીજા લોકેશન પર જવાનું હોય ઍટલે હાઇ એલ્ટીટ્યુડ માથી પેલા લો એલ્ટીટ્યુડ માં આવવાનું અને સાંજ પડે અને લોકેશન પર પોચો ઍટલે વળી પાછા ઠંડી માં થથરતા બરફ ના પહાડો ની સામે આવી ને ઊભા રહી ગ્યાં હો. આ બેય લોકેશન વચ્ચે ની મજા ઍટલે રોમાંચ, સાહસ અને કુદરતે વિખેરેલી સુંદરતા. જ્યાં જ્યાં અમે ફર્યા ત્યાં પહાડો ના રંગો, રસ્તા ની આંટી ઘૂંટી એક બીજાથી તદ્દન અલગ મળે.
અમે બેય ભેરુ અમારા બીજા સાત મિત્રો થી 40KM આગળ હતા કેમ કે ઇ લોકો બર્ડ સેંચુરી જોવા રોકાયેલા અને અમે વેલા નીકળી ગયેલા. કુલ્લો ડ્રાઇવ કરતો હતો અને હું પાછળ બેઠો કુદરતે ગોઠવેલી મસ્ત વેલી ને એન્જોય કરતો હતો. વચ્ચે વચ્ચે ઘણી એવી જગ્યાઓ આવે ત્યાં ફોટા લઈ લેતો. ફોટા પાડવામા માટે પેલા તમારે હાથ મોજા કાઢવાના પછી એ મોજા ને જેકેટ ના પોકેટ માં અથવા બે પગ વચ્ચે રાખવાના અને પછી મોબાઇલ પોકેટ માઠી બહાર કાઢવાનો. મને યાદ છે કે કેટલીય વાર મે ફોટા માટે આ વિધિ વારંવાર કરી હોય. તમને વારાઘડીએ નવો નજારો જોવા મળે અને તમારાથી એનો ફોટો લીધા વગર રેહવાઇ નહીં. આમ કરતાં કરતાં અમે બેય એક સુંદર પાણી ના ધોધ પાસે કે જે રોડ ના એક મસ્ત ફોટોજેનિક ટર્ન પાસે હતો. અમે ત્યાં બાઇક પાર્ક કરી અને બેય ધોધ પાસે અંદર ગયા અને થોડો ટાઇમ ત્યા બેઠા. રોડ નો ટર્ન એટલો મસ્ત હતો કે બેય એ એક બીજાનો હિમાલિયન બાઇક ચલાવતો સોલો વિડિયો લીધો. આ બધુ કરીને પાછળ રહેલા મિત્રો ને ફોન કર્યો તો જાણવા મળ્યું કે હજી એ લોકો અમારાથી ઘણા પાછળ છે. અમે રાહ જોવાને બદલે આગળ જવાનું અને સાંગલા નામની જગ્યા એ હોલ્ટ લઈ ત્યાં બાધાએ ભેગાં થવાનું નક્કી કર્યું. અમે બેય વળી પાછા બાઇક લઈ નીકળ્યા અને બે કલાક પછી એક સુંદર મજાનાં પૂલ પર બાઇક ઊભું રાખી ઘડીક વાર આર્મ ગાર્ડ હેલ્મેટ અને લેગ ગાર્ડ કાઢ્યા. હેલ્મેટ ઉતારો ઍટલે વાળ ચપટા અને પાછળ થી કૂકડાં જેવા થઈ જાય. લાઈફ માં આટલું હેલ્મેટ તો કોઈ દિ કોઈએ પહેર્યું નોતું. હેલ્મેટ પેરવાં કાઢવા માં પણ વિધિ એવી કે પેરતી વખતે પેલા ચશ્મા કાઢવાના, પછી હેલ્મેટ ખોસવાનું અને પેરીને બકકલ બંધ કરવાનું. હેલ્મેટ પેરાઈ ગ્યાં પછી ચશ્મા કે ગોગ્લ્સ હેલ્મેટ ની બારી માથી પરાણે ધક્કો મારીને ચશ્મા ની ડાંડલી કાન પર ગોઠવાઈ ન જાય ત્યાં સુધી મથામણ કરવાની. આવી સેમ વિધિ રિવર્સ માં હેલ્મેટ કાઢતી વખતે કરવાની. હેલ્મેટ સિલેક્ટ કરતી વખતે આ બધુ ખાસ યાદ રાખવું. અમે ઉતાવલિયા થઈ ને જે હાથ માં આવી એ હેલ્મેટ લઈ લીધી હતી. ચશ્મા સરખા ગરકી જાય છે કે નહીં અને ફિટ્ટિંગ સરખું છે કે નહીં એ બોવ ચેક નોતું કર્યું.
પૂલ પર ઊભા રેતા ની સાથેજ જોરદાર પવન ફૂકાનો અને એવો પવન કે આપડે ફાંગોળાઈ જઇયે. ત્યાં પણ અમે સારો એવો ટાઇમ પાસ કર્યો. જે રીતે વાતાવરણ સર્જાયું એ જોતાં એવું થયું કે આગળ જતાં વરસાદ પડી શકે છે. બીજા લગભગ બે કલાક પહાડો વચ્ચે નો આનંદ લેતા અમે કરચ્છમ ડેમ પોહચ્યા. બોવ મોટો ડેમ છે અને પૂલ પણ મસ્ત છે. નદી ના ખળખળ વેહતા પાણી તમને સરસ મજાનું સંગીત પીરસે. આ લખુંછું ત્યારે એ જગ્યા નું તાદ્રશ્ય મારી સમક્ષ ખડું થઈ જાય છે. આ લખતી વખતે મને ખરેખર ફરી સ્પીતી માં જતો રહ્યો હોવ એવુ લાગ્યું. આશા છે કે તમને વાંચન થકી સ્પીતી ની જાંખી કરાવી શકું.
કુદરત ની ત્યાની કરામત ને શબ્દો માં કેહવું બોવ અઘરું છે પણ આ વાચ્યા પછી તમે આની સફર ખેડો તો પણ ઘણું ઘણું. કરચ્છમ ડેમ થી અમે પહોચ્યા સાંગલા ગામ માં. અહી અમારે અમારી ગેંગ ની રાહ જોવાની હતી. બપોરે 2 વાગી ગ્યાં હતા અને ભૂખ પણ લાગી હતી ઍટલે અમે એક મીઠાઇ ની દુકાન માં કે જ્યાં ચાયનિસ અને પરાઠા વિગેરે પણ મળતું હતું. જેવાં અમે બેય બાઇક પાર્ક કરી એ રેસ્ટોરન્ટ કમ મીઠાઇ શોપ માં પહોચ્યા તો ત્યા ડિસ્પ્લે કરેલી મીઠાઇ જોઈ અમે બેય પાણી પાણી થઈ ગ્યાં. જમવાનું મગાવતાં પેલાં બેય એ ગુલાબજાંબુ, ચમચમ અને રસગુલ્લા ના બે બે નંગ મગાવ્યા. ઓહો હો, કેવો આનંદ આવ્યો હતો એ મીઠાઇ ખાવામાં કેમ કે 3 દિ થી સાવ સાદું ભોજન લીધેલું. બધે આ સાદા ભોજન ટેસ્ટી હતા પણ વેરાઇટી નોતી ઍટલે અમને મીઠાઇ માં મોજ પડી. પછી અમે ચાઉમિન અને સમોસા મગાવ્યા અને એ પણ મસ્ત હતા. અમને હતું કે અમે લંચ લેશું ત્યાં સુધીમાં મિત્રો આવી જશે પણ લગભગ એકાદ કલાક રાહ જોયા પછી પણ ન આવ્યા. અમારા બંને ના ફોન માં નેટવર્ક ન હતું ઍટલે સંપર્ક ન થયો. દુકાનવાળા ના ફૉન થી પણ મેળ ના પડ્યો. અમે જોયું કે આગળ જતાં વાતાવરણ બગડ્તુ હોય એવુ લાગ્યું અને વરસાદ ના એંધાણ હતા ઍટલે અમે ત્યાથી આગળ ચાલવાનું નક્કી કર્યું.
અમે પાછા બાઇક પર આગળ નીકળ્યા. હું બાઇક ચલાવતો હતો અને કુલ્લો પાછળ બેઠો હતો. લગભગ 10 કિમી આગળ હશું ત્યાં તો વરસાદ ના છાંટા ચાલુ થ્યા. અમારી માટે વરસાદ માં બાઇક ચલાવાનો આ પેહલો અનુભવ હતો. હજી રેનકોટ કે પોંચો કાઢવાની જરૂર નતિ કેમ કે બોવ મોટાં છાંટા નોતા પણ બીક ગરી ગઈ હતી કે આગળ કેવું હશે. અમે અમારી રેનકોટ અને પોંચો રાખેલા ઍટલે ધરપત હતી. હજી થોડા આગળ ગ્યાં ત્યાતો અમે જોયું એક મહાકાય ગીધ એક મોટી ચટ્ટાન પર રસ્તા ની સાવ નજીક બેઠું હતું. મે તરત બાઇક ધીમી કરી અને બેય એ મોજા ફટાફટ કાઢી અને મોબાઇલ માં મસ્ત ફોટા લીધા. અમે જેવાં એની સાવ પાસે બાઇક જેવી લીધી કે ગીધ ઘાટિ તરફ ઊડી ને ચક્કર મારવા લાગ્યું. એવુ લાગ્યું કે એ ત્યાથી અમારી જવાની રાહ જોતું હતું અને અમે ગીધ ની ફરી એજ જગ્યાએ બિરાજે એની રાહ જોતાં હતા. છેવટે અમે ત્યાથી ચાલતી પકડી કેમ કે હજી ઘણી લાંબી સફર ખેડવાની હતી. આ રુટ ધાર્યા કરતાં ઘણો લાંબો લાગતો હતો.
હજી માંડ બીજા 10 કિમી આગળ ગ્યાં હસુ ત્યાં તો સ્નો ફોલ ચાલુ થયો! આનંદ હી આનંદ પરમ આનંદ! પેહલા તો અમે બાઇક ઊભું રાખી અને સ્નો ની મજા લૂટવા માંડ્યા. ચંદ મિનિટ માં ભાન થયું કે પેલાં પોંચો પેરી લઈ ઍટલે અમે બાઇક ને એક ચટ્ટાન નીચે લઈ ગ્યાં અને વરસાદી વાઘા ચડાવ્યા. વળી બેય પાછા સ્નો ફોલ ની મજા લેવા માંડ્યા. હવે સ્નો ફોલ બમણી ગતિ થી વધવા લાગ્યો અને ઠંડી અમારી માટે ચાર ગણી જડપે વધવા લાગી. અમે ચાલુ સ્નો ફોલે બાઇક પર ચિત્કુલ તરફ જવા નીકળ્યા. હું બાઇક ચલાવતો હતો અને કુલ્લો પાછળ થથરતો બેઠો હતો. સ્નો ફોલ માં હેલ્મેટ ની બારી બંધ રાખીએ તો દેખાઈ નહીં ઍટલે ખુલ્લી બારી એ સ્નો મારા મોઢા માં આવવા લાગ્યો અને હું સ્નો ને ફૂક મારતો ઉડાડતો રહ્યો ને બાઇક ચલાવતો રહ્યો. મને આવી પરિસ્થિતી માં પણ ખૂબ મજા આવતી હતી કેમ કે આવું લાઇફ મા ફરી ક્યારેય થાય કે નો થાય અત્યારે આ પળ જીવી લેવું હતું. જોકે કુલ્લા ની લીટરલી ફાટતી હતી કેમ કે કુલ્લા ને સખત ઠંડી લાગતી હતી અને એ થોડો ચૂપચાપ થઈ ગ્યો હતો. કુલ્લા એ મને બાઇક રોકી અને ક્યાક હોટેલ કે ગમે ઇ જગ્યા એ ઊભા રઈ જવા કહ્યું પણ મે એને સંતવાના આપી કે મને બાઇક હંકારવા મા કોઈ વાંધો નથી. આખરે મને લાગ્યું કે ભાઈ ને ખરેખર બોવ ઠંડી લાગી ગઈ હશે અટલે મે બાઇક ને એક ઘર તરફ રોકી અને ત્યાં પાર્ક કરી. સ્નો ફોલ હેવી થઈ રહ્યો હતો અને કોઈ ઘર ખુલ્લુ નોતૂ કે કોઈ માણસ પણ દેખાતું નોતું. અમે રસ્તા પર એકાદ બે ઘરમા અંદર જવાની ટ્રાય કરી પણ ઘર ની આડશ કાંટાળી હોવાથી ખૂલી નહીં. સ્નો મા હજી થોડું ચાલ્યા ત્યાં અમે એક ગેસ્ટ હાઉસ જોયું અને અંદર ઘુસ્યાં. ગેસ્ટ હાઉસ નું રિસેપ્શન ખુલ્લુ હતું પણ કોઈ માણસ દેખાયું નહીં. અમે હેલ્લો..હેલ્લો કર્યું પણ કોઈ આવ્યું નહીં અટલે કાઠિયાવાડીમા “માય ગ્યું” બોલી મોજા કાઢ્યા, બેય એ બેગ ઉતારી અને રૂમાલ થી મોઢા સાફ કર્યા. થોડીવાર મા ગેસ્ટ નો રખેવાળ અંદર થી આવ્યો અને અમને કે “ કૌન હે આપ લૉગ?”. અમે એને સિચુએશન સંભળાવી અને એને અમને એક કાફે કે જે આ જગ્યા થી માત્ર 2 કિમી દૂર હતું ત્યાં જવા કહ્યું અને એમ પણ કહ્યું કે આ ગેસ્ટ હાઉસ આ કાફે નાજ માલિક નું છે. ગેસ્ટ હાઉસ નો રખેવાળ અમને ખૂબ ભલો આદમી લાગ્યો. જોકે હિમાચલ ના બધા લોકો એકદમ પ્રમાણિક અને મદદગાર સ્વભાવના લાગ્યા. અમે કાફે નજીક માજ હોવાથી ત્યાં જવાનું નક્કી કર્યું. વળી પાછા વાઘા પેર્યા અને સ્નો મા ચાલતા ચાલતા બાઇક સુધી પોહચ્યા. બાઇક ચાલુ કરી અને મે આગળ ચલાવે રાખ્યું અને રોડ ની બેય બાજુ અમે જે કાફે નું કીધું હતું એને ગોતવા લાગ્યા. બોવ અઘરું નામ હતું કાફે નું પણ બે કિમી ના અંતરે અમે ત્યાં પોચી ગયા. અમે ત્યાં પોચ્યા ત્યાં તો એટલો બરફ પડી ચૂક્યો હતો કે પૃથ્વી એ બરફ ની ચાદર ઓઢી લીધી હોય. આ કાફે જ્યાં હતું એ ગામ હતું “રક્ષમ”. અમે રક્ષમ ગામ મા હતા. શું કાફે હતું મિત્રો. કેવું સરસ એનું રાચરચીલું અને સરસ મજાની બેઠક વ્યવસ્થા. આ કાફે બે માળ નું હતું. પેલાં તો અમે બેય અંદર જઈ ને સીધા ત્યાં રાખેલા રૂમ હીટર સામે ગોઠવાઈ ગ્યાં અને ગરમા ગરમ કોફી ઓર્ડર કરી અટલે કુલ્લા (કુલદીપ) ની ઠંડી ઊડે! હું સખનો નોતો રેતો અને વારા ઘડીએ કાફે ની બાહર આંગણા મા બરફ હાથ મા લઈ રમવા લાગતો. મજેદાર કોફી અમે બેય એ પીધી પણ કુલ્લો કાઇ મૂડ મા નોતો કેમ કે ભાઈ ને ઠંડી હજી બોવ લાગતી હતી અને અમે બેજ હતા અહયા અને બાકીના ભેરુ નો કોઈ અત્તોપત્તો નોતો. નેટવર્ક તો હજી નોતું અમારા મોબાઇલમા. અમારી બેય પાસે વોડાફોન અને જીઓ નું નેટવર્ક હતું પણ બેય નોતા ચાલતા. મે કુલ્લા ને મારા ફોટા પાડી દેવા કહ્યું પણ એને મને “માય ગ્યાં ફોટા” એમ કહી કીધું કે પેલાં ઓલા લોકોનો કોંટેક્ટ કરવા કહ્યું. થોડીવાર મા મે કાફે ના માલિક ને મોબાઇલ મા વાત કરતાં જોયા અને એની વાત પૂરી થતાં મે એને એક ફોન કરવા વિનંતી કરી. ઇ માલિક ના મોબાઇલ મા એરટેલ નું નેટવર્ક હતું જે મે થોડા સમય પેલાજ પોર્ટ કરાવી નાખેલું. મે તરત અવલા ને ફોન કર્યો અને ફૉન ઉપડતાજ એને અમને કીધું “ ક્યાં છો લગ્ગાવ ?” મે એને જેવુ કીધું કે અમે સાંગલા થી દૂર 20 કિમી ના અંતરે હેવી સ્નો ફોલ વચે એક કાફે મા સલવાના છીયે તો “સ્નો ફોલ” સાંભળી ઇ લોકો પાચમી મિનિટે મારતી ગાડીએ સાંગલા થી નીકળ્યા. ઇ લોકો સાંગલા થી અમને સતત ફોન કરી અમારી ભાળ મેળવવા પ્રયત્ન કરતાં હતા. સ્નો ફોલ એ નસીબ હોય તો આપડે જ્યારે ગ્યાં હોય ત્યારે જોવા મળે અને આ તક અમારી પાછળ રહી ગયેલા મિત્રો ગુમાવવા નોતા માગતા. મે એમને બાઇક ધીમે ચલાવવા ચેતવી દીધેલાં કેમ કે સાંગલા થી આવતા રોડ પર બરફ ને લીધે બાઇક સ્લીપ પણ થઈ શકે અને પોંચા પેર્યા હોવા છતાં ભીના થવાની પૂરી સંભાવના હતી. કુલ્લો થોડો નોર્મલ થયો અટલે ફરી મે એને બાહર આવી ફોટો પાડવા કહ્યું અને અમે ખૂબ ફોટોગ્રાફી કરી. અહી કુલ્લો અટલે બધે કુલદીપ વાંચવું નહિતર હસવું વધુ આવશે. અમે સ્વર્ગ મા હોવાનો અનુભવ કર્યો અને સ્પીતી વેલી ની ટુર પુરી થતાં એવું તારણ કર્યું કે SWITZARLAND જવાની કાઇ જરૂર નથી કોઇએ કેમ કે આપડે ત્યાજ આટલું સરસ કુદરતે આપ્યું છે.
કોફી પીધા પછી મે ઠંડી ના લીધે વળી પાછી એક ચા નો ઓર્ડર કર્યો. મે ફોન કર્યા ને દોઢ કલાક પછી અમારા લંગોટિયા મિત્રોને આઘેથી કાફે માથી આવતા મે જોયા એટ્લે અમે બેય એ બાહર નીકળી એમને હાથ ઊચા કરી એમને દિશા સૂચન કર્યું. અમે જોયું.. આ શું? અવલા અને બાપુ ની સાથે અમારા ટુકા પના ના નિકોબાર ના રાજા એકલા બાઇક પર આવી રહ્યા હતા. અમે તો એમની હિમ્મત ની દાદ દીધી કે આવું શરીર લઈ અને ઇ પણ ચાલુ સ્નો મા પોતાના પગ નીચે જમીન ને પોચાડી પોચાડી ને કાફે સુધી બાઇક સવારી કરી. ક્રષ્ણ ને સુદામા મળે એમ અમે ચાલુ સ્નો ફોલ મા એકબીજાને મળ્યા. આ સમય ની એક પળ પણ ગુમાવ્યા વગર બધા સ્નો ને માણવા લાગ્યા. કાફે ના આંગણ મા બરફ મા ખૂબ રમ્યા અને ખૂબ ફોટા પાડયા. કેટલાય પ્રકારના વિડિયો લીધા અને બધાએ કોફી નો સ્વાદ માણ્યો. જેમની પાસે એરટેલ નું નેટવર્ક હતું તેમણે ઘરે વિડિયો કોલ કરી અને સ્નો ફોલ અને બરફ ની ચાદર પથરાએલિ બતાવી. મે પણ ઓલા કાફે વાળા બેંગોલી માલિક નો ફૉન લઈ અને ઘરે ફોન કર્યો. મારી વાઇફ ધવલ અને આરવ આ જોઈને ખુશ ખુશાલ થઈ ગ્યાં. આરવ મારો દીકરો તો વિડીયો કોલ મા અહી લઈ જવા જિદે ચડી ગ્યો. બધાના ઘરના ફૉન મા નજારો જોઈ ને ખુશ થઈ ગયા.
મે અને કુલ્લા એ ઓછા મા ઓછી 4 કલાક સ્નો મા અને કાફે મા ગાળેલી અટલે મે કાફે ના સ્ટાફ ને પૂછી લીધેલું કે હવે ચિત્કુલ માટે ચાલુ સ્નો એ કે સ્નો ફોલ અટકે તો આગળ જવું કે કેમ. ચિત્કુલ રક્ષમ થી 10 કિમી હતું પણ સ્ટાફ ના માણસે અમને આગળ નો જવા કહ્યું કેમ કે બાઇક સ્લીપ થવાના ફૂલ ચાંસ હતા. મે મનોમન નક્કી કરી રાખેલું કે મિત્રો આવે અટલે અહિજ ક્યાક હોટેલ મા રોકાઈ જવું અને બીજા દિવસે સવારે ચિત્કુલ માટે નીકળવું. મિત્રો પણ પછી આમજ કરવા માગતા હતા કેમ કે ઇ લોકો આવ્યા અને એકજ કલાક મા હવે અંધારું થવા લાગ્યું હતું.
રાત્રિ રોકાણ માટે અમારી પાસે બે ઓપ્શન હતા. આ કાફે ના માલિક નાજ કોટેજીસ 2 કિમી દૂર હતા અને બીજું હતું પેલું ગેસ્ટ હાઉસ કે જ્યાં હું ને કુલ્લો બરફ મા પનાહ લેવાં અંદર ઘુસ્યાં હતા. કોટેજીસ માટે ભૂરા એ ખૂબ બારગેન કર્યું પણ માલિક નોજ માન્યો. ભૂરો અટલે એવો ખેલાડી કે જે ટ્રીપ મા હોય અટલે તમારા ઘણા રૂપિયા બચી જાય એવું બારગેન કરી જાણે. આ પણ એક કળા છે હો મિત્રો કે જે તમને થોડી વાર રાહ જોવાથી અને વાતો કરવાથી તમારી પસંદગી ની જગ્યા કે પસંદગી ની વસ્તુ તમારા ભાવે મળી શકે.
ખેર, ખાલી રાત કાઢવાની હોવાથી અમે ઓલા ગેસ્ટ હાઉસ મા રોકાવાનું અને બ્રેકફાસ્ટ સાથે નક્કી કર્યું. રાજાજી (પિન્તુડો) થોડા વધુ પલળી ગ્યાં હતા અને હવા પણ પાતળી હતી તેમ છતાં હોટેલ ના પેલાં માળ વાળા રૂમે ઉતાવળે ચડી ને આવ્યો અને એમાં કદાચ એને ઠંડી ચડી અને હાફ ચડી ગ્યો. અમે રાજા ને તુરંત બેડ પર ત્રણ ચાર ધાબળા ઓઢાડી સુવડાવ્યા અને એમની લગોલગ રૂમ હીટર રાખી દીધું.
અમે રૂમ ની સાઇઝ અને બેડ ની સાઇઝ જોઈ કેટલા રૂમ લેવાં ઇ નક્કી કરતાં. ભૂરો (વિશાલ) અને ડોક્ટર આ કામગીરી સુપેરે નિભાવી જાણતા. બેય ને આ બધી બાબતો મા કોઈ નો પોગે. અમે વચે વચે અની કાઢવા જઈયે પણ લગભગ એમને બરાબર નિર્ણય લીધો હોય. થોડીવાર મા રાજાજી ઓકે થઈ ગ્યાં અને થોડીવાર મા અમે એક રૂમ મા ગોઠવાના અને અમારી મેહફિલ જમાવી. કુલ્લો એનું સ્પીકર લઈ આવ્યો અને પ્યાર હમે કિસ મોડ પે લે આયા, યે દોસ્તી હમ નહીં છોડેન્ગે જેવા ગીતો ગાવા અને વગાડવામાં આવ્યા. રાજાજી એ ડાંસ મા એના ગજબ મુવ્સ બતાવ્યા. છેલ્લે જમાલ કૂંડું ના ગીત મા અમે સૌ એ પેલો ગ્લાસ માથે રાખી સિગ્નેચર સ્ટેપ કર્યો.
આખરે લગભગ રાતના 10 વાગે નીચે રસોડા માથી હરિ હર નો સાદ પડ્યો અને અમે નીચે જમવા ઉતાર્યા. અહી મેનૂ મા મિક્સ વેજ, રોટી, પીળી દાળ અને ભાત ફિક્સ હોય. અટલે એમાં કાઇ વેરાઇટી નો મળે. ગમે ત્યાં જાવ આ મેનુજ મોટાભાગે મળે. કોઈ જગ્યા એ તમને ચાઉમીન મળી જાય. જૈન હોવ તો પણ કોઈ ને વાંધો નો આવે. ખરેખર આવું સાદું ભોજન તમને ટ્રીપ મા માંદા પડતાં બચાવે અટલે આમ જોતાં આ ભોજન ખાવું યોગ્ય ગણાય. ભોજન કરી અમે બધા આગલા દિવસ નો પ્લાન કરી અને સુવા જતાં રહ્યા.
સવારે બધા વેહલાજ ઉઠી ગયેલા કેમ કે ઊંઘ આવી જગ્યા એ વહેલીજ ઊડી જતી હોય છે. ઉઠી ને તરત અમે ગેસ્ટ હાઉસ ની નીચે ગયા અને જોયું તો ચારે તરફ બરફ ની ચાદર. જાડ પર, પહાડ પર, રોડ પર, ડાળી, ગેસ્ટ હાઉસ ની છત પર, બારી પર પર બધેજ બરફ! આહા! કેવું દ્રશ્ય હતું આ જાણે કે અમે કોઈ આઇસ લેન્ડ માં હોઈએ. વળી, અમે મોબાઇલ કાઢ્યા અને મન ભરીને કુદરત ના આ રૂપ ને કૅમેરા માં કેદ કર્યું.
સવારના નજારા નો આનંદ લઈ સૌ કોઈ હાથ મોઢું ધોવા અને તય્યાર થવા પોત પોતાના રૂમ માં ગયા. નહાવાનું તો હતુજ નહીં કેમ કે અહયા પાણી ની બધી લાઇન મે કે જૂન મહિના માં ખૂલે જ્યારે બરફ ઓછો થાય. ત્યાં સુધી એ ઠંડી ની જામી જાય. અમને 2 જણાં વચ્ચે ગરમ પાણી ની એક ડોલ આપવામાં આવતી અને એમાં અમારે હાથ પગ ધોઈ લેવાના. ટોઇલેટ માટે એક ડોલ અલગ આપતા અને એમાજ ચલવી લેવાનું કેમ કે ત્યાં બધી હોટેલ વાળા બિચારા દૂર થી પાણી ભરી ને લાવતા હતા. આ રક્ષમ ગામ થી નહીં નહાવા નો સિલસિલો ચાલુ થયો હતો અને અમે લગભગ 4 દિ નોતા નાહયા!
બધા તય્યાર થઈ ને નીચે આવ્યા બાદ નાસ્તા માં અમે પૂરી અને સબ્જી જોડે ચા પીધી. નાસ્તા બાદ અવિરતે ડ્રોન ઉડાડયું અને એમાં નયનરમ્ય વિડિયો લીધો. એકવાર તો ડ્રોન એટલું દૂર મોકલ્યું કે એને ગોતવા ગેસ્ટ ની અગાસી પર જાવું પડ્યું અને ભારે જેહમત બાદ એ દેખાયું. ડ્રોન માં અવિરત ને બોવ વાર લાગી અને અમે બધા એકદમ રેડી થઈ એની રાહ જોતાં હતા. અવિરત એનું ડ્રોન ગોતી પાછું લાવે ત્યાં સુધી માં મે અને રાજાજી એ એક બીજા ના બરફ ને આવરી લેતા બેસ્ટ ફોટા પાડ્યા. મારી લાઇફ માં મારા બેસ્ટ ફોટા આજ છે એવું મારૂ માનવું છે. જેકેટ સાથે, જેકેટ વગર, ગોગ્ગ્લ્સ સાથે, ગોગ્ગ્લ્સ વગર, ટોપી સાથે વિગેરે અઢળક અલગ અલગ રીતે અમે બોવ ફોટા પાડ્યાં.
અમે ચિત્કુલ જવા માટે માત્ર બે બાઇક લેવાનું નક્કી કર્યું કેમ કે આગળ બરફ ને લીધે રોડ ચીકણો અને સ્લીપરી હતો. ચિત્કુલ ઍટલે “લાસ્ટ વિલેજ ઓફ ઈન્ડિયા”. પછી ઇન્ડો ચાઇના બોર્ડર છે. અમારે ચિત્કુલ થી આમ પણ આજ રોડ પર પાછા આવવાનું હતું ઍટલે બે જણા બાઇક પર નીકળ્યા અને બાકીના કાર માં. સામાન અમે ગેસ્ટ હાઉસ માજ નીચે રેડી કરી રાખ્યો હતો અને વળતાં લઈ લેવાના હતા.
જેવા અમે પેલા કાફે પાસે પહોચ્યા તો યાદ આવ્યું કે હેલ્મેટ તો ઘાય ઘાય માં લેવાનું ભૂલી ગ્યાં ઍટલે ચિગલો અને અવલો પાછા ગેસ્ટ હાઉસ ગ્યાં. એ બેય ને આવતા વાર લાગી અને આવ્યા બાદ કારણ પૂછ્યું તો કે અમે બેય બાઇક પર થી આવતી વખતે “ ઢોળાય” ગ્યાં હતા. કોઈને લકીલી વાગ્યું નહતું કેમ કે હિમાલિયન બાઇક માં પડવાની પણ એક કળા છે. જેવુ તમને લાગે કે બેલેન્સ ગયું અને તમે પડવાના છો ઍટલે તરત બાઇક ને પડી જવા દેવાનું, એને કંટ્રોલ કે આમતેમ ઊભું કરવાની મથામણ નહીં કરવાની. તમારે તમારી જાત સંભાળી લેવાની અને બાઇક ને મૂકી દ્યો તોઈ બાઇક ને કઈ નહીં થાય. આ બાઇક એકલા થી તો ઊભું નોજ થાય ઍટલે એને ઊભું કરવા બે જણા તો જોવેજ. અરે, બાઇક ખાલી લડી જાય તોઈ એને સીધું કરવામાં પણ પગ માં તાકાત જોવે કા કોઈ બીજો આવી ને પ્રસંગ સંભાળે તો મેળ પડે!
બાઇક ના વર્ણન પરથી એવું નો વિચારતા કે હિમાલિયન ને બદલે બીજા બાઇક લેવાઈ. નો! હિમાલિયન માજ જવાય કેમ કે ગમે એવા રોડ હોય, ખાડા, ટેકરા, ઊચાઇ, પાણી, બરફ, પત્થર બધા માં સહલાઇ થી ચાલે. બસ મે અગાઉ જણાવ્યુ તેમ – આ બાઇક ને થોડું નિયમ મુજબ ચલાવવું પડે.
ચિત્કુલ રક્ષમ ગામ થી માત્ર 10 કિમી હતું. અમે બધા કાર માં અને અવિ, ચિગ્સ અને બાપુ બાઇક પર હતા અમે કાર માં બાઇક વાળા કરતાં ખાસ્સા વેહલા પોગી ગ્યાં હતા. ચિત્કુલ તો કઈ જગ્યા છે દોસ્તો. કેટલાઈ લેન્ડસ્કેપ એક સાથે આ 10 કિમી માં જોવા મળ્યા. અમે કાર માથી વારંવાર નીચે ઉતરી જતાં હતા અને ફોટા પાડવા લાગતાં. અમારો ડ્રાઇવર કંટાળી ગ્યો અને કેહવા લાગ્યો કે “ આગે અભિ ઔર નજારે હે”. પણ સાચું કવ તમને તો મિત્રો જ્યારે તમને જે જગ્યા મસ્ત લાગે ત્યારે ત્યાં તમને ગમે એટલો સમય ગાળિજ લેવાનો. હજી આનાથી વધુ સારું આગળ હશે એમ માની ને ત્યાથી ભાગ ભાગ નહીં કરવાનું. ફોટા લેવાના, ત્યાં થોડીવાર બેસવાનું અને મન ભરીને કુદરત ને માણવી.
આખરે અમે ચિત્કુલ “લાસ્ટ વિલેજ ઓફ ઈન્ડિયા”. પહોચ્યા અને જોયું તો ઢગલા બંધ ટુરિસ્ટ ત્યાં મજા કરતાં હતા. ચારે બાજુ બરફ ના પહાડ અને નીચે ખળખળ વેહતી બસપા નદી ચિત્કુલ ની શોભા વધારતું હતું. હું ભૂરો, રાજાજી, બિજ્લો અને કુલ્લો અમે બધા ત્યાં અમારા બાઇક પર સવાર મિત્રો ની રાહ જોતાં હતા. એમને અહયા આવતા બોવ વાર લાગી. એ લોકો આવ્યા પછી ખબર પડી કે વચ્ચે બાપુ ની બાઇક સ્લીપ થઈ ગઈ હતી ઍટલે વાર લાગી. અમને હતુજ કે કોઈ તો લપ્ટ્યુજ હસે તોજ વાર લાગે અને એમાં આ વખતે બાપુ નું નામ ખૂલ્યું. રાહ જોવો હજી ઘણા લપટવાના બાકી છે આગળ જતાં!
ચિત્કુલ જેમ લાસ્ટ વિલેજ ઓફ ઈન્ડિયા છે એવિજ રીતે અહયા લાસ્ટ ધાબા ઓફ ઈન્ડિયા પણ તમને જોવા મળશે અને ત્યાં ખાવા પીવાની મજા પણ અલગ છે. અહીનું વાતાવરણ મિત્રો ખૂબ જોરદાર પણ વીંડી અને ઠંડુગાર ઍટલે સાંજે કે રાતે અહી રોકાવા કરતાં રક્ષમ માં રોકાઈ જવું વધુ સારું. ચિત્કુલ માં પણ રેહવા માટે અમુક જગ્યા છે પણ જો રક્ષમ માં -10 ડિગ્રી હતું તો અહયા તો આપડા હાંજા ગગડી જાય.
ચિત્કુલ માં પણ ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ જેવી એક્ટિવિટી થાય છે. જો રાત્રિ રોકાણ કરો તો રાત્રે આકાશ માં સ્ટાર ગેજીંગ મિલ્કિ વે જોવાનો લાહવો મળી શકે. હા, અહીની ઠંડીનો સામનો કરવાની તયારી હોવી જોવે. અમારે ચિત્કુલ થી નાકો સુધી નું લાંબુ અંતર કાપવાનું હોવાથી અમે અક્ટિવિટી નું માંડી વાળેલું. ડોક્ટર ને ઈચ્છા હતી ઝિપ લાઇન કરવાની પણ હજી એને શરૂ થવા માં કઈક વાર હતી ઍટલે અમે આગળ ચાલ્યા. અમે ચિત્કુલ થી આગળ ઇન્ડો ચાઇના બોર્ડર કે જેને નગસ્તિ ITBP પોસ્ટ કેહવાય તે તરફ બધા એક સાથે નીકળ્યા. આ બોર્ડર પર પહોચ્યા અને ચારે બાજુ બરફ ની અને ઠંડા પવન વચ્ચે આપણાં દેશ ના જવાનો ચોકી પર અત્યાધુનિક દૂરબીન અને ગ્લેશિયર માં પેહરવાના ચશ્મા સાથે રક્ષણ કરતાં હતા. એમની સાથે ઘણી વાતો કરી અને જાણ્યું કે હજી બીજા 40 કિમી પછી ચાઇના સાથે ની LOC આવે. વિચારી નેજ થથરી જવાય કે હજી ચિત્કુલ થી બીજા 40 કિમી પછી આવી ઠંડી માં આપના બીજા જવાનો ત્યાં પેહરો ભરે છે. અમે જવાનો સાથે અને આજુબાજુ ના ફોટા લેવા માગતા હતા પરંતુ જવાનોએ આ કરવાની મનાઈ હોવાનું જણાવ્યુ.
અમે હવે ચિત્કુલ ને સલામ ભરી રક્ષમ તરફ પાછા ફર્યા અને રક્ષમ થી અમે અમારો બધો સામાન લઈ, કાર ઉપર બાંધી નીકળ્યા નાકો તરફ
નાકો – એક ઠંડોગાર અનુભવ
ચિત્કુલ થી નાકો એક ખૂબ લાંબો રન અમારે આજે કાપવાનો હતો અને હવે પછી ની બધી રોજની જર્ની અગાઉ કરતાં લાંબી થવાની હતી ઍટલે બધી જગ્યા જોતાં જોતાં સમયસર સાંજે અમે રાતવાસો વાળી જગ્યા એ પહોચી જઇયે એ પણ જોવાનું હતું
ડોક્ટર, ચિગલો, અવલો અને બાપુ બાઇક પર અને અમે બીજા બધા કાર માં નીકળ્યા નાકો જવા. મે અગાઉ કહ્યું એમ ફરી પાછું અમારે ઊચાઇ વાળી જગ્યા થી પેલા નીચે ઉતરવાનું અને સાંજે પડે ફરી પાછા એજ ખૂબસૂરત અને ઠંડાગાર પ્રદેશ માં પોચી જવાનું. અમારે નાકો વાયા સાંગલા, કરચમ ડેમ, સ્પીલો અને પૂહ થઈ પહોચવાનું હતું.
અગાઉ મે જણાવ્યુ હતું કે મે અને કુલ્લા એ મીઠાઇ ની મજા સાંગલા માં માણી હતી ઍટલે મારા મિત્રો ને પણ એ મીઠાઇ ખવડાવા અમે કાર સાંગલા માં રેસ્ટોરન્ટ કમ મીઠાઇ ની શોપ એ ઊભી રખવી. રાજાજી ઍટલે કે પિંટુડા ની ખાસ તાકીદ હતી કે સાંગલા કાર ઊભી રાખીએ ઍટલે સૌ પ્રથમ જુના સાધુ (OLD MONK RUM) ની તપાસ કરવી કેમ કે તોડી નાખે એવી ઠંડી માં એની જરૂર હતી. કાર સાંગલા ઊભી રાખી કે તરત હું અને બીજલો મીઠાઇ લેવા ગયા. પિન્તુડો કાર માં છેલ્લી સીટ પર બેઠો હતો ઍટલે એને બહાર આવવું હોય તો આગળ ની સીટ નમાવી અને બહાર નીકળવું પડે અને આગલી સીટ વાળા એ બહાર ઊતરવું પડે. આવી મગજમારી ન કરવી પડે ઍટલે પિંટુડા એ ડ્રાઇવર ની બાજુ માં બેઠેલા ભૂરા ને કીધું કે ભાઈ જરા બાહર નીકળી જો તો ખરો ક્યાય લીકર શોપ છે કે નહીં. ભૂરા એ વાત ને ગંભીરતા થી નો લીધી ઍટલે પિંટુડા એ કુલ્લા ને જવા કહ્યું તો કુલ્લા એ પણ વાત ને ટાળી દીધી એમ કઈ ને કે આગળ થી ક્યાક લઈ લેશું. આટલી વાર માં અમે મીઠાઇ લઈ અને કાર માં બેસી ગયા અને કાર હંકારી મૂકી. પિંટુડા નો પિત્તો ભૂરા અને કુલ્લા પર હલી ગ્યો હતો અને બેય ને એકદમ મોટા અવાજે પોતાની વાત ગંભીરતાં થી નો લેવા માટે ખખડાવી નાખ્યા. આ ખરેખર રાજા ના આદેશ નું ઉલ્લંઘન હતું અને રાજા ખરેખર કોપાઇમાન હતા.
થોડીવાર માં કાર નું વાતાવરણ શાંત થયું અને અમે કુદરત નો આનંદ લેતા લેતા ફરી પાછા ઊચાઇ થી નીચાણ વાળા એરિયા માં આવી ગયા હતા. લગભગ બપોરના 2 વાગી ગયા હતા અને સૌ ને ભૂખ લાગી ગઈ હતી પણ કોઈ સારી જમવાની જગ્યા આવતી ન હતી ઍટલે અમે પેટ્રોલ પમ્પ થી બાઇક વાળા મિત્રો ને ફોન જોડ્યો તો ઇ લોકો ઍક હોટેલ માંજ જમવા માટે હજુ પહોચ્યા હતા. ઇ લોકો અમારા થી 5 કિમી પાછળ હતા ઍટલે 5 કિમી પાછળ જઈ ને ઓલા મિત્રો સાથે જમવું કે આગળ ક્યાક આવે ત્યાં જમવું એમાં અંદરો અંદર થોડી માથાકૂટ કરી અમે 5 કિમી પાછળ જવાનું નક્કી કર્યું.
અમે તે હોટલ પર પહોચ્યા ઇ પેલા બાઇક વાળા મિત્રો એ જમવાનો ઓર્ડર આપી દીધેલો. ત્યાં ખુબજ ભીડ હતી અને બધા જમવાની રાહ જોતાં હતા. બે ત્રણ વાર ભૂરા ના ફોલ્લો અપ પછી જમવાનું આવ્યું અને એક બટકું લીધું ત્યાજ મારો જમવાનો મૂડ બગડી ગ્યો. સબ્જી માં સાલાઓ એ મશરૂમ નાખ્યા હતા. જમીને અમે થોડીવાર ધાબા ની બહાર લટાર મારી અને ધાબા ની પાછળ ની સાઈડ નીચે નદી જોઇ અને ત્યાં ઊભા રહ્યા.
મે વળી પાછું ડોક્ટર હારે બાઇક પર જવાનું નક્કી કર્યું અને બીજા પણ અમારા મિત્રો બાઇક માં ડબલ સવારી ગોઠવાઈ ગ્યાં. કાર માં ચારેક જણા અને બીજા બધા એ બાઇક પર આગળ ની જર્ની શરૂ કરી.
ડોક્ટરે જેવુ બાઇક નું સાઈડ સ્ટેન્ડ ઊચું લીધું કે કઈક તૂટવાનો અવાજ આવ્યો અને અમે જોયું કે બાઇક નું ચેઇન કવર એક વેલ્ડિંગ માઠી નીકળી ગયું હતું. બાઇક ની ચેઇન જો અમે કવર ને ફિક્સ નો કરીયે તો કવર સાથે અથડાતી હતી ઍટલે કવર ને કોઈ રીતે ફિક્સ કરવું જરૂરી હતું. હું, ડોક્ટર અને અમારી કાર નો ડ્રાઇવર એ કવર ને દોરી કે વાળા થી બાંધવા માટે લાગી પડ્યા. ડોક્ટર ના યુરોપિયન જેવા ધોળા હાથ ઘડીક માં ચેઇન ને અડીને કાળા મશ થઈ ગયા હતા પણ આખરે ઓપરેશન ચેઇન કવર પાર પડ્યું.
અમે બેય નીકળ્યા બાઇક પર અને થોડા આગળ ગ્યાં ત્યાં જોયું કે ચેઇન ના ભટકાવાનો અવાજ તો હજી આવતો હતો. અમે ધીમે ધીમે બાયકિંગ ચાલુ રાખ્યું અને નક્કી કર્યું કે આગળ જતાં કોઈ મિકેનિક પાસે રિપેર કરાવી લેવું. અમે ઘણી જગ્યા એ નાના નાના ગામડા માં તપાસ કરી પણ કોઈ બાઇક રિપેર નો મિકેનિક મળ્યો જ નહીં. જે કોઈ કાર ગરાજ કે સ્કૂટર રિપેર વાળો મળે ઇ એકજ સરનામું આપે કે પૂહ માં કારીગર મળશે. પૂહ હજી 50 કિમી દુર હતું અને જો ચેઇન કવર સાથે ભટકાતા ભટકાતા તૂટી જાય તો અમારું પૂ નીકળો જાય એમ હતું પણ બાઇક ધીમે ધીમે ચલાવ્યા વિના છુટકો નોતો.
અમે બાઇક ને ધીમે ધીમે હંકારવાનો પ્રયાસ કરતાં પણ તોય ક્યારે 60 70 એ પોચી જાતી એની ખબર નો રેતી. થોડીવાર પછી બાઇક મે ચલાવા મંડી ને ડોક્ટર પાછળ બેઠો. મે મનો-મન નક્કી કર્યું કે જો કોઈ આ ફિક્સ નો કરી શકે તો ચેઇન કવર જ કાઢી નાખવું નહિતર ચેઇન નો એક મહોરો જો તૂટશે તો સાવ લટકી જશું અને અકસ્માત પણ થઈ શકે. આમ કરતાં કરતાં અમે સ્પીલ્લો ગામ પહોચ્યા અને એક ગેરેજ દેખાનું. કારીગર ને અમે બધુ બતાવ્યુ તો એને કીધું આ ફિક્સ તો નહીં થાય ઍટલે મે ભાઈ ને કીધું ફિક્સ નો થાય તો કઈ નહીં આ ચેઇન કવર કાઢી તો શકાઈ ને. કારીગર કે હા, નીકળી જશે ઍટલે એને પેલા તો અમે જે થીગડા માર્યા હતા ઇ કાઢ્યા અને પછી ચેઇન કવર બહુ સિફત પૂર્વક તૂટફૂટ નો થાય ઇ રીતે કાઢી નાખ્યું. અમને હવે આંશિક રાહત થઈ અને ડોક્ટર બાઇક નું મોટું હેવી ચેઇન કવર હાથ માં લઈ પાછળ બેઠો.
સંધ્યાકાળ થઈ ગઈ હતી અને અંધારું ટૂંક સમય માં થવાનું હતું એવામાં અમે પૂહ પહોચ્યા અને એક એક જગ્યા એ અમે કારીગર વિષે પૂછતાં કેમકે જો કોઈ સારો કારીગર મળે તો અમે કવર ફિક્સ કરાવી લઈએ નહિતર આ કવર અમે કાર માં મૂકી દેત. આખરે અમે જ્યારે પૂહ ગામ ની બહાર નીકળ્યા ત્યારે હાઇવે પર એક કારીગરને પાનાં પકકડ હારે અમે ઉભેલો જોયો અને મે બાઇક પાછી વાળી. દુકાન નોતી એની પણ બાઇક મિકેનિક જાણકાર નીકળ્યો અને એને બોવ સરસ કામ કરી, પંખો(ચેઇન કવર) એક બોલ્ટ ગોતી અને વ્યવસ્થિત ફિટ કરી દીધો. કાર પણ અમારી રાહ જોતી થોડી આગળ રસ્તા પર ઉભી હતી અને એમને પણ અમે આ બધી જાણ કરી દીધી હતી.
હવે અંધારું થઈ ગયું હતું ઍટલે અમે ચાર જણા એ એકલા બાઇક ચલાવવાનું નક્કી કર્યું કેમ કે અંધારા માં પેલીવાર બાઇક ચલાવવાનું હતું. હું, ચિગલો, પિન્તુડો(રાજાજી) અને પદુભા બાપુ જેકેટ, હાથ મોજા અને હાથ પગ ના ગાર્ડ પેહરી બાઇક લઈને નીકળ્યા અને બાકીના કાર માં નીકળ્યા. હજી અમારે નાકો પહોચતા 60 કિમી કાપવાનું હતું. સ્પીતી વેલી માં 60 કિમી ઍટલે બે થી અઢી કલાક ગણી લેવાની. એવું નક્કી કર્યું કે કાર અમારી ચારેય બાઇક ની પાછળ રે અને બાઇક વાળા બધા આગળ ચલાવે. 20 કિમી કાપ્યા બાદ અચાનક જે ઠંડી ચાલુ થઈ! બાપ રે!. ગજબ થઈ ગ્યો. રસ્તો ઉપર ની તરફ ટર્ન લેતો લેતો જતો હતો અને અમે ઇ વળાંક માં એકદમ સૂજબૂજ થી ટર્ન લેતા જતાં હતા.
હું અને પિન્તુડો આગળ પાછળ બાઇક ચલાવતા અને ચિગલો અને બાપુ સાથે ચલાવતા હતા. આ બધુ એની મેળે સમજાઈ જાય કે અમારે એકબીજા થી અંતર બોવ નો રાખવું કેમ કે અંધારું થઈ ચૂક્યું હતું અને સાથે રેહવું જરૂરી હતું. એટલા અઘરા ટર્ન આવતા હતા કે નો પૂછો વાત. બોવ સાવચેતી પૂર્વક બાઇક ચલાવી હતી અને નાકો અમને ખૂબ દુર લાગતું હતું. આ જર્ની ખૂબ થક્વી નાખનારી હતી. ચિગલો તો જ્યારથી બાઇક લીધું ત્યારથી એટલો ફોર્મ માં હતો કે અમને જૂનો કોલેજ વાળો ચિગલો યાદ આવી ગ્યો જે યામાહા લઈને ધૂમ મચાવતો. ચિગલા એ તો ભાઈ જે ઘા એ ઘા બાઇક ચલાવી છે જે રીતે ઇ યામાહા સ્કૂલ કોલેજ માં ચલાવતો. બસ આવીજ મોજ મિત્રો સાથે કરવા છેક ઓસ્ટ્રેલિયા થી આવ્યો હતો. આ ટ્રીપ નો પાયો મજબૂત કરનાર જ ચિગ્લો. એને જો ટિકિટ બુક કરી નો નાખી હોત તો અહયા તો બધા હજી ગલ્લાંતલ્લાં જ કરતાં હોત.
અમે અંધારામાં, અસહ્ય ઠંડી માં આખરે નાકો 0 કિમી સુધી પહોચ્યા અને ગામ લગી પહોચવા માટે એક સૂમસામ રસ્તે આગળ વધ્યા. ઘનઘોર અંધારું હતું અને ક્યાય લાઇટ નો દેખાઈ. અંતે અમે ગામ ની વચો વચ પહોચયા ત્યારે ખબર પડી કે ગામ માં લાઇટ નથી!. અમે માંડ માંડ બાઇક નું બેલેન્સ રાખી, સ્ટેન્ડ ચડાવી નીચે ઉતર્યા. અમારા હાથ, પગ અને કમર જકડાઈ ગયા હતા. અમે ત્રણ ચાર જણા એ હોટલ ની તપાસ અંધારા માં આદરી. એક હોટલ તો ચોક માજ હતી ઍટલે બે જણા ત્યાં ગયા અને હું બીજલા સાથે બાઇક લઈ એક બીજા રોડ પર તાપસ કરવા નીકળ્યા.
નાકો માં હોટલ ના બોવ ઓપ્શન હતા નહીં ઍટલે ચોક માં જે હોટલ હતી ત્યાજ રેહવાનુ નક્કી કર્યું. ફટાફટ સામાન કાર ના ઉપર ના કેરિયર માથી ઉતારી અને રૂમ માં મૂક્યો અને બધા નીચે જમવા ક્યાં જવું એની ચર્ચા કરવા લાગ્યા. જમવાનું નામ આવે ઍટલે કુલ્લો(કુલદીપ) અમારો એકદમ એક્ટિવ થઈ જાય. કુલ્લા એ જમવા વિષે આમતેમ પૂછપરછ કરવા મંડી અને પછી અમને કે કે અહી થી માત્ર 500 મીટર દુર એક ધાબો છે ત્યાં જમવાની મજા આવશે. અમે બધા આવી ઠંડી માં ક્યાય જવા માગતા ન હતા. નાકો માં તાપમાન હતું -10 ડિગ્રી. આ ઠંડી રક્ષમ અને ચિત્કુલ થી ઘણી વધુ હતી કેમ કે અહી પહાડી ઠંડી હતી. બરફ નું વાતાવરણ કરતાં પહાડ ની ઠંડી વધુ ખતરનાક હતી.
કુલ્લા હારે ભારે માથાકૂટ બાદ અમે સારું ખાવાનું મળશે એમ વિચારી કુલ્લા એ દુર થી 500 મીટર દુર એક જગમગ લાઇટ દેખાડી હતી ઇ દિશા માં અમે હાથ બીડી ચાલવા માંડ્યુ. અમે કુલ્લા ને ચાલતા ચાલતાં પણ ચેતવી દીધેલો કે જો ત્યાં કોઈ ધાબો કે ખાવાનું નો મળ્યું તો તારો વારો પડી જશે. 500 ના 700 મીટર થ્યા તોય ધાબો હજી આવ્યો નહતો ઍટલે અમે કુલ્લા ને મન ફાવે એમ આખા રસ્તે ભાંડવાનું ચાલુ રાખ્યું. આખરે લગભગ 1.5 કિમી ચાલ્યા બાદ જ્યાં નાકો 0 કિમી લખ્યું હતું ત્યાં હાઇવે પર આવી ગ્યાં. આજ જગ્યા એ થી અમે ગામ તરફ આગળ ગયેલા. અહિયાં 2 થી 3 ધાબા હતા અને એમાથી એક ધાબા માં અમે અંદર ઘુસ્યાં જાય જમવાનું અમને જલ્દી મળશે એવું લાગ્યું કેમ કે બાકી બધે કલાક નો ટાઇમ માગ્યો ધાબા વાળા એ. અમુક મિત્રો સીધા એક ઠેકો હતો ત્યાં OLD MONK ની તપાસ કરવા ગ્યાં પણ હતું નહીં ઍટલે બીજી એક વસ્તુ લઈ ને ધાબા પર આવ્યા. મારી અને પિંટુડા પાસે નેક વોર્મર હતું નહીં ઍટલે એક ગરમ કપડાં ની દુકાન માથી એ લઈ લીધું કેમ કે બાઇક ચલાવતા એ હોય તો ગળા ને ઠંડીથી રાહત મળે. એ દુકાન માં નેક વોર્મર ની પ્રાઇસ માં હું ને પિન્તુડો ભાવતાલ કરવા ગ્યાં તો કે લેડી દુકાનદાર અમને કે કે લીકર તમને જે ભાવ મળે એ ભાવે લેવા તય્યાર તમે થઈ જાવ છો અને આતો તમારું રક્ષણ કરે છે તો આમાં ક્યાં ભાવતાલ કરવા લાગ્યા. જરા વિચારો તો ખરા એમ કહી અમારી બોલતી એ હિમાચલી ઠાવકી બહેને બંધ કરી દીધી અને અમે પૈસા આપી ચાલતી પકડી,
સ્પીતી માં તમે ગમે ત્યાં જમવા જાઓ, જમવાનું ઇ લોકો તમને તાજુજ બનાવી અને જમાડે ઍટલે ઘણા રાહ નો જોઇ શકે એમને અઘરું પડે બાકી આ એક બોવ સારી વાત પણ છે. બીજું ઇ કે અહયા જમવાના ભાવ એકદમ વ્યાજબી. કોઈ નફાખોરી નહીં.આવું રિમોટ લોકેશન જોતાં, ઇ લોકો ધારે તે ભાવ ચાર્જ કરી શકે અને આપણે આપી પણ દઈએ પરંતુ અહિયાં ખરેખર જરાય વ્યાવસાયિક અભિગમ ન દેખાયો.
કુલ્લા એ સૌ પ્રથમ વેજ. સૂપ ઓર્ડર કર્યા બધા માટે અને સૂપ સાથે અમે એને ગાળો ખાવા આપી કેમ કે અમને ઇ આવી ઠંડી માં 500 મીટર કહી ને દોઢ કિમી ચાલતા લાવ્યો. અમે આ ઢાબા માં જ્યાં સુધી અમારો ઓર્ડર ના આવે ત્યાં સુધી ઢાબા ની પાણી ગરમ કરવાના ચૂલા આસપાસ ગરમી મેળવવા હાથ શેકવા બેસી ગયા. અમારો ઉસ્તાદ(ડ્રાઇવર ને હિમાચલ માં ઉસ્તાદ કે) પણ થોડીવાર માં કાર લઈને ત્યાં જમવા આવી ગ્યો હતો ઍટલે જમીને અમારે ચાલતા પાછા જવાનું નહતું. અમે આ ઢાબા પર રોટી, સબ્જી, રાજમા ચાવલ અને ચૌમીન ની મજા લીધી. ઢાબા નો માલિક બોવ સારો હતો અને એને અમને આગળ ના રુટ વિષે પૂછ્યું અને જાણ્યા બાદ થોડા ફેરફાર સૂચવ્યા જે અમને પર્ફેક્ટ લાગ્યા અને તે રીતે આગળ નો પ્લાન ફરી નક્કી કર્યો. જમીને અમે કાર માં ફરી પાછા હોટેલ પર આવ્યા અને તોડી નાખે એવી ઠંડી માં અમે ટોપી, જકેટ અને સોક્સ સમેત રજાઈ ઓઢી સૂઈ ગ્યા.
સવારે અમે જાગી અને રૂમ ની બારી ખોલી તો જોયું અમે અને હોટેલ ચારે બાજુ બરફ ના થર થી ઘેરાયેલા હતા. હવે અમને ખબર પડી કે રાતે આવી કાતિલ ઠંડી કેમ લાગતી હતી નાકો માં કેમ કે અમે રાતે અંધારા માં પહોચેલા અને ગામ માં પણ લાઇટ નોતી. બરફ તો ખરોજ પણ આજુ બાજુ પહાડો ની વચ્ચે આ ગામ આવેલું ઍટલે કલ્પના બહાર ની ઠંડી હતી. ડોક્ટર અમારો વેહલો જાગી અને ગામ ની આજુબાજુ જોવાના બધા સ્થળો ની મુલાકાત બીજા એકાદ મિત્ર હારે લઈ આવેલો. સવારે ખબર પડી કે રાતે આ ડોક્ટર, જમીને પાછા આવ્યા બાદ આવી કાતિલ ઠંડી માં મોડી રાતે ચોખા આકાશ માં તારા મંડળ જોવા ઉપડી ગયેલો બોલો! ડોક્ટર એક એવો ટુરિસ્ટ છે કે ફરવા જાય ઍટલે એકેય જગ્યા મૂકે નહીં અને એની માટે ફરવાની એકએક મિનિટ કીમતી ગણાય.
ડોક્ટર એ જણાવ્યા મુજબ હું અને રાજાજી નાકો લેક જોવા માટે એક રસ્તા તરફ ચાલવા માંડ્યુ. બીજા બધા હજુ સવાર ની ગતિ વિધિ પતાવતા હતા. અમે ઠંડી માં થથરતા થોડા આગળ ચાલ્યા ત્યાં અમે રોડ ની નીચે નાકો લેક એવું વાચ્યું અને ત્યાં થોડીવાર સ્વાસ લેવા ઊભા રહી ગયા કેમ કે હવા ખૂબ પાતળી હતી અને અમારે દાદરા ઉતરી લેક જોવા નીચે જવાનું હતું. જ્યાં ઊભા હતા ત્યાથી જરાકજ ઉપર બરફ નો પહાડ હતો અને બોવજ મસ્ત લોકેશન હતું ઍટલે અમે પેહલા ત્યાં જવાનું નક્કી કર્યું કેમ કે તેમાં બોવ ચાલવાનું નહતું. અમે બેય ત્યાં પહોચી અને બરફ ના પહાડો ના ખૂબ ફોટા લીધા. અમારા ફોટા ઓછા લીધા કેમ કે ઉઠી ને સીધા અમે અહી આવી ગ્યા હતા ઍટલે હાલ હવાલ કઈ સારા નોતા. બરફ નો આ રસ્તો હજી આગળ ક્યાક જતો હતો પણ હજુ વધારે આગળ જવાનું અમે માંડી વાળ્યું અને લેક જોવા નીચે ઉતરી ગ્યા.
નાકો લેક જોવા રસ્તા થી નીચે દાદર વાટે ઊતરવું પડે ઍટલે ધીમે ધીમે આ ક્રિયા કરવી કેમ કે હવા પાતળી હોવાથી સ્વાસ ચડી જાય. અમે લેક પાસે પહોચ્યા અને નયનરમ્ય લેક જોઈ ને સવાર તૃપ્ત કરી. લેક જોય વળી પાછા ઉપર રસ્તા પર આવી અને નજીક માજ આવેલી હોટેલ પર અમે આજુબાજુ ચા માટે પૂછપરછ કરી અને એક જગ્યા એ ચા પીવા બેઠા. ચા બને ત્યાં સુધી માં હું અમારા રૂમ પર જઈ બ્રશ કરી આવ્યો અને થોડો નાસ્તો જે સાથે રાખેલો તે લઈ આવ્યો.
ચા પીધા બાદ અમે સૌ રૂમ પર તય્યાર થવા ગ્યા. નહાવા નું તો હતુજ નહીં ઍટલે માત્ર હાથ મોં ધોઈ અને વાઘા બદલી નીચે કાર પાસે ભેગા થઈ ગ્યા. જ્યાં અમે રાતે જમેલા ત્યાજ ચા નાસ્તો કરવા થોડીવાર રોકાવું એવું નક્કી કરી અમે ત્યાં બાઇક અને કાર લઈ પહોચ્યા. ઢાબા ની પાછળ ની સાઇડ મસ્ત સવાર ના તડકા માં અમે બહાર જે ટેબલ ખુરશી હતી ત્યાં બધા બેઠા અને ચા/કોફી, બ્રેડ બટર અને આમલેટ નો નાસ્તો કર્યો. ભૂરો અમારો ગમે એની સાથે તરત વાતો થકી આત્મીયતા સાધી લે એવો. ભૂરો આ ઢાબા ના રસોડા માથી ઓર્ગનિક રીતે પકવેલા ગ્રીન એપલ અમારી માટે લઈ આવેલો અને કઈ મીઠા હતા ઇ એપલ. આવા સફરજન મોલ માં કે મોંઘી ફ્રૂટ શોપ માં ખાલી આપડે ત્યાં જોવા મળે અને ઇ પણ કઈ આવા મીઠા તો નોજ હોય.
નાકો ને હવે આવજો કેહવાનો નો સમય આવી ગ્યો હતો કેમ કે હવે અમારે તાબો મોનેસ્ટરી વાયા ગ્યુ મોનેસ્ટરી માટે નીકળવાનું હતું. પેહલા પ્લાન એવો હતો કે ગ્યુ મોનેસ્ટરી અને તાબો જોઈ અમે પીન વેલી જવાના હતા અને રાત્રિ રોકાણ પીન વેલી માં કરવાના હતા અને બીજી સવારે પીન વેલી નેશનલ પાર્ક માં ટ્રેકિંગ કરવાના હતા પરંતુ નાકો વાળા ઢાબા ના માલિકે કહ્યું કે પીન વેલી નો રસ્તો બરફ ને લીધે કદાચ બંધ છે ઍટલે તમે તાબો થી સીધા કાજા જતાં રેજો કેમ કે બરફ ને લીધે નેશનલ પાર્ક પણ બંધજ હોય ઍટલે અમે પ્લાન માં ફેરફાર કર્યો.
તાબો વાયા ગ્યુ-મોનેસ્ટરી
હું અને ડોક્ટર એક બાઇક પર, કુલ્લો અને પિન્ટુડો (TOM & JERRY) બીજા બાઇક પર, અવલો ને પદુભા એમના બાઇક પર અને આ વખતે કાર માં માત્ર 3 જણા હતા. ધીમે ધીમે બાઇક નો દબદબો વધતો જતો હતો. પેહલો પડાવ હતો અમારો ગ્યુ મોનેસ્ટરી. નાકો થી અમે BRO (BORDER ROAD ORGANISATION) એ બનાવેલા મસ્ત રોડ પર નીકળી પડ્યા હતા. હું, ડોક્ટર અને અવલો એક ખૂબસૂરત લેન્ડસ્કેપ પાસે ઊભા રહ્યા અને અમે કુદરતી દ્રશ્યો ના ફોટા પાડ્યા. અવલા એ એના GOPRO કેમેરા માં મસ્ત વિડિયો પણ બનાવ્યા.
અવલો વિડીયો માટે GOPRO ગોઠવતો હતો એટલામાં હું અને ડોક્ટર બાઇક પર આગળ નીકળ્યા અને અવિરત પણ નીકળવાની તય્યારી માજ હતો. અમારે હવે રસ્તા ના ટર્ન લઈ લઈ નીચે ની તરફ ઉતરવાનું હતું. અમે બે ટર્ન લઈ નીચે ઉતાર્યા પણ જોયું તો અવિરત પાછળ ક્યાય દેખાયો નહીં. અમે હજી થોડું બાઇક આઘું પાછું કરી જોયું કે અવલો ઉપરની બાજુ દેખાય પણ કઈ દેખાયો નહીં. દસેક મિનિટ પછી અમે અવિરત ને ગોતવા બાઇક પાછું વાળ્યું અને એકાદ ટર્ન મારી ઉપર ગ્યાં ત્યાં અવલો આવતો દેખાયો. અમે ઊભા રહ્યા અને પૂછ્યું કે “ક્યાં રઈ ગ્યો તો લગ્ગા”? તો ભાઈ એ જણાવ્યુ કે કેવી રીતે વિડીયો લેતા લેતા બાઇક પર થી એને GOPRO રસ્તા પરથી પાડ્યો અને GO PRO ને કેટલા ગલોટિયા ખવડાવ્યા.
વળી પાછી બાઇક અમે ગ્યુ મોનેસ્ટરી તરફ હંકારી મૂકી. થોડા દૂર ગયા હશું ત્યાં અમે જોયું કે એક ટેમ્પો ટ્રાવેલર સ્લીપ ખાઈ ને રસ્તા પર ઊંધી પડી ગઈ હતી.અમારી કાર અને દોસ્તારું પણ ત્યાજ ઊભા રહી ગ્યાં હતા. હું અને ડોક્ટર પણ બાઇક પાર્ક કરી અને નીચે ઉતર્યા.અમે જોયું કે ટેમ્પો ટ્રાવેલર માં પ્રવાસીઑ ને વાગેલું હતું અને દર્દ ના કણસતા હતા. ડોક્ટર એ તરત માનવતા દાખવતાં જેમને જેમને વાગ્યું હતું એમને ચેક કર્યા અને જેને જે મેડિસિન કેવાની હતી તે લઈ લેવા જણાવ્યુ. સદનસીબે કોઈ ને મોટી ઇંજરી નહતી ઍટલે વાંધો ન હતો. ડોક્ટર જ્યારે પ્રવાસીઓ ને ચેક કરતો હતો ત્યારે અમદાવાદ ની એક લેડી પણ અંગ્રેજી માં બોલી કે આઈ એમ અલ્સો સાઇકિયાત્રિસ્ટ અને મે પણ આ પ્રવાસી ને જોય અને આજ ટ્રીટમેંટ કીધેલી વગેરે. અમે મરક મરક હસતાં હતા પાછળ કેમ કે મેડમ ને ખાલી જાણ કરવી હતી કે પોતે પણ એક ડોક્ટર છે. જે રીતે ટેમ્પો ટ્રાવેલર સ્લીપ થઈ હતી એ જોતાં તો એમ હતું કે જો રોડ ની સાઇડ માં રેલિંગ નો હોત તો ટેમ્પો ટ્રાવેલર સીધી ખીણ માં ખાબકી હોત!
ડોક્ટર ની રોડ સાઇડ વગર ફિ ની OPD પૂર્ણ કરી અમે ગ્યુ મોનેસ્ટરી તરફ બાઇકસ અને કાર હંકારી મૂકી. થોડા આગળ ગયા હશું ત્યાતો અમે જોયું કે એક જણો સાઇકલ પર શર્ટલેસ, પાછળ એક નાનકડી બેગ કેરિયર માં ભરાવી જતો હતો. અમને થયું નક્કી આ સાઈકલિસ્ટ અહી સાઇકલ પર સ્પીતી વેલી ની સફરે લાગે છે અને તે શરીર પર ઉપર શર્ટ, ટી શર્ટ કે જેકેટ કઈ પણ પેર્યા વગર. જ્યારે એને જોયો ત્યારે હું, ડોક્ટર અને અવિરત બાઇક પર હતા. અવિરતે મને GOPRO આપેલો જેથી કરી હું બાઇક ની પાછળ બેઠા બેઠા બધાના વિડિયો રોકોર્ડ કરી શકું. મે આ સાઇકલ સવાર નો પેહલા તો વિડિયો લીધો અને પછી અને ઊભો રાખ્યો. અમે ત્રણેય એ ઇ ભાઈ નો બકાયદા ઇન્ટરવ્યૂ લીધો અને જાણ્યું કે એ પોતે યમન થી આ સાઇકલ ટ્રીપ કરવા એકલો સ્પીતી વેલી આવ્યો હતો અને અડધી ટ્રીપ અમારી જેમ પૂરી પણ કરી લીધી હતી. અમે એને બિરદાવ્યો અને કીધું કે આ ચારે બાજુ બરફ ના પહાડ માં તમે શર્ટ કે જેકેટ વગર સાઇકલ ચલાવો છો તો ઠંડી ન લાગે? તો એને કીધું કે સાઇકલ ચલાવતા તો મને ગરમી લાગે છે ઍટલે ઉપર કઈ નથી પેરતો. અમે બધા તો જેકેટું ચડાવી ને બાઇક સવારી કરતાં હતા અને કાર વાળા મિત્રો પણ કઈ ને કઈ ગરમ કપડાં માજ હતા. અલગારી જીવ હતો આ માણસ જે સાઇકલ પર સ્પીતી વેલી માટે નીકળ્યો હતો. હજી યમન વાળા દોસ્ત ને સ્પીતી ટૂર પછી કાશ્મીર માં સાઇકલ ટ્રીપ ની ઈચ્છા હતી. ખરેખર હો, આને મળી ને થયું કે અમૂક આવા અલગારી લોકો પણ હોય છે દુનિયા માં જે પોતાની મસ્તી માં મન પડે એમ જીવતા હોય છે.
અમે હવે, નાકો ની ઊચાઇ પરથી સાવ નીચે આવી ગયા હતા અને ગ્યુ મોનેસ્ટરી તરફ આગળ વધે જતાં હતા. આ મોનેસ્ટરી ના લગભગ વીસેક કિમી પેહલા રસ્તો ઉબડ ખાબડ અને કાચો હતો. અહી અમને હિમાલિયન બાઇક ની કેપેસિટી સમજાની અને ગમે એવા ખરાબ રસ્તા પર અમે બે ખોફ આગળ વધતાં હતા. હું ને ડોક્ટર એક બાઇક પર હતા અને આવા રસ્તા પર અમે થોડા આગળ ગ્યાં તો જોયું કે પદુભા બાપુ બાઇક સમેત રસ્તા પર ઢોળાઇ ગ્યાં હતા અને ઉભા થતા થતા કઈક ગોતતા હતા. અમને જોય ને પૂછ્યું કે મારૂ બેગ જે બાઇક ની પાછળ ભરવેલું ઇ તમે ક્યાક જોયું રસ્તા માં. પડી ગ્યુ લાગે છે. મે બાપુ ને અવલોકન કરી કીધું કે બાપુ બાઇક ઊભું કરો, બાઇક ની નીચે તમારું બેગ રુંધાઇ છે! બેગ જોઇ બાપુ ને જાન માં જાન આવી કેમ કે ખૂબ અગત્યની દવાઓ અને વસ્તુ એમાં હતી.
બાપુ અને બાઇક ને ઉભા કરી વળી પાછા અમે આગળ વધ્યા અને પહોચ્યા ગ્યુ મોનેસ્ટરી! ગ્યુ મોનેસ્ટરી એક મોનેસ્ટરી તો છેજ પણ સાથે સાથે ત્યાં એક લામા સાધુ નું મમી બેઠી અવસ્થા માં કોઈ પણ જાતના કેમિકલ વગર સચવાયેલું છે. આ મમી ઘણા વર્ષો પેહલા એક જગ્યા ના ખોદકામ દરમિયાન જમીન માથી મળી આવેલ અને એની પણ એક હિસ્ટરી છે જે કદાચ GOOGLE માં હશેજ. ખરેખર, મમી ને જોતાં અમે અવાક થઈ ગ્યાં કે કોઈપણ કેમિકલ વગર આનું બોડી કઈ રીતે હજી જીર્ણ નથી થયું અને ઇ મમી પાછું બેઠી અવસ્થા માં છે બોલો! અમેરિકા અને બીજા રિસર્ચ સેન્ટરો એ પણ કબૂલ્યું છે કે આ મમી ખરેખર કુદરતી રિતેજ સચવાયેલું છે.
ગ્યુ મોનેસ્ટરી ઍટલે એવી જગ્યા જે નું ટેમ્પલ રેડ,બ્લૂ , યેલ્લો અને બીજા રંગો થી એવું શોભે કે તમારે ચારે બાજુ ના એંગલ થી એના ફોટા લેવા પડે. મોનેસ્ટરી ની આજુબાજુ નું સોંદર્ય શબ્દો માં વર્ણન મુશ્કેલ છે પણ બરફ અને પહાડો થી છવાયેલું અને ચારે બાજુ અલગ લેન્ડ સ્કેપ જોવા મળે. ખૂબ ફોટા પાડ્યા બધાએ અને અવલા એ ડ્રોન થી અને કેમેરા થી પોતાની કરામત દેખાડી અદભૂત ફોટોગ્રાફી કરી. મોનેસ્ટરી ની અંદર ભગવાન બુદ્ધ ની સુંદર મુર્તિ હતી. ત્યાં કોઈ લામા ન દેખાયા અને જાણ્યું કે અત્યારે લગભગ બધી મોનેસ્ટરી ના લામા આ સમયે દેશ ના અલગ અલગ રાજ્યો ની બીજી મોનેસ્ટરી માં જતા રહે છે.
આ બધામાં કુલ્લો એક એવું પ્રાણી હતું જેને હજી ચિત્કુલ-રક્ષમ ની ઠંડી ઊડી નોતી અને જ્યાં જઇયે ત્યાં “ હાલો હાલો જલ્દી કરો” કઈ ને મગજ નો અઠઠો કર્યો હતો. મે એને કીધું એલા તારે “જાન વળાવાની છે કે હુ”. કાતો પેટ સાફ નો હોય તો અમને જણાવા નું કીધું ઍટલે અમે એની વ્યવસ્થા કરી દઈ પણ શાંતિ થી બધુ જોવા તો દે. કુલ્લો અમારે આમેય બધા કરતાં આડો ફાટે અને પછી નિકોબાર ના રાજા (પિન્તુડો/પ્રણવ/JERRY) ને એની સામે ભિડાવવો પડે ત્યારે પ્રસંગ થાળે પડે.
ગ્યુ મોનેસ્ટરી નું સોંદર્ય માણી અમે હવે તય્યાર થઈ ગ્યાં હતા તાબો મોનેસ્ટરીતરફ જવા. ગ્યુ મોનેસ્ટરી થી અમે કાચો રસ્તો પસાર કરી તાબો તરફ જવાના રસ્તા પર ચડી ચૂક્યા હતા. તાબો જવાનો રસ્તો એટલો મસ્ત હતો કે અમને ખૂબ મજા આવી. આ રસ્તા પર જતાં એકવાર તો એવો સુંદર રસ્તો આવ્યો કે ત્યાં ભાગ્યેજ કોઈ એવું હશે જેણે બ્રેક મારી ફોટોગ્રાફી ન કરી હોય. અમે અમારી બાઇક ઊભી રાખી અને થોડી વાર માં કાર પણ આવી ગઈ. રસ્તા નું વર્ણન કરું તો તમે ઉભા રહો ઍટલે આજુ બાજુ ખુલ્લુ મેદાન અને સિંગલ પટ્ટી સીધો રોડ અને આગળ જતાં રસ્તો ઊચાઇ પકડતો જાય. રસ્તા પર કોઈ વાહન નો હોય ત્યારે આનો નજારો જોરદાર હતો. અમે અહિયાં ફોટોગ્રાફી તો કરી પણ સાથે કારની બારી માથી ચાલુ ગાડીએ મોઢા બહાર કાઢી એન્જોય કરતો વિડીયો અને રિલ્સ બનાવી. બસ, અમને બધાને સંભારણા નું ભાથું બાંધી લેવું હતું અને એક એક પળ જીવી લેવી હતી
ગ્યુ મોનેસ્ટરી થી તાબો અમે એકાદ કલાક માં પહોચી ગયા હતા અને જમવા નો સમય પણ થઈ ગ્યો હતો ઍટલે અમે સૌ પ્રથમ પેટપુજા કરવાનું નક્કી કર્યું. મોનેસ્ટરી ની જસ્ટ બાજુ માજ રોડ સાઇડ શોપ્સ ને લગીને રેસ્ટોરન્ટ હતી ત્યાં અમે જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા. અમે ત્યાં રાજમા ચાવલ,ચૌમીન અને હિમાલિયન સ્પેશિયલ થૂકપા નો ઓર્ડર કર્યો. મને ભાવેલા બેસ્ટ થૂકપા હતા. આ ઉપરાંત થોડો કચરો જેમ કે વેફર, કુરકુરે પણ ઓર્ડર આવવાની રાહ માં પેટ માં પધરાવેલું. આવી ટ્રીપ પર જાવ ઍટલે બધુ બકે કેમ કે રાત પડ્યે બધી એનર્જિ વપરાઇ જવાની હોય. અમને હતું રોજ ત્રણ ચાર વાર ખાઈએ છીયે તો ટ્રીપ ના અંતે વજન વધી જશે પરંતુ એવું કઈ ના થયું.
ભોજન પતાવી અમે ગયા તાબો મોનેસ્ટરી જોવા. તાબો માં એક જૂની અને એક નવી એમ બે મોનેસ્ટરી છે. અમે પેહલા જૂની મોનેસ્ટરી જોવા ગયા. આ મોનેસ્ટરી સદીયો પુરાણી છે અને જૂનું છતાં મજબૂત બાંધકામ હજુ અકબંધ છે. બધા બૂટ મોજા કાઢી અંદર ગયા અને અંદર જોયું કે સુંદર મજા ના જુનવાણી પેંટિંગ્સ દીવાલ પર હતા. થોડા અંધકાર માં આગળ વધ્યા અને અમને દેખાઈ સુંદર મજાની બુદ્ધ ભગવાન ની પ્રતિમા. એકદમ નીરવ શાંતિ તમને મળે આ બધીજ મોનેસ્ટરી માં. પ્રતિમા ની આગળ લામાઑ માટે પ્રાથના અને ધ્યાન ધરવા માટે ની અતિ સુંદર બેઠકો હતી. મોનેસ્ટરી માં મે એક વસ્તુ માર્ક કરી કે એની ભાંધકામ માં, રાચરચીલા માં અને શણગાર માં એકદમ બ્રાઇટ કલર વાપરવામાં આવેછે જે આપણ ને જોય ને વાહ થઈ જાય.
જૂની મોનેસ્ટરી માથી બહાર આવી અમે ત્યાના એક ઓલ્ડ લેડી જોડે થોડી ગોષ્ઠી કરી અને થોડું આ મંદિર વિષે જાણ્યું. આ લોકો એકદમ સાદગી વાળું જીવન જીવતા હોય છે અને ખૂબ આનંદી હોય છે. કુદરતી વાતાવરણ માં રહવાનું, સ્વછ હવા, પાણી અને શુધ્ધ ખોરાક લઈ મને લાગે છે કે 90 વર્ષ સુધી નું આયુષ્ય ભોગવતા હશે.
નવી મોનેસ્ટરી ના દરવાજા બંધ હતા ઍટલે અમે અંદર તો ન જઇ શક્યા પણ બહાર ના કાચ માથી અમે અંદર બધુ જોયું. આ મોનેસ્ટરી લેટેસ્ટ હતી અને નવા રૂપ રંગ થી સજાયેલી હતી. આ બધી જગ્યા એ અમે ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા. થોડીવાર થઈ ત્યાં વળી પાછું કુલ્લા નું “ હાલો હાલો જલ્દી કરો” સંભળાયું અને અમે મોનેસ્ટરી માથી બહાર આવી બાઇક પાસે ભેગા થઈ ગ્યાં.
અમે આગળ વધી અને પિન વેલી તરફ જો રસ્તો ખૂલો હોય તો ત્યાં જવાનું નક્કી કર્યું અને સાથે એમ પણ સૂચના બાઇક વાળા ને આપવામાં આવી કે પિન વેલી જવાના રસ્તે કે વળાંકે ઊભા રેવું અને પછી બધાએ સાથે પ્રયાણ કરવું.
બાઇક વાળા બાઇક પર અને કાર વાળા કાર માં પિન વેલી જવા નીકળ્યા. અત્યારે અમે ઊચાઇ પર નહીં પરંતુ નદી ના સમાંતર લેવેલે હતા ઍટલે ઠંડી ઓછી હતી. આ રોડ પર આવતા લેન્ડ સ્કેપ પાછા ઊચાઇ કરતાં અલગ આવવા લાગ્યા. કુદરત ની ગજબ વહેચણી છે અહિયાં હો દોસ્તો કેમ કે અહી ઉપર ની તરફ પહાડો પર થોડો બરફ દેખાઈ પણ નીચે ખળ ખળ વહતી નદી સાથે થોડી થોડી ગ્રીનરી પણ દેખાઈ. નદી પણ પાછી પથરાળ જમીન ની વચ્ચે! નાના નાના ગોળ પથર નો લાંબો પટ નદી સાથે દેખાઈ. કોઈ પણ અહિયાથી પસાર થાય ઍટલે રસ્તો મૂકી આ નદી ના પટ પર ન જાય એવું ના બને.
બાઇક વાળા એ બધાએ તો રસ્તો મૂકી સીધી બાઇક જવા દીધી પથરાળ પટ પર અને નદી ની સાવ લગો લગ જવા લાગ્યા. નિકોબાર ના રાજાએ આ ક્રિયા દરમિયાન બાઇક નું બેલેન્સ ગુમાવ્યું અને ખબક્યા નીચે પથરા પર. રાજા ના નસીબ સારા કે બોવ વાગ્યું નહીં પણ શરીર ના અમુક ચોક્કસ ભાગે ગોળ પથરા ખૂચ્યા જે બેસતી વખતે થોડું યાદ આવે કે આપડે પાડ્યાતા એનું છે. કાર વાળા મિત્રો પણ કાર ને રોડ સાઇડ પાર્ક કરી અને નદી પાસે આવી ગ્યા. લાંબી નદી નો પટ એવો સુંદર દિસતો હતો કે અમે ઘડીભર તો એના ખળ ખળ અવાજ માજ ખોવાઈ ગ્યા. થોડીવાર માં તો બધા એ ફોટા વિવિધ એંગલ થી લેવાનું શરૂ કર્યું અને મનભરી ને આ કુદરતી નજરા નો આનંદ લીધો.
પિન વેલી ના આ રસ્તા પર નદી રસ્તાને લગોલગ ચાલતી હતી અને એની મજા લેતા લેતા અમે પહોચ્યા પેલા વળાંક પર જ્યાથી પિન વેલી નો રસ્તો ડાબી બાજુ એ બ્રિજ ક્રોસ કરી અલગ થતો હતો. અમે જોયું કે રસ્તા પર એટલો બરફ છે કે જવું શકયજ નહતું. હું અને ડોક્ટર બ્રિજ પાસે બાઇક પાર્ક કરી અને બ્રિજ પર ચાલતા ગયા અને થોડું આગળ જોવા ગયા કે કઈ ચાંસ છે આગળ જવાનો કે નઇ. અમે સુંદર મજાનાં બ્રિજ ને ક્રોસ કરી જોયું તો આખા રસ્તા પર જ્યાં જોવો ત્યાં બરફ ના મોટા ઢગલા ખડકાયેલા હતા. પિન વેલી જવાનું અમારું સપનું સાકર થાય એમ હતુજ નહીં ઍટલે હું અને ડોક્ટર અમારા બીજા મિત્રો ની રાહ જોવા ત્યાજ ઊભા રહી ગ્યા. અમારે તો ખાલી રાહ જોવાની હતી ઍટલે ટાઇમ પાસ કરવા ડોક્ટરે મને કીધું કે આ જગ્યા નું વર્ણન કરતો વિડિયો તારો ઉતારીએ. પછી તો હું મંડ્યો વર્ણન કરવા અને ડોકટરે એનો મસ્ત વિડિયો બનાવ્યો. આ જગ્યા નું વર્ણન કરું તો રસ્તા ની ડાબી બાજુ એ પિનવેલી જવાનો બ્રિજ હતો અને બ્રિજ ક્રોસ કરો ઍટલે મોટો પહાડ અને પહાડ ની નીચે ઢગલો બરફ આખા રસ્તા પર. બ્રિજ ની નીચે વહેતી ઠંડા પાણી ની નદી જે રસ્તા ને લગોલગ પસાર થતી હતી. બરફ. બ્રિજ, નદી અને પહાડ આ ત્રણેય મળી ને એક જોરદાર દ્રશ્ય રચતાં હતા જે અમને કદી નહીં ભુલાય.
થોડીવાર માં ચિગ્સ ધ ફાયર ઉર્ફે ચિરાગ મારમ્મમાર આવતો દેખાનો અને એની પાછળ બાપુ પોતે. એ લોકો પણ બ્રિજ પાસે ઊભા રહ્યા અને હવે અમારે રાજાજી, અવલો અને કાર વાળા મિત્રો ની રાહ જોવાની હતી. દસેક મિનિટ મા કાર આવતી દેખાઈ અને એની પાછળ હતા બાઇક પર થોડા ઉભડક બેઠેલા રાજાજી. ઉભડક બાઇક કેમ ચલાવતા હતા એ તો હવે તમને ખબર પડી ગઈ હશે.
બધા બ્રિજ પાસે આવી ગ્યા હતા અને હવે ખાલી અવલો બાકી હતો. ધીમે ધીમે સંધ્યા કાળ થઈ રહ્યો હતો ઍટલે અમે ત્રણ બાઇક વાળા મિત્રો ને કાજા પહોચી અને હોટેલ ગોતી રાખવા આગળ મોકલવાનું નક્કી કર્યું કેમ કે આજે પણ રાત કાળી થઈ જાય એમ હતું. અડધી કલાક થઈ તોય અવલો નો દેખાનો ઍટલે મનોમન ધારી લીધું કે ભાઈ ફોટોગ્રાફી માં મસ્ત હશે ઍટલે વાર લાગી. અવલા નો ફોન પણ લાગતો ન હતો ઍટલે અમે શું કરવું એ વિચારતા હતા. લગભગ એકાદ કલાક પછી અવલા નો ફોન કોઈક અજાણ્યા નંબર પરથી આવ્યો અને અમને કે કે તમે કોઈ આ રસ્તા પર દેખાતા કેમ નથી? ઍટલે અમે કીધું કે ભાઈ અમે પિનવેલી ના વળાંક પાસે ઉભા રેહવા તો કીધું હતું પણ બોવ બધી મગજમારી કર્યા પછી ખબર પડી કે એ બીજા એક પિનવેલી ના રસ્તે ચડી ગયેલો અને તે રસ્તો પણ પિનવેલી જતો હતો જે અમારી બધાની જાણ બહાર હતો.
અવિરત લગભગ 25 થી 30 કિમી આગળ જતો રહ્યો હતો એટલે અમે અવ્લાને મેઇન રોડ સુધી આવી જવા કહ્યું કે જ્યાથી ભાઈ એ પિનવેલી તરફ વળાંક લીધો હતો. અમે કાર રિવર્સ લઈ એનું સામૈયું કરવા ગયા. લગભગ બીજા અડધી કલાકે ભાઈ નો ભેટો થયો અને પછી અમે બધા કાર માં જ્યારે અવલો બાઇક લઈ અમારી પાછળ કાજા જવા નીકળ્યા. અંધારું થઈ ચૂક્યું હતું અને અમે ઊચાઇ સર કરવા લાગ્યા હતા. બાઇક વાળા અમારા ભેરુ બધા પહોચી ચૂક્યા હતા અને એ લોકો હોટેલ માટે હવાતિયા આમ તેમ મારતા હતા. અમે બીજા એકાદ કલાક પછી ખુબજ ઠંડી માં રાતે 9 વાગે કાજા પહોચ્યા. અમે પહોચી અને બાઇક ગેંગ ને ફોન કરી પૂછ્યું કે હોટેલ મળી કે નહીં તો એમને કહ્યું કે હજુ વાત ચાલુ છે પણ ફાઇનલ નથી થયું એટલે તમે પણ હોટેલ ગોતો.
હું કાર માથી બાર આવી અવલા સાથે બાઇક પર હોટેલ ગોતવા નીકળ્યો અને ડોક્ટર બીજલા હારે ચાલતો હોટેલ જોવા નીકળ્યો. કસમ થી જાલિમ ઠંડી હતી. હું ને અવ્લો હોટેલ મૂક પડતી અને એક જગ્યા એ ચા પીવા બેસી ગ્યા કેમ કે સખત ઠંડી લાગતી હતી અને અમે બેય ચા ના રસિયા ઍટલે અમારે ચા પીવીજ હતી. ચા માં બોવ ત્યાં ફાવીએ નહીં ક્યાય પણ અમે ચા વાળાને ચા બાબતે અઢળક સૂચન કર્યા હતા ઍટલે પીવા લાયક તો બની હતી. અમે બેય મેઇન બજાર માં હતા જ્યાં નાનકડા માર્કેટ માં સૌ શોપિંગ કરતાં હતા અને સ્પીતી વેલી માં કાજા થોડું મોટું શહેર ગણાય. અમે આ માર્કેટ માં રોડ ની આસ પાસ રોડ ઉપર બરફ ના ઢગલા જોયા! અમને સમજાયું કે જાય પાણી જરા પણ જમા થાય ત્યાં બરફ ના ઢગલા થઈ જાય છે. ઠેર ઠેર વચો વચ રોડ પર બરફ જોવા મળ્યો અને અમે ઠંડી માં થથરતા ચા પી અને બહાર આવ્યા તો ખબર પડી કે અમારી પેહલા પોચેલા બાઇક વાળા મિત્રો એ એક જગ્યા આ હોટેલ ફાઇનલ કરી નાખી હતી. કોઈએ કઈ મગજમારી કે એક બીજા હારે જીભાજોડી કર્યા વગર એ હોટેલ બુક કરી લેવા સમતી દર્શાવી હતી કેમ કે કોઈના માં ક્યાં કઈ ત્રેવડ હતી હોટેલું ગોતવાની.
કાજા હાઇવે પર કાજા મોનેસ્ટરી ની બારોબાર સામે અમે રાખેલી હોટેલે પહોચ્યા અને અમને અલગ અલગ રૂમ ફાળવવા માં આવ્યા. એક રૂમ ઉપર હતો અને ત્રણ રૂમ નીચે ઍટલે કે બેસમેંટ માં હતા. ઉપર નો રૂમ મસ્ત હતો ઍટલે અમે બધા ઘડીક ત્યાં ઢગલો થઈ ગ્યા. હોટેલ એ પહોચ્યા ત્યારે રાતના 10 તો વાગી ગ્યા હતા ઍટલે હોટેલ વાળા એ કીધું જમવાનું હોટ એ ઓર્ડર આપો ઍટલે અમે તય્યાર કરવા લાગીએ. ખાવા પીવા નું લગભગ કુલ્લો સાંભળતો કેમ કે એ જબરો શોખીન છે. એની ખાવા પીવાની કેપેસિટી એટલી બધી કે એ જમ્યા પછી પણ એકવાર હજી જમી શકે જો મનગમતું આપવામાં આવે. ગમે એ ટાઇમ એ ખાવા માટે રેડી થઈ જાય. એમ કઈ શકાય કે નોર્મલ માણસ સવારે ચયાપચય ની ક્રિયા દરમિયાન નહીં પછેલો ખોરાક મળ સ્વરૂપે બહાર કાઢે જ્યારે અમારો કુલ્લો(કુલદીપ) “પોદળો” કરે.
જ્યારથી કુલ્લા ને રક્ષમ માં ઠંડી ચડી હતી ત્યારથી ભાઈએ જ્યાં જઈએ ત્યાં સૌથી પેહલા સૂપ ઓર્ડર કરવાનું શરૂ કરી દીધેલું અને અહિયાં પણ કુલ્લા એ સૂપ ઓર્ડર કર્યો તે જાણવા છતાં કે આમાં વાર લાગશે. અમે રાતે 11 વાગે જમવા બેઠા અને થાકી ગ્યા હોવાથી આગલા દિવસ નો પ્રોગ્રામ નક્કી કરી સીધા અમારી રૂમ માં સુવા જતાં રહ્યા. હું ને નિકોબાર ના રાજા એક રૂમ માં નીચે બેસમેંટ માં હતા અને સાલિ ગજબ ઠંડી લાગતી હતી. અમને ઇલેક્ટ્રિક બ્લેંકેટ આપવામાં આવેલા પણ એની અસર આવતા કલાક લાગે. રાજાજી ( પિન્તુડો) તો રિલ્સ અને ફોટા અપલોડ કરવા લાગી ગયેલા અને હું બ્લેંકેટ માં મોઢું નાખી સુવાની મથામણ કરતો હતો પણ ઉંધ આવતી નોતી ઍટલે હું પણ પછી મોબાઇલ સાથે ટાઇમ પાસ કરવા લાગ્યો. મોડેથી ઊંઘ આવી અમને.
કાજા-લાંગજા-હિક્કિમ-કોમિક
સવારે ઉઠીને મે અમસ્તી બારી ખોલી તો જોયું કે રૂમ ની બહારજ દીવાલ ને અડી ને બરફ ના ઢગલા પડ્યા હતા અને ત્યારે મને થયું કે રાતે કેમ આટલી ઠંડી રૂમ માં લાગતી હતી. પાણીની લાઇન જામ હોવાથી આખા ગામ માં નળ માં પાણી ન આવે ઍટલે નહાવાનું તો હતુજ નહિ. હોટેલ વાળા એ નિયમ મુજબ એક ડોલ ગરમ પાણી આપી એમાંથી મે અને પિન્ટુ એ હાથ મો ધોયા અને બીજી એક ઠંડા પાણી ની ડોલ બાથરૂમ માટે આપી હતી.
નિત્યક્રમ પતાવી ઍટલે અમે આજ હોટેલ માં નાસ્તા માટે ભેગા થયા અને કુલ્લા એ સવાર સવાર માં સૌ પ્રથમ પોતાની માટે વેજ. સૂપ નો ઓર્ડર કર્યો. બાકી બધા એ ચા, કોફી, સેન્ડવિચ વિગેરે મગાવ્યા. મારો નાસ્તો વેહલો પતી ગ્યો ઍટલે હું તો સીધો હોટેલ ની સામે આવેલી મોનેસ્ટરી પાસે તડકો ખાવા નીચે રોડ ક્રોસ કરી જતો રહ્યો અને થોડીવારે ડોક્ટર આવ્યો. સવાર નો તડકો અહિયાં એવો મસ્ત લાગે કે ત્યાથી હટવાનું મન ન થાય.
બધા મિત્રો નાસ્તા બાદ મોનેસ્ટરી પાસે આવ્યા અને અમે સીધા એ મોનેસ્ટરી જોવાજ જતાં રયા. કાજા મોનેસ્ટરી નું બિલ્ડિંગ મોટું હતું પરંતુ બંધ હતું અટેલે અમે અંદર તો ન જઈ શક્યા પણ બહાર થીજ અમે બધુ જોયું. એના દાદર પર બેસી અમે નવ જણા એ અલગ અલગ રીતે બેસી અને ફોટા પડાવ્યા. મોનેસ્ટરી ની આજુબાજુ પણ બરફ વિખેરાયેલો પડેલો હતો એ પણ મોનેસ્ટરી ની આભા માં વધારો કરતું હતું.
મોનેસ્ટરી ફર્યા બાદ આજે અમે જવાના હતા લાંગજા, કોમિક અને હિક્કિમ. અવલાની તબિયત થોડી સારી ન હોવાથી અમે માત્ર બે બાઇક લીધા. એક બાઇક ડોકટરે અને બીજું બાપુએ ચલાવ્યું અને બાકીના કાર લઈ નીકળ્યા. કાજા થી શરૂ થતો આ સફર એકદમ રોમાંચક અને યાદગાર રહ્યો કેમ કે આજે અમે સ્પીતી વેલી ની 14000 ફીટ ની ઊચાઇ પર જવાના હતા. આટલી ઊચાઇ પર હોવા છતાં શું પાકા રોડ હતા અહિયાં. માત્ર 10 કિમી કાજા થી દૂર ગયા ત્યાં તો અમે ઓહો! અને આહા! ના ઉદગાર કાઢવા લાગ્યા એવા લેન્ડ સ્કેપ. કાર માં હોય કે બાઇક પર બધા મિત્રો કુદરત ની અહીની ખૂબસૂરતી જોઇ છક થઈ ગ્યા.
જેમ જેમ ઊચાઇ સર કરતા જાવ એમ એમ તમને અલગ અલગ દ્રશ્યો જોવા મળે. બરફ ની સફેદી, પહાડો ના રંગો અને નીચે અલગ અલગ માટીની જમીન એક જોરદાર દ્રશ્ય ઉપસાવતું હતું. પહાડો પર બરફ થી પડેલા સફેદ લીસોટા આપણને રંગોળી પાથરેલી હોય એવું લાગે. તમે ફોટા લેતા થાકી જાવ એવી એવી જગ્યા થી પસાર થવાનો એક યાદગાર અનુભવ થયો.
અમે લગભગ એકાદ કલાક ના સફર પછી એક બરફ ના મેદાન જેવી જગ્યા એ ઉભા રહ્યા. કાળા મસ્ત પાકા રોડ ની બંને બાજુ બરફ નું મેદાન હતું ઍટલે અમે બધા ત્યાં બરફ માં રમવા ઉતર્યા. બાઇક પર સવાર મિત્રો હજી પાછળ હતા પણ અમને મેદાન માથી દેખાતું હતું કે ઇ લોકો ઉપર ના રોડ પર ફોટોગ્રાફી કરતા હતા. જેવા બધા મિત્રો આવ્યા કે અમે બરફ ની ચાદર ઓઢેલ મેદાન પર ખૂબ રમ્યા. બધા એ પોતાની લાઇફ ના યાદગાર ફોટા લીધા હશે ત્યાં અને એટલાજ વિડિયો બનાવ્યા હશે. ચિરાગ અને બીજલા ના I-PHONE માં કેટલાય એંગલ થી બેય એ બધાના દિલ થી ફોટા પાડ્યા અને પડાવ્યા.
નિકોબાર ના રાજા(પિન્ટુ) નો સ્લો મોશન વિડીયો ઉતારતો એ સીન મને યાદ આવે છે અને લખતા લખતા પણ હસવું આવી જાય છે. ચિગલો એના I-PHONE માં સ્લો મોશન માં બધાનો એવો સોલો વિડિયો લેતો હતો કે થોડું દોડી, હવા માં ઠેકડો મારી અને ગોઠણ ભેર બેય હાથ લાંબા કરી બરફ માં બેસી જવાનું. બધાના વિડીયો મસ્ત આવતા હતા ઇ જોઈ ને રાજાજી પણ હરખાયા અને ચિગ્લા ને કીધું કે મારો પણ આવો મસ્ત વિડિયો લેને ઍટલે ચિગ્લા એ જેવુ પ્લે કર્યું ઍટલે પિન્તુડો એનું માટલું લઈ દોડ્યો અને એને કમરે પહરેલું પાઉચ હિલોળા લેતું હતું, જેવો હવા માં ઠેકડો એને માર્યો ઍટલે એનું પેટ પાઉચ બધુ હિલોળે ચડ્યું અને જેવો નીચી ગોઠણ ભેર બેસવાનો ટાઇમ આવ્યો ઍટલે તરત એને લાગ્યું કે સીધું નીચે નહીં બેસી શકાઈ ઍટલે એને એક વચ્ચે વિરામ લીધો અને ઇ બે કટકે બરફ માં બેઠો. જે કોઈપણ એ આ દ્રશ્ય જોયું દાંત કાઢીને બઠ્ઠા પડી ગ્યા.
બરફ માં રમી કારવી અમે નીકળ્યા લાંગજા તરફ અને લગભગ પંદર વીસ મિનિટ માં અમે ત્યાં પહોચી પણ ગયા. અમે કાર પાર્ક કરી અને ઉતર્યા તો જોયું કે થોડે દૂર એક સુંદર ભગવાન બુદ્ધ ની ખૂબ ઊચી પ્રતિમા અને લોકો થોડું ચાલીને જતાં હતા. બરફ અને પહાડો ની વચે આવડી મોટી પ્રતિમા એટલી સુંદર લાગતી હતી કે કોઈપણ જોઈજ રહે. આ પ્રતિમા પચરંગી કલર ની હતી અને અમે સૌ ત્યાં જઈ ફોટો લેવા માગતા હતા. અમે બધા ત્યાં પહોચ્યા અને ચારે બાજુ થી પ્રતિમાને જોઈ. ખબર નહીં કેવી રીતે આવી સુંદર પ્રતિમા અહી બનાવી હશે કે મૂકવામાં આવી હશે પણ અદ્ભુતહતી. અમે બધાએ ત્યાં ગ્રૂપ ફોટો અને પ્રતિમા ના સુંદર ફોટા લીધા. લોકો ત્યાં સરસ મજાની મધની ગ્રીન કલર ની ચા પીતા હતા તો અમે બધાયે પણ પ્રતિમા ની નીચે ચા પીધી હતી અને ચા પીતા ફોટા પણ મસ્ત આવ્યા છે.
લગભગ 45 મિનિટ પછી અમે નીકળ્યા કોમિક તરફ અને બરફ ની ચાદર વચે થી પસાર થવાનો આનંદ કઈક અલગ હતો. અહીથી પસાર થતાં અમે જોયું એક બોર્ડ જ્યાં લખ્યું હતું ઊચાઇ 14000 ફિટ.! આ કોમિક આટલી ઊચાઇ પર આવેલું વર્લ્ડ નું સૌથી ઉચાઇ પર આવેલું મોટોરેબલ વિલેજ છે. ખૂબ નાનું ગામ અને અહી લગભગ 130 લોકો જેટલી વસ્તી માંડ હશે. આટલી ઠંડી માં આ લોકો કેમ રેહતા હશે અને કેમ જીવન નિર્વાહ કરતા હશે એ તો રામ જાણે પણ ખરેખર આપણ ને તો બોસ જગ્યા જોય ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.
કોમિક નો નજારો માણી અમે નીકળ્યા હિક્કિમ જવા. હિક્કિમ ઈન્ડિયા ની જમીન થી ઊચા માં ઊચી પોસ્ટ ઓફિસ છે દોસ્તો. અમે જાણે સ્વિટ્ઝર્લેન્ડ કે આઇસલેન્ડ ના કોઈ પ્રદેશ માં રખડતા હોઈએ એવું લાગતું હતું. ખરેખર સ્પીતી વેલી માં ફર્યા પછી લાગ્યું કે ઈન્ડિયા માજ સ્વિટ્ઝર્લેન્ડ છે ઍટલે બીજે ક્યાય જવાની જરૂર નથી. હિક્કિમ જતી વખતે ડોક્ટર અને ચિગલો એક બાઇક પર હતા અને બેય ને એક જગ્યાએ ગારા પાસે લાગ્યું કે બાઇક લપસી રહ્યું છે તો મારાબેટા બેય બાઇક ને પડતું મૂકીને કૂદકો મારીને ઉતરી ગ્યા. પછી બાઇકને ઉભુ કર્યું વાઘા સાફ કર્યા ને આગળ પાછળ જોતાં હતા કે કોણે કોણે એમને પડતાં જોયા.
બર્ફીલા પહાડો અને એના ઢોળાવો પસાર કરી અમે પહોચ્યા હિક્કિમ ની પોસ્ટ ઓફિસ પાસે! આહા, શું સુંદર દેખાતી હતી તે પોસ્ટ ઓફિસ! લોકો ત્યાં “ HIGHEST POST OFFICE OF INDIA” લખેલા બોર્ડ પાસે ઊભા રહી પોતાના ફોટો લેતા હતા અને અમે પણ ફોટા પડાવ્યા.
અમે મિત્રો એ નક્કી કર્યું હતું કે હિક્કિમ જઈ અને હિક્કિમ પોસ્ટ ઓફિસ થી પોતાના ઘરે પોસ્ટ કાર્ડ લખવું ઍટલે ઘરવાળા અને આપણાં માટે યાદગીરી રહે. અઢળક ફોટા પાડી અને મોટા ભાગના મિત્રો એ સ્પીતી વેલી ના પિક્ચર વાળા પોસ્ટ કાર્ડ ખરીદી અને પોતાના ઘરના ને ત્યાથી પોસ્ટ કાર્ડ લખ્યા. કુલ્લા (કુલદીપ) એ તો ત્રણ પોસ્ટ કાર્ડ લખ્યા! એક વાઇફ ને, એક દીકરા ને અને એક દીકરીને. ત્રણે પોસ્ટ કાર્ડ માં દંડવત પ્રણામ સાથે ભાઈ ને ભાઈબંધો સાથે સ્પીતી વેલી આવવા દેવા માટે થેંક્યું લખેલું હતું! અમે સૌ એ જે 10 દિવસ મજા માણેલી એ વિચારી અમે નક્કી કરેલું સૌ એ પત્ની અને બાળકો ને દિલ થી આભાર માનવા માટે એક વિડિયો બનાવી મોકલવો. જોકે એવું કઈ કર્યું નહીં અમે અને ઇ રહી ગયું પણ ભાવના કઈક આવી હતી જ્યારે ટ્રીપ પૂરી થવા આવી.
હિક્કિમ ની પોસ્ટ ઓફિસ ની સામે એક રોડ સાઇડ નાનકડા કોફી નાસ્તા ની દુકાન ની પાછળ ના અરિયા માં હું, અવલો, અને બીજા એક બે દોસ્ત કોફી પીવા બેઠા. ઇ હોટેલ ની પાછળ નું દ્રશ્ય એવું ખૂબસૂરત હતું કે ના પૂછો વાત. આવી ઠંડી અને બરફ વાળા પહાડો માં સુરજ નો પડતપો એવો આહલાદક લાગતો હતો કે ત્યાથી હટવાનું નું નામ નો લે કોઈ. ઇ હોટેલ વાળાએ એવી ટોપ કોફી બનાવી હતી કે આજે પણ ત્યાં જાવ તો એની કોફી તો પીવીજ પડે. ત્યાં બેઠા અમે કોફી સાથે ખૂબ ટોળ ટપ્પા કર્યા. થોડીવાર માં આખી ગેંગ ત્યાં આવી પહોચી અને કુલ્લા ની નજર મેગી ઉપર બગડી ઍટલે ભૂખ નો હોવા છતાં અમે ત્રણ ચાર મેગી ત્યાં ઉલાળી ગ્યાં.
કોક બોલ્યું કે “હાલો હવે આગળ જઇયે” ત્યારે બધા માંડ ઊભા થઈ અને ત્યાથી નીકળ્યા. જતાં જતાં ચિગલા ની ખૂબ ઈચ્છા હતી કે “આઇ લવ હિક્કિમ” ના સુંદર બોર્ડ પાસે સોલો અને ગ્રૂપ માં ફોટો પડવીએ પણ કોઈ નામાકૂલ માણસે ત્યાં કાર પાર્ક કરીને મૂકી દીધેલી ઍટલે ફોટા ની મજા મરી ગઈ અને અમારી એ ઈચ્છા અધૂરી રહી.
હિક્કિમ થી અમે નીકળ્યા ફરી પાછા કાજા જવા. કી મોનેસ્તરી વચ્ચેજ આવતી હતી પણ સમય ઓછો હોવાથી સાંજ પડી જાય એમ હતું અને અમારી પાસે બીજો દિવસ હતો જેમાં એ આરામથી જોવાઈ જાય એમ હતું. અમે રસ્તા નો આનંદ લેતા લેતા અને એકબીજા ની મસ્તી કરતાં કી મોનેસ્તરી પાસે આવેલ એક સુંદર જગ્યા એ લગભગ સાંજ ના ૪ વાગે લંચ લેવા બેઠા. આ રેસ્ટોરન્ટ નું લોકેશન એટલું સરસ હતું કે અમે થોડીવાર તો માત્ર એ જગ્યા ની આસપાસ ના ફોટા લીધા. અહી રોકાવા માટે રૂમ્સ પણ હતા અને તે પણ વ્યાજબી ભાવે.
બોવ ભૂખ નો હોવા છતાં બધાની માટે સૌ પ્રથમ સૂપ નો ઓર્ડર થયો અને પછી સેન્ડવિચ, થૂપકા મગાવ્યા. સેન્ડવિચ તો એટલી મસ્ત હતી કે પછી બીજી ચાર પાંચ મગાવી પડી! પહાડ ની વચે અને ઠંડા વાતાવરણ માં ગમે એ આપો જમવાની કોઈ નાજ નહીંને. આખા દિવસ નો પ્રવાસ પણ એટલો કે બધુ ખાવાનું પચી પણ જાય.
મસ્ત હોટલ માં મસ્ત વ્યંજન આરોગી અમે નીકળ્યા બાજુમાજ આવેલી કિ મોનેસ્તરી જોવા માટે. કિ મોનેસ્ટરી મે જોયેલી આર્ચિટેક્ચર પ્રમાણે સારા માં સારી મોનેસ્તરી. મોનેસ્ટરી ની હિસ્ટ્રી પણ વાંચવા જેવી છે જે તમે ગૂગલ કરી શકો અથવા અહી રૂબરૂ આવી શકો અને આગ્રહ છે કે આવજોજ. આ મોનેસ્તરી ખૂબ મોટી, ભવ્ય અને કલાત્મક છે. મોનેસ્ટરી હિલ ના ઢોળાવો પર બનેલી છે ઍટલે આ જોવા થોડું ઉપર ની તરફ ચડીને જવું પડે. અમે ચડાણ કરી અને ઉપર પહોચ્યા તો જોયું કે હજી દાદરા ચડી ઉપર જવાનું છે. પોરો ખાઈ ને અમે દાદરા ચડ્યા અને જોયુંકે અંદરો અંદર આંટીઘૂટીવાળા રસ્તા માં ઘણા ઓરડા હતા. અમુક ઓરડા માં ભગવાન બુધ્ધ ની અતિ સુંદર પ્રતિમા હતી તો અમુક માં રસોડુ હતું. અમુક ઓરડા તો એકદમ સાંકડા હતા અને અંદર ગયા તો અમે જોયું એક જણ બેસી શકે એટલી બેઠક અને ઇ જગ્યા ની સામે એક નાનકડી બારી હતી. આ જગ્યા ધ્યાન ધરવા માટેની જગ્યા હતી. કોઈને જો અહી રહી ધ્યાન માં બેસવું હોય તો એ પરમીશન લઈ આમ કરી શકે.
મોનેસ્ટરી ની અગાશી જેવી ખુલ્લી જગ્યા માં આવો ઍટલે સામેજ બર્ફીલા પહાડો જોવા મળે. અમે અમુક મિત્રો એ ત્યાં મધવાળી લેમન ગ્રાસ ટી પીધી જે ત્યાના એક લામા સર્વ કરતાં હતા. મોનેસ્ટરી માં તમે અંદર પ્રવેશો ઍટલે તમને ઠંડી જરાય નો લાગે કેમકે દરેક માળ ની અગાસી ઉપર એક ખાસ પ્રકારનું ઘાસ પાથરવામાં આવેલું હોય છે. મોનેસ્ટરી ખરેખર અદભુત છે અને ચોક્કસ આવવા જેવુ. તમે સ્પીતીવેલી ટુર એમ ગૂગલ માં ટાઇપ કરો ઍટલે આ મોનેસ્તરી નો ફોટો અચૂક જોવા મળે.
મોનેસ્તરી ની વિઝિટ પૂર્ણ કરી અમે નીકળ્યા કાજા તરફ. રસ્તાના નજારા બંધ થવાનું નામ લેતા નોતા એટલો મસ્ત માહૌલ હતો. આખરે અમે પહોચ્યા કાજા અને રાત થઈ ગઈ હતી પણ અમે ત્યાં હોટેલ જવાના બદલે કાજા માં આવેલી એક નાનકડી માર્કેટ માં ફરવાનું અને રાતે ત્યાજ કઈક ખાઈ અને હોટેલ જવાનો પ્લાન કર્યો.
અમે એ માર્કેટ માં પહોચ્યા અને ઇનોવા કાર ને ઘૂસે એટલી અંદર ઘુસાડી અમે માર્કેટ માં નીચે ઉતરી ગયા.
મે આજે આખોં દિવસ ગોગલ્સ પેરેલા ઍટલે નંબર ના ચશ્મા મે અંદર કાર માજ રાખેલા અને ઇ હું અત્યારે કાર માથી લેતા ભૂલી ગયેલો. રાત ના રોડ પર હાલતા હાલતા ઘણીવાર ટિચાનો ને ગોટાળો થયો. મિત્રો ને તો જોકે આવું જોઈને મજા આવતી હતી પણ મને બોવ દાજ ચડી કે એમ કેમ ચશ્મા ભૂલી ગ્યો.
અમે માર્કેટ માં ત્યાં એકાદ બોવ મસ્ત શોપ મા વિન્ડો શોપિંગ કર્યું અને ઘરે વિડીયો કોલ કરીને બધુ બતાવ્યુ જો એમને કઈ પસંદ પડે તો લેવા માટે પરંતુ મોટાભાગના ની ઘરવાળી એ ભાવ સાંભળીને ત્યાથી શોપિંગ કરવાની ના પાડી. અમને મનોમન એમના પ્રત્યે માન થઈ ગયું કે ચાલો “છે તો સમજુ”. જોકે અમે બધા ચંડીગઢ થી શોપિંગ કરવાનાજ હતા. માર્કેટ બોવ નાની હતી ઍટલે એકાદ કલાકમાં તો નવરા થઈ ગ્યાં.
કુલ્લા (કુલદીપ) ને પિઝા, ઢોસા જેવી વાનગી આરોગવા ની મંશા હતી અને અમને બધે એવું કેહવામાં આવેલું કે કાજા મોટું સિટિ છે ઍટલે અમને એમ કે અહયા તો ખાવામાં મોજ પડશે. અમે બધે ફરી વળ્યા પણ ક્યાય આવી વાનગી મળતી ન હતી. અમને થયું કે કોઈને ફાસ્ટફૂડ કે જંક ફૂડ ની આવી રેસ્ટોરન્ટ કરવાની ઈચ્છા કેમ નઇ થઈ હોય? કેમકે ટુરિસ્ટ ઘણા હતા ઍટલે ધંધો તો ધમધોકાર ચાલે એકાદ સીજન બાદ કરતાં. ખેર, આખરે અમને એક સમોસા, જલેબી અને વિવિધ ફરસાણ ની એક રેસ્ટોરન્ટ દેખાઈ. નો મામો કરતા કાણો મામો સારો એમ માની અમે અંદર પ્રવેશ કર્યો. ઘણા ટુરિસ્ટ સમોસા ને જલેબી ઉપર તૂટી પડતાં જોયા ઍટલે અમે નક્કી કર્યું કે આપડે પણ આમ કરવું. અમે રેસ્ટોરન્ટ ના માલિક ને વિનંતી કરી કે અમને આટલા બધાને સાથે બેસવાની વ્યવસ્થા કરી આપે. માલિકે મોટો ઓર્ડર જોઈ અમને એના ઉપર ના માળે આવેલી જગ્યા એ મોકલી આપ્યા. ઉપલા માળે જોયું તો ત્યાં વ્યવસ્થિત ટેબલ ખુરશી વાળી મસ્ત રેસ્ટોરન્ટ નીકળી. ઓર્ડર લેવા આવેલ ભાઈ ને પૂછ્યું તો ઇ કે કે અહયા બધુ ફાસ્ટફૂડ મળે છે પણ અત્યારે કૂક બધા પોતાના વતન ગ્યાં છે ઍટલે બે ત્રણ દિવસ માં શરૂ થઈ જશે. અમને થયું કૂક થોડા વેલા આવી ગ્યાં હોત તો સારું થાત કેમ કે ઇ હદે બધા વાનગી ખાવા ઉત્સુક હતા.
અમે બધાના એક એક સમોસા અને સાથે 6 7 ચા મગાવી હતી અને હજી પેલો માણસ આપી ને ગ્યો ત્યાં તો આ સમોસા બધાએ સફાચટ કરી નાખ્યા. વળી પાછો નવો ઓર્ડર લેવા બોલાવ્યો અને એ માણસ કે કે સમોસા દહી સાથે વધુ સ્વાદિષ્ટ લાગશે તો અમૂકે દહી હારે મગાવ્યા. જ્યારે જ્યારે એ માણસ ઓર્ડર લેવા આવતો ત્યારે દીવાલ ની પાછળ એક રૂમ હતો ત્યાં બારી ને જોરથી ખખડાવતો અને “વિજય” એમ બૂમ પાડી જતો રહતો. અમને એમ સમજાયું કે વિજય નામનો એક માણસ અંદર છે પણ બહાર આવતો નથી. સમોસા ની જયાફત પેટ ભરીને માણી અને અમે ઊભા થયા. જતાં જતાં અમને યાદ આવ્યું કે ઓલો વિજયો હજી કેમ બહાર નથી આવતો ઍટલે અમુક મિત્રો ને ટીખળ સૂજી અને બારણે વિજય એ વિજય એમ બોલી માંડ્યા બાયણા પછાડવા. ખરેખર હસી હસી ને લોટપોટ થઈ ગ્યાં પણ વિજયો બહાર નો આવ્યો તે નોજ આવ્યો.
આખરે સમોસા જમીને અમે નીકળ્યા હોટેલ ની બહાર અને કાર માં નીકળ્યા અમારી રેહવાની હોટેલે. રાત ના દસેક વાગ્યા હતા ઍટલે અમે સવારનો પ્રોગ્રામ નક્કી કરી અને સુવા જતાં રહ્યા. હું ને નિકોબાર ના રાજા એક રૂમ માં હતા. અમે રૂમ માં ઘુસ્યાં અને લાગ્યું કે આ રૂમ તો ભારે ઠંડોગાર છે ઍટલે અમે ગાદલાં ગરમ કરવા અમે રિમોટ ફુલ મોડ માં ચાલુ કરી દીધું. અમને બધાને રૂમ માં ઈલેક્ટ્રોનિક ગાદલાં વાળું બેડ આપવા માં આવેલું પણ બેસમેંટ માં જેના રૂમ હતા એ રૂમ તો ભાઈ ભારે ઠંડાગાર થઈ જતાં. લાંબા તો થ્યા બેડ પર પણ એમ કઈ ઊંઘ આવે એમ નોતી ઍટલે મે મોબાઇલ મચડવાનો શરૂ કર્યો અને રાજાજી એ મંડી રીલો બનાવા.
લગભગ એકાદ કલાક પછી બેડ કઈક હુફાળું લાગ્યું અને અમે સૂતા. સવારે જોકે ભૂરા એ ભારે રમુજ કરાવી જ્યારે અમે કીધું કે બેડ માંડ ગરમ થયું અમારું રાતે. ભૂરા એ કીધું કે રાતે કૂલ્લા(કુલદીપ) એ બેડ ફટાફટ ગરમ કરવાની લહાય માં રિમોટ ફુલ મોડ માં ચાલુ તો કરી દીધું પણ રાતે બે વાગે બેડ એટલો ગરમ થઈ નીચે માંડ્યુ શરીર બળવા! બેડ પર સૂતેલો કુલ્લો ઊચો નીચો થવા લાગ્યો હતો અને એક ટાઇમે તો એને સ્વેટર ને ગોદડા બધુ કાઢી નાખેલું. વાત સાંભળીને બધાએ ખૂબ દાંત કાઢ્યા.
ચીચમ બ્રિજ અને કિ મોનેસ્ટરી
સવારે બધા રેડી થઈ ને નાસ્તા માટે ભેગા થ્યા. કૂલ્લા એ એના અળવીતરા સ્વભાવ પ્રમાણે સવાર સવાર માં સૂપ નો ઓર્ડર કર્યો. સૂપ ભાવ્યો હતો આ હોટેલ માં પણ સવાર માં સૂપ કોણ પીવે? અમે બધાએ ચ્હા/કોફી અને સેન્ડવિચ નો ઓર્ડર આપ્યો. નાસ્તો કરી અમે ૯ વાગ્યા આજુ બાજુ ત્રણ બાઇક અને કાર લઈ નીકળ્યા ચીચમ બ્રિજ જોવા. ચીચમ બ્રિજ, કિ મોનેસ્તરી વાળા રોડ પરજ આવે ઍટલે વળી પાછા એજ રસ્તા નો આનંદ લેતા અમે પહોચ્યા ચીચમ બ્રિજ. આ બ્રિજ મસ્ત તો છેજ પણ સાથે ત્યાં પહોચવાનો રસ્તો એટલોજ મજેદાર. હજી આ લખતાજ હું એની યાદો માં ખોવાઈ જાવ છું. એકદમ હિલ વાળો ઉપર નીચે થતો રસ્તો અને એ હિલ પર હિલ ના ઢોળાવો પર દેખાતા હિમાલિયન આઇબેક્ષ નામક મોટા શિંગડા વાળા ઘેટાં જેવુ પ્રાણી! આ પ્રાણી જોવાનો આનંદ અલગ હતો મિત્રો કેમ કે અમે આવું સરસ પ્રાણી જોયુજ નોતું. આ પ્રાણી હિલ ની નીચે જ્યાં આપડેતો ઊભા પણ ન રહી શકીએ એ જગ્યા એ જઈ ને વનસ્પતિ ખાતું હતું! નીચે સીધી ખીણ હતી ઍટલે અમને આ પ્રાણી ની હિમ્મત જોઈ ખૂબ અચરજ થયું. થોડા આગળ ગયા ત્યાં તો આ પ્રાણી અમારી કાર ની સાવ બાજુમાં જોવા મળી ગયું જેને અમે મનભરી ને જોયું અને કેમેરામાં પણ કંડારિયું.
થોડીવારમાજ અમે ચીચમ બ્રિજ પહોચી ગ્યાં! મસ્ત બ્રિજ છે અને એટલી ઊચાઇ પર છે કે નીચે બૂમ પાડો ઍટલે ખીણ માં અથડાઇ ને પડઘો પડે. અમે ત્યાં ફોટો પાડ્યા અને ઘરે વિડિયો કોલ કરીને આ બ્રિજ બતાવ્યો. લગભગ બધી મસ્ત જગ્યા પરથી અમે વિડિયો કોલ કરી ઘરનાને નજારા બતાવતા. આ ચીચમ બ્રિજ પાસ કરીને કુંજુમપાસ જવાય કે જ્યાં અમે રસ્તો બંધ હોવાથી ન જઇ શક્યા. કુંજુમપાસ એક બોવ મસ્ત જગ્યા છે અને વાયા કુંજુમપાસ થઈ મનાલી સુધી પહોચી શકાઈ. સ્પીતી વેલી ની આખી સર્કિટ શિમલા થી શરૂ કરી અને મે દર્શાવેલા આ લખાણ મુજબ ના સ્થળો પર પાસ થઈ મનાલી પૂર્ણ થાય. અમારે તો ચીચમ થીજ પાછા ફરવાનું હતું ઍટલે ભવિષ્યમાં જો મેળ અને ઘરવાળા અમારી હૂંડી સ્વીકારે તો મનાલીવાળી અધૂરી સર્કિટ પૂર્ણ કરવાની બધાની તમન્ના ખરી. જોકે આ “તમન્ના” ઘરે રજૂ કરતાં અમારા “ભાટિયા” તૂટે એવી શક્યતા વધુ છે.
અમે ચીચમ બ્રિજ પાસે ઊભેલી ફૂડ કાર્ટ પર ચા/કોફી ઓર્ડર કરી અને બેઠા થોડો નાસ્તો કરવા. અમે જોયું કે ડોક્ટર(ડો. કૃણાલ ચંદારાણાં) કોઈક અલ્ટો કાર વાળા હારે રકજક કરતો હતો. થોડીવારે એ અમારી પાસે આવ્યો અને કીધું કે આ હીલી એરિઆ માં સ્નો લેપર્ડ ઓલા અલ્ટો વાળા લોકલ માણસે જોયા છે અને એ અમને દેખાડવા રાજી થયો છે અલબત્ત બક્ષિશ આપવાની શરતે! અમે તો એકદમ રંગ માં આવી ગયા અને નીકળ્યા સ્નો લેપર્ડ ની સર્ચ માં. હું અને ડોક્ટર અલ્ટો વાળા હારે એની કાર માં ગોઠવાના અને બીજી અમારી કાર માં બીજા મિત્રો ગોઠવાના. રસ્તો એજ કાજા બાજુનો હતો અને અમારે પણ અહીથી કાજા જવાનું હોવાથી કઈ વધુ અંતર કાપવાનું ન હતું. એક ખૂબ સુંદર પહાડના ઢોળાવવાળી ખીણ પાસે કાર ઊભી રાખી અને પેલો અલ્ટો વાળો એનું દૂરબીન લઈ ઉતર્યો રોડ પર! એને દૂરબીન થી સ્નો લેપર્ડ ગોતવાની ખૂબ જહેમત કરી પણ એને કે અમને સ્નો લેપર્ડ દેખાયો નહીં.
આખરે અમે પેલા અલ્ટોવાળા ને બક્ષિશ આપી અને રવાના થયા કાજા જવા. અમારે કાજાથી આજે નીકળી અને જવાનું હતું કલ્પા વાયા ધંકર મોનેસ્ટરી. અમે કાજા માજ અમારો સામાન પેક કરી હોટેલ પર રાખી મૂકેલો અને ત્યાં પહોચી સમાન કાર ઉપર બાંધી અને નીકળી જવાનું હતું. નક્કી કર્યા મુજબ સમાન લઈ અમે નીકળ્યા કાજાથી ધંકર તરફ જવા. હવે અમારી રિટર્ન જર્ની ચાલુ થતી હતી કેમ કે મે અગાઉ કહ્યું તેમ મનાલી વાળી સર્કિટ પૂર્ણ થાઈ એમ ન હતી. અમે આખો રસ્તો અગાઉ થીજ એવો પ્લાન કરેલો કે રિટર્ન ટ્રીપ માં પણ ત્યાના અલગ અલગ સ્થળો જોવાઈ જાય અને કઈ રિપીટ નો થાય એકાદ લોકેશન બાદ કરતાં.
ધંકર
કાજા થી અમે પહોચ્યા ધંકર મોનેસ્ટરી. મે અને અમુક મિત્રો એ સવારે સરખો નાસ્તો નો કર્યો હોવાથી અમને ભારે ભૂખ લાગેલી ઍટલે જેવા અમે ધંકર પહોચ્યા એવા તરતજ માંડ્યા પેલા રેસ્ટોરન્ટ ગોતવા. અમે આખરે મોનેસ્ટરી ની સાવ નીચેની રેસ્ટોરન્ટ પસંદ કરી અને ધડાધડ ઓર્ડર કર્યા. અમારા બાઈકર્સ હજી પાછળ રહી ગયેલા પણ એની રાહ જોવાય એમ ન હતી. વળી, અહીની પ્રથા મુજબ કઈ વસ્તુ રેડી નો હોય અને તમને ફ્રેશ જમાડે ઍટલે અમે અમારા ૫ ૬ જણ પૂરતો ઓર્ડર કર્યો. ઓર્ડર બનતા વારલાગી આટલી વાર માં તો કઈક બિસ્કીટુ ના પડિકા અમે એની રેસ્ટોરન્ટ માઠી લઈ અને ઉલાળી ગયેલા. બહુ રાહ જોવડાવ્યા બાદ અમારો ઓર્ડર આવ્યો અને ત્યાજ અમારા બીજા મિત્રો પણ આવી પહોચ્યા. વળી પાછો ઓર્ડર આને આજ રિપીટ કર્યો અને અમે આવી ગયેલ ઓર્ડર પર તૂટી પડ્યા.
જઠરાગ્નિ શાંત કરીને અમે ચડ્યા ઉપર હિલ પર આવેલી મોનેસ્ટરી તરફ! હું અને બીજો એક મિત્ર થોડા ઉપર જઈને પાછા નીચે આવી ગયેલા એમ સમજીને કે હવે આમાં નવું કઈ જોવાનું છે નહીં પરંતુ એ અમારી ભૂલ હતી કેમકે જે બધા મિત્રો છેક ઉપર સુધી ગ્યાં એમને ખૂબ સુંદર નજારા જોયા જે ખરેખર ફોટોગ્રાફિકલી અદ્ભુતહતા. ધંકર જવાનો રસ્તો અને વચ્ચે આવતી નદી નો નજારો ખરેખર માણવા જેવો હો મિત્રો. આ એજ નદી જ્યાં રાજાજી પથરાળ પટ્ટ માં બાઇક પરથી ઢોલાય ગયા હતા. ધંકર ની મુલાકાત પૂર્ણ કરી અમારે હવે પહોચવાનું હતું તાબો. તાબો એજ મોનેસ્ટરી વાળી જગ્યા જે અમે કાજા જતાં ઓલરેડી જોઈ લીધેલી પરંતુ અમારે આ સ્થળે વિરામ લેવો જરૂરી હતો કેમ કે એક દિવસ માં આટલુજ ડ્રાઇવ શક્ય હતું. અમારો આજનો રુટ ખૂબ લાંબો હતો અને ખાલી આ રુટ નહીં પણ કાજા થી શિમલા સુધીની રિટર્ન જર્ની લાંબા ડ્રાઇવ વાળી હતી પરંતુ ક્યાય થાક ને લીધે મજા બગડી એવું નહીં.
ક્યાય પહોચ્યા કરતાં જર્ની ની જે મજા છે એ મજા ઍટલે “ સ્પીતીવેલી”. સાંજે લગભગ પાંચ છ વાગે અમે તાબો પહોચ્યા. કારવાળા બાઇકવાળા કરતાં વેહલા પહોચ્યા ઍટલે હું ને બીજલો(બ્રિજેશ) અને ચિગલો ને ડોક્ટર નીકળ્યા ઊભા રોડે હોટેલ ગોતવા. અહી તાબો માં બોવ મસ્ત હોટેલ્સ છે પણ અત્યારે અમે જોયું તો બહુ ઓછી હોટેલ્સ ખૂલી હતી કેમ કે સીજન હજી થોડા દિવસો બાદ જામવાની હતી. બે ત્રણ હોટેલ્સ જોયા પછી મને અને બીજલા ને એક જોરદાર હોટેલ મળી અને દિલ થી ગમી ગઈ!
અમે બેય આજ હોટેલ માં રેહવા માગતા હતા અને ચિગલા ને આવી હોટેલ મળી હોવાના વધામણાં આપવા ફોન કર્યો તો સામે ચિગલા એ કીધું કે એને પણ અફલાતૂન હોટેલ ફાઇનલ કરી છે અને અમારી હોટેલ ને ટક્કર આપે એવી છે. અમે ફોન પર એકબીજા સાથે જીભાજોડી ચાલુ કરી અને નક્કી કર્યું કે બેય પેટ્રોલીંગ પાર્ટી એક બીજા ની હોટેલ જોય જાઈ અને પછી પસંદીગી નો કળશ ઢોળવામાં આવશે!
હું ને બીજલો હાલી ને કંટાળયા હતા ઍટલે અમે ચિગલાની પેટ્રોલીંગ પાર્ટી સામે શરણાગતિ સ્વીકારી અને એને જ્યાં જોઈ હતી એ હોટેલ સુધી પહોચ્યા. ચિગલા આણી મંડળી એ ફાઇનલ કરેલી હોટેલ પણ મસ્ત હતી હો ઍટલે અમને અમે ગોતેલી સારી હોટેલ સારા ભાવમાં ગુમાવ્યા નો વસવસો નો રહ્યો. હોટેલ માં ઘૂસતા વેંત બધા એ બાથરૂમ માં પાણી આવે છે કે નહીં એ ચેક કર્યું કેમકે કાજા દરમિયાન ના ૨ 3 દિવસ ના રોકાણ માં કોઈ પાણી ના અભાવે નાહયા નોતા! તાબો ની આ હોટેલ અમે રોકાયા હતા એમાની અત્યાર સુધીની શ્રેષ્ઠ હોટલ હતી કે જેમાં મોટા નવા નક્કોર ગિજર વાળા બાથરૂમ, ભારતીય બેઠક અને ગરમ સગડી વાળો ડાઇનિંગ એરિયા, બધા માટે હોટલ માં પેરવાના ચપ્પલ અને મસ્ત બાલ્કનીવાળા રૂમ.
હોટલ માં સૌ એ સામાન મૂક્યો ત્યાં એક બીજા ગુજરાતી ટુરિસ્ટ અમને કે કે પેલા ડોક્ટર તમારી ગેંગ ના છે ને જેણે એક્સિડેંટ થયો હતો તે ટેમ્પો ટ્રાવેલર ના પેસેંજર ની ત્યાં સારવાર કરી હતી? ઍટલે મે કીધું કે હા ઇ અમારી સાથેજ છે પછી પેલા ભાઈ કે કે એમની પાસે “ઓડી” છે ને? ઍટલે મારાથી જે જવાબ આપાઈ ગ્યો ઇ સાંભળી બધા ખૂબ હસ્યા અને પેલા ટુરિસ્ટ મિત્ર પણ ખડખડાટ હસતાં એમના રૂમ માં ચાલ્યા ગયા. આ પત્યા પછી સૌ પોતપોતાના રૂમ માં જઈ નાહયા અને પછી ભેગા થ્યા ભારતીય બેઠક અને ગરમ સગડી વાળા ડાઇનિંગ એરિયામાં. હોટલ એટલી સારી હતી કે અમને અહી જમવાનું પણ આલા દરજ્જા નું હશે એવી આશા હતી. જમવાનું બનતા ખાસ્સી વાર લાગી અને રાતે લગભગ દસ વાગી ગયા હતા. અમે સૌ નિરાંતે જમ્યા અને બધી હોટલ માં મળે ત્યાં એવુજ જમવાનું હતું ઍટલે એવું કઈ નવીન નહીં પણ વાંધો ન આવે. ડોક્ટરને સ્પીતી વેલી માં મિલ્કિ વે સ્ટાર ગેજીંગ જોવાનું ખૂબ મન હતું એટ્લે ડોક્ટર અને બીજા અમુક મિત્રો રાતે અંધારા માં રાતે 11 વાગે નીકળી પડ્યા મિલ્કિ વે જોવા. ઘણા આંટા માર્યા પણ એમને આ નજારો જોવા ન મળ્યો જોકે મિત્રો સાથે રખડવાની મજા તો માણી અને સૌ આવી પોતપોતાના રૂમ માં જઈ સૂઈ ગ્યા.
તાબો માં તો અમારે માત્ર રાત્રિ રોકાણ હતું ઍટલે બીજા દિવસે અમારે અમારી રિટર્ન જર્ની મુજબ આગળ વધવાનું હતું અને હવે નું અમારું નેક્સ્ટ સ્ટેશન હતું “કલ્પા”. સવારે બધા ઉઠી, બાલ્કની બહારના દ્રશ્ય નો ભરપૂર લાભ લઈ અને નાહી ધોઈ ને રેડી થઈ ગયા નાસ્તા માટે. સ્પીતી વેલી ની ટ્રીપ માં સવારે આંખ આપોઆપ વેહલી ખૂલીજ જતી અને જેવા ઊઠીએ કે બાલ્કની, હોટલ ની અગાસી કે ખુલ્લી જગ્યા પરથી સવાર નો નજારો અમે અચૂક માણતા.
અમે હોટલ ના ડાઇનિંગ એરિયામાં નાસ્તો કરવા બેઠા અને નાસ્તા માં મોજ પડી ગઈ. નાસ્તા માં હતું હિમાચલી રોટી, બટેટા નું રસાવાળું શાક, બ્રેડ-બટર, ચા/કોફી. પેટભરીને નાસ્તો જમ્યા બાદ અમે સામાન કારના કેરિયર પર ગોઠવી નીકળ્યા કલ્પા જવા. તાબો થી કલ્પા જતાં પેલો ઠંડોગાર નકો પ્રદેશ વચ્ચે આવે જયાં અમે ફરી કોઈવાર રાત રોકાવાનું ન વિચારીએ. તાબો થી બે કલાકે અમે નકો ગામ ની ચોકડી પાસેના ધાબા પાસે પહોચ્યા જ્યાં કુલ્લો અમને નાકો ના રાત્રિ રોકાણ વખતે ચાલતા ચાલતા જમવા લઈ ગયેલો. બાઈકર્સ અને કાર ત્યાં ભેગા થ્યા અને એજ ધાબા માં અમે નાસ્તો કરવાનું નક્કી કર્યું. ધાબાની પાછળના ખુલ્લા ભાગ માં કુદરત ની વચ્ચે ટેબલ ખુરશી નાખેલા હતા ત્યાં બેઠા. એ જગ્યા ઍટલે બરફ ના પહાડ ચારેકોર, અમે બેસેલા એની બારોબાર પાછળ આર્મી નું હેલિપેડ હતું. જાણે ફિલ્મી માહોલ હોય એવું લાગે.
ચા કોફી અને નાસ્તો કર્યા બાદ અમે કલ્પા તરફ પ્રયાણ કરવા જતાં હતા ત્યાં અમને પિંટુડા, ભૂરા અને ડોક્ટર એ રોક્યા અને કહ્યું કે પાછળ હેલિપેડ છે ત્યાં અમે આર્મીવાળા ને ફોટોગ્રાફી અને વિડિયો લેવાની પરમિશન માગી તો એમને હા પાડી તો ચાલો ત્યાં બાઇક સાથે થોડા વિડિયો અને ફોટા લઈએ. શરૂઆત માં આનાકાની બાદ સૌ હેલિપેડ ગયા અને અમારી લાઇફ ના સારામાં સારા વિડિયો બનાવ્યા. બધાએ હેલિપેડ પર પોતાના મસ્ત ફોટા લીધા અને હેલિપેડ ની ફરતે બાઇક ચલાવતા વિડિયો ઉતાર્યા. ચાર બાઇક પર નવ જણા હેલિપેડ ફરતે રાઉન્ડ લેતો વિડિયો યાદગાર હતો. ત્યાં એટલી મજા આવી કે પછી તો ફિલ્મી સ્ટંટ જેવા બાઇક સાથેના વિડિયો લીધા. ડોક્ટર બાઇક ચલાવતો હોય અને હું પાછલી સીટ પર હોવ અને બાઇક પરથી અમે બેય ચાલતા બાઇકએ ઊભા થતાં સ્ટંટ કરતાં હતા એ વિડિયો ડોકટરે એક મસ્ત ગીત “ ડિંગ ડોંગ ઑ બેબી સિંગ સોંગ” સાથે fb પર મૂકેલો એ આજે પણ જોયને મોજ પડી જાય તમારે વિડિયો અને જગ્યા જોવી હોય તો નીચે લિન્ક આપેલી છે. https://www.facebook.com/story.php?story_fbid=10161019981697110&id=706847109&mibextid=qi2Omg&rdid=29NiSe4B6qHEuzdq
હેલિપેડ પાસેના ફોટા અને વિડિયો અમારી ટ્રીપ ના બેસ્ટ સંભારણા છે અને વર્ષો પછી જ્યારે અમે કે અમારા છોકરા જોશે ત્યારે અત્યારે કરેલી મજા ફરી મમલાવશુ.
એકાદ કલાક અહી રોકાયા બાદ અમે એટલા ખુશ હતા કે અમુક ને તો ધક્કા મારીને ત્યાથી આગળ કલ્પા જવા કેહવું પડ્યું કેમ કૅ આજની જર્ની ખૂબ લાંબી હતી.
કલ્પા – નિકોબાર ના રાજાનું ઉદયસ્થાન
ચાર પાંચ મિત્રો બાઇક પર અને બાકીના કાર માં ગોઠવાના. મે બાઇક લીધું અને મારે અહીથી છેક ચંડીગઢ સુધી બાઇક ચલાવવું હતું. આજની મુસાફરી બોવ લાંબી હતી અને કદાચ લાંબા માં લાંબુ ડિસ્ટન્સ ૧૦ દિવસ માં આજે હતું. તાબો થી કલ્પા નો લગભગ રસ્તો અડધે સુધી એજ હતો જે અમે આવતી વખતે લીધેલો. ૧૧ વાગ્યા આસપાસ અમે સુંદર કોતરણી કરી હોય એવા મોટા પહાડો વાળા રસ્તા ના વળાંકો પસાર કરી એક સુંદર બ્રિજ પાસે પહોચ્યા. મને યાદ છે ત્યાં સુધી આ એ બ્રીજ છે જ્યાથી સ્પીતી વેલી ની અસ્સલ સફર અને અલગ નજરા શરૂ થાય છે. આવતી વખતે અમે અહી ઊભા નતા રહ્યા પણ અત્યારે તો અમારે અહી રોકવાવુજ હતું. અમે બાયકર્સ થોડા વેહલા પહોચી ગ્યા અને ત્યાં બ્રીજ પાસે ખૂબ ફોટા પાડ્યા. થોડીકવાર માં કાર આવી ગઈ અને પછી તો જે બધાયે રીલ્સ બનાવી છે કે જે યાદ કરીને મન મલ્કી ઉઠે!
મોબાઇલ કેમેરા ને થોડોક આરામ આપી અમે ઉતર્યા બ્રીજ ની નીચે જવા કે જ્યાં ખળખળ નદી વેહતી હતી. નદી નો પ્રવાહ સતત વહેતો અને ફાસ્ટ હતો ઍટલે ત્યાં ન જવા ની મનાઈ ફરમાવતું બોર્ડ હતું પણ અમારે તો જવું હતું. અમે પહાડ ની સાઈડ માથી પથરાળ ઢોળાવો પરથી ઉતર્યા અને પહોચ્યા નદી પાસે. આ એક નાનકડા ટ્રેક જેવુ હતું કેમ કે ધ્યાન રાખી રાખી ને નદી પાસે જવાનું હતું અને એમાં બધાને ખૂબ મોજ પડી. નીચે નદી અને ઉપર રોડ સાઇડ બંને બાજુ કોતરણી કરી હોય એવા પહાડો! શું અદ્ભુતનજારો થતો હતો! અવિસ્મરણીય હો મિત્રો.
વળી પાછા મોબાઇલ કાઢ્યા અને અલગ અલગ અંદાજ માં ફોટા પાડ્યા અને કુદરત ને મન ભરીને માણી.
આમતો અમે એન્જોય કરી લીધું હતું અને નદી પરથી ઉપર જવાનાજ હતા ત્યાંજ કોઈએ ઉપરથી સીટી મારી ને ત્યાથી ફટાફટ ઉપર આવી જવા અમને તાકીદ કરી. અમે ફટાફટ ત્યાથી નીકળી અને ઉપર રોડ પર પાર્ક કરેલ અમારા બાઇક અને કાર પાસે પહોચી ગ્યા.
બાઇક સાથે આપેલ વાઘા ધારણ કરી હું અને કુલ્લો મારા બાઇક પર નીકળ્યા અને બીજા મિત્રો પણ બીજા બાઇક અને કાર લઈ પ્રવાસ આગળ ધપાવ્યો. જેમ જેમ આગળ જતાં જાય એમ એમ ઊચાઇ મુકાતી જતી હતી અને એક સમયે અમે અમારા જેકેટ કે સ્વેટર કાઢી નાખેલા. લગભગ બપોરે એકાદ વાગે અમે “પૂ” નામના ગામ માં જમવા માટે ઉભા રહ્યા અને બે ત્રણ સારી દેખાતી હોટેલ માથી એક પસંદ કરી અમે ત્યાં જમવા બેઠા. આ હોટેલ માં પંજાબી સબ્જી હતી ઍટલે અમે પંજાબી ઓર્ડર કર્યું જે બનતા બોવ વાર લાગી પણ અમે એટલીવાર હોટેલ ના ટીવી પર એક ઈન્ડિયા ની હાલ માજ રમાયેલ મેચ ની હાઇલાઇટ જોઈ. જમીને અમે આગળ જવા માટે રેડી હતા એટલા માં અમુક મિત્રો ને વાઇન શોપ દેખાની અને ત્યાથી એક બ્રાંડેડ વિસ્કીની બૉટલ ઉપાડી.
સાંજના પાંચ વાગતા અમે ઊચાઇ થી સાવ ગ્રાઉંડ લેવેલે આવી ગયા હતા અને પહોચ્યા રામપુર. અહી પહોચીને અમે બે બાઇક વાળા કાર ની અને બીજા બાઈકર્સ ની રાહ જોતા ઉભા રહ્યા. રામપુર મોટું સિટિ હતું અને અમે જોયું કે પાણીપૂરી ના ઘણા ઠેલા ત્યાં રોડ પર હતા ઍટલે મનોમન નક્કી હતું કે પાણીપુરી ખાવી પણ તોય મિત્રો ની રાહ જોવાનું નક્કી કર્યું. કાર તો આવી ગઈ પણ ચિગ્સ ધ ફાયર ઉર્ફે ચિરાગ અને અવિરત ક્યાય નો દેખાયા ઍટલે અમે એને ફોન કર્યો તો ખબર પડી કે એ તો આગળ નીકળી ગયા હતા! બેય ને જાણ કરી કે અહયા પાણીપૂરી ખાવા પાછા વળો ઍટલે બેય માઠી એકાદ પાછો આવ્યો અને બીજા એ કદાચ જયા હતો ત્યાથિજ આગળ વધવાનું નક્કી કર્યું હતું. પાણીપૂરી સાથે દેશી બર્ગર નો આનંદ લીધો અને છેલ્લે સામે ઉભેલ મારવાડી ની કાર્ટ માથી આઇસ ક્રીમ ની પણ મજા માણી.
પાણીપુરીના વિરામ બાદ હું. ચિગલો અને બાપુ પદુભા ઉર્ફે ચાર્ટર્ડ અકાઉંટેંટ પ્રદીપસિંહ સરવૈયા મારમમાર બાઇક હકાલી આગળ ગ્યા. અમે ત્રણેય સિંગલ બાઇક ચલાવતા હતા અને ચોથા બાઇક પર અવલો અને નિકોબાર ના રાજા(પિન્ટુ) ડબલ સવારી હતા. ઘણું આગળ નીકળ્યા પછી અમે ત્રણેય જે સ્પીડ ના કેફ માં આગળ હતા એ આવતી વખતે જ્યાં જમેલા એ હોટેલ પાસે બાઇક થોભાવી અને પાછળ આવતા મિત્રો ની રાહ જોવાનું નક્કી કર્યું. દસેક મિનિટ સુધી કોઈ દેખાનું નહીં ઍટલે અમે હોટેલ માથી કોફી નો ઓર્ડર કર્યો. ગરમાગરમ ત્રણ કોફી મગાવી અને એ બોવ મસ્ત હતી. અમે ત્રણેય ત્યાં બાઈકર્સ ના વાઘા ઉતારી નિરાંતે રોડ સાઈડ પાઠરેલી ખુરશી પર બેસી કોફી નો આનંદ લેતા બેઠા. રોડ સાઈડ કોફી ની તો મજા હતીજ પણ અમારે બીજા મિત્રો ને ત્યાથી જતાં રોકવાના હતા. કોફી પતી ગઈ અને અડધો કલાક વીતી ગ્યો પણ સાલું કોઈ દેખાયા નહીં ત્યાથી પસાર થતાં ઍટલે અમે ત્રણેય પાછળ રહી ગયેલા મિત્રો ને ભાંડયા કે સાલાઓ ફલાની જગ્યા એ ફોટા પાડવા માં મગ્ન હશે અને એમાં મોડુ થયું લાગે છે.
અમે ત્રણેય પાછા એક સરખા એરટેલ મોબાઇલ કવરેજવાળા ઍટલે એકેયનું નેટવર્ક ન આવે ઍટલે હોટેલ વાળા છોકરાનો મોબાઇલ માથી કાર માં બેઠેલ ડોક્ટર ને અને પિંટુડા ફોન કરવામાં આવ્યો. ફોન માં કરેલ લમનાજિક ના અંતે અમે જાણ્યું કે અમે ત્રણેય એક કલ્પા તરફ જતાં રસ્તા બાજુ વળવાનું હતું તેનાથી ૧૮ કિમી આગળ આવી ગ્યા હતા. અમારા ત્રણેય ના મોઢા જોવા જેવા હતા અને થોડી દાજ પણ ચડી કેમકે ૧૮ કિમી સ્પીતી વેલી માં કાપવા ઍટલે ૫૦ કિમી નું અંતર કાપવા જેવુ હોય. અમે ત્રણેય બીજા મિત્રો ને ભાંડતા હતા પણ ખરેખર અમે અમારું નામ ડાયરી માં લખી નાખ્યું હતું. ભારે હૈયે વળી પાછા બાઇક પર ગોઠવાના અને નીકળ્યા પેલા વળાંક પાસે જવા જ્યાથી કલ્પા તરફ જવાતું હતું. લગભગ અમે ત્રણેય ૪૫ મિનિટ પછી પહોચ્યા પેલા વળાંક પાસે જયાથી કલ્પા તરફ જવાનું હતું. અમારે પાછું જોવું હતું કે ત્યાં કલ્પા તરફ જવા નું બોર્ડ માર્યું છે કે નહીં. અમે જોયું કે બોર્ડ તો સરસ દેખાય એમ માર્યુજ હતું અને અમેજ સ્પીડ થોડી વધુ પકડી લીધી હતી.
કલ્પા તરફ જવાનો રસ્તો ઍટલે નીચાણ થી ચડાઈ કરી ઉપર ની તરફ જવું. બાઇક તો જેમ રેસ જોતાં હોય એમ અમે ટ્વિસ્ટ અને ટર્ન લેતા લેતા ઉપરની તરફ જવા લાગ્યા. ખરેખર મસ્ત રસ્તો હતો જે રીકાંગપીઓ(હિમાચલ નું મોટું સેંટર) થઈ કલ્પા જતો હતો. બાઇક નું વજન ખૂબ હોવાથી બોવ શાંતિથી અને જોય ને ચલાવું પડે એમ હતું. આમતો અહી પહોચવા સુધી એટલું બાઈકિંગ કરી નાખેલું કે બધા એકદમ પર્ફેક્ટ ડ્રાઇવર બની ગયેલા. રિકાંગપીઓ પહોચ્યા ત્યાતો સંધ્યાટાણું થઈ ગયું હતું અને હજી કલ્પા પહોચવાનું બાકી હતું. નીચે થી રિકાંગપીઓ પહોચ્યા ઍટલે વળી પાછી ઠંડી મંડી લાગવા ઍટલે વળી જેકેટ ચડાવ્યા. અમે આગળ જવા લાગ્યા અને રાતનું અંધારું થવાની પંદર મિનિટ પેહલા કલ્પા પહોચ્યા. અમારી આગળ હતા એ કાર અને બાઇક પર ના મિત્રો ની શોધખોળ ચાલુ કરી અમે ત્રણેય એ પણ અમારી પાસે નેટવર્ક નો હોવાથી વળી એક રાહદારી પાસેથી મોબાઇલ લઈ અને અવિરત ને ફોન કરી લોકેશન જાણ્યું. અમે એ લોકેશન તરફ જવા નીકળ્યા પણ ભારે ગોતાગોત પછી એક હોટેલ પાસે અમને અવિરત અને પિન્ટુ મળ્યા.
અમારી અગાઉ પહોચેલા મિત્રો બધા અલગ અલગ જગ્યા એ હોટેલ ગોતતા હતા જેમાથી અવલો અને પિન્તુડો આ હોટેલ પાસે હતા. બાકીના મિત્રો આ બેય થી થોડે દૂર હતા ઍટલે અમે પૂછ્યું કે સાથે કેમ નથી? તો જાણ્યું કે રાજાજી ઍટલે કે નિકોબાર ના રાજા ને અવલા એ ગંભીર રીતે બાઇક ની પાછળ થી પાડ્યા હતા. વાત જાણે એમ બની હતી કે અવિરત બાઇક ચલાવતો હતો અને પિન્ટુ એની પાછળની સીટ પર સવાર હતો. પાછળ બેઠેલ કોઈ નોર્મલ હાઇટ વાળા ના પગ પણ જમીન પર માંડ પહોચે ઍટલે બાઇક ને ઉભુ રાખી કંટ્રોલ માં રાખવું એ જે ચલાવતો હોય એજ કરી શકે.
રાજાજી ની આપવીતી મુજબ કોઈ એક ખુબજ સાંકડો અને એકદમ ચઢાણ વાળી જગ્યા એ બેયએ એક હોટેલ જોઇ અને ત્યાં બાઇક ચડાવી જવાનું નક્કી કર્યું. પિંટુડા એ અવલા ને ચેતવ્યો પણ ખરા કે રેવા દે આહયા જવામાં બાઇક કંટ્રોલ નહીં રે પણ અવિરત કે જેને અમારા બધા કરતાં જીવનમાં વધુ બાઈકિંગ કરેલું એને નિકોબાર ના રાજા ને વિશ્વાસ માં લીધા કે કઈ નહીં થાય ઍટલે બાઈક હંકારી એકદમ ચઢાઈ વાળા સાંકડા રસ્તે! બાઇક ચડાવતી વખતે અવલાનું બેલેન્સ એ..એ..એ કરતાં જવા લાગ્યું અને રાજાજી ઠીંગણા ઍટલે એણે અવલાના ભરોસે બેઠા રેવાનું હતું. હોટેલ નો માલિક આ દ્રશ્ય જોતો હતો અને આખરે બાઇક ને પડતું મૂકી ઓલા હોટેલ વાળા ની સામે અવલો અને રાજાજી બેય પડ્યા અને મોટી ફાંદવાળા પિંટુડા એ ભારે ચડાણ વાળા રસ્તે ગલોટિયા ખાધા અને વાગ્યું પણ ખરું.અવલો સિફતપૂર્વક પડ્યો હતો ઍટલે એને કઈ વાગ્યું ન હતું. અવલા એ બાઇક ઉભુ કર્યું અને હોટેલ વાળાને પૂછવા ફરી પાછો ઉપર તરફ જવા બાઇક પર બેઠો પણ આ શું રાજાજી તો ઊભા થઈને સીધા નીચેની તરફ હાલવાજ માંડ્યા! રાજાજીને પડ્યા બાદ આ હોટેલ માં કોઈ રસ નહતો. આ લખતા લખતા પણ હસી પડાય એવો એક યાદગાર પ્રસંગ અહી બની ગયો.
અમે અહી અવલા અને પિંટુડા ની દાસ્તાન સાંભળતા હતા ત્યાં ડોક્ટર નો ફોન આવ્યો કે અમે હોટેલ રાખી લીધેલી છે ઍટલે તમે અહી આવી જાવ. અવલાએ રકજક કરી કે અમે ઉભા છીયે એ હોટેલ પણ મસ્ત છે ઍટલે ડોક્ટર આણી મંડળી અહી આવી જાય કેમ કે ખાલી રાત રોકાવાનું હતું ઍટલે આ હોટેલ પણ ચાલે તેવી હતી અને પાછી અવલા જેવા ચા ના શોખીન માણસ ને હોટેલ વાળા એ મસ્ત ચા ઓલરેડી પીવડાવી ખુશ કરી દીધેલ હતો. અંધારું થઈ ચૂક્યું હતું ઍટલે અમે ડોક્ટર અને બીજા મિત્રો ની વાત માની નીકળ્યા બાઇક લઈ ને ડોક્ટર અને મોટા ગજાના બીજનેસમેન બીજલાએ પસંદ કરેલ એકદમ લેવીશ મોંઘી હોટેલ પર. અમે તો હોટેલ બહાર થી જોઇ પેલા તો ત્યાં ઊભાજ ન રહ્યા કેમ કે બજેટ હોટેલ માં રેવાવાળા અમે આ થોડા પસંદ કરીયે?. પણ ડોકટરે કીધું કે હા ભાઈ હા આજ હોટેલ પસંદ કરી છે.
અમે તો ઉતરતા વેંત માંડ્યા ભાવ પૂછવા કે કેટલા માં નક્કી કર્યું? કેમ કે લાગતુજ હતું કે ભાવ વધુજ હશે. ભાવ સાંભળી ને ડોક્ટર અને બીજલા ને ખખડાવ્યા કે આવી ક્યાં જરૂર હતી ખોટા વધુ દેવાની કેમ કે બીજે આનાથી સસ્તું મળીજ રેત એમ કહીને. આખરે અમે ત્યાજ રોકાવાનું નક્કી કર્યું અને સાથે એવું અલટીમેટમ પણ આપ્યું કે હવે શિમલા ની હોટેલ અમે બે ત્રણ જણા નક્કી કરશું અને એમાં કોઈ કઈ નહીં બોલે ભલે ગમે એ ભાવ હોય.
કલ્પા ની આ હોટેલનું લોકશન ઍટલે મિત્રો અમે રોકાયેલ બધી હોટેલ માનું સર્વશ્રેષ્ટ. પહાડ પર નીચેથી ઉપર તરફ જતાં પહાડ માં આખું પરિસર કે જેમાં અલગ અલગ સાઇઝ ના રૂમ હતા જ્યાં મોટેભાગે થોડું ચઢાણ કરી પહોચવાનું. અમને રિસેપ્શન એરિયા માથી રૂમ આપવામાં આવ્યા એમાથી એક રૂમ નું લોકેશન બરફ ના પહાડ ને એકદમ સામે હતું અને બીજો રૂમ થોડો પાછળ ની સાઈડ હતો. બરફ તરફ ના લોકેશન વાળા રૂમ માં રેહવા માટે બધા પડાપડી કરવા લાગ્યા ઍટલે અમે એકડી બગડી ગેમ રમી જે સૌથી છેલ્લા ત્રણ રહે એને ચૂપચાપ વ્યૂ વગરના રૂમ માં જતાં રેહવાનુ નક્કી કર્યું. આ ગેમ અમે સ્કૂલથી રમતા આવ્યા છીયે અને કેટલીય વાર હારેલા મિત્રો એ કઈક નાસ્તા કરાવ્યા હતા.
રિસેપ્શન માથી ગેમ રમવા પેન માગવામાં આવી અને શરૂ કર્યો નસીબ નો ખેલ. રિસેપ્શન વાળા પણ જોય રહ્યા કે આ બધા કરે છે શું? આ ગેમ માં એવું હોય કે એક પેપર પર એક થી વીસ નંબર લખવાના(અમે નવ જણા હતા ઍટલે વીસ સુધી બાકી ઓછા હોય તો એક થી દસ પણ ચાલે). નંબર લખાય જાય પછી દરેકે એક થી વીસ માથી કોઈપણ એક નંબર પસંદ કરી હથેળી માં કોઈને દેખાઈ નહીં એમ લખી નાખવાનો. સૌ પોતાનો નંબર લખી લે પછી એક પછી એક એમ વારાફરતી દરેક મેમ્બર એક થી વીસ માથી પોતે લખેલા ન્ંબર સિવાય નો નંબર બોલે અને એ બોલેલ નંબર માથી જો એ નંબર કોઈએ લખેલ હોય તો એ વિજેતા બની ગેમ માથી બહાર થતાં જાય અને જે ગેમ માં લાસ્ટ કે લાસ્ટ બે કે ત્રણ રે એને માથે ખર્ચો આવે અને બાકીના મફત ની મજા કરે.
આ ગેમ ના અંતે હું, કુલ્લો અને અવિરત વિજેતા બની અને વ્યૂ વાળા રૂમ માં રેહવાના હક્કદાર બન્યા અને બાકીના બીજા રૂમમાં ગયા. બધા થોડીવાર માં ફ્રેશ થઈ અને ભેગા થયા અમારા વ્યૂ વાળા રૂમ માં. નવ મિત્રો ની આ એક એવી યાદગાર મેહફિલ હતી કે કોઈને ન ભુલાય. આજ એ રાત હતી કે જ્યારે પિંટુડા(પ્રણવ રાજ્યગુરુ) ને નિકોબાર ના રાજા નું બિરુદ આપવામાં આવ્યું હતું!
કલ્પા ની મસ્ત હોટેલ માં વ્યૂ વાળા રૂમ માં અમે રૂમ ની બારી પાસે બેડ અને ટેબલ સરખા ગોઠવીને નવે નવ જણા ગોઠવાના. બારી તો ખોલાય એમ હતિજ નહીં કેમકે સામે ઠંડી ખૂબ હતી પણ કાચની બારી બહાર બરફ નો પહાડ એવો મસ્ત દેખાતો હતો કે અમને હવે સવારની રાહ હતી કે સવારે આનો નજારો કેવો સુંદર હશે! જમવા અમારે હોટેલના રેસ્ટોરન્ટમાંજ જવાનું હતું પણ ત્યાં સુધી અમુક મિત્રોને છાંટો પાણી કરવા હતા ઍટલે નક્કી કર્યું કે રેસ્ટોરન્ટ બંધ થવાના અડધી કલાક પહેલા જવું. પીવાવાળા મિત્રોએ પોતાના નાનકડા પેગ બનાવ્યા અને સાથે લાવેલો નાસ્તો સૌ એ કાઢ્યો અને જામ્યો વાતો નો દોર!
ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ દોસ્તો સાથે આ ટ્રીપ કરવા અમારો મિત્ર ચિરાગ આવેલો અને એને વાત કાઢી કે ચાલો બાલી વિથ ફૅમિલી. બાલી બોવ સરસ જગ્યા છે અને ત્યાંનો હોટેલ સ્ટાફ એટલો સારો હોય કે આપડા બાળકો ને એ લોકો સાચવીલે અને આપડે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઇ શકીએ. બધાને આ વાત ખૂબ ગમી અને બીજી પણ નોન-સેન્સ ચર્ચા થઈ. ડોક્ટરે પોતાનો સૂર પૂરવતા કહ્યું કે આપડે ઈન્ડિયા માં આટલું ફરવાનું છે ને કે ન પૂછો વાત એમ કહી એને પોતાની આંદામન નિકોબાર ની ટ્રીપ વિષે કહ્યું. ટ્રીપ ની વાત માથી ડોકટરે માહિતી આપી કે ત્યા અમુક એરિયા આદિવાસી ના હોય અને તેમાથી અમુક એરિયામાં કોઈ આદિવાસીને તમે આંખ ઊચી કરીને જોઈ ન શકો અને એના એરિયામાં જઇ પણ નો શકો. જો કોઈ ભૂલથી કે જાણી જોઈને પણ ત્યાં જઇ ચડ્યું તો એ લોકો કાં તો એને મારી નાખે અને કાં એને ત્યાનિ કોઈ આદિવાસી સ્ત્રી સાથે પરણાવી દે અને બાકીનું જીવન એ લોકો સાથેજ ગુજારવું પડે.
વાત જરા રસપ્રદ હતી ઍટલે સૌ કાન સરવા કરીને સાંભળી રહયા હતા. ડોકટરે વાત આગળ ધપાવતા કહ્યું કે આદિવાસી પ્રજાના રાજા પણ હોય અને કહ્યું કે ત્યાની આદિવાસી પ્રજા એ વ્યક્તિને રાજા બનાવે કે જેનું પેટ એ કબીલા માં સૌથી મોટું હોય! જેવી આ વાત થઈ કે સૌ મિત્રોની નજર પિંટુડાના પેટ પર ગઈ અને પિન્ટુડો સમજી ગ્યો કે બધા મને નિકોબાર ના રાજા તરીકે જોવા લાગ્યા હતા! ડોકટોરે પાછું કીધું કે જે રાજા હોય એને ૨ પત્ની રાખવાની છૂટ હોય અને ત્યાતો પિન્ટૂડો અને એનું પેટ મનોમન હરખાતા ધીમે ધીમે ઉછળતા હતા. આ પછી તો તરત બધા એ એકીસાથે પિંટુડાને “નિકોબાર ના રાજા” ની ઉપાધિ આપી અને રીતસરનું પિંટુડાનું આખા રૂમ માં એનું પેટ દેખાઈ એ રીતે શર્ટ ઊચો કરી ભવ્ય સરઘસ કાઢ્યું. પિન્તુડો પણ રાજાણી જેમજ પોતાના નામકરણ બાદ રાજા ની જેમજ વરતવા લાગ્યો હતો અને પછી આખી ટ્રીપ માં એને અમે “નિકોબાર ના રાજા” તરીકેજ સંબોધતા હતા.
રાજાજી આણી મંડળી હવે ભૂખી થઈ હતી ઍટલે અમે ગયા રાત્રિ ભોજન લેવા હોટેલ એનઆઇ રેસ્ટોરન્ટ માં. હોટેલ પહાડના ઢોળાવ પર હોવાથી અમારે રૂમ થી થોડું નીચે ઉતરી રિસેપ્શન પાસે આવેલા હોટલના રેસ્ટોરન્ટ માં જવાનું હતું. સૌ ઠંડીમાં નીકળ્યા રૂમ બહાર અને નાનકડું હોટલ સુધીનું ટ્રેક કરી પહોચ્યા રેસ્ટોરન્ટ પર. ઓર્ડર લેવા વાળા એ લાસ્ટ ઓર્ડર કહી જે ખાવું હોય એ મગાવી લેવા કહ્યું અને પછી એક પછી એક તીર છૂટે એમ ઓર્ડર નવે નવ જણાએ કર્યા. જમવાનું આવતા વાર લાગી હતી ઍટલે મારે મેનેજર ને કેહવું પડ્યું કે તમારે ત્યાં નિકોબારના રાજા જમવા પધાર્યા છે ને તમે આટલી વાર કેમ લગાડી શકો! પેલો મેનેજર પણ ખાલી “ આ રહા હે સર” કહી સમજ્યા વગર જતો રહ્યો. જમવાનું આવવાની રાહ માં પણ નીકોબાર વાળી રૂમની વાત અને મે કરેલી સીટિંગ કોમેડી પર ખૂબ હસ્યાં. સરસ મજાનું ખાણું ખાઈ અમે રૂમ પર જઈ સૂઈ ગયા.
હિમાચલ ના ખૂબસૂરત ગામ કલ્પા ની સવાર પણ એટલીજ સુંદર હતી. ઉઠતાં વેંત અમે બારી ખોલી અને બરફીલા પહાડ પર આવેલ પહાડની ટોચ પરના એક સુંદર ચલકતા મંદિર ના દર્શન કર્યા. બારી પાસેથી હટવાનું મન નો થાય એવું લોકેશન હતું. ઘણા મિત્રો એ ઘરે વિડીયો કોલ કરી અને આ મંદિર ના દર્શન કરાવ્યા અને અમે આ સોંદર્યને મન ભરીને માણ્યું. બરફના પહાડ પર આ મંદિર સુધીનો એક ટ્રેક પણ ઉનાળા માં થાય છે એવું જાણ્યું. કલ્પા કિન્નૌર જિલ્લામાં આવેલું ખરેખર સુંદર ગામ છે.
અમારે કલ્પા માં સુસાઇડ પોઈન્ટ જોવા જવાનું હતું ઍટલે સૌ કોઈ નાહીને રેડી થઈ ગયા હતા. અવિરત તો રેડી થઈને તરત ડ્રોન ઉડાડવા લાગ્યો હતો. અવલા એ સવારના અદ્ભુતનજારા ડ્રોન દ્વારા લીધા હતા અને આજે પણ જ્યારે જ્યારે એ વિડિયો ને ફોટા ગ્રૂપ માં મૂકે છે ત્યારે અમે સીધા સ્પીતી વેલી પહોચી જઇયે છીયે. ચલકતા સુરજ દાદા ને લીધે વાતાવરણ એકદમ સરસ હતું અને પહાડ તથા આજુબાજુનું દ્રશ્ય એકદમ સરસ દેખાતું હતું. ચેક આઉટ કરી અમે અમારો સામાન કાર પર બંધાવ્યો અને નીકળી પડ્યા સુસાઇડ પોઈન્ટ જોવા.
લગભગ પંદર વીસ મિનિટ માં તો અમે સુસાઇડ પોઈન્ટ સુધી પહોચી ગયા અને માય ગોડ! શું જગ્યા હતી આ સુસાઇડ પોઈન્ટ. એકદમ ઊચાઇ પરથી નીચે જોવો તો તમને એટલી ઉંડી ખીણ દેખાય કે ચક્કર આવી જાય. સુસાઇડ પોઈન્ટ ને જાળી થી પહાડ સાથે મઢી લીધેલો કેમ કે ટુરિસ્ટ બધા ફોટોની લાલચ માં ઘણું રિસ્ક લેતા. પથરાળ પર્વતમાળાના અમે અલગ અલગ એંગલથી ફોટા લીધા. જો સુસાઇડ પોઈન્ટ ફરતે રેલિંગ નો હોત તો બાઇક સાથે આ જગ્યા નો ફોટો અદ્ભુતહોત પણ સેફ્ટિ પેહલા ના ધોરણે આ રેલિંગ કરી ઇ સમજી શકાય એવી વાત છે. અમુક જગ્યા હજીપણ જોવા જેવી છે એવું અમે ત્યાના લોકો પાસેથી જાણ્યું પણ આજે અમારે શિમલા સુધીનું ઘણું લાંબુ અંતર કાપવાનું હોવાથી અમે સુસાઇડ પોઈન્ટ થી શિમલા જવા નીકળ્યા.
અમારે સવારનો નાસ્તો હજી બાકી હતો ઍટલે અમે કલ્પા આવતા રસ્તામાં એક મસ્ત ઇન્ટિરિયર વાળું કાફે જોયું હતું ત્યાં ઉભા રહ્યા. આ કાફેનું લોકેશન એકદમ રોડ ટચ અને એટલું મસ્ત હતું કે તમારી બ્રેક અહી લાગ્યા વિના નો રહે. અમેજ સવારના પેહલા ગેસ્ટ હતા એમ લાગ્યું કેમ કે કાફે ખાલી હતું. અમે ફટાફટ આલુપરોઠા, પનીરપરોઠા, સેન્ડવિચ સાથે ચા કોફી નો ઓર્ડર આપ્યો. નાસ્તો આવતા થોડી વાર લાગી પણ અંદર બેસવાની પણ એટલીજ મજા આવી. નાસ્તાને આવતા વાર લાગી પણ ભાઈ ટેસ્ટ જોરદાર નીકળ્યો અને ચા પણ આપડા ગુજરાત જેવી હતી એટ્લે અમે તો ખુશમખુશ થઈ ગ્યા.
નાસ્તા પતાવી અમે કાર અને બાઇક લઈ નીકળ્યાં શીમલા જવા. હું શીમલા પહેલી વાર જઈ રહ્યો હતો એટલે મને બોવ તાલાવેલી હતી શીમલા જોવાની. આજે ઘણું લાંબુ ડ્રાઇવ હતું લગભગ સાતેક કલાકનું ઍટલે રાત પડીજ જાય એમ હતું. રસ્તાઑ ની મજા માણતા માણતા અમે રસ્તામાં ફોટાની આપ લે કરતાં રહ્યા અને એકબીજાની કાર માં મસ્તી કરતાં રહ્યા. બાઇક વાળા મિત્રો રસ્તાની મજા લૂટતા રહ્યા અને વારે વારે કાર વાળા મિત્રો ઘડીક બાઇક ચલાવતા તો ઘડીક કાર માં બેસતા. આમ કરતાં કરતાં રાતે લગભગ આઠ સાડા આઠે અમે શીમલા પહોચ્યા.
શિમલા ની મસ્તી
શીમલા પહોચી તો ગ્યા પણ હવે મોટો ટાસ્ક હતો હોટેલ ગોતવાનો અને અમારે હોટેલ બને એટલી મોલ રોડ નજીક જોઈતી હતી. બાઇક વાળા મિત્રો વેહલા પહોચી ગ્યા હતા અને હોટેલ ગોતતા હતા પણ કઈ મેળ નહતો પડતો. કાર માં અમે પહોચ્યા પછી અમે બે ગ્રૂપ માં આગળ પાછળ હોટેલ સર્ચ કરવા લાગ્યા. ભાવ સારી હોટેલ માં બહુ હતા એટલે થોડીવાર લાગી. આખરે અમે એક બાલાજી નામક હોટેલ માં નવ જણા માટે ત્રણ રૂમ બ્રેકફાસ્ટ સાથે બૂક કર્યા અને અમારે કૂલ્લાને વ્યૂ વાળા રૂમ થી ખૂબ લગાવ ઍટલે મેનેજર સાથે ખૂબ માથાકૂટ ના અંતે અમને એક રોડ સાઇડ નો રૂમ મળ્યો. આટલી માથાકૂટ પછી મને થયું કે કૂલ્લા(કુલદીપ) ને આ વ્યૂ ની બારી ની સામે દોરડું બાંધી ને બેસાડી અમે ફરવા જતાં રઈએ અને એ ભલે આખો દિ એક નો એક વ્યૂ જોતો રહે.
મોલ રોડ રાતે દસ વાગે બંધ થવા લાગે ઍટલે અમે ફટાફટ રૂમ માં અમારો સામાન એકજ રૂમ માં મૂકી નીકળી ગ્યા મોલ રોડ જવા. હોટેલ માથી એક શોર્ટ કટ રસ્તો મોલ રોડ તરફ જતો હતો એવું હોટેલ વાળા એ કીધું ઍટલે અમે એ તરફ ચાલવા લાગ્યા અને એ શોર્ટ કટ ઍટલે નીચેના રોડ પર થી ઉપર તરફ જતાં દાદરા. દાદરા ચડી ચડી ને અમે સૌ હાફિ ગ્યા અને થયું કે હાલો પાછા કાલે જાશું મોલ રોડ જોવા પણ પોરો ખાતા ખાતા અમે પહોચી ગ્યા મોલ રોડ પર. સાડા દસ જેવુ થઈ ગયું હતું પણ પબ્લિક તો હજી ઘણું હતું. દુકાનો ધીમે ધીમે બંધ થવા લાગી હતી પણ તોય બધા એન્જોય કરી રહ્યા હતા.
અમે પહોચ્યા મોલ રોડ ના મેઇન ચોક પર અને ત્યાં લોકો અમુક જુવાનિયા ટેપ રેકોર્ડ વગાડી ડાંસ કરી રહ્યા હતા અને ઘણા લોકો એમને જોઈ રહ્યા હતા. અમે ત્યાં ગ્રૂપ ફોટો પાડ્યો અને થોડીવાર પછી ત્યાં આવેલી માર્કેટ માં માંડ્યા બબ્બે ત્રણ ત્રણ ના ગ્રૂપ માં. જમવાનો સમય તો ક્યારનો થઈ ગયો હતો ઍટલે અમે એક જગ્યા એ ભેગા થઈ નક્કી કરતાં હતા કે ક્યાં જમવું. શીમલા માં બધા ખાવા પીવા ના ઓપ્શન હતા પણ અમુક ને કરાઓકે સાંભળતા કહુંબો પીવો હતો તો અમુકને જમવું હતું ઍટલે નક્કી કર્યું કે કહુંબાવાળા એની રીતે આગળ વધે અને બીજા જ્યાં જમવું હોય ત્યાં જમી લે. બેય ગ્રૂપ એ કાર્યક્રમ પતાવી એક જગ્યા નક્કી કરી ત્યાં ભેગા થવાનું હતું.
લગભગ એકાદ કલાક પછી અમે મિત્રો પાછા ભેગા થયા એક ચોક માં અને ત્યાં ચોક પર રાખેલા બાકડા પર બેસી ખૂબ મજા કરી. લોકો આવતા જતાં રહેતા, મસ્તી કરતાં અને અમે અમારી મસ્તી માં હતા. રાતે લગભગ એકાદ વાગે અમે પગપાળા અમે હોટેલ જવા નીકળ્યાં અલબત્ત બીજા દાદરા વગરના સીધા માર્ગે. ચાલતા ચાલતા સૂમસામ રસ્તે વાતો કરતાં પહોચ્યા હોટેલ પર અને જતાં વેંત સૌ સૂઈ ગ્યા.
શીમલા ની સવાર પડી અને થોડીવાર બહાર નો વ્યૂ જોયો તો વરસાદ ધીમો ધીમો શરૂ હતો. અમે સૌ નાહી અને રેડી થઈ પહોચ્યા નાસ્તો કરવા. નાસ્તા માં મિત્રો ધીમે ધીમે આવતા ગયા કેમ કે જેમ જેમ નહાવા માં નુંબર આવે એમ એમ રેડી થઈને આવતા જાય. એકંદરે સારો એવો બુફે નાસ્તા કરી અમે બધાએ હનુમાન ટેમ્પલ જોવા જવાનું નક્કી કર્યું. વરસાદ પડી રહ્યો હતો અને રસ્તા પણ ભીના હતા છતા અમે નીકળી ગ્યા બાઇક અને કાર માં હનુમાન મંદિર જોવા. હું, પિન્ટુ, ભૂરો અને બાપુ બાઇક પર અને બીજા મિત્રો કાર માં નીકળ્યાં. ખરેખર વરસાદ માં પણ મસ્ત વાતાવરણ હતું શીમલા નું. અમે ધીમે ધીમે બાઇક હંકારતા ગૂગલે મેપ ના સહારે આગળ વધતાં રહ્યા. આડા અવળા રસ્તા ને પાર કરતાં અમે એક ચડાઈ વાળા રસ્તા પર પહોચ્યા અને અમને સમજાય ગયું કે આ મંદિર પણ ઊચાઇ તરફ છે. અમે એટલા અઘરા ઊચાઇ વાળા રસ્તા પર બાઇક ચલાવ્યું હોવાથી આ રસ્તો કઈ નવાઈ ની વાત ન હતી પણ ટ્રાફિક ખૂબ હતો રસ્તામાં કેમ કે આ એક સુંદર પોઈન્ટ છે જ્યાં વિઝિટ કારવીજ જોઈએ.
અડધી કલાક કલાક માં અમે ઊચાઇ પર આવેલા મદિર પાસેના પાર્કિંગ માં પહોચી ગયા. હવે વરસાદ થોડો વધી ગયો હતો ઍટલે હું અને અવિરત મંદિર પાસે આવેલ એક ચા ની લારી પાસે વરસાદથી બચવા ઊભા રહી ગયા. બીજા મિત્રો દેખાતા નહોતા એટલે અમે એની રાહ માં ચા અને મેગી આરોગયાં. થોડીવારે અમે વાંદરા થી ઘેરાયેલા મંદિર માં દર્શન કર્યા અને ત્યાંજ અમારા બીજા મિત્રો પણ આવી ગયા. મને એમ કે આજ મંદિર છે પણ સામે એક બીજો દાદર હતો જે મેઇન મદિર તરફ હજુ પણ ઊચાઇ તરફ લઈ જતો હતો. અમે બધા ત્યાં જવા સાથે નીકળ્યાં અને ઉપર પહોચ્યા તો જોઈ અમે એક વિશાળ હનુમાનજી ની મુર્તિ. ખરેખર ખૂબ મોટી પ્રતિમા હતી પહાડો થી ઘેરાયેલા જંગલ જેવા અરિયા માં. ફોટા પાડવાજ પડે બેશક ઍટલે અમે જે લોકો બબ્બે ત્રણ ના ગ્રૂપ માં હતા એમને એકબીજાના ફોટા લીધા.
હનુમાનજી ની પ્રતિમા થી નજીકજ એક બીજું મંદિર હતું અને ત્યાં ઘણી ભીડ હતી ઍટલે લાગ્યું કે આજ એ મંદિર જ્યાં લોકો દર્શન માટે આવતા હશે. આ જગ્યા જંગલ વિસ્તાર જેવા પહાડ પર હતું ઍટલે આજુબાજુ ઘણી વનરાજી હતી અને એટલેજ આની મજા હતી. મંદિર ની આજુબાજુ ખાણીપીણી ની એવી સરસ નાની નાની હોટેલ હતી કે આપડે વિચારતા થઈ જઇયે કે ક્યાં બેસવું. અમે એક મંદિર ની નીચે બેસમેંટ તરફની એક હોટેલ માં ચા નાસ્તો કરવા બેઠા અને અમે ચા સાથે પકોડા નો ઓર્ડર કર્યો. નાસ્તો ને ચા કઈ ખાસ નોતા ઍટલે ફટાફટ અમે ત્યાથી વિદાય લીધી. મંદિર ના પાર્કિંગ પાસે પહોચી નક્કી કર્યું કે હજી એકવાર મોલ રોડની સૈર કરી લઈએ અને થોડી શોપિંગ પણ ઘરના માટે કરી લઈએ કેમ કે શોપિંગ માટે મને શીમલા મોલ રોડ બેસ્ટ જગ્યા લાગી. મંદિર થી એક રસ્તો સીધો મોલ રોડ શીમલા તરફ પહાડ માથી મોલ રોડ તરફ જતો હતો જે પગપાળા જવા માટેનો હતો ઍટલે અવિરત, ડોક્ટર અને ચિરાગ એ ત્યાં પગપાળા મોલ રોડ તરફ જવાનું નક્કી કર્યું અને બાકીના કાર તથા બાઇક માં જવા નીકળ્યાં.
હું, પિન્ટુ, બાપુ અને ભૂરો બાઇક પર શીમલા, મોલ રોડ તરફ જવા નીકળ્યાં. પિન્ટુ એ ગૂગલ મેપ માં બાઇક પાર્કિંગ, મોલ રોડ નું લોકેશન નાખી દીધું હતું ઍટલે અમારે પિંટુડા ની પાછળ પાછળ અને ફોલો કરવાનો હતો. નિકોબાર ના રાજા અમને દરેક વળાંક પાસે એના હાથ થી અનુભવી બાઈકર ની જેમ દિશા સૂચન કરતાં હતા અને અમે એ પ્રમાણે એની પાછળ ચલાવતા હતા. રાજા જે રીતે દિશા સૂચન કરતાં એ અને એની હાથ ની મુદ્રા જોઈને મને અંદરથી ખૂબ મજા આવતી કેમ કે જેમ પિક્ચર માં બાઈકર એના સાથી ને ગાઈડ કરે એમ પિન્તુડો અમને દોરવતો હતો. અડધી કલાક મંદિર ના પર્વત ફરતે આંટા માર્યા પછી રસ્તો અમને જ્યાથી ઉપર ચડ્યા હતા ત્યાજ પાછો લઈ આવ્યો! ઍટલે પિંટુડાએ અમને મંદિર પર્વત ફરતે ગોળ એક આખો આંટો મરવ્યો હતો પણ મોલ રોડ શીમલા તરફ જતાં મેઇન રોડ પરતો અમે પહોચ્યાજ નોતા. આ એક ફારસ થઈ ગયું હતું અને અમને એમ લાગ્યું કે શીમલા અમે અડધું અંદર થી જોય લીધું. અમે આ પછી રસ્તા અમારી રીતે પૂછી પૂછીને મોલ રોડ બાઇક પાર્કિંગ એરિયા પહોચ્યા. બાઇક પાર્ક કરી અમે ત્યાં ગોઠવેલી સુંદર વ્યવસ્થાથી પાર્કિંગ થી ટિકિટ લઈ બે પબ્લિક લિફ્ટ બદલી સીધા મોલ રોડ પહોચી ગયા. આવી વ્યવસ્થા મે પેલીવાર જોયેલી કે જ્યાં નીચેના રોડ પર થી ઉપરની તરફ આવડી મોટી પબ્લિક લિફ્ટ વ્યવસ્થા હોય.
સવારના ઉજાસ માં વળી અમે મોલ રોડ પર આવ્યા. સવારે મોલ રોડ ના ચોક માં આવતાજ મને 3 Idiot ફિલ્મ નો પેલો શીમલા માં બિસકુટ ખાતો સીન યાદ આવી ગયો. હા આજ જગ્યા હતી જ્યાં રાજુ, ફરહાન અને સાઈલેંસર રેંચો નું એડ્રૈસ ગોતતા હતા. મસ્ત જગ્યા હતી એ અને લોકો ત્યાં આનંદપ્રમોદ કરતાં અલગ અલગ અંદાજ માં ફોટા પડાવતા હતા. અમે પણ સારી સારી જગ્યા પર ફોટા ક્લિક કર્યા અને પછી ચોક ની નીચે ની તરફ દાદરા ઉતરી માર્કેટ માં લટાર મારવા લાગ્યા. એક મસ્ત જગ્યા એ ભેળ ચાટ અને જોરદાર સ્વીટ્સ ની શોપ હતી જ્યાં અમે પેટ ભરીને અલગ અલગ જાત ની મીઠાઇ જેવી ક રસમલઇ, ગુલાબ જામ્બુ, રસગુલ્લા વિગેરે મગાવ્યા. આ શોપ ની તદન બાજુમાં એક ખૂબ જૂની શીમલા ની બેકરિ છે તો ત્યાંપણ નામ નો સાંભળ્યા હતા એવી ખાવાની વાનગીઓ મગાવી. બધાએ ઘણા દિવસ અહી હિમાચલ માં સાદું ખાધું હોવાથી શીમલા માં ખાવા માટે તૂટી પડ્યા હતા. પેટભરીને ખાધા બાદ હું નીકળી ગ્યો મારી વાઇફ માટે થોડી ખરીદી કરવા કેમ કે એ પણ બાળકો સાથે મનાલી ના એક ટ્રેક પર મે મહિના માં જવાની હતી. ખરીદી માટે મને શિમલા બેસ્ટ લાગ્યું કેમ કે અહી લગભગ બધુજ મળી રહે છે. ખરીદી માં ખાસ્સો સમય ગયો કેમ કે જેન્ટસ જ્યારે ખરીદી કરે ત્યારે કસવામાં કોઈ શરમ થોડી રાખે? એમાય લેડીસ હારે નો હોય ઍટલે મન ફાવે એ ભાવે માગવામાં આવે. શરમ સંકોચ વગર “દેવું હોય તો દે” અને દુકાન માથી ખોટે ખોટા ચાલતી પકડવાના નાટક કરે અને આખરે વેપારી લગભગ માગેલા ભાવે માલ આપવા રેડી થઈજ જાય.
હું જ્યારે ખરીદી કરતો હતો ત્યારે સૌ મારી રાહ જોતાં હતા અને ઘણા ફોન આવી ગયેલા કેમ કે હવે અમારે હોટેલ પરથી સમાન લઈ અને ચંડીગઢ નિકલવાનું હતું. આજે અમારો હિમાચલ માં છેલ્લો દિવસ હતો પણ અમને શિમલા માથી નિકલવાનું મન નોતું થતું. હું અને અવિરત બજાર માથી પાછા ફરતા હતા તો અમે જોયું કે સિખ સમુદાય ના અમુક લોકો સિખ પહેરે એવી પાઘડી આમજ ફ્રી માં જે લોકો ને પહેરવી હોય તેમને પહેરાવતા હતા. ડોક્ટર અને ભૂરા ને ત્યાં પાઘડી બંધાવતા અમે જોયા અને પછી બેય સરદારજી બન્યા ઍટલે ફોટા પાડ્યા.
થોડીજવાર માં અમે હોટેલ થી સમાન કાર પર લાદી અને ચાર જણા બાઇક પર અને બાકીના કાર માં ચંડીગઢ તરફ જવા રવાના થયા. હું, બાપુ, અવિરત અને નિકોબાર ના રાજા બાઇક પર નીકળ્યા હતા અને વરસાદ જરમર જરમર ચાલુ હતો ઍટલે અમે પોંચો, રેનકોટ પેહરી લીધા. જ્યારે અમે બાઇક પર સ્પીતીવેલી જવા નીકળ્યા હતા ત્યારે અડધી ટ્રીપ સુધી તો જે બાઇક ચલાવતા તા એ બધા વાઘા પેરતા જેમ કે આર્મ ગાર્ડ, લેગ ગાર્ડ વિગેરે પણ જેમ જેમ આગળ વધતાં ગયા એમ એમ એક પછી એક વાઘા ઓછા થતાં ગ્યાં અને છેલ્લે તો ખાલી હેલ્મેટ પેરીને ચલાવા લાગ્યા એવી બાઇક પર પકકડ આવી ગયેલી.
શિમલાથી થોડે દૂર ગ્યાં હશું ત્યાજ અવિરતે ચા નો હોલ્ટ એમ કહી એક જગ્યા એ બાઇક ને થોભાવિ. ખરેખર તો એને કુદરતી હાજતે જવું હતું. પંદર મિનિટે જાજરૂ માથી બહાર આવ્યા બાદ મે, અવિરત અને પિંટુડા એ ચા સાથે બ્રેડ બટર સેન્ડવિચ આરોગયા. હોટેલ નો માલિક, અવલો જાજરૂ માં હતો એ પંદર મિનિટ સુધી અમારી સામે એમ જોતો હતો કે આ લોકો ખાલી જાજરૂ માટે આવ્યા હશે કે કઈક મગાવશે પણ ખરા? મે તો મનોમન નક્કી કરીજ રાખેલું કે ચા તો અહી મગાવીજ લેવી!
શિમલા થી અમે બપોરના ત્રણ વાગે નીકળેલા અને રાતે લગભગ સાતેક વાગતા અમે બાઇક પર સવાર ચારેય જણાએ એક હોલ્ટ લેવાનું નક્કી કર્યું. અમે એક સરસ મજાની કોફી કાફે પાસે ઊભા રહ્યા અને અંદર જતાં વેંત પેલાતો અમે ગરમ કપડાં કાઢ્યા કેમ કે ચંડીગઢ થી નજીક આવી ગયા હોવાથી ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હતી.
ફ્રેશ થઈ અમે બધા ગરમ કપડાં, હેલ્મેટ ટેબલ પર મૂક્યા અને ચાર જણા વચે બે સરસ મજાની મોંઘા ભાવની કોલ્ડ કોફી અલગ અલગ ફ્લેવરની મગાવી. કોલ્ડ કોફી આવતાની સાથેજ મે એક ચૂસકી લીધી અને ગ્લાસ હું ગરમ કપડાં ની પાછળ મૂકવા ગયો અને ગ્લાસ સીધો જમીનદોસ્ત થઈ ગ્યો. ગ્લાસ કાચ નો હોવાથી ફૂટવાનો જે અવાજ આવ્યો હતો! હોટેલ નો સ્ટાફ અને બીજા ઘરાક તો અમને જોઇ રયા.
પિન્ટુ મને કે આમ કેમ થયું? તો મે એને કીધું કે મને એમ લાગ્યું ગરમ કપડાં ની પાછળ ટેબલ નો ભાગ હજી હશે પણ નો’તો! આ સાંભળી બધા બોવ હસ્યા. ખરી તકલીફ તો ત્યારે થઈ જ્યારે પેલી સ્ટાફ માથી એક છોકરીએ આવીને એમ કીધું કે નો પ્રોબ્લેમ સર! હું હમણાજ બીજી કોફી લઈ આવું છું. અમે એમ મુંજાના કે હવે જે કોફી આવશે એ ફ્રી માં આપશે કે અમારે દેવા પડશે? સદનસીબે જ્યારે બિલ આવ્યું ત્યારે માત્ર બેજ કોફીના પૈસા એમને લગાડ્યા હતા અને અમે ખુશી ખુશી બિલ ચૂકવી અને ચંડીગઢ તરફ રવાના થ્યા.
ચંડીગઢ અને રિટર્ન ટ્રીપ
ચંડીગઢ ની ભૌગોલિકતા ઍટલે તમે આપડું ગાંધીનગર જોઈ લ્યો! કઈ ફેર ન લાગે. એવાજ પોળા રોડ અને એવિજ ગ્રીનરી. અહી પણ સેક્ટર સિસ્ટમ હતી ઍટલે એડ્રૈસ ગોતવામાં પેલા ક્યા સેક્ટરમા છે તે જોવું પડે. કારવાળા મિત્રો એ એક સરસ હોટેલ બૂક કરી નાખી હતી ઍટલે અમે સીધા એમને આપેલા એડ્રૈસ પર પહોચી ગયા. હોટેલ પહોચ્યા ત્યાં તો કારમાના મિત્રો રેડી થઈ ને અમારી રાહ જોતાં હતા કેમ કે ચંડીગઢ ના એક સેક્ટર મા ખરીદી માટેનું માર્કેટ રાતે 10 વાગે બંધ થઈ જવાનું હતું. જેને જવું હતું એ લોકો રિક્ષા મા જતાં રહ્યા કેમ કે કાર નો સફર અમારો ચંડીગઢ ટુ ચંડીગઢ નો હતો. કાર હવે કાલે સવાર થી સાંજે અમને એરપોટ સુધી મૂકવા આવવાની હતી. હું તો થાકી ગ્યો હતો ઍટલે રૂમ મા જઇ, એસી ચાલુ કરીને થોડીવાર સૂઈ ગયો.
રાતે અમારો પ્લાન હતો કે નાઇટ ક્લબ મા જઈ અને ડાંસ સાથે ડિનર કરીશું પણ અમુક મિત્રો ને સીધું જમી લેવું હતું ઍટલે જે મિત્રો ખરીદી કરવા ગયા હતા એમને ત્યાજ જમી લીધું અને અમુક મિત્રો એક “ધરમ ગરમ” નામની ધર્મેન્દ્ર ની ફ્રેંચાઇસી હોટેલ મા ગયા. મને ફોન આવ્યો ઍટલે હું જાગી અને રિક્ષા કરી “ધરમ ગરમ” હોટેલ પહોચ્યો. અમે ત્યાં મસ્ત સમય પસાર કર્યો અને ત્યાની પંજાબીયત માણી.
“ધરમ ગરમ” હોટેલ માથી જેવા અમે બહાર આવ્યા કે હોટેલ ની એકદમ બહાર રસ્તા પર એક ખાલી પાણી ની એક બૉટલ પડેલી અને એને મે મટરગશતી કરતાં એક જોરથી પાટુ માર્યું. પાટું મારેલી એ બૉટલ સીધા એક પોલિસવાળા ના પગે જઈ ચડી અને એને મને પાસે બોલાવ્યો. અમે બધા એકસાથે પોલિસ પાસે ગયા અને મને થયું કે લ્યો હવે તો ફસાના. મે પેલા તો સોરી સોરી કર્યું અને બૉટલ ને ઉપાડી કચરા ટોપલી મા મૂકી આવ્યો.
ચિગલો પણ સાબજી સાબજી કહી અને મારાથી ભૂલ થયા નું જણાવતો હતો. અમને એમ કે મોટો તોડ કરશે પણ એની બદલે એ પોલિસવાળા એ મને સિવિલાયઝડ કલ્ચર વિષે ખૂબ મોટું ભાષણ આપી દીધું અને અમને ત્યાથી જતાં રેહવા કહ્યું. અમે સૌ જે એક રિક્ષા મળી એમાં હેકડેઠઠ બેસીને હોટેલ પહોચ્યા. રાતે લગભગ એકાદ વાગી ગયો હતો ઍટલે અમે સૌ સૂઈ ગયા.
સવારે દસેક વાગે અમે સૌ રેડી થઈ ગયા હતા અને સીધા પહોચી ગયા હોટેલ ના ડાઇનિંગ એરિયામા નાસ્તો કરવા. નાસ્તામા અમે છોલે ભટુરે, બ્રેડ બટ્ટર, ઇડલી સંભાર વિગેરે લીધા. આજે અમારો ચંડીગઢ મા છેલ્લો દિવસ હતો અને સાંજે 6.30 ની અમારી અમદાવાદ ની ફ્લાઇટ હતી. આ પહેલા અમારે ચંડીગઢ મા શોપિંગ માટે જવાનું હતું ઍટલે અમે હોટેલ પરથી સીધા પેહલા તો અમે બાઇક પરત આપવા જ્યાથી રેન્ટ પર લીધા હતા ત્યાં ગયા. ચાર માથી ત્રણ બાઇક અમે પરત કરી અને એક બાઇક બપોર સુધી રાખવાની શરતે સાથે લઈ ગ્યાં કેમ કે અમે નવ જણા એક કાર મા ન આવી શકીએ.
અમે સેક્ટર 23 કે ૨૭ મા ગયા અને ઘરના માટે સરસ શોપિંગ કરી. મોટાભાગે કપડાં લીધા અને ખરેખર ઘણું સસ્તું અને સારી વસ્તુ હતી. અહી કપડાં, બૂટ, બેલ્ટ, લેડિસ પર્સ અને બીજી ઘણી બધી વસ્તુઓ હતી. એમ માનો ને કે લેડિસ સાથે હોય તો એમનેતો આવું બોવ ગમે અને આપડા ખિસ્સા ખાલી થઈ જાય. એક જગ્યાએ બાળકો ના ટી-શર્ટ બોવ મસ્ત હતા તો અમે ત્યાથી મસ્ત શોપિંગ કરી. શોપિંગ કર્યા બાદ અમે જોયું તો મે, ડો કૃણાલ અને પીંટુડા એ એકસરખા ટી-શર્ટ અમારા બાળકો માટે ઉઠવેલા અને ખાલી સાઇઝ મા ફરક હતો. જોકે અમારે કાઇ લેડિસ ની જેમ એક કલર ડિજાઇન નું વસ્ત્ર કોઈ એ લીધું તો આપડે કઈક બીજું ગોતીએ એવું નહીં. છોકરાવ હજી આજે પણ હોશે હોશે ટી-શર્ટ પેહરે છે અને એકવાર તો બે છોકરાવ એ જ ટી-શર્ટ એકસરખા પેરીને ભેગા થઈ ગ્યાંતા.
અમારા માથી ચિરાગ (ફ્રોમ ઓસ્ટ્રેલિયા) અને કુલ્લો મોટી બ્રાંડેડ શોપિંગ શોપ મા ખરીદી કરવા ગયા હતા અને બેય એ ઘણી શોપિંગ કરી હતી.
બપોરના બે વાગતા અમને સમજાયું કે હવે જમી લેવું જોઈએ કેમ કે ચિરાગની ટ્રેન હતી 3.30 ની દિલ્લી જવા અને દિલ્લી થી બીજા દિવસે એની ઓસ્ટ્રેલિયા ની ફ્લાઇટ હતી. અમે સૌ એક સરસ હોટેલ મા ચિગલા સાથેનું છેલ્લું લંચ લેવા ગયા. મસ્ત જમ્યા પછી તરત અમે સૌ નીકળ્યા ચિગલા ને રેલ્વે સ્ટેશન મૂકવા અને બે જણા ગયા પેલું એક રાખેલું બાઇક પરત કરવા. ચિરાગ ને અમે સમયસર 3.15 એ રેલ્વે સ્ટેશન ઉતાર્યો અને એને પ્રેમભરી વિદાઇ આપી અને અમે નીકળ્યા સીધા એરપોર્ટ જવા. ફ્લાઇટ ઉપડવાની એક કલાક પેહલા અમે સમયસર એરપોર્ટ પહોચી ગયેલા. ફ્લાઇટ ને એક કલાકજ બાકી હતી પણ તોય બધાને પોતાની સાથે રાખેલા ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ એરપોર્ટ લૌંજ પર કરી લેવો હતો. લગભગ બધા અમે લૌંજ મા જેમતેમ કરી ઘૂસી ગયેલા અને ભૂખ નો હોવા છતાં જેને જે ફાવે એ ખાવા પીવાનું લીધું. લૌંજ મા હું મોટા પેટ વાળા નિકોબાર ના રાજાને જોય રહ્યો કેમ કે જમ્યા ને હજી માંડ બે કલાક થઈ હશે તોય એ લૌંજ મા પાવ ભાજી, એગ કરી, સ્વીટ ડિશ અને છેલ્લે કોફી ઉલાળી ગયો!
લૌંજ માથી નીકળી અમે પહોચી ગયા અમારા ગેટ પાસે જ્યાંથી ફ્લાઇટ મા જવાનું હતું પણ ખબર પડી કે ફ્લાઇટ એક કલાક મોડી છે. અમે વળી પાછા એરપોર્ટ પર આંટાફેરા માર્યા અને વિન્ડો શોપિંગ કરી. આખરે અમારી ફ્લાઇટ એક દોઢ કલાકે ઉપડી અને અમે પહોચી ગયા અમદાવાદ રાતે 8.30 કલાકે!
દસ દિવસ મિત્રો સાથે સ્પીતીવેલી ની સફર નો ભરપૂર આનંદ લીધા બાદ ઘરે પહોંચવાની પણ એટલીજ ઉતાવળ હતી કેમ કે ઘરના પણ અમને એટલાજ મિસ કરતાં હતા. અમદાવાદ એરપોર્ટ થી બ્રિજેશ અને બાપુ અમદાવાદ માજ એકજ એરિયા માં રહેતા હોવાથી એ ટૅક્સી કરી પોતાના ઘરે જવા નીકળી ગયા અને બીજા વધ્યા હું, ડોક્ટર, પિન્ટુ, અવિરત, કુલદીપ અને ભૂરો. અમને લેવા અમારો સારથિ હર્ષદ પિન્ટુ ની કાર લઈ લેવા આવી ગયેલો.
હું. ડોક્ટર અને અવિરત અમદાવાદ માં પિન્ટુ ના ઘરે રાખેલી ડોક્ટર ની કાર માં રાતેજ નીકળી જવાના હતા. પિન્ટુ ના પત્ની અર્ચનાએ અમારી માટે સ્વાદિષ્ઠ આપનું કાઠિયાવાડી જમવાનું બનાવ્યું હતું. ભૂખ ઓછી હોવા છતા જમવાની ખૂબ મજા આવી કેમ કે દસ દિવસથી ઘરનું જમ્યાજ નોતા! રાતના લગભગ ૧૦.૩૦ વાગે અમે ભાવનગર નિવાસી ત્રણેય મિત્રો ડોક્ટર ની કાર માં સરસ મજાનાં ગીતો સાંભળતા અને સ્પીતી વેલી ની ટુર ની વાતો કરતાં રાતે ૧.૩૦ વાગે ભાવનગર પહોચ્યા.
સ્પીતીવેલી નો આ પ્રવાસ અમારા નવ મિત્રો માટે ના યાદગાર સંભારણા છે જે અમને આ લખાણ થકી જીવનભર યાદ કરાવતા રહેશે. જેમણે પણ આ વાંચ્યું એમનો ખૂબ ખૂબ આભાર અને હા તમે પણ જીવનના રેગ્યુલર ઇન્ટરવલ સ્વરૂપ કાયમ સમય કાઢી તમારા ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરતા રહો.
અંત
સપ્રેમ,
મેહુલ રાજાણી
ઈમેલ-meetmehul@rediffmail.com
મોબાઇલ – 7600031796