શોખ
આજે પીજીમાં રહેતા છોકરાઓમાં કોઈનો બર્થડે હોવાથી બધા છોકરાઓ સાંજે હોટેલમાં જમવા જવાના હતાં. આથી આજ સાંજે અમારા રસોડામાં શાંતિ હતી. માનવી રોજની જેમ એના મોબાઈલનાં ચેટિંગમાં અને રિલ્સ જોવામાં આખો દિવસ કાઢતી હતી એમાં પણ આજે તો ટિફિન નહતા બનાવવાના એટલે એના કાનને પણ મારા અવાજથી શાંતિ હતી.
આજે મારાં શરીરને પણ આરામ કરવાની પરમિશન મળી હતી. ડ્રોઈંગરૂમમાં આવતા પંખાના પવનથી આંખો ભારે થઈને ઘેરાવા લાગી હતી. એટલે હું થોડીવાર પલંગમાં આડી પડી. ત્યાં આખો દિવસ થાકના કારણે ખબર નહિ કયારે ઉંઘ આવી ગયી.
2 કલાક પછી...
ઉંઘમાંથી ઉઠી તો ઘડિયાળમાં 2:30 વાગ્યાં હતાં. માનવી તેનાં રૂમમાં મોબાઈલમાં ખોવાયેલી હતી. માનવીને જોઈને મને મારી પાછલી જિંદગી મારી આંખો સમક્ષ ફરી વળીને હું સહેજ હસીને મારાં રૂમમાં ગઈ.
રૂમમાં લાકડાનાં કબાટમાં સૌથી નીચેનાં નાના ખાનામાંથી મે એક ડાયરી કાઢી. જેના પર થોડી ધૂળ જામી ગયેલી હતી.હાથથી ધૂળ ખંચેરી ડાયરી લઈને હું ખુરશીમાં બેસી. ડાયરી પર હાથ ફેરવતા ફેરવતા હું ભૂતકાળમાં સરી પડી...
મારી ઉંમર એ વખતે 19 વર્ષની હશે. હું આમ તો બહુ ભણેલી નહિ માંડ માંડ દસ ધોરણ સુધી પહોંચેલી. મારાં ઘરમાં મારી બા ને વાંચવાનો બહુ શોખ એટલે હું પણ થોડું ઘણું ધાર્મિક, સાહિત્ય, કવિતાઓ વાંચી લેતી. વાંચતા વાંચતા ખબર નહી કયારે લખવાનો શોખ જાગ્યો એટલે મે ડાયરી લખવાનું ચાલુ કરલું.
"નીતુ આટલી મોડી રાત સુધી શું લખે છે?"મારાં ઘરમાં બધા મને નીતા નહિ પણ નીતુ કહીને બોલવતા.
"કંઈ નહિ મમ્મી બસ આમજ. કેમ કંઈ કામ હતું?"
"કામ તો કંઈ નહતું. આ તો કાલે તને છોકરાવાળા જોવા આવવાના છે ને એટલે પૂછવા આવી કે છોકરો સરકારી નોકરી કરે છે. એટલે મારી વાત માને તો હા કહી દે જે." નીતુની મમ્મી માથે હાથ ફેરવતા બોલે છે.
" શું મમ્મી હા કહી દઉં, છોકરો ગમવો તો જોઈને."
"ગમવામાં ને ગમવામાં તે કેટલા છોકરાઓને ના પાડી છે. ખબર છે તને?"
"જોઈશ... ગમશે તો..."
"હા પાડજે નહીંતર તારા બાપુનાં સ્વભાવની ખબર છે ને?" મમ્મીના અવાજમાં ચેતવણી હતી.
મમ્મીને કેવી રીતે સમજાવું કે હું વિપુલ નામના છોકરાના પ્રેમમાં છું. એટલે તો બધા છોકરાઓને ના પાડું છું. પ્રેમ કરતા તો કર્યો હતો પણ એ જમાનામાં પ્રેમ શબ્દ જ ઝેર બરાબર હતો. એમાં પણ મારાં બાપુના સ્વભાવ આગળ... ના બાપા ના મને ફાંસીએ ચડાવી દે.
મને લખવાનો બહુ શોખ એટલે વિપુલે મને ડાયરી પણ લઈ આપેલી. જેમાં હું રોજ અમારા બન્નેની પ્રેમ કહાની અને કવિતાઓ લખી મારાં હૈયાને ખુશ કરતી. એ જમાનામાં મોબાઈલ તો હતાં નહિ કે મેસેજ કરી શકાય એટલે પ્રેમપત્રની આપલે કરતાને કોઈ દિવસ કળી મેળામાં ખાનગી મળી લેતા.
ડાયરીના પન્ના ફેરવતા ફેરવતા નીતાબેનની આંખો પાણીથી ભારે થવા લાગે છે.
"મમ્મી એક વાત કહું." બીજા દિવસે મહેમાન નીતાને જોઈને ગયાં તે પછી નીતા ઘરમાં તેની મમ્મીને ખાનગીમાં પૂછે છે.
"હા પુછ."
"મમ્મી... હું... એ.. ક... છો... ક. રા ને પ્રેમ કરું છું. મારે તેની સાથે લગ્ન કરવા છે."મન મક્કમ કરી, આંખો બંધ કરીને બોલી તો દીધું ત્યાં જ ગાલ પર ચાર આંગળીઓનાં નિશાન પડી ગયાં.
"આ બધું કરવા તને પેદા કરી હતી મૂઈ. આભાર માન ભગવાનનો કે મારો એક હાથ પડ્યો છે જો તારા બાપુને ખબર પડશેને તો તારી ચિતા સળગાવશે."
"પણ.. મ.. મ.."
"પણ બણને મૂકને આજે જે છોકરો જોયો તેની સાથે ફેરા ફરીલે જે સમજી. નહીંતર તારો બાપ મારો અને તારા નામનો ચોકો કરતા વાર નહિ લાગે."
બસ એ ગાલ પર પડેલી ચાર આંગળીઓમાં જ પ્રેમ અને ડાયરી લખવાનો શોખ ભુલાઈ ગયો. ત્યારથી આ ડાયરી બધાથી સંતાડીને રાખી હતી.
જેની સાથે લગ્ન થયાં તે છોકરો પણ કંઈ ખરાબ નહતો. ખરાબ તો મારાં નસીબ હતાં કે કોઈનો પ્રેમ મારાં ભાગ્યમાં નહતો. તે છોકરા સાથે લગ્નજીવનમાં માનવીનો જન્મ થયેલો પણ મારા કર્મના વાંક કે...
"મમ્મી... મમ્મી..." મનુનો અવાજ સાંભળીને નીતાબેન ઝડપથી ડાયરી કબાટમાં સંતાડી દે છે. મનુને ખબર ના પડે તેમ પોતાની ભીંજાયેલી આંખોના ખૂણા લૂછીને કબાટમાં બીજી અનેક વસ્તુઓ આમતેમ ગોઠવવા લાગે છે.
"મમ્મી શું કરે છે? હું બહાર રૂમમાં તને શોધતી હતી."
"કંઈ નહી બેટા આ કબાટમાં સફાઈ કરતી હતી. બોલ કંઈ કામ હતું?"
"આજે સાંજે તું સરસ રીતે તૈયાર થઈ જજે. તારા માટે એક સરપ્રાઈઝ છે." માનવી ચપટી વગાડી તેની મમ્મીના ગાલ પર હળવું ચુંબન કરતા બોલે છે.
"સરપ્રાઈઝ! શેની સરપ્રાઈઝ? શું છે આજે?" નીતાબેન આશ્ચર્યચકિત થઈને બોલે છે.
"એ તો તને રાત્રે જ ખબર પડશે." માનવીનાં ફોનમાં કોઈનો કોલ આવતા તે મારાં પ્રશ્નનો જવાબ આપ્યા વગર જતી રહે છે.
"સરપ્રાઈઝ મારાં માટે? મનુએ શેનું આયોજન કર્યું હશે?" નીતાબેન વિચારોમાં ખોવાઈ જાય છે.
ક્રમશ :