ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 9 raval uma shbad syahi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 9

ભાગ --૯ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...


(આગળ આપણે જોયું કે દેવિકાની સલામતી માટે માધવભાઈ ભક્તિમાં લીન બની ગયાં છે. રતન અને શિવરામ હોસ્પિટલ આવી પહોંચે છે.હવે આગળ......)
**************************
રતન જીપમાંથી ઉતરી  હોસ્પિટલની અંદર તરફ દોટ મૂકે છે.
"ભાભી કઉ સુ ઊભા તો રયો. એ બાજું નહીં આ બાજુ થઈને જવાનું સે,ઠેઠ ઉપર તીજા માળે દેવું સે,હેંડો હું લઈ જઉં સુ". કહેતાં શિવરામ પણ રતન પાછળ દોડે છે.

"શિવાભઈ હેંડો ઝટ  લઈ જાઓ..આ મારી આંખ્યું મારી દેવુંને જોવાં તરસી જઈ સે. એક વખત એને જોઈ લઈશ તાંણે જીવને ઝપ થશે".

(રતન અને શિવરામભાઈ ઉપર દેવિકાને જ્યાં
રાખી હોય છે એ આઇસીયુ તરફ જાય છે.)

નાનજી માસ્તર :" માધવભાઈ દેવિકા માટે  તમારો પ્રેમ અને લાગણી જોઈ હું ખરેખર ગદગદ થઈ ગયો છું.તમે એક ઉદાહરરૂપ છો એ તમામ પિતાઓ માટે જે ફક્ત દીકરી જ માંગે છે.અને દિકરાની લાલચમાં પોતાનાં જ હાથે એને આ દુનીયામાં આવતાં પહેલાં ગર્ભમાં જ મરાવી નાખે છે.કે પછી દીકરા દીકરી વચ્ચે એક ભેદરેખા બનાવી દે છે.દિકરાને જે લાડપ્રેમ આપે એ દિકરીને નથી આપી શકતાં.સારું ભણાવી એને આગળ વધારવામાં નહીં પણ ઘરનું કામ કરાવવામાં માને છે.ખરેખર, તમારી દેવિકા માટેની લાગણી ધન્યવાદને પાત્ર છે".

"ધન્ય તો હું પોતાની જાતને માનું સુ નાનજીભઈ કે એક નહીં બે બે લક્ષ્મી મારે ઘેર પધારી છે.ભગવાનને પણ ચેટલો વિશ્વાસ હશે કે મારા ઘેર દેવરુપ જેવી દીકરીઓ મોકલી સે.આ જહોજલાલી ઈમના પાવન પગલે જ આઈ સે".

આમ બંનેની વાતચીત ચાલતી હોય છે કે રતન અને શિવરામ  આવી પહોંચે છે.

રતન :"ચાં સે  મારી દેવું"? 

(રતનને જોઈ ચોંકી જતાં)" તું અહીં શું કામની આઈ"???????

"ઈ બધી વાત પસી પેલાં દેવુંને બતાવજો". રતને દેવિકાને જોવાંની અધીરાઈ બતાવતાં કહ્યું.

" હા હા..હેંડ... (હાથ પકડી લઈ જતાં) આ રઈ જો..." કહેતાં માધવ ભાઈ રતનને આઇસીયુ તરફ લઈ ગયાં.
રતન આઇસીયુમાં રહેલી દેવિકાને જોઈને પોક મૂકી રડવા લાગે છે)
"ઓ ભગવાન મારી ફૂલ જેવી દીકરીની આવી દશા? હે મારા ભગવાન તને લગીરે દયા જેવું સે કે નહીં. રખોપાં કર મારા રામ.. મારા વહાલા.."

શિવરામ અને નાનજી માસ્તર રતનને શાંત કરવાની કોશિશ કરે છે

" એટલે જ નાં પાડી હતી કે આઈ નાં લાવે તને..અમે દેવુંને લઈને ઘરે આવવાનાં જ હતાં ને"?

" બેહો હવે.. જૂઠું બોલતાં હારા નહીં લાગતાં.મને નહીં ક્યો તો હુ મને કઈ ખબર નાં પડત  એમને?? હું માં સુ ઈની ને તમને જરિકે મારો વિચાર નાં આયો કે હું"?

"મોટા ભઈ માફ કરજો તમે નાં પાડી'તી પણ તોય..." શિવરામ માફી માગતાં બોલ્યો.

બા,ભાભી બધાંને જતાંવેત ખબર પડી જઈ, દેવું હારે નતી અને પાછાં તમેય આયાં નતાં એટલે.

" રતન મને ખબર હતી કે તું અહીં આયાં વગર નહીં રે ...એટલે જ નાં પાડી તી". માધવભાઈ એ કહ્યું.

" ભલે તમે આવ્યાં ભાભી પણ હિંમતથી કામ લેજો.બધું ઠીક થઈ જશે". નાનજી માસ્તરે આશ્વાસન આપતાં કહ્યું.

" નાનજી ભઈ તમે હાવ હાચી વાત કરી. હિંમત તો રાખવી જ રહી.તમે પણ આ ઘડીમાં અમારી પડખે ઊભા છો..અમારી હિંમત તૂટવા નથી દીધી.ખરેખર...આપનો ખૂબ ખૂબ આભાર.
પણ....હવે તમે તમ તમારે ઘેર જાઓ.
હવે શિવરામ સે..તમારી ભાભી સે એટલે વાંધો નઈ આવે.તમે કાલનાં મારી હારોહાર ઊભા સો..ખાધાં પીધાં વગર".

"હા નાનજી ભાઈ, મોટાભઈ હાચુ ક્યે સે.હવે અમે સિએ,તમે જાઓ ઘેર ચિન્ત્યા નાં કરહો.નીચે નરેશ ઈને ઉભા રાખ્યાં સે, ઈમની હારે તમે જતાં રો ઘેર". શિવરામે પણ માધવભાઈની વાતને સમર્થન આપતાં કહ્યું.

રતન  પણ બોલી "હોવે નાનજીભઈ...આમ ચા હુદી આયાં રેશો? કાલે તમારો નેનો જીગો ઘેર આયો તો...... પૂસતો તો કે મારા પપ્પા ચાંણે આવસે".

"નાં રે નાં... એમાં શું.. આવા સમયે સાથ નાં આપું તો મારી મિત્રતાને ધિક્કાર છે. મારી બસ એક જ પ્રાર્થના છે કે દેવિકા જલ્દી જ સાજી થઈ જાય".
નાનજી માસ્તરે મિત્ર ભાવે કહ્યું.

માધવ ભાઈ એ કહ્યું "વાત તમારી હાચી સે ભઈ પણ હવે તમે ઘેર જાઓ..ઘેર ભાભી ને છોકરાં એકલાં સે,નાં જાઓ તો  તમને મારી દેવું નાં હમ સે".

નાનજી માસ્તર આખરે  બધાંની વાત માન્ય રાખી કહે છે "ઠીક છે ભાઈ તું કહે છે તો હું જાઉં છું.પણ એક વાત હંમેશા યાદ રાખજો કે હિંમત નાં હારતા.ભગવાન ઉપર ભરોશો રાખજો.અને હા જરૂર પડે અડધી રાતે મને કહેવડાવજો હું તરત હજાર થઈ જઈશ".
આમ હિંમત બંધાવી નાનજી માસ્તર ઘરે જવા નીકળે છે.
########################
આ બાજુ સરસપુર ગામમાં

"પાર્વતી બા ઓ પાર્વતી બા "કહેતાં ગામમાંથી દસેક   સ્ત્રીઓનું ટોળું ખડકી આગળ આવી ઊભું રહે છે.
સવિતા ઘરમાંથી આવી બધાંને આવકાર આપી અંદર લઈ જાય છે.

ટોળાં માંથી એક સ્ત્રી : "પાલી બા અમે સાંભળ્યું સે કે આપણી દેવું ને કંઈક વધારે જોખમ જેવું સે,તે હાચુ સે"?
એ સાંભળી ને પાર્વતી બા રડવા લાગે છે.એટલે.....

જમના બેન :  "નાં હો ,પાલી બા ભૂલો સો..દેવું કંઈ તમારી એકલાની નહીં..આખા ગામની દીકરી સે. ઈને કંઈ થવાં દેશું અમે? આમ હામી છાતીએ ઘા ઝીલીને પણ દેવુંને મોતનાં મોઢેથી બાર લઈ આઈશું.,તમે લગીર જેટલી ચિંતા મેલી દયો".

કમુ બેન :" હા હાચી વાત સે જમનાની બા.આ એટલે તો અમે બધાં એ ભેગાં થઈને નક્કી કર્યું સે કે ગામનાં રામજી મંદીરનાં ચોકમાં અખંડ રામધૂનનું આયોજન કરીએ. જ્યાં લગી દેવુંને હારુ સે એવા હમાંચારનાં આઈ જાય".

બધી સ્ત્રીઓ એકસાથે કમુની વાતમાં હકાર ભરે છે.અને રાત્રે રામધૂનનું આયોજન.નક્કી કરે છે. પાર્વતી બા અને સવિતા બધાંનો આભાર માને છે.અને બધી સ્ત્રીઓ ઘરે જાય છે.

સાંજે ૫ વાગતાંનાં ભૂરાં ભગત ગામ આખાને રાત્રે નવ વાગ્યે રામધૂન માટે રામજી મંદીરનાં ચોકમાં આવવાં માટે સાદ દઈ આવે છે.

વાળું પાણી કરી બરાબર નવનાં ટકોરે નાનાં મોટાં,ઘરડાં બુઢ્ઢા,બાળકો ગામનાં ચોકમાં બધાં ભેગાં થાય છે.અને રામધૂન શરૂ થાય છે.


ગામનાં કૃષ્ણ મંડળની મહીલાઓ પ્રથમ ધૂનની શરૂઆત કરે છે.

"હરિ હરિ રાધા કૃષ્ણ ગોવિંદો ગોપાલ વાસુદેવ હર.
હરિ હરિ રાધા કૃષ્ણ ગોવિંદો ગોપાલ વાસુદેવ હર.
ત્યારબાદ....
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી....
હે નાથ! નારાયણ વાસુદેવા...
એકમાત્ર સ્વામી સખા તુમ્હારે
હે નાથ ! નારાયણ વાસુદેવા..

શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ
શ્રી રામ જય રામ જય જય રામ"

આમ એક પછી એક ધૂન... ચાલીસા અને ભજન ચાલે છે. આખી રાત જાગતી આંખે ગામ લોક આખું ભક્તિમાં લીન થયું છે.આખોમાં આંસુ...હદય માં બસ એક જ ભાવ કે જલ્દી આ ગામની દીકરી સાજી થઈ પાછી ફરે.

સતત બે દિવસ સુધી રાત્રીનાં સમયે ગ્રામજનો એ દેવિકા માટે ધૂનનું આયોજન કર્યું.

આ બાજું અમદાવાદ હોસ્પિટલમાં અચાનક એક નર્સ દોડતી દોડતી ડોક્ટરનાં કેબિન તરફ ગઈ.
ધ્યાન મગ્ન બેઠેલાં માધવ ભાઈ અને રતન નર્સને દોડીને જતાં જોઈ એકદમ ઉભા થઈ ગયા. એટલાં માં ડોકટર આવતાને સીધા આઇસીયુમાં જતાં રહ્યાં.
માધવ ભાઈ,રતન અને શિવરામ આઇસીયુ પાસે અધ્ધરજીવે ઊભા છે.થોડીવારે ડોકટર બહાર આવે છે.
ડોક્ટરને જોતાં જ 
માધવ ભાઈ પણ ગભરાઈ ગયાંને ડોક્ટરને પૂછવા લાગ્યાં "સાહેબ..હું થયું? મારી દેવુંને હારુ તો સે ને? બોલો સાહેબ હારુ સે ને ઈને"?

ડોક્ટર એ કહ્યું " જુઓ માધવ ભાઈ છેલ્લાં ત્રણ દિવસથી અમે અમારાથી બનતી કોશિશ કરી જ રહ્યાં છીએ.મે કહ્યું હતું ને કે ભગવાનને પ્રાથના કરો કે તમારી દીકરી સાજી થઈ જાય"?

રતને કહ્યું "હા સાહેબ ,છેલ્લાં તૈણ દા' ડે થી અમે પ્રાર્થનાં કરીએ જ છીએ...પણ સાહેબ તમે આમ દોડતાં દોડતાં ચમ જ્યા તાં? મારી છોડી ને હારુ સે ને"?

ડોક્ટર : "જુઓ બેન.તમારી દીકરી .."
માધવ ભાઈ : "હું સાહેબ? મારી દીકરી ને હું"???

ડોક્ટર : "તમારી દીકરીને આટલી મહેનત અને પ્રાર્થનાં પછી...."

માધવ અને રતન : "પછી હું..."?
" પછી એ જ કે તમારી પ્રાર્થનાં ભગવાને સાંભળી લીધી...તમારી દીકરી ભાનમાં આવી ગઈ છે.હવે તે જોખમ મુક્ત છે.ચિંતાની કોઈ વાત રહી નથી હવે". ડોકટરે ખુશ થતાં કહ્યું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                ભાગ --- ૯ પૂર્ણ.
શબ્દ સમજ
કઉ સુ- કહું છું, રયો- રહો,ઝટ,- જલ્દી, હેંડો-- ચાલો, ઈને -- એને, ઝપ - ચેન, ચા સે - ક્યાં છે, હારા નથી-- સારા નથી,જરીક - થોડોક, આઈ - આવી, હામી છાતી- સામી છાતીએ, આયાં- આવ્યાં, હારો હાર-- સાથે ને સાથે, હાચી સે- સાચી છે, હમ- કસમ, બાર - બહાર, છોડી- દીકરી.
======{}====={}========{}===={}
દેવિકાને ક્યારે ઘરે લઈ જવા દેશે?
ગામલોકો એનું કેવું સ્વાગત કરશે?
દેવિકાની આગળની જીંદગી કેવી હશે?
જાણવા માટે વાંચતાં રહો ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાંનો આગળ નો ભાગ --- ૧૦.

સ્વસ્થ રહો, સલામત રહો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                                  
                        લેખિકા
                     યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️