ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"જીતુ, એ જીતુ, ઉઠ દીકરા ચા મૂકી છે. ફ્રેશ થા ત્યાં બની જશે પછી.તારે તારા શેઠ ને મળવા જવું છે ને?" જયાબા એ પોણા પાંચ વાગ્યે જીતુભાને જગાડતા કહ્યુ. જીતુભા સોનલ સાથે વાત કર્યા પછી થાકના કારણે હોલના સોફા માંજ સુઈ ગયો હતો. એ આળસ મરડતા ઉભો થયો ગઈ રાતનો ઉજાગરો હતો અને સતત માનસિક ટેન્શનથી એ નંખાઈ ગયો હતો. પોણા કલાકની ઊંઘથી એ સહેજ સ્વસ્થ થયો હતો ફટાફટ સાવર લીધું એને તાજગીનો અહેસાસ થયો, જીન્સ પર ઓફ વ્હાઇટ શર્ટ પહેરીને એ બહાર હોલમાં આવ્યો જયાબાએ એના હાથમાં ચાનો કપ આપતા કહ્યું કે "સોનલ માંડ જરાક ઝપી છે એટલે એને હમણાં ઉઠાડવી નથી. અને પ્રદીપ ભાઈ નો ફોન હતો કે એમના પાડોશીના પપ્પા કે જે ઘણા વખતથી બીમાર હતા એમનું કલાક પહેલા અવસાન થયું છે એટલે એ લોકો હમણાં નહીં આવી શકે. એ લોકો સાંજે આઠ વાગ્યે આવશે, નહીં તો એ તારી સાથે તારા શેઠ ને મળવા આવત."
"કઈ વાંધો નહિ બા હું એકલો જ અનોપચંદ જી ને મળી ને આવું છું એ મામાને શોધવામાં મદદ કરશે જ." જીતુભાઇ જયબાને તો આશ્વાસન આપ્યું પણ સોનલ સાથે થયેલી વાત પછી એ સહેજ ચિંતિત હતો.
xxx
"રાજીવ બધું બરાબર છે?"
"હા બોસ બધું ગણતરી મુજબ જ ચાલે છે."
"અને ફિલ્ડિંગમાં કોણ છે?"
"મુકેશ અને ગણપત."
"પૂછતો રે જે, ને જોજે કઈ પ્રોબ્લેમ ન આવે. હવે હું અનાથાશ્રમના બાળકો ને કપડાં ને મીઠાઈ આપવા જાઉં છું." કહી વિક્રમે ફોન કટ કર્યો.
xxx
"આવો ધર્મેન્દ્રજી, અનોપચંદ હાઉસમાં તમારું સ્વાગત છે." અનોપચંદે મોહનલાલ સાથે આવેલ ધર્મેન્દ્ર ચૌહાણને આવકારતા કહ્યું. આજે આમ તો રવિવારની સાંજ હતી એટલે અનોપચંદને ઘરે એના મિત્રોની બેઠક ફિક્સ જ હોય પણ આજે એક અગત્યની મિટિંગ હતી એટલે સુભાસ અંકલ અને સ્નેહના પપ્પાના ફ્રેન્ડ નહોતા આવ્યા, સ્નેહા અને સુમિત ત્યાં હાજર હતા સ્નેહના પપ્પા પણ હતા. ઘરમાં ફોર્મલ ડ્રેસમાં રહેનાર સ્નેહાએ ક્રીમ કલરની ઠસ્સેદાર સાડી પહેરી હતી અને ગ્રીન બોર્ડર વાળું લાલ બ્લાઉઝ થોડો મેકઅપ અને ગળામાં મોટા ક્રીમ કલરના મોતીની માળા પહેર્યા હતા. તો નાઈટ સુટમાં રહેનાર અનોપચંદ અને સુમિતે પણ બિઝનેસ સૂટ પહેર્યા હતા.
"થેંક્યુ અનોપચંદ જી, આટલી ટૂંકી નોટિસમાં મને મળવાનો સમય આપવા બદલ ખુબ આભાર. આમ તો અમે આ ડીલ માટે ઘણા વખતથી વર્ક કરી રહ્યા હતા. એટલે જ મેં આ તમારા મોહનલાલને સવારે ફોન કરીને પૂછ્યું કે જો તમને અનુકૂળતા હોય તો સાંજે મળીએ," ધર્મેન્દ્ર ચૌહાણે વિવેક કરતા કહ્યું. એ લોકો એ એક કોન્ફરન્સ ટેબલ પર બેઠક જમાવી, દરમિયાનમાં કામવાળી બાઈ અને એક નોકર ચાની ટ્રે અને નાસ્તાની ટ્રોલી લઇને આવ્યા. અને બધાને ચા નાસ્તો પીરસાયા. ચા પાણી પુરા થયા એટલે સ્નેહના ઈશારે નોકરો બધાની ખાલી ડીશ લઇ ગયા. પછી સ્નેહા એ વાત શરૂ કરતા કહ્યું "બોલો તમારી નવી પ્રપોઝલ વિશે કહો."
"જુઓ, નીતા કોસ્મેટિક્સ, સ્નેહા ડિફેન્સ, અગ્રવાલ કન્ઝ્યુમર પ્રોડક્ટ અને બીજી પાંચ સાત કંપનીઓમાં અમે સપ્લાઈ કરી એ છીએ અને બધી કંપનીનું ગણીએ તો વાર્ષિક લગભગ 900 કરોડનું ટર્ન ઓવર છે." કહીને ધર્મેન્દ્ર ચૌહાણ શ્વાસ લેવા અટક્યો પછી ઉમેર્યું. "અમારી કંપનીની સ્થાપનાને 25 વર્ષ પુરા થાય છે. એ નિમિત્તે અમે અમારા મોટા ક્લાયન્ટ માટે એક સ્પે ડિસ્કાઉન્ટ સ્કીમ કાઢવા માંગીએ છીએ, લગભગ 2.5 % એટલે કે તમને અમે દર વર્ષે સાડા બાવીસ કરોડનો ફાયદો આપવા માંગી છે." કહી પોતાની વાતની શી અસર થાય છે એ જોવા એ અટક્યો. આમ તો એણે મોહનલાલને બધું ફોનમાં કહ્યું હતું, ને મોહનલાલ થકી બધાને એ ખબર હતી જ બે મિનિટનું મૌન પછી અનોપચંદે કહ્યું. “એ તો બરાબર છે પણ અમારી પાસે થી તમે શું સહકાર ઈચ્છો છો જો તમે ઇચ્છતા હોવ તો તમારી ઓર્ડર બુકમાં બીજા 100-150 કરોડના ઓર્ડર ઉમેરવી દઉં. 2-3 દિવસમાં એ પેપરવર્ક થઇ જશે."
"તમારા જે ઓર્ડર હોય એ તમારી જરૂરિયાત પ્રમાણે જ આપજો. તમારે ખાલી એક નાનકડું કામ અમારું કરવાનું છે. જે તમારા માટે બહુ મુશ્કેલ નથી." ખંધા ધર્મેન્દ્રે હળવેકથી કહ્યું.
"અને એ નાનકડું કામ શું છે એ ફોડ પાડીને કહેશો" સુમિતે પૂછ્યું.
"જરૂર. અમારી કંપનીના બોસ અને મારા ભત્રીજા મિસ્ટર વિક્રમ ચૌહાણ ટૂંક સમયમાં લગ્ન કરવા માંગે છે સમજોને કે 18-20 દિવસમાં. અને.."
"અને શું એ તો ખુશીની વાત છે. અભિનંદન" સ્નેહા એ કહ્યું.અને ઉમેર્યું પણ તમારું ક્યુ કામ અમે કરી શકીએ. એ તો જણાવો."
"સાવ પેટ છુટ્ટી વાત કરું તો એનો થનારો સાળો અને સસરાજી તમારી કંપનીમાં કામ કરે છે. હવે આવડી મોટી કંપનીના માલિકના સાસરાવાળા આમ નોકરિયાત હોય એ એમને ગમતું નથી. કામ કામની જગ્યાએ અને સગપણ સગપણની જગ્યાએ. ઓફિસમાં મારાથી કઈ ભૂલ થાય તો વિક્રમ 10 લોકોની હાજરીમાં મને સંભળાવી દે. પણ ઘરેએ મારા પગ પાસે નીચે બેસે એટલો વિવેકશીલ છે."
"તમે કોની વાત કરો છો નામ આપો તો હું યાદ કરી જોઉ."
"એ બન્ને તમારા ખાસ છે. જીતુભા અને એના મામા સુરેન્દ્રસિંહ."
"અચ્છા જીતુભાની વાત કરો છો. પણ એની બહેન એટલે કે સોનલની સગાઈ તો થઇ ગઈ છે અને મને ધ્યાન છે ત્યાં સુધી એને બીજી કોઈ બહેન નથી. બરાબરને મોહનલાલ?" અનોપચંદે મોહનલાલને પૂછ્યું. મોહનલાલે કહ્યું “હા શેઠજી બરાબર વાત છે એની સગાઈ તો આપણી બેલ્જીયમ ઓફિસ સંભાળતા પૃથ્વીસિંહ સાથે થઈ છે."
"હા તો હું ક્યાં ના કહું છું કે સગાઈ નહિ થઇ હોય. પણ તેથી શું. સગાઈ તો તૂટી પણ શકે ને, અને આમેય મારી પાસે તો તમારી બેલ્જીયમ ઓફિસમાં હુમલો થયાના અને એનું ખૂન થયાના ખબર છે."
"શું વાત કરો છો? અનોપચંદે આશ્ચર્ય દેખાડતા કહ્યું. મોહનલાલ જરા માઈકલને પૂછો શું બાબત છે. હમણાં જ."
"જી શેઠજી" કહી મોહનલાલ ફોન કરવા માટે બહાર નીકળ્યો એ દૂર ગયો એટલે અનોપચંદ હળવેકથી ધર્મેન્દ્ર ને કહ્યું. "જુઓ આમ એક સ્ટાફના માણસ સામે હું મારા કોઈ સ્ટાફને કારણ વગર નોકરીમાંથી કાઢી મુકું એ સારું ન લાગે. અને જીતુભા પૃથ્વી અને સુરેન્દ્રસિંહ ત્રણે મારા વફાદાર માણસ છે."
"તો હું ક્યાં એમને બેરોજગાર કરાવવા માંગુ છું લગ્ન થશે એટલે જીતુભાને અને સુરેન્દ્રસિંહને અમે અમારી કંપનીમાં અત્યારે અહીં છે એવો જ હોદ્દો આપશું અને એમની ઇન્કમ અહીં કરતા ચાર ગણી થઇ જશે. અને કંપનીના 2 ટકાના ભાગીદાર પણ બનાવી દઈશું. રહી વાત પૃથ્વીની તો જો એ જીવતો હોય તો ભલે તમારે ત્યાં કામ કરતો આમેય પોતાની થનારી પત્નીની માલિકીની કંપનીમાં કામ કરવું એને નહિ ગમે." ત્યાં મોહનલાલ પાછો આવ્યો અને કહ્યું માઈકલે કન્ફર્મ કર્યું કે બેલ્જિયમમાં એન્ટવર્પ ઓફિસ પર કોઈ અજ્ઞાત લોકોએ ઘૂસીને શૂટઆઉટ કર્યું હતું અને ક્રિસ્ટોફર કે જે પૃથ્વીને કંઈક કામે મળવા ગયો હતો એને 2-3 ગોળી વાગી છે અને પૃથ્વી ગભરાઈને ક્યાંય નાસી ગયો છે."
"લાગે છે કે મારે જ માઈકલ સાથે વાત કરવી પડશે. એ એમ ભાગી જાય એ કેમ ચાલે. અને ધર્મેન્દ્રજી, તમે મને થોડા દિવસ પહેલા કહ્યું હોત તો હું આ સગાઈ જ ન થવા દેત." અનોપચંદે કહ્યું. અને ઉમેર્યું "ચાલો હું કંઈક વિચારું છું." ત્યાં નોકરે આવી ને કહ્યું "સર, જીતુભા આવ્યા છે. અને મળવા માંગે છે."
"એમને કહી દો સાહેબ મિટિંગમાં છે સવારે ઓફિસે આવીને મળજો" મોહનલાલે કહ્યું. નોકર એ સાંભળીને ચાલવા લાગ્યો કે અનોપચંદે એને રોક્યો અને કહ્યું "એમને બેસાડી અને ચા પીવડાવ પછી અહીં મોકલ" પછી મોહન લાલને કહ્યું "કાલનું કામ આજે જ, અને આજનું કામ હમણાં જ કરીએ તો જ આપણે પ્રગતિ કરી શકીએ. એ કઈ આપનો સગો નથી અને દર વર્ષે 20-22 કરોડનો ફાયદો થાય તો આપણાજ કર્મચારીને આપણે વધારાનું બોનસ આપીશું સમજાયું"
xxx
પાંચ સાત મિનિટ પછી જીતુભા ડ્રોઈંગ રૂમમાં દાખલ થયો કોન્ફરન્સ ટેબલ પર બેઠેલા બધાં પર એણે નજર નાખી. અનોપચંદની બાજુમાં સ્નેહાના પપ્પા તો બીજી બાજુ મોહનલાલ હતા. સ્નેહાના પપ્પાની બાજુમાં સ્નેહા, પછી સુમિત હતા વચ્ચે 2 કુર્સી ખાલી હતી પછી કોઈ એક અજાણ્યો માણસ બેઠો હતો. આમ અજાણ્યાને જોઈ ને એ ખચકાયો વાત કરવી કે ન કરવી એ અસમંજસમાં હતો.
"બોલો જીતુભા, કેમ આવવાનું થયું કંઈ ખાસ કામ?" અનોપચંદના પ્રભાવી અવાજે એ હોશમાં આવ્યો અનોપચંદે કદી એની સાથે આ રીતે વાત કરી ન હતી, અને એ કામ વગર પણ 3-4 વાર અહીં આવી ચુક્યો હતો હમેશા માયાળુ અને એક વડીલ તરીકે આવકાર નાર અનોપચંદના આ પ્રશ્નથી જીતુભા સમજી ચુક્યો હતો કે વિક્રમે સોનલને જે કહ્યું હતું એ સાચું છે. છતાં એણે કહ્યું. "શેઠજી વાત એમ છે ને કે.."
"પહેલા તમે મને એ કહો કે તમારા મામા ક્યાં છે? ગઈ કાલે સાંજે એ ઉદયપુરમાં આપણી ફેક્ટરીમાં એમ કહીને ગયા કે હું નાથદ્વારા જાઉં છું અને રાત્રે રિપોર્ટ મેઈલ કરી દઈશ" ભારે અવાજે અનોપચંદે કહ્યું.
"હવે છોડોને પપ્પાજી કદાચ દીકરીના લગ્ન માથે છે કઈ ટેન્શન હશે" સ્નેહાએ કહ્યું.
"તો આપણે રજાની ક્યાં ના પાડીએ છીએ, પણ એક કામ હાથમાં હોય એ તો પૂરું કરવું જોઈએને." અનોપચંદ હવે બગડ્યો હતો.
"એમાં એવું છે ને કે કાલ સાંજથી એમનો કોન્ટેક્ટ નથી થતો, તો મેં એમ વિચાર્યું કે કદાચ તમારી પાસે ઉદયપુરથી કઈ ખબર આવ્યા હોય તો" જીતુભા એટલું તો માંડ બોલી શક્યો.
"જો ભાઈ તારા મામા કાલે સાંજે પોણા છ વાગ્યે ઉદયપુર ફેક્ટરીથી નીકળી ગયા હતા અને એમણે 3 દિવસની રજા માંગેલી. હવે એ ક્યાં ગયા છે એ એને ખબર"
"પણ મને એમને કોન્ટેક્ટ નથી કર્યો નથી એ શ્રી નાથદ્વારા ધર્મશાળામાં પહોંચ્યા."
"મને લાગે છે કે કંઈક ગરબડ છે, તું એક કામ કર ઉદયપુર જા, અને તારા મામાને શોધ. અને આમેય તારાને તારી બેનના લગ્નને 15-18 દિવસ છે તો કામ પણ ઘણું રહેતું હશે તો મોહનલાલ આપણા જીતુભાની કામની જવાબદારી બીજા કોઈને શોપી દો. અને લગ્ન પછી નિરાંતે હનીમુન મનાવીને પછી નોકરીનું જોઈ લેજે."
"પણ શેઠજી.." જીતુભા કંઈક કહેવા જતો હતો કે અનોપચંદે એને રોકતા કહ્યું.
"હા હવે. સમજાય છે મને તારા માથે ઘણી જવાબદારી છે પણ તું ચિંતા કર. સુમિત, આ જીતુભાને આ મહિનાનો પગાર અત્યારે જ આપી દે અને રજાઓના પૈસા કાપવાના નથી. અને બીજો એક પગાર એના લગ્નમાં બક્ષિસ તરીકે. એક કામ કર એને એક લાખ રૂપિયા હમણાં જ આપી દે."
"જી" કહેતા સુમિત ઉભો થયો અને રૂમની બહાર નીકળ્યો જીતુભા કૈક ગડમથલમાં ઉભો રહ્યો. બધા એને તાકી રહ્યા હતા.
"જીતુભા આ ખુરશી પર બેસો અને આમને મળો. આ ધર્મેન્દ્ર ચૌહાણજી છે. તમે વી.સી એન્ટરપ્રાઇઝનું નામ તો સાંભળ્યું જ હશે એના જનરલ મેનેજર છે. અને ધર્મેન્દ્રજી આ છે જીતુભા" સ્નેહાએ વાતાવરણ હળવું કરવા કહ્યું. જીતુભા ચૌહાણ નામથી ચોંક્યો તો એને ખાતરી થઇ ગઈ કે વિક્રમે સોનલને સાચું જ કહ્યું હતું. આ રજાને બહાને મને એ લોકો કોઈ મદદ કરવા માંગતા નથી.
"અરે જીતુભા તે સાંભળ્યું કે નહિ. તારો થનારો બનેવી પૃથ્વી,," અનોપચંદનું વાક્ય કાપતા જીતુભા એ પૂછ્યું "શું થયું પૃથ્વીને?"
"કોઈએ એના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને એ તો ફરાર થઇ ગયો, પણ બિચારો ક્રિસ્ટોફર કારણ વગર ઘવાયો છે બચશે કે નહિ કઈ કહેવાય નહિ." અનોપચંદે કહ્યું. એટલામાં સુમિત લાખ રૂપિયા લઈને આવ્યો અને એ જીતુભાને આપ્યા, અને કહ્યું "ગણી લે" જીતુભા એ કહ્યું "ગણવાની જરૂર નથી." એને શું કરવું એ સમજાતું ન હતું. હવે અહીં બેસવાનો કઈ અર્થ ન હતો. એ ઉભો થયો અને દરવાજા તરફ ચાલ્યો. "એક મિનિટ જીતુભા ઉભા રહો" પ્રભાવી અવાજે સ્નેહા એ કહ્યું અને બધા એની સામે જોઈ રહ્યા સ્નેહાએ કોન્ફરન્સ ટેબલ પર રાખેલું પોતાનું પાઉચ ખોલ્યું અને એમાં રહેલા 2 નાના બોક્ષ બહાર કાઢ્યા. આકર્ષક પેકીંગ કરેલા એ 2 બોક્સને બધા તાકી રહ્યા. સ્નેહાએ કહ્યું "જીતુભા મને બપોરે નીતાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે તમે જયારે લંડનમાં મળેલા ત્યારે એના હાથમાં જે વીંટી જોઈ હતી એ તમને ગમી હતી, તો આ મારી અને નીતા તરફથી તમારી પત્ની અને બહેનને લગ્નની ભેટ" કહી બન્ને બોક્સ જીતુભાના હાથમાં આપ્યા. જીતુભાનું મગજ ઠેકાણે ન હતું. 'પૃથ્વી પર હુમલો થયો છે મામા કિડનેપ થયા છે અને અનોપચંદે એને અલમોસ્ટ નોકરીમાંથી રૂખસદ આપી દીધી છે હવે શું કરવું ય જવું આ લાખ રૂપિયા અને આ વીંટીને શું ધોઈ પીવા છે.' એ મનોમન વિચરતો હતો ત્યાં અનોપચંદે કહ્યું. "હવે શું જમીને જવાની ઈચ્છા છે તમને જીતુભા? તો કલાક બેસો અમારી સાથે, નહીં તો નીકળો હવે" વ્યંગમાં બોલાયેલા આ શબ્દોથી ધર્મેન્દ્ર ચૌહાણ મનોમન ફુલાયો એક મહત્વનું મિશન એણે વિક્રમનું પાર પાડ્યું હતું હવે જો એ રાજી થશે ને એના લગ્ન સોનલ સાથે થશે તો એ કંપનીમાં 10% ભાગીદારી આપી દેશે.આજનો દિવસ એના માટે શુકનિયાળ હતો. ભાંગેલા પગે જીતુભા ઉભો થયો અને કહ્યું. "આવજો શેઠજી"
"દીકરા આવજો ન બોલાય, આવું છું બોલાય. સમજ્યો? અને તું મુંજાતો નહિ, પાંચ સાત હજારની જરૂરત હોય તો મોહનલાલને ફોન કરી દેજે એ આપી દેશે. તારા મામાને શોધવામાં તું સફળ થાય એવી પ્રભુને પ્રાર્થના. ચિંતા ના કરીશ. ગિરધારી તારી સહાય કરશે." લથડતા પગે અનોપચંદના બંગલાના કમ્પાઉન્ડમાં પોતે પાર્ક કરેલી કાર પાસે પહોંચેલા જીતુભાને જાણે ચક્કર આવી રહ્યા હોય એમ લાગ્યું. એના મગજમાં અનોપચંદના શબ્દો ગુંજી રહ્યા હતા "ગિરધારી તારી સહાય કરશે"
ક્રમશ:
અત્યારે આવા ટેન્શનમાં સ્નેહાએ જીતુભાને લગ્નની ગિફ્ટમાં વીંટી શું કામ આપી? શું અનોપચંદ કઈ જ મદદ નહિ કરે કે પછી જીતુભાનો સાથ આપશે? મોહન લાલે જેને ફોન કર્યો હતો એ કોણ છે મદદગાર કે પછી જીતુભાને વધુ મુંઝવવાનો કોઈ કારસો? જાણવા માટે વાંચતા રહો તલાશ 3- ના આગળના પ્રકરણો.
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.