ધાર્મિક બાબતને વૈજ્ઞાનિક સાબિત કરવી જરૂરી છે? Deval Shastri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધાર્મિક બાબતને વૈજ્ઞાનિક સાબિત કરવી જરૂરી છે?



એક વૈજ્ઞાનિક તેની લેબમાં આવે છે, ભગવાનની તસ્વીર પાસે જાય છે. વૈજ્ઞાનિક અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાનને નમન કરે છે, દીવો અગરબત્તી કરે છે.... વાત ખતમ....
   જ્યારે સામાન્ય માણસ કે ધર્મગુરુઓ ધર્મની વાત કરે છે, ત્યારે દરવખતે પોતાની વાતો વૈજ્ઞાનિક છે એવું શા માટે કહેતા ફરે છે? એક વૈજ્ઞાનિક કોઈ પૂરાવા વગર ઇશ્વર પર શ્રદ્ધા રાખી શકે તો ધાર્મિક નેતાઓ કોઈ પણ ખરીખોટી વાતો કહેવા વૈજ્ઞાનિક આધાર બતાવીને શું સાબિત કરવા માંગે છે? 
    વિશ્વમાં સત્ય અને ઇશ્વર પર આસ્તિક નાસ્તિક સહિત અંદાજે ચાર હજાર કરતાં વિભિન્ન માન્યતા ધરાવતા ધર્મો કે સંગઠનો છે. દરેકની માન્યતા એકબીજા કરતાં અલગ અલગ છે, છતાં બધા પોતાની માન્યતા વૈજ્ઞાનિક હોવા અંગે જોરશોરથી દાવા કરતાં હોય છે, શું જરૂર છે? મારો ધર્મ છે, જે મને ગમે છે. એને વળી પુરાવાની શું જરૂર? એક સ્પષ્ટતા યાદ રાખજો, આ વાતો વાત ધર્મની છે અંધશ્રદ્ધાની નહીં... 
   યુ ટ્યુબ પર રિલિજીયસ મોટિવેશનલ મહાત્માઓના વક્તવ્યો સાંભળજો... બધા પોતાની વાતોમાં વૈજ્ઞાનિક હોવાનો દાવો કરતાં રહે છે.... શું કામ? 
  સમસ્યા તો એ છે કે વિજ્ઞાન પણ અસંખ્ય બાબતોમાં વૈજ્ઞાનિક નથી... બ્રહ્માંડ હોય કે કોવિડ, હજી ફાંફાં મારે છે. ઇશ્વર, પૃથ્વી, માનસિક રોગો, જન્મ, મરણ ઇવન નજરે પડતી આકાશગંગા જેવા વિષયોમાં વિજ્ઞાન પણ તર્કનો સહારો લેતું હોય છે....
  કોઈ પ્રેમમાં પડે તો ક્યારેય કહે છે આ તો વિજ્ઞાનમાં સાબિત થયું છે, છોકરો કોઈ છોકરીને દગો કરે તો દગો એ વૈજ્ઞાનિક છે એવું કહે છે? તો ધર્મમાં પુરાવા શા માટે?
   અમેરિકા જેવા વિકસિત દેશમાં 75% લોકો ઇશ્વર પર શ્રદ્ધા રાખે છે, 68% અમેરિકન સ્વર્ગ અને 58% અમેરિકન નાગરિકો નર્ક હોવા અંગે કોઈ પણ પૂરાવા વગર શ્રદ્ધા ધરાવે છે. 
   આપણે જ્યોતિષ, ગ્રહો, વાસ્તુ, મંત્ર તંત્ર, રીતરિવાજો, વિધિઓ સહિત અસંખ્ય બાબતોને બળજબરીથી વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક કરીને બૂમો પાડતા રહીએ ... શું કામ? અરે ભાઇ, જેને માનવું હોય એ માને... ના માનવું હોય તો બીજો રસ્તો પકડે... પણ વારંવાર વિજ્ઞાનનો જપ શું કામ જપવાનો? ઇવન જપ કરવા એ પણ વૈજ્ઞાનિક છે એવું સાબિત કરવા ઉધામા કરી નાખીએ છીએ. 
    મૂળ વાત, આપણી ઇશ્વરીય શ્રદ્ધા પર જ અવિશ્વાસ કરીએ છીએ... અરે, મૌન વૈજ્ઞાનિક છે એ સમજાવવા ત્રણ દિવસના સેમિનાર કરીએ છીએ... કોઈ વાતમાં એકાદ ધોળિયો હા પાડે એટલે આપણે જાણે વિશ્વવિજેતા.... 
   વિજ્ઞાન હમેશા સંશોધન મુજબ માન્યતા બદલતું રહે છે. જો ધર્મએ વિજ્ઞાનથી આગળ વધવું હશે તો તેને સમય સાથે આધુનિક થવું પડશે, તો જ વિજ્ઞાન પણ ધર્મની પાછળ દોડશે. દશમી અગિયારમી સદી સુધીની સનાતન સંસ્કૃતિના અભ્યાસુઓને સમજાશે...
   આપણે સૌથી પહેલા એક ડર કાઢવાની જરૂર છે, પશ્વિમી સંસ્કૃતિનો ડર... પશ્વિમમાંથી ટેકનોલોજી, નવું લિટરેચર, આર્કિટેક્ચર, કોર્પોરેટ કલ્ચર, બાબુશાહી, ફૂડ, ફેશન, ડાન્સ,મ્યુઝિક સહિત અનેક બાબતો આપણા જીવનનો અભિન્ન અંગ બની છે, સામા પક્ષે ધ્યાન, ઓમકાર, મસાલા, સાત્વિક ભોજન, ક્લાસિકલ મ્યુઝિક તથા નૃત્ય, ક્લાસિક લિટરેચર, યોગ, કલરફૂલ ફેશન, અહિંસા સહિત ઘણા વિષયો પશ્વિમે પણ સ્વીકાર્યા છે....
  આપણે તો આખી દુનિયાને શીખવ્યું કે અમને દશે દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ.... જ્યારે વિચારો પ્રાપ્ત થાય છે તો ડર શેનો? જે સારું લાગે એનો સ્વીકાર, બાકી આભાર સહિત પરત કરવું.
   મુક્તિબોધનો એક મેસેજ યાદ આવે છે, "મુક્તિ એકલતામાં ક્યારેય નહીં મળે".... મને અને તમને રોજ કહેવામાં આવે છે કે શાંતિ અંદર છે, અંદરની તરફ જુઓ.... 
    માણસ અંદર શોધવા પ્રયત્ન કરે છે. સરેરાશ માણસને અંદર કશું મળતું નથી, બહાર સુખ શોધવા જાય તો કન્ફ્યુઝ થાય... યુ ટ્યુબના રિલિજીયસ મોટિવેશનલ ભારેખમ અંગ્રેજી ભાષણોમાં કહ્યું હોય છે કે બહાર કશું જ નથી, અંદર ઢૂંઢો... જાએ તો જાએ કહાં?
    અંદર સુખ શોધવાની લાહ્યમાં આધ્યાત્મિક મ્યુઝિકનો પાંચ હજાર કરોડનો બિઝનેસ છે. એક હજાર કરતાં વધુ મોબાઈલ એપ્લિકેશન ધરાવતો મેડિટેશન બિઝનેસ 2017માં 1.21 અબજ યુએસ ડોલરનો હતો, જે સાત ટકાનો ગ્રોથ ધરાવે છે. એવરેજ અમેરિકન મેડિટેશન સેન્ટર એન્યુઅલ 2,70,000 ડોલરની ચમત્કારિક કમાણી કરે છે, છતાં ધર્મ પર વૈજ્ઞાનિક પ્રયોગો કરતાં હોવાની વાતો કરે છે...
   ઉત્સવો, તહેવારો કે આપણી પરંપરાઓને આજથી વૈજ્ઞાનિક સાબિત કરવી નથી, એકવાર બધો ભાર મૂકીને માણો તો ખરા.. આપણા વડવાઓએ બનાવેલા દરેક ઉત્સવોમાં મોટિવેશનલ મેસેજ શોધવાનું રહેવા દઇએ. 
  તહેવારો તો સમજ્યા, ભગવાનોને છોડ્યા નથી. ભગવાન ગણપતિ દુનિયાની પહેલી પ્લાસ્ટિક સર્જરી છે એવું શું કામ સાબિત કરવાનું? મારા ઇષ્ટદેવ છે, ઈતના કાફી નહીં? શું વિજ્ઞાન એટલું મહાન છે કે મારા ભગવાને પરીક્ષા પાસ કરવી પડે? 
    મીરાં, નાનક, મોરારસાહેબ, નરસૈયો, પ્રેમાનંદ, કબીર, રૈદાસ, રહીમ, ત્રિકમસાહેબ, પ્રિતમદાસ, ભાખર, ભાલણ, રામદેવ પીર, લોયણ, સદરદ્દીન પીર, સવા ભગત, દાદુ, ગંગાસતી હોય કે વડોદરા પાસે મીયાગામ કરજણના રતનબાઇ નામના મુસ્લિમ કવિયત્રી, જેમણે કૃષ્ણ પર સુફી સાહિત્ય રચ્યું હતું... આ બધા તેમના શ્રેષ્ઠ યોગદાનમાં ક્યા વૈજ્ઞાનિક પુરાવા શોધવા ગયાં હતાં?.... તેલ લેવા ગયું વિજ્ઞાન, મેરે તો ગિરધર....