1.પરપોટા ની જંગમાં…..
પરપોટા ની જંગમાં એવી તે અથડાઈ ગઈ...
પાણી ની એ યાત્રા હવામાં જ નજરાઈ ગઈ...
શું બનવું એ થોડું વંચાતું હોય છે હાથમાં...
એક વળાંક, ને આખી બનાવટ જ બદલાઈ ગઈ...
પરિવર્તન તો નાની નાની બાબતોમાં વર્તાઈ જાય...
આતો એક આઘાત,ને જિંદગી જ ચર્ચાઈ ગઈ...
વાડ તોડી ને ભાગવાની હિંમત નથી હોતી બધામાં...
પરિસ્થિતિ એવી બની કે છલાંગ જ વખણાઈ ગઈ...
હરવા માટે કોઈ રમતું નથી બાઝી સંબંધોમાં...
જેને જીત પણ હારી,તો એ પ્રેમમાં પીરસાઈ ગઈ...
ગમે તેટલો માર હોય વિષમતાઓ નો જીવનમાં...
જે મોજ થી જીવ્યા, એની હિંમત વખણાઈ ગઈ...
ઇશ્વર પણ તત્પર હોતો હશે આશિષ આપવામાં...
એક ડગલું ઉપાડ્યું, ને આગળ કેડી શણગારાઈ ગઈ…
2…વેન્ટિલેટર ની...
શબ્દોની અછત પડે છે હૃદયની બધી લાગણીઓને છતી કરવામાં...
ખોટી માંગણીઓના સ્વરમાં એ લાગણીઓ કચડાઈ નહીં...
કરી લો કંઈક જતું જો પ્રેમ છુપો હોય આ હૃદયમાં...
કંઈક વાત પકડી રાખવામાં સાથ છૂટી જાય નહીં...
સદીઓનો સમય નથી ખાલી આજ છે હાથમાં...
ક્ષણોનો ગુલદસ્તો સાવ નજર અંદાજ થાય નહીં...
અધૂરા મળો તો, કાં પૂરા થવા કાં છલકાવ...
મળી ને પણ આમ અતડા સંબંધોમાં જીવાય નહીં...
પ્રેમના ઓક્સિજન સિવાય બધું ગૌણ છે જીવનમાં...
એમાં વેન્ટિલેટર ની જરૂરિયાત ઊભી થાય નહિ....
3…ઝરમર વરસાદ...
ઝરમર વરસાદની ભીનાશ સહેજ અડકી...
તારી યાદ પણ મોરના પીંછા ની જેમ અડકી...
તું પણ શીખ ક્યારેક અનરાધાર વરસતા...
મારે તો લાગણી બસ એક તારી જ વળગી...
કોરી ભલે રહું બહારની વેદનાઓ થી...
નખશિખ ભીંજાવ તું તારી સંવેદનાઓથી...
પ્રેમની અનુભૂતિ તારા સાથેની સ્મૃતિ...
રાધા બની કૃષ્ણમગ્ન થવાને અધીરી...
4…હયાતી...
હયાતી હોય ત્યારે હાજરી સામાન્ય લાગે...
આતો માણસ છે એટલે,માણસની આમન્યા રાખે...
બાકી તો રોજ કોને પડી છે કેટલા ચહેરા ઉદાસ છે...
આસપાસ ના લોકોની ખાલી તારીખો જ યાદ છે...
મોબાઈલ થી સંકળાયેલા ઘણું બધું સચવાય છે....
એથી જ અંગત સંબંધોમાં થોડી અકળામણ થાય છે...
તહેવારો પ્રસંગો માં દેખાવડા નો રિવાજ છે....
ખરી મોજને પણ થોડો સમય નો અભાવ છે...
છતાં ક્યાંક ખૂણે પ્રેમ ના સંબંધો સચવાય છે...
વસંત એકસામટી આંખોમાં વર્તાય છે...
એ ક્ષણની તો ઉપર પણ નોંધ લેવાય છે...
જ્યારે માનવીમાં માનવતા ઝાળકાય
5…અમને જીવાડી રહી છે….
અમને અમારી પણ ખબર નહોતી જ્યારે તમારી અસર થઈ હતી ...
ઠંડી એવી ગુલાબી પણ નહોતી જ્યારે પાનખરની નજર હટી હતી...
આંખો ની પાંપણ માટે પણ અઘરો વિષય હતો ..
ખબર એને પણ નહોતી કેમ એ આપની સામે ઝૂકી હતી ..
ચહેરા માટે તો એ શરમાવાનો પહેલો અનુભવ હતો...
લાલાશ ક્ષિતિજમાં પણ નહોતી જેવી ગાલો પર ખીલી હતી...
હૃદય ધબકતું હોય છે અનુભવેલું ઘણીવાર...
આતો કોઈના હાજરી માત્ર થી પણ ધબકે એવી હૃદયની દિલદારી હતી...
વાટ જોતા લાગે કે સઘળું થંભી જાય પળવાર માટે...
અહીં તો રાહ કોઈ એકે નહિ આખા અસ્તિત્વએ જોઈ હતી...
સફરની મજા તો માણી શકાય પ્રયત્નો થકી...
આતો સંગાથ ની મજા હતી,જે વગર પ્રયત્ને જીવાડી રહી છે...
6…વિદાય થયાની વેદના...
વિદાય થયાં ની વેદના વારસો વરસ વાગે...
હૃદયમાં જ્યારે એક ખૂણો ખાલીપાની બુમ પાડે..
જાણી કોણ શકવાનું ચહેરાના સ્મિત પરથી...
રણનો એ મીઠો વીરડો ક્યારેક મૃગઝળ લાગે....
સમય ને પણ ક્યાં હોય છે પાબંધી સમય ની...
આ વિચારોને પણ હંમેશા એની અસર લાગે...
નવી સવારની બાજુમાં ઊભું થોડું જૂનું અંધારું...
સૂરજ ની વાટમાં એને ધુમ્મસ વ્હાલું લાગે ...
મૌન અને સન્નાટામાં ફરક જે અનુભવે એ જાણે...
શબ્દો રિસાઈ જાય ત્યારે બંનેની હાજરી લાગે...
સમજાવી શકાય તો પોતાની જાતને જ સમજાવવી...
સમજદારીની દુનિયા એ પી એચ ડી કરી લાગે...
7…હજુ પણ બાંકડાઓ...
હજુ પણ બાંકડાઓને અનુભવોનો તાજ છે....
બગીચામાં હજી પણ સુંગંધો નું રાજ છે...
બસ તું નથી એથી વંસંત થોડી ઉજાસ છે...
આ ક્ષિતિજને પણ જો ને થોડી સૂરજની આડાશ છે...
ચારેતરફ પંખીઓ નો ધીમો અવાજ છે...
એમના કલરવમાં પણ થોડી ઉદાસીની છાટ છે...
મનમાં તો ઘણા વિચારોનું ફેલાતું રાજ છે...
પણ આ હૃદયના ખૂણે તારું જ સામ્રાજ્ય છે...
બધું જ ભરાઈ ગયું ,ફક્ત ખાલી આ આજ છે...
તું આવીશ જ વિશ્વાસ સાથે ચાલતા શ્વાસ છે...
8…કેમ..?...
બધું ચાલી રહ્યું છે હેમ ખેમ...
છતાં ક્યાંક કંઇક સ્થગિત છે એમકેમ...
જાણવાનું હોય એટલું સામે આવી જાય છે આપમેળે...
નથી જાણી શકાયું બસ એની જ તલપ કેમ?
સંબંધોની ગૂંચવણમાં એક સંબંધ તો હોય છે આપણા પક્ષમાં...
નથી મેળવી શકતા એ સંબંધનો જ અફસોસ કેમ?
જિંદગીની પાઠશાળામાં આગળ જ છીએ ઘણા સારા ગુણ સાથે ...
નથી પસાર કરી શકાયા એ કસોટીઓની તરફ જ નજર કેમ?
ઘણા અહેસાસોથી સમૃદ્ધ છે હોય છે હૃદયની લાગણીઓ...
નથી મેળવી શકાતી એ લાગણીઓથી જ મનની અવસ્થાને ખલેલ કેમ?
સિક્કાની કોઈ એક બાજુ તો હંમેશા અનદેખી જ રહેવાની...
જે નથી જોઈ શકાતી એ બાજુની જ ફિકર કેમ?..
9…વ્યથા ના...
પુરાવા શું આપવાના કોઈ ને વ્યથા ના...
કિનારા નથી દરિયાના ઊંડાણ સુધી પહોંચવાના...
અંદરના ઘુંઘવાટને ક્યાં સુધી જીવતું રાખવાના...
શું પ્રયત્નો નથી હોતા એ જાત બાળવાના ...
ક્યાં સુધી તોફાનોને તારાજી સર્જવા દેવાના...
કોઈ એક સ્થાન તો હોય જ જ્યાં એ ઠરીઠામ થવાના...
ધુમ્મસ ક્યાં સુધી રોકી શકે પગલાં સવારના...
ધીરે ધીરે તો વાદળો પણ રસ્તો આપવાના...
...
10….ક્યાં વધારે મહેનત છે….
જીવવામાં ક્યાં વધારે મહેનત છે...
આતો કંઇક જીવતું રાખવાની જ જહેમત છે...
અસ્તિત્વ આપી જ રહે જરૂરિયાત પૂરતું...
અહીં પ્રભુ પણ શું કરે જ્યાં જરૂરિયાતનું પોટલું ખોટું છે...
મીઠાશ જીવનમાં ઓછી ને ખાવામાં વધારે લેવાય જાય છે...
એટલે જ બોલ મીઠા ને અંદર જ્વાળામુખીની હાજરીથી દાજાય છે
સંતોષ તો હવે નામ પણ બધાને જૂનું થઈ ગયું લાગે છે...
બધું હોવા છતાં કંઇક ખૂટ્યા ની લાચારી,કાયમ માટે વાગે છે....
આપણે જ બંધ કરીએ અને આપણે જ ખુલ્લી પાડીએ છીએ..
બાઝી આપણી ને હાર પણ આપણી, છેલ્લે તો ખાલી થઈ ને જઈએ છીએ....
-Trupti.R.Rami(Tru…)