તલાશ 3 - ભાગ 5 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ 3 - ભાગ 5

  ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

ધાય, ધાય, ધાય, એક સાથે અનેક ગોળીઓ ધડાધડ એની ગનમાંથી છૂટી અને પૃથ્વીના બેડરૂમનો લોક તોડીને ક્રિસ્ટોફરને મારવા માટે ઘુસતા રોબર્ટ અને ઈમરાનને વીંધી નાખ્યા.એમની મરણચીસો બેડરૂમને વીંધીને બહાર આખા એપાર્ટમેન્ટમાં સંભળાઈ રહી હતી. રોબર્ટ અને ઈમરાનને વળતો પ્રહાર કરવાનો મોકો પણ મળ્યો ન હતો, કે ન એ લોકોને એવી કલ્પના હતી કે આમ પાછળથી કોઈ એની પર હુમલો કરશે, કેમકે એ લોકોએ રિસેપ્શન પર બેઠેલા જ્યોર્જને ઉપર આવતી વખતેજ પતાવી દીધો હતો, અને રવિવારની સવાર હતી. એટલે બિલ્ડિંગમાં કઈ ચહલપહલ ન હતી. ઇમરાને એક ગોળી ખાધા પછી પાછળ ફરવાનો પ્રયાસ કર્યો હતો. રોબર્ટને તો એ મોકો પણ ન મળ્યો. ઇમરાને મરતા મરતા પાછળ જોયું તો એક અર્ધ યુરોપિયન યુવતી કેજેણે વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેર્યા હતા એ હાથમાં ગન ઝુલાવતી ઉભી હતી અને ખુન્નસ ભરી નજરે રોબર્ટ અને ઈમરાનને મરતા જોઈ રહી હતી. એ માર્શા હતી. નાસાની લંડન ઓફિસની એક એજન્ટ. જયારે લંડનમાં એના પર હુમલો થયો અને જીતુભાએ એને બચાવી હતી એ વખતે ક્રિસ્ટોફરને નિનાદે નાસામાં શિફ્ટ કર્યો હતો. હોસ્પિટલમાં 5-7 દિવસ એ એડમિટ હતી ત્યારે, ક્રિસ્ટોફરે એને સાથ આપ્યો હતો. ક્રિસ્ટોફરેનો રમુજી સ્વભાવ માર્શાને ગમ્યો હતો. બન્નેને એક મેકની કંપની ગમતી હતી. ક્રિસ્ટોફરને બ્રિટન ટુડેની સહકર્મી સ્ટેલા સાથે એ જ વખતે બ્રેકઅપ કરવું પડ્યું હતું, કેમ કે સ્ટેલાએ પોતાના 2 બાળકોના ભવિષ્ય ખાતર પોતાના દારૂડિયા ડિવોર્સી પતિને સુધરવાનો એક ચાન્સ આપવા માંગતી હતી. આમ માર્શા અને ક્રિસ્ટોફર રિલેશનશિપમાં જોડાયા હતા. અને બન્ને એ 2-3 દિવસ આજુબાજુના સીટી (દેશ)માં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો, પણ પૃથ્વીએ ક્રિસ્ટોફરને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યો એટલે ક્રિસ્ટોફરે માર્શાને સીધી પૃથ્વીના ઘરે આવવા કહ્યું હતું. માર્શા પહેલા એક બે વાર એન્ટવર્પ, અને પૃથ્વીના ઘરે પણ આવી ચુકી હતી. એ જયારે પૃથ્વીના બિલ્ડિંગના રિસેપ્શન પર પહોંચી તો એણે જ્યોર્જની લાશ જોઈ. કંઈક અશુભ આશંકાએ સીધી લિફ્ટ પકડીને એ પૃથ્વીના ફ્લેટ સુધી પહોંચી જોયું તો મેઈન ડોરનું લોક ઉડાવી દેવાયું હતું. એણે પોતાની ગન ખેંચી અને સાવચેતથી હોલમાંથી બેડરૂમ તરફ આગળ વધી. ત્યાં એનું ધ્યાન રોબર્ટ અને ઇમરાન પર પડ્યું, બન્નેના હાથમાં ગન જોઈને તરત જ માર્શાએ ફાયરિંગ ચાલુ કર્યું. અને આઠ ગોળીનું મેગેઝીન એ બન્ને પર ખાલી કરી નાખ્યું. 

xxx 

સોનલ જતા જ ઘરમાં એકલા પડેલા જીતુભાએ  પોતાનું મગજ દોડાવવાનું શરૂ કર્યું. '12મું ધોરણ' સોનલની 12 માં ધોરણમાં જે જુનિયર કોલેજ હતી એ એને યાદ આવી. એ ફટાફટ ઘર લોક કરીને નીચે પોતાની ઓફિસમાં પહોંચ્યો. અને કોમ્પ્યુટર ચાલુ કર્યું અને ઇન્ટરનેટ પર સર્ચ કરવા લાગ્યો. અત્યંત આધુનિક મોડેમ એણે ફિટ કરાવ્યું હતું. છતાં ઇન્ટરનેટ બહુ ધીમું ચાલતું હતું. (આજના સંદર્ભમાં) ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં એણે ટાઈપ કર્યું. "ચૌહાણ જુનિયર એન્ડ ડિગ્રી કોલેજ દાદર."

xxx 

જે વખતે જીતુભા પોતાના કમ્પ્યુટરમાં સોનલની 12માં ધોરણની જુનિયર કોલેજ વિશે સર્ચ કરી રહ્યો હતો એ વખતે સ્નેહા અને સુમિત પોતાને બંગલે પાછા ફર્યા હતા. ડાયનિંગ ટેબલ પર એની રાહ જોઈને બેઠેલા અનોપચંદે જયારે એને મોહનલાલના ફોન વિશે જણાવ્યું ત્યારે એ બન્ને પણ કૈક મુંઝવણમાં મુકાયા હતા. એજ વખતે સુરેન્દ્રસિંહને બેભાન કરવાની દવાની અસર પુરી થઇ હતી અને ભાન આવવાનું ચાલુ થયું હતું. તો એ જ વખતે એન્ટવર્પ થી માર્શાએ યુરોપના નાસાના બોસ માઈકલની પત્ની સિન્થિયા ને ફોન લગાવ્યો હતો. અને બેલ્જિયમમાં ક્રિસ્ટોફર પર થયેલા હુમલા વિશે કહ્યું હતું. 

xxx 

સુરેન્દ્રસિંહના શરીરના સળવળાટે એની ચોકી કરી રહેલા 2 જણાનું ધ્યાન ખેંચ્યું હતું એ બન્ને એલર્ટ થયા હતા. અને એના પલંગ થી 3-4 ફૂટના અંતરે સાવચેતી થી ઉભા હતા. કેમ કે એ બન્નેનો બોસતો કામ પૂરું થયું એની ખુશીમાં ચીક્કાર પીને બેશુદ્ધ પડ્યો હતો. આખરે 2-3 મિનિટ પછી સુરેન્દ્રસિંહે આંખો ખોલી. અને પોતાને એક ઓરડામાં પલંગ પર જોયા. સામે 2 જણા ઉભા હતા એકના હાથમાં કડિયાળી ડાંગ જેવી લાકડી હતી તો, બીજાના હાથમાં રામપુરી ચાકુ. આ ઉપરાંત બંનેના ખિસ્સામાંથી ગન પણ ડોકિયાં કરતી હતી. 2 મિનિટ આ બધું નિરીક્ષણ કરીને એમણે કહ્યું."કોણ છો તમે લોકો? મારી કારનું શું થયું?"

"આ કાકા તો બોવ સવાલ કરે છે" ડાંગ વાળો જે ઉંમરમાં નાનો લગભગ 21-22 વર્ષનો હતો એ બોલ્યો એની બોલીનો લ્હેકો રાજસ્થાની હતો. 

"જુઓ વડીલ અમને કઈ ખબર નથી. અમને તો કહેવામાં આવ્યું છે કે તમારું ધ્યાન રાખવું, અને ભાગવાનો પ્રયાસ કરે તો પતાવી દેવા. પોતાના હાથમાં રહેલ રામપુરીને રમાડતા સહેજ મોટી ઉંમરનો હતો એણે કહ્યું.

"પણ મને આમ ગોંધી રાખવાનો શું મતલ..?"

"બસ. કોઈ સવાલ જવાબ નહિ, સાંજે સાહેબ આવશે એ બધું કહેશે. હવે કઈ બોલ્યા વગર ચૂપચાપ પડ્યા રહો." ચાકુવાળા એ સહેજ કઠોર અવાજે કહ્યું.

"પણ ભાઈ હું મારી કંપનીના કામે નીકળ્યો છું. મને મોડું થાય છે, ભૂખ અને તરસ પણ લાગી છે. તમારા સાહેબ ને બોલાવો."

"તો એમ કયો ને કાકા કે તરસ અને ભૂખ લાગી છે.  જા એ રૂપસી. આ કાકા માટે કેવડાનું શરબત લઇ આવ. 15-16 કલાક થઈ ગયા પાણી નથી પીધું એમણે."

'15-16 કલાક એટલે બપોર થઈ ગઈ છે.' સુરેન્દ્રસિંહે મનોમન ગણતરી કરી. પછી કહ્યું. "જો ભાઈ હું ક્યાંય ભાગવાનો નથી." કહેતા સહેજ બેઠા થવાનો પ્રયાસ કર્યો.

"એ કાકા ઝાઝી હોશિયારી નય." ચાકુ વાળાએ કહ્યું.

"ભાઈ હોશિયારી નથી કરતો અત્યાર સુધી બેહોશ હતો એટલે દુખાવો મહેસુસ ન થયો હવે બહુ દુખે છે. આમેય તમે 2 જણા હટ્ટાકટ્ટા છો. અને હથિયાર પણ છે તમારી પાસે. હજી બહાર તમારા સાથીઓ હશે. આટલા બધા હથિયાર ધારી મારા જેવા એક બુઢ્ઢાથી ડરો છો? મારે ક્યાંય ભાગવું નથી ઉલટું તમારા સાહેબને મળી ને પૂછવું છે કે મને અહીં શું કામ લાવ્યા છો?"

"મારે પહેલા પૂછવું પડશે. થોડીવાર આમ જ પડ્યા રહો અને આ રૂપસી તમારા માટે સરબત લાવ્યો છે એ પીવો ત્યાં હું પૂછી લવ." કહેતો ચાકુ વાળો કે જે રૂપસીનો કાકો હતો મંગલસી. એ રૂમમાંથી બહાર નીકળ્યો.

xxx 

"માઈકલ, સિન્થિયાને થોડા દિવસ બેલ્જીયમ મોકલ અને માર્શાને પણ ત્યાંજ રોકવા દેજે. પૃથ્વીના કઈ અપડેટ?” નિનાદ 'નાસા'ના યુરોપના ઇન્ચાર્જ માઈકલ સાથે વાત કરી રહ્યો હતો.

"પૃથ્વીએ ચેક ઈન કરી લીધું છે. ક્રિસ્ટોફરની હાલત ખરાબ છે. માર્શા એની સાથે હોસ્પિટલમાં જ છે. સિન્થિયા કલાક પછી નીકળશે."

"અને લોકલ પોલીસનું શું?"

"એન્ટવર્પના પોલીસ હેડ સાથે મેં વાત કરી છે. કે અમારી કંપની પર આ હુમલો છે. અમારો એક એમ્પ્લોયી મરતા મરતા બચ્યો છે. અને એક બિલ્ડીંગ કેરટેકરનું ખૂન થયું છે. એ લોકો એ કહ્યું છે કે આ હુમલો કરનાર હિસ્ટ્રીશીટર હતા.જલ્દીથી કેસ ક્લોઝ થઇ જશે."

"વેરી ગુડ માઈકલ, એટલે જ મને તારી સાથે કામ કરવાની મજા આવે છે."

xxx 

ઉદયપુરની એક આલીશાન હોટેલના એક સ્યુટમાં જગદીશ ગુપ્તા હાથમાં એક લિસ્ટ લઈને કંઈક વિચારી રહ્યો હતો. એની આજુબાજુ 4-5 લોકો હતા. "બધો સામાન આવી ગયો? કોણે ચેક કર્યું?"

'"મેં ચેક કર્યું છે. ગુપ્તા, લગભગ બધું આવી ગયું છે. ખાલી દિલ્હીનો સમાન બાકી છે. એ સવારે આવશે." એના આસિસ્ટન્ટ પંડિતે જવાબ આપ્યો એ લગભગ પ્રોફેસરની ઉંમરનો જ હતો અને ગ્રુપમાં એ માત્ર એક હતો જે જગદીશ ગુપ્તાને ખાલી ગુપ્તા કહને બોલાવતો હતો બાકી બધા કા સર અથવા પ્રોફેસર કહીને બોલાવતા હતા. 

"ઓકે. તો પછી આજનું અહીંનું કામ પૂરું થયું. હવે પાર્ટી કરો અથવા તમારી રીતે ટાઈમ પાસ કરો. કાલે સવારે દિલ્હીથી પાર્સલ આવી જાય એટલે આપણે બધા શ્રી નાથદ્વારા જાશું અને બપોર પછીના દર્શન કરીને પછી કુંભનગઢ.

xxx 

લગભગ 8-10 મિનિટ પછી બ્લેક મર્સીડીઝ સેન્ચ્યુરી બઝારના ગેટ પાસે આવીને ઉભી. ડ્રાઈવર તરતજ સ્ટિયરિંગ વ્હીલ છોડીને ઉભો થયો અને દોડીને અદબથી પાછળનો દરવાજો ઉઘાડયો અને શાલીનતાથી કહ્યું "આવો મેડમ, સર અંદર તમારી રાહ જોઈ રહ્યા છે."   

સેન્ચ્યુરી બઝારમાં નીચેના ફ્લોર પર થોડી દુકાનો હતી અને એક આજુ લક્ષ્મી રેસ્ટોરાં હતી. સોનલ જેવી એ રેસ્ટોરન્ટના પ્રવેશદ્વારે પહોંચી કે તરત જ ત્યાં ઉભેલા દરવાને એક કડક સલામ મારી અને દરવાજો ખોલી આપ્યો. રેસ્ટોરન્ટનું વાતાવરણ ખુશનુમા હતું. ચારે તરફ ઉપરની સાઈડ લગાવેલા એર ફ્રેશનર માંથી થોડી થોડીવારે ગુલાબની મંદ મંદ સુગંધ રેલાતી હતી. કાળઝાળ ગરમીની શરૂઆતના દિવસોમાં રવિવારની બપોરના ભોજનને એ.સી. હોલમાં માણવા માટે અનેક લોકો અહીં  એકઠા થયા હતા. સોનલ સહેજ નફરાઈથી અંદર પ્રવેશી આમ તો એનું દિલ ધકધક થતું હતું. મનમાં મુંઝારો થતો હતો, પણ એને એ ચહેરા પર દેખાવા દેતી ન હતી વળી આ એના બાપુની સલામતીની વાત હતી. એ માંડ 2 ડગલાં ચાલી હશે કે એક પ્રભાવશાળી અવાજે એનું ધ્યાન આકર્ષિત કર્યું. "સોનલ આ બાજુ." એ વિક્રમ ચૌહાણ હતો.

xxx 

ઇસ્કોન મંદિરમાંથી બહાર નીકળતી વખતે મોહિની હેમા બહેનને કંઈક કહી રહી હતી. પ્રદીપ ભાઈએ કારમાં બેસીને પૂછ્યું "શું થયું?'

"એ જ કે તમારી દવા લેવાનો અને જમી લેવા નો સમય થઈ ગયો છે:" હેમા બહેને જયાબા સાંભળે એમ મોટેથી કહ્યું. 

પ્રદીપ ભાઈ કંઈક આશ્ચર્યથી એમની સામે જોયું અને પછી વાતનો ઈશારો સમજીને બોલ્યા “જુઓ આગળ એક સાદી રેસ્ટોરાં છે એની બાજુમાં જ મેડિકલ છે. હું ત્યાંથી દવા લઇ લઉ અને પછી આપણે રેસ્ટોરાં માંજ જમી લઈએ નાહકનું સુગર લો થશે તો ઉપાધિ વધશે."

"ભાઈ હું આ સંજોગોમાં બહાર હોટલમાં નહીં જમું." જયાબા એ કંઈક અસમંજસ અવસ્થામાં કહ્યું.

"બહેન મને પણ અત્યારે હોટલમાં જમવું ગમતું તો નથી, એટલેજ  હેમાએ ઘરે રસોઈ માંડી દીધી હતી. પણ આ મોહિનીને અચાનક માનતા યાદ આવી. એણે પહેલા કહેવું જોઈએને" પ્રદીપભાઈ એ મોહિની પર બનાવટી ગુસ્સો દેખાડતા કહ્યું. 

"અરે એમાં દીકરીને વઢો છું શું કામ ભાઈ? એને ય હવે સુરેન્દ્રની ચિંતા થાય એ સ્વાભાવિક છે." ઋજુ સ્વભાવના જયાબા એ પોતાની થનારી વહુનો દીકરી કહી બચાવ કર્યો.

"તો પછી જવા દો જમવાનું. થોડી તબિયત બગડશે એટલું જ ને" કહેતા પ્રદીપ ભાઈ એ કાર સ્ટાર્ટ કરી. એમની ચાલાકી સફળ થઈ તરત જયાબા એ કહ્યું. "ઓલી તમે કહેતા હતા એ સાદી હોટલ આવે એટલે રોકજો અને દવા લઈ લેજો એમ તબીયત ના બગાડાય."

xxx 

"કેટલા વર્ષે તને જોઈ. હજી એવી ને એવી જ દેખાય છે. ચંચળ, રમતિયાળ, સુંદર, છતાં ગુસ્સાથી ભરેલી"

"અને તું હજુ આટલા વર્ષે પણ સુધર્યો નહિ. મને એમ કે"

"હા. ... એ વાત યાદ નહિ કરતી આટલા વર્ષોમાં એક ક્ષણ પણ હું એ અપમાન ભુલ્યો નથી. ખેર તારી જ રાહ જોતો હતો ઓર્ડર મેં આપી દીધો છે. જો સામે વેઈટર આવે છે. હું ઈચ્છતો હતો કે તારા મોઢેથી પ્રેમભર્યા 2 શબ્દો સાંભળવા મળે. એટલીસ્ટ આપણે દોસ્ત તો હતા જ."

"અને તે બહુ મોટો મીર માર્યો છે, કે મારી મદદ કરી છે કે હું તને પ્રેમ ભર્યા 2 શબ્દ કહું?" ગુસ્સાથી સોનલે કહ્યું. જવાબ માં વિક્રમે અટ્ટહાસ્ય કરતા કહ્યું. "એટલે જ તું મને ગમે છે ગુસ્સો કરેને તો તારા ગાલ રતુંબડા થઇ જાય છે ચુમવાનું મન થાય છે."  સાંભળતા જ સોનલ સહેજ ગભરાઈ એ વિક્રમને સમજાયું એટલે એણે મક્કમ અવાજે કહ્યું. “ગભરાઈશ નહિ. હું વચનનો પાક્કો છું. આપણા લગ્ન નહીં થાય ત્યાં સુધી તારી મરજી વગર તને આંગળી પણ નહીં અડાડું."

"મારા બાપુ ક્યાં છે? અને શું જોઈએ છે. તારે મુદ્દાની વાત કર" 

"તારા બાપુ સલામત છે પણ આપણા લગ્ન રોકી શકે એવી સ્થિતિમાં નથી. એ 27 મેં એ ઘરે આવશે 30 મેની તારીખ એમણે જ નક્કી કરી છે ને લગ્નની. વધારે ખબર જોઈતી હોય તો પહેલા ચુપચાપ જમવાનું ચાલુ કર,"

"કોઈને મજબૂર કરીને પોતાનું ધાર્યું કરાવવું એમાં શું મર્દાનગી? મર્દ હો તો મારા બાપુને મુક્ત કર પછી હું બતાવું છું તને" સોનલે ગુસ્સાથી કહ્યું.

"પ્રેમ અને યુદ્ધમાં બધું જ માન્ય છે. અને રહી વાત મર્દાનગી ની એ તો વખત આવે ખબર પડે કોણ મર્દ છે. અને તું હજી આટલું કોના જોરે કુદે છે.તારા ભાઈ ના? કે જે 40 હજાર ની નોકરી કરે છે. કે પછી જેના રજવાડા લૂંટાઈ ગયા છે એવા રાજકુમારના. કે જે કોકનો નોકર થઇને કમાય ખાય છે બોલ." 

"હું તને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ એ બે માંથી કોઈના હાથે નહિ ચડતો. નાહકના એ તને ચીરી નાખશે."

"તારા ભાઈને એની નોકરીનું જોર છે ને? અનોપચંદનો લાડકો છે ને. તો હું તને વચન આપું છું સાંજે સાત વાગ્યા પહેલા એ અનોપચંદ એને નોકરી માંથી કાઢી મુકશે. પણ મેં તો શરૂઆત તારા થનારા વરથી કરી છે, કેમ કે મારી સોનલને એણે પોતાની બનાવવાની કોશિશ કરી હતી. એના મોતના સમાચાર તારા ભાઈને અનોપચંદ જ સંભળાવશે. આ સિવાય છે કોઈ જે તને બચાવી શકે? હવે જમવાનું પૂરું કર એટલે ડ્રાઈવર તને ઘરે મૂકી જશે." અટ્ટહાસ્ય કરતા વિકમે કહ્યું અને સોનલ ધ્રુજી ઉઠી. 

ક્રમશ:   

 શું ખરેખર અનોપચંદ જીતુભાને નોકરીમાંથી કાઢી મુકશે? શું કામ? પૃથ્વી સલામત ઘરે પાછો ફરશે? કે વિક્રમના માણસો એને ઘરે નહિ પહોંચવા દે. સોનલને આ પાગલ પ્રેમીથી કોણ બચાવશે? જાણવા માટે વાંચતા રહો તલાશ 3 ના આગળના પ્રકરણો.  

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.