બે હાથ જોડી આપણે માતાજી સમક્ષ રિધ્ધિ દે,સિદ્ધિ દે,અષ્ટ નવનિધી દે તે પ્રાર્થના ગાઇએ છે ને.તેમાં એક પંક્તિ છે "જગતમે જીત દે , અભય વરદાન દે માં ભવાની". એમ લાગે છે માતાજી તેમનો ખાસમ ખાસ એવો અભય વરદાન તેમની લાડકી દીકરી ને નથી દેતા. કેમકે કોઈ દીકરી હવે નિશ્ચિંત નથી. નિર્ભય નથી. ગુન્હેગારો, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ , બધા તે વરદાન પામી બેરોકટોક ગુનાહ કરતા જાય છે અને વગર વાંકે લક્ષ્મી, પાર્વતી, સીતા કે ગીતા કે મોના ને સોના એની સજા પામે છે. દૈવી શક્તિને એટલીજ વિનંતી કે અમે સ્ત્રીઓ ઘણું ખરું ઓગણીસ વીસ ચલાવી લેશું પણ જો અમે સુરક્ષિત જ ના હોય, સતત અમારી અસ્મિતા ને જાણીતા અને અજાણ્યા લોકોથી ધોકો હોય તો તમારા બાકી વરદાન અમારા શું કામના?.
કલકત્તામાં માં ડોક્ટર દીકરી સાથે જે દુષ્કૃત્ય થયું એ સાંભળી અનાયાસ દિલ ભરાઈ આવ્યુ,. હ્રુદય માં ડૂમો બાઝી ગયો. કોઈ ઓળખાણ તો નથી એની સાથે પણ જેમ જેમ સમાચાર વાંચતી ગઈ તેમ તેમ આંખ માંથી ધીમે ધીમે આંસું સારી પડ્યા. કેમકે ઓળખાણ ભલે નોતી પણ એક સ્ત્રી બીજી સ્ત્રી ની અકળામણ , મૂંઝવણ સમજી શકતો હતી. આવી અસહજ સ્થિતિ દરેક સ્ત્રી માટે સરખીજ હોય છે. તે દેશ, પ્રદેશ ,નાત જાત નો ફેર તો છોડો ઉંમરનો બાધ પણ નથી રાખતી. આવી પરિસ્થિતિ નો સામનો કોઈ ને કોઈ રીતે દરેક સ્ત્રી ને કરવો પડે છે. કોઈક સદભાગ્યે ઉગરી જાય તો કોઈક જીવ ગુમાવે.
હમણાં પ્રસંગોવશાત તાત્કાલિક બહાર ગામ જવું પડ્યુ. ટ્રેન મા સ્લીપર ક્લાસ ની ટીકીટ જ ઉપલબ્ધ હતી તેથી તેજ લઈ લીધી , વિચાર્યું આમ પણ દિવસનોજ પ્રવાસ છે.પણ મને શું ખબર કે તે રૂટિન પ્રવાસ તે દિવસે મને અંદરખાને હચમચાવી મૂકશે.
પ્રવાસ ની શુરુઆત જ એક ઝગડા થી થઈ, મારી સીટ પર કોઈ બેઠેલું હતું તેને હળવેકથી કીધું , કે " ભાઈ , યે મેરી સીટ હૈ." એને વિન્ડો સીટ પરથી મે ઉઠાડ્યો જે મારી હતી તો એ પચીસેક વર્ષનો યુવાન મારી પર વિફરી પડ્યો. ડબ્બામાં બીજી કોઈ સ્ત્રી નહિ ઉલટાનું આઠ માણસોની સીટ હોય તેમાં મારા કંપાર્ટમેન્ટ માં બાર _તેર જણા હતા. મારે બેસવું કેમ એવી અવઢવ માં હું હતી . માંડ જગ્યા ખાલી કરાવી હું બારી પાસે ગોઠવાઈ ગઈ. પેલો યુવાન કેળું ખાઈ છાલ બારી બહાર ફેંકવાના બહાને આવી છાલ મારા ખોળામાં પધરાવી ગયો.ઉપાડવા જતો હતો તો મે હાથના ઇશારે રોકી કેળાની છાલ બહાર ફેંકી દીધી. તેની સાથે તેના ભેરુઓ માં એક કદાચ થોડો મોટો હસે તેણે મારી સામે બેસી સતત , એકીટશે મારી સામે જોયા કર્યું. મને એમ થતું હતું કે મર્યા હવે..આજે તો આ કેવા લોકો ભટકાઈ ગયા. આવા ભેડીયાઓની નજરથી પણ આપણે અકળાઈ જઈએ, અસહજ થઈ જઈએ તો એ ડોક્ટર બાળા નું શું થયું હશે એ વિચારીને જ કમકમાટી આવી જાય
હું જેમની ઘરે ગઈ હતી તેમને નીકળતા સમયે ગિફ્ટ માં જે ડ્રેસ આપેલો તે હેન્ડ બેગ માંજ રાખ્યો હતો. સામેવાળાની નઝર એવી તીવ્ર અને લાલચી હતી કે મે જરૂર નહોતી છતાંય નવા ડ્રેસ નો દુપટ્ટો કાઢી તેજ ઓઢી લીધો. બેઠા બેઠા જ અઢળક ઘાવ થઈ ગયા હોય એવું મને લાગતું હતું. તો આ બંગાળી કન્યા એ સાચુકલા પ્રહાર, સાચા ઘા ને બળજબરી કેમ ઝીલી હશે.
હું પચાસ વર્ષની સ્ત્રી કેટલી અસુરક્ષિત મહેસૂસ કરતી હતી. વારેઘડીએ ગિરધર ગોપાલ ને યાદ કરતી હતી, ડરના માર્યા હનુમાન ચાલીસા મનમાં ગણગણે રાખતી હતી ,પણ ડર એટલો કે શબ્દો ભુલાઈ જતાં હતા. એક પુસ્તક વાંચવાનો ડોળ કરી હું મારી સીટ પર સંકોચાઈને બેઠી રહી. એક હાથે મારું પર્સ ઘટ્ટ પકડી રાખ્યુ ને બીજા હાથે પુસ્તક અને નવી ઓઢણી નો છેડો . ધોળા દિવસે મારી આ હાલત હતી. સાંજે તો મારું સ્ટેશન આવી જવાનું હતું..જો આલોકો સાથે રાત કાઢવી પડત તો મારું શું થાત એ વિચારથી હું ધ્રુજી ઉઠી. ટીટી ને કહેવાનું વિચાર્યું પણ હવે સામાન છોડી ટીટી ને શોધવા જવાનું પણ સંભવ નોતું મે પૂરો દિવસ લઘુશંકા જવાનું પણ ટાળ્યુ.. કોઈ પર ભરોસો કરી શકાય તેમ નહોતું. તેમની આપસ ની વાતચીત માં અભદ્ર ગાળોનો મારો હતો તેનાથી તેમના ચારિત્ર્ય નો, અને હલકી મનોવૃત્તિ નો પૂરો કયાસ આવી જતો હતો.
નિયત સમય થી ખાસ્સા મોડા પડતા પડતા અંતે મારું સ્ટેશન આવ્યુ ને હું ઉતરી ગઈ , ઉતરી ગયા પછી એક નઝર મે પાછળ ફેરવી , કોઈ ને વળતો બદલો લઈ જોવા માટે નહીં, કે કોઈ હાશકારો અનુભવવા નહિ. પણ ક્યાંક કોઈ પીછો તો નથી કરતું ને એ બીકે જોવાઈ ગયું.
આ ડર, અકળામણ , મૂંઝવણ મે એક ભરચક ટ્રેન ના ડબ્બામાં, દિવસના લખ્ખ ઉજાસમાં ,બધાજ ગજબજતા સ્ટેશનમાં,૫૦ વર્ષની ઉંમરે,,મારા દીકરા ની ઉમરના કે નાના ભાઈ જેવા લાગતા યુવાનોથી અનુભવી તો કાળી ડીબાંગ રાતે ,મુખ્ય ઇમારત થી અલગ થલગ એવા સેમિનાર હોલ માં એકલી ડોક્ટર બહેન સાથે શું થયું હશે.તેની કલ્પના જ કંપાવનારી છે. તે લડી હશે પણ તેનામાં કેટલું જોર હશે.? પુરુષોના બળદ જેવા બળનો મુકાબલો તેણે કેવી રીતે કર્યો હશે., અમે સ્ત્રીઓ હલકી ગાળો સાંભળી પણ મન થી મરી જાય છે તો ઘૃણાસ્પદ વાતો સાંભળી તે કેવી રીતે ટકી હશે.?
તમેજ કહો, જ્યાં સ્ત્રીઓ ,ઘરે કે બાહર, દિવસે કે રાત્રે, કોઈ પણ ઉંમરે, કોઈ પણ સ્થળે નિર્ભયતા થી જીવન જીવી નથી શકતી તો તેની કોઈ પણ ઉપલબ્ધિઓ નું મૂલ્ય શું? કોઈ સફળતા તેના શું કામની જ્યારે એને માણવાની મુભ તેને ના હોય. આવા બનાવ જ કેટલીક હોશિયાર છોકરીઓનું જીવન ફક્ત રસોડા માં વીતી જવા માટે જિમ્મેદાર હોય છે. જ્યાં આવું થાય ત્યાં કોણ માં _ બાપ પોતાની લાડકી દીકરી ને ભણવા કે નોકરી કરવા કે કારકિર્દી બનાવવા મોકલે.? આ ગંભીર બાબત ને તાબે કરવી જરૂરી છે ,નહિતર આવા ગુનાહો વધતા જશે. આજે મારા તે અવાંછનીય પ્રવાસ ને બે મહિના થઈ ગયા હશે છત્તા હજુ મને તે ઘૃણાસ્પદ , મને ઘૂરી ઘુરીને જોનારા, અભદ્ર ગાળો બોલનારા લોકોના ચેહરો યાદ છે. કંઈ કેટલાક પ્રવાસો આપણે કરીએ શું સાથી પેસેન્જરો આપણને આમ યાદ રહે? આપણું ઘર આવતા બધું ભુલાઈ જાય. પણ આવો ડર માણસ ના દિલ દિમાગ પર કાયમ ની છાપ છોડે . હવે આવા ડર માંથી મુક્તિ જોઈએ છે. એક સારા સમાજમાં નિર્ભયતા થી જીવવું છે.
આ સ્ત્રી નો જીવ ઝંખે છે એ નિર્ભયતા આવા શિકારી માણસોથી, હલકી ગાળોથી..,ગંદી નજરોથી. આ પણ બળાત્કાર જેટલું જ ભયાવહ છે , સ્ત્રી ની અસ્મિતા ને ,ખંડિત કરનારું છે તેની માનસિક શાંતિ ને ભંગ કરનારું છે જેની માટે કોઈ પીનલ કોડ નથી કે કોઈ સજા નથી. એટલેજ સ્ત્રી માંગે છે " અભય વરદાન " સરકાર પાસેથી, કોર્ટ પાસે થી, સંસ્થાઓ, કાર્યાલયો, ના બૉસ પાસેથી, સાર્વજનિક સ્થળોના સંચાલકો પાસેથી.. સ્કૂલ કોલેજ ના પ્રિન્સીપાલોથી, અરે, ઘરના કહેવાતા વડીલો થી સુદ્ધાં..અને કંઈ કેટલાક પાસેથી. પણ કોઈ સાંભળતું નથી ને કોઈ તેને આ વરદાન દેવા સક્ષમ પણ નથી એટલે હે માં! હવે તુજ કંઈ ન્યાય કર ,તારી લાડકી દીકરીઓને " અભય વરદાન " દે માં "અભય વરદાન" દે.