ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ

શીર્ષક : ધોધમાર માટે કાળજાળ
©લેખક : કમલેશ જોષી

ઉનાળો આવે એટલે પોતાની સાથે બે વસ્તુ લઈને આવે, એક બેડ ન્યૂઝ જેવો અસહ્ય ધોમધખતો તાપ અને બીજું ગુડ ન્યૂઝ જેવું મસ્ત મજાનું મોટું વેકેશન. સવારે ઉઠતાં વેંત પાટી દફતર નહીં, પરંતુ બેટ દડો લઈને મેદાનમાં દોડી જવાનો જે સ્વાદ અને નશો છે એ તો જેણે માણ્યો હોય એને જ ખબર પડે. બેટિંગ, બોલીંગ અને ફિલ્ડિંગ, ચોગ્ગા, છક્કા અને આઉટની અપિલ, દોડા દોડી અને ભાગાભાગીનો જે મસ્તી ભર્યો રંગ જામ્યો હોય તેમાં જો કોઈ ભંગ પાડતું હોય તો એ હોય ધોમધખતો તાપ. હોઠ, જીભ અને ગળાને સૂકવવાથી માંડીને પરસેવે રેબઝેબ કરી મૂકવા મથતા તાપ સામે છેક ચક્કર આવવા માંડે ત્યાં સુધી ઝઝુમતા અમને બાળકોને આખરે મમ્મી કે મોટી બહેન ટીંગાટોળી કરીને ફરજિયાત ઘરમાં પૂરે. ગુસ્સે ભરાયેલા અમને, કુદરતની આ આગ વરસાવતી મૌસમ બદલ કુદરત સાથે મનોમન કીટ્ટા પડી જવાનું મન થઈ જતું પણ એ જ સમયે થાળીમાં પીરસાયેલો કેરીનો મસ્ત મીઠો રસ જોઈને જીભ પર અને આંખોમાં હરખની ભીનાશ છવાઈ જતી. ઉનાળો આપનાર કુદરત જાણે કેરીનો રસ, શેરડીનો રસ અને લાલ મીઠા તરબુચના સ્વાદિષ્ટ ચોસલાઓ આપી રિસાયેલા માનવ સમાજને મનાવવા મથતી હોય એવું ફીલ થયાં વિના રહેતું નથી.
મિત્રો, તમે કદી કુદરતની આપણને ‘રીજવવા’ માટેની મથામણનો વિચાર કર્યો છે ખરો? હમણાં એક સાંજે ‘ઓખામઢી’ના દરિયા કિનારે બે'ક કલાક ગાળવાનો મોકો મળ્યો. વિરાટ દરિયામાં દુર દુરથી દોડી આવતા સફેદ ફીણ વાળા મોજાઓ અને દુર દુર આથમી રહેલા આકરા નહિ પણ હળવા કેસરી સૂર્યને જોઈ રહેલી ટચુકડી માનવ આકૃતિઓને જોઈ ભાવવિભોર થઈ જવાયું. આવડી વિરાટ કુદરત, મારા તમારા જેવડા પાંચ છ ફૂટીયા માનવો માટે આંબામાં અને શેરડીમાં મીઠો મધુર રસ પેક કરીને શા માટે મોકલાવતી હશે? આટલું બધું સળગી સળગીને માનવ જાત માટે ચોમાસાની વ્યવસ્થા કરતા સૂર્યને મારા પર આટલું બધું હેત શા માટે? કેરીના બચ્ચા જેવી નાનકડી ચીરને હાથમાં પકડી ત્યારે મનમાં પ્રશ્ન થયો કે ‘આવડી અમથી કેરીની ચીર મને તો મીઠાશથી ભરી દે છે પણ હું એને કોઈપણ રીતે હેલ્પફુલ થઈ શકું એમ છું ખરો?’. ભીતરે ગ્લાનિ પ્રસરી. કુદરતના આ વિરાટ આયોજનમાં માનવ તરીકેની આપણી ભૂમિકા શી? શૂન્ય.
‘શૂન્ય પણ નહિ, આપણે માઈનસમાં ચાલીએ છીએ.’ અમારા એક વડીલે કહ્યું. અમે એની સામે તાકી રહ્યા. ‘જો માનવ જાત ન હોત ને તો બાકીના કુદરતી તત્વો એટલે કે પશુઓ, પક્ષીઓ, વૃક્ષોથી શરુ કરી નદી-નાળા, પર્વતો કે જંગલો વધુ સારી રીતે, વધુ આનંદ સાથે પોતપોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકતા હોત. પણ માનવ તરીકે આવીને આપણે એ લોકોની મજા બગાડી નાખી છે, કુદરતની આ સુપરહિટ મેઘધનુષી ફિલ્મમાં આપણે ખતરનાક વિલનની ભૂમિકા ભજવી રહ્યા છીએ.’ અમે સૌ ગમગીન થઈ ગયા. અમારી નજર સામે આપણી અનેક વિલનગીરીઓ જાણે નાચવા લાગી.
શું એ.સી.ની ઠંડી હવા ખાતી વખતે આપણને કલ્પના પણ છે ખરી કે આપણે કુદરતની ગરમીનો પારો છટકાવી રહ્યા છીએ? શું આપણા બારી અને બારણા ખોલ-બંધ કરતી વખતે આપણને એ કોઈ વૃક્ષના કપાયેલા હાથ પગ છે એવો વિચાર આવે છે ખરો? શું યુદ્ધમાં ફૂટતા બોમ્બના ધડાકાઓ ટીવી પર જોઈને તે વિસ્તારોમાં રહેતા માણસોની થતી અવદશા વિશે વિચારી પણ ન શકતા આપણે એ વિસ્તારના વૃક્ષો, પશુ-પક્ષીઓની વ્યથા તો કલ્પી પણ શકીએ ખરા?
મિત્રો, આવતા જન્મે આપણે કોઈ વૃક્ષ બનીને ઉભા હોઈશું ત્યારે કોઈ માનવ આપણી પાસે કુહાડી લઈને આવશે એ આપણને ગમશે કે પાણી પાવા ડોલ ભરીને આવશે એ? આવતા જન્મે આપણે કોઈ પશુ હોઈશું ત્યારે કોઈ છાનો માનો આપણને પથ્થર, તીર કે ગોળી મારશે એ આપણને ગમશે કે ઘાસ, રોટલો કે શીરો જમાડશે એ? આવતા જન્મે આપણે કોઈ પક્ષી હોઈશું ત્યારે તડકા ધોમમાં ખોરાકની શોધમાં ઉડી ઉડીને થાકી જઈશું ત્યારે કોઈએ આપણને પકડવા બિછાવેલી જાળ ગમશે કે કોઈની અગાસીના છજા પર કુંડામાં પીરસાયેલા અનાજના દાણા અને પાણી જોઈ સંતોષ અને ટાઢકના આશીર્વાદ નીકળશે? મિત્રો, કાળજાળ ઉનાળો ભલે વિલન જેવો લાગતો હોય પણ એ જ ઉનાળાના ‘તપોબળ’ને લીધે જયારે ધોધમાર વરસાદ વરસશે ત્યારે મારી અને તમારી ભીતરે જે ‘લીલોતરી’નો અહેસાસ થવાનો છે એની કલ્પના કરી આજ કે આવતીકાલની સવારે ઉગતા સૂર્યને એકવાર કૃતજ્ઞતા પૂર્વક અર્ધ્ય આપી મનોમન ‘થેંક્યું દાદા, યુ આર માય હીરો’ કહી સ્મિત કરીએ તો કેવું? બાહ્ય તાપમાન ભલે ગમે તેટલું વધે પણ તમારી ભીતરે થોડી ઠંડક પ્રસરશે એની મારી ગેરંટી.
હેપ્પી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)
(ગઈકાલની લોકસત્તા જનસત્તાની પૂર્તિમાં પ્રકાશિત 'શબ્દકમળ' કૉલમ)