છપ્પર પગી ( ભાગ - 80 - અંતિમ ભાગ )
———————————————
મને લાગે છે કે મારે એમનો પરીચય આપને કરાવવો જોઈએ અને કદાચ આ જ યોગ્ય સમય અને સ્થળ છે..મિત્રો સ્વામીજીની બાજુમાં બેઠેલી આ લક્ષ્મીબહેન એમનાં પતિ પ્રવિણભાઈએ આજે આ બન્ને ગામના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે એક મજબૂત પાયો આ બન્ને શાળાઓ થકી નાખ્યો છે એ ઘટના માત્ર એટલી સામાન્ય ઘટના નથી કે કોઈ ડોનેશન આપી દીધું અને વંશપરંપરાગત એમનો પરીવાર ટ્રસ્ટી બની રહે, નામ થાય, કમાણી કરે.. અરે એમણે તો આ બન્ને શાળાઓ માટે નામ શુદ્ધા પોતાના નથી રાખ્યા .. એ પણ એમણે એમનાં જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર શેઠ અને શેઠાણીના નામ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.. ધાર્યું હોત તો આ મસમોટુ્ ડોનેશન મુંબઈ માં આપીને નામ કમાઈ શક્યા હોત પણ પોતાનાં વતન માટે માત્ર ને માત્ર લાગણી હોવાથી, ‘જનની જન્મભૂમિસ્ચ સ્વર્ગાદપિ ગરિયસી’ ઉક્તિને ચરિતાર્થ કરી છે.’
આ લક્ષ્મીની મહાયાત્રા જાણવા, સમજવા અને બોધપાઠ લેવા જેવી છે. એ પછી લક્ષ્મીનો સમગ્ર જીવન વૃતાંત સભામાં ટૂંકમાં કહી સંભળાવે છે.
‘મારાં જીગરી મિત્ર મનુના મૃત્યુ પછી જેમને શોધવા મે ખૂબ મહેનત કરી હતી એ સ્વર્ગસ્થ મનુ ની પત્નિ અને જેમણે ઘર, પડોશી અને આપણે સૌએ છપ્પર પગી કહીને એક બોજ હોય, એક અપશુકનિયાળ વ્યક્તિ હોય એમ એની અવસ્થાનો વિચાર કર્યા વગર જ ઘરની બહાર ફેંકી દીધી હતી…એ “છપ્પર પગી” એ જ આજની આ લક્ષ્મીજી છે…
મારે આ ઘટના ઉજાગર કરવા પાછળ લક્ષ્મીની મહત્તા બતાવવાની કોઈ જ મનસા નથી કે નથી એનું કોઈ મહત્વ પ્રસ્થાપિત કરવું પણ એટલું ચોક્કસ કહું છુ કે આવું વર્તન તો આપણે આપણાં જાનવર સાથે પણ નથી કરતા જેવું વર્તન આપણા સમાજે એ વખતની “લખમી” સાથે કર્યું હતું.એ વર્તનના જવાબ રૂપે લક્ષ્મી અને એનાં પરીવારે ગામ માટે જે કર્યુ છે તે તેણે માણસમાંથી માનવ તરીકે જે યાત્રા કરી ચૂકી છે તે દર્શાવે છે પરંતુ આજે વહેલી સવારે હું અને મારા પત્નિ જે ઘટનાનાં સાક્ષી બન્યા છીએ એ ઘટનાથી આપણી લક્ષ્મી એક સુસંસ્કૃત ઉમદા આર્ય નારી તરીકે પ્રસ્થાપિત કરે છે.’
આજે વહેલી સવારે જે પ્રસંગ બન્યો તે અને લક્ષ્મીની આ યાત્રા બાબતે સૌ કોઈ અજાણ જ હતા. આજની વહેલી સવારની ઘટના તો બલવંતસિંહ, રિવાબા, લક્ષ્મી અને રંભાબેન સિવાય કોઈને પણ ખબર ન હતી. લક્ષ્મીએ આ બાબતે ક્યાંય કોઈ ઉલ્લેખ ન થાય તે બાબતે બલવંતસિંહ પાસે વચન માંગ્યું હતુ પણ રંભાબેને જાતે જ સવારે કહ્યું હતુ કે ગામમાં છડેચોક આ વાત સૌને કહેજો જેથી અત્યારે બલવંતસિંહ એ બાબતે વાત કરવા જઈ રહ્યા હતા તો પણ લક્ષ્મી અમને મંચ પર રોકવા પ્રયત્ન કરે છે… ‘ભાઈ એ વાત ઘરની છે, એ ઘરમાં રહે એ જ યોગ્ય છે.. તમે અહીં ન જણાવશો..’ એમ કહી બે હાથ જોડી વિનંતી કરે છે.. પણ રિવાબાની બાજુમાં બેસેલ રંભાબેન ઉભા થઈ ને કહે છે.. ‘બલુભાઈ મન બોલતા નઈ આવડે ઈટલે તમોને કયુ સે .. તમી કયો ને કયો જ અટાણે.. મારુ પાપ તો ધોવાહે નઈ પણ જી કાંઈ ઓલું થ્યુ ઈ..તમી કયો જ ભાઈ માર હૌવને જણાવુ જ સે..!’
બલવંતસિંહે લક્ષ્મીને અવગણી ને કહ્યુ, ‘કાલે મોડી રાતે સુવા જતા પહેલા લક્ષ્મી મારી પાસે આવી ને કહ્યુ કે ભાઈ મને કોઈ જાગે એ પહેલાં મારે મનુ ના ઘરે જાવું છે… મને લઈ જજો, એટલે વહેલી સવારે સાડા પાંચ વાગે જે સમયે લક્ષ્મીને લઈને અને ત્યાં ગયા હતા. લક્ષ્મીએ ઘરે પહોંચતાં જ ઘરના ઉંબરે બેસી, સાડીનો છેડો માથે મુકી એમણે ઘરના ઉંબરે વંદન કરીને જ ઘર ખટખટાવ્યું … રંભાબેન વહેલા જાગી જવાની ટેવ એટલે દરવાજો ખોલે .. અમને બન્ને ને તો ઓળખે પણ ઘરમાં પ્રવેશતા જ રંભાબેનને પગે લાગતી આ લક્ષ્મીને સહેજે પણ ન ઓળખી શક્યા.. સાક્ષાત્ દેવી જેવી ભાસતી આ દિવ્ય નારીને જોઈને રંભાબેન બોલ્યા હતા, “કુણ સે બુન.. અદલ લખમીજી જેવી જ.. કીમ મને પઈગે લાગસ..?”
લક્ષ્મીની આંખ મનુના ફોટા પર ઠરે છે.. ત્યાં જઈને એ ફોટા સામે બેસીને આંખ બંધ કરીને થોડી વાર બેસી જાય છે.. રંભાબેન આ ક્રમ ઘટે છે એટલી વારમાં તો સમજી જાય છે કે આ એજ લક્ષ્મી છે… છેલ્લા કેટલાંક દિવસોથી ગામ આખામાં લક્ષ્મી લક્ષ્મી જ થતું હતુ પણ એ લક્ષ્મી એટલે પોતાની વહુ એ હવે ખબર પડી. મનુના ફોટા સામે વંદન કરી, થોડું બેસીને ઉભી થઈ એ વખતે નિસ્તેજ રંભાબેન જાણે સાવ અવાક્ બનીને લક્ષ્મીને તાકી રહે છે.. કોઈ જ ભાવ ચહેરા પર નથી દેખાતો.. શું બોલવું કંઈ જ સમજાતું નથી.. લક્ષ્મીએ એમને મા તરીકે સંબોધીને કહ્યું કે જે બન્યું તે ન્યાય એ સમજી ભૂલી જાઓ. એ ભૂતકાળ હતો હવે એને વાગોળવાનો કોઈ મતલબ પણ નથી. મારે આ ઘરે આવવાની ઈચ્છા હતી એટલે તમને વગર પૂછ્યે આવી ગઈ, બસ મારી આ ઈચ્છા પુરી થઈ. રંભાબેન એકીટશે લક્ષ્મીને જોઈ રહી, સાંભળી રહ્યા હતા.. એકદમ જ ચોંધાર આંસુએ રડી પડ્યાં અને લક્ષ્મી ના પગે પડી માફી માંગવા જઈ રહ્યા હતા.. પણ લક્ષ્મી તરત જ એમને બાથમાં લઈ સાંત્વના આપે છે અને જણાવે છે કે મા એ વખતે તમે મને ન કાઢી મૂકી હોત તો મને પ્રવિણ ન મળ્યા હોત અને કદાચ આજે આ ક્ષણભંગુર જીવનમાં કંઈ કરી છૂટવાની તક પણ ન મળી હોત.. મારા માટે મનુ ની યાદ જીવનભર રહેશે.. મારા પતિએ પણ એમને સદૈવ સન્માન આપી મારી લાગણીઓ સમજી છે.. મને કોઈ જ દુખ કે ફરીયાદ નથી તમારા માટે .. બસ તમે શાંત થઈ જાઓ અને આજે લોકાર્પણ માટે આવજો. જો કે રંભાબેને પહેલા તો ના કહી કે મારાથી હવે વધુ સામનો નહીં કરી શકાય પણ ખબર નહીં લક્ષ્મીએ એમને કંઈ કાનમાં ધીમેથી કહ્યુ હતુ જે મને પણ ખબર નથી પણ પછી એ તરત જ સંમત થઈ ગયા હતા.. પછી લક્ષ્મીએ રંભાબેનને જણાવ્યુ કે તેમને કોઈપણ જરૂર હોય, એકલું લાગે, અમે કંઈ કરી શકીએ એવુ ઈચ્છતા હોવ તો બલુભાઈને કહેજો.. હુ એકપણ દિવસ રાહ નહી જોઉ .. જાતે આવીને લઈ જઈશ.
એ ઘટના પછી રંભાબેન એટલું જ બોલી શક્યા હતા… ‘મારે ઘરેથી મેં જેને “છપ્પર પગી” કહીને હળધૂત કરી કાઢી મૂકી હતી, એ સાક્ષાત લક્ષ્મીજી હતા…હું ઓળખી જ ન શકી.’
બલવંતસિંહએ એ વાત પુરી કરતા છેલ્લે જણાવ્યુ,
‘આ હતી આપણી લક્ષ્મીની અહીં સુધીની યાત્રા. વંદન છે આ આર્ય નારી ને…( સમાપ્ત )
આપ સૌ લક્ષ્મીની આ યાત્રામાં સામેલ થયા, મારો ઉત્સાહ વધાર્યો , પરિપક્વ વાચક મિત્રો મળ્યા મને બહુ જ ગમ્યું … આપ સૌનુ રૂણ સ્વિકાર કરી, આ વાતને અહીં પુરી કરું છું.
🙏🙏🌹🙏🙏
લેખકઃ રાજેશ કારિયા