છપ્પર પગી - 78 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 78

છપ્પર પગી ( ૭૮ )
———————————
ચાલો તમે એક આ દારૂની લત તો છોડી… પણ બીજી એટલી જ મહત્વની વાત છે..’
બે પાંચ સેકન્ડ અટક્યાં પછી ફરીથી તરત પુછ્યું, ‘તમારા માંથી કેટલાં લોકો માંસાહાર કરે છે?’ આ પ્રશ્ન પૂછ્યો તેમાં પણ ઘણાં બધાએ હાથ ઉંચો કર્યો ત્યારે સ્વામીજીએ કહ્યું ,
‘ આ પણ યોગ્ય નથી જ. આપણી સનાતન પરંપરામાં કયાંય માંસાહારને સ્થાન જ નથી, તેમ છતાં તમે માંસાહાર કરશો તો તમને હ્રદય અને મનની બિમારીઓ થવાની બહુ શક્યતા વધી જશે.. સરવાળે તમારા માટે જોખમી બનશે જ બનશે.’
સ્વામીજીએ જ્યારે આટલું વિધાન કર્યુ તો તરત જ મંચની સામે જ બેઠેલ આર્કિટેક્ટે પોતાનો હાથ ઉપર કરી કંઈ પૂછવાની ઈચ્છા કરી… સ્વામીજી પ્રવચન કરતા સંવાદમાં વધુ વિશ્વાસ ધરાવતા હતા.. એમણે સ્વાભાવિક રીતે જ એમને પૂછવા જણાવ્યુ.
‘સ્વામીજી જગતમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો માંસાહાર કરે છે, એમને કોઈને તો આવો પ્રોબ્લેમ થાય તેવું ક્યાંય વાંચવામા નથી આવ્યું કે કોઈ એવો રિપોર્ટ પ્રકાશિત થયો હોય તેવું જાણવા નથી મળ્યું, તો પછી આપણાં લોકોને જ કેમ આવું જોખમ થાય તેવું આપ કહો છો ?’
સ્વામીજીએ તરત જવાબ આપ્યો.
‘બહુ સારું કર્યું કે તમે આ પ્રશ્ન કર્યો. તમે પણ માંસાહાર કરો જ છો ને ?’
‘હા..’
‘શું ભાવે તમને એમાં ?’
‘ચિકન..’
‘તમે એવાં વાતાવરણમાં ઉછર્યા, મોટા થયા અને હળો ભળો છો જ્યાં મોટા ભાગના લોકો માંસાહાર નથી કરતાં.. બરોબર ?’
‘હા…’
‘તમે જીવહિંસા પણ નથી કરતા..શેરીમાં કૂતરું બહુ ભસતું હોય તો તગેડો છો કે બિલકુલ મારી જ નાંખો છો ?’
‘ના રે મારી કેમ નાંખવું .. તગેડી મુકીએ.’
‘કબૂતર ઘરમાં કે આસપાસ માળો બનાવે ને ઘૂ ઘૂ કર્યા કરે ને નથી ગમતું તો તેના ઈંડા કે બચ્ચા સહિત માળો વિખેરી ને ફેંકી દો, ઈંડા તોડી નાંખો છો ?'
'ના… બિલકુલ નહી..!'
'કેમ ?'
‘એવુ તો કેમ થાય આપણાંથી ? પાપ લાગે ને !’
સ્વામીજીએ પછી બધાને સમજાવ્યું … ‘ આપણે એ સંસ્કાર ધરાવીએ છીએ કે કોઈપણ જીવ હિંસા આપણે નથી કરવા ઈચ્છતા. જો તમે જાતે જ બજારમાંથી મરઘી વેચાતી લઈ આવો, એને ગરદન મરોડીને મારી શકો, એને જાતે રાંધીને ખાઈ શકો અને તો પણ તમને કોઈ જ દુખ ન થાય કે એ કરવુ ગમે તો તમે માંસાહાર કરો તો કદાચ હજી વાંધો ન આવે પણ તમે જ્યારે આવું કંઈ જ નથી કરી શકતા અને પાપ કર્યા નો અહેસાસ થાય છે .. એનો મતલબ જ એ છે કે તમે જીવ હિંસા ની વિરુદ્ધ છો. જેમ જેમ ખાતાં જશો એમ એમ અભાન પણે પણ હ્રદય પર આ બોજ વધતો જશે અને એક દિવસ એવો આવશે જ કે તમે પરોક્ષ રીતે જીવ હિંસા કરવા, કરાવવા નિમિત્ત બન્યા છો.. એ બોજ મન અને હ્રદય પર વધશે, ત્યારે હ્દયરોગ ની શક્યતાઓ વધી જશે..એટલે આપણે મરઘીને મારી ન શકતા હોય તો ખાવી પણ ન જોઈએ… બીજી બાબત એ પણ છે કે માંસાહાર આપણો કુદરતી ખોરાક પણ નથી. રણ પ્રદેશમાં રહેતા લોકો પાસે ફળદ્રુપ જમીન નથી, પાણી નથી, ત્યાં અનાજ કે શાકભાજી નથી ઉગતી એટલે એ લોકો માટે કોઈ જ વિકલ્પ ન હોવાથી માંસાહાર કરતા હતા..કાળ ક્રમે એ લોકો અન્ય વિસ્તારોમાં સત્તા હાંસલ કરતા ગયા, વધતાં ગયા ને વિસ્તરતા ગયા અને એમની જોડે એમની રહેણી કરણી પણ લેતા ગયા અને એ રીતે માંસાહાર પણ ફેલાયો.. જેમ દારૂ અત્યંત ઠંડા પ્રદેશની જરૂરિયાત હતી અને આપણી જરૂરિયાત નથી તેમ માંસાહાર ખેત ઉત્પાદનો ન હતા તે પ્રદેશની જરુરિયાત હતી… અહિં તો કુદરતે ખાવા માટે , જીવવા માટે ઘણું બધું આપ્યું છે તો શા માટે બિનજરૂરી જીવ હિંસા કરવી જોઈએ…! દરેક લોકો પોતાની સંસ્કૃતિ અને ધર્મ સાચવે એ જરૂરી છે.. આપણાં ધર્મમાં માત્ર ને માત્ર જીવન ટકાવવા માટે કોઈ જ વિકલ્પ ન બચ્યો હોય તો અને તેટલાંજ સંજોગો પુરતું માંસાહાર કરવુ અને એ પણ અનિવાર્ય હોય તો જ.. એવુ્ જ કહેવામાં આવ્યું છે. એટલે જો તમને મારી વાત યોગ્ય લાગી હોય તો માંસાહાર ને પણ અત્યારથી જ તિલાંજલિ આપી દો..’
સ્વામીજીની આ વાત પણ આર્કિટેક્ટ તેમજ અન્ય ને ગળે ઉતરી ગઈ અને એ જ ક્ષણે મોટાભાગના લોકો જે માંસાહાર કરતા હતા તેમણે માંસાહાર છોડવાનો સંકલ્પ લીધો.
લક્ષ્મી, પ્રવિણ અને અન્ય મહેમાનોને સ્કૂલના નિર્માણ માટે જેટલો આનંદ થયો હતો તેટલો જ આનંદ આ બન્ને દૂષણો ગામમાંથી ગયા એનો પણ થયો..
સ્વામીજીને હવે જે મુખ્ય વાત શિક્ષણ માટે કરવાની હતી તે તો બાકી જ રહી ગઈ હતી… એમણે સમય જોયો અને વિચાર્યું કે લોકાર્પણનો સમય થઈ ગયો છે.. એટલે વધારે વાત કરવી યોગ્ય નથી એટલે એમણે બલવંતસિંહ અને સરપંચ સામે જોઈને કહ્યુ, ‘મને લાગે છે કે મારે અટકવું જોઈએ.. આપણે મારા પ્રવચન કરતાં પ્રાધાન્ય જે પ્રસંગ છે તેને આપવું જોઈએ.. એટલે મારી વાત પુરી કરવી જોઈએ..’
સભામાં ઉપસ્થિત બધાએ આ વાત સાંભળી .. દરેકેના ચહેરા પર એવો જ ભાવ હતો કે સ્વામીજીનો લાભ લેવો જ જોઈએ.. બલવંતસિંહ કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિ હતા એટલે એમણે સૂચન કર્યુ..
‘સ્વામીજી… તમે, શેઠાણી, લક્ષ્મીબહેન અને અન્ય કેટલાંક મહેમાનો આ ગામની સ્કૂલનું લોકાર્પણ કરી દો જ્યારે બીજા બધા લોકો પ્રવિણભાઈના ગામની સ્કૂલનું લોકાર્પણ કરી દે .. બાળકો પણ પોતાની સ્કૂલમાં જવા તલપાપડ થઈ રહ્યા છે.. બન્ને જગ્યાએ બધું જ ગોઠવણ થયેલી જ છે.. એક જ સમયે બન્ને સ્કૂલનું લોકાર્પણ થઈ જાય.. આમ પણ શેઠ અને શેઠાણી ના હસ્તે અલગ અલગ લોકાર્પણ કરવાનું હતું.. એ થઈ જાય એટલે ભોજન તૈયાર થઈ જશે.. પછી આપણે ફરીથી આ સભામાં એકત્ર થઈએ … પણ અમારે તો આજે આપનો લાભ લેવો જ છે..’
બલવંતસિંહની આ વાત વ્યવહારુ હતી અને બન્ને સ્કૂલનું લોકાર્પણ પણ થઈ જ જવાનું હતુ.. વળી કાર માં બેસીને જાય તો બીજા લોકોને સ્કૂલ જોવી હોય તો પણ દસ પંદર મીનીટ ફાળવી શકાય તેમ હતું .. સભામાં ઉપસ્થિત બધા ને સ્વામીજીને સાંભળવા પણ હતા.. એટલે તાળીઓ પાડી આ વિચારને વધાવી લીધો.
સ્વામીજીએ પણ આ લોકોની લાગણી સ્વીકારી અને આ વ્યવહારુ વિકલ્પ યોગ્ય ગણ્યો. બલવંતસિંહે પછી માઈક પર જાહેરાત કરી,’આપણે બધા લોકાર્પણ પછી તરત જમીને ફરી અહીં જ સાડાબાર વાગે ભેગાં થઈએ..અને સ્વામીજીને સાંભળીશુ.. મારે પણ પાંચ મિનીટ માટે વાત કરવી છે.. પ્રવિણભાઈ અને લક્ષ્મીબેન નો પરીચય કરાવવાનો છે તો મને પણ એ તક મળશે..’
સમય વધારે વ્યતિત કર્યા વગર નક્કી થયું તે મુજબ બે ગ્રુપમા મહેમાનો તેમજ લોકો વહેંચાય જાય છે અને જે તે સ્કૂલ પર પહોંચી જાય છે..
છોડી વારમાં તો બન્ને સ્કૂલ્સનુ સાદગીથી પણ મંત્રોચ્ચાર સાથે શેઠ અને શેઠાણીના હસ્તે લોકાર્પણ થઈ જાય છે.. બાળકો તેમજ ગામલોકો આ બેનમૂન શાળાઓ, ઈન્ફ્રાસ્ટ્ક્ચર, મેદાનો, પ્રયોગશાળાઓ , વર્ગખંડો વિગેરે જોઈને અભિભૂત થઈ જાય છે.. સૌથી વધારે આનંદ તો બાળકોના ચહેરા પર હતો.. સૌ પોતાની ખૂશી કેમ વ્યક્ત કરવી એ જ સમજાતું ન હતું … બાળકોને તો માત્ર આજે પોતાની શાળા અને વર્ગખંડ જોવાના હતા.. આવતીકાલથી તો નિયમિત વર્ગો શરૂ થઈ જવાના હતા… પણ બાળકો ને તો એમજ કે હવે જલ્દી દિવસ પુરો થાય, બીજો દિવસ ઉગે ને શાળાએ આવી જઈએ..
સૌ શાળાનાં આ લોકાર્પણના સાક્ષી બન્યા અને તુરંત જમવા માટે નીકળતાં ગયા..બીજી શાળાનું પણ આ રીતે જ લોકાર્પણ કરી બધા લોકો સમૂહ ભોજનને ન્યાય આપી પુનઃ સભા મંડપમાં એકત્ર થવાં લાગ્યા … સવા બાર જેવો સમય થયો હતો તો પણ લોકો સ્વયં શિસ્તથી ગોઠવાઈ ગયા હતા.. ભોજન પછી લોકો આરામ કરશે તો સંખ્યા ઓછી હશે એવું ધાર્યું હતુ પરંતુ થયું ઉલ્ટુ.. એક બે કલાકમાં તો સ્વામીજીની વાતો પ્રસરી ગઈ હતી.. જે લોકો સવારે ન હતા એ પણ આ વાતો સાંભળી સ્વામીજીને સાંભળવા આવી ગયા હતા.
ફરી બધા મંચસ્થ થયા એટલે સ્વામીજીએ પોતાની વાત આગળ વધારતા બોલ્યા, ‘…..

ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા