Yakshgatha - 1 books and stories free download online pdf in Gujarati

યક્ષગાથા - 1


તે યક્ષ હતો, બહુ શક્તિશાળી, સંગીતનો વિશારદ પણ તેનું ભાગ્ય એવું કે પૃથ્વી પર ભ્રમણ કરતી વખતે એ રીલ બનાવતી કન્યાના પ્રેમમાં પડી ગયો. તે કન્યાએ તેની સાથે એક રીલ પણ બનાવી પ્રેમગીત પર અને યક્ષ એવું સમજ્યો કે તે તેને પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં ઇન્દ્રનો રોષ સહીને પણ તે પોતાનો પ્રેમ પામવાની હઠ મૂકવા તૈયાર ન થયો. છેવટે ઈન્દ્રએ તેને પૃથ્વી પર માનવ સ્વરૂપે રહેવાનો શ્રાપ આપ્યો. યક્ષને તો એ શ્રાપ વરદાન જેવો લાગ્યો પણ જ્યારે તે પાછો પૃથ્વી પર પહોચ્યો ત્યારે તેને સરસ મજાનો ઝટકો લાગ્યો. તે પૃથ્વી પર વિહરતી ત્યારે સામાન્ય લોકો જેવો જ પહેરવેશ ધારણ કરતો તેમજ તે તે પ્રદેશની ભાષા બોલી શકતો.

યક્ષ તે બગીચામાં એકાદ કલાકથી બેઠો હતો કે જ્યાં તે રોજ તે છોકરીને મળતો. આજે તેણીને ન જોઈને તે વિહવળ થઈ ગયો. ત્યારબાદ, તેણે ત્યાં ગપ્પા મારતાં એકાદ બે યુવાનો ને આ બાબતે પૂછ્યું.

યક્ષ: હે યુવામિત્રો, તમારામાંથી કોઈ પ્રકાશ પડી શકશે કે અહી આ સમયે વિહરતી એક મૃગનયની, રૂપસી એવી એ કન્યા ક્યાં હશે?

જીગો: હે! એવા નામ તો પેલીવાર હાઈમ્ભળા. પાછું ક્યો તો.

યક્ષ: નામ તો મને પણ જ્ઞાત નથી પણ એ કન્યા સ્મિત કરે ત્યારે તેની અનારકલી શી દંતાવલી દૃષ્ટિગોચર થાય છે. ગૌરવર્ણ ધરાવતી એ ભુવનસુંદરી બોલે ત્યારે શ્રોતાના કર્ણમાં મિસરી પડ્યા જેવો ભાસ થાય છે. હજી થોડા જ દિવસો પહેલા જ તેણીએ આભાસી છબીવિશ્વ (ઈન્સ્ટાગ્રામ)માં નૃત્યશ્રેણી (રીલ) મૂકવા મારી સાથે એક ગાયન પોતાના સ્પર્શ સંચાલિત ભ્રમણભાષ યંત્રમાં ઉતારેલ હતું.

ટીનો (જીગાને): આ તો અસ્સલ મારા કાકાએ જે યુનિવર્સિટીમાં ગુજરાતી ભણાવે છે એવી ભાષા બોલે છે. મારા કાકા પણ આવી ઊંચીઊંચી કરીને કાકીને પ્રેમપત્ર લખતા, પણ પછી તેઓએ એ બંધ કરી દીધું.

જિગો (તેની તરફ જોઈને): તો એણે પ્રેમપત્ર લખવાના કેમ બંધ કર્યા?

ટીનો (હસતા હસતા): અરે, કાકી ટપાલી ભેગા ભાગી ગયા એટલે....

(બંને ઠહાકા લગાવી હસે છે.)

યક્ષ: મહાશય, મે તમને કે પ્રશ્ન પૂછ્યો તેનો ઉત્તર આપો. મારું મન અત્યારે અતિ વ્યથિત છે.

જીગો: તમે કહો છો એ પ્રમાણે તો એક છોકરી અહી હોય છે સોનાલી પણ તે આજે આવી નથી લાગતી. ગઈ હશે ક્યાંક ફરવા પોતાના ફોયોન્સે સાથે.

યક્ષ: શું? ફિયો....?!

જીગો: ફિયોન્સે, સરખું બોલતા શીખો ભાઈ! એટલે કે જેની સાથે તેનું સગપણ થયું છે તે છોકરો.

યક્ષ: શું?! એ સુંદરીનું તો સગપણ થયેલું છે. એણે તો મારી સાથે ગીત ગાયું હતું અહીંની રાષ્ટ્રીય ભાષામાં.....(ગાય છે.) તેરે મેરે બીચ મે કૈસા હૈ યે બંધન અનજાના આ આ આ..... (ગળગળા થઈને) હું તો એવું માનતો હતો કે ગયા જન્મમાં એ સ્વર્ગની કોઈ અપ્સરા હશે.

ટીનો: લ્યો કરો વાત, એમ તો એણે મારી સાથે સતો જનમ મે તેરે સાથ રહુંગા યાર પર રીલ બનાવી હતી. ઓલા દાતારા સાથે કહોના પ્યાર હૈ પર રીલ બનાવી તો તો ઈવડો ઈ પોતાને રિતિક સમજવા મંડ્યો હતો.

જીગો: તેને તો ખાલી ઇન્સ્તા, સનેપચેટ પર પોતાના ફોલોઅર્સ વધારવાના ધખારા છે બસ, બીજું કંઈ નહિ.

યક્ષ: અરેરે! હું જેને લલના સમજતો હતો એ તો છલના નીકળી. તેના માતાપિતાએ પણ તેને એમ સમજાવી?!

જીગો: ક્યાંથી સમજાવે! તેની મમ્મી છાપાની પૂર્તિમાં ખોટાનામે યુવાનોની મૂંઝવણ માટેની કોલમ લખે છે. વા છોકરાઓને લીધે જ તો તેનું કામ હાલે છે.

યક્ષ: તો તમે બંને ભાઈઓએ તેની માતાના આ રહસ્યને ઉજાગર ન કર્યું?

જીગો: શુંકામ કરીએ?! તેની મમ્મીએ જ તો ઘણીવાર અમારું ક્યાંક સેટિંગ કરાવ્યું છે.

યક્ષ: હે નારાયણ! શું આવા દિવસો જોવા મને આ મૃત્યુલોક પર તમે મોકલ્યો છે? હવે હું શું કરીશ?

ક્રમશઃ
- સિદ્ધાર્થ રાઠોડ




બીજા રસપ્રદ વિકલ્પો