To shu thyu ke... - 2 books and stories free download online pdf in Gujarati

તો શું થયું કે... - ભાગ 2


‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું?
તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’

(ભાગ : 2)


માબાપને જાણ થઈ અને કોલમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, ‘તે જાતે જ તારી જિંદગીનો મહત્વપૂર્ણ નિર્ણય લઇ લીધો છે તો સાથે એ પણ નિર્ણય લઇ લેજે કે પિયરનો ઉંબરો ક્યારેય નહી ચડું. એટલું જ નહી તારો અને અમારો નાતો પણ અહિયાં પૂરો. તું અમારા માટે મરી ગઈ...’ અચલાને તે સમયે પીડા તો થઇ, પણ અભયના પ્રેમમાં બધું વિસરી ગઈ.

એકાદ વર્ષ તો હસીખુશીથી પસાર થઇ ગયું. થોડા મહિનામાં અચલાના સાસુએ આડકતરી રીતે દીકરા આગળ દાદી બનવાની ઈચ્છા વ્યક્ત કરી. અભયે માત્ર ડોક હલાવી માની ઈચ્છાને સમર્થન આપ્યું. મા બનવું એ દરેક સ્ત્રીનું માત્ર સ્વપ્ન જ નહી, સૌભાગ્યની વાત હોય છે. પોતાની કુખે આકાર લેતા જીવ સાથે પહેલા તો માને જ માયા બંધાઈ જતી હોય છે. ચૂપચાપ વાત સાંભળી રહેલી અચલાએ એકદમ ખુશ થઈ પોતાનાં પેટ પર હાથ ફેરવ્યો.

ઘરનું કામ પતાવી આવેલી અચલાનો હાથ પકડી અભયે તેને પોતાની તરફ ખેંચી. અચલાએ આંખોથી જ દરવાજો ખુલ્લો હોવાનો ઈશારો કર્યો અને એકદમથી હાથ છોડાવી દરવાજો બંધ કર્યો. અચલા જેવી અભય પાસે બેઠી કે અભયે માની ઈચ્છા વ્યક્ત કરી. અને વાત દીકરા-દીકરીના નામ સુધી પહોંચી ગઈ. અચલા એ વાતથી અજાણ હતી કે સાસુ સાથે પતિની પણ એક જ ઈચ્છા હતી અને તે વારસદારની!...

થોડા સમયમાં જ અચલાએ અભયને ખુશીના સમાચાર આપ્યા અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. અચલા પણ મનોમન વિચારવા લાગી કે, ‘મમ્મી-પપ્પાને પણ જ્યારે આ ખુશીના સમાચાર આપીશ ત્યારે એ પણ બધું ભૂલી જશે. એ પણ નાની-નાના થયાનો આનંદ ઉઠાવશે.’ માણસ ચાહે ગમે તેટલી શોધ કરે પણ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલા રહસ્યનો તાગ નથી મેળવી શકતો. અનુમાન લગાવી શકે, સચોટ જાણી ન શકે.

એકદિવસ કોલેજકાળના એક મિત્રના બર્થડે પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું. અચલાએ પાર્ટી ખતમ કરી પિયર જવાનું નક્કી કર્યું અને તે વાત અભયને કરી. અભયે હસતાં મુખે વાત સ્વીકારી.

પાર્ટી પૂરી કરી બંને ઘરે આવી રહ્યાં હતા ત્યારે સામે પૂરપાટ ઘસી આવતી કારની લાઈટથી અભય અંજાઈ ગયો અને ગાડી પરથી બેલેન્સ ગુમાવ્યું. એક કાર સાથે જોરદાર ટક્કર લાગી. અચલા રોડ પર ફંગોળાઈ. અભયને પણ ઘણી ઈજા થઈ. એક સજ્જને ગાડી રોકી તાત્કાલિક બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.

ઘરે આવ્યા પછી અભય વિચારમગ્ન દશામાં રહેવા લાગ્યો. તેના મગજમાં હજુ પણ ડોકટરના શબ્દો હથોડાની માફક ઝીંકાઈ રહ્યાં હતા. ‘મિ.અભય, આમ તો તમારી પત્નીને પગમાં સામાન્ય ફ્રેકચર છે, એટલે હાલતી ચાલતી બહુ જલ્દી થઇ જશે, પણ...’ ડો.ના અધૂરાં વાક્યથી અભયની અકળામણ વધવા લાગી. તેની આંખોમાં કંઇક અજુગતું થયું હોવાનો ભય ડોકાવા લાગ્યો. ગળું ખોંખારી ડો.આગળ બોલ્યા, ‘તમારી પત્ની ક્યારેય મા નહિ બની શકે.’ અભય અવાચક થઈ ગયો.

અચલાથી પણ આ વાત અજાણ ના રહી. ચૂપચાપ બેસી રહેલા અભયને અચલાએ જ્યારે કહ્યું કે, ‘અભય, વાતને છુપાવવાનો કોઈ મતલબ નથી. મને ખબર પડી ગઈ છે.’ અભય થોડીવાર માટે દિગ્મૂઢ બની ગયો. અચલાએ ઊંડો શ્વાસ લઇ અચકાતા એક પ્રસ્તાવ રજુ કર્યો, ‘અભય!... આપણે અનાથાશ્રમમાંથી એક બાળક એડોપ્ટ કરીએ તો..’ તે સમયે તો અભયે કોઈ જવાબ ન આપ્યો, પણ એક દિવસ બોલી ગયો, ‘એ ક્યારેય નહી બને. કોઈના બાળકને હું...’ મા બનવાની રહીસહી આશા પણ વિખેરાઈ ગઈ. અચલા હતાશાની ગર્તામાં ધકેલાતી ગઈ.

સમયની સાથે અભયનો અસલી ચહેરો અચલા સામે આવવા લાગ્યો. જીવનભર સાથ નિભાવવાનું વચન આપતો અભય હવે બીજા સાથે નવો સાથ નિભાવી રહ્યો હતો. અચલાને હવે માબાપની શિખામણ યાદ આવવા લાગી. તેણે જોયેલા સુખી સંસારના સોનેરી સ્વપ્ના તો મૃગજળ સમા નીકળ્યા. જીવનભર સુખની સવાર ઉગવાની આશાએ માબાપને છોડી નીકળેલ અચલાની રાત હદયની પીડા ઓશીકામાં ઠલવાઈને પસાર થવા લાગી.

‘હવે તું મારા માટે અને ઘર માટે કશા કામની નથી. આ ઘરને વારસદાર તારા વિના પણ મળી જશે, એ પણ મારા લોહીનો જ...’ બસ આ વાક્યએ અચલાને ઘર છોડવા મજબૂર કરી. પિયર તો જઈ શકે તેમ નહોતી એટલે કોઈ અનાથઆશ્રમ કે વૃદ્ધાશ્રમમાં રહી બાકીની જિંદગી સેવામાં પસાર કરવાનો નિર્ણય કર્યો.

અભયનું ઘર છોડ્યા પછી એક અનાથાશ્રમમાં જોડાઈ. તેનું બાળકો પ્રત્યેનું વર્તન અને સાર સંભાળ જોઈ તે સંસ્થાના પ્રમુખ અને કાર્યકર્તા બધા ખુશ થયા. અચલા પણ થોડા દિવસોમાં એ ભૂલી ગઈ કે જે ડોકટરે કહેલું. ભલે ઈશ્વરે તેની પાસેથી બાળકને જન્મ આપીને મા થવાનું સુખ છીનવી લીધું, પણ અનેક અનાથ બાળકો પ્રત્યે સગી જનેતા જેટલી લાગણી વરસાવી તે બાળકોની વ્હાલી મા જરૂર બની ગઈ હતી. સમય જતા તે સંસ્થાની પ્રમુખ બની.

******
એક આંચકા સાથે રીક્ષા ઉભી રહી. રીક્ષા સાથે લાગેલ ઝટકાએ અચલાને વર્તમાનમાં લાવી દીધી. જાણે મગજમાંથી તે વિચારોને ખંખેરી નાખતી હોય તેમ માથું ધુણાવી રીક્ષામાંથી ઉતરી. ભાડું ચૂકવી તેણે સામે દેખાતા વૃદ્ધાશ્રમના ગેટ તરફ ડગલા માંડ્યા. અનાથાશ્રમની સંસ્થાના આ વૃદ્ધાશ્રમમાં અચલા અવારનવાર વડીલોને મળવા આવી ચડતી.

ગેટમાં પ્રવેશી તેણીએ ચારેકોર નજર ફેરવી ત્યાં બેઠેલા વૃદ્ધની સામે બે હાથ જોડી નમસ્તે કરી ઓફીસ તરફ જવા લાગી, ત્યાં જ તેની નજર વૃક્ષના થડના ટેકે ઉદાસ બેઠેલા એક વ્યક્તિ તરફ ગઈ. તેના શરીર પરથી કોઈ કહી ના શકે કે તે વૃદ્ધ હશે. મનમાં ધરબાયેલી અનેક પીડા તેના ચહેરા પર વર્તાઈ રહી હતી. અચલા તેને ધારીધારીને જોવા લાગી. પેલા વ્યક્તિની નજર પણ અચલા પર પડી. સમય સાથે બદલાયેલ ચહેરાને ઓળખતા વાર ન લાગી. તેના ધ્રુજતા હોઠમાંથી શબ્દો સરી પડ્યા, ‘અ...અચલા!....’ અચલા પોતાનું નામ સાંભળી સ્તબ્ધ થઇ ગઈ.

અચલા પેલા વ્યક્તિને તાકતી તેની નજીક જઈ ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. ‘અચલા...હું અભય!...’ અચલાના પગ જમીન સાથે ચોંટી ગયા. અભયની આ હાલત તેને માન્યામાં આવતી નહોતી, પણ સામે દેખાતું સત્ય જેનો હજુ અચલાનું મન સ્વીકાર કરતું નહોતું.

અભય ધીમે ધીમે ઉભો થયો અને અચલાની નજીક સરક્યો. ‘મને ના ઓળખ્યો? તારો ગુનેગાર...’કહેતા તે રડી પડ્યો. કેટલાક વૃદ્ધો આ કૌતુક જોવા લાગ્યા. બધાની નજર પોતાની તરફ છે એ જોઈ ‘હું તમને ઓળખતી નથી.’ ઉડાઉ જવાબ આપી અચલા ત્યાંથી જવા લાગી.

‘હું કઈ વાતનું દુઃખ લગાડું, જ્યારે મારા સગા દીકરાએ મારો સાથ છોડી દીધો તો હવે કોણે દોષ આપું.’ અભયના દર્દભર્યા શબ્દોએ અચલના હદયને વીંધી નાખ્યું. અચલા પાછું વળી પારાવાર પસ્તાવાની આગમાં આંસુ સારતી અભયની આંખોને તાકી રહી. તેમાં કોઈ કપટ નહોતું, હતું તો માત્ર દુઃખ અને પસ્તાવો.

અચલાએ બોલવાની હિંમત કરી, ‘તમારી આ હાલત...’ પણ અચલાના ગળે ડૂમો બાઝી ગયો.

‘અચલા તારા ગયા પછી ઘણું બની ગયું.’ અભયે ટૂંકમાં વાત કરી, ‘આકાંક્ષા સાથેના સંબંધથી હું પિતા તો બની ગયો, પણ પછી તે મને બ્લેકમેલ કરવા લાગી. મારી સંપતિ પર પોતાનો હક જમાવા લાગી. મમ્મીના નિધન પછી સાવ એકલો પડી ગયો. આકાંક્ષા પોતાની મનમાની પ્રમાણે વર્તવા લાગી. તેના શોખ પુરા કરીને હું પણ થાક્યો હતો. તેમાં અચાનક અમને બંનેને જાણ થઇ કે તેને કેન્સર છે. થોડાં મહિનામાં તે મારો સાથ છોડી કાયમને માટે ચાલી ગઈ. એકરીતે તો તેના ત્રાસમાંથી મુક્ત થયો, પણ સમય જતા દીકરા-વહુનો ત્રાસ વધ્યો અને આખરે મને અહિયાં....’ અભય આગળ કશું બોલી ન શક્યો.

અચલાની આંખોમાંથી પણ આંસુ ખરી પડ્યા. અભયે ઊંડો શ્વાસ લઇ અચકાતા આગળ બોલ્યો, ‘અચલા... ભગવાનની મરજી....ફરી તારી સાથે મુલાકાત થઇ.’ તેણે હિંમત એકઠી કરી આગળ કહ્યું, ‘હું બીજું તો કશું નથી માંગતો પણ...’

‘અભય!...’ અચલાએ તેને વચ્ચે જ બોલતા અટકાવ્યો. ‘તમે વચન આપી તોડી શકો, હું નહી. ઈશ્વરે ભલે મારી પાસેથી માતૃત્વનું સુખ છીનવી લીધેલું, પણ અનેક અનાથ બાળકોની મા બનાવી તે ખોટ પણ પૂરી કરી દીધી.’

અચલા આટલું બોલી જવા લાગી. અભયે તેને રોકવાનું વિચાર્યું પણ બીજી જ ક્ષણે એ, ‘અચલા, મે એકવાર વચન તોડી ભૂલ કરી છે. તને જે બાળકોનો વાત્સલ્યભર્યો સાથ મળ્યો છે તે છોડાવવાનું હું પાપ નથી કરવા માંગતો. હું મારા કર્મોની સજા ભોગવી લઈશ, પણ તારી ખુશી આડે હવે નહી આવું.’ એ વિચાર સાથે અટકી ગયો અને અચલાને જતી જોઈ રહ્યો.

*સમાપ્ત*
(શીર્ષક પંક્તિ : જાગૃતિ ‘ઝંખના મીરાં’)

બીજા રસપ્રદ વિકલ્પો