To shu thyu ke... - 1 books and stories free download online pdf in Gujarati

તો શું થયું કે... - ભાગ 1

‘તો શું થયું કે કોઈ સવારે સવાર ન થયું?
તો શું થયું કે રાતનું સ્વપ્ન યાદગાર ન થયું?’

અચલા રીક્ષામાં ગોઠવાઈ. રેડીયોમાં ધીમા સ્વરે રેલાતા ગીતના શબ્દોને અચલા આંખો બંધ કરી માણી રહી હતી. ‘પ્લીઝ, થોડું વોલ્યુમ વધારાજોને.’ રીક્ષાચાલકે અચરજ સાથે વોલ્યુમ થોડું વધાર્યું, પણ જુના હિન્દી ગીતોની શોખીન અચલાને હજુ ધીમું સંભળાઈ રહ્યું હોવાથી ખચકાટ સાથે કહ્યું, ‘મને જુના ગીતો ખૂબ ગમે છે એટલે તમને... પ્લીઝ, હજુ થોડુંક...’ આ વખતે કોઇપણ જાતના હિચકિચાટ વિના રીક્ષા ચાલકે વોલ્યુમ વધાર્યું. અચલા મનમાં જ ગીતોના શબ્દો ગણગણવા લાગી.

એક નવું ગીત શરૂ થયું.

“તેરા સાથ હૈ તો મુઝે ક્યાં કમી હૈ
અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ.”

ગીતના શબ્દોને ગણગણતી અચલાને કઇંક યાદ આવવા લાગ્યું. તેને યાદ આવવા લાગ્યું કે એકદિવસ તે પણ કોઈની સાથે આ ગીત ગાતી હતી. અચલાની આંખો સામે એ ચહેરો તરવરવા લાગ્યો અને નામ જેવું મગજમાં આવ્યું કે તેના મોઢામાં કડવાશ ભળી ગઈ.

અત્યાર સુધી પીધેલા શબ્દોના કડવા ઘૂંટની માફક આ ઘૂંટડો પણ પી ગઈ. કડવાશ અંદર સુધી ઉતરતાની સાથે હદયને પીડા આપવા લાગ્યા અને આંખોમાં આંસુ ઘસી આવ્યા. કોઈને ખબર ના પડી જાય તે રીતે એકદમ સિફતથી આંસુ તો લુંછી નાખ્યા, પરંતુ મગજમાં પરાણે ઘસી આવેલી યાદોને અટકાવી શકી નહી.

શહેરની જાણીતી આર્ટસ કોલેજમાં અચલા અને અભય સાથે જ ભણતાં. ઓછાબોલી અચલા તેની સહેલી સાથે કામ સિવાયની વાત પણ કરતી નહી, તેમાં કોઈ યુવકને બોયફ્રેન્ડ બનાવવાની તો વાત જ દૂર રહી. કોલેજમાં એકવાર અંતાક્ષરીની કોમ્પીટીશન યોજાઈ. જેમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી. અલગ-અલગ ટીમના કપ્તાન એક કાચના બાઉલમાંથી ચિઠ્ઠીઓ કાઢતા અને જેનું નામ નીકળે તે સ્ટુડન્ટ તે ટીમમાં જોડાઈ જતા. અભયની ચિઠ્ઠીમાં અચલાનું નામ નીકળ્યું.

આ કોમ્પીટીશને અચલા અને અભયને એકદમ નજીક લાવી દીધા. રોજ કેન્ટીનમાં એક કલાક કક્કાના દરેક અક્ષર પરના ગીતો યાદ કરી પ્રેક્ટીસ કરતા. સમય જતા બંનેના હદયમાં એકબીજા પ્રત્યે વહેતી લાગણીને શબ્દોનું સ્વરૂપ આપ્યું. એકબીજાને પ્રપોઝ કર્યું. અચલા એકદમ ઉદાસ થઈ ગઈ. અભયને પોતાની મૂંઝવણ જણાવતા કહેલું, ‘મમ્મી-પપ્પા આ સંબંધ માટે ક્યારેય નહી માને.’ ત્યારે અભયે તેને આશ્વાસન સાથે હિંમત આપતા કહ્યું, ‘હવે સમય બદલાયો છે. સમય સાથે માબાપની વિચારસરણી પણ બદલાઈ છે. બની શકે કે જ્યારે તું સ્કૂલમાં હોય ત્યારે તું અપરિપક્વ હોવાને કારણે તને કોઈ અજાણ્યા સાથે વાત કરવાની મનાઈ કરતાં હોય. તું એકવાર શાંતિથી વાત કર.’

‘વાત સાંભળી કોલેજ આવવાનું બંધ કરાવી દેશે તો?’ અચલાની મૂંઝવણનો ઉકેલ આપતા અભય બોલ્યો, ‘હું બે દિવસ રાહ જોઇશ. જો તું ત્રીજા દિવસે કોલેજ નહિ આવે તો હું સામેથી તારા ઘરે આવીને તારા પેરેન્ટ્સને મળી જઈશ.’ અભયની ધરપતથી અચલાએ થોડી રાહત અનુભવી.

સાંજે ડીનર કરતી વખતે પપ્પાનો મૂડ જોઈ અચલાએ વાત છેડવાનો વિચાર કર્યો, પણ હિંમત ના ચાલી. દીકરીના મનમાં ચાલતી ગડમથલ અચલાના મમ્મીની પારખું નજરથી છુપી ના રહી.

આડા અવળા સવાલો પૂછી મમ્મીએ અચલાને મૂળ મુદ્દા પર લાવી જ દીધી. અચલાની વાત સાંભળીને તેના પિતાને ગુસ્સો આવ્યો, પણ બીજી જ પળે ગળી ગયા. જુવાન દીકરી માબાપની સલાહને અવગણીને કોઈ અવળું પગલું ભરી લેશે તો? તેના મમ્મીએ પણ ‘અત્યારે જોશથી નહી હોંશથી કામ લેવું પડશે’ તેમ વિચારી એકદમ શાંતિપૂર્વક બોલ્યા, ‘જો બેટા, જુવાની એ જિંદગીનો એક એવો તબક્કો છે કે જેના વર્તમાનના નિર્ણય પર ભવિષ્યનો આધાર રહેલો હોય છે. તે છોકરાને જોયો અને થોડા દિવસની વાતચીતથી ગમવા લાગ્યો તો એક પળમાં બાકીની જિંદગી તેની સાથે વિતાવવા માટે થોડું વિચારવું પણ જોઈએ.’

‘હા, બેટા! તારા મમ્મીની વાત એકદમ સાચી છે.’ પપ્પાએ એકદમ નરમાશપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘માન્યું કે અત્યારે સમય બદલાયો છે. છોકરા-છોકરી એકબીજાને મળે, જુએ, જાણે અને પછી આગળ વધે. સાથે એ જોવું પણ જરૂરી છે કે, તે છોકરો છોકરીને લાયક છે કે નહી? માત્ર મીઠી મીઠી વાતોથી ભોળવીને લગ્ન પહેલા આંબા-આંબલી દેખાડે, જયારે લગ્ન પછી હકીકત જુદી જ હોય. આમ પણ હજુ તમારી સ્ટડી ચાલુ છે. ભવિષ્યનો કોઈ પ્લાન હોવો તો જોઈએ ને? માત્ર પ્રેમભર્યા શબ્દોથી પેટ નથી ભરાતું, કરિયર પણ નક્કી કરવું પડે ને અથવા બિઝનેસ પણ જોઈએને? માટે પહેલા ભણવાનું કમ્પ્લીટ કરી લો પછી આગળ વિચારીશું. ઠીક છે.’

અચલા કશું બોલ્યા વિના ડોકું હલાવી પોતાનાં રૂમમાં ચાલી ગઈ. પોતાની વાત દીકરીના ગળે ઉતરી ગયાનું અનુભવી ધરપત થઈ.

અચલા અને અભયની કોલેજ ખત્મ થઈ ગઈ. અભય આગળ ડીગ્રી સાથે જોબ પણ શોધવા લાગ્યો. બીજી તરફ અચલાના માબાપે છુપી રીતે મુરતિયો શોધવાની શરૂઆત કરી દીધી. આ વાત અચલાથી છુપી રહી નહી અને તેણે અભયને વાત કરી. ત્રણ વર્ષના સમયગાળામાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અતૂટ થઇ ગયો હતો. પ્રેમના નશામાં જાણે બંને ચકચૂર થઇ ગયા હતા.

અભયે કોર્ટમેરેજની વાત કરી. અચલાએ ‘મમ્મી-પપ્પાને ખબર પડશે ને તેને આઘાત પહોચશે તો..?’ એ વિચારી નનૈયો ભણ્યો.

અભયે સમજાવવાની કોશિશ કરી, ‘અચલા, માબાપ છે, ખોટું તો લાગશે, પણ થોડા દિવસ. સમય સાથે બધું ભૂલી જશે.’ અભયે પોતાનાં હાથમાં અચલાના બંને હાથ પરોવી આંખમાં આંખ પરોવતા કહ્યું, ‘હું જીવનભર તારો સાથ નિભાવીશ. આ મારું વચન છે? તને આપણા પ્રેમ પર ભરોસો તો છે ને? જો હા તો ચાલ મારી સંગાથે. દુનિયા સામે લડી લઈશ. જરૂર પડશે તો બધાથી અલગ થઇ જઈશ, પણ તને ક્યારેય નહી તરછોડું.’

અભયના શબ્દોની અચલા પર ધારી અસર થઇ અને આગળનું કશું વિચાર્યા વિના જ અભય સાથે પરણી ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED