મામાનું ઘર Kirtidev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મામાનું ઘર

 

(આ વાર્તા કાલ્પનિક છે.)

 

“શું કહ્યું?”

“છોકરાની સિરામિક ફેક્ટરી છે. માર્બલ અને ટાઇલ્સ બનાવાની.”

“સારું, ભાણાં તારે એક કામ કરવું પડશે.” નાના મામાએ ફોન પર કહ્યું.

 

                                    તેમણે મને યોજના જણાવી, જાતે તપાસ કરવાનું કહ્યું. મેં હા રાખી. ત્યાં છેક જવાનો હેતુ ન હતો સમજાતો પણ મામાએ કહ્યું એટલે જઈ આવ્યો. મારા ત્રણેય મામા સમૂહકુટુંબમાં રહેતા હતા. મોટા મામાની દીકરીનું સગપણ રાજપીપળામાં શોધ્યું હતું. ત્રણ દિવસથી મામાના ઘરમાં અશાંતિ હતી. નાના મામાથી સૌ લોકો નારાજ હતા. ઘરમાં સૌથી મોટા-સૌથી નાના મામી વિવાદ કરતાં, જેથી ઘરનું વાતાવરણ ખોરવાયું હતું. આજે મામાનો મને ફોન આવ્યો. તેમણે આખી વાત જણાવી.

 

                                    ૨ દિવસ પહેલા બેન પિયુષાના સગપણની વાત જોવા બધા રાજપીપળા ગયા હતા. છોકરાનો પરિવાર આબરૂદાર અને ખમતીધર હતો. ઘણા વિવેકી સામેના લોકો લાગ્યા. વાત બતાવનારે છોકરાના કુટુંબના વ્યવસાય અને સામાજિક રૂઆબ વિશે જણાવ્યું હતું. મોટા મામા અને મામી તેમનું વિશાળ ઘર જોઈ ચકિત થઈ ગયા. છોકરાવાળાએ સારી રીતે આદર સત્કાર કર્યા. બંને મોટા મામા રાજપીપળા આવ્યા પણ નાના મામા ન હતા આવ્યા. તેથી મોટા મામા-મામી નારાજ હતા: આમ, તો ભત્રીજીને લાડ પ્યારથી રાખતા અને અત્યારે એના જીવનનો આવડો મોટો નિર્ણય લેવાનો હતો ત્યારે આવવાની ખબર ના પડી? બસ, આટલી જ વાત હતી.

 

                                    હું રાજપીપળા નજીક નોકરી કરતો હતો. ત્યાં મારે આવવા-જવાનું રહેતું. નાના મામાએ મને કહ્યું હતું કે કોઈ એક રવિવારે સિરામિકની ફેક્ટરી પર આંટો મારી આવ અને તપાસ કરીને જણાવ ત્યાં શું ચાલી રહ્યું છે. જે છોકરા સાથે સગપણ ગોઠવ્યું હતું, તે છોકરાને હું ઓળખતો હતો. મને પણ વ્યવસ્થિત લાગતો હતો. મામાએ આવી વાત કરી મારા મનમાં પણ કુતૂહલ જગાવી. એ જ અઠવાડિયે રવિવારે હું ફેક્ટરી પર ગયો. ફેક્ટરીના ગેટ આગળ બાઇક સ્ટેન્ડ પર લગાવ્યું. હેલ્મેટ હાથમાં પકડી હું અંદર ગયો. બપોરના સાડા બાર-એક વાગ્યાનો સમય થયો હશે. અંદર વર્કર્સ કામ કરી રહ્યા હતા. મશીન ચાલવાના લીધે ધૂળ ઊડી રહી હતી. મેં ગોગલ્સ માથે ચડાવ્યા હતા, તે પહેરી લીધા અને રૂમાલ મોઢે બાંધ્યો. ત્રણ-ચાર વર્કર્સ સિવાય કોઈ દેખાયું નહીં. રવિવારની રજા હતી. બધુ સામાન્ય લાગ્યું. મને થયું મામા ખબર નહીં શું વિચારતા હશે. ફેક્ટરીમાં ચારે તરફ નજર નાખી હું પાછો ફર્યો. બ્હાર જઈ રહ્યો હતો દરમિયાન કામ કરતો એક વર્કર મને ઓળખી ગયો. તેણે મને બોલાવ્યો. બાદ કહ્યું “સાહેબને ના મળ્યા?”

“સાહેબ આજ ઓફિસ આવ્યા છે?”

“હાસ્તો, એ અંદર એમની કેબિનમાં દોસ્તારો સાથે બેઠા.”

“અચ્છા. તો, તો મારે મળીને જવું પડશે.” કહી હું પાછો અંદર ગયો. મશીનરીના પાર્ટીશન પાછળ એક રસ્તો નીકળતો, જ્યાં ઓફિસ કેબિન હતી. કેબિનનો દરવાજો મેં ટકોર્યો. એક યુવકે દરવાજો ખોલ્યો. જે છોકરા સાથે સગપણ કરવાનું હતું તે અંદર બેઠો હતો. તેણે મને જોયો અને આવકાર્યો: “આવો આવો કીર્તિભાઈ! બોવ દિવસે ભેગા થયા.”

“હા ભાઈ.” મેં કહ્યું અને અંદર આવ્યો. કેબિનમાં ચિકન-દારુની મહેફિલ જામી હતી.

“શું આજે કઈ પાર્ટી રાખી છે?” મેં પૂછ્યું.

“ના, આ તો મહિને-દોઢ મહિને ભાઈબંધો ભેગા થયા હોઈએ તો ક્યારેક પીવા બેસીએ.” તેણે જણાવ્યું.

 

હું પાછો આવ્યો. ઘરે જઈ નાના મામાને ફોન કર્યો.

“મામુ, તમે સાચું કહેતા હતા. તમારી શંકા બરાબર હતી.” મેં કહ્યું.

“બોલ, શું થયું?”

“ત્યાં હું હમણાં ગયો હતો. એ છોકરો ફેક્ટરી પર દારુની પાર્ટી કરતો હતો.”

“બરાબર.”

“હું આટલા ટાઈમથી આયા રહું છું. મને ક્યારેય ન’તું લાગ્યું આ છોકરો આવો હશે. મામુ તમને કેમની ખબર પડી?”

“સિરામિક નામ સાંભળ્યું એટલે ખબર પડી જ જાય.”

“અચ્છા?”

“અને એ ખાલી દારુ નહીં. બધા નશા કરતો હશે. એટલેથી ના રોકાય.”

“હા મામુ, ક્યારેક મેં એને ગલ્લે પડીકી અને માવો ખાતા જોયો છે.”

“હમ્મ, કીધુંને. આ તારા બેય મોટા મામીઓ બે દા’ડાથી મંડાણા”તા. સરસ ઘર છે, સારો છોકરો છે. બધુ સારું છે. ‘ને મને વઢતા’તા અમારી સોડીની વાત જોવા નો આવ્યા. મેં કહી દીધું હું મારી રીતે બધી તપાસ કરી લઇશ. મારે મારા બીજા કામ હોય કે નય? બધે થોડી હાજર રહી શકું. એટલે ભાણા મેં તને કીધું. તું જય આવ.”

“વાહ મામુ! જબરું દિમાગ હો તમારું! પણ મને ક્યો તો ખરી તમને જાણ કેમની થઈ?”

“હું થોડા વર્ષો પે’લા બાપા(તેમના ગુરજી) હારે સુરત ગ્યો’તો. અમારા એક ગુરુભાઈ આશ્રમ પર આવે ત્યારે દર વખત મળવા આવવાનું આમંત્રણ આપતા. એ દિવસે પેલા ભાઈના એરિયા પાસે અમે હતા. તો થયું ચાલો એમના ઘરે જઈ આવીએ. એમના ઘરે અમે ગયા. થોડીવાર બેઠા પછી તે ગુરુભાઈએ બાપાને કહ્યું: “મારી ફેક્ટરીએ બાપા પગલાં પાડી જાવ. હું ધન્ય થઈ જઈશ.” અમારે જવાનું મોડુ થતું હતું પણ તે ભાઈ-તેમના પત્નીએ હાથ જોડી આગ્રહ કર્યો. બાપાએ હા પાડી, ફટાફટ જતાં આવીએ. અમે એક સિરામિક ફેક્ટરી પર આવ્યા. ત્યાં બધા મજૂરોના મોઢામાં ગુટખા. અંદર કેબિનમાં ગુરુભાઈનો નાનો ભાઈ દારુ અને સીગરેટ પિય રહ્યો હતો. આખી કેબિન દારૂની વાસથી ગંધાય, રૂમમાં નકરો સીગરેટનો ધુમાડો. બાપાએ ઠપકો આપ્યો. આવી જગાએ અમને બોલાવાતા હશે. એ દિવસે મને ખબર પડી સિરામિકવાળાનું રોજનું હોય. બધી જાતના નશા કરતાં હોય, મહિને દોઢ મહિને નહીં દર અઠવાડિયે આવી પાર્ટીયું થતી હોય. ‘ને ક્યારે અઠવાડિયેથી રોજનું થઈ જાય કઈ કહેવાય નહીં. આપડે એ ઘરે દીકરી મોકલવાની હતી. પરણ્યા પછી આ બધુ થાય તો આપડી છોકરીની તો જિંદગી બરબાદ થઈ જાય ને? આપડે આપડી દીકરીની જિંદગી થોડી ખરાબ થવા દેવાય?”

“ના જ થવા દેવાની હોયને.”

“તારા મામી તો જોઈ આવ્યા, ખુશ થઈ ગયા, બંગલામાં રે’ છે. ચાર વાહન છે, ફેક્ટરી છે. બધુ સરસ છે. પણ ફક્ત એનાથી સંસાર નથી ચાલતો ને? એ તો સારું થયું ત્યાં વાત પાકી કરીને ના આવ્યા. બાકી, બીજી પળોજણમાં ફસાત.”

 

                                    એ દિવસે મામાની  સદબુદ્ધિથી બહેન પિયુષાનું જીવન બગડતાં બચી ગયું. થોડા સમય બાદ એક સારા યુવક સાથે હસી-ખુશીથી બેનના લગ્ન લેવાયા અને તેનું સુખી લગ્નજીવન મંડાઇ ગયું.

 

                                    અન્ય વિશે આટલું ધ્યાન રાખતા, આટલી સૂઝબૂઝ ધરાવતા મામા ખબર નહીં કેમ તેમના સંતાનની પરવરીશમાં પાછળ રહી ગયા. નાના મામાનો દીકરો એવા વ્યસનના રવાડે ચઢ્યો કે આખું ઘર વિખેરાઈ ગયું. સમૂહ કુટુંબમાં સાથે રહેવાનું આ નુકશાન છે, એક ખરાબ પ્રસંગ વર્ષોના વર્ષ વિતાવેલા સંબંધો વચ્ચે તિરાડ પાડી દે છે. નાના મામાનો દીકરો દારૂ, સીગરેટ, ગુટખા, ચરસ, પેન્સિલ વેપ જેવા અનેક વ્યસનો કરવા લાગ્યો. જો પૈસા ના હોય તો ઘરમાં અન્ય પાસેથી માંગતો. પહેલા માંગતો હતો પછી, રોજ-રોજ કોઈ થોડી પૈસા આપે એટલે તે નાની-મોટી પૈસાની ચોરીઓ કરવા લાગ્યો. એક-બે વાર બેનના અને મમ્મીના ઘરેણાં ગીરવે મૂકી પૈસા લઈ આવ્યો અને દારુ પીતો. વ્યસનની એવી અસાધ્ય તલપ એને લાગી હતી કે તે નશા કરવા ગામના ગારિયા કરવા લાગ્યો. ગામમાં લોકોના નામે ટીવી, ફ્રિજ અને મોબાઈલની લોન લઈ, પૈસા લાવતો અને રોજિંદા નશા કરતો.

 

                                    પૈસા ઉઘરાવનાર અને લોન આપનારા ઘરે ઉઘરાણી કરવા આવવા લાગ્યા પણ કદી નાના મામાનો દીકરો હાથ ઝડતો નહીં. જ્યારે તેની પાસે બિલકુલ પૈસા ના હોય અને નશો કર્યા વગર રહેવાતું ન હોય ત્યારે તે ઘર આંગણે પડેલા વાહનોની પેટ્રોલની ટાંકી ખોલી સૂંઘતો. પછી તે પેટ્રોલ અને કેરોસીન સૂંઘવા લાગ્યો. એમાંથી એને નશા થતાં હતા. આવી પ્રવૃત્તિઓની અસર ઘરમાં પડવા લાગી હતી. બીજા મામી એટલે કે મોટા મામી પછીના મામી તેમની દીકરીને ના પાડતા નાના મામાના છોકરા સાથે વાત નહીં કરવાની. દૂર રહેવાનુ. કેવા સંજોગ અને કેવી માવજત. એક જ ઘરમાં બહેનને ભાઈથી દૂર રહેવા અનુરોધ કરવો પડે છે.

 

                                    એકવાર ખબર નહીં શું થયું હશે કઈ ખબર ન પડી? મોડી રાતના બધા સૂતા હતા. કશુક બળવાની વાસ આવી રહી હતી. ઘરના કમાડ બંધ હતા, બ્હારથી આવતો પ્રકાશ એટલો તેજ હતો કે કમાડની દરારમાંથી આવતા પ્રકાશથી અંદરનો રૂમ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. વાસ વધતા મોટા મામાની ઊંઘ ઊડી. પ્રકાશ જોતાં તેઓ ઉઠ્યા અને કમાડ ઉઘાડયું. બ્હાર જોયું તો તેમનું બાઇક સળગી રહ્યું હતું. ઊંઘમાંથી ઉઠેલા મામા એક જાટકે જાગ્રત બન્યા અને મોરી પાસેની ટાંકીમાંથી ડોલ ભરી બાઇક પર પાણી છાંટવા લાગ્યા. આસપાસના પાડોશીઓ ભેગા થઈ ગયા. રોડ પર કેટલાક ઇસમો ઊભા રહી જોઈ રહ્યા હતા. ઘરની જાળી બંધ હતી એટલે તે કોઈ મદદ કરવા આવી શક્યા નહીં અને અરધી રાતે કોઈના ઘરની જાળી કૂદી બાઇકની આગ હોલવવા જવામાં ચતુરાઇ ન હતી. નાના મામાનો દીકરો પણ આવ્યો અને આગ હોલવવા લાગ્યો. ૨૦-૨૫ ડોલ પાણી છાંટ્યું ત્યારે આગ હોલવાઈ. અંદર એન્જિન અને પેટ્રોલની ટાંકી બળવાની યથાવત હતી. ત્યાં પાણી ન હતું પહોંચી શકતું.

 

                                    ઘરના સૌ કોઈ એકઠા થયા. બ્હાર ઉભેલા લોકોએ અહેવાલ આપ્યો: “અમે ત્યાં ચાર રસ્તે બેઠા હતા, ઊંચી જ્વાળાઓ જોઈ અને દોડતા આવ્યા. જાળીએ તાળું લગાવ્યું હતું એટલે અંદર ના આવી શક્યા પણ તમને ઘણી બૂમો મારી, દસેક મિનિટ બાદ તમારા ઘરનો દરવાજો ખૂલ્યો.”

 

                                    આંગણાની જાળી ખોલવામાં આવી. બ્હાર ઉભેલા ચાર ઇસમો ગામના જ માણસો હતા. તેઓ અંદર આવ્યા. ઘરના સૌ વિચારમાં પડ્યા આગ લાગી કેવી રીતે? શું આપમેળે લાગી હશે? કે કોઈએ લગાડી હશે? કોઈ આમ ઘરના આંગણામાં પડેલું વાહન કેમ સળગાવે? જાળી બંધ હતી. આંગણામાં કોઈ હતું નહીં તો પછી આગ લાગે કેવી રીતે? રસ્તા પરથી કોઈ જઈ રહ્યું હોય અને તેણે આગ લગાડવી હોય તો પાંચ ફૂટ ઊંચી દીવાલ કૂદી અંદર આવવું પડે. બ્હારથી ઊભા-ઊભા કોઈ આગ લગાડવાનો પ્રયત્ન કરે તો મેળ ના આવે. એમ પણ વાહન જાળીની દીવાલથી ઘણા અંદર પાર્ક કરેલા હતા. તો જાળીની બ્હારથી આગ લગાડવી મુશ્કેલ હતી.

 

                                    બધા ભેગા થઈ આવા તર્ક-વિતર્ક લગાવી રહ્યા હતા. દરમિયાન એક સુઝાવ આવ્યો પોલીસ બોલાવવી જોઈએ. સૌ આ વિકલ્પ પર સહમત થયા અને ૧૦૦ નંબર પર કોલ લગાવામાં આવ્યો. રસ્તા પરના ઇસમોએ કહ્યું: “તેમણે કોઈને આ બાજુથી આવતા જોયા ન હતા.” “કદાચ કોઈ બીજી બાજુથી આવ્યું હોય અને સામેના રસ્તાથી જતાં રહ્યા હોય તો કહેવાય નહીં અને સારું થયું એક જ વાહન સળગ્યું. જો આ બીજા બે વાહનોએ પણ આગ પકડી લીધી હોત તો?” એક ભાઈએ મોટા મામાને કહ્યું: “હવે, નવું બાઇક લઈ લેજો. “

“ક્યાંથી લઉં નવું બાઇક? પંદર હજાર પગાર છે મારો. અહીંથી દેત્રોજ ૧૪ કિલોમીટર થાય છે. રોજ ત્યાંથી અપડાઉન કરું છું. એમાં ત્રણ હજાર પેટ્રોલમાં જતાં રે’ છે. સાત હજાર બેબીના લગ્ન કરાવ્યા એ લોનના હપ્તામાં જાય છે. પાંચ હજારમાં ઘર ચલાવું છું. ક્યાંથી લાવું નવું બાઇક?” ચિંતિતભાવે મામા બોલ્યા. મોટા મામા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતા. છેલ્લા ૧૧ વર્ષથી તેમની પાસે આ બાઇક હતું. બધા તેમને ચૂપચાપ સાંભળી રહ્યા. થોડીવાર કોઈ કઈ બોલ્યું નહીં.

 

                                    અરધા કલાક બાદ પોલીસ આવી અને સૌએ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. ફરિયાદ નોંધવા ઇન્સ્પેક્ટરે ચોકી પર આવવા કહ્યું. પોલીસે કહ્યું અમારી ગાડીમાં જ ચાલો, તમને પાછા મૂકી જઈશું. મોટા મામા અને નાના મામા પોલીસની ગાડીમાં બેઠા. મોટા મામા જીવનમાં પહેલીવાર પોલીસની ગાડીમાં બેઠા હતા અને કદાચ પહેલી વાર પોલીસ ચોકીમાં પગ મૂક્યો હશે. ચોકીએ જઈ તેઓએ નોંધ લખાવી. તેમણે હતાશ લાગતાં હતા.

 

                                    ફરી ક્યારેય ઘરમાં એ રાત વિશે કોઈ વાત થઈ નહીં. ધીમે-ધીમે પરિવારમાં બોલચાલ ઓછી થતી ગઈ, વ્યવહારો ઓછા થવા લાગ્યા. એક નકારાત્મકતા ઘરમાં પ્રસરી ગઈ હતી. થોડા સમય બાદ બંને મોટા મામા અને મામી તેમના સંતાનો સાથે બીજે રહેવા જતાં રહ્યા. નાના મામા-મામી અને તેમનો દીકરો આખા ઘરમાં એકલા રહી ગયા. અહીં સુધી પણ મુસીબત ઘર સુધી સીમિત હતી. વાત ત્યારે વણસી જ્યારે નાના મામાએ તેમના માનસિક unstable દીકરાના લગ્નની વાત માંડી. મામાની સમાજમાં આબરૂ હતી, જેથી દીકરાના લગ્નની વાતો આવવા લાગી.

 

                                    આ સમયગાળામાં બંને મોટા મામાઓએ તે ઘર વેચવાની માંગ કરી. સૌથી મોટા મામા-મામી ચાલીની એક ઓરડીમાં રહેવા જતાં રહ્યા હતા. મોટા મામાની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ હતી, પરિશ્રમ કરતાં તેમનું શરીર જવાબ આપી રહ્યું હતું. જો આ ઘર વેચાઈ જાય તો તે પૈસાથી બંને માણાં’ આગળ જીવી શકે. બીજા મોટા મામા-મામી ડિપોઝિટ ભરી ફ્લેટ લેવા માંગતા હતા. બંને ભાઈઓને પૈસાની આવશ્યકતા હતી માટે નાના મામા પાસે અન્ય કોઈ વિકલ્પ ન બચ્યો. છેલ્લા સિત્તેર વર્ષથી રાખેલું તે મકાન વેચી નાખ્યું. ત્રણેય ભાઈઓના ભાગે દસ-દસ લાખ આવ્યા. નાના મામા ભાડે રહેવા લાગ્યા અને તેમણે દીકરાનું સગપણ ગોઠવી લગ્ન કરાવી આપ્યા. આંઠ લાખમાં દીકરાના ધામધૂમથી લગ્ન કરાવ્યા. નાના મામાનો દીકરો પત્ની સાથે અમદાવાદ શહેર રહેવા આવી ગયો. મામાએ બે લાખ રૂપિયામાં અમદાવાદમાં સરસ ઘર ભાડે લઈ આપ્યું. ફર્નિચર, રેફ્રીજરેટર, ટીવી, એ.સી. અને બાઇક લઈ આપ્યું. તેમનો દીકરો નોકરીએ લાગી ગયો હતો. તેની પત્ની પણ નોકરી કરતી હતી. બંને ઠીકઠાક ગુજરાન ચલાવી રહ્યા હતા.

 

                                    છ મહિના સુધી બધુ બરાબર ચાલ્યું. એક રાત નાના મામાને દવાખાનેથી મોડા કોલ આવ્યો. સમાચાર મળતા મામી સાથે તેઓ તાબડતોબ અમદાવાદ જવા નીકળ્યા. ત્રણ કલાકનો રસ્તો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચતા લગભગ પોણા ચાર કલાક લાગ્યા. સવારના સવા પાંચ વાગી ગયા હતા. નાના મામાનો દીકરો ઈમરજન્સી વોર્ડમાં ઊભો હતો. મામા-મામી મળ્યા. શબને અંદર અલગ-અલગ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યું હતું. થોડીવાર બાદ એક શબ સ્ટ્રેચરમાં લાવવામાં આવ્યું. મામી તેમની વધૂનું મૃત શરીર જોઈ આઘાતથી છળી ઉઠ્યા અને રડવા લાગ્યા. રિપોર્ટમાંથી જાણવા મળ્યું તેણીએ નેફ્થેલીન ટેબલેટ ગટગટાવી આપઘાત કર્યો હતો. છ કલાક પહેલા મામાના દીકરાએ ઘરે આવી જોયું તો પત્ની જમીન પર પડી હતી. તરત તે દવાખાને લઈ આવ્યો, દવાખાનામાં ઈલાજ શરૂ કર્યો પણ હાનિકારક દવાએ પોતાનું કામ કરી દીધું હતું. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી.

 

                                    મરતા પહેલા તે લખીને ગઈ: (૧)બસ, બહુ એકલું ફિલ થાય છે. ત્રણ મહિના પહેલા મારા પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. (૨)હું નોકરી કરી ઘરે આવું તો પતિ નશામાં ચૂર પડ્યો-પડ્યો ટીવી જોતો હોય, (૩)અમારી વચ્ચે પ્રેમ છે. ફક્ત, ત્યારે જ્યારે તેને મારી સાથે સેક્સ કરવું હોય. બાકી, કશી નિકટતા કે આત્મીયતા ન હતી અમારી વચ્ચે. (૪)ઓફિસમાં અને ઘરમાં પણ મારે એકલા જમવાનું. કોની સાથે મારી વાતો શેર કરું? (૫) ઘરમાં દારૂડિયો પતિ હોવાથી કોઈ પાડોશની સ્ત્રીને વાત કરવા/બેસવા હું મારા ઘરે બોલાવી શક્તી નહીં અને રોજ-રોજ મારે કોના ઘરે બેસવા જવું? (૬)ઓફિસમાં એક મિત્ર બન્યો હતો પણ અમારી મિત્રતા મારા પતિ સાથેના સંબંધમાં insecurity ઊભી કરી રહી હતી, તેણે જ્યારે જોબ બદલી ત્યારથી હું ઓફિસમાં એકલા જમતી. (૭)મારે મા બનવું હતું પણ તેમણે(તેણીનો પતિ) તૈયાર ન હતા. મારા એકથી ઘર ચાલતું હતું જેથી pregnancy બાદ ગુજરાન ચલાવું અઘરું પડી જાત. તો પણ મેનેજ થઈ જાય એમ હતું. ઓફિસમાંથી મને ત્રણ માસની paid leave અને ૨ માસની unpaid leave મળી ગઈ હોત. આ બાબત ધ્યાનમાં રાખી અમે પ્રયત્ન કર્યા હતા પણ તેમનું irresponsible મગજ સાથ ન હતું આપતું. (૭)હું ત્યારે ભાંગી ગઈ જ્યારે બે વખત મારે મારી મરજી વિરુદ્ધ abortion કરાવું પડ્યું. (૮)આજે મારે મારૂ જીવન ટૂંકાવાનું પગલું મારા ઘરની પરિસ્થિતીને લીધે નહીં પણ મારા માવતરના લીધે ભરવું પડ્યું છે. મને જે ગમતો હતો તે યુવક સાથે તેઓ લગ્ન કરાવા તૈયાર ન હતા. (૯)મને વિશ્વાસમાં રાખી કે તેમણે જે યુવક શોધશે તે યોગ્ય હશે પણ તેઓ આનાથી વધારે ખોટા હોય જ ના શકે. (૧૦)મારો પૂર્વ પ્રેમી મને સ્વીકારવા તૈયાર છે પણ તે કહે છે હવે, હું એકવાર લગ્ન કરી લઉં તારી જેમ. પછી પેલીને ડિવોર્સ આપી તારી સાથે લગન કરું, ચાલશે? (૧૧)ડીવોર્સ લઈ હું મારા માવતરના માથે બોઝ બનવા નથી માંગતી કે (૧૨)ના હું નોકરી કરવાનું સ્વતંત્ર ગુમાવા માંગુ છું. મને ગમે છે મારા માટે પૈસા કમાવું, પણ હવે જરૂર નથી. (૧૩)હું મારા પેરેન્ટ્સના મનમાં સંદેહ ઊભો કરવા નથી માંગતી કે મેં જાણી જોઈને મારૂ લગ્નજીવન બરબાદ કર્યું કારણ હું કોઈ અન્ય વ્યક્તિના પ્રેમમાં છું. હું નથી હવે. ના, હું લગ્ન પછી કોઈના પ્રેમમાં હતી. તેમની દીકરી આખી જિંદગી તેમની માનીતી રહી પણ તેઓ દીકરીની એક ના માન્યા. મારા પતિથી હું પ્રમાણિક હતી પણ ઈશ્વરે મારા માટે કોઈ પુરુષનું સુખ ન હતું લખ્યું માટે જ બધુ થયું. આજે હું જઈ રહી છું મારા અજાત બાળકો પાસે. હું કોઈ વ્યક્તિને દોષ નથી આપતી દોષ મારા નશીબનો. કાશ, દરેકને પોતાની ભૂલ સમજાય.”

 

                                    નાના મામા મૃત વધૂનું મુખ જોઈ રહ્યા. જેમાં તેમને પોતાની ભત્રીજી દેખાઈ. જેના લગ્ન તેઓ સિરામિક ફેક્ટરીવાળા છોકરા સાથે ન હતા થવા દેવા માંગતા. કેવી રીતે તે આ ભેદ ના સમજી શક્યા? તે સિરામિકવાળા કરતાં વધારે અતિશય નશાખોર તેમનો દીકરો હતો. કેવી રીતે તેમણે આવું કોઈ અન્યની દીકરી સાથે થવા દીધું? નશામાં ધૂર્ત પુત્રને દીવાલે ટેકો લઈ ઉભેલો જોયો. તીવ્ર ઘેનના લીધે તેના હાથ કાંપી રહ્યા હતા, તે હોશમાં રહેવા વારે ઘડીએ મુંડી આમ-તેમ ઝુલાવી રહ્યો હતો. મૃત પત્ની સાથે આગળ શું કરવું એ બાબતના લીધે તે સ્વસ્થ દેખાવા માંગતો હતો. મામાના મનમાં દોષભાવ જાગ્યો. વિત્યા સમયમાં તેમણે એક દીકરી બચાવી લીધી હતી અને આજે એક મારી નાખી. આ પુત્ર પ્રેમ હતો કે સામાન્ય દેખાદેખીની વહશત? પોતાની રડતી પત્ની, પોતાના પીધેલા પુત્ર અને મૃત વધૂ તરફ નાના મામાએ મિંટ માંડી અને વિચારતા રહ્યા ભૂલ ક્યાં થઈ?

 

-કીર્તિદેવ