ભાગ -૧
ભારત દેશની આર્થિક રાજધાની ગણાતું શહેર એટલે માયાનગરી મુંબઈ.
મુંબઈની સમૃદ્ધિ અને વેપાર- રોજગાર આગળ ખરેખર વિદેશી શહેરો પણ ઝાંખપ અનુભવતા હતા .મુંબઈના બંદરે દુનિયા આખીની સ્ટીમરો આવતી. ભારતભરમાં આ માયાનગરી 'ચોરાશી બંદરનો વાવટો' ગણાતું .દેશભર ની વિવિધ પ્રવૃત્તિઓનું તે કેન્દ્ર હતું. તેની છાતી ઉપર શ્રીમંતોના ભવ્ય મહેલો, બાગ -બગીચા, મિલો અને વિવિધ ઉદ્યોગોના કારખાનાઓની સાથે ફિલ્મી કલાકારો ના શાહી બંગલાઓ, ધનાઢ્ય લોકોની હવેલીઓ અને કરોડપતિલોકોના મહેલો આવેલા હતા. એ સાથે જ એ મહેલોને કારખાનામાં પાયાની પૂરણી પુરવા માટે કંગાલોનો પણ ત્યાં તૂટો ન હતો.
આખો દિવસ શ્રીમંતોની ધનલાલસાને પહોંચવા માટે કચળાતા કંઈક કંગાલોને જોતા અને શ્રીમંતો ઉપર ગુસ્સે થતા સૂર્યદેવ રાત્રિના ભયંકર કાવાદાવાઓનો વારસો મુંબઈની ધરતીને સુપરત કરી ક્રોધભર્યું પોતાનો લાલ મુખ પશ્ચિમાકાશે સંતાડી ગયા હતા.
જગતમાં બધે જ હોય છે તેમ મુંબઈમાં પણ સાધુતા પાછળ સેતાનિયત હતી સમૃદ્ધિ પાછળ જ ચૂસણ નીતિ તેનું કાળ ડાચું ફાડીને ઊભી હતી. દિવસનો શરાફી શહેર રાતે સેતાનોના સામ્રાજ્ય સમું બની જતું. એ સામ્રાજ્યનો સામનો કરવા માટે ગુપ્તચર ખાતુ, મિલીટરી ખાતું ,ન્યાય ખાતું ક્રાઈમ બ્રાન્ચ વગેરે પૂરતા પ્રમાણમાં રાખવામાં આવેલા હતા;છતાં રાતના રાજાઓનું લશ્કર આવા મારા સામે પણ મચક નહોતું આપતું .રાત અને દિવસ મુંબઈના ભવ્ય એરિયામાં આવેલ સિક્રેટ પોલીસ ખાતાની ઓફિસમાં, ફિંગર પ્રિન્ટો નામચીન ગુનેગારોના ફોટાઓ, પગના આકારો,સુરાગોની અવિરત તપાસ ચાલ્યા જ કરતી. મુંબઈનું સિક્રેટ પોલીસ ખાતું -ક્રાઈમ બ્રાન્ચ દેશભરમાં પ્રખ્યાત ગણાતું. તેના એ ખાતામાંથી અમુક અમુક વ્યક્તિઓએ તો સારી નામના પણ મેળવી હતી
ઇન્સ્પેક્ટર અજુૅન સિંહ એવી વ્યક્તિઓમાંના એક હતા.આ યુવાન ઇન્સ્પેક્ટર તેમની મર્દાનગી અને હિંમત માટે ખૂબ વખણાતા હતા આજે પણ તેઓએ અગત્યના કાગળિયાં ઉથલાવતા હતા અને એની પાસે જ પડેલ મુંબઈના મેપ ઉપર કેટલીક સાઇન કરતા જતા હતા. બરાબર એકનો ડંકો એમની સામેની જ દિવાલે ટાંગેલા મોટાં ભીંત -ઘડિયાળમાં વાગ્યો ને તેઓ ચમક્યા! બે વાગે તો એમને અમુક અગત્યના કારણસર એક સિક્રેટ વિઝીટ આપવાની હતી ,અને હજુ સુધી તો તેઓ જમ્યા પણ ન હતા .તેઓએ ઝટપટ કાગળિયાં ગોઠવવા માંડ્યા .હજી છેલ્લો કાગળ તેઓ ગોઠવે છે,ત્યાં તો તેમની ઓફિસનું બારણું ખુલ્યું અને એક યુવાન અંદર આવ્યો. તેણે વ્હાઈટ ટીશર્ટ ,બ્લુ જીન્સ ઉપર ડેનિમ જેકેટ અને બ્રાન્ડેડ સ્પોર્ટ શૂઝ માં તે યુવક દીપી ઊઠતો હતો.ખડતલ બાંધો સ્માર્ટ લુક અને એકદમ ઉંચી હાઈટને તેની જ સપ્રમાણમાં વજન,પહેલી દ્રષ્ટિએ જોનાર ભાગ્યે જ કહી શકે કે 'આ યુવાન નવ માસની જેલ ભોગવી આજે જ છૂટ્યો છે.' પણ ઇન્સ્પેક્ટર અર્જુન સિંહ તુરત જ આ યુવાનને ઓળખી ગયા. તેને પકડનાર તેઓ પોતે જ હતા તેઓ યુવાનને ઉદ્દેશીને કાંઈક બોલવા જાય છે, ત્યાં તો તે યુવાન જ બોલ્યો : ' સાહેબ, હું છૂટી ગયો છું, અને ત્યાંથી લાઈફમાં નવો પ્રકાશ લેતો આવ્યો છું.હવેની લાઈફ એક સારા માણસ તરીકે ગાળવાની અભિલાષા છે.'
'કાર્તિક ,તું તારા નવા જીવનમાં સુખી અને ખાનદાની યુવાનને શોભે એવી સાચી પ્રતિષ્ઠા મેળવ એમ હું ઇચ્છું છું. યુવાની એ મનુષ્ય જીવનમાં ખૂબ જ અગત્યનો તબક્કો છે . યુવાની ઉપરથી જ જીવનની સફળતા કે નિષ્ફળતા આંકી શકાય છે. તને ખબર છે?! યુવાનીનો સમય બહુ તીવ્ર રીતે પ્રચંડ વેગથી પસાર થતો હોય છે જાણે પૂરમાં ગાંડીતુર થયેલી કોઈ સરિતા,એ જે તરફ વહે છે એ રાહ સુંદર હોય તો જીવન સુખી બને છે અને એ રાહ જો અયોગ્ય હોય તો જીવન ઊંડી ખીણમાં ગબડે છે રાહની પસંદગીનો નિર્ણય કરવામાં જ સાચું મહત્વ છે. તું તો ખાનદાની નબીરો છે તારા માટે રાહ બદલવો અશક્ય નથી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. એ ભૂલ સુધારવામાં જ સાચી મર્દાનગી છે. કાર્તિક, મને આશા છે કે હવે પછી તું એક ગુનેગાર તરીકે નહિં ,પણ એક મિત્ર તરીકે મને મળીશ.
સાહેબ, આપની સલાહ બદલ હું આપનો આભાર માનું છું .ગુનેગારોને કાળ જેવા લાગતા એક પોલીસ અધિકારીઓમાં પણ આવું હૃદય હોય છે એ મેં આજે જ જોયું.'
ઈન્સ્પેક્ટર અર્જુનસિંહ આ બોલકા યુવાન તરફ ઘડીભર જોઈ રહ્યા તેમને થયું કે : 'શું કાર્તિક ખરેખર બદલાયો છે ?'પ્રશ્ન વાસ્તવિક હતો અત્યાર સુધીની કાર્તિકની કારકિર્દી એ પ્રશ્ન ઉપજાવે તેવી જ હતી. મુંબઈ માં આતંક ફેલાવનાર સુલતાનની એક ભયંકર ગેંગ વર્ષોથી ઉલ્કાપાત મચાવતી હતી. પૈસા પડાવવા, વેશ પલટો કરી ચાલાકીથી શ્રીમંતોના મિત્ર કે નોકર બની વખત આવે તિજોરીના તળિયા સાફ કરવા સામી છાતીએ ધડાધડ કરી લૂંટ કરવી, કિડનેપીંગ અને ખંડણી ઉઘરાવવી એ બધા જ આ ગેંગના મુખ્ય કામ હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે વર્ષોથી ક્રાઇમ બ્રાન્ચ, સ્પાય ડિપાર્ટમેન્ટ અને પોલીસ ખાતું આનો પતો મેળવવા મથતું હતું છતાં તેઓ હજી સુધી નિષ્ફળ જ ગયા હતા. એ ગેંગ નો લીડર એટલી સફળતાથી કામ લેતો કે મુંબઈનું દેશ ભરમાં પ્રખ્યાત સ્પાય ડિપાર્ટમેન્ટ પણ આશ્ચર્ય પામી ગયું હતું. કાર્તિક ઉપર આ ગેંગના સભ્ય હોવાનો શક રહેતો.
ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ કાર્તિક જેવા જેલમાંથી છૂટીને આવતા ગુનેગારોના સુંદર શબ્દોથી ભોળવાય તેવા કાચા કાનના ન હતા છતાં એનું યુવાની હૃદય યુવાનોને દેશનું ઉજ્જ્વળ ભવિષ્ય બનવાને બદલે ગુંડા બનતા જોઈ દુઃખ અનુભવતું એથી જ એ મળવા આવનાર ગમે તેવો ભયંકર ગુનેગાર હોય તો પણ શિખામણના બે શબ્દો કહેતા.
'કાર્તિક, પોલીસોને પણ હૃદય તો હોય જ છે તેમને પણ બાળકો, મિત્રો અને સંબંધીઓ હોય છે, છતાં તેઓને ફરજ ના ભાગ રૂપે ગુનેગારો સામે કડક બનવું પડે છે. કારણ કે તેઓને પ્રજાને સેવા માટે રોકવામાં આવેલા હોય છે પ્રજાનો ત્રાસ દૂર કરવો એ એમની પહેલી ફરજ છે.'
'એ તો બરાબર છે. સાહેબ,આપ આપની ફરજમાં મહાન બનો અને ખૂબ સફળતા પ્રાપ્ત કરો એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે.'
કાર્તિક જ્યારે આ શબ્દો બોલતો હતો ત્યારે ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ કાગળિયાઓનું બડંલ બાંધી ટેબલના ખાનામાં ગોઠવતા હતા, એટલે એમની નજર કાર્તિકની આંખો ઉપર ન હતી. નહીંતર એ ચાણક્ય ઇન્સ્પેક્ટર તુરંત જ સમજી જાત કે આ બધું પથ્થર ઉપર પાણી ઢોળવા જેવું છે .કાર્તિક ની આંખોમાં તે વખતે ભારોભાર લુચ્ચાઈ અને પાખંડ ભરેલા હતા. ઇન્સ્પેક્ટર ખાનું બંધ કરી ઉભા થયા, અને બોલ્યા : 'હં,પણ તારા સાથીદાર નું શું થયું? છે તો લહેરમાં ને? તું પકડાયો ને તેં તેને પણ પકડાવ્યો ,કેમ ખરું ને?
'સાહેબ ,આપને નથી લાગતું કે મેં તેની અને લોકો ની એ રીતે તો એક સેવા જ કરી છે? જો મેં એમનો પોકળ બહાર પાડ્યું ન હોત તો તે ભવિષ્યમાં બીજો ગુનો કરવા પ્રેરાત અને એ રીતે લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડેત. બીજું મેં ન કહ્યું હોત અને ભવિષ્યમાં પોલીસ ખાતાને તેના ગુનાની ખબર પડી જાત તો તેને પકડવાનો પ્રયત્ન થાત અને તે ભાગતો, છુપાતો આમતેમ ભટકતો જંગલો વગેરેમાં રખડી જીવ ખોત એ કરતા એના માટે જેલ શું ખોટી છે?'
'એના માટે જેલ શું ખોટી છે ?'એ શબ્દો સાંભળી ઇન્સ્પેક્ટર આ યુવાનનું ખુરાટી માનસ સમજ્યા હોય તેમ ચમક્યા .બીજી જ પળે તેઓ સ્વસ્થ થતાં આગળ આવ્યા અને કાર્તિકના ખભે હાથ મુકતા બોલ્યા: ' કાર્તિક! હવે તું જઈ શકે છે. મારે પણ જમવા જવું છે. તારું ભવિષ્ય સુધારવા પ્રયત્ન કર એમ ઈચ્છું છું.'
'સલામ સાહેબ, આપની શુભ લાગણી બદલ આભારી છું .કહી ઓફિસની બહાર નીકળી ચાલતો થયો.
શું ખરેખર કાર્તિક બદલાયો છે ?શું ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ ની શિખામણ ની અસર થશે??? જાણવા માટે વાંચતા રહો આખરી અંજામ......