છપ્પર પગી - 72 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 72

છપ્પર પગી ( પ્રકરણ -૭૨ )
——————————
‘તમે સ્વામીજી વિશે વાત કરો છો ને ? મને પણ કેટલાંયે વખતથી સ્વામીજી વિશે બહુ જ કુતૂહલતા થાય છે… મે મમ્મીને પણ ઘણી વાર પુછ્યુ પણ હંમેશા કહે કે સમય આવ્યે કહીશ … સમય આવ્યે જણાવીશ… પણ ક્યારે એ સમય આવશે ?’
પલ ને પણ અભિષેકભાઈ અને શેઠાણી જેટલીજ તાલાવેલી હતી કે સ્વામીજીના પૂર્વાશ્રમ બાબતે કંઈ સચોટ માહિતી મળે, ખાસ કરીને શેઠ આજે સવારે જે સ્થિતીમાં હતા અને હવે લાકાર્પણ માટે સામેલ થઈ શક્યા હતા તે બાબત અભિષેકભાઈ માટે કોઈ સાક્ષાત્કારથી ઓછી ન હતી એટલે એ રાત્રે અભિષેકભાઈ પોતાના પિતાજીનાં રૂમમાં જાય છે. એમણે વાતની શરૂઆત કરતા પૂછ્યું, ‘સવારે મમ્મીએ તમને આરામ ખુરશી પરથી જગાડ્યા તો તમે કેમ જાગ્યા નહીં ? મેં પણ તમને ઊંડી નિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો તો પણ તમે કોઈ જ જવાબ ન આપ્યો પછી સ્વામીજી સાથે તમે કેવી રીતે બહાર કાર સુધી આવ્યા ?’
શેઠાણીને પણ આ બાબતે ભારે કૂતુહલ હતું જ એટલે એમણે પણ પૂછ્યું , ‘ કેમ હવે મારો અવાજ નથી ઓળખતા કે શું ?’
શેઠ માટે પણ આ એક કોયડો જ હતો.. એમણે જવાબ વાળ્યો, ‘ હું તમે તૈયાર થઈ રહ્યા હતા તે વખતે હોસ્પીટલ કેવી હશે ? બધુ બરોબર હશે કે કેમ ? કેટલાં બધા લોકોને લાભ મળશે એવાં વિચારો માં મગ્ન હતો, પછી એકાએક જ શું થયું મને ખબર જ ન પડી અને મારી આંખો મિચાઈ ગઈ હતી. હું જ્યારે જાગ્યો એ વખતે તો માત્ર સ્વામીજી જ રૂમ માં હતા. એમનો એક હાથ મારા મસ્તિષ્ક પર હતો… મને છેલ્લે એટલું જ યાદ છે કે સ્વામીજીએ મને કહ્યું હતુ કે અત્સારે તમે આ રીતે નિદ્રાદેવીના શરણે જઈ રહ્યા છો તે યોગ્ય નથી… બધા તમારી રાહ જુએ છે… ચાલો જાગો દિવ્યાત્મા…આપણે આ દિવ્ય કાર્ય માટે સંમિલિત થવાનું જ છે.. બસ મને એટલી વાત ખબર છે. હું જાગ્યો , મેં તમને જોયાં નહી એટલે સ્વામીજીને પૃચ્છા કરી તો એમણે જવાબ આપ્યો હતો કે તમે મારી બહાર રાહ જોઈ રહ્યા છો..બસ અમે આવ્યા અને આપણે હોસ્પીટલ પહોંચ્યા.’
શેઠાણી અને અભિષેકભાઈ માટે ફરી એ બાબત એક ગૂઢ રહસ્ય જ રહ્યુ કે પલ્સ બિલકુલ ન હતા તો આ કેમ શક્ય બન્યું … એ લોકો વિચારતા જ રહ્યા કે આ રહસ્ય સ્વામીજી પાસે જ હવે અકબંધ રહી ગયું છે.
એ રાત્રે બધા એક અલૌકીક કાર્ય સંપન્ન બન્યું હતુ એ આનંદ સાથે સુઈ જાય છે. બીજા દિવસે મુંબઈથી આવેલ પરીવાર પરત જવા રવાના થઈ જાય છે અને હરિદ્વારમા રહેતા બધાં પોતાનાં કાર્યમાં પરોવાઈ જાય છે.
પલ રસ્તામાં પોતાની મા નું બાવડું પકડીને લપાઈને ટ્રાવેલિંગ દરમ્યાન બેસી રહે છે અને કહે છે, ‘મા તું મને સ્વામીજી બાબતે ક્યારે વાતો કરીશ ? મારે એમનાં જન્મથી માંડી અત્યાર સુધીની બધી જ વાતો જાણવી છે..!જ્યારે પણ એ વાત કાઢું ત્યારે તું ટાળી દે છે.’
‘બેટા…તું મને વારંવાર પુછે છે પણ મને પણ સ્વામીજીના હરિદ્વાર આવવા પછીની જ હકીકતની જાણ છે.. એમનો જન્મ, ઉછેર , શિક્ષણ , નોકરી, રિટાયરમેંટ, એમનો પરીવાર , આધ્યાત્મિક યાત્રા કે આધ્યાત્મિક સિદ્ધીઓ બાબતે કંઈ જ વિગત ખબર નથી.. પૂર્વાશ્રમ માં એ શિક્ષણ સાથે સંકળાયેલ હતા અને હરિદ્વારમાં પહેલી વખત જ્યારે હું આવી ત્યારે જે રીતે મારે એમની ભેટ થઈ એ મારા માટે એક મોટી ચમત્કારિક ઘટના હતી. મારી આ સમગ્ર જીવનયાત્રામાં એ મૂલાકાત એક આવકારદાયક નવો જ વળાંક હતો. મુંબઈમાં જ્યારે આપણે સંપન્ન બન્યા , બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ હતી, મોટાશેઠે તારા પપ્પાને બિઝનેશમાં તક આપી, તારો જન્મ થયો પછી જીવનમાં સતત સુખ, સમૃદ્ધિ અને સંસ્કારની વદ્ધિ થઈ રહી હતી પણ મને સતત એવાંજ વિચારો આવતા હતા કે મને કોઈ ગંગા તિર્થે બોલાવે છે… મારે હરિદ્વાર જવુ જોઈએ. એ વખતે મેં તારા બાપુ ને જણાવ્યું તો મને તરત જ જોડે લઈને હરિદ્વાર આવ્યા હતા.. તું નાની હતી એ યાત્રા દરમ્યાન જે ઘટના બની હતી તે દિવસથી આજ દિવસ સુધી સ્વામીજીના સંસર્ગમાં આપણો પરીવાર છે અને એમનાં આશીર્વાદ થકી જ આપણે યોગ્ય માર્ગે જીવન વ્યતિત કરી રહ્યા છીએ..’
‘હા… પણ મા મને તું બધી જ વાત કર મારે એ બધું જ જાણવું છે..’ પલે અધિરાઈપૂર્વક એ ઘટના જાણવા પ્રશ્ન કર્યો.
ક્રમશઃ
લેખકઃ રાજેશ કારીયા