છપ્પર પગી - 69 Rajesh Kariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છપ્પર પગી - 69

છપ્પર પગી ( પ્રકરણ -૬૯ )
——————————
બધા સુવા જઈ રહ્યા હતા એ વખતે પ્રવિણે બલવંતસિંહ ને રોકી ને કહ્યું, ‘ ભાઈ ઈશ્વર ખૂબ દયાળુ છે. કોઈને કોઈપણ રીતે કોઈપણ સ્વરૂપે આપણી મદદ માટે મોકલી જ આપતો હોય છે. અમારી જીંદગીમાં પણ અમને બન્ને ને એકબીજાના પૂરક બનાવીને મોકલી આપ્યા હતા. આજે તમને પણ મોકલી આપ્યા..!’
‘ કેમ મને ? સમજાયુ નહી.’
‘લક્ષ્મી તરફથી કોઈ જ એવો પરીવાર ન હતો જ્યાં એ સુખદુખની વાત કરી શકે કે પોતાનુ હૈયું ઠાલવી શકે.. આજે એ કમી હતી એ પણ પુરી થઈ ગઈ…અને મારે પણ…!’
‘તમારે પણ ? એ ન સમજાયુ ?’
‘હા.. મારે પણ. કેમ કે આ બન્ને સ્કૂલ માટે આપણું પોતાનુ પણ કોઈ અંગત વ્યકતિની અમને જરૂર હતી જ. તમારું બેકગ્રાઉંડ આર્મિ નું છે.. બાળકોને ફિઝીકલ ફિટનેશ, સ્પોર્ટ્સ, ગેમ્સ માટે કોઈ આપનાં જેવા વ્યક્તિ માર્ગદર્શન આપે અને સાથે સાથે લોકલ કમિટીમાં પણ હોય તો બહુ ફર્ક પડે. અમે બન્ને તો અમારા એનજીઓ અને હરિદ્વારની હોસ્પીટલના કામ માં વ્યસ્ત હોવાના એટલે સ્થાનિક કોઈ આપનાં જેવા મિત્રની મદદ મળે તો સરપંચને પણ હૂંફ રહે અને વહીવટ સરળ થઈ જાય ને.. અલબત્ત આપને રેમ્યુનરેશન પણ ચોક્કસ આપીએ જ પણ પૈસાથી માત્ર સર્વિસ મળે, જોડે સંબંધ હોય તો સેવાભાવ પણ જોડાઈ જાય… તો આપ એ બાબતે..’
પ્રવિણની વાત પુરી થાય એ પહેલાં જ બલવંતસિંહે કહ્યુ, ‘સોરી પ્રવિણ શેઠ’
‘અરે કેમ સોરી ? અને આ પ્રવિણ શેઠ તરીકે સંબોધન ?’ પ્રવિણે અધિરાઈથી પૂછ્યુ.
‘હા.. શેઠ જ ને વળી… તમે વાત જ શેઠ જેવી કરી તો શેઠ જ કહેવું પડે ને !’
એટલી વારમાં તો લક્ષ્મી પ્રવિણને બોલાવા આવી અને કહ્યું , ‘અરે તમે બન્ને હજી વાતો કરો છો ! ચાલો વહેલા સૂઈ જાઓ તો વહેલી સવારે નિકળી જવાય અને પરમદિવસે તો હરિદ્વાર જવાનું થશે.’
‘હા લક્ષ્મી જરૂર… પણ આ બલુભાઈને જરાં માઠું લાગ્યું હોય તેમ લાગે છે.’
‘અરે ભાઈ કેમ શેનું માઠું લાગ્યુ છે તમને !’ લક્ષ્મીએ આત્મિયતાના ભાવથી પૂછ્યું.
‘ભાભી … માઠું લાગવા જેવી જ વાત કરી છે તો… એમને તમારી સ્કૂલ માટે મારી રેમ્યુનરેટેડ સેવાઓ જોઈએ છે ..! બોલો હવે માઠું ન લાગે તો શું થાય..?’
‘પ્રવિણ તમે પણ ખરા છો… ભાઈ ની વાત સાચી છે. એમને શાનું રેમ્યુનરેશન આપવાનું વળી..એ તો જરૂર પડશે તો પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢશે વળી. પેન્શન આવે છે, દિકરી સાસરે છે, સુખી છે. દિકરો પોલીસ ઓફિસર છે, જમીન જાયદાદ છે… સારી આવક છે. કરશે એ તો ઠીક લાગે તે કંઈ પણ કામ અને મદદ પણ કરે જ ને વળી.. એમાં શું નવાઈ ? કેમ ભાઈ બરોબર ને ?’
બલવંતસિંહે હવે ઉત્સાહથી જવાબ આપ્યો, ‘બિલકુલ સાચી વાત કરી ભાભી તમે..! આ પ્રવિણ શેઠને સમજાવો કે જૂદારો ન રાખે. તમે લોકો આટલું બધુ વતન માટે કરો છો તો અમારી પણ ફરજ બને જ છે ને.. એમાં વળી પૈસો ક્યાં વચ્ચે આવ્યો. મને તો ગમતી સરસ પ્રવૃતિ મળશે ને સમય પણ પસાર થશે..’
‘ સોરી સોરી બલુભાઈ… પણ આપણે પહેલી જ વાર મળ્યા એટલે મને એ રીતે હક થી વાત કરવાની હિંમત ન થઈ.. પણ તમે હવે આ બન્ને સ્કૂલ્સ માટે શક્ય સમય ફાળવજો. સ્થાનિક કમિટી માટે અન્ય યોગ્ય નામો પણ વિચારજો એટલે અમે વધારે નચિંત બની જઈએ.’
પ્રવિણ ને હવે વધારે રાહત થઈ. એ રાતે સરસ રીતે ઉંઘ કરી, વહેલી સવારે જાગી તૈયાર થઈ ને મુંબઈ જવા નીકળવાની તૈયારી કરે છે.
રિવાબાએ વહેલી સવારે જાગી સૂકી ભાજી, થેપલાં ભરી આપે છે અને લક્ષ્મીના હાથમાં પાંચસો રૂપિયા પણ આપે છે. લક્ષ્મી પણ લાગણીથી આપેલ આ રોકડ સ્વીકારી, રિવાબા ને ભેંટી, બલુભાઈને પ્રણામ કરી સહર્ષ વિદાઈ લે છે.
એ દિવસે સાંજે મુંબઈ પહોંચી ગયા પછી, ફોન પર જરૂરી બિઝનેશ અને એનજીઓ સંબંધિત વાતચીત, સૂચનો કરવાનાં હતા તે આટોપી લઈ, શેઠ અને શેઠાણીને મળવા જાય છે. એમની જોડે ખબર અંતર પૂછી, હવે કાલે તેઓ હરીદ્વાર જઈ રહ્યા છે અને હોસ્પીટલના ઉદ્ધાટન અંતે તારીખ નક્કી કરીને જ આવશે અને એ પણ જણાવે છે કે તમારા બન્ને ના શુભ હસ્તે આ હોસ્પીટલનું લોકાર્પણ થાય એવી વાત પણ જણાવે છે… ત્યારે શેઠ અને શેઠાણી બન્ને એ કહ્યું કે શુભ કાર્ય આપણે સ્વામીજી જોડે જ કરાવીએ. આવું દિવ્ય કાર્ય સંતોનાં હસ્તે સિદ્ધ થાય તે જ યોગ્ય… એ હોસ્પિટલને તમે લોકોએ અમારું નામ આપ્યું છે એ ઓછું છે ..! અમને તો એ પણ યોગ્ય ન લાગ્યું પણ પલ ની જીદ સામે લાચાર થઈ ગયા હતા એટલે અમે જીદ છોડી… હવે તો લોકાર્પણ સ્વામીજી કરે એ જ યોગ્ય અને એમ જ કરીશું…પ્રવિણે ક્યારેય શેઠની વાત ન ઉથાપી હોય અત્યારે પણ ‘ભલે શેઠ… જેમ આપ કહેશો એમ જ કરીએ..’
બન્ને ત્યાંથી વિદાઈ લઈ , તેજલબેન ના ઘરેથી પલને લઈ પોતાનાં ઘરે જાય છે.
અગાઉ ફોન પર નક્કી કર્યું હતું તે મુજબ ,બીજા દિવસે પલ, તેજલબેન, લક્ષ્મી અને પ્રવિણ એરપોર્ટ પર પોતાની કાર પાર્ક કરી, દિલ્હી સુધી ફ્લાઈટ અને પછી ટેક્ષી હાયર કરી હરિદ્વાર પહોંચી જાય છે.
વિશ્વાસરાવજી હવે બિલકુલ સ્વસ્થ હતા.આ લોકોની ટેક્ષી આશ્રમ પહોંચી તો ગાર્ડનમાં ટહેલતા જોવા મળ્યા.
એ લોકો પોતાનો સામાન આશ્રમના સેવકોને સોંપી રૂમમાં જવાને બદલે સીધા જ સ્વામીજીને મળવા પહોંચે છે.
સ્વામીજી પોતાની કુટિર માં કંઈ લખી રહ્યા હતા.. પણ તરત એ છોડી આ લોકો જોડે વાત કરવા બેસે છે.
‘સારું થયું લક્ષ્મી… બેટા તું આવી ગઈ. આપણી હોસ્પીટલનો પહેલો ફેઝ હવે પુરો થઈ જ ગયો છે, બીજો ફેઝનું કામ પણ ખૂબ ઝડપથી પૂર્ણ થઈ જશે…. શેઠ અને શેઠાણી ની તબીયત કેવી છે ? એ લોકો આવી શકે તેમ છે ને ? પેલા ચારેય ડોક્ટર્સ મહાનુભાવો તો હવે હોસ્પીટલમાંજ રોકાઈ રહે છે.. રાત્રે સુવા પણ આશ્રમ નથી આવતા..તમે ત્યાં જઈ આવો, જાતે જોઈ લો… બધું જ સંતોષકારક કામ થયું છે, જો અનુકૂળતા હોય તો આજે જ નક્કી કરી લો… તો કાલે મળીને તિથી નક્કી કરીએ અને શેઠ શેઠાણી ને લઈને આવો એટલે કરીએ શુભસ્ય શિધ્રમ…’
લક્ષ્મીએ કહ્યું , ‘શેઠ અને શેઠાણીને પ્રમાણમાં ઘણું સારું છે પણ હવે આ દિવસ જોવા જ રાહ જોઈ રહ્યા હોય તેમ લાગે છે… એટલે આપ નક્કી કરો એ દિવસે અમે બધા ફરી આવી જઈએ.. પણ શેઠની ઈચ્છા છે કે લોકાર્પણ આપનાં વરદ હસ્તે જ થાય… એટલે આપ એ બાબતે અમને નિરાશ ન કરશો.’
સ્વામીજીએ કહ્યુ, ‘હા… મને અભિષેકભાઈએ આ વાત કરી હતી કે પપ્પાજીની ઈચ્છા એવી છે.. એ આપણાં સૌના વડીલ છે એમની જે ઈચ્છા હશે તેમ કરીએ તેમાં કોઈ પ્રશ્ન નથી. ઈશ્વરની મરજી હશે તેમ થશે.તમે લોકો ફ્રેશ થઈ, હોસ્પીટસ જઈ આવો પછી સાંજે આગળનું આયોજન વિચારીએ.
આ લોકો બધા થોડી વાર પછી હોસ્પીટલ પહોંચે છે. કાર હોસ્પીટલનાં વિશાળ કમ્પાઉંડમાં પ્રવેશે છે અને કારની બહાર પગ મૂકતાં જ એક વિશાળ હોસ્પીટલનું બલ્ડીંગ દ્રશ્યમાન થાય છે..જેવી કલ્પના કરી હતી તેવી સ્વપ્નવત બેજોડ હોસ્પીટલ નજર સામે દેખાય છે… હવે બિલકુલ રાહ જોઈ શકાય તેમ હોય, ઉતાવળે પગલે કંપાઉન્ડ છોડી મુખ્ય બિલ્ડીંગમાં પ્રવેશે છે.પ્રવેશ દ્વાર પછી તરત નાનકડું મંદીર, મંદીર પછી વિશાળ કવર્ડ પેસેજ એ પેસેજ ને અદ્ભુત રીતે સજાવેલ હતો… બિલકુલ વચ્ચે શિવની વિશાળ મૂર્તિ , એની જટામાંથી નીકળી રહેલ અખંડ ગંગાજી, એની ફરતે નાનકડું પોન્ડ, એમાં કમળ ખીલેલ હતા, ફરતે ઈન્ડોર પ્લાન્ટેશન અને દરેક બે પ્લાન્ટ વચ્ચે
ધનવન્તરી, ચરક, પતંજલિ ,સુશ્રુત, બાગભટ્ટ, પુનર્વસુ, કૃષ્ણાત્રેય, અગ્નિવેશ, ભેલ, હારિત, જતૂકર્ણ અને ક્ષારપાણિ જેવા અનેક મહાન રૂષિઓની પ્રતિમાઓ , મુખ્ય બિલ્ડીંગમાં આગળ જતાં રિસેપ્શન વિગરે બધું જ જે વિચાર્યુ હતુ તે દ્રષ્ટિવંત થઈ રહ્યું હતુ. લક્ષ્મી અને પ્રવિણનો તો હર્ષ સમાતો ન હતો.
એ લોકો આગળ જઈ રહ્યા હતા તે વખતે બન્ને ડોક્ટર્સ કપલ એમને લેવા માટે સામે આવે છે. એમની જોડે જઈ આખી હોસ્પીટલ ફરે છે.. ડોક્ટર્સ બધુ જ સમજાવતાં જાય છે… એ લોકો ને પણ ખૂબ સંતોષ થયો હોય તે રીતે હોસ્પીટલ નિર્માણ પામી હતી. આખી હોસ્પીટલ, બધા રૂમ્સ, ઓપરેશન થીએટર્સ, મેડીકલ ઈક્વીપમેન્ટ્સ… બધુ જોઈને આશ્રમ પર જવા નીકળી જાય છે.
એ સાંજે સ્વામીજીની કુટિરમાં બધા એકત્ર થાય છે. લક્ષ્મીએ કહ્યુ , ‘સ્વામીજી હોસ્પીટલનુ કામ તો અવર્ણનીય છે… જેવી કલ્પના કરી હતી એથી પણ વધારે સરસ અને સુવિધાસભર છે… બસ હવે જલ્દી તમે શુભ દિવસ સૂચવો એટલે લોકાર્પણ કરી શકાય.’
સ્વામીજીએ કહ્યુ, ‘હું તમારી ભાવના સમજી શકું છું… હવે મોડું કરવાનું કોઈ કારણ નથી…એટલે જ તમને રૂબરૂ બોલાવ્યા હતા કે લોકાર્પણ પહેલાં તમે જાતે જ બધુ જોઈ લો… હવે તમને લોકોને પણ બધુ યોગ્ય લાગ્યું છે તો આજથી બરોબર બારમા દિવસે તેરસ આવે તે “ભગવાન ધન્વન્તરિનો પ્રાગટય દિવસ” છે. જેને વૈદ્યો ધન્વન્તરી જયંતી' તરીકે ઉજવે છે. અને તેની પૂજા કરે છે.
વિષ્ણુભગવાનનાં ચોવીસ અવતારોમાં 'શ્રી ભગવાન ધન્વન્તરિ' બારમો અવતાર છે. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદનાં પ્રવર્તક છે. એટલે આયુર્વેદ-આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વન્તરિ છે. જેણે આ જગતને આરોગ્યશાસ્ત્રની ભેટ ધરી છે. માનવીના દુઃખો દુર કરવા માટે જ તેઓ અવતર્યા હતા. એ કહેવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્યશાસ્ત્રની ઉત્પતિ અને જન્મ ભારતમાં જ થયો છે. આ એક આપણા સહુ માટે ગૌરવપ્રદ અવિસ્મરણીય વિરલ ઘટના છે.
શ્રી ભગવાન ધન્વન્તરિ દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્રમંથન દ્વારા પ્રગટ થયા હતા. આ ઇતિહાસ ભાગવત્- મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. તેમનું કાર્યક્ષેત્ર વારાણસી(કાશી) પ્રદેશમાં રહ્યું હતું. આપણે એ દિવસે જ લોકાર્પણ કરીએ.’
સ્વામીજીએ તો ખરેખર એ પવિત્ર દિવસે જ લોકાર્પણ થઈ શકે એ મુજબ હોસ્પીટલના પહેલા ફેઝનું નિર્માણ કાર્ય પૂર્ણ થાય તેની ચીવટ રાખી જ હતી.. અને એ માટે સતત ફોલોઅપ લઈ જ રહ્યા હતા… પણ ડોક્ટર્સ ટીમને આ બાબતે અણસાર ન હતો. પણ હવે બધા ને સમજાઈ રહ્યું હતુ કે સ્વામીજીની ઉતાવળ કરાવવા પાછળ આશય શું હતો. એ દિવસે લોકાર્પણ થઈ શકે તે માટે હવે જરૂરી આયોજન માટે વિશ્વાસરાવજીને જવાબદારી સોંપી. બીજા દિવસે પ્રવિણ અને બાકીના લોકો મુંબઈ જવા પરત ફરે છે. ડોક્ટર્સની ટીમ બીજા દિવસથી હોસ્પીટલ માટેના જરૂરી ડોક્ટર્સ તેમજ સપોર્ટીંગ સ્ટાફની નિમણુંક માટે ઈન્ટરવ્યુ લેવા વ્યસ્ત થઈ જાય છે. વિશ્વાસરાવજી પોતાની તૈયારીઓ કરવા લાગી જાય છે… આ બધી વ્યસ્તતા વચ્ચે દસ દિવસો ક્યાં પસાર થઈ ગયા એ કોઈને ખબર જ ન પડી. અગિયારસના દિવસે સવારે બધો જ પરીવાર આશ્રમ પર પહોંચી જાય તેમ આયોજન હતું એ મુજબ જ બધા જ હવે હરિદ્વાર આશ્રમ પર પહોંચી જાય છે. શેઠ અને શેઠાણી જાણે આ જ દિવસની પ્રતિક્ષા કરતા હતા અને ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી આયુષ્ય બક્ષ્યુ એ બદલ મનોમન સતત ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા હતા. હવે તો બે દિવસ પછી જેની સૌને પ્રતિક્ષા હતી એ દિવસ પણ આવી પહોંચે છે. સૌ કોઈ વહેલી સવારે હોસ્પીટલ પર પહોંચી જાય છે. શેઠ અને શેઠાણી લોકાર્પણના સમયે જ હોસ્પીટલ પર આવે તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી… અભિષેકભાઈ જાતે જ એ બન્ને ને અને સ્વામીજીને લેવા માટે આવે તેમ નક્કી થયું હતુ જેથી એમની કમ્ફર્ટ સચવાય. નિયત ચોઘડીયે લોકાર્પણ કરવાનુ હતુ એટલે અડધો કલાક પહેલા અભિષેકભાઈ પોતાનાં માતા પિતા અને સ્વામીજીને લેવા આશ્રમ પર આવી જાય છે, પણ…

(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા